સાયર હુંદા સૂર
મેકણ



સાયર હુંદા સૂર


સાયર હુંદા સૂર !
એ જી વાલીડાનાં નેણુંમાં વરસે ઝીણા નૂર !
સાયર હુંદા સૂર !

આવો આવો આપણ મળીએ રે,
કાઢીએ દલડાના કૂડ;
હળીમળીને સાથે રે રિયેં રે,
તો વાલો વરસે ભરપૂર -

ખોટા બોલાનો સંગ નવ કરીએ ને,
ઈ તો આદિ અનાદિના કાઢે કૂડ;
એવાંની સંગત કે’દી નવ કરિયેં રે,
જેની આંખુંમાં બેઠાં રે ઘૂડ -

હરિજન હોય તેને ઝાઝેરી ખમ્મા
જેના હરદામાં હેત ભરપૂર;
એની તો સંગતું દોડી દોડી કરીયેંને,
જમડાને ઈ તો રાખે દૂર -

કાયા માયાનો તમે ગરવ ન કરજો,
ઈ તો છે પેટમૂઠા શૂળ;
મેકણ કાપડી એણી વિધે બોલિયા રે,
જાવું છે પાણીહુંદા પૂર -