← પ્રકરણ ૮ સાસુવહુની લઢાઈ
પ્રકરણ ૯
મહિપતરામ રૂપરામ નીલકંઠ
૧૮૬૬
પ્રકરણ ૧૦ →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


પ્રકરણ ૯ મું

ત્રવાડી - કાલે હું કહેતો હતો તે આ પત્ર છે. એમાં લખ્યા પ્રમાણે જે નાતમાં કન્યા પરણાવવામાં અને સાસરે મોકલવામાં ખરચ થાય તે નાત આબાદ કેમ થઈ શકે, અને તે કન્યાઓ સુખી કેમ હોઈ શકે ? ઘરમાં કન્યાનું અવતરવું થવાથી માહા શોક ઉત્પન્ન થાય છે તેનું કારણ એજ છે. સુરત જીલ્લાના બીજા બ્રાહ્મણોમાં એટલો જુલમ નથી. અનાવળા બ્રાહ્મણ, દેશાઈ અને ભાડેલા બંને, ઉદ્યમી અને સહાસીક, હીમતવાળા અને આગ્રહી છે, પરંતુ આ પત્રમાં લખેલી માઠી રસમો તેમનામાં ચાલે છે તેથી તેઓ એ સારા ગુણોથી જોઈએ તેવા તરતા નથી. ઘણીક નાતોમાં સારા બંદોબસ્ત થાય છે. તે થોડા વખત લગી ચાલે છે; ને વળી ટુટે છે, ફરીને થાય છે ને ફરીને ટુટે છે, તેમ એમનામાં પણ છે. જ્યાં સુધી અજ્ઞાન ગયું નથી ત્યાં સુધી એવા બંદોબસ્ત મિથ્યા છે. જેઓ એ ચાલને વખોડે છે તેઓ જ પોતે વાંકડા લે છે એ કેવી શરમની વાત છે ?

દવે – ખરું કહો છો. હરેક નાતમાં સારા માણસ કરતાં નઠારા માણસનું, સમજુ અને ડાહ્યા કરતાં અણસમજુ અને મૂર્ખોનું જોર વધારે હોય છે, તેથી નાતમાં કુચાલ જારી રહે છે, અને વધે છે. ઘણાંક દુખ માણસ પંડે પેદા કરે છે, જેમ પેટ ચોળીને શુળ ઉપજાવે છે, તેમ એવા લોકો કરે છે; એમાં વાંક તેમનો પોતાનો છે. જાણીને ઝહેર ખાય તે મરે તેમાં નવાઈ શી ! જુલમી ચાલ કહાડી નાખે તો આબાદ અને સુખી થાય; જ્યાં લગી નહિ કહાડી નાખશે ત્યાં સુધી પીડા ભોગવશે. આપણા લોકમાં ખરી હીમત ન મળે, ખરી સમજણ ન મળે, સંપ ન મળે. આ કાગળ લાંબો દેખું :

“વસ્તી–એ લોકની વસ્તી સુરત જીલ્લામાં કીમ અને દમણગંગા એ બે નદીઓની વચ્ચેના ભાગમાં છે.

જ્ઞાતિના વિભાગ - એ જ્ઞાતિના બે વિભાગ છે, દેશાઈ અને ભાઠેલા. જેમને સરકાર તરફથી દેસાઈગીરીના રોકડ રૂપીઆ વરસોવરસ મળે છે, અથવા વજીફાની જમીન અગાઉથી મળેલી હોય છે, તેઓ દેશાઈ, અને જેમને વતન નથી તેઓ ભાઠેલા. દેશાઈનાં ત્રણ કુટુંબો મળે છે, મહુવા, પલશાણા, અને []*ગણદેવીવાળા, અથવા પેઠીવાળા, એવા નામથી એ ત્રણ કુટુંબો ઓળખાય છે. એમને વરસો વરસ વીશ હજાર રૂપીઆ રોકડ સરકાર તરફથી મળે છે, તથા કેટલીક વજીફાની જમીન પણ મળેલી છે, અને એ સિવાય પાલખી, ચમર, છત્ર નોબત વગેરે મળેલાં છે. એમનાથી ઉતરતા દરજ્જાના બીજા બાર ગામના દેસાઈ છે તે ગામનાં નામ કાલીઆવાડી, ચકલી, વલસાડ, વેસમા, દેલાડવા, દીહણ, સરભોંણ, ભધલી, તલંગપુર, ખરસાડ, એરૂ તથા ઉંટડી. સુરત શહેરમાં તથા બીજાં ગામોમાં કેટલાક દેસાઈના ઘરાં છે. ભાઠેલા લોક દેસાઈ કરતાં સ્વચ્છતા અને સુધરાઈમાં ઉતરતા છે. હાલ ભાઠેલાઓ પણ સુધરવા લાગ્યા છે ખરા. જો કોઈ ભાઠેલો ગમે તેટલી દેસાઈગીરી અથવા વજીફાની જમીન વેચાણ લે, કિંવા પોતાની બહાદુરીથી કે હરકોઈ બીજા પ્રકારથી સંપાદન કરે, ઘણોજ બુદ્ધિવાન હોય; અત્યંત પૈસાવાળો હોય તોપણ તે ભાઠેલાને મૂર્ખલોક દેસાઈ ગણતા નથી. જો કોઈ દેસાઈ ગુનાહમાં આવી કેદ પડે, તેની દેસાઈગીરી વેચાઈ જાય, તેની વજીફાની જમીન જાય, અત્યંત કરજવાળો થાય, ગમે તેવી માઠી સ્થિતિમાં આવે તોપણ તે એવા ઉત્તમ ભાઠેલાથી ચડતો ગણાય છે, ભાઠેલો પૈસાવાળો, ખુબસુરત, સારા સ્વભાવનો અને બુદ્ધિવાન હોય તો પણ તેને કુળવાન કન્યા મળતી નથી, અને દેસાઈ ઘણોજ દેણદાર, કદરૂપો, બેવકુફ, શરીરે ખોડવાળો, પોતાનું ભરણપોષણ કરવાને અશક્ત હોય તો પણ તેને કુળવાન કન્યા મળી શકે છે, અને તે જો કદાપિ ઘણા ઉંચા કુળનો હોય તો સંસાર સુખ શું ભોગવશે તેનો કશો વિચાર કરતા નથી, પણ તેને ઠેકાણે એવો વિચાર કરે છે કે “વાંકો ચુંકો પણ ઘઉંનો રોટલો.” મતલબકે ગમે તેવો છે પણ કુળવાન દેસાઈ છે, એમ વિચારી આંધળી કરે છે ને કન્યાને પરણાવે છે. ખરે આ મોટી મૂર્ખાઈની નીશાની છે, અને એને માટે હું ઘણો જ દીલગીર છું. એ જંગલી ચાલ ક્યારે સુધરશે ?

વિવાહ કરવાની રીત - કન્યા તરફના વર તરફનાને ત્યાં માગું કરવા જાય છે. વિવાહ ઠરે તો કન્યા તરફનો માણસ (કન્યાનો બાપ તેનો સગો, અથવા તેનો વાલી) વરને ચાંલ્લો કરીને મિઠાઈના રૂપીઆ આપે છે એટલે વિવાહ મુકરર થયો એમ કહેવાય છે, તો પણ બીજી કંઈ હરકતને લીધે વિવાહ તોડી શકાય છે. વાંકડો કન્યા તરફથી વર તરફનાને કેટલો આપવો, જાનના ખર્ચને વાસ્તે ઘી વગેરે કેટલું અને પહેરામણીમાં શું આપવું વગેરે જે કાંઈ આપવું હોય તેની


  1. *એ ગામો હાલ ગાયકવાડી પ્રગણામાં છે
પઠ્ઠણ આ વખતે કરે છે. વાંકડાના રૂપીઆ વધારેમાં વધારે ત્રણ હજાર, ઘી પચાશ મણ, અને પહેરામણી સો રૂપીઆ સુધી સાંભળી છે. આ ભારે ખરચથી નાતની ખરાબી થઈ છે, અને થાય છે. દીકરીની જાત વેરણ થઈ છે. વર તરફની કન્યાવાળાને ત્યાં જાન લઇને જાય છે. જાન ગામને પાદરે આવી કે કન્યા તરફના કેટલાક માણસો વાજીંત્ર વગેરે લઈને સામા બોલાવવા જાય છે, અને તેને સારૂ આગળથી એક ઉતારાનું ઘર તૈયાર હોય છે ત્યાં માનસહિત લઈ જાય છે. વર તરફની સ્ત્રીઓ કન્યાને માટે ઘરેણું વગેરે આપી આવે છે. સ્ત્રીની સંખ્યા વધારેમાં વધારે દશ, અને પુરૂષની સંખ્યા ગમે તેટલી હોય તો પણ કશી હરકત નથી. રાત્રે વર ઘોડે બેસી મસાલો અને પગે ચાલતી જાન સાથે પરણવા જાય છે. ઘણું કરીને ભાડે આણેલા સીપાઇઓ બંધુકો છોડે છે. વળી દારૂખાનું પણ ઉડે છે. જે વખતે વર મંડપ પાસે આવે છે, તેજ વખતે કન્યાનો ભાઈ અથવા તેનો કોઈ સગો મંડપ ઉપર ચડીને, નીચે કન્યાની ભાભી પાણીનું બેઠું લઈને ઉભી હોય છે. તેમાંથી આંબાની ડાંખળી વડે પાણી લઈને છાંટે છે. એવી રીતે છાંટવાની મતલબ આશીર્વાદ છે.

એ ક્રિયા પુરી થયા કેડે કન્યાની મા આવી વરને પોંખે છે, ને વરને કેડ બેસાડીને મંડપમાં લઈ જાય છે. મહારામાં બાજઠ ઉપર વરને બેસાડી કન્યાનો મામો કન્યાને લાવે છે. લગ્નક્રિયા પૂરી થાય છે તે વેળા વાજિંત્ર વાગે છે, અને વર કન્યા અરસ પરસ થુંકા થુંક કરી મૂકે છે, તેને તંબોળ કહે છે. કેવી ગંદી રીત ! અનાવળાને બીડીનો ધુમાડો તાણવો બહુ ગમે છે, તે જાનઇઆને હવે મળે છે. વર કન્યા પરણી રહ્યા પછી કન્યાનો ભાઈ પોતાના હાથમાં ડાંગ, અને ઓરસીઓ લઈને આવે છે. તે ઓરસીઓ ઉપર ડાંગરની સાથે વરનો પગ મૂકીને વરનો અંગુઠો ચાંપે છે તેને અંગડા ચંપામણી કહે છે. એનું દાપું કન્યાનો ભાઈ વર તરફના પાસે માગે છે. ભોગ જોગે વરનો બાપ એ દાપાના પૈસા ચુકવવામાં કંઈ કસર કરે તો કન્યાની મા એમ કહે છે કે “જો મોટો ગણદેવીની પેઢીવાળો આવિયો કે મારા પોર્યાને એક રૂપીઓ ની આપે.” કન્યાનો પીતા દાખલ થાય છે અને પોતાની સ્ત્રીને શીખામણ આપે છે કે “ચાલ રાણનો બોલ એ ની આપે તો એ હહરા નાગાની આબરૂ ઓછી. એમાં આપણે હું, ઓ હે. કેમ ગોપલા ખરું કે ની.” ગોપાળજી બોલતા નથી ત્યારે કહે કે “મારા હહરા બોલતો કેમ નથી કોઈ દાડો દાવ આવે તો [] કદાપિ ની બોલું.” ગોપાળજી કહે


  1. ૧, એની જગાએ બીજો શબ્દ બોલે છે. પણ હું તે લખવાને દુરસ્ત ધારતો નથી.
“ભાઈ જેટલો ગોર ઘાલે તેટલું ગર્યું થાય.” કન્યાનો બાપ કહે છે. []આજ તો ખરી વાત છે, ગોપારજી બોઉ હારૂ બોલ્યો,” ઈત્યાદિ. એ પ્રમાણે કેટલીક રગજગ થયા પછી સૌ પોત પોતાને મુકામે જાય છે. ઉપર મુજબ પહેલો દહાડો પુરો થાય છે. જાન બે દિવસ રહી ત્રીજે દિવસે રવાના થાય છે. પણ જો કન્યા તરફનાં આગ્રહ કરીને રાખે તો ત્રણ દિવસ રહી ચોથે દિવસે રવાના થાય છે. પણ તેમનો ત્રીજે દિવસે રહેવાનો બીલકુલ હક નથી. અને જાનના ખરચને સારૂ પ્રથમથી જેટલું ઘી, ખાંડ, ગોળ લોટ વગેરે પરઠ્યું હોય તેટલું જ લેવાનો હક છે. વધારે માણસ લાવે તો પોતાની ગાંઠનું ખરચ થાય. એમાં બીજો દિવસ ગોરોનો કહેવાય છે. તે દિવસે ધારા પ્રમાણે જે દાપાં ચૂકવવાનાં હોય છે તે ચૂકવે છે. તે માંહેના એક દાપાનું વર્ણન નીચે પ્રમાણે. એ દાપામાં કન્યાની મા વરની માને પંદર શેર લાડવા તથા પાંચ શેર સોપારી ઉપરાંત વધારે આપતી. નથી. તે વખત વરની મા કહે છે કે “રતન []વેવાણ આટલું હું આપ્યું. તારી પોરી વગર મારો પોર્યો કુંવારો રેવાનો ઉતો હું. મારો પોર્યો તો ઝોરીમાંનો ઝડપાય. મારા વરને તાંતો બાવરીઓ હરખો ઓ કુંવારો ની ઓય.” એવી રીતે કેટલુંક કહે છે. એટલે લાડવા સોપારીમાં કાંઈક વધારો કરી આપે છે. એવી ભાષણ બે ત્રણ કલાક ચલાવીને બધાં દાપાં માંડી વાળે છે. એ પ્રમાણે બીજો દિવસ પુરો થાય છે. ત્રીજે દિવસે જાન વિદાય થવાને કન્યાને ઘેર આવે છે તેમાં પણ ઘણા ઝગડા થાય છે. વાંકડાના રૂપીઆ જે થોડા ઘણા બાકી હોય છે. તે આ વખતે આપે છે. વરનાં સગાં તથા કન્યાનાં સગાં પણ અરસપરસ આ વખતે ભેટે છે. વરની મા અને કન્યાની મા ઘણી મુલ્યવાન સાડી પટાની માફક ધારણ કરે છે. તે ઘણી શોભા આપે છે. એ પ્રમાણે થયા પછી કન્યાનો બાપ પોતાના જમાઈને ઢોલીઓ, પાટી, તળાઈ, તાંબાકુંડી વગેરે કેટલોક સામાન આપે છે. તે જો નબળો હોય અથવા થોડો હોય તો વરની મા પોતાની દાસીઓ પાસે નીચેનું ગીત ગવડાવે છે.

"હાત ઢોલીઆ હાથે વોર્યા, તેમાંના બે આ લો મારા નવલા વેવાઈ રે; બે આલ્યા બે આલ હું, ને બેનાં મેલો પાણી, મારા નવલા વેવાઈ રે”

જે સામાન નહીં આપ્યો હોય તેનું ગીત પણ ઉપરની જ રીત પ્રમાણે ગવડાવે છે. તથા એ સિવાય બીજા કેટલાંક બેઅદબી ગીતો ગવડાવે છે, તે લખવાને હું દુરસ્ત ધારતો નથી. પછી જાન પોતાને ગામ જવાને તૈયાર થાય


  1. ૧. હાજતો.
  2. ૨. વહેવારનું નામ જે હોય તે એ ઠેકાણે બોલે.
છે, તેને કન્યા તરફના થોડે સુધી વળાવા જાય છે. કન્યા વરને ઘેર દશેક દિવસ રહીને પાછી પોતાના બાપને ઘેર આવે છે. ભાઠેલા દેસાઈને કન્યા આપે છે, પરંતુ દેસાઈઓ ગમે તે થાય તો પણ ભાઠેલાને કન્યા આપતા નથી.

છોકરી ઉપર અપ્રીતિ – દીકરી થઈ ત્યારથી માબાપ કહે કે એક માંડવો થયો. એમ વિચારી તેના પર બળવા માંડે છે, કેમકે છોકરીને પરણાવવા વગેરેનો બહુ જ ખર્ચ થાય છે, તથા તેનાં સાસરી તરફનું તેને બહુ દુખ પડે છે. જો માબાપ ગરીબ પરંતુ કુળવાન હોય અને તેમને ઘેર છોકરી જન્મી તો તે બિચારાની કમ્બખ્તી. વળી તે છોકરીને દશ વર્ષની અંદર પરણાવી દેવી જોઈએ, અને જો તેવી રીતે ન થયું તો તેની બહુજ ગેરઆબરૂ થાય છે. એવાં દુ:ખથી વખતે માબાપ સ્વદેશનો ત્યાગ કરી પરદેશ જાય છે, અને પછી પરદેશમાં ગમે તે રીતે પોતાનું ભરણ પોષણ કરે છે; આવા બનાવ ક્વચિત બને છે; છોકરીના દુઃખની સાથે કરજ વગેરે બીજાં કેટલાંક કારણથી સ્વદેશનો ત્યાગ કરેલો એવા માણસની સંખ્યા વધારે મળી આવશે. છોકરી જન્મે છે ત્યારથી તેને બરાબર ધવરાવતાં નથી, અને ખાવાને પણ પુરૂં આપતાં નથી, ને તેની સંભાળ લેતાં નથી. આવા દુઃખમાં તે બિચારી બચી તો બચી નહીં તો ઈશ્વરધામમાં ચાલતી થાય છે. છોકરી મરી ગઈ તો દુષ્ટ કુળવાન દેસાઈઓ કહે છે કે “પાંચ હજાર રૂપિઆની ચીઠ્ઠી ફાટી ગઈ.” અરે ! એ કેવા નિર્દય અને પાપી છે. પોતે ધનવાન હોય તો પૈસાની દરકાર ન કરે, પરંતુ તેઓ છોકરીની જાત નીચી ગણે છે; વળી પોતાના વેહેવાઈને ગમે તેટલા પૈસા આપે તો પણ તે વેહેવાઈના મુખમાંથી એવો શબ્દ નીકળવાની આશા ન રાખવી કે મારા વેવાઈએ મને ઘણું સારૂ આપ્યું. થોડું પડે તો તો એમ કહે કે મને કંઈ નથી આપ્યું. ગાળો દે, લડે અને ફજેત કરે. આ કારણથી શ્રીમંતો પણ છોકરીને ઇચ્છતા નથી.

સ્ત્રીઓની હાલત – જ્યારથી છોકરી જન્મે છે ત્યારથી તેના ઉપર દુઃખ રૂપી વરસાદ વરસવા માંડે છે. છોકરી પરણીને ગયા પછી પાછી આવે છે, અને ત્યાર પછી કેટલેક વર્ષે સાસરે જાય છે તેને સુપડે જવું કહે છે. પરણતી વખતે જે ખર્ચ થાય છે તેનો સુમારે એક ત્રતીઅંશ ખર્ચ એ વેળા થાય છે. સુપડે જતી વખતે કેટલું લઈ જવું તેનો કોઈ પણ નિયમ મુકરર કરેલો નથી, તેથી તે બીચારી ગમે તેટલું લઈ જાય તો પણ તેના સાસરી એમ નહીં કહે કે સારૂં આપ્યું અને જો કોઈ સ્ત્રીએ થોડું આપ્યું તો તેની સાસુ તે વહુને કહે છે કે મારા ઘરમાં તારો ખપ નથી, એમ કહી તેને પોતાના ઘરમાં દાખલ કરતી નથી. જો તે વહુનું ગામમાં કોઈ સગું હોય તો તેની પાસેથી, અથવા તેમ ન બને તો પોતાને પિયરથી મુકવા આવેલા બ્રાહ્મણ પાસેથી રૂપીઆ ઉછીના લઈ ગમે તે રીતે સાસુનું મન મનાવવું જોઈએ. તે સાસુ અગાઉ રાંક, અક્કલ વિનાની ગમે તેવી હોય પણ જે દિવસથી વહુ આવી તે દિવસથી તેના મનમાં એવો અભિમાન ઉત્પન્ન થાય છે કે મારો હુકમ માને, મારા કહેવા પ્રમાણે ચાલે. વહુ જે દિવસથી ધણીને ત્યાં સંસારસુખ ભોગવવા આવે તે દિવસથી તેના પર અત્યંત દુઃખ પડે છે, તેને શક્તિ ઉપરાંત કામ સોંપે છે. હવે તે શક્તિ ઉપરાંત કામ બિચારી અબળા શી રીતે કરી શકે ? અને એવી રીતે તે કામ જ્યારે તેનાથી નહિ થઈ શકે ત્યારે સાસુ કહે છે કે “મોટી પેઢીવારાની પોરી આવી કેની. જો મોટી ભાયગવાનની પૂંછડી, પીયર તો કાંઈ ફુલ ગુંથીને આવેલી ઓહેની, હાથે કામની થાય તો એક દુબરી નીતો કોરણ કેમની લાવી. મુઓ તારો બાપ તો ભાયગવાન તેવોજ. અનને ને દાંતને તો વેર ને વરી રાંધે વાલ તો મીઠુંઓની મરે. કામ થાય તો રે નીતો ચાલી જા. જો આ મોટો રસ્તો, ને હંગાથ જોતો તે હૌ કરી આપું, મારા પોર્યાને અમથો ફાંહમાં લાખ્યો એવું જાણે તેતો પણાવતેઓ ની” ઈત્યાદી. એ પ્રમાણે સાસુ બડબડાટ કર્યા કરે છે. વહુ ઉપર પ્રમાણે સાસુના અત્યંત ઠપકાથી અને વળી અબળા જાત તેથી તે દીલગીરીમાં ને દીલગીરીમાં પોતાના દહાડા નિર્ગમન કરે છે. વખતે તેના મનમાં એવો વિચાર ઉત્પન્ન થાય છે. કે “જો હું ભાઠેલાને ત્યાં પરણી હોત તો ઘણું જ સારું થાત. બર્યું આ દેશાઈનું ઘર.” બિચારી નિરાશ થઈ પીયર જવાનો વિચાર કરે છે. તે જ વખતે તેને પોતાની ભાભીનાં મારેલાં મહેણાં યાદ આવે છે. તેથી પાછી નિરાશ થાય છે. આ વખતે તેની ઉંમર ઘણું કરીને સત્તર વર્ષની હોય છે, અને તેના સ્વામીની ઉંમર દશ બાર વર્ષની અથવા તેથી થોડી વધારે હોય છે. તે બિચારો દશ વર્ષનો સંસારી બાબતમાં શું સમજે? ભાઈ પરણેલા ત્યારે ઘણું કરીને પાંચ વર્ષના એટલે તે વખતની કોઈ પણ બીના બરાબર યાદ રહેલી ભાગ્યે હોય. તેનો સ્પષ્ટ પુરાવો મારા અનુભવમાં આવેલા ઉદાહરણ ઉપરથી માલમ પડશે. એક સ્ત્રી પરણી તે વખતે ઉમરે દશ વર્ષની હતી અને તેના સ્વામીની ઉમર ચાર વર્ષની હતી. તે સ્ત્રી આઠ વર્ષ પછી એટલે પોતાની હરાડ વર્ષની ઉમરે અને સ્વામીની બાર વર્ષની ઉમરે સુપડે આવી હતી. એ સ્ત્રીએ જ વખતે પોતાના સ્વામીના ઘરમાં પ્રવેશ કર્યો તે વખતે તેનો સ્વામી હાજર નહોતો. હવે પરણ્યાં ત્યારથી તે આજદિન સુધીનાં સ્ત્રી પુરૂષની ઉમર ફક્ત ચાર વર્ષની હતી માટે તે વખતનું તેને બીલકુલ ભાન હતું નહીં. તે પુરૂષ પોતાના કામથી પરવારી ઘેર આવ્યો ત્યારે પોતાની સ્ત્રીને જોઈ પોતાની માને પ્રશ્ન પુછવા લાગ્યો કે મા મા આપણા ઘરમાં આ પરોણી બેન કોણ છે. મા બોલી કે “અરે મુઆ બોલનો એતો તારી વહુ છે.” આવા શબ્દ સાંભળવાથી તે બિચારો પોતાના મન સાથે ઘણોજ પસ્તાયો; અને મા દીકરાનું આ સંભાષણ સાંભળીને તે સ્ત્રી ઉદાસ થઈ. આ ઉપરથી તમને માલમ તો પડ્યું હશે કે જે વખતે પરણેલો તે વખતની કોઈ પણ બીના એને યાદ રહેલી નહિ, અને હાલ પણ તે નાદાન છે. હવે પેલી કદાવર સ્ત્રી પોતાના સ્વામીને મળવાને માટે પ્રયત્ન કરે પણ ભાઈસાહેબતો તેને દેખે કે “મારા બાપ મારી લાખ્યો રે” એવી રીતનો પોકાર કરી નાશી જાય, ને કેમે કર્યો તેની સાથે વાત ચિત કરે નહીં. એવી રીતે તે સ્ત્રી પોતાના દિવસ દુઃખમાં ગુજારે છે. વળી લોકો એવું કજોડું જોઈ હસે તેથી પણ તે સ્ત્રીનું મન બળે છે. બે મહીના અથવા તેથી વધારે દિવસ રહી વહુ પોતાને પીઅર જાય છે. પીઅરમાં જો તેની મા મરી ગઈ હોય તો ભોજાઈ પણ સાસુની પેઠે હુકમ ચલાવે છે, ને તેને દુભે છે. બે વર્ષ અથવા વધારે મુદત પીઅરમાં રહી પાછી તે સાસરે જાય છે, તે વખત પણ કેટલોક ખર્ચ થાય છે; એને સાસરવાસે જવું કહે છે. આ વખત પણ સુપડાંના જેવું જ દુઃખ ભોગવી કેટલાક દિવસ રહી પાછી પીઅર જાય છે. ત્યાર પછી તેની સાસુ જ્યારે બોલાવે ત્યારે સાસરે જાય છે. જે વખતે તેનું સીમંત આવે છે, તે વખતે પણ કેટલોક ખર્ચ તેના બાપને કે ભાઈને થાય છે. છોકરું થયા પછી પાછી સાસરે જાય છે, તેને સપરડે જવું કહે છે. જો તે સ્ત્રી છોકરી જન્મી હોય તો ઘણી મોડી જાય છે, અને તેને સાસરા તરફથી માન મળતું નથી. તેને ઘણી જ ધીક્કારે છે. પરંતુ તેની સાથે મુરખો એવો વિચાર નથી કરતા કે ઇશ્વરી બનાવ આગળ કોઈનું જરાએ ચાલતું નથી. છોકરી જન્મે નહિ તો સંસાર કેમ ચાલે. છોકરો થયો તો તે સ્ત્રીને ઘણું માન મળે છે અને તેનું દુઃખ પણ ઓછું થાય છે. આ વખતે જો તેની સાસુ ધમકાવે તો વખતે તેની સામી લડવાની હિંમત ધરે છે; પણ જ્યાં સુધી તે સ્ત્રીની સાસુ જીવતી હોય છે ત્યાં સુધી બરાબર સુખ ભોગવી શકતી નથી. જ્યારે સ્ત્રી સપરડે જાય છે ત્યારે સાસરીઓ વાળાના બધાં દાપાં પૂરાં થાય છે. પણ તેનાં સાસુ સસરો જીવે ત્યાં સુધી અથવા તેથી વધારે મુદત સુધી તેનાં પીઅરીઆંએ લૂગડાંનો ખર્ચ પૂરો પાડવો જોઈએ. સ્ત્રીની ઉમર પુરૂષની ઉમર કરતાં મોટી હોય છે તથા વર તરફનું સુખ નથી હોતું ત્યારે સ્ત્રીને બગડવાનો અને ઘર્ભપાત ને બાળહત્યા થવાનો સંભવ વધારે છે. આવું મોટું પાપ કરે તેમાં બીજા દુર્ગુણો આવે.

જો કોઈ બાયડીને છોકરાં ન થાય તો તથા લડાઈ વગેરે બીજા કારણોને લીધે, તેનો સ્વામી બીજીવાર પરણે છે. કેટલાક ખરાબ દેસાઈઓને બેથીએ વધારે સ્ત્રીઓ હોય છે. એકથી વધારે નારીઓ ઘરમાં થઈ કે કજીઓ કંકાસ ચાલ્યા. વહુને મારવાના કામમાં અનાવળા બીજા હિંદુઓથી ઉતરતા નથી. વખતે એવું પણ બને છે કે નિરપરાધિ સ્ત્રી ઉપર તેનો સ્વામી ખોટું તોહોમત મૂકી તેને ખાવા ન આપે મારે અને અનેક રીતે પીડે તો, તે અબળા પોતાના ઉપર ખોટો દોષ, પેટ ભરવાની આપદા વગેરેથી અકળાઈ આપઘાત પણ કરે છે.

સ્ત્રીઓ બીલકુલ ભણેલી નથી તેથી ઘણી બેવકુફી ભરેલી રીતે વર્તે છે. હું ધારું છું કે આખી જ્ઞાતિમાં જેને ફક્ત લખતાં વાંચતાં આવડતું હોય એવી સ્ત્રીઓની સંખ્યા નહીં જેવી છે. સ્ત્રીઓ અસુધરેલ છે તેથી તેઓ પોતાના છોકરાને સારી રીતે કેળવણી આપવાના કામમાં મદદ કરતી નથી, માટે જેવો જોઈએ તેવો સુધારો થવામાં મોટી હરકત પડે છે.

ઉપર મુજબ છોકરીને પરણાવવા વગેરેના ઘણા જ ખર્ચથી ભાઠેલા તથા દેસાઈઓ ઘણા કરજદાર થઈ ગયા તેથી તેમણે સૂક્ષ્મ વિચાર કરી નિશ્ચય કર્યો કે આપણી નાતના જંગલી રીવાજમાં ફેરફાર કરવો જોઈએ, અને એ ધારણામાં ફતેહ પામવા માટે કાલીઆવાડી મુકામે એક સભા ભરી હતી. તેમાં એવો ઠરાવ કર્યો કે છસેંપચીશ રૂપીઆ કરતાં વાંકડામાં કોઈએ એક પાઈ પણ વધારે લેવી નહીં. ઘી છ મણ કરતાં વધારે લેવું નહીં. એ પ્રમાણે ખર્ચમાં અત્યંત ઘટારો કર્યો, અને પેઢીવાળાને એ કરતાં કંઈક વધારે આપવું ઠરાવ્યું. આ ધારામાંથી વાંકડા સિવાય બીજા બધા ધારા અમલમાં આવ્યા. વાંકડાનું કામ એવી રીતે ચાલ્યું કે ઉઘાડી રીતે સવા છસેં લે અને છાની રીતે વધારે લે. એ ધારાની ઉમર વધતી જાય છે તેમ અમલમાં ઓછા આવે છે. મને લાગે છે કે થોડા વર્ષમાં એ ધારા મૂળ સુધાં ઉખડી જશે. એમ થવાનું કારણ એટલું જ છે કે ઘણો ભાગ અસુધરેલ અજ્ઞાન છે. આ સભા ભરાઈ તેનું મુખ્ય માન કાલીઆવાડીના દેસાઈજીને આપવું ઘટારત છે, કેમકે તેમણે એ સભા ભરવાનો પ્રથમ વિચાર કરીને બીજાને જણાવ્યો, તથા એ સભાનો જે ખર્ચ થયો તે એણે એકલાએજ આપ્યો.

ભાઠેલા લોકે પણ જલાલપુર મુકામે એક સભા ભરવાનો ઠરાવ કર્યો હતો, પણ તે ઠરાવ અમલમાં આવ્યો નહોતો. હજી કેટલાક બેવકૂફ ભાઠેલા ભારે ખરચ કરી પોતાની કન્યાને દેશાઈને દે છે. દેશાઈને કન્યા આપવામાં ભાઠેલા ધણોજ ખર્ચ કરે છે તેથી તેમને કંઈ ફાયદો થતો નથી, અને ઉલટા પોતાના છોકરા કુંઆરા મરે છે. એથી કેટલાકે દેશાઈને કન્યા આપવી બંધ કરી છે. સાટું અથવા તરખલું કરવા માંડ્યું છે, અને કેટલાકને છોકરો નહીં હોવાને લીધે છોકરી વેચવા માંડી છે. દીકરી વેચવી એ હિંદુશાસ્ત્રની વિરુદ્ધ છે એવું તેઓ જાણે છે તો એ કામ કરવાને પાછીપાની કાઢતા નથી; પણ આ ચાલ બધા ભાઠેલામાં નથી. પોરી વેચનાર ભાઠેલાઓ પોતાને છોકરી થઈ તો ઘણાજ ખુશી થાય છે, પરંતુ આ ઉપલા વિચાર બધા ભાઠેલાના મનમાં નથી. દેજ લેવાનો અને તરખલું કરવાનો પહેલવહેલો રિવાજ વલસાડ પરગણાના કેટલાક ભાઠેલાએ દાખલ કર્યો. દેજનાં નાણાં વધારેમાં વધારે સાત હજાર સુધી લે છે, પણ એક વાર લગ્ન થયું કે પછી તેમને બોલવા ચાલવાનો વહેવાર પણ રહેતો નથી, અને દેજ આપવા સિવાય બીજો કોઈ પણ પ્રકારનો ખર્ચ તેમને થતો નથી. દેજ એટલે કન્યાનો બાપ વરના બાપ પાસે જે પૈસા ખાવા લે તે.

જમણવાર સંબંધી હાલત – અનાવળા લોક જમણવારમાં બહુ જ ખર્ચ કરે છે, એ જુઠ્ઠી મોટાઈથી પણ તેમની ઘણી ખરાબી થાય છે. જમવાને માટે બેસવાની જગા સારી નથી; પોતાના બારણા આગળ જેવી જગા હોય તેને ઉપર ઉપરથી સાફ કરે છે એટલે મુતર ધુળ વગેરે પર બેસવાનું છે. કોઈ દેસાઈ પોતાની રોજની જમવાની ઓરડીમાં અસ્વચ્છતા દેખે તો પોતાની સ્ત્રીની ગોદડી ધોઈ નાંખે છે, પણ જમણવારમાં ગમે તેમ ગરબડ સરબડ કાદવ, દુરગંધ, હોય તે ચાલી જાય છે. તો આ જગ્યાએ દેશાઈની પવિત્રતા કોણ જાણે ક્યાં ઊંઘી ગઈ તે મને માલૂમ પડતું નથી. પણ એ ચાલ ફક્ત અનાવળા બ્રાહ્મણમાં છે એવું કહેવાનો મારો ભાવાર્થ નથી. સર્વ ગુજરાતીઓમાં છે, અને તે જ કારણથી નાગર બ્રાહ્મણોને પણ મારો એવોજ પ્રશ્ન છે કે તમારી પવિત્રતા જમણવાર વખતે ક્યાં જાય છે ? અનાવળા બ્રાહ્મણો જમણવારનો ખર્ચ મરણાવસરે, છોકરી પરણે ત્યારે, સીમંત વખતે, ઉપવિત વખતે, તથા બીજી કોઈક વખતે કરે છે. મરણ સિવાય બીજી વખતે જે ખર્ચ કરે છે તેતો જાણે હર્ષનો કરે છે, પણ મરણ વખતે કયા હર્ષનો ખર્ચ કરે છે ! કોઈ માણસ મરણ પામવાથી તેનું કુટુંબ દુ:ખમાં હોય તેનો કશો વિચાર કરતા નથી. એ ખરે ઘણી જ દીલગીરીની વાત છે. એ વાત ફક્ત અનાવળાને લાગુ પડે છે એમ નથી પણ બીજા સર્વ ગુજરાતીમાં એ માઠી ચાલ પસરી ગએલી છે. સીમંત વખતે એક દિવસ, મરણ વખતે પાંચ દિવસ, પરણતી વખતે ત્રણ દિવસ, ઉપવિત વખતે એક દિવસ, એ પ્રમાણે વધારેમાં વધારે ખર્ચ થાય છે. જો કોઈ માણસની ઇચ્છા ઓછો કરવાની થાય તો તે કરવાને તેને નાત તરફથી કશી હરકત નથી. હાલ કેટલાક ગામના દેશાઈઓએ એથી અર્ધ કરવું એવો ઠરાવ કર્યો છે, અને એ ધારો બરાબર રીતે અમલમાં પણ આવ્યો છે. એ સુધારાનું કામ પ્રથમ દાખલ કરવાનું માન કાલીઆવાડી, ચીકલી અને વેસમાના દેશાઈને આપવું ઘટે છે, અને તે ઉપરથી બીજાં કેટલાંક ગામોમાં પણ એ ધારો ચાલુ થયો છે. વિદ્યા સંપાદન કરવામાં અનાવળ હાલ કેટલાંક વર્ષ થયાં ઘણી કોશિસ કરે છે.

પહેલાં સ્ત્રીને બીલકુલ કેળવણી આપતા નહોતા પણ હાલ આપવા માંડી છે. હું ધારું છું કે સ્ત્રીઓ આગળ જતાં ઘણી સારી રીતે કેળવણી લેશે. મારા ધારવા પ્રમાણે ત્રીશ ચાળીશ વર્ષની અંદર આખી નાતનો અર્ધો ભાગ કેળવણી લેશે. ને ત્યાર પછી તેઓ ઘણાક સુધારા દાખલ કરશે.