સાહિત્યને ઓવારેથી/‘સાહિત્યને ઓવારેથી’ : કેટલાક અભિપ્રાયો

← શ્રી. મોતીભાઈ અમીન : માનવતાની નજરે સાહિત્યને ઓવારેથી
‘સાહિત્યને ઓવારેથી’ : કેટલાક અભિપ્રાયો
શંકરલાલ શાસ્ત્રી


સાહિત્યને ઓવારેથી’ : કેટલાક અભિપ્રાયો

“આ વિવેચનગ્રંથ છે, નિબંધાવલી છે, અને જીવનપરાગને ઝીલતી ચરિત્રમાલા પણ છે…… અર્વાચીને તેમજ……ગઈ કાલના સંસ્કારપૂજકો એ સર્વનાં જીવન તેમજ સાહિત્યની ફોરમ પ્રગટાવતી દીલસોજ દૃષ્ટિએ લેખકે આ ચિત્રો આલેખ્યાં છે. આલેખન શૈલીમાં સમત્વ, ગાંભીર્ય અને સહાનુભૂતિભર્યું ગુણાવલોકન છે. નિરૂપણમાં માધુર્ય નિતરે છે, છતાં નરી પ્રશંસા અને કેટલાક પ્રોફેસરનું પંતુજીપણું પૂરવાર કરતી વખાણ–ઘેલછા નથી.” (જન્મભૂમિ)

“સ્વભાવચિત્રો સાથે વિવેચનના સુમેળનું આ પુસ્તક સાફ દૃષ્ટાંત પૂરું પાડે છે.” (જન્મભૂમિની ‘રેડિઓ’ વાતચિતમાંથી)

“લેખકે જીવન અને સાહિત્યને છૂટાં છૂટાં નિરૂપ્યાં છે, અને પરિચય ટૂંકું જીવનચરિત્ર હેય એવો આભાસ કરાવે છે. ગંભીરતા અને ગુણમુગ્ધતાને લીધે લેખકશૈલી શિષ્ટ અને અભ્યાસપૂર્ણ બની છે…… દૂભવવાના લેશમાત્ર આશય વિના, છતાં સત્યદર્શન કરાવવાની સ્હેજ પણ આનાકાની કર્યા વિના તેમણે સૌને ન્યાય કર્યો છે.” (પ્રજાબંધુ)

“આ તમામ લેખોનાં દર્શનથી ગુજરાતની સંસ્કારભૂમિનો અને નેતાઓનો આછો ખ્યાલ તો અવશ્ય આવી જાય છે. આપણે ત્યાં રેખાચિત્રો દોરવાના જે જુદા જુદા પ્રયાસો થયા છે તેમાં આ પ્રવાસ વિશિષ્ટ અને સ્થાયી છાપ પાડે એવો છે…… ગુજરાતના સાહિત્યપ્રેમીઓ આ પુસ્તકને વાંચવાનું રખે વિસરે.” (ગુજરાતી)

“માત્ર માહીતી પૂરતો જ નહિ, પણ સાહિત્યની દૃષ્ટિએ પણ આ ગ્રંથ મહત્ત્વનો છે, અને શિષ્ટ ગદ્યમાં એક સારા પુસ્તકનો ઉમેરો કરે છે……કોલેજના ઉચ્ચ અભ્યાસમાં ઉપયોગી થાય તેવા વિષયના ગ્રંથો આ જ પદ્ધતિએ લખાય એ ઈચ્છવા યોગ્ય છે.” (બુદ્ધિપ્રકાશ)

“એકંદર રીતે જોતાં આ ગ્રંથ માત્ર વિશિષ્ટ પ્રકારનો અભ્યાસગ્રંથ જ નહિ હોતાં જીવનચરિત્રો અને વિવેચનકલાનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે.” (પ્રતાપ)

“પ્રથમ નજરે પણ તેમાં કર્તાના ઉડા અભ્યાસ, અધ્યયન અને અવલોકન સ્પષ્ટ દેખાઈ આવે છે. વિશદતા અને વિચારશીલતા સાથે સ્પષ્ટ વક્તવ્ય ધ્યાન ખેંચે છે. ગુજરાતી સાહિત્યના સંસ્કારસ્વામીઓની આવી આબેહુબ પિછાન આપતા અવલોકનશીલ પરિચયલેખો ગુજરાતને બહુ મળ્યા નથી……આ આખીયે કૃતિ અભ્યાસપૂર્ણ તેમજ અભ્યાસપાત્ર છે.” (હિંદુસ્થાન)

“મનહર રેખાચિત્રો ઉપરાંત ગુજરાતી સાહિત્ય ને સંસ્કારના ઇતિહાસ તથા પ્રવાહનું દિગ્દર્શન કરતાં કરતાં મંત્રમુગ્ધ બની જવાય છે. ભાષાશૈલી એવી શુદ્ધ, સંસ્કારી ને છટાભરી છે કે વિષય સાહિત્યનો છતાં પુસ્તક રસભર્યું, આહ્‌લાદક વાચન પૂરું પાડે છે. પાઠશાળાઓ તેમ પુસ્તકાલયો આ ઉત્તમ કૃતિને વહેલામાં વહેલી તકે વસાવી લે.”(પુસ્તકાલય)

“‘સાહિત્યને ઓવારેથી’ એ સાહિત્યના વિવેચનની જ માત્ર નહિ, પરંતુ સાહિત્યસ્વામીઓનાં મૂલ્યાંકન માટેની સફળ કૃતિ છે. આપણા દરિદ્ર વિવેચનસાહિત્યમાં આ ગ્રંથ મહત્ત્વનો ઉમેરો કરશે.” (નવસૌરાષ્ટ્ર)

“પ્રો. શાસ્ત્રીએ આ સંગ્રહમાં ગુજરાતના સાહિત્ય ને સંસ્કારસ્વામીઓનાં સરલ શબ્દચિત્રો આપ્યાં છે. ગુણદર્શન સાથે તે વ્યક્તિની ત્રુટિઓ અને દોષો દર્શાવવાની પ્રો. શાસ્ત્રીની રીત કટુતારહિત છે……લેખક પાસે વિશિષ્ટ શૈલી છે, અને એ જ શૈલીને લીધે તે કડવાં સત્યો મીઠી રીતે કહી દે છે.” (ફૂલછાબ)

“આ સંગ્રહમાં પ્રો. શાસ્ત્રીએ ગુજરાતી સાક્ષરોને અને તેમની સાહિત્યસેવાનો સમભાવપૂર્વક છતાં પ્રિયકર થાય તેવી સ્પષ્ટતાથી પરિચય કરાવ્યો છે……લેખકની ભાષા સંસ્કારી છતાં ક્લિષ્ટતાના દોષરહિત છે. એમની શૈલી લોકપ્રિય બને તેવી છે; અને જે વ્યક્તિઓનાં ચિત્રો તેમણે દોર્યાં છે, તેમાં સમભાવભરી રીતે એમના જીવનમાં તેજ–છાયાનું ચિત્રણ અભ્યાસકની પીંછીએ કર્યું છે. તેથી એમના નિબંધો ઉઠાવદાર છતાં ઐતિહાસિક પાયા ઉપર ઉભાં કરેલાં સ્મૃતિચિહ્ન સમા બન્યા છે.” (પ્રજામિત્ર–કેસરી)

“એમાં સમદ્રષ્ટિથી સમતુલા જાળવી અભ્યાસની દ્રષ્ટિએ સત્ય ચિત્રો અપાયાં છે. માત્ર ગુણપૂજા જ એમાં નથી, અવિવેક દોષો પણ બતાવાયા છે; અને આ સંસ્કારમૂર્તિઓની બધી બાજુની સરસ પિછાન અપાઈ છે. સાહિત્યના ઇતિહાસની દ્રષ્ટિએ, અભ્યાસની દ્રષ્ટિએ, વિવેચનકલાની દ્રષ્ટિએ, અને રેખાચિત્રોના આદર્શ નમૂનાઓની દ્રષ્ટિએ આ પુસ્તક ઘણું મહત્વનું છે, અને એનાથી આપણા સાહિત્યમાં એક સંગીન ઉમેરો થયો છે. અમે લેખકને તેમના ઊંડા અભ્યાસ, નિડરતા, સમભાવ અને તુલનાશક્તિ માટે ધન્યવાદ આપીએ છીએ.”(લોકવાણી)

“ ઝીણામાં ઝીણી નજરે અવલોકન કરવામાં દરેકની સત્ય હકીકત જરા પણ ગભરાયા વગર (લેખકે) રજુ કરી છે. વિદ્વાનોના સુઘટિત પરિચય આપણને આ સંગ્રહમાં મળે છે. (નવગુજરાત)

“વિવેચકની નિપક્ષ વૃત્તિ સાથે સર્જકની કલાદ્રષ્ટિ એમાં તરવરી રહે છે…… શ્રી. શાસ્ત્રી વ્યક્તિઓને ઓળખાવીને એ વ્યક્તિઓને સાહિત્યની સમીક્ષા બહુ સુંદર ને કલાત્મક રીતે કરે છે…… આલેખન સચોટ છે……સરસ છે; સ્પષ્ટ વક્તવ્યવાળું છે તેટલું સમતલ છે…… પ્રો. શાસ્ત્રીએ તેમના ઊંડા અભ્યાસના ફળરૂપ આ સાહિત્યવિવેચનનું મૂલ્યવાન પુસ્તક આપીને ગુજરાતમાં સાહિત્યકારોની ચરિત્રાવલીઓની જે એક ઊણપ છે તે પૂરવામાં પ્રશસ્ય ફાળો આપ્યો છે.” (રાજસ્થાન)

“ગુજરાતના સંસ્કાર અને સાહિત્યસ્વામીઓનાં વ્યક્તિત્વની પિછાન આ શબ્દ–ચિત્રાવલીઓ દ્વારા અને આકર્ષક રીતે રજુ કરી છે. પ્રો. શાસ્ત્રીએ એમના અનુગામીઓ માટે એક નવો માર્ગ દેખાડ્યો છે.

શૈલી રોચક, મીઠી અને રજુઆત કલાયુક્ત હોય તો વ્યકિતઓનાં રેખાચિત્ર પણ નવલિકા અને વાર્તાઓ જેવાં આકર્ષક બનાવી શકાય એ પ્રો. શાસ્ત્રીએ આ પુસ્તક આપણને આપી સિદ્ધ કરી બતાવ્યું છે.…… વ્યક્તિઓને પારખવાની એમનામાં જે સુંદર શક્તિ છે, તેનો લાભ લેઈ ગુજરાતનાં અન્ય ક્ષેત્રોમાં ઘુમતી પ્રસિદ્ધ વ્યક્તિઓનાં રેખાચિત્રો આંકી પ્રો. શાસ્ત્રી ઇંગ્લેન્ડના એ. જી. ગાર્ડિનરની માફક ગુજરાતનાં જીવનને ઘડનાર અન્ય વિભૂતિઓની શબ્દ–છબી આપે એવી આશા આપણે જરૂર સેવીએ.”(મુંબઈ સમાચાર)

“પુસ્તક મને ગમ્યું છે… જીવન્ત સાક્ષરોની શબ્દચિત્રાવલી છતાં વિવેકબુદ્ધિ ભૂલ્યા નથી, તે માટે ધન્યવાદ.” (શ્રીમતી હંસા મહેતા)

“I have carefully gone through your delightful book, and am highly pleased at your complete mastery of the subjects you have handled. The criticism is brilliant, penetrating, creative and constructive. Without being unduly personal, it is fairly and candidly eulogistic; and yet without being unnecessarily captious and censorious, you are always straightforward and direct in your animadversions……

I am sorry I have no words to praise your excellent and perfect command over words. Your style may be a trifle sanskritized, but it is an adequate means to convey the subtlest of significences as well as all varieties and shades of ideas……

My hearty congratulations on your fine literary venture.”

Prof. F. C. Davar,
GUJARAT COLLEGE.