સાહિત્યને ઓવારેથી/નરસૈયો : સાહિત્ય અને સંશોધનની નજરે
← નરસિંહ મહેતો : આદિ ભક્તકવિ | સાહિત્યને ઓવારેથી નરસૈયો : સાહિત્ય અને સંશોધનની નજરે શંકરલાલ શાસ્ત્રી |
વર્તમાન ગુજરાતને કવિ નર્મદનો વારસો → |
નરસૈયો: સાહિત્ય અને સંશોધનની નજરે
અશોકથી વિખ્યાત બનેલા અને ઇ. સ. પૂ. ૩૧૯થી શરૂ થયેલા મૌર્ય વંશથી જ આપણને ભારતના તેમજ ગુજરાતના ઇતિહાસના મંદ પ્રકાશનાં સ્પષ્ટ દર્શન થાય છે. ત્યાર પહેલાંનો ઇતિહાસ દંતકથા, પુરાણ–વાર્તાઓ અને અજ્ઞાનરૂપી અંધકારથી જ ઢંકાયેલો છે. આવા ભારતીય ઇતિહાસનેય પડકાર દેતી પ્રાચીનતા ધરાવતું જૂનાગઢ વિવિધ નામે અને રૂપે સૈકાંઓ થયાં ગગનસ્પર્શી ગિરનારની ગોદ સેવતું આજે પણ હયાત છે, અને તેનું ઐતિહાસિક ગૌરવ અખંડિત સાચવી રહ્યું છે. આ જૂનાગઢની ઐતિહાસિક ભૂમિમાં સાધુઓ અને સંતો, કવિઓ અને વિદ્વાનો, રાજમંત્રીઓ અને મુત્સદ્દીઓ થઈ ગયા, આપણો નરસૈયો પણ ભક્ત કવિ તરીકે આજ સ્થાનને પાવન કરી અમરતા અર્પતો ગયો છે.
ગુજરાતનો છેલ્લો સ્વતંત્ર રાજા તે કરણઘેલો થઈ ગયો. ઇ. સ. ૧૩૦૪માં તેના પતન સાથે ગુજરાતમાં કૈં કૈં ઉથલપાથલો આવી. ત્યારથી આવા રાજકીય વિપર્યયોએ થોડાં સૈકાંઓ સુધી ગુજરાતના સામાજિક ને સાંસ્કારિક જીવનને કોઈ જૂદી જ વિચાર–સરણીએ આવરી લીધું. તેના સૈનિકવર્ગ સરખા રજપૂતોમાંયે પરાક્રમના ઓટ આવ્યા. ગુજરાત–કાઠિયાવાડ નાની નાની જ્ઞાતિઓ ને નાનાં નાનાં રાજ્યોથી અનેકધા વહેંચાઈ ગયું. રાજકીય સત્તા ને દુન્યવી જાહોજલાલીની મહત્ત્વાકાંક્ષાઓ રાજકીય વિપર્યય થતાં એાસરી ગઈ; અને વ્યક્તિગત સંપત્તિ તથા ભારતવર્ષની લાક્ષણિક આધ્યાત્મિક્તા એજ ગુજરાતવાસીઓના હૃદયમાં ઘર કરી બેઠી. તેથી કરીને ખેડુતો અને વેપારીઓ, બ્રાહ્મણ અને ક્ષત્રિય પોતપોતાની આજીવિકાનો ધંધો સંભાળી સંતોષ માનતા થયા. આમ ક્ષાત્રતેજ ક્ષીણ થતાં સૌરાષ્ટ્ર પણ વીરભૂમિ મટી વૈશ્યભૂમિ બન્યો. રણક્ષેત્રોનું સ્થાન મંદિરો અને ચોતરાઓએ લેવું શરૂ કર્યું, તલવાર ને ભાલાઓની વતી મૃદંગ, મંજીરા ને ભાલા દેખાયાં; અને સમરભૂમિની વિજયહાકનું સ્થાન ઈશ્વરની નમ્રભાવે ઉપાસના દાખવતાં ભજનની સૂરાવટે લીધું. ધાર્મિક વલણ એ એક જ લોકજીવનનું પ્રેરક અને શાંતિદાયક તત્ત્વ મનાયું.
પ્રાચીન ક્રાન્તદર્શી ઋષિઓએ પ્રકૃતિ અને માનવજીવનની સુંદર સમીક્ષા કરતાં કરતાં વેદની ઋચાઓ સરજી; ગુજરાતના સંતો અને ધર્મવીરોએ પણ તેવી રીતે આત્મૈક્ય મેળવતાં ગુજરાતી કાવ્યસ્રોતને વહેતો મૂક્યો છે. આ સ્થિતિમાં ધાર્મિકતા અને કવિતા વચ્ચે ગાઢ સહીપણાં બંધાયાં.
નરસૈયો થઈ ગયો, ત્યારે ઉપરના સંયોગોજ પ્રવર્તતા હતા. સામાન્ય જનતા જ્યારે ધર્મ અને ધન તરફ, દેવ અને દુકાન તરફ જ ધ્યાન આપતી હતી, ત્યારે આ ભક્તજને સંસ્કારબળે ને પ્રભુકૃપાએ દુનિયાની મહત્તાને ઉવેખતો આત્મકલ્યાણનો માર્ગ સ્વીકાર્યો. જગતની જંજાળ ને પોલી કીર્તિ તેને આકર્ષી શકી નહિ. રાજસત્તા કે ધર્મસતા પણ તેને ડરાવી શકી નહિ. સંસારનાં પાખંડને તુચ્છકારતો, વિચાર અને આચારની એકતા સાધતો, હૈયે તે જ હોઠેથી વ્યક્ત કરતો આ વૈષ્ણવ અનેક તિરસ્કાર વ્હોરે છે, અને જ્ઞાતિજનોનો ઉપહાસ ઝીલે છે. તેનું સમગ્ર જીવન એવી તે ઉજ્જ્વળ ને પાવન ભાવનાઓથી રંગાઈ ગયું કે તેણે આખાયે માનવકુળને કુટુંબવત્ કલ્પ્યું. બ્રાહ્મણ અને બ્રાહ્મણેતર વચ્ચેનાં, સવર્ણો અને અંત્યજો વચ્ચેનાં અમાપ અંતર તેણે વિશ્વ–ઐક્યની ભાવનાથી ઓળંગી દીધાં. માનવ અને માનવના તથા પુરુષ અને સ્ત્રીના સર્વ ભેદ તેના લોકોત્તર આત્માને દૂર થયેલા લાગ્યા. અંતરની આવી પ્રબળ ઊર્મિઓને તેણે વાચા અર્પી સ્વયંભૂ ભાવોને તેણે શબ્દદેહ દીધા. આમ ધર્મમાંથી ઉદ્ભવતા કાવ્યોસ્રોતને વેગભરી રીતે વહેવરાવીને તેને સર્વની દૃષ્ટિમર્યાદામાં લાવવાનું નરસૈયો નિમિત્ત બન્યો. ત્યારથી સૈકાઓ સુધી આપણું ગુર્જર કાવ્યસાહિત્ય ધાર્મિકતાને જ પારણે ઝૂલતું મોટું થયું છે.
નરસૈયાએ પદ, ભજન અને પ્રભાતીયાં રચ્યાં છે એટલું જ નહિ, પણ સુરતસંગ્રામ, સામળદાસનો વિવાહ, ને સુદામાચરિત્ર જેવાં પરલક્ષી આખ્યાનો પણ સર્જ્યાં છે. આટલા પ્રાચીન સમયથી આપણાં આત્મલક્ષી અને પરલક્ષી કાવ્યોનો પ્રારંભ થઈ ચૂક્યો છે. નરસિંહ મહેતાને મન કાવ્ય એ કાંઈ ફુરસદની પળે પ્રાપ્ત થતું આનંદનું સાધન નહોતું. કવિતા તો તેને મન ન હતી વાણીનો વિલાસ કે શબ્દનાં જાદુ. જે પ્રોજ્જ્વળ અને પાવન ભાવનાઓ તણે વર્ષો સુધી હૃદયમાં સિંચી અને સાચવી, તે જ ભાવનાઓ અંતે શબ્દદેહે પ્રકટ થઈ.
તેના જીવન તથા કવનની વધુ પ્રમાણભૂત વિગતો પ્રાપ્ત કરવાના પ્રયત્નો બહુ આશાસ્પદ તો નથી જ લાગતો. તળ જૂનાગઢમાંય જ્યારે તે માટેનાં સ્વલ્પ સાધનો પણ સુલભ નથી, ત્યારે જૂનાગઢ બહારના જાણીતા વિવેચકો નરસૈયા ઉપર પ્રકાશ નાખવાની હરિફાઈ માંડી રહ્યા છે. તેથી આપણે આપણા પ્રયત્નોની પરિસીમા અને સંશોધનની શક્યતા આજે વિવિધ દૃષ્ટિએ વિચારી જોઈએ.
(૧) ભાષાઃ નરસિંહ મહેતાના સમયમાં કઈ ભાષા પ્રચલિત હતી? ભાષાશાસ્ત્રીઓ તો ભાખે છે કે પંદરમા શતકની ભાષા વર્તમાન ગુજરાતીથી ભિન્ન હતી, અને તે જૂની ગુજરાતીને નામે ઓળખાતી; વિશેષમાં આ મતને આધારે આપણે માનવું પડે છે કે નરસિંહ મહેતાનાં કાવ્યો બહુ લોકપ્રિય નિવડવાથી લોકોની સ્મૃતિમાં સચવાઈ રહ્યાં, અને તેથી અંતરે અંતરે તે કાવ્યોની ભાષા આધુનિક સ્વરૂપ પામતી ગઈ. હાલની બંને બાજુઓ તપાસવા જૂનાગઢ કે કાઠિયાવાડના બીજા કોઈ સ્થળેથી જો અન્ય કોઈ પુસ્તકો કે લેખો પંદરમા સૈકાનાં મળી આવે તો આ બાબત વિષે વધુ ચોક્કસ અનુમાન થઈ શકે; કારણ કે શ્રી. કેશવરામ કાશીરામ શાસ્ત્રીના મત પ્રમાણે તો કાઠિઆવાડની ૧૫ મી સદીની ભાષા તે ગુજરાતમાં ૧૮મી સદીના આરંભમાં જોવામાં આવે છે.
(૨) સાહિત્યકૃતિઓ: નરસિંહ મહેતાના સમકાલીન કવિઓ કે તેના પછી એક કે બે સૈકાં મોડા થઈ ગયેલા કવિઓ કે લેખકો નરસિંહ મહેતાનો સ્પષ્ટ ઉલ્લેખ કરે છે ખરા ? જૂનાગઢના શ્રીધર કે સોમનાથ પાટણના કેશવરામ નરસિંહ મહેતા વિષે મૌન સેવે તો તે અનેક રીતે ઘટાવી શકાય. નરસૈયાનો સ્પષ્ટ ઉલ્લેખ આપણને નાકરના સમયથી નિઃશંક મળી આવે છે. વળી, ગુજરાતી સાહિત્યની કૃતિઓ ઉપરાંત સંસ્કૃત કે હિંદીમાં લખાયલા ગ્રંથમાં નરસિંહ મહેતા વિષે જે કાંઈ સ્પષ્ટ ઉલ્લેખ મળી આવે તેને બરાબર શોધીને શંકારહિત પુરાવાના સ્વરૂપે રજુ કરવો જોઈએ.
(૩) શિલાલેખો અને દસ્તાવેજો: નરસિંહ મહેતા વિષે શિલાલેખો કે દસ્તાવેજો જે કાંઈ અંગુલીનિર્દેશ કરી શકતા હોય તો તે વધુ ચોક્કસ પુરાવો થઈ પડે. જૂનાગઢમાં ઉપરકોટના સં. ૧૫૦૭નાં મંડલિક વિષેના શિલાલેખમાં નરસિંહ મહેતાનો ઉલ્લેખ નથી–હોવા સંભવ નથી પણ–તેમાં સંસ્કૃતની વચ્ચે ભાષા પર અસંદિગ્ધ પુરાવો આપતી કેટલીક જૂની ગુજરાતીની ખંડિત પંક્તિઓ છે. વિશેષમાં, શ્રી. રેવાશંકર મેઘજી પુરોહિત દેલવાડાકરે ‘મુનશી વિરૂદ્ધ મહેતા’ના પુસ્તકમાં ઉનાની નજીક નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈના સીમંતનો ચોક્કસ ઉલ્લેખ કરતો એક શિલાલેખ છે તેમ જણાવી તેની એક વાચનગમ્ય લીટી પણ ટાંકી બતાવી છે. સાહિત્યરસિક જનતાને અને વિદ્વાન વિવેચકોને ચોક્કસ પ્રતીતિ કરાવવા તેઓ જો આ શિલાલેખનો ફોટો જાહેરમાં રજુ કરે તો તેથી નરસિંહ મહેતાના કાળ-નિર્ણયમાં કેટલી સુગમતા થાય? તેઓશ્રી આ પ્રમાણે ફોટાનેજ જાહેરમાં મૂકી અનેક શંકાઓને નિર્મૂળ કરે તેમ મારી નમ્ર વિનંતિ છે.* [૧]આ ઉપરાંત જો કોઈ પ્રાચીન દસ્તાવેજ મળી આવે તો કાંઈ નહિ તો છેવટે ભાષાવિષયક પુરાવો તો સચોટ રીતે પ્રાપ્ત થાય. સં. ૧૪૫૯ નો શ્રી. કેશવરામ શાસ્ત્રીએ છપાવેલો દસ્તાવેજ મારા ધ્યાન બહાર તો નથી જ.
(૪) ઉર્દૂ સાહિત્ય અને મસ્જીદો, મકબરા વગેરે: ‘મિરાતે સિકંદરી’ કે ‘મિરાતે મુસ્તફાબાદ’માં નરસિંહ મહેતા વિષે કઈ પ્રમાણભૂત ઉલ્લેખ નથી મળી આવતો. પણ અન્ય કોઈ ઉર્દુ ગ્રંથોમાં કે મસ્જીદ, મકબરા વગેરેના શિલાલેખમાં જો કોઈ ઉલ્લેખ, ભાષાનો કે નરસિંહ મહેતાનો મળી આવે તો ઘણી કીમતી મદદ મળે.
(૫) મંદિરો અને રાજ્ય દફતર: અહીં સ્વામીનારાયણનાં, વૈષ્ણવોનાં તથા જૈનોનાં પણ પ્રખ્યાત ધાર્મિક ધામો છે. આ બધા ધર્મ કે પંથનાં મંદિરોના પુસ્તકભંડારમાંથી આ વિષે કાંઈ સામગ્રી મળી આવે તેવો સંભવ ખરો. આ પુસ્તકભંડારો જો સુલભ થાય અને તેમનું બારીક અવલોકન થાય; તો તે પ્રયાસ છેક નિષ્ફળ તો ન જ જાય. અલબત, આવા પ્રયત્નો છેક સાદા ને સરળ નથી, પણ શ્રમભર્યા અને કાળક્ષેપ કરાવનારા નિવડે તેમ છે. રાજ્યનાં દફતરો, કહેવાય છે કે, સં. ૧૯૨૦ પછીથી જ સંગ્રહ રૂપે સુલભ થાય તેમ છે. ‘વોકર સંધિ’ પહેલાંનાં દફતરો જો મળી આવે તો જ આપણા પ્રસ્તુત પ્રશ્નને ઉપયોગી નિવડી શકે.
(૬) સ્થળનિર્દેશક (Topographical) પુરાવો: શ્રી. નરસિંહ મહેતાનો ચોરો, નાગરવાડાનું રણછોડજીનું મંદિર અને દામોદરકુંડ ઉપરનું વૈષ્ણવ મંદિર બહુ પ્રાચીન સ્થળો લેખાય છે. શિલાલેખ નહિ, તો છેવટે મકાનોની બાંધણી, કોતરકામની નક્શી અને સમગ્ર ઈમારતકલા તથા તેની આજુબાજુના સ્થળની પ્રાચીનતા ઉપરથીયે જો જાહેર બાંધકામના વિશારદો કોઈ સવિશેષ સત્યો તારવી શકે છે તો તે પ્રયત્નો મહામૂલ્યવાન થઈ પડે. પણ પ્રથમ તો પ્રશ્ન એ છે કે આ બધાં સ્થળો તેવા વિશારદોના ખાસ પ્રયત્નોને પાત્ર છે કે કેમ ?
આ વિવિધ પુરાવા મેળવવા તે કાંઈ એક બે વ્યક્તિથી ના બની શકે. ગયા વર્ષેજ પુનરુજ્જીવન પામેલી અહીંની પુરાતત્ત્વ સંસદ (Archeological Society) જો ધારે તો આ દિશામાં ઘણું કીમતી કાર્ય કરી શકે. આશા છે કે આ મહેચ્છા વ્હેલી મોડી પણ વણમ્હોરી તો નહિજ રહે.
ટુંકમાં, નરસૈયાએ પણ, લોકૈષણા, પુત્રૈષણા ને વિત્તૈષણાથી પર થઈ ઉપનિષદે ગાયેલી વિશ્વબંધુત્વની ભાવના કેળવી અને પરમાત્મા સાથેની એકતા અનુભવી. પહેલાં કહ્યું છે એમ પ્રાચીનતા પરત્વે તો ઇતિહાસવિદોને અને સંશોધકોનેય પડકાર દે તેવું આ પુરાતન શહેર છે. પોતાના પગતળેની ભૂમિમાં થઈ ગયેલા ભક્તકવિ અને સંતશિરોમણિ સાચા વૈષ્ણવ નરસૈયાનાં વર્ચ્સ અને જીવનસામગ્રીને વધુ પ્રકાશમાં લાવવાના જો કંઈ જૂનાગઢી પ્રયત્ન કરશે તો તે જૂનાગઢને તેથી વધુ જાણીતું કરશે, અને ગુજરાતી સાહિત્યની વધુ સેવા બજાવશે. આ નમ્ર અને વિનયી ભક્તજનના જીવન ઉપર જામી ગયેલા અંધકારનાં પડ ક્યારે દૂર થશે ? ‘કાળ અમાપ છે,’ અને ‘વસુંધરા બહુરત્ના છે.’ તો આ વંધ્ય લાગતી આશા કોઈક દિવસે ય ફળવંતી થશે ને ? આજે તો ગુજરાતી કાવ્યસાહિત્યના આ આદ્ય ભક્તકવિને આપણે માનભરી અંજલિ અપીને જ કૃતકૃત્ય થઈએ.❋[૨]
- ↑ *ઇ. સ. ૧૯૩૮ના નાતાલના તહેવારમાં ઉના જઈને પ્રસ્તુત શિલાલેખ જાતે જોતાં મને શ્રી. રેવાશંકર પુરોહિતનું આ કથન અસત્ય જણાયું છે, એમ દીલગીરી સાથે મારે જણાવવું પડે છે. –કર્તા (બીજી આવૃત્તિ)
- ↑ ❋બહાઉદ્દીન કોલેજની ગુજરાતી સાહિત્ય સભા તરફથી તા. ૪–૧૨–૩૫ ના રોજ પ્રિન્સિપાલ ઝુહુરૂદ્દીન અહમદના પ્રમુખપદે ઉજવાયેલી નરસિંહ મહેતાની જયંતીપ્રસંગે આ ભાષણમાંના કેટલાક મુદ્દાઓ વાંચવામાં આવ્યા હતા.—કર્તા.