સાહિત્ય અને ચિંતન/નવતર સાહિત્યનાં પ્રેરક બળો

← હું મારા પાત્રો કેમ સર્જું છું? સાહિત્ય અને ચિંતન
નવતર સાહિત્યનાં પ્રેરક બળો
રમણલાલ દેસાઈ
સાહિત્યનું સ્થાન →



નવતર સાહિત્યનાં પ્રેરકબળો

આપણું નવતર સાહિત્ય લગભગ ઓગણીસમી સદીના મધ્ય ભાગથી શરૂ થયું. કાવે ક્લપતરામ અને કવિ નર્મદાશંકર સને ૧૮૨૦ અને ૧૯૩૩માં જન્મ્યા. એ બન્ને આપણા નવત્તર સાહિત્યના આદ્ય સાહિત્યકારો.

અંગ્રેજોનો વિજય, પશ્ચિમ સંસ્કૃતિની શિષ્ટતા અને ઝળકાટ તેમને પડછે હિંદી સંસ્કૃતિની ઊતરતી લાગતી કક્ષા, ધર્મનું વહેમમાં થયેલું પરિવર્તન, બાળલગ્ન, વિધવાવિવાહ – નિષેધ, પરદેશ ગમનનો વિરોધ, અને સાંસારિક કુરૂઢિઓનું તીવ્ર ભાન એ નર્મદ – દલપત યુગના સાહિત્યમાં પ્રેરકબળ ગણી શકાય. દલપતને અંગ્રેજોનો સંસર્ગ હતો; અંગ્રેજી ભાષાનો નહીં, નર્મદને અગ્રેજી ભાષાનો પરિચય હતો; જો કે બહુ ઊંડો નહિ. અંગ્રેજોનો વિજય એ ઈશ્વરપ્રેરિત તત્ત્વ મનાયું; કારણ, મુગલાઈ અને મરાઠી રિયાસતના પતન સમયે ઉદ્ભવેલી અશાંતિથી જનતા ખરેખર કંટાળી ગઈ હતી.

સાથે સાથે દેશાભિમાનના પ્રાથમિક અંકુર આદ્ય સાહિત્યમાં પણ સારા પ્રમાણમાં ખીલી નીકળ્યા હતા. નર્મદની હિંદુઓની પડતીનુ કાવ્ય અને દલપતની હુન્નરખનની ચડાઈ દેશાભિમાનના નમૂનારૂપ ગણી શકાય.

એ પ્રાથમિક સાહિત્યમાં નાટકો પણ લખાયાં, નિબંધો પણ શરુ થયા, કાવ્યોએ ધર્માંના વાડા છોડી સામાજિક અને રાજકીય મેદાનમાં પ્રવેશ કર્યો અને નર્મદનાં કવિચરિત્રો અને જગત ઈતિહાસ પણ નૂતન સાહિત્યનાં સારાં દષ્ટાંતરૂપ કહી શકાય. ગદ્યનો વિકાસ થયો અને સાહિત્યના વાહન તરીકે તેના સ્વીકાર થયો એ અત્યંત મહત્વનું તત્વ ગણી શકાય.

સામાજિક નવલકથા-સાસુ વહુની લડાઈ અને ઐતિહાસિક નવલકથા કરણઘેલો પણ નર્મદ–દલપત યુગના જ સાહિત્યપ્રયોગો કહી શકાય. નવલરામની વિવેચના પણ આપણા પ્રથમ યુગની જ, જેની દૃષ્ટિ વિશાળતાના વારસો હજી પહેાંચે છે.

શિખસત્તા ૧૮૪૮ માં અસ્ત પામી. ૧૮૫૭ ના બળવાને નામે ઓળખાતો મેાગલાઈ અને પેશ્વાઈના છેલ્લા સ્વાતંત્ર્ય યુદ્ધ પ્રયોગ આ યુગમાં જ થયો. જૂની કવિતાનો સૂર્ય સને ૧૮૫૨ માં જ કવિ દયારામના મૃત્યુ સાથે અસ્ત પામ્યો. સને ૧૮૫૭માં એટલે બળવાને વર્ષે અંગ્રેજ સત્તાની સ્થિરતા સાથે યુનિવર્સિટીઓ પણ સ્થપાઈ અને તેના ફળ તરીકે સને ૧૮૭૫ થી કે, ૮૦ થી નવતર યુગનો બીજો વિભાગ શરુ થયો ગણી શકાય.

ગોવર્ધનરામ, નરસિંહરાવ, હરિહર્ષદ ધ્રુવ, મણિશંકર રત્નજી ભટ્ટ, મણિલાલ નભુભાઈ, કેશવ હર્ષદ ધ્રુવ, બળવતરાય ઠાકોર જેવા યુનિવર્સિટીના સ્નાતકો આ બીજા વિભાગના અગ્રણી બન્યા. એમના સાહિત્યનાં પ્રેરક બળ નીચે પ્રમાણે ગણાવીએ;

૧ અંગ્રેજી સાહિત્યનો ઊંડો અભ્યાસ.
૨ સંસ્કૃત સાહિત્યનો ઊંડો અભ્યાસ.
૩ ફારસી ઉર્દૂનો પરિચય.
૪ આપણા સંસ્કૃત સાહિત્યના અભ્યાસે આપણી સંસ્કૃતિમાં દર્શાવવા માંડેલી ઘણી ધણી ખૂબી, આર્ય સંસ્કૃતિ પ્રત્યે થીયેાસોફિકલ સોસાયટીએ ઉપાવેલી પુન:પ્રતિષ્ઠા ઈમરસન, કાર્લાઇલ, ગેટે અને શે।પન હોઅર જેવા પશ્ચિમના વિચારકોએ દર્શાવેલી મમતા, અને નેશનલ કોંગ્રેસની સ્થાપનામાંથી સ્પષ્ટ પણ વિનીત દેશાભિમાન પ્રગટ થયું જેણે સાહિત્ય ઉપર આછી અસર ઉપજાવવા માંડી.
૫ સુરુચિ અને સુધડતાની વર્તમાનયુગને ગમે એવી ઉચ્ચ કક્ષા સાહિત્યમાં પ્રવેશવા લાગી.
૬ સંસ્કૃત અને અગ્રેજી કાવ્યરચનાના અનુકરણમાંથી નવા નવા પ્રયોગો અને સાહિત્ય આકારો જડતા ગયા.

આટલાં તત્ત્વાને આપણે આ યુગનાં પ્રેરક તત્ત્વો-તેમનાં પરિણામ સહ કહી શકીએ. સરસ્વતીચંદ્રનાં રસિક અને સુઘડ પરંતુ ચિંતનશીલ પાત્રો, નરસિંહરાવનાં પ્રકૃતિકાવ્યો, કેશવ ધ્રુવનાં સંસ્કૃત કાવ્ય નાટકનાં ભાષાંતરો, મણિલાલ નભુભાઈ તથા બાળાશંકરની ગઝલેા, હરિ હર્ષદ ધ્રુવનાં વીર કાવ્યો; ઈચ્છારામ સૂર્યરામની લખેલી હિંદુ અને બ્રિટાનિયા નામની નવલકથા તથા બીજી ઐતિહાસિક કથાઓ, મણિશંકર રત્નજી ‘કાન્તના’ છંદ મિશ્રણના પ્રયોગો એ સર્વે આ પ્રેરણાના નમૂનારૂપ કહી શકાય. આ વિભાગ ૧૮૮૦ થી ૧૯૦૦ સુધીને માની શકાય,

નવતર સાહિત્યના ત્રીજો વિભાગ ૧૯૦૦થી ૧૯૨૦ સુધીની મર્યાદા પામ્યો. એનાં પ્રેરક બળમાં નીચેના પ્રસંગો આપણે કહી શકીએ:

૧ બોઅર યુદ્ધમાં અજેય મનાએલી બ્રિટિશ શહેનશાહતની પ્રતિષ્ઠાને લાગેલો ધક્કો, જેણે એશિયાની પ્રજાને પશ્ચિમી સંસ્કૃતિની ઝંખવી નાખતી કીર્તિમાં ઝાંખપ દેખાડવાની શરૂઆત કરાવી આપી.
૨ હિંદના રાજકારણમાંથી વિનીતપણું જવા લાગ્યું અને તેમાં ઉગ્રતા દાખલ થઈ, જેને પરિણામે બંગાળની ક્રાન્તિકારી રાજકીય પ્રવૃત્તિ, સ્વદેશી ચળવળ અને આખા હિંદને હલાવી નાખતો તેમજ એક બનાવતો બંગભંગણો પ્રસંગ ઉભો થયો.
૩ રશિયા જપાન યુદ્ધમાં પશ્ચિમની પ્રજાઓ પૂર્વની પ્રજાઓથી હારી શકે છે એવા કંપાવનારા પ્રથમ અનુભવ થતાં ભારતે કોઈ નવીન બળ અનુભવ્યું.
૪ આંતરરાષ્ટ્રીય સરકારની સ્થાપના : હેગ કોન્ફરન્સ સરખા પ્રાથમિક પ્રયત્નોએ ઝાંખી ઝાંખી સમસ્ત માનવરાજયની ભાવના આગળ કરી. અને છેલ્લે
૫ પ્રથમ વિશ્વયુદ્ધ-જર્મન યુધ્ધ ગણાવી શકાય, જેણે આખી દુનિયાની સાથે ભારતનો ચહેરો પણ બદલી નાખ્યો.

આ યુગમાં હિંદે આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ ઓળખી. અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ હિંદમાં ઠીક ઠીક વધ્યો. રાષ્ટ્રીય ભાન વધુ અને વધુ તીવ્ર થવા લાગ્યું. સાથે આપણી આ સંસ્કૃતિ પ્રત્યે માત્ર પરદેશીઓના પ્રમાણપત્રો પર નહિ પરંતુ આપણા પોતાના અભ્યાસ ઉપરથી માન ઉત્પન્ન થવા લાગ્યું. એ દેશાભિમાને આપણી પોતાની રૂઢિઓ, રિવાજો, પ્રસંગો અને ઉત્સવો પ્રત્યે નવું આકર્ષણ ઉપજાવ્યું.

આ યુગના આપણા સાહિત્યગ્રણીઓમાં કલાપી, ન્હાનાલાલ, લલિત, ખબરદાર, રણજિતરામ અને કનૈયાલાલ મુનશીને ગણાવી શકાય. કલાપી દ્વારા લાગણીઓમાં સચ્ચાઈ વધારે આવી; ન્હાનાલાલ દ્વારા એ લાગણીનો ગગનસ્પર્શી બની, કુદરત સાથે માનવીની એકતા વધારે સ્પષ્ટ થઈ અને ભાવનાઓ વધારે ઉદાત્ત બની. લલિત અને બોટાદકર દ્વારા ગુર્જર ગૃહજીવનના સુંદર ભાવો આલેખાયા, ખબરદારમાં દેશભક્તિએ ઉચ્ચાર માગી લીધો અને એ જ દેશાશિમાને મુનશીની નવલકથામાં ગુજરાતના ભૂતકાળને જાગૃત કર્યો. સરસ્વતીચંદ્રની સુઘડ રસવૃત્તિ ન્હાનાલાલમાં આદર્શવાદી બની; પરંતુ નીતિ અને પ્રેમની છૂટછાટ માટે નર્મદના સમયથી મથી રહેલા ગુજરાતે મુનશીમાં મુક્ત અને રંગીન સ્વરૂપ ધારણ કર્યું.

૧૯૨૦ થી ગુર્જર સાહિત્યમાં ગાંધીયુગ બેઠો એમ કહી શકાય. ગાંધીવાદ એ લગભગ ૧૯૩૦ સુધી એકલું, અને ત્યારપછી આજ સુધી મુખ્ય પ્રેરક બળ સાહિત્યમાં ગણી શકાય.

આ યુગનાં પ્રેરક બળ એટલે :

૧ તિલકથી પણ વધારે બંડખોર રાષ્ટ્રવાદ અને સાથે સાથે ગોખલેના વિનીતપણામાંથી વિકસેલો વિવેક અને આંતરરાષ્ટ્રીય શાંતિવાદમાંથી ગાંધીજીએ ઝડપેલો આર્યસંસ્કૃતિમાંથી ઉપાડેલો અને અતિ સ્પષ્ટ કરેલો અહિંસાવાદ.
૨ આર્ય સંસ્કૃતિની ખામીઓનું સ્પષ્ટ ભાન અને સાથે સાથે એ સંસ્કૃતિનાં ઉચ્ચ તત્ત્વો ઉપર હિંદનું રાજકારણ અને સમાજરચના રચવાનો આગ્રહ.
૩ સાદાઈ ત્યાગ, સેવા અને સામાન્ય—સાહિત્યથી દૂર રહેવા પાત્ર મનાયેલા નીચલા સામાજિક થર પ્રત્યેનો ઊંડો સદ્ભાવ.

સંયમ ઉપર રખાતા આગ્રહ છતાં રસિકતાનું પ્રાબલ્ય અને ઉચ્ચીકરણ.
વાણીથી અટકેલા સ્વદેશાભિમાને જીવનમાં સાધવા માંડેલા સફળ—અસફળ પ્રયોગો.
ગ્રામ્ય અને પ્રતિંત જીવન પ્રત્યેની અનુકંપા અને સહાનુભૂતિ
સ્વાતંત્ર્ય માટેની તીવ્ર ઝંખના.

આટલાં પ્રેરક બળોમાંથી ગાંધીવાદી સાહિત્યનું સન ૧૯૨૦ થી આજસુધી ચાલ્યું આવે છે. રામનારાયણ પાઠક, મેધાણી, ધૂમકેતુ, મહાદેવ દેસાઈ જેવા અગ્રણીઓને આ સાહિત્યના પ્રતિનિધિ તરીકે ગણી શકાય.

પશ્ચિમના ઇબસેન, શો સરખા સાહિત્યકારોની તેમ જ રશિયન સાહિત્યની અસર પણ આ યુગમાં સારા પ્રમાણમાં થઈ, જેને પરિણામે બટુભાઈ ઉમરવાડિયા, ચંદ્રવદન મહેતા, સ્નેહરશ્મિ, ઉમાશકર અને સુંદરમ્ જેવા સાહિત્યકારો ગાંધીવાદ ઉપરાંતની પશ્ચિમાત્ય સાહિત્યની અસરનું અશત : પ્રતિબિંબ પાડતા થયા.

સને ૧૯૩૧–૩૨ થી સામ્યવાદ આપણા જીવનમાં સચોટપણે પ્રવેશ કરવા લાગ્યો. એ સામ્યવાદની અસરમાં આપણે ત્યાં વાસ્તવવાદ અને નીચલા થર ઉપર જ ભાર મૂકતો એક સાહિત્યપ્રવાહ શરૂ થયો. આદર્શ નહિ પરંતુ માનવખામીએનું નિરૂપણ અને જાતીય વાસના ઉપર ઝોક એ આ સામ્યવાદની સાહિત્ય ઉપરની ભારે અસર કહી શકાય. જયંતી દલાલ તથા ભોગીલાલ ગાંધી જેવા લેખકો આ નવા પ્રવાહનાં પરિણામ.

આમ નવતર ગુજરાતી સાહિત્ય નીચેના વિભાગેામાં વહેંચાય :

નર્મદ—દલપતયુગ—એનો મુખ્ય સૂર સુધારો. એ યુગ ૧૮૫૦ થી ૧૮૮૦ સુધી.
વિદ્યાપીઠના વિદ્વાનોનો સાક્ષરયુગ–એનો પ્રધાન સૂર સુધડ રસિકતા, પ્રકૃતિસૌંદર્યનો શોખ અને મર્યાદાશીલ નીતિભાવના ગણી શકાય. વિકટોરિયન યુગની ભારેખમ નીતિ—Victorian prudery પડઘો. એ યુગ ૧૮૮૦ થી ૧૯૦૦ સુધી. સને ૧૯૦૦ થી ૧૯૨૦ સુધીના રોમાંટિક-ઊમિ બાહુલ્યના યુગ. એમાં ઊર્મિ વધારે ઊંડી બની, કલ્પના ખૂબ ઉન્નત થઈ. ભાવનાઓએ સ્પષ્ટ અને ઉન્નત સ્વરૂપ ધારણ કર્યાં. આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિનો ગુજરાતી વાણીએ અનુભવ કર્યો. ઝળકભર્યું… દેશાભિમાન તેમાં વિકસી આવ્યું. અને મસ્ત, તરંગી અને મુક્ત પ્રેમની ભાવના સારા પ્રમાણમાં ખીલી નીકળી. એ વિભાગ ૧૯૦૦ થી ૧૯૨૦ સુધીનો.
૧૯૨૦થી ૧૯૪૦ સુધીના ગાંધી યુગમાં બે ફાંટા પડી ગયા છે. એક શુદ્ધ ગાંધીવાદી પ્રવાહ અને બીજો ગાંધીવાદ સાથે પૂરો સુમેળ ન સાધી શકેલો સામ્યવાદી સાહિત્યનેા ફાંટો. અલબત્ત, આ ગાંધીવાદી સાહિત્યમાં એની પહેલાંના સાહિત્ય કરતાં વિવેક અને સચ્ચાઈનો રણકાર વધારે છે; જો કે ન્હાનાલાલનાં કલ્પના ઉડ્ડયન અને વાણી – પ્રભુત્વ હજી સુધી આ યુગને મળ્યાં નથી. કદાચ નિત્યના રાજકીય પ્રસંગોમાં એ પ્રવાહ અટવાઈ જઈ સકોચ પામી રહ્યો હેાય એ પણ શકય છે.

લગભગ સો વર્ષ ના નવતર સાહિત્યનાં પ્રેરક બળો ઐતિહાસિક ક્રમમાં ગણાવી જવાં હેાય તે નીચે પ્રમાણે ગણાવી શકાય :

પ્રથમ વિભાગ—દલપત નર્મદ યુગ – ૧૮૫૦ થી ૧૮૮૦

સુધારો : ( ૧ ) અંગ્રેજી રહેણીકરણી અને શિષ્ટ સભ્યતાનો મોહ—આપણા અવ્યવસ્થિત હિંદી જીવનને પડછે.
આપણી રહેણી કરણીની ખામીઓ પ્રત્યે ઉગ્ર તિરસ્કાર, કંટાળો, ધર્માચારની અતિશયતા પ્રત્યે અભાન.
આપણા ધર્મ પ્રત્યે અણગમો, ધર્મે બાંધેલી આચાર મર્યાદાઓ તોડવાનું બંડખોરપણું, ન્યાતજતના વાડા વિરુદ્ધ બળવા, ખાવાપીવાની છોછ તોડવાની વૃત્તિ, વહેમ સામે બંડ

હિંદની પડતીનુ ભાન—જેમાંથી પ્રાથમિક સ્વદેશાભિમાન જન્મ્યું.

અંગ્રેજ રાજ અમલ પ્રત્યે ઈશ્વરી સકેતનું ભાન.

નવા જીવનનો ઉલ્લાસ—ઉત્સાહ.

ધર્મ અને સાહિત્યનું વિભાગીકરણ. બીજો વિભાગ—સાક્ષર યુગ—૧૮૮૦ થી ૧૯૦૦

યુનિવર્સિટીનો અભ્યાસ—સંસ્કૃત, ઈંગ્લિશ કે ફારસીનું જ્ઞાન, તેમાંથી સંસ્કાર અને અભ્યાસની પ્રગતિ, ઉચ્ચતા, છંદની પ્રયોગમયતા, ગેયકાવ્યો.

આર્ય સંસ્કૃતિ પ્રત્યે વધતું જતું માન—થિયેસેાફી, આર્ય સમાજ, બ્રહ્મો સમાજ–પ્રાર્થના સમાજ, વિવેકાનંદની પ્રવૃત્તિ.

કુદરતનો અંગ્રેજી ઢબનો સંપર્ક.

કોંગ્રેસની સ્થાપના, વિનીત ઢબનું રાજકારણ, સાહિત્યમાં રાજકારણનો નહિ જેવો પ્રવેશ.

સાહિત્યની વધતી જતી વ્યાપકતા.

ત્રીજો વિંભાગ—Romantic-ઊર્મિ ઉંડાણનો યુગ-૧૯૦૦થી૧૯૨૦

૧ આંતરરાષ્ટ્રીય દૃષ્ટિની શરૂઆત.

ઉગ્ર રાજકારણ, ક્રાન્તિ, હિંસક મેઝીની ગેરીબાલ્ડીની અસર, દેશાભિમાનની સ્પૃહા,

ઊર્મિ અને ભાવનાનાં ઊંડાણ અને સરસાઈ—આદર્શોની સ્પષ્ટ રચના.

કુદરતનો વધારે વ્યાપક અને સાચો સંપર્ક—સાચું રમતિયાળ પણું નાનાલાલ દષ્ટાંતરૂપ.

બોઅર યુદ્ધ–રશિયાજપાન યુધ્ધ–પહેલો જર્મનજંગ.

સામાજિક પ્રશ્નોના ઉકેલમાં થતા અખતરાઓ–સ્રીસન્માનની વધતી જતી ભાવના, કલાપી અને ન્હાનાલાલ–ઉપભોગની રંગીન દષ્ટિ-આદર્શની અસામાન્ય દષ્ટિ.

નીતિના પ્રશ્નોમાં વધતી જતી ઉદારતા—કહેા કે પ્રયોગાત્મક સ્વરૂપ.

૪ ગાંધીયુગ—૧૯૨૦ થી ૧૯૪૦

અહિંસા–અસહકારની નૂતન લડત શ્રેણી ૧૯૩૧-૧૯૩૦-૧૯૪૨

ઉગ્ર સ્વાતંત્ર્યપ્રિયતા, આંતરરાષ્ટ્રીય દષ્ટિની પ્રથમ આછી અને પછી સામ્યવાદીઓના પ્રવેશ બાદ વિસ્તૃત ઓળખાણ.

Orientation of life...જીવનનાં પરિવર્તન, પશ્ચિમ સંસ્કૃતિ પ્રત્યે અવિશ્વાસ, અણગમો અને તેના દોષનું દર્શનસાદાઈ અને સંયમ ઉપર ભાર–છતાં સાહિત્યમાં રસિકતાની વૃદ્ધિ.

જનતામાં નીચલા થર તરફદષ્ટિ—લેાકગીતો-લેાકસાહિત્યના પ્રવાહનું દર્શન.

રશિયાની અસર, અહિંસા અને ગાંધીવાદી અંઘોળ પ્રત્યે શરૂ થયેલા અણુગમા, ક્રાન્તિનું ઉગ્ર સ્વરૂપ, સામ્યવાદનો સાહિત્યમાં પ્રવેશ, બન્નેના સમન્વયનો ભારતીય ઢબે પ્રયત્ન.

આ સર્વ બળોએ પેાતપેાતાની વિશિષ્ટ છાપ આપણા સાહિત્ય ઉપર મૂકી છે. કેટલાંક બળ સમસ્ત ભારતવ્યાપી પ્રવાહો કહી શકાય અને કેટલાંક બળ આંતરરાષ્ટ્રીય વિશ્વવ્યાપી બળના ધક્કા માની શકાય. એકંદર આપણા ગુજરાતી સાહિત્યની સિદ્ધિઓ આપણને આપણા પ્રત્યે માન ઉપજાવે એવી છે.