સાહિત્ય અને ચિંતન/નવલકથા
← સાહિત્યનો માર્ગ | સાહિત્ય અને ચિંતન નવલકથા રમણલાલ દેસાઈ |
કવિતા → |
નવલકથા
[૧]
નવલકથાનો વિવિધ ઢબે વિચાર થઈ શકે. ઐતિહાસિક દષ્ટિ
આજના યુગને ઠીક અનુકૂળ પડી છે, તે દષ્ટિએ પ્રથમ તો નવલકથાની વ્યાખ્યા લઈએ. નવલકથા એટલે તત્ત્વતઃ વાર્તા. બની ગયેલા –અગર બની ગયા એમ ધારી લીધેલા પ્રસંગનું કથન એ વાર્તા. એ તેની સાદામાં સાદી વ્યાખ્યા.
વાર્તાનો રસ માણસને બીજા બધા માનસિક રસ પહેલાં જાગે છે. બાળક જરા સમજવા માંડે ત્યારથી માંડી તે મોટું થાય અને વૃદ્ધ બને ત્યાં સુધી તેને વાર્તાનો રસ રહે છે. ઘણા જુવાનીઆઓને લાગે છે કે આપણા વૃદ્ધોની આપણને બહુ જરૂર નથી; કેમકે તેઓ શક્તિ વિનાના થઈ ગયા છે, અને તેથી જીવવા માટે અપાત્ર છે. તેઓ એવો પણ ભાવ ધરાવતા હશે કે વૃદ્ધો આપણને આગળ વધતા અટકાવે છે. અને સમાજને પીછેહઠ કરાવે છે. પણ આપણે બાળકોને પૂછીશું તો તેઓ કાંઈ જાદુ જ કહેશે. તેઓ તો કહેશે કે વૃદ્ધો ગમે તેવા હશે તો પણ તેમને ખૂબ જીવવા દો. આનું કારણ કે તેઓ બાળકોને વાર્તાઓ કહી બાળકોના જીવનનો ભાર હળવો કરી જાણે છે, એટલું જ નહિં; જીવનના નવપ્રવાસી બાળકોને નવજીવનનું ભાથું ભરી આપે છે. એ વૃદ્ધોની વાર્તાઓમાં હું સાહિત્ય અને શિક્ષણ જોઉં છું.
બાલ્યાવસ્થાથી ઊંચે જતાં કોલેજમાં ભણતા વિદ્યાર્થીનો પ્રશ્ન લઈએ. તેઓને પણ વાર્તા સાંભળવાની ઈચ્છા હંમેશ રહે છે જ -જો કે ચકલાચકલીની વાર્તા બાળકોની લઢણે તેમને પંસદ ન પડે. પણ એ નાની વાર્તાની ફિલસૂફી અને રસ મોટા પુરુષોને ઉપયોગી જરૂર થઈ પડે છે. બાળકોનાં ચકલા ચકલી જોતજોતામાં યુવક યુવતી બની જાય છે. આ પણ યુવકજગતનું એક સત્ય વિચારવા જેવું છે.
ઉંમર વધતાં આપણે વાર્તાનું ઉચ્ચાલન fulcrum-pivotબદલાય છે, અને વાર્તા ચાંદનીમાં, બગીચામાં ફુવારાઓની વચ્ચે, પરીએના દેશમાં ભ્રમણ કરે છે. એથી આગળ જતાં મધ્ય વયનાં સ્ત્રી ઓ કે પુરુષો જ્યાં સાથે મળે છે ત્યાં–રસોડામાં, કલબમાં, મેળાવડામાં બધે વાર્તાઓ રચાય છે. આપણાં છાપાં પણ નવી નવી વાર્તાઓ રચવાને માટે બહુ ઉપયોગી થઈ પડે છે. જેમકે, બિરાદર ડાંગેએ ધારાસભામાં સરકારની ખૂબ ઝાટકણી કાઢી ! મોરારજીભાઈએ વાંકી ટોપી પહેરી હતી ! ભાષણો વખતે ધારાસભ્ય સ્વપ્નામાં રમતા હોય છે ! એ બધી વાર્તાઓ જ છે. બનતા સર્વ બનાવામાં વાર્તાતત્ત્વ રહેલું જ છે.
આમ જન્મથી વાર્તાનું સ્વામિત્વ આપણા પર ખૂબ હોય છે, અને તેથી વાર્તાનું મહત્ત્વ શાસ્ત્રીય દષ્ટિએ ઘણું છે. આથી જ શિક્ષણમાં વાર્તાનુંસ્થાન ઊંચા પ્રકારનું છે. વાર્તાના રૂપમાં રજુ કરવાથી કોઈ પણ વિષય સહેલાઈથી શીખવી સમજી શકાય છે તેનું આ જ કારણ છે. ગણિતનો વિષય શીખનારાઓને નથી આવડતો. તેમાં મને એક જ કારણ લાગે છે કે આપણા શિક્ષણશાસ્ત્રીઓ તેમાં વાર્તાનું તત્ત્વ મિશ્રિત કરી શકતા નથી. જો તેઓ તેમાં વાર્તા ઉમેરી શકે તો ગણિતનો વિષય પણ ઇતિહાસના જેવો જ રસપ્રદ થઈ શકે.
ગણિતની લોકપ્રિયતા અર્થે આપણે લીલાવતી ગણિતને ઉદાહરણ તરીકે લઈએ. એમાં જે જે દષ્ટાંતે આપેલાં છે તે બધાં હૃદયને ખેંચે એવાં અને વાર્તાના રૂપમાં જ હોય છે. ઉપરાંત આપણે શામળ ભટ્ટ પાસે આવીએ તો તેના સાહિત્યમાં
ગોરી બેઠી ગોખ તળે નદી કેરે નીરે
તૂટયો મોતી હાર, પડયો જઈ તેને તીરે
આમ મોતીહારવાળી નદીકિનારાના ગોખમાં બેસતી ગોરીની વાર્તા દ્વારા જ ગણિતનું શિક્ષણ શામળના સાહિત્યમાં અપાય છે, જે સામાન્ય હિસાબ કરતાં વધારે રુચિર બની શકે.
વળી ધર્મભાવનામાં પણ વાર્તાનું મહત્વ મોટું છે તેમાં પણ Allegories-Parables દ્રષ્ટાંત વાતો મોટો ભાગ ભજવે છે અને ધર્મભાવનાને લોકમાન્ય કરવામાં વાર્તા ખૂબ જ ઉપયોગી થાય છે. પુરાણો, જાતકકથા, બાઈબલ વગેરે વાર્તાઓના ભંડાર છે, જોકે તેઓ ધર્મગ્રંથ તરીકે સામાન્યતઃ ઓળખાય છે.
ઉપરાંત Ethics-નીતિજીવન અંગે પણ પંચતંત્ર જેવા સુંદર વાર્તાગ્રન્થો આપણે ત્યાં રચાય છે, અને તેમાં પણ વાર્તા જ પ્રધાનપદે છે.
અને સાહિત્ય એ તો મુખ્ય વાર્તાની આસપાસ જ રચાય છે એ કહેવાની જરૂર નથી. સાહિત્યમાંથી આપણે વાર્તા લઈ લઈએ તો શું રહેશે? રામાયણમાંથી રામ સીતાના વાર્તા-પ્રસંગો લઈ લઈએ, કે શાકુન્તલ નાટકમાંથી વાર્તાનું તત્ત્વ લઈ લઈએ તો બાકી શું રહેશે?
આથી વાર્તા ઉપર જ ઈતિહાસ, ધર્મ, સંસ્કાર અને સમાજને બોદ્ધિક અને ઊર્મિજન્ય પાયો રચાયો છે એમ કહીએ તો વધારે પડતું નથી. વાર્તાના આ તત્વનું ઊંડું વિવરણ જરૂરી નથી. લોકભોગ્ય ભાષામાં આટલું જ્ઞાન બસ થશે !
આપણે ત્યાં વેદના સમયથી વાર્તા ચાલી આવી છે, વેદ-ઉપનિષદોમાં પણ ઉદ્દાલક, યમ, દીવોદાસ, ઉર્વશી વગેરેની વાર્તાઓ જોવામાં આવે છે. અને એ જ પ્રમાણે પુરાણ, મહાભારત, રામાયણ એ બધા પણ વાર્તાના ભંડાર છે એમ કહીએ તો ચાલે.
વળી બુદ્ધની જાતકકથાઓમાંથી પણ આપણને ઘણું જાણવા જેવું મળે છે, અને તે ઉપરતિ રાજતરંગિણી, કથાસરિત્સાગર એ બધાં પણ આપણું વાર્તાસાહિત્ય ખીલવવામાં ખૂબ ઉપયોગી થયાં છે. વિક્રમ શાલિવાહનનાં તેમ જ ભોજ-કાલિદાસનાં વાર્તા–મંડળો પણ આપણા એ વાર્તાસહિત્યમાં ખૂબ ઉમેરો કર્યો છે, અને આમ આ વાર્તાની Chain સાંકળ વેદવારાથી ચાલી આવે છે. જૈન રાસાઓએ એ પણ આપણને ઘણું વાર્તાસાધન આપ્યું છે.
આપણા વાર્તાસાહિત્યમાં બે માર્ગ ખાસ જુદા તરી આવે છે; એક બાજુ Floationg Literature એટલે કે ચારે બાજુ વૈખરી વાણીમાં કહેવાતી અને એવી રીતે કંઠસ્થ જળવાયેલી વાર્તાઓ. ભાટચારણોએ આ સાહિત્ય ફેલાવવામાં તથા લોકપ્રિય કરવામાં બહુ સારો ફાળો આપ્યો છે. એમાં ભૂતપ્રેતની વાર્તાઓ પણ હોય અને વીર કે વીરાંગનાના પ્રકારો પણ તેમાં મળે. આવી વાર્તાઓ આપણા સાહિત્યમાં ઘણી છે. બીજો પ્રવાહ છે આપણા સંસ્કૃત પ્રાકૃત સાહિત્યમાંથી ઊતરી આવેલી કથા–વાર્તાઓનો. એમાં આપણે ઈસ્લામના સંપર્કને પણ છેક વિચારવા સરખો નથી. એરેબિયન નાઈટ્સ, હાતીમતાઈ, લાલ બુઝક્કડ અને બાદશાહ બીરબલનાં ચાતુર્ય કે ચાતુર્યઅભાવ ભૂલી ન જ શકીએ. ઘણી વાર લોકસાહિત્ય સ્થાનિક વાર્તાઓ અને Tradition-ગ્રંથસ્થ કે પ્રણાલિકાથી ચાલતી આવેલી વાર્તાઓનાં મિશ્રણ પણ થાય છે.
આપણી વર્તમાન વાર્તાસાહિત્યની ભૂમિકા આમ તૈયાર થઈ. પરંતુ વર્તમાન નવલકથાનો જન્મ ઓગણીસમી સદીમાં થયો.
ઉપરના બે પ્રવાહ ઉપરાંત એક ત્રીજો પણ પ્રવાહ નોંધવો પડશે, જેણે આપણી વાર્તાસાહિત્ય પર સ્પષ્ટ અસર ઉપજાવી છે: તે પશ્ચિમનું વાર્તાસાહિત્ય. પાશ્ચિમાત્ય સાહિત્યે આપણને વાર્તા માટે સરસ નમૂના પૂરા પાડ્યા. જો તેઓએ આપણને વર્તમાન સમયની વાર્તા માટે બીબાં ન આપ્યાં હોત તો આપણું વાર્તાસાહિત્ય અત્યારે જે વિકાસ સાધી શક્યું છે તે સાધી ન શક્યું હોત; નિદાન એનું સ્વરૂપ જુદું જ હોત. લીટન, સ્કોટ, થેકરે, ડીકન્સ વગેરેએ આપણને વાર્તા માટે સ્વરૂપો, આકારો આપ્યા, જેના ઉપરથી વર્તમાન વાર્તા ઊદ્ભવ પામી. વળી તેને બંગાળી, મરાઠી નમૂનાઓએ સમૃદ્ધ કરી છે–જેના અનુવાદો આપણી ભાષામાં પુષ્કળ થયા છે. આ આપણા વાર્તાસાહિત્યની ઝાંખી ઈતિહાસશ્રેણી.
હવે વાર્તાનાં તત્ત્વો કે અંગોનો સહજ વિચાર કરીએ. વાર્તા અત્યારના યુગમાં મુખ્યત્વે કરીને બે વિભાગમાં વહેંચાય છે: ઐતિહાસિક અને સામાજિક.
ઐતિહાસિક નવલકથામાં ઈતિહાસને પડદે Background મૂકી તેના પર કલ્પનાની રમત કરવામાં આવે છે. એ નવલકથા પોતે ઇતિહાસ નથી, પણ લેખકની કલ્પના જૂના યુગમાં જઈ તેમાં રૂપરંગ પૂરે છે. આમ, ઐતિહાસિક નવલકથા રચાય છે. આપણે ‘જૂની આંખે નવા તમાશા’ એ કહેવત સાંભળીએ છીએ. એમાં રહેલું તત્વ જરા ફેરવી ‘નવી આંખે જૂના તમાશા’ એમ વાંચવાથી ઐતિહાસિક નવલનું તત્વ બરાબર ખેંચી શકીશું. એમાં વર્તમાન લેખકની કલ્પના ભૂતકાળ ચીતરવા પ્રયાસ કરે છે, અને એ ચિત્રને સંપૂર્ણ બનાવવા પ્રાચીન યુદ્ધો કે રાજારાણીઓના પ્રસંગો લાવવા છતાં તેમાં વર્તમાન જીવનનો પડઘો અચૂક સંભળાય છે.
આ ઐતિહાસિક નવલકથા આપણે ત્યાં “કરણઘેલા'થી શરૂ થઈ અને અત્યારે બહુ સુંદર વિકાસ પામી છે. એમાં ‘કરણઘેલાના કર્તા સ્વ. નંદશંકર પછીનાં કેટલાંક નામ આપણને જડી આવતાં હોય તો ગુજરાતી” પત્રના કેટલાક લેખક, તેમજ 'ગુજરાતી પંચ'ના પણ કેટલાક વાર્તાલેખક યાદ આવે છે. “સુંદરી સુબેધ'ની આસપાસ રચાયેલું ભોગીન્દ્રરાવ, રામ મોહનરાય વગેરે બંધુસમાજના સભ્યોનું વર્તુલ ભૂલાય નહિ જ. વળી વાર્તા સાહિત્યને નવું સ્વરૂપ આપનાર શ્રી. કનૈયાલાલ મુનશીને પણ વિસરી શકાય નહિ. એમણે પ્રાચીનકાળનું જે ગૌરવભર્યું આલેખન કર્યું છે તે એમને એક ઊંચી પ્રતિના કલાકારનું અવશ્ય સ્થાન આપે છે.
આ ઉપરાંત આપણું લોકસાહિત્યમાં તારાચંદ્ર અડાલજા, મેધાણી, રાયચુરા એઓએ પણ સારો ફાળો આપ્યો છે; અને એમણે કાઠિયાવાડના ઈતિહાસને બહુ જ ભભકભર્યો ચીતરી બતાવ્યો છે. પણ એઓ સામે એક આક્ષેપ કરવો પડશે ! બહારવટિઆ, ચોર, લૂંટારા, કૂર, ખુની અને ડાકુઓ જાણે કાઠિયાવાડમાં જ હોય એ જાતનો ભ્રમ એમણે ઊભો કર્યો છે ! પણ ગુજરાતીઓ તેમને ખાતરી કરી આપશે કે તળ ગુજરાતમાં પણ એ બધા છે: વિપુલ પ્રમાણમાં ! શૌર્ય, વીરત્વ, ધર્મભાવના અને ટેકની કલ્પનામાં રહેલું સારામાં સારું તત્ત્વ ખેંચી લઈ તેનું ઉનત દર્શન એ લેખકોએ કરાવ્યું છે. એવા મેઘાણી કે રાયચુરા હજુ તળ ગુજરાતને માટે જન્મયા નથી માટે વિનંતી કે અમારા ગુજરાતના ગુનેગારોને પણ એમણે અમર કરવા !
સામાજિક નવલકથામાં હવે આપણે રાજરાણીથી દૂર જઈએ છીએ. રાજાને સાત રાણીઓ હેાય અને એનાથી એને જેટલી મૂંઝવણ થાય એના કરતાં આજના એક યુવકને કન્યા મળતી હોય કે ન મળતી હોય તેથી અનેકગણી મુંઝવણું થાય છે ! અને એવાં નાનાં માણસો, ભણેલાઓ, ખેડૂતો, શ્રમજીવીઓ વગેરેના જીવનમાં પણ જીવનમાં એવાં તત્વો છે જેને વાર્તામાં સ્થાન આપી શકાય. એવાં વ્યકિતગત, સાંસારિક જીવનનાં વાર્તામાં વણવાની ભાવના જાગૃત થઈ, અને તેમાંથી સામાજિક નવલનો ઉદ્ભવે થે. સાસુવહુની લડાઈ’ એ આપણા સાહિત્યમાં પહેલવહેલી સામાજિક નવલકથા: રા. સા. મહીપતરામે રચેલી. અને એ નવલકથાનો જોતજોતામાં વિકાસ થતાં ‘સરસ્વતીચંદ્ર’ જેવો મહાન વાર્તાગ્રંથ રચાયો. એ પછી–ઐતિહાસિક દૃષ્ટિ વાપરીએ તો–આ જાતની સામાજિક નવલકથા અત્યારે બહુ પ્રચાર પામી છે અને તેમાં સારા લેખકો થયા છે અને થયે જાય છે.
તેમાં એક વિભાગ હમણાં નવો ઉમેરાયો છે; જે Psychological Novel–માનસ : રમતને –મનોવિકારને–મનની અંદર રહો ભાવોને અગ્રસ્થાન આપી વ્યક્તિઓ માત્ર માનસ કળથી ચાલતાં રમકડાં હોય એવી ઢબે તેમના વર્તનને ચીતરતી વાર્તાઓનો પ્રકાર કહેવાય. આ જાતની નવલકથામાં મનુષ્યના માનસનું પૃથકકરણ કરવામાં આવ્યું હોય છે. મનુષ્ય શું કરે છે એ વર્ણન ખીલવવા કરતાં તે વિચાર કરે છે એનું એમાં વિશેષ વર્ણન થાય છે. માનવહૃદયના ઘર્ષણથી ઉપજતા ભાવો કેટલા ઉન્નત, તેજસ્વી અને વર્ણનને પાત્ર હોય છે તે આ નવલપ્રકાર બતાવે છે, જો કે તેમાં પ્રસંગવણાટ જરા ફીસો હોય છે, પાત્રો પણ બહુ મજબૂત લાગતાં નથી, તેમ છતાં બુદ્ધિને સ્પર્શ કરવાની તેની તાસીરને લીધે યુરોપમાં તેનો પ્રચાર ખૂબ વધતો જાય છે.
આમ વાર્તા આપણા જીવનમાં બધે જ ર્સ્પશે છે. આપણે સુધારાની ગમે તે ટોચે પહોંચીએ, તેમ છતાં આ વાર્તા માટેનું આપણું માનસ બદલાવાનું નથી. આપણે ગમે તે યુગમાં હોઈશું તો પણ આપણે વાર્તા માટે મોહ ધરાવતા રહીશું અને તેથી વાર્તાકારો ભાવિમાં પણ પોતાને કામે લાગેલા જ રહેશે.
૨
ઐતિહાસિક નવલકથા એ પણ અંતે તો નવલકથા જ છે, એટલે તેના ઘડતરમાં નવલકથાનાં તત્ત્વો હોવાં જ જોઈએ; ઉપરાંત તે ઐતિહાસિક હોવાથી ઈતિહાસનું તત્ત્વ પણ તેની અંદર હોવું જ જોઈએ. સંસ્કૃત રસશાસ્ત્રમાં પ્રખ્યાત અને ઉત્પાદ્ય એમ વસ્તુના બે ભેદ પાડેલા છે. પ્રખ્યાત વસ્તુ તે લગભગ ઐતિહાસિક નવલકથાનું વાતાવરણ રચી શકે.
અમદાવાદમાં કેટલાક વખત પર ભરાયેલી ઈતિહાસ પરિષદમાં ઐતિહાસિક નવલકથાની ખૂબ ચર્ચા થઈ હતી. કનૈયાલાલ મુનશીનો મત તેમણે સુંદર ઐતિહાસિક નવલકથા લખેલી હોવા એવો થયો હતો કે ઈતિહાસ પણ આપણી મરજી પ્રમાણે દેખાય એવું તત્વ છે. એનો અર્થ એમ કરવામાં આવે, કે આપણે માન્યો તે ઈતિહાસ; તો શ્રી મુનશીનો એ મત ભાગ્યે જ ગ્રાહ્ય થાય: પરંતુ ઐતિહાસિક નવલથાનો લેખક વર્તમાન યુગનો માનવી છે અને ઈતિહાસ પ્રત્યે તે વર્તમાન યુગની દૃષ્ટિથી જુએ છે, એટલે યુગે યુગે ઈતિહાસ પ્રત્યેની દૃષ્ટિ ફરતી જાય છે; એવો જો મત એમાં સમાયેલો હોય તો શ્રી મુનશીના મતને સ્વાભાવિક રીતે જ ટેકો મળે.
ભૂતકાળ તરફ દૃષ્ટિ નાખવામાં ભેદ પડે એ સંભવિત છે. એક નાસ્તિક લેખક ધર્મનો ઈતિહાસ લખવા બેસે તો એને ધર્મમાં ભયંકર દૂષણો, ભૂલો અને ખામીઓ સિવાય કશું જડે જ નહિ. એક આસ્તિક એ ઈતિહાસ લખે તો એને ધર્મની ખૂબીઓ જ માત્ર જણાઈ આવે. તુલનાત્મક દૃષ્ટિવાળો ઈતિહાસ લખે તો તેને ધર્મમાં ખૂબીઓ પણ જણાય, ખામીઓ પણ જણાય, અને એ બંનેનાં કારણો પણ સમજાય. આજ દૃષ્ટિ ઐતિહાસિક નવલકથાઓમાં પણ કેટલાક દષ્ટિભેદ ઊભા કરે છે.
મુનશી અને ધૂમકેતુ એ બંનેએ સોલંકીવંશનાં ગુજરાત તરફ દૃષ્ટિ કરી છે. મુનશીની દૃષ્ટિમાં સોલંકી યુગનું ગુજરાત રંગીન, રસમસ્ત અને માનવહૃદયની રૂપાળી ભૂલો કરતું દેખાયું છે. ધૂમકેતુને ગુજરાત ત્યાગ, શિષ્ટતા અને ભૂલો ન કરવાના આગ્રહવાળું દેખાયું છે. આપણે એમ તો ન જ કહી શકીએ કે સોલંકી યુગના ગુજરાતમાં મુનશીએ કલ્પ્યાં છે તેવાં આનંદ, ઉલ્હાસ અને ભૂલને કિનારે પહોંચી જતી વાસના નહોતાંજ નહોતાં. સાથે સાથે સોલંકી વંશના ગુજરાતમાં મુનશીએ કલ્પેલા જ રંગીન ગુણો હતા, અને ત્યાગ કે શિષ્ટતા હતાં જ નહિ એમ પણ કહી શકાય નહિ. લેખકના દૃષ્ટિબિંદુ ઉપર ઈતિહાસના ક્યા તત્વો ઉપર ભાર મૂકવો તેનો આધાર રહેલો છે. માનવી વર્તમાન યુગમાં માનવી તો રહે છે જ, અને આજનો માનવી જે પ્રાથમિક ઊર્મિઓ અનુભવે છે, તે ઊર્મિઓ ઐતિહાસિક માનવીના અનુભવમાં ન હોય એમ ભાગ્યે જ કહી શકાય એટલે આજના યુગને મળતી માનવ વૃત્તિઓ સોલંકી યુગમાં વર્ણવાઈ હોય તો તેમાં ખાસ ખામી આવી જતી નથી.
માનવીની ઉર્મિઓને કાળની કે ઈતિહાસની સીમાઓ ભલે ન હોય, પરંતુ એને એ સિવાયની બીજી ઘણી ઘણી સીમાઓ છે અગર ઘણી ઘણી છાપ છે કે જે ઐતિહાસિક નવલકથામાં આપણે ઉવેખી શકીએ નહિ. મુંજાલ ગુજરાતથી દક્ષિણમાં ગયો તે મુંબઈ સુધી બી.બી.સી આઈ રેલવેમાં મુસાફરી કરીને ગયો એમ ઐતિહાસિક નવલકથામાં લખી શકાય નહિ. એમ લખવામાં આવે ત્યારે એ લખાણ ઈતિહાસ-કથા મટી હાસ્યકથા બની જય છે. મુંજાલ અને મીનળ વચ્ચે છૂપો પ્રેમ હતો એ વસ્તુનો વિકાસ ઘણાને ખૂંચ્યો છે. મીનળ અને મુંજાલ બંને આપણા ઈતિહાસના એટલાં બધાં સ્પષ્ટ પાત્રો નથી કે જે આપણી ભાવનાસૃષ્ટિમાં અગર પરંપરાસૃષ્ટિમાં નિશ્ચિત મૂર્તિરૂપ બની ચૂક્યા હોય. મિનલ દેવીને અને તેના પતિ કર્ણને બહુ બનાવ ન હતો એ વાત આપણી કથાઓએ નોંઘેલી છે. એના ઉપર ભાર દઈ મુનશીએ મીનલ મુંજાલ વચ્ચે આકર્ષણ કલ્પ્યું હોય તે એ કલ્પનામાં ભારે દુષણ જોઈ શકાય નહિ. પરંતુ આપણે સ્થિર ભાવના મૂર્તિઓ વિશે ઐતિહાસિક નવલકથા છુટ લઈ શકે જ નહિ. રામાયણ આપણા હૃદયમાં જડાઈ ગયું છે. રામ અને સીતાને આપણે યુગ યુગથી અમુક સ્વરૂપે જોવાને ટેવાયેલાં છીએ. સીતાનનો પરિત્યાગ કર્યા પછી રામે બીજી કોઈ યુવતી તરફ નજર કરી એવી વાર્તા રચના કરવામાં આવે તો તેને આપણે ખરેખર ઐતિહાસિક કથા કહી શકીએ નહિ, બીજું ગમે તેમ હોય તો પણ ઈતિહાસે એટલું તો સ્પષ્ટ કર્યું જ છે કે રામ, સીતાને તજીને પણ સીતાથી ભરેલું જ હૃદય રાખી રહ્યા હતા.
એટલે ઈતિહાસનાં જે તત્ત્વો સ્પષ્ટ થઈ ગયાં છે તે તત્ત્વોની સાથે, ઈતિહાસનાં જે પાત્રો સ્પષ્ટ થઈ ગયાં છે તે પાત્રો સાથે અને ઈતિહાસનો જે કાળ નિશ્ચિત થઈ ગયો છે તે કાળની સાથે ઐતિહાસિક નવલકથાથી છૂટે લઈ શકાય નહિ.
વળી ઈતિહાસમાં કેટલાક અસ્પષ્ટ અને અને અર્ધસ્પષ્ટ પ્રદેશો છે કે જેમાં ઐતિહાસિક નવલકથાકાર પોતાની કલ્પનાને મુક્ત રીતે વિહરવા દઈ શકે છે. હિંદુ સંસ્કૃતિ બર્મા, સિયામ, જાવા, સુમાત્રા, ચીન અને જપાન સુધી પહોંચી ગઈ હતી, એનાં તારીખવાર કે સિલસીલાબંધ પ્રકરણો આપણી પાસે નથી; છતાં અમુક કાળ સીમાઓમાં આ વસ્તુ બની એટલું તો ચોક્કસ છે જ, એટલે એ ધુમ્મસ ભરેલા ઇતિહાસમાં કંઈક પ્રેમકથાઓ, કંઈક ઘર્ષણ કથાઓ, કંઈક સાહસકથાઓ, અને કંઈક કરુણ કથાઓનો સમૂહ ઐતિહાસિક નવલકથાકાર રચી શકે. પરંતુ તેમાંય અમુક મર્યાદાઓ તો ખરી જ. ગુજરાતનો રાજકુમાર વિજય ભલે લંકા કે જાવામાં દરિયા-માગે, જળમાર્ગે જાય પરંતુ એ વિજ્ય વરાળયંત્રથી ચાલતી બોટમાં ગયો અને ધનુષ બાણ સાથ ઉપર તે હાથ રીસ્ટ વોચ પણ પહેરતા હતા એવું કહેવામાં આવે ત્યારે ઈતિહાસિનો વિપર્યય થાય. છે. અને ઐતિહાસિક નવલકથામાં તે ચલાવી લેવાય નહિ.
ઇતિહાસનું આજના યુગને સમજાય એવું વાતાવરણ પણ ઐતિહાસિક નવલકથાએ ઉપજાવવું જોઈએ. એ વાતાવરણ તે સમયની રહેણીકરણી, તે સમયની વિશિષ્ટતાઓ, તે સમયની કલારચના, તે સમયના પહેરવેશ અને રીતરિવાજોના વર્ણન દ્વારા જીવંત બનવું જોઈએ. રજપૂત શૂરાતનની વાત લખતાં કેસરિયાં જ આવે. બહાદુરીભરી પીછેહઠ ગમે એટલી બહાદુરીભરી હોય તો પણ રાજપૂત શૌર્યયુગ સાથે સંભવે નહિ. જેમ માનવીના રસ, એટલે શૃંગાર, વીર, હાસ્ય વગેરે, સર્વ કાલમાં લગભગ સરખાં જ હોય છે તેમ માનવ જાતના આદર્શો પણ લગભગ યુગે યુગે સરખા જ હોય છે. પરંતુ એ રસ અને આદર્શને સ્ફુટ થવા માટેનાં સાધન યુગે યુગે જુદાં હોય છે, એટલે એ રસપ્રદર્શન અને આદર્શ પ્રદર્શન એ બંનેમાં જે તે સમયની વિશિષ્ટ છાપ ઉપસી આવવી જોઈએ. જે તેમ ન થાય તે યુગને બેવફા નીવડી ઈતિહાસનું ખૂન કરવા જેવો પ્રસંગ ઉત્પન થાય. ઓગણીસમી સદીનો અંત અને વીસમી સદીની શરૂઆત ભદ્રંભદ્ર જેવા હાસ્યને શકય બનાવે પરંતુ આજ એ વસ્તુ બહુ શક્ય બની શકે નહિ. આજ હાપ્રયરસ લાવવો હોય તો અતિ અંઘોળિયા બ્રાહ્મણને બદલે કોઈ રાજદ્વારી પુરુષનું “કાર્ટુન-ઠઠ્ઠાચિત્ર દોરી શકાય. માનવી ઓગણીસમી સદીમાં પણ હસે અને વીસમી સદીમાં પણ હસે. હાસ્યરસ બંને યુગમાં રસ ખરો પરંતુ ધર્મઝનૂની બ્રાહ્મણ ઓગણીસમી સદીમાં જ ઐતિહાસિક દષ્ટિએ શક્ય બને; આજ વીસમી સદીના મધ્યમાં નહિ. અને જ્યારે નાત, જાત સંપૂર્ણ પણે લુપ્ત થઈ ગયેલી હોય અને એ લુપ્તપણું વર્ષોથી સ્થિર થઈ ગયું હોય ત્યારે એમ પણ બને કે ભદ્રંભદ્રનો હાસ્યરસ તે યુગથી ટીકાઓ વગર સમજાય પણ નહિ. એટલે આદર્શ રસ તેમજ કાલ્પનિક મૂર્તિઓ - ચરિત્રો દોરતી વખતે સ્થળ અને કાળ એ બંને બહુ જ આવશ્યક તત્વો ગણવાં જોઈએ. “કરણઘેલા’માં ભૂતપ્રેત, મંત્ર, જંત્ર, એ સર્વના દશ્યો બહુ સચોટપણે દર્શાવવામાં આવ્યાં છે. આજનો યુગ વહેમી તો છે જ. છતાં એના વહેમમાં મંત્ર, જંત્ર કે ભૂતપ્રેત ‘કરણઘેલા' ઢબે આવી શકે નહિ. અને આવે તો પણ તે થિયોસોફી અગર ક્રિશ્ચિયન સાયન્સના રંગથી રંગાઈને જ કાંઈક શાસ્ત્રીયપણું ધારણ કરી ને જ આવી શકે. એટલે વીસમી સદીનાં ભૂતનું વર્ણન ઓગણીસમી સદીનાં ભૂતનું વર્ણન કરતાં તદન જુદુ જ હોય. અરેબિયન નાઈટસનો 'જીન' આજ કામ ન લાગે, પરંતુ આજ મંગળની મુસાફરી કે વીસ કલાકની પૃથ્વી પ્રદક્ષિણાના સ્વરૂપમાં જૂનો જીન વેશપલટો કરી શકે.
ગુજરાતમાં ઐતિહાસિક નવલકથા ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં શરૂ થઈ. નંદશંકરનો “કરણઘેલો', મહીપતરામનો 'વનરાજ ચાવડો' તથા 'સિદ્ધરાજ જયસિંહ' અને ફાર્બસની 'રાસમાળા’માંથી આપણી ઐતિહાસિક નવલકથા શરૂ થઈ. એ પછી મુંબઈના 'ધી ગુજરાતી' સાપ્તાહિકની ઐતિહાસિક વાર્તાઓએ ગુર્જર સાહિત્યમાં ઐતિહાસિક નવલકથાને ઘડી છે. એ પ્રથા હજી સુધી અટકી નથી. મરાઠી અને બંગાળી તરજુમાઓએ પણું ઐતિહાસિક નવલકથા ગુજરાતીમાં ઠીક ઠીક ઉતારી છે. હરિનારાયણ આપ્ટે, બંકિમચંદ્ર અને રમેશ દત્તની ઐતિહાસિક નવલકથાઓ ગુજરાતીમાં ઊતરી છે, અને તેમણે ગુજરાતી વાડ્મયને સમૃદ્ધ પણ કર્યું છે. વીસમી સદીના બીજા દશકામાં મુનશીની ઐતિહાસિક નવલકથાઓએ ઉચ્ચ કલાસ્વરૂપ ધારણ કર્યું એટલું જ નહિ, પરંતુ પૂરો આકાર ન પામેલી એતિહાસિક નવલકથાને મુનશીદ્વારા સ્વતંત્ર ગુજરાતીપણું મળ્યું અને ત્યાર પછી તો સામાજિક નવલકથાની સામે ઐતિહાસિક નવલકથાઓ પણ ગુજરાતી સાહિત્યનો બહુ જ મહત્વનો વિભાગ થઈ પડી છે.
ઐતિહાસિક નવલકથા અને તેના ઘડતર વિષે ફરી વિચાર કરી જોઈએ.
(૧) ઐતિહાસિક નવલકથા એટલે ઇતિહાસથી મર્યાદિત થયેલી નવલકથા ઈતિહાસના નકશામાં ગોઠવાઈ જાય અને નકશાથી ખાસ જુદી તરી ન આવે એવા એવા પ્રકારની કલ્પનામિશ્રિત કથા એનું નામ ઐતિહાસિક નવલકથા.
(૨) એ ચોખ્ખો ઈતિહાસ નહિં; ઈતિહાસ તરીકે તે લખાયેલી નહિ પરંતુ ઇતિહાસનું આછું પડ એ નવલકથા ઉપર પથરાઈ ગયેલું હોવું જોઈએ. માર્ગસ્તંભો ઈતિહાસના ખરા; પરંતુ એ માર્ગસ્તંભોની વચ્ચે આખું આકાશ પાતાળ નવલકથાને વિકસવા માટે ઉપયોગમાં લઈ શકાય.
(૩) પ્રખ્યાત, રૂઢિથી નિશ્ચિત થઈ ચૂકેલાં પાત્રો સાથે ઐતિહસિક નવલકથામાં છૂટ ન લઈ શકાય. પરંતુ એટલી મર્યાદા બાંધી લઈને નવલકથાને યોગ્ય બીજી બધી રમતો એમાં રમી શકાય. સ્થિર થયેલાં ઐતિહાસિક પાત્રોને ઈતિહાસની સ્પષ્ટતા કરવા પૂરતાં માનપૂર્વક આછાં આછાં ચીતરી એને બાજુએ મૂકવાં જોઈએ, અને તેમને પડખે કલ્પિત કે અર્ધ- કલ્પિત પાત્રોની ગૂંથણી કરવી જોઈએ. એમાં કથા અનૈતિહાસિક બની ન જાય,
(૪) ઐતિહાસિક નવલકથામાં કાળ, સમય, તારીખોને એક બાજુએ ન મુકાય. ૧૮૫૭ ના બળવાને એક સદી પહેલાં કે એક સદી પછી મૂકી શકાય નહિ. એ વખતના ગવર્નર જનરલને બદલે બીજો ગવર્નર જનરલ મૂકી શકાય નહિ–જોકે એવાં ઈતહાસસિદ્ધ થઈ ચૂકેલાં પાત્રો સિવાયનાં બીજા અંગ્રેજ સ્ત્રીપુરુષો જરૂર ચીતરી શકાય. પેશ્વા શિવાજી પછી જ આવે. બાજીરાવને સંભાજીની પહેલાં ઐતિહાસિક નવલકથામાં મૂકી શકાય નહિ.
(૫) ઈતિહાસનો આવો તદ્દન અનાદર ઐતિહાસિક નવલકથામાં શક્ય નથી. તેમ થાય તો તે ઐતિહાસિક નવલકથા મટી જઈ “ઉટંગ” વાર્તા બની જાય કે અદ્દભુત રસની વાર્તા બને.
(૬) ઐતિહાસિક નવલકથામાં જે તે સમયના પ્રસંગનું, વાતાવરણનું, આચારવિચારનું, પોષાકનું અને આયુધોનું ઘટિત વર્ણન હોવું જોઈએ.
(૭) આટલી મર્યાદાઓ આંક્યા પછી ઐતિહાસિક નવલકથામાં જોઈએ એટલા કલ્પનાના રંગો પૂરી શકાય, જે કલ્પનાના રંગો લેખકની વર્તમાનતાને પણ ભલે દર્શાવી દેતા હેાય. મુનશીની નવલકથાઓમાં વર્તમાન ગુર્જર અસ્મિતાનું અભિમાન જરૂર દેખાઈ આવે છે. કદાચ એ અભિમાને જ મુનશીને ભૂતકાળ સાથે સંબંધમાં લાવી દીધા હોય; છતાં તેમની નવલકથાઓ ઐતિહાસિક નવલકથાઓ મટતી નથી.