← અંક ત્રીજો સાર-શાકુંતલ
અંક ચોથો
નર્મદ
૧૮૮૦
અંક પાંચમો →


અંક ૪ થો
( ઊંધમાંથી જાગી ઉઠેલા કણ્વ ઋષિનો શિષ્ય આવે છે )

શિષ્ય— પ્રવાસ કરી આવેલા ગુરૂ કણ્વે કેટલી રાત્રિ રહી છે તે જોવાની આજ્ઞા કરી છે તો જોઉ. (અહીં તહીં ફરી ઊંચે જોઈ ) રે વહાણું વાયુંછે !

આ તો પ્રભાત થયું દીસે ને રંગ દિશાનો ફરતો રે.–ટેક.
આ પાસાં તો અસ્તશિખરે ઔષધિપતિ ઉતરતો રે;
આપાસાં વળી સૂર્ય ઉગે તે અરુણને આગળ કરતો રે. –આતો૦
જુગલરૂપ એ તેજબિંબના અસ્તઉદયથી ઠરતો રે,
નિયમ લોક વહેવારનો જાણે દશાંતરે અનુસરતો રે. -આતો ૦ ૬૧

ચંદ્ર જાવે કુમુદ સ્મરણશોભા ધરે ના દિયે દૃષ્ટિને મોદ કોએ;
પ્રીતમ પ્રવાસનાં અબળ સ્ત્રીજનને દુસ્સહાં દુ:ખ અતિશેજ હોએ. ૬૨

અન૦— (પડદો ખસેડી-સ્વગત) વિષયની વાતથી દૂર છું, પણ આટલું તો સમજું છું કે તે રાજા શકુંતલા પ્રતિ અનાર્યપણે વર્ત્તે છે.

શિષ્ય— હવે હોમની વેળા થઈ તે ગુરુને જણાવું

(જાયછે )

અન૦— વહાણું વાયું, હવે વહેલી ઉઠું; રે ઉઠીને ૫ણ કરવાની શું હતી ? પ્રભાતે કરવાનાં કામ તેને માટે હાથપગતો લાંબા થતા નથી. જે મદને અપ્રમાણિક રાજા ઉપર શુદ્ધહૃદયની પ્રિયસખીનો વિશ્વાસ બેસાડ્યો તેની તૃપ્તિ થાઓ ! અથવા, તે રાજર્ષિનો અ૫રાધ નથી; દુર્વાસાનો શાપજ તેને પીડે છે,- એમ ન હોય તો જેણે એવી રીતે વિવેક દાખવેલો તે આટલા દિવસ થયા પત્રપણ ન મોકલે ? (વિચારે છે) ઓળખને માટે મુદ્રિકા મોકલાવૃં, પણ એને માટે દેહકષ્ટકર્ત્તા આ તપસ્વીઓમાંથી કોને કહું ? વળી સખીનો દોષ એમ માની બેસી રહેવું, એ ઠીક નહિ વારૂ, એનો તાત પ્રવાસમાંથી અમણાજ અાવ્યો છે તેને મારાથી કહેવાશે નહિ કે એણે દુષ્યંત રાજા સાથે ગાંધર્વવિવાહ કરી ગર્ભને ધારણ કીધો છે; તો હવે શું કરવું?

પ્રિયં૦— (વહેલી વહેલી આવી હરખમાં) અનસૂયા ! વહેલી થા વહેલી થા શકુંતલાનું પ્રયાણમંગળ કરવાને.

અન૦— (વિસ્મયે) અલી ! એ તું શું કહે છે ? કેમ થયું ?

પ્રિયં૦— સાંભળ; નિરાંતે ઊંઘ આવી કે નહિ તે પુછવાને હું સખી પાસે ગઈ હતી.

અન૦— પછી પછી ?

પ્રિય૦— એ લજ્જાએ નીચું ઘાલી બેઠેલી તેટલે તાત કણ્વે આવી અભિનંદન કીધું કે “વત્સે ! સારાં ભાગ્યે, યજમાનની દૃષ્ટિ ધૂમાડાથી રૂંધાયલી છતે તેની આપેલી આહુતી સીધી અગ્નિનાં મુખમાંજ પડી ગઈ. તારે માટે મારે ખેદ કરવાનું નથી, સુપાત્ર શિષ્યને આપેલી વિદ્યા તેમ; તો આજે જ હું તુને ઋષિયોની સંભાળમાં તારા ભર્તાકને મોકલી દેઉછું, ”

અન૦— સખી ! તાતને એ વાત કોણે કહી ?

પ્રિયં૦— તાતે હોમશાળામાં પ્રવેશ કીધો કે શરીરવિનાની છંદયુક્ત વાણી થઈ.

અન૦— કેવી તે ?

પ્રિયંo— સાંભળ-

દુષ્યંતે તેજ અર્ચ્યુ છે જનકલ્યાણકારણ,
કન્યાને અગ્નિગર્ભા એ શમી છે જાણ બ્રાહ્મણ ! ૬૩

અન૦— (પ્રિયંવદાને ભેટી) ગમતું થયું મારૂં; પણ આજજ શકુંતલાને વળાવે છે તેથી ખેદભર્‌યો હરખ થાયછે.

પ્રિયં૦— સખી ! આપણું ગમે તે થાઓ પણ અમણાં તો એ બચારીને સ્વસ્થચિત્તની થવાદો.

અન૦— તો હવે આ આંબાની ડાળે ટાંગેલાં કાચલાંનાં સપુટમાં બકુલફુલમાળા રાખી મૂકી છે સુકાય નહિ માટે, તે તું તારા હાથમાં લે એટલે હું પણ એને અંગે લગાડવાને ગોરોચન, તીર્થમૃત્તિકા ને દૂર્વા એને વાટું છું.

પ્રિયં૦— તેમ કર. (અનસૂયા થોડેક દુર જાય છે ને પ્રિયંવદા બકુલમાળ લે છે )

( પડદામાં )

ગૌતમી ! શારંગરવ તથા શારદ્વતને બોલાવ કે એઓ શકુંતલાની સાથે જવાને સજ રહે.

પ્રિયં૦— (કાનદેઈ) અનસૂયા ! ઉતાવળ કર, હસ્તિનાપુર જનારા ઋષિયોને બોલાવે છે.

અન૦— (વાટેલું મજ્જન હાથમાં લેઈ) સખી, ચાલ જઈએ.

પ્રિયં૦— (જઈને) સૂર્યોદય અમણા થાયછે એટલામાં તો શકુંતલા ચોટલો વળાવી નાહી કરી બેઠી છે ને સ્વસ્તિવાચન કરનારી તાપસી સ્ત્રિયો હાથમાં નમારના દાણા રાખી આશીર્વાદ દે છે; આપણે પણ ત્યાંજ જઈએ.

( શકુંતલા તથા તાપસીઓ દેખા દે છે. )

શકું૦— ભગવતીઓ ! હું વંદન કરૂંછું.

તાપસી ૧— પુત્રિ ભર્તાનું બહુમાન સૂચવતો મહાદેવી એ શબ્દ તું પામ.

તાપસી ર— વત્સે ! વીરને જન્મ આપનારી થા.

તાપસી ૩— બેટા ! ભર્તાની બહુમાનીતી થા.

(ગૌતમી વિના બીજીઓ જાય છે.)

સખીઓ— (પાસે આવો) આ મજ્જન તુને મંગળ થાઓ.

શકું૦— (નિહાળી) આવો મારી સખીઓ ! પાસે બેસો.

સખીઓ— સખી ! સજ થા અમે મંગળ મજ્જન કરીએ.

શકું૦— હવે પછી સખીઓ મને સણગારે એ દુર્લભ થશે. (આંસુ ઢાળેછે)

સખીઓ— મંગળ ટાણે તારે રડવું ઉચિત નથી.

પ્રિયં૦— સખી ! આભરણને યોગ્ય એવાં રૂપને આશ્રમમાંથી સેજ મળેલાં એ વિશોભિત કરીએ છિયે.

(ઋષિકુમાર અલંકાર લેઈ આવેછે. )

–(બેઉ સખીઓને) આ પુષ્કળ આભરણ છે, આયુષ્યમતિને પહેરાવો.

(સૌ જોઈ વિસ્મિત થાયછે.)

ગૌતમી— વત્સ નારદ ! એ ક્યાંથી આણ્યાં ?

નારદ— તાત કણ્વને પ્રભાવે.

ગૌતમી— માયાસિદ્ધિયે ઉત્પન્ન કીધાં શું ?

હારિત— ના; તાતની આજ્ઞાએ શકુંતલાને માટે વનસ્પતીઓ ઉપરથી પુષ્પ અાણવા ગયા તો,

કો વૃક્ષે દિધું ક્ષેમ ચંદ્ર સરખૂં ધોળું સુમાંગલ્ય એ,
ને લાક્ષારસ રંગવા ચરણને દાખ્યો ઝડ્યો કોઈએ;
બીજાએ, નિજ અંકુરોથિ અધિકાં શોભંત કાંડાંલગે,
દેખાતે વનદેવતા કરતળે આપ્યાં બિજાં તે જગે. ૬૪

પ્રિયં૦— (શકુંતલાને જોઈ) વૃક્ષથકી જે અા લાભ થયો તે સૂચવેછે કે તારા પતિને ઘેર રાજ્યલક્ષ્મીનો તું ભોગ કરીશ.

શકું૦— (લાજ પામે છે).

હારિત— (નારદને) ચાલ, ગુરુને જાણ કરીએ કે વનસ્પતીએ આ સેવા કરી છે.

( બંને જાય છે. )
નારદ— ચાલો.

સખીઓ— સખી ! ઘરેણાં પહેરાવવાનો અનુભવ નહિ એવી અમે તુને કેમ સણગારી શું ? ચિત્રના પરિચયથી તુને પહેરાવિયે છીએ.

શકું૦— જાણુંછું તમારી નિપુણતા, સખીઓ !

(સખીઓ ઘરેણાં પહેરાવે છે એટલે તરત સ્નાન કરી રહેલો કણ્વ આવેછે.)

કણ્વ— (શકુંતલાની સામું જોઈ.)

જાયે આજ શકુંતલા હૃદય તો ભીડાયું ખેદે ભર્‌યું,
બેઠો બાષ્પથિ કંઠ ને જડપણૂં ચિંતાથિ અાંખે ધર્‌યું;
મોટું આવું અરણ્યવાસિ મુજને જો દુઃખ નેહે હવૂં,
થાયે પુત્રિવિયોગનૂં ગૃહિણને કાં ના વિશેષે નવૂં. ૬૫

(અહીં તહીં ફરે છે.)

સખીઓ— બેન શકુંતલા ! ઘરેણાં પહેરાવી રહ્યાં; હવે આ ક્ષોમયુગલ પહેર.

(શકુંતલા ઉઠીને પહેરે છે.)

ગૌતમી— બેટા ! આનંદનાં આંસુ આંખમાં ને ભેટવાને ઉત્સુક એવા તારા તાત પાસે ઊભા છે તેને આચાર અર્પણ કર. શકું૦— તાત ! વંદન કરૂંછું.

કણ્વ— વત્સે !

ધણીની માનિતી થાજે શર્મિષ્ઠા તો યયાતિને;
ચક્રવતી પુત્ર રાજે જેમકે પૂરૂ તેણિને.

ગૌતમી— ઋષિવર્ય ! એ વરદાનજ છે, આશીર્વાદ નહિ.

કણ્વ— અહીં અમણાંજ હોમ અાપ્યો છે, એ અગ્નિની પ્રદક્ષિણા કર.

(શકુંતલા પ્રદક્ષિણા કરે છે કે કણ્વ વેદની વાણી જેની વાણીએ )

ચારે કોરે વેદિને સ્થાન જેનાં,
હવ્યજ ગંધે પાપનો નાશકર્ત્તા;
સમિધકને દર્ભ વેર્‌યાછ એવા,
વૈતાનાગ્નિ તે કરો તૂં પવિત્ર. ૬૭

પુત્રી ! હવે તું ઊભી રહે.(ક્રોધે ડોળા ફેરવી) શારંગરવાદિ ક્યાં ગયા?

શિષ્યો— (આવીને) આ અમે અહિં છિયે.

કણ્વ— આ તમારી ભગિનીને માર્ગ દેખાડો.

શારંગરવ— અામ અામ, બાઈ !

(સૌ શકુંતલાની સાથે જાય છે;)

કણ્વ'—–હો હો પાસેનાં તપોવનવૃક્ષો !

પિધા વિનાનાં રહ્યાં તમે જો પિયે ન પાણી પેલે,
મંડન ગમતાં ૫ણે નવ મોડે એક કળી અતિ હેતે;
ફૂલ થવાના સમા ઉપર તો જે વળિ બહુ હરખાએ,
શકુંતલા તે આજ્ઞા માગે ઘેર ધણીને જાએ. ૬૮

(કોકિલનો શબ્દ સાંભળ્યા જેવું કરી.)

વનવાસે બંધૂપણે, વૃક્ષે આજ્ઞા દીધ;
લહૂ એહવો કોકિલે, હળવો ટઉકો કીધ. ૬૯

( અાકાશમાં શબ્દ થાય છે.)

અંતર તો બહુ રમ્ય થજો કમળેથિ ભર્‌યાં સર તેહવડે,
સૂરજકીરણ ઉષ્ણ ધટો રુડેિ છાયતણાં વળિ વૃક્ષ ભડે;
પદ્મ પરાગસિ ધૂળ ઉડો અનુકૂળ મરૂત સુમંદ વહો,
વિઘ્ન નડે નહિ કોઈ તુને તુજ મારગ તે સુખરૂપ રહો. ૭૦

ગૌતમી— બેટા! સ્વજ્ઞાતિજન પ્રમાણે સ્નેહ દેખાડનારી જે વનદેવતા તેને નમન કર !

શકું— (નમન કરી અહી તહીંફરી) સખી પ્રિયંવદા ! આર્યપુત્રનાં દર્શનની ઉત્સુક છું તો પણ આ આશ્રમ સ્થળને છોડતાં દુઃખે દુઃખે પણ મારા પગ સામે મોડે ઉપડતા નથી.

પ્રિયં૦— બેન ! તુંજ એકલી તપોવનના વિરહથી કાયર નથી, તારો વિયોગ જાણી, તપોવનની પણ અવસ્થા એવીજ થઈછે–

મૃગ તૃણકવલતજેલા, મોર દિસંતા તજેલનૃતખેલ;
પાકાં પત્ર તજંતી જાણે આંસૂજ પાડતી વેલ. ૭૧

શકું૦— (સંભારી) તાત ! હું મારી લતા ભગિની વનજયોત્સ્નીને બોલાવી લેઊં.

કણ્વ— વત્સે ! હું જાણું છું તારે તેની સાથે માની જણી જેવો સ્નેહ છે: આ રહી તે, જમણીકોરે જો.

શકું૦— જ્યોત્સ્ની ! તું આંબાને વળગેલી છે તો પણ તારા શાખારૂપ બાહુએ આલિંગન આપ મને, આજથી હું તારાથી દૂર રહેનારી થાઉછું. તાત ! મારીજ પેઠે એની સંભાળ રાખજો.

કણ્વ— વત્સે !

સંકલ્પિયો પ્રથમ મેં તુજકાજ સ્વામી,
તેવોજ નીજ સરખો સુકૃતે તું પામી;
આંબાનિ સાથ મળિ છે નવમલ્લિકા જો,
નિશ્ચિંત છું ઉભયને વિષયે હવાં જો. ૭૨

શકું૦— સખીઓને !તમો બંનેને સોંપુંછું, સંભાળજો વનજ્યોત્સ્નીને.

સખીઓ— પણ અમને તું કોને સોંપેછે ?!

કણ્વ— અનુસૂયા ! પ્રિયંવદા ! રડતાં બંધ રહો, તમારે તો શકુંતલાને ધીરજ આપવી.

શકું૦— તાત ! આશ્રમમાંજ ચરનારી આ ગાભણી મૃગી સુખે વિયાય ત્યારે તમે કોઈને મોકલી મને જણાવશો, વિસરશો નહિ.

કણ્વ— વત્સે ! એ હું નહિ વિસરૂં.

શકું૦— (ગતિભેદ દાખવી) અરે આ કોણ વારે વારે મારા પાલવ તળે દોડી આવે છે?

કણ્વ— વત્સે !

જેને મુખે કુષઅણી ખુંચતી બહૂ જો,
સૂજે ક્ષતે સિંચતિ ઇંયુંદિતેલ તૂં તો;
સામો ખવાડી મુઠિયે પ્રિતથી ઉધાર્યો,
તે આ ન પાગ તજતો મૃગબાળ તારો. ૭૩

શકું૦— બાપુ ! સહવાસ તજનારીની પાછળ પાછળ કેમ આવે છે, વિયાઈને મરી ગયેલી મા વિનાના ! ખરે મેંજ તને ઉછેરી મોટો કીધોછે, પણ હવે હું વિનાના તાત તારી સંભાળ લેશે. તો તેની કને જા.

કણ્વ— વત્સે ! રો નહિ; સ્થિર થા, માર્ગને જો–

ઉંચી પાંપણનિ આંખ રૂંધિ બાઝે
આંસૂ તેને કર બંધ સ્થીરતાએ;
જોતાં તૂંતો નવ ઊંચિ નીચિ ભાંએ,
ચાલે તેથી પગલાં તે વિષમ થાએ. ૭૪

શારંગ૦— ગુરૂ ! અમારા સાંભળવામાં છે કે જળાશય સૂધી સ્નેહીને વળાવવા જવું; તો આ સરોવરનીર છે. અહીંથી પાછું ફરવું ઘટેછે.

કણ્વ— ત્યારે આ અંજીરીની છાયા તળે થોડીવાર બેસીએ.

(સર્વે બેસે છે.)

(સ્વગત) દુષ્યંતને યુક્ત સંદેશો શો કહાવું ?

શકું૦– (મોડું ફેરવી હળવે) સખી ! કમળપત્ર વચમાં આડું આવે પોતાના સહચરને નથી જોઈ શકતી એવી આતુર ચકવી આરડેછે એ મને અપશકુન જેવું ભાસેછે.

અન૦ –સખી ! એમ મા બોલ;

એપણ ગળતિ પિયુવણ રજની લાંબી વિષાદથી થાએ,
ગરવૂં પણ દુખવિરહનું અાશાબંધે સહિ શકાએ. ૭૫

કણ્વ— શારંગરવ ! તારે શકુંતલાને રાજા આગળ ઊભી કરી મારો સંદેશો જણાવવો.

શારંગ –આજ્ઞા કરવી ભગવન્ !

કણ્વ

તપનિયમજ ધન એહના ધણી અમે ને તૂં તો પોતે કૂળઊંચે.

સાચું એ વિચારિને;

સગાંએ કરાવી નહિ પણ સેજ થઈ રહી, એવી પ્રીતિ રૂડી તૂજ

વિષે અવધારિને;

સ્ત્રિયો બીજીસાથ આને, રાખજે સમાન માને, સ્નેહનીતિબુદ્ધિ વળી

હૃદયમાં તૂં ધરે;

એથી ઉપરાંત થવું, ભાગ્યને અધીન લહું, વધૂના સંબંધીજને

ઘટે ના કહેવું ખરે.૭૬

શારં૦–એ સંદેશો મેં લીધો. કણ્વ— (શકુંતલાને જોઈ) બેટા ! હવે તુને શિખામણ દેઉછું. અમે અરણ્યવાસી છતે લોકરીતિ જાણનારા છિયે.

શારં૦— ભગવન ! બુદ્ધિમાનને કોઈપણ વિષય અજાણ્યો નથીજ.

કણ્વ— પતિને ઘેર ગયા પછી

સેવા તું કર પૂજ્યની પ્રિય સખીવૃત્તી સપત્નીવિષે,
સ્વામી દે અપમાન તો પણ કદી મા થૈશ સાંમી રિસે;
સ્નેહાળી વળિ રેહ સેવક પ્રતી ફૂલૈશ મા વૈભવે,
એ રીતે ગૃહિણી ઠરે યુવતિ ને આડી દહે કૂળને. ૭૭

ગૌતમીબાઈ તમે શું કહો છો ?

ગૌતમી— વહુજનને આટલી શિખામણ બહુ છે બાપુ ! તું ખરે હૈયામાં રાખજે, ભૂલીશ મા.

કણ્વ— બેટા ! આવ મને તથા સખીજનને ભેટી લે.

શકું૦— તાત ! શું હવે મારી સખીઓ પણ અહીંથી જશે કે ?

કણ્વ— બેટા ! એઓને પણ પરણાવી દેવીછે તેથી એઓ તારી સાથે આવે એ યુક્ત નથી; તારી સાથે ગૌતમી આવશે.

શકું૦— (ભેટીને) મલયપર્વતના તટઉપરથી ચંદનલતા ઊખડી પડે તેમ હું તાતને ખોળેથી ખસીને દૂરદેશ જઈ પડનાર તો હવે મારો જીવ કેમ રહેશે ?

કણ્વ— તું કેમ આમ અકળાય છે ?

બહુ કુટુંબના ભર્ત્તાની સ્ત્રી સ્તુત્ય પદે મંડાઈ,
વડે વૈભવે નિત્યે તેનાં કાર્યોમાં ગૂંથાઈ;
દિશા સૂર્યને તેમ પુત્રને પવિત્ર પ્રસવી ત્વરાઈ.
દુ:ખ વિરહનું મુજરે બેટી ગણીશ નહિ તું કાંઈ. ૭૮

શકું૦— તાત ! વંદન કરૂંછું.

કણ્વ— બેટા ! જે હું ઈછું છું તે તુને થાઓ.

શકું૦— બેન ! એવું બંને મને સાથેજ ભેટો.

સખીઓ— બેન ! એવું બને કે તે રાજા તને ઓળખે નહિ તો તેનાં નામની તેની મુદ્રિકા તેને દેખડાવજે.

શકું— આ તમારો સંશયે મારૂં હૃદય કાંપેછે.

સખીઓ— મા બીહ, અતિ સ્નેહે ભયની આશંકા થાય.

શારંગ૦— ભગવન્ ! સૂર્ય ચાર હાથ ચઢ્યો તો બાઈને ત્વરા કરાવો.

શકું૦— (વળી ભેટી આશ્રમ સામું મોડું કરી) હે તાત ! કયારે પાછું વન જોઈશ? કણ્વ— વત્સે ! સાંભળ–

દિગંત પૃથ્વી સપત્નિ સાથે રળિયે રહી ચિરકાળે.
દૌષ્યંતી એકલયોદ્ધો સુત પરણવિશ વળિ વાલો;
રાજ્યકુટુંબનો ભાર એહને સોંપિ આપશે જયારે
ભર્ત્તા સાથે ફરી મુકિશ પગ આશ્રમમાં આ ત્યારે. ૭૯

ગૌતમી— બેટા ! જવાને વાર થાય છે તો પિતાને પાછું જવાને કહે.
(કણ્વને) એ તો વારે વારે બોલ્યા કરશે. તમેજ હવે પાછા વળો.

કણ્વ— બેટા ! મારે અનુષ્ઠાનનો કાળ જાય છે.

શકું૦— (વળી ભેટી) તાત ! તપશ્વર્યાએ શરીર છેક લેવાઈ ગયુંછે મારે લીધે વળી કંઈ પણ કષ્ટિત થશો નહિ.

કણ્વ— (નિશ્વાસે)

શમશે શેક શિપેરે બેટી તુજ પૂર્વ ચરિત નિરખતાં;
ફેંક્યા બલિકણ તેં તે કુટિને દ્વારે પડેલ ઊગંતા. ૮૦

જા હવે સુખરૂપ થાઓ તને માર્ગ.

(શકુંતલા પોતાની સાથે આવનારા જન સાથે જાય છે.)

સખીઓ— રેરે, વનોની પેલીપાસ ગઈ શકુંતલા !

કણ્વ— (નિશ્વાસે ) અનસૂયા ! પ્રિયંવદા ! ગઈ તમારી સહચરી; શોક ટાળી આવો મારી પાછળ.

સખીઓ— શકુંતલા વિના શૂન્ય જેવાં તપોવનમાં અમારાથી કેમ અવાશે ?

કણ્વ— (ખિન્ન થયલો અહીં તહીં ફરી વિચારી) સ્નેહને લીધે એમજ દેખાય; પણ શકુંતલાને તેના પતિને ઘેર મોકલી દીધાથી હું નિશ્ચિંત થયો.—

કન્યા ખરે પારકું ધન આમ,
એને વળાવી પણનારધામ;
આજે થયો અંતરસ્વચ્છ જેમ,
સોંપીદિધે થાપણ પાછિ તેમ. ૮૧