← સાહિત્યનું સ્થાન સાહિત્ય અને ચિંતન
હિંદુ ધર્મ
રમણલાલ દેસાઈ
ભક્તિમાર્ગ →



હિંદુ ધર્મ

[૧]

હિંદુર્ધર્મ વિષે વિચાર કરતાં કેટકેટલાં વિચિત્ર તત્ત્વો નજર આગળ તરી આવે છે!

પ્રથમ તો, હિંદુ ધર્મ જેવો કોઇ ધર્મ જ નથી. આપણા એકે ધર્મગ્રંથમાં ‘હિંદુ’ નામ શાધ્યું પણ જડતું નથી. હિંદુ તરીકે ઓળખાવી ગર્વ લેનાર આપણે સહુ કોઇએ એટલું જાણવાની તો જરૂર છે જ કે આપણી સંસ્કૃત કે પ્રાકૃત ભાષાઓમાં ‘હિંદુ’ જેવો કોઈ શબ્દ જ નથી. વેદકાળથી તે વલ્લભાચાર્ય સુધીના કોઈ પણ આયાર્ય ‘હિંદુ શબ્દને ઓળખ્યો નથી, અને પોતાને હિંદુ તરીકે ઓળખાવવામાં અભિમાન લીધું નથી.

‘હિંદુ’ એ પરદેશ દીધો શબ્દ છે. પ્રાચીન ઇરાનવાસીઓ અને તેમના સંસર્ગમાં આવેલી પશ્ચિમની પ્રજાઓએ સિંધુ નદીને ‘હિંંદુ આપી સિંધુ કિનારે વસતા લોકોને હિંદુ કહ્યા. પશ્ચિમના પરિવર્તનમાંથી આજ આખો દેશ ‘ઇન્ડિઆ’ તરીકે પણ ઓળખાઇ ચૂક્યો છે.

એક એવી પણ માન્યતા છે કે ફારસી ભાષાના ‘હિંદુ’ શબ્દ તિરસ્કારવાચક અને રંગની કાળશનો સૂચક છે. ઇરાન, અફઘાનીસ્તાનના પહાડી પ્રદેશમાં કુદરતે ઉપજાવેલી ગોરી પ્રજા પહાડની પાર આવેલી ઘઉંવર્ણી પ્રજાને કાળી—‘હિંદુ’–કહે એ સમજી શકાય એમ છે. પશ્ચિમ એશિયાએ સાતમી સદીમાં ઈસ્લામનો વ્યાપક સ્વીકાર કર્યો અને ધર્મનું ઉગ્ર ભાન ખીલવ્યુ. ‘હિંદુ’ તરીકે પશ્ચિમમાં ઓળખાયલા હિંદવાસીઓ પ્રત્યે ધર્મભેદના કારણે ઊંડો ઊંડો તિરસ્કાર પણ છુપાયલો હોય એમાં નવાઇ નથી. આપણે પણ યવન, મ્લેચ્છ, તુર્ક જેવા શબ્દમાં આછો તિસ્કાર સંતાડી રાખતા નહિ હોઇએ એમ ભાગ્યે જ કહેવાય.

ઈસ્લામે હિંદુ ઉપર ધસારો કર્યો અને આપણે આપણી અશક્તિ અને કુસંપમાં એ ધસારાને વિજયી અને વ્યાપક બનવા દીધો. ઇસ્લામે સ્પષ્ટપણે ઇસ્લામથી જુદા ધર્મ પાળનાર તરીકે આપણને ‘હિંદુ’ કહ્યા: અને આપણે પણ ઇસ્લામથી જુદો કોઇ વિશિષ્ટ ધર્મ પાળનાર પ્રજા તિરસ્કારવાચક છાપ અપનાવી લઈને આજ આપણે એમાં અભિમાન લેતા પણ થયા છીએ! ઈસ્લામના આવતાં પહેલાં આપણે હિંદુ ન હતા. ઇસ્લામના આવ્યા પછી જેમ ઘણાં હિંદવાસીઓ મુસલમાન થયા છે તેમ આપણે મુસલમાન ન બનેલા આર્યાવર્તવાસીઓ હિંદુ બન્યા છીએ ! બાદબાશાહતમાં એ નામની છાપ આપણે પૂરેપૂરી સ્વીકારી લીધી અને પેશ્વાઈ વખતે તો ‘હિંદુપત પાદશાહી’નું સ્વપ્ન સેવી ‘હિંદુ’ શબ્દમાં આપણે અંગત રીતે માનસૂચક ભાવ પણ ઊમેરી લીધો! આજ આપણને કોઇ હિંદુ નથી એમ કહે તો આપણને ખોટું લાગે અને આપણે ઝગડો કરવા પણ કદાચ તત્પર થઈએ ! –જો કે એક હજાર વર્ષથી આપણે હિંદુઓ લગભગ એકએક ઝગડામાં હારતા જ આવ્યા છીએ !

સંસ્કારસમાગમ, સંસ્કારઘર્ષણ, સંસ્કાર વિનિમયના ઇતિહાસ બહુ વિચિત્ર પરિણામો આપણી પાસે રજૂ કરે એમ છે. પોતાને ‘હિંંદુ’ કહેવરાતાં સર્વ સ્ત્રીપુરુષ સમજી લે કે આપણે સ્વીકારેલું ‘હિંદુ’ નામ એ ઇસ્લામે દીધી બક્ષીસ છે. અને આપણે તો કહીએ છીએ કે હિંદુ મુસલમાન કદી એક બની શકે નહિં.

ઇસ્લામે આપેલી બક્ષિસ સ્વીકારી બેઠા પછી, મુસલમાનોએ આપેલું નામ અપનાવી લીધા પછી, અસંખ્ય હિંદુઓને મુસલમાન બનવા દીધા પછી, હજાર વર્ષના મુસલમાનોના સહવાસ પછી, હિંદુ-મુસ્લિમ ઐક્ય ન જ થઈ શકે એમ કહેવું એ માનવસ્વભાવનું, સંસ્કારસંગમનું, પ્રજાસંગઠ્ઠનનું અધૂરું જ્ઞાન જ કહેવાય. ઇસ્લામે પણ આર્યોનાં કેટકેટલાં તત્ત્વો અપનાવ્યાં છે.

હવે તો ‘હિંંદુ’ શબ્દ આપણે માટે કાયમનો જ બન્યો છે. આપણા આંતરિક ઝઘડાનો લાભ લઇ ઝઘડતાં ન અટકેલાં હિંદુ–મુસલમાનોને નાથી રહેલા અંગ્રેજોએ વસ્તી ગણત્રીમાં આપણને ક્યારનાયે હિંદુ તરીકે કાયમ કર્યા છે. વગર તકરારે આપણે ‘હિંદુ’ ની છાપ સ્વીકારી લીધેલી છે. હવે આપણે ‘હિંદુ’ ની એમ કહેવુ લગભગ અશક્ય થઈ પડ્યું છે !

આ સઘળું વિચિત્ર લાગે છે, નહિ ? હજી બીજી કેટલીયે વિચિત્રતા આપણે જોવાની છે !

[૨]

વળી આપણે આપણા દેશને પણ હિંદુસ્તાન તરીકે સ્વીકારી લીધો છે ! અને આજનું ‘હિંદુસ્તાન’ હવે આપણું હોવા છતાં હજી આપણું બન્યું લાગતું નથી. આપણું હિંંદુસ્તાન એટલે ? કોનું હિંદુસ્તાન ? હિંદુઓનું ? મુસ્લિમાનું ? અંગ્રેજોનું? ઉત્તર સહજ છે. ગાંધીજીને પૂછો, ઝીણાને પૂછો કે સાવરકરને પૂછો ! પાકિસ્તાન એ હિંદુસ્તાનમાંથી કાપી મુસ્લિમોએ લીધું. હજી શીખીસ્તાન, દ્રવીડસ્તાન અને હરિજનસ્તાનના ભણકારા નથી વાગતા એમ ન કહેવાય. પ્રાચીન યુગમાં ભૂમિ વિભાગોને આપણે ‘આવર્ત’, ‘વર્ષ’, ‘મંડળ’, ‘ખંડ’ જેવાં નામોથી એળખતા હતા, અને ખંડોના સમૂહને દ્વીપનું નામ આપતા હતા. આજના એશિયા ખંડને જંબુદ્વીપ તરીકે ઓળખનાર આપણે આપણા ભૂમિખંડને ‘આર્યાવર્ત’, ‘ભારતવર્ષ’ કે ‘ભરતખંડ’ ને નામે એળખતા હતા, એ આપણે માટે જાણીતી બીના છે. પરંતુ આજ હિંદુસ્તાન બહાર જઈ આપણે કહીએ કે અમે ભરતખંડ કે આર્યાવર્ત ના રહીશ છીએ તો આપણને સાંભળનાર જરૂર આશ્ચર્ય અનુભવશે ! દુનિયાભરની કોઈ પણ ભૂગોળમાં એ શબ્દ શોધ્યો જડશે નહિ. આજ જગતમાં આપણા દેશને આળખાવવો હોય તો આપણે તેને ‘હિંદુસ્તાન’ કે ‘ઇન્ડિયા’ જ કહેવા પડશે; અરે આપણા દેશમાં પણ ભરતખંડ અને આર્યાવર્તનું નામ ભદ્રંભદ્રીય લાગતું જાય છે! કવિતા સિવાયનું બીજું સાહિત્ય પણ તેને સાંખી લેતું નથી. આમ આપણે ભરતખંડને હિંદુસ્તાન બનાવી દીધો ! અને વળી એને આપણો કહ્યો.

હિંદુઓને પાકિસ્તાન નામ ગમતું ન હતું. મુસલમાનોએ પાકિસ્તાન આગ્રહપૂર્વક માગવા માંડ્યું અને તે ઝૂંટવી પણ લીધું. હિંદમાં પાકિસ્તાનનાં થોડાં વર્ષ ઉપરના ટૂકડા પડી જશે યા નહિ એ ભવિષ્યનો પ્રશ્ન હવે વર્તમાન બની ગયો છે. ‘સ્તાન’ અને ‘સ્થાન’ આર્ય ભાષાઓના સગપણ અંગે બહુ પાસે પાસે છે, એ પણ કોઈએ ભૂલવા જેવું નથી; છતાં ‘સ્થાન’ ‘શબ્દ’ વ્યાપક ન બન્યો; ‘સ્તાન’ શબ્દ એશિયાવ્યાપી બની ગયો. પરંતુ આર્યવર્તમાંથી આપણે કેટકેટલા ટુકડાઓ કાપી ‘પાકિસ્તાનો’ બનવા દીધાં છે એનો કોઈને ખ્યાલ આવે છે ખરો ? પૂર્વમાં ચીન અને જપાનને બાજુ ઉપર મૂકીએ. એ સિવાયના સઘળા ભૂમિખંડો અને ટાપુઓ આર્યાવર્ત કે ભારતવર્ષમાં આવી જતા હતા એમ તેમની આજની પણ સંસ્કૃતિ જોતાં આપણે કહી શકીએ એમ છે. હિંદીચીન–જાવા– સુમાત્રાનો બેટ સમુદાય, સિયામ–શ્યામકાંમ્બોજ, મલય અને બ્રહ્મદેશ એ સઘળા ભારતવર્ષના જ વિભાગો હતા! ફીલીપાઇન્સ સુદ્ધાં ! એ બધાં આજ વર્ષોથી આપણાં પાકિસ્તાન ! એમાં મુસ્લિમધર્મી પાકિસ્તાન ઉમેરાયું.

ઉત્તર તરફ નજર કરીશું તો તિબેટ–ત્રિવિષ્ટપમાં તો હજી માનસરોવર સરખાં આ તીર્થસ્થાનો આપણે પરસત્તાને સોંપી દીધાં છે. મેરુ પર્વતને ધારણ કરતો પામીરનો પ્રદેશ અને ગોબીનું રણ એક વખત હિંદુ અને બૌદ્ધમંદિરોથી ભરચક હતાં એમ ઈતિહાસ નોંધે છે. એ પણ આપણામાંથી જ કપાયેલાં પાકિસ્તાન ! નવું ચીન પોતાની સરહદ બદરીનાથ સુધી એક પાસ અને આસામ સુધી બીજી પાસ લંબાવવા ઇચ્છી રહ્યું છે એ સૂચક સમાચાર હવે આવવા લાગ્યા છે!

પશ્ચિમે ગાંધાર–અફઘાનીસ્તાન અને શકસ્થાન–બલુચિસ્તાન એ ભારતવર્ષ ની મર્યાદાના પ્રદેશો, મહારાણી ગાંધારી એક અફધાન કન્યા હતી! કનિષ્કસમ્રાટ બલુચી કહેવાય ! આજની દૃષ્ટિએ ! ત્યારે એ બધા આર્યો હતા ! દક્ષિણની લંકા આર્ય કથામાં મહત્ત્વને સ્થાને હોવા છતાં ભારતવર્ષે તે ખોઇ નાખી છે.

હવે આજ પંજાબ, સિંધ અને બંગાળ સાંકડા બની ગયેલા આર્યાવર્તમાંથી પાકિસ્તાનને નામે કાપી કાઢવામાં આવ્યાં છે. શું એમ નથી લાગતું કે આર્યાવર્ત સંકોયાઈ સંકોયાઈને માત્ર સ્મરણ અવશેષ તરીકે જ રહેવાના ક્રમમાં છે ?

આપણે હિંદુ તરીકે આપણું નવું નામ પણ પાડ્યું અને તે સ્વીકારી લીધું. આપણા દેશને બીજાઓએ આપેલી છાપ કાયમી છપાવા દીધી અને તે આપણે સ્વીકારી પણ લીધી. હિંદુઓએ આર્યાવર્ત ખોયું, ભલે ખોયુ. | એક ભયસૂચના ઉગ્ર બનતા ઇસ્લામે પણ ઓળખવી પડશે. પાકિસ્તાનના શોખીનો રખે ભૂલે કે એક સમયના વિજયી ઈસ્લામે સ્થાપેલા વ્યાપક પાકિસ્તાનના કેટલા ટુકડા પડી ચૂક્યા છે ? ઇસ્લામનું કયું પાકિસ્તાન આખું રહ્યું છે? મોરોક્કોથી મલાયા સુધી ?

[ 3 ]

અને હિંદુ ધર્મ ? એ નામ પણ આપણને ઇસ્લામની મળેલી બક્ષિસ છે. આપણે જ્યાંસુધી એ નામ સ્વીકાર્યું ન હતું. ત્યાંસુધી હિંદુધર્મ જેવો કોઈ ધર્મ જ જગતભરમાં ન હતો આર્ય સંસ્કૃતિએ ખીલવેલી ધર્મ ભાવનાઓ ધર્મનું એક નામ કે એકછાપ કદી સ્વીકાર્યાં ન હતાં. આર્યધર્મ, સનાતન ધર્મ,વૈદિક ધર્મ જેવાં નામ પણ આપણે ઓગણીસમી વીસમી સદીમાં જ શોધી કાઢી ધર્મ ઉશ્કેરાટમાં વાપરવા માંડ્યા છીએ. આર્યોએ વિકસાવેલી મહાવિશાળ જટિલ અને ઊંડી ધર્મભાવના માટે એક નામ સંભવિત જ નથી સતત વિકસતી જતી એ આચાર વિચાર અને અધ્યાત્મની ગૂંથણી એક બીબામાં, એક નામમાં કે એક જ પરિપાટીમાં સમાઈ જાય એવી ઉપરછલ્લી ન હતી અને નથી જ. એ સંસ્કારયોજનામાં આખી માનવસંસ્કૃતિના વિકાસનું આલેખન થયું દેખાય છે. સતત વિકાસ પામ્યે જતા, સ્થળ અને કાળનાં મહાતત્ત્વોને ઓળખતા એ સંસ્કારઘડતરમાં માનવજાતની નાની મોટી સઘળી સમૃદ્ધિ આવી જતી હોય એમ લાગે છે. વિકાસની વિવિધ પરિપાટીઓને અનુકૂળ બનાવવાની તેની નિત્ય તૈયારીઓ ઘણાને એમાં વિરોધાભાસ જોવા પ્રેર્યા છે. છતાં એ અભિમાન રહિત, પયગમ્બર દીધીપ્રેરણાની ગુમાન રહિત સંસ્કારશ્રેણીએ પેાતાને કદી ધર્મને નામે ઓળખાવી નથી. ધર્મની વ્યાખ્યા જ સંસ્કૃત ભાષામાં અનોખી થાય છે. એ સંસ્કારશ્રેણીમાં વેદની પ્રકૃતિપ્રાર્થના અને કર્મ કાંડ પણ છે, અને ઉપનિષદ્, બ્રહ્મસૂત્ર તથા ગીતાનાં આકાશ–પાતાળવ્યાપી ચિંતનો પણ છે. એમાં સુધરેલા સમાજને હાસ્યાસ્પદ લાગે એવી લિંગપૂજા પણ છે. જીવનતત્ત્વને હસનાર ભલે પોતાને સુધરેલો માને. એ હાસ્યમાં સુધારો નહિ, પણ બીભત્સ ભાવ છે. અને એ આ ધર્માભાવનામાં અલખ નિરંજન નિરાકારમાં તન્મય બનવાની પણ રુચિર ક્રિયાઓ છે. ઊર્મિ ને આકાર આપતી ભક્તિ પણ એમાં છે, મેાક્ષની પરવા સુદ્ધાં ન કરતો વિરાગપણ એમાં છે, અને ઇશ્વર છે કે કેમ એવો મહાબંડખોર પ્રશ્ન કરતો સાંખ્યવાદ, નાસ્તિકવાદ, બૌદ્ધ અને જૈન મતવાદ પણ એમાં છે. એમાં પ્રારબ્ધ અને પુનર્જન્મનું સાંત્વન પણ રહેલું છે અને પરમપદને પામવાનો પુરુષાર્થ પણ સમાયલો છે. તેત્રીસ કોટી દેવથી આપણી કલ્પનાને ભરી દેતું સ્વર્ગ પણ એમાં છે અને એ દેવભૂમિથી પર લઈ જતો એકેશ્વરવાદ પણ તેમાં છે. એમાંની દેવકથાઓ, ભક્તકથાઓ અને વીરકથાઓથી ઉભરાતી ઇતિહાસસૃષ્ટિ માત્ર વર્તમાન કાળમાં રાચવાને બદલે સર્ગ, પ્રલય અને યુગયુગાન્તર તથા કલ્પને મહત્ત્વ આપી વ્યક્તિથી બહુ જ આગળ વધી કાલ–પુરુષના મહત્ત્વને ગુંજે છે અને સાથે સાથે વ્યક્તિની ઐહિક તુચ્છતા સમજાવી આમુષ્મિક દૃષ્ટિએ વ્યક્તિને બ્રહ્મ સાથે એકત્તાનું મહત્ત્વ પણ આપે છે. એમાં ઉત્પત્તિ, સ્થિતિ અને લય–જીવન, જન્મ અને મરણની સરખી ઉપાસના થઈ રહેલી છે. અને બ્રહ્મા, વિષ્ણુ તથા રુદ્રનાં ભવ્ય અને મોહક રૂપકોમાં એ ઉપાસના સજીવન બની રહી છે, એ સંસ્કારગૂંથણીમાં સમાયલી ઉપાસનાએ આખું મૂર્તિવિધાન, મંદિર વિધાન અને શિલ્પસ્થાપત્ય આર્યાવર્ત ને આપ્યાં છે, જે હજી સુધી તો અજોડ મનાય છે અને એ જ ઉપાસનાએ પૂજન-અર્ચનને ઘેર ઘેર પહોંચાડી ઘર ઘરને ભક્તિભાવ અને સૌન્દર્યથી શણગાર્યાં છે. એ ગૂંથણી એક જ નમૂનામાં ગુંથાઈ અટકી જતી નથી. વિષ્ણુપૂજક શિવભક્તનો વિરોધી બનતો નથી, અને એ બંને ખુશીની સાથે શક્તિ કે ગણપતિના પૂજનમાં ભાગ લઈ શકે છે. એ ગૂંથણી સતત ચાલુ જ છે. પરાયા સંસ્કારને પેાતાના કરી દેતાં એ ગૂંથણીને બહુ જ સારું આવડે છે, અને જગતની કોઈ પણ માન્યતાનો વિરોધ રહે એવી અસહિષ્ણુતા એ ગૂંથણીમાં રહે એવો સંભવ જ નથી. એ સંસ્કારગૂંથણી એક જ સ્થળે ગૂંથાઈ અટકી જતી નથી. અસલ વિશ્વનાથ ભલે કાશીમાં હોય; એમની સ્થાપના વડોદરામાં કરવામાં શાસ્ત્ર આડે આવતું નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એવી ચાર વર્ણની વ્યવસ્થા કરવામાં એ ગૂંથણીએ પરસ્પરને રોધતી દીવાલો ઊભી કરી નથી; પરંતુ સમાજને જરૂરી સેવા–રચનાનો એક સરસ વ્યુહ ઘડી આપે છે. એણે દ્રવિડ, શક, યવન અને હુણને પોતાનામાં સમાવી દઈ પોતાના બનાવ્યા છે. અને ગ્રીસ, ઈરાન, મિસર, સીરિયા, ચીન અને જપાનને ગણિત, ફિલસૂફી, આકાશદર્શન અને શક્તિપૂજનના પાઠ શીખવ્યા છે. એની વિશાળ સ્થિતિસ્થાપકતામાં સર્વ ફિલસૂફી, સર્વધર્મ કલ્પના અને સર્વ આચારશ્રેણી આવી જાય છે. હિંદુ ધર્મ એ જડ ધર્મ નથી, પરંતુ સદા વિસ્તૃત બનતું સમસ્ત માનવજાતને આશ્રય આપતું લીલું સજીવન વટવૃક્ષ છે. તમારે વૃક્ષની પૂજા કરવી છે? તુલસી, પીપળો, વડ, અરે ગમે તે વૃક્ષને તમે પૂજી શકો છો. તમને આવી જડ મૂર્તિપૂજામાં પ્રભુની મશ્કરી થતી લાગે છે? તમે જરાય મૂર્તિને નમન કરશો નહિ. સર્વવ્યાપક પ્રભુને વગર મૂતિએ તમે હિંદુ રહીને અનુભવી શકશો. મૂર્તિ વગર તમને નહીં ફાવે, એમ ? ભલે નવયુગને અનુકૂળ ઈશ્વર તત્વ નથી એમ લાગતું હોય તોય ભારતમાતાની મૂર્તિ તમે દેશભક્તિમાં શા માટે ન રચી શકો? ભારત માતાનું મદિર બનારસમાં સ્થાપ્યું છે, અને સેંકડો દેશી પરદેશી માનવીઓ એ વિશાળ નકશાનાં દર્શને જાય છે. કર્મમાં માનવું છે? સત્‌કર્મ સદ્‌ફળ આપે જ છે. પુનર્જન્મથી તપને સંતોષ થાય એમ છે? પુનર્જન્મ છે જ ! આ જન્મનાં સંચિતનો પુંજ મૃત્યુ સાથે કેમ અદૃશ્ય થાય !પરંતુ જીવનની એવી પણ ભૂમિકા છે કે જ્યાં કર્મ બળી ને ભસ્મ થાય છે ! અને ઈશ્વરમય બની ગયા પછી પુનર્જન્મની જરૂર છે ખરી ? પ્રાપ્તવ્ય થઈ ગયું. વારુ ! ઈશ્વર નથી એમ તમને લાગે છે? વિચારી જુઓ ! ઈશ્વરની આપણા જીવનમાં અનિવાર્યતા પણ ક્યાં છે? ઈશ્વરે કદી તમને હરકત કરી છે? ભલેને ઈશ્વર ન જ હોય ! ન્યાય અને સાંખ્ય, જૈન મત અને બૌદ્ધ મત ઈશ્વરને પાંગળો, કતૃત્વવિહોણો બનાવી બાજુએ પણ બેસાડી દે છે. આસ્તિકદર્શન સાથે નાસ્તિકદર્શન પણ પ્રખર વિદ્વત્તાથી ભરેલું છે. આમ આર્ય સંસ્કારની પરંપરા મનવિકાસની પ્રત્યેક ભૂમિકાને સ્પર્શી એ પ્રત્યેક ભૂમિકાને એકબીજાની સાથે સુવર્ણ સાંકળે જોડી રહે છે. વલ્લભાચાર્યનો ભક્તિમાર્ગ ભલે સ્થૂલ લાગતો હોય. એમનું ભાષ્ય જોયું ? શુધ્ધાદ્વેતનું એમનું નિરૂપણ તીવ્રમાં તીવ્ર બુદ્ધિને પણ કસે એમ છે ! અને અર્વાચીન બુદ્ધિચાંચલ્ય સર્વ વિદ્વાનોની કસોટીરૂપ છે. આજનો કોઈપણ બુદ્ધિમાન ‘સુબોધીની’ વાંચી પોતાની બુદ્ધિને કસી શકે એમ છે. આચાર્યોએ માત્ર મૂર્તિ કે પંથજ સ્થાપ્યા છે એમ નહીં; એમણે પ્રચંડ વાદ અને વિચાર શ્રેણીઓ સ્થાપી છે.

[૪]

રખે કોઈ એમ માને કે હિંદુ ધર્મ એટલે ‘અટક, આગળ અટકી જતો, સમુદ્રયાનમાં પ્રાયશ્ચિત્ત માગતો કોઈ સંકુચિત આચાર છે! સમુદ્રની પેલી પાર આવેલા બાલી દેશમાં આજ પણ વેદોચ્ચાર થાય છે. સમુદ્રગમનનો પ્રતિબંધ હોત તો ગાયત્રી બાલીમાં પહોંચી ન હોત ! ચીનમાં વૈષ્ણવ મંદિર બંધાયું ન હોત !

રખે કોઈ એમ માને કે હિંદુ ધર્મ એટલે માત્ર ન્યાત જાતના અસંખ્ય વાડાઓમાં વહેંચાઈ ગયેલી કોઈ સમાજરચના છે ! ન્યાતજાતના ઊંડાણમાં આપણે જોઈશું તો તેમાં ધંધો અગર ભૂગોળ એ બે જ મુખ્ય તત્ત્વો દેખાઈ આવશે. ન્યાત જાત એ અભેદ્ય વજ્રઓરડીઓ હોત તો આટ આટલાં જાતિ મિશ્રણો હિંદુ સમાજમાં શક્ય ન બનત.

રખે કોઈ એમ માને કે હિંદુ ધર્મ એટલે અસ્પૃશ્યતા પોષતો કોઈ અનાચાર છે ! અસ્પૃશ્યતા એ હિંદુ ધર્મનું અંગ હોત તો સાક્ષાત્‌ ધર્મે ચાંડાલનું સ્વરૂપ ધારણ કર્યું ન હોત અને અસ્પૃશ્યોમાં મહાન ભક્તો જન્મ્યા ન હોત ! અસ્પૃશ્યોને જ્યારે જ્યારે આપણે હીન માન્યા છે ત્યારે ત્યારે આપણને ચમત્કારના આંચકા લાગ્યા જ છે. આજ પણ અસ્પૃશ્યોને અંગે ચમત્કારો જ સર્જાઈ રહ્યા છે.

હિ઼ંદુ ધર્મ એટલે ભાજીપાલો અને અનાજ ખાઈ સહુને ટપલા મારવાનું સાધન આપતા નિર્માલ્યોનો ધર્મ છે એમ રખે કોઈ ધારે ! એના વેદમંત્રોનો ઘોષ વિજયી પ્રજાનો વિજ્યનાદ છે. વળી આહાર એ દેશકાળને અનુસરતું તત્ત્વ છે, નહિ કે કાયમનું તત્ત્વ. આર્યાવર્ત હિંદુસ્તાન બન્યો ત્યારે આર્યોનો મોટો ભાગ માત્ર વનસ્પતિ આહારી નહોતો. આજ પણ હિંદુઓનો મોટોભાગ વનસ્પતિઆહારી નથી. બીજી બાજુએ માંસાહાર એ જ સાચી તાકાત આપનારો આહાર છે એવો ભ્રમ સેવનાર સહુ કોઇએ એક પ્રશ્ન પોતાને પૂછવાનો છે: માંસાહારી જર્મનો અને જપાનીએ આ યુદ્ધમાં હાર્યા શા માટે ? માંસાહારમાં અભિમાન લેતું મુસ્લિમ જગત આજ ઝાંખું, નિર્માલ્ય અને અસ્તાચલ તરફ ધસતું કેમ લાગે છે? ઇજીપ્ત, સીરિયા, અરબસ્તાન, ઈરાન, અફઘાનીસ્તાન વગેરે પાતાને સ્વતંત્ર માનતા દેશો અત્યારે કોનું વર્ચસ્વ અનુભવે છે એ ખુલ્લું કરવાની અહીં જરૂર છે ખરી ? માંસાહાર તાકાત આપતો હોત તો મરાઠાઓનું રાજ્ય શાશ્વત રહ્યું ન હોત ?

એ સત્ય છે કે આર્ય સંસ્કૃતિએ આચાર અંગે, ન્યાતજાતના વાડા અંગે, પરદેશગમનની મનાઈના સ્વરૂપમાં, અન્યધર્મીઓ સામે હિંદુત્વના દરવાજા બંધ કરવામાં અને સ્પર્શાસ્પર્શની ઉચ્ચ ભાવનામાં એક ભયંકર સંકોચ અનુભવ્યો છે. એ બધું બન્યું લગભગ ઈસ્લામ આક્રમણ પછી–જો કે એનાં બીજ એથીયે જૂનાં છે. આપણે સહજ અભ્યાસ કરીશું તો આપણને દેખાશે કે એની પાછળ સ્વરક્ષણની એક અતિ ઉગ્ર ભાવના રહેલી છે. ડંકર્ક થી ભાગેલા બ્રિટિશરોએ બ્રિટિશ ટાપુઓમાં ભરાઈ પેાતાની તાકાત વધારી. જે સૈન્ય મેદાનમાં લડતાં લુપ્ત થઈ જાય તે કિલ્લાનો આશ્રય લેતાં સજીવ અને સબળ બની રહે છે. પીછેહઠ એ સદા પરાજય નથી—જો કે એ જ્વલંત વિજય પણ નથી. એમાં સ્વરક્ષણનો સિદ્ધાંત રહેલો છે. આર્ય સંસ્કાર સંકુચિત બન્યા એની ના કહેવી એ અસત્ય છે. પરંતુ વર્તમાન યુદ્ધ અને યુદ્ધનાં નિયંત્રણને અનુભવી રહેનાર સહુ કોઈ સંકોચ, પીછેહઠ અને પ્રતિબંધને સ્વરક્ષણના સ્વરૂપમાં જુએ તો તેમને આર્ય સંસ્કારના સંકોચનું સ્વરૂપ વધારે સારુ સમજાશે. કિલ્લાની દીવાલો પાછળ રક્ષણ મેળવી યુદ્ધ શક્તિ સાચવવા માગતું કોઈ સૈન્ય દુશ્મનના મારથી બચવા પોતાનાં સમગ્ર અંગ પોતાની પીઠ અંદર સંકોચી લેતા કાચબાનું ઉદાહરણ આર્ય સંસ્કારના સંકોચનો વિચાર કરતાં યાદ આવે છે.

પરાજિત જર્મનો સાથે વિજયી અંગ્રેજોએ દોસ્તી દાવે ન રહેવું; હારેલા જપાનીઓએ વિજેતા અમેરિકનોને સલામો કરવી, એટલું જ નહિં, પરંતુ પ્રભુ મનાતા જપાનીઝ શહેનશાહે ધમંડી મેક આર્થરને મળવા જઈ તેનો ઘમંડ પોષવો; અનાજ નિયમનના સમયે અમુક પ્રમાણમાંજ ખાવું અને જે મળે તેથી ચલાવવું, બટાટાં વહેંચીને વાપરવાં અને સૈન્ય સાથે સંબંધ ધરાવનારને સામાન્ય જનતા કરતાં વધુ સાધન સગવડ આપવાં. આ બધું યુદ્ધના, સંકોચના, સ્વરક્ષણના વિષમ સમયનું વર્તન છે. અને એમ હોય એ જ સારું અને સાચું છે. એ દૃષ્ટિએ હિંદુધર્મની અનેક ખામીઓ ઓળખી શકાય છે, અને એમ સમજી પણ શકાય છે.

પોતાની મર્યાદામાં આર્ય વ્યવસ્થા મુસ્લિમોને ભેળવી શકી નહિ. મુસ્લિમોની જોરદાર સંસ્કૃતિ આર્ય વ્યવસ્થાને ગળી જાય એવી સમર્થ લાગી. આર્ય વ્યવસ્થાએ કિલ્લા–કોટ બાંધ્યા, જાતિબંધનને સખત બનાવ્યાં; પરદેશગમનમાં રહેલા પરધર્મસંસર્ગથી બચવા માટે અટક સ્થાનો રચ્યાં અને આખી આર્ય વ્યવસ્થાના અંતરંગ વિભાગની સર્વ રેખાઓ સખત બનાવી બહારથી અંદર ઘૂસવાના તેમ જ અંદરથી બહાર નીકળવાના માર્ગનું રોધન પણ કરી દીધું. આપણાં બ્લેક આઉટ–અંધાર પીછોડીના યુગને આપણે ભૂલી શકીએ નહિ. પરંતુ અંધારપીછોડી એ જ બ્રિટિશ સામ્રાજ્યનું મુખ્ય અંગ છે એમ આપણને બ્રિટિશ રાજનીતિ તે કહેવા દે એમ નથી. આર્ય વ્યવસ્થાની ન્યાત જાત સ્પર્શાસ્પર્શની કડક રેખાઓ આવા સ્વરક્ષણની ભાવનામાંથી ઉદ્‌ભવી છે, એ રખે કોઈ ભૂલે.

[૫]

નવા યુગમાં ખ્રિસ્તી સંસ્કૃતિનું આક્રમણ થતાં જ સમન્વય શોખીન હિન્દુધર્મે રામકૃષ્ણ મિશન, સુધારો, બ્રહ્મસમાજ, પ્રાર્થનાસમાજ, આર્ય સમાજ, થિયોસોફી, અછૂતોદ્ધાર, જાતપાત તોડક વલણ, સંગઠ્ઠન અને શુધ્ધિ, સ્ત્રી–પુરુષની સમાનતા જેવા પ્રશ્નો અને સંસ્થાઓ ઉપજાવી અત્યંત ઝડપભરી સ્થિતિસ્થાપકતા મેળવી લીધી છે. આજ પરદેશગમનનાં પ્રાયશ્ચિતની કિંમત રહી નથી. બ્રાહ્મણ અને શુદ્ર સાથે બેસી જમે છે: ખુલ્લી રીતે નહિ તો છુપી રીતે; અને તેમાં પાપ થયું માનતા નથી. મુસ્લિમોનું પાણી પીવાથી આજ કેટલા હિંદુઓ વટલાઈ ગયા ?

આર્ય જીવનની ઉદારતા પછી સજીવન બને છે. સહિષ્ણુતા, ઉદારતા, બંધુત્વ, સ્વરછતા, સમષ્ટિ સાથેની એકતા અને માનવજીવનની પ્રત્યેક કક્ષાને અપનાવી લેતું સમત્વ એ હિંદુ ધર્મનાં મુખ્ય લક્ષણો–જો હિંદુ ધર્મ જેવો કોઈ ધર્મ હોય તો ! એમાં આક્રમક તત્ત્વ ઘણું ઓછું છે. એને પોતાની સંખ્યા વધારવાનો મોહ કે દુરાગ્રહ નથી. ધર્મપરિવર્તન પ્રત્યે એ ઉદાસીન છે. એ કાળબળ અને સમયપરિવર્તનને સ્વીકારી ચાલનારી વ્યવસ્થા છે અને તેથી જ અનેક મતમતાંતરો, અનેક વિધિઓ, અનેક સિદ્ધાંતોને પોતાનામાં સમાવી તેમાંથી એકવાક્યતા ઉપજાવવા સતત પ્રયત્નશીલ રહે છે એ વ્યવસ્થામાં અદ્વૈતવાદી શંકર પણ હોય અને દ્વૈતવાદી મધ્વ પણ હોય. એ વ્યવસ્થાએ પોતાને કશું નામ પણ આવ્યું નથી. એ મમત્વ રહિત સંસ્કૃતિને હિંદૂ નામ આપવું હોય તો ભલે આપીએ. એ નામ લુપ્ત થશે તેની પણ એ સંસ્કૃતિને પરવા નથી. એને પરવા છે એકજ; એણે વિકસાવેલા સંસ્કાર વ્યાપક બને અને માનવજાત સાચા બંધુત્વ તરફ વળે એ જ એનો ઉદ્દેશ. સર્વ ધર્મ પરિષદ, સર્વ ધર્મની એકતા, આંતરરાષ્ટ્રીય સંગઠ્ઠન, યુદ્ધવિરોધ અને શસ્ત્રસંન્યાસ, શાંતિવાદ Pacifism અને માનવવાદ Humanitarianism, સમાજવાદ અને સામ્યવાદ પાછળ સંતાયેલી આર્થિક સમાન વહેંચણીના પ્રયોગો, એ સર્વ આર્ય સંસ્કૃતિ, આર્યજીવનને પોતાનાં લાગે છે. એ તરફ વળતાં જગતને નિહાળી એ પોતાનો વિજય થયો માને છે. એને નામ પાડેલા ‘હિંદુ’ ધર્મનો વિજય જોઈએ નહિ. “હિંદુ” ધર્મના પાયામાં રહેલાં અહિંસા, આક્રમણવિરોધ અને જનકલ્યાણ એનો વિજય જોઈએ. એની આ ઉદાસીનતામાં વિરાગની મસ્તી છે, કાયરની હરાકરી નથી. માત્ર હિંદુઓ જ સુખી થાય, એવું કદી આર્ય વ્યવસ્થાએ ઈચ્છ્યું નથી. સાચા ‘હિંદુ’ ધર્મે તો સર્વદા મંત્રોચ્ચાર કર્યો છે કે

।। सर्वे जनः सुखीनो भवन्तु ।।

એકલા હિંદુઓ કે આર્યો જ નહીં.