સિદ્ધરાજ જયસિંહ/પાટણનું પાણી હરામ
સિદ્ધરાજ જયસિંહ પાટણનું પાણી હરામ જયભિખ્ખુ ૧૯૬૦ |
મેંદી રંગ લાગ્યો → |
સરસ્વતી તો એની એ વહે છે; કાંઠા એના એ છે; પણ ગામ એ રાતમાં ટીંબો થઈ ગયું !
રજપૂત, બ્રાહ્મણ ને વાણિયા રાતા પાણીએ રોઈ રહ્યા છે !
ગામમાં કાગડા કળેળાટ કરે છે.
મસાણમાં મડદું પડ્યું હોય ને ડાઘુ બેઠા હોય, એવો દેખાવ છે !
એવે ટાણે ત્યાંથી એક સવારી નીકળી.
ભારે અરબી ઘોડા ! ઊંચી કાઠિયાવાડી ઘોડીઓ ! સોનાની મૂઠવાળી તલવાર ! ગંગા-જમની હોકા !
ભાટ-ચારણો લલકરે છે : 'બઢે જાઓ મહારાજાધિરાજ ! ઘણી ખમ્મા પાટણના નાથને !'
સવારીની આગળ એક કુંવર છે.
કલૈયો કુંવર છે. સહેજ શ્યામવર્ણો છે, પણ ભગવાને નવરાશે ઘડ્યો હોય તેવો ઘાટ છે ! મોં પર રાજવંશી તેજ ઝળહળે છે. માથે નાનકડી ક્સબી પાઘ છે. ડિલ પર જરિયાની અંગરખું છે. કમળ પર સિરોહી તલવાર છે. પીઠ પર આફ્રિકાના ગેંડાની ઢાલ છે.
પંદરેક વર્ષની ઉંમર છે. જુવાની આવું-આવું થાય છે. મૂછો હજી કૂટું- ફૂટું થાય છે !
પાછળ બે મોટા સરદારો છે, ચાર સિપાહીઓ છે, બાર-પંદર પગીપસાયતા છે !
પગી પસાયતા ગામ-ગામના કેડા ચીંધે છે. રાજવંશી જુવાનિયાએ ગામલોકોનાં કાળાં મેંશ માં જોઈ પૂછ્યું :
'કાં ભાઈઓ ! ગામમાં કંઈ મોટું મરણ થયું છે ?'
'હા, બાપ !' એક ઘરડા રજપૂતે જવાબ આપ્યો .
'કોણ મરી ગયું ?'
'પાટણની ગાદીનો ધણી !' એક રજપૂતે દાઢમાં કહ્યું.
'શું બોલો છો તમે ? જાણો છો, તમારી સામે કોણ ઊભું છે?' કુંવરની પાછળ ઊભેલા એક સરદારે કહ્યું.
'જે ઊભું હોય એ. અમે તો માનીએ છીએ કે અમારે માથે ધણી નથી. નહિ તો બાબરો ભૂત અમને આમ ધોળે દીએ રંજાડે ખરો ! અરેરે, કાળો કેર વર્ત્યો અમારા પર ! હવે તો આ ગામ છોડીને હિજરત કરવી પડશે, બાપદાદાના વારાનાં આ ખોરડાં ! આ ખેતર ! હે મા કાલકા ! તું રાખે તેમ રહેવું રહ્યું. આ દુનિયા પર તારા સિવાય અમારું રક્ષણ કરનાર બીજું કોઈ નથી.'
'બાબરો ભૂત ? એ વળી કોણ ?' પેલા જુવાન કુંવરે પૂછ્યું.
'ભાઈ જુવાન ! તું તારે મેવા-મીઠાઈ જમી, પાંચ મણની મખમલમશરૂની તળાઈમાં આળોટ. મરગલાં*[૧]મારવાં કે મરગાનેણીની શોધ કરવી-બે કામ રજપૂતનાં રહ્યાં છે. નકામી એ વાત સાંભળી ચિંતામાં પડીશ; ઊંઘ વેચી ઉજાગરો લઈશ.' રેવાદાસે કહ્યું.
‘ના, ના, મને જરૂર છે. હું મારાથી બનતું કર્યા વગર નહીં રહું.’ જુવાને
- ↑ * મરગલાં = હરણાં; મરગાનેણી = સુંદર સ્ત્રી.
“આખો દેશ જાણે છે. સૌરાષ્ટ્રના બાબરીઆવાડનો મૂળ રહેવાસી. એનું નામ બાબરો. પવન જેવો ઝડપી. પંખી જેવો ઊડનારો. જમના જેવો જુલમી. આજ અહીં, તો કાલ વળી સો ગાઉ પર. હે ત્રિપુરારિ ! હે મુરારિ ! હવે તું રાખે તેમ રહેવું છે !' રેવાદાસ બોલ્યા.
'મૂળથી જ અહીંનો ?' જુવાનની ઉત્કંઠા ઘણી હતી.
'ખબર નથી. પણ મહારાજ મૂળરાજે રુદ્રમાળ બંધાવવા માંડ્યો ત્યારે અહીં કમાવા આવ્યો. મહારાજ કરણદેવ વહેલા ગુજરી ગયા. રાણીનુંX [૧] રાજ થયું, ને પછી છોકરાનું ... બાપ ! છોકરે છાશ ન પિવાય ! બાબરાએ બોડી બામણીનું ખેતર દીઠું. આ રાજમાં આવા બધાનું ચઢી વાગ્યું છે, ને રૈયતની તો ઘાણી થઈ છે.' ગામના ઘરડા રજપૂત સુરસંગે કહ્યું.
'રાજ કંઈ બંદોબસ્ત નથી કરતું ?'
'રાજ તો બંદોબસ્ત કરે છે : બાબરો પૂરવમાં હોય તો પાટણના સૈનિકો પશ્ચિમમાં ફરે છે. જમના આંગણે કોણ જાય ? બિચારી પ્રજાનો તો બેવડો મરો છે : સિપાઈઓનેય ધરવવાના ને બાબરાનેય ધરવવાનો ! સિપાઈઓ કહે છે, અમને આપો. એમને દૂધે વાળુ કરવાં છે. બાબરો કહે છે, અમને આપો. એને ઘીનાં તાંસળાં ગટગટાવવાં છે. હવે તો રામ રાખે તેમ રહેવાનું છે !'
‘તમે જાણો છો, અમે કોણ છીએ ?' પેલા સરદારે કહ્યું.
'ના, બાપુ !'
'અમે પાટણના છીએ. મહારાજ જયસિંહ ગાદીએ બેઠા છે. ગામેગામ એમના નામનાં તોરણ બાંધવા નીકળ્યા છીએ.'
'તોરણ બાંધ્યે શું વળે ? મહારાજ જયસિંહને કહો કે કેડે તલવાર બાંધે ! મરદાઈનાં પાણી હોય તો બાબરા સાથે બાખડે ! બાકી ઘરમાં પેસીને મોટી વાતો કરવામાં માલ નહિ.'
'હું મહારાજ જયસિંહ !' જુવાન બોલ્યો : 'તમારી વાત સાચી છે. આજથી તોરણ બાંધવાં બંધ. તલવાર મ્યાન બહાર કરું છું, ને પ્રજારૂપી પરમેશ્વર પાસે
- ↑ X રાણી એટલે મીનલદેવી.
'ખમ્મા પાટણના નાથને !' ઘરડા રજપૂતે જુવાન રાજા સામે જોતાં કહ્યું : 'જાણીએ છીએ કે મા મીનળદેવીને સાત ખોટના એક છો. રાજમાતા અદલ ન્યાયવાળાં છે. પણ એક્લા ન્યાયથી કંઈ ન વળે. રાજમાં તો કડપ જોઈએ !'
ગોબર શેઠે આગળ આવી કહ્યું : 'ઊતરો મહારાજ, ઘોડેથી ! ગુજરાતનો નાથ અમારે આંગણેથી એમ ને એમ ન જાય.'
'હવે ઊતરવાનો વખત નથી. બાબરો કઈ દિશા તરફ ગયો ?' રાજા સિહે પૂછ્યું.
'ઓતરાદી દિશાએ. પણ બાપ, એમ એક ઘડીમાં કંઈ ન વળે !' ઠાકોર સુરસંગે કહ્યું : 'ઉતાવળા સો બાવરા. આ દુશ્મન જેવોતેવો નથી. એનું નામ સાંભળી ભલભલા શૂરાની મૂછો ય ઉંદરની પૂંછડીની જેમ સીધી થઈ જાય છે ! છોકરાં છાનાં રહી જાય છે !'
ગોબર શેઠે ટેકો આપતાં કહ્યું : 'તેલ જુઓ, તેલની ધાર જુઓ . આ તો પુરાણું પાપ છે. એક દહાડામાં ન જાય.'
'ના ! ના ! મારી પ્રતિજ્ઞાને પ્રાણના સાટે પાળીશ. ડાયરાને રામ રામ ! જીવીશ તો વળી મળીશું.'
જુવાન રાજાએ ઘોડાને એડ મારી. ઘોડો ચાર પગે કૂદ્યો ને દોડ્યો. પાછળ બધા ચાલી નીકળ્યા. જુવાન જયસિંહે ઓતરાદી દિશા પકડી.
ઘોડો પવનની પાંખે ઊડતો જાય છે. રાજા તો બોલતોય નથી, ચાલતોય નથી. બાણની કમાનની જેમ એના હોઠ ખેંચાયેલા છે. ભવાં શંકરના ત્રિશુળની જેમ ચઢેલાં છે.
સામંત-સરદારોને આ ખોટા લાગણીવેડા રુચતા નથી, પણ શું કરે ? એ વિચારે છે કે બાબરો લૂંટે એમાં આપણે શું કરી શકીએ ? પાટણમાં આવે તો ખબર પાડીએ. જુવાન રાજા ખોટો ચિડાય છે ! આ ઝાડનાં મૂળ ઊંડાં છે. એક દહાડામાં કંઈ ન થાય.
બપોર સુધી ઘોડાંઓ તગડ-તગડ થયાં. સીમમાં એક ખેડૂત રોટલા ખાય. સરદારોએ વિચાર્યું કે જુવાન રાજા ભૂખ્યો થયો હશે. રોટલો તો રોટલો ! કંઈક પાણી પીવાનો જોગ કરીએ.
સરદાર કર્ણસિંહે ખેડૂત પાસે રોટલો માગ્યો. ખેડૂતે તો રોટલો ઝટ દઈને ધરી દિધો. તલવારવાળા સાથે રકઝક ખોટી. ભૂંડાથી ભૂત ભાગે. એ બોલ્યો : 'લો બાપ ! હોંશે-હોંશે જમો. કોઈ દહાડો ચોર જમે, કોઈ દહાડો શાહુકાર જમે ! રાંધનારને ધુમાડો રહે.'
જુવાન રાજા કહે : 'જ્યાં સુધી એના રોટલાના આંચકનારને વશ ન કરું ત્યાં સુધી એનો રોટલો મારાથી ન ખવાય. હું લૂણહરામ ઠરું. ભાઈ ! તેં બાબરાને જોયો ?'
'હોવે બાપ ! પણ એનું નામ મૂકો.'
'મને ઠેકાણું તો બતાવો.'
'એનું ઠેકાણું શું બતાવવું ? જલચર-ભૂચર-ખેચર ! જે ગણો તે. એક અચરજ કહું ? આ ઝાડને કહો કે મારે બાબરાને મળવું છે. ઝાડ પોતે પાંદડું મોકલી સંદેશો કહાવશે. અને થોડી વારમાં બાબરો પોતે હાજર જશે ! એ સિદ્ધ છે. કેટકેટલાં દેવ-દેવી એને હાજરાહજૂર છે. માતા જોગણીઓ એની પાસે ગરબા લે છે. ચૂડેલ, ડાકણ, તો એની વાંસે-વાંસે ફરે છે.'
જુવાને બીજું કંઈ ન સાંભળ્યું. એ ભૂત-બૂતમાં માનતો નોતો. સંસારમાં માણસ મોટો છે. માણસ માણસાઈમાં રહે, મરદાઈ રાખે તો દેવ પણ એની પાસે છોટો છે. એણે તો પાસેના આંબાના ઝાડને કહ્યું, કે મારે બાબરાને મળવું છે. મારી પ્રજાને કાં પીડે ? આટલો સંદેશો ઝાડને આપી એણે ઘોડાં આગળ હાંક્યાં.
હવે તો મોટાં મોટાં કોતરો આવતાં હતાં. બપોર વીતી ગઈ હતી, ને સાંજ પડતી હતી.
જયસિહે મોંમાં અન્નનો દાણોય મૂક્યો નહોતો.
અને રાજા ન ખાય તો બીજાથી કેમ ખવાય ? પાછળ ચાલતા આ રાજમંડળે ઘણા રાજાને વેઠ્યા હતા, પણ આ તો ભારે હઠીલો ! ભારે જક્કી ! પોતાની વાત મૂકે નહીં. કોઈનું કંઈ સુણે નહીં !
બધા થાક્યા હતા; આડાઅવળા થતા હતા; ધીરા ધીરા ચાલતા હતા. વિસામાની શોધમાં હતા.
પણ જયસિંહ તો જુદી માટીનો માનવી : કોઈ ધારેલી વાત ન થાય, તો એનું મગજ ચઢી જાય. એ વખતે ગજવેલનો કકડો થઈ જાય. ગમે એટલી ગરમી આપો, પણ વળે એ બીજા ! કકડા થવું એ હા. બધા મનમાં કહેવા લાગ્યા, ખરી રીતે તો વિધવા માતાનો મોઢે ચઢાવેલો એકનો એક દીકરો ખરો ને ! એને કોણ સમજાવવા જાય ?
જયસિંહે આડે રસ્તે ઘોડો હાંક્યો. ત્યાં તો કોઈએ પાછળથી ઘોડાનું પૂંછડું ખેંચ્યું. રમકડાની જેમ ઘોડો આખો ને આખો પાછળ ખેંચાઈ ગયો.
જયસિંહે પાછા ફરીને જોયું.
જોયું તો રાક્ષસ જેવો ભયંકર માણસ ત્યાં ઊભેલો. વાળ સિહોળિયા જેવા ખડા થઈ ગયેલા. આંખો તો જાણે લાલ હિંગળો પૂરેલી, અને હાથમાં નાગી તલવાર !
કાળભૈરવ જોઈ લો. જોઈને જ માણસ ફટી પડે. પણ અહીં તો બીવે એ બીજા.
'કોણ તું ?' રાજા જયસિંહે કહ્યું.
'હું બાબરો ! તું મને યાદ કરતો હતો ને !' બાબરાએ હસતાં-હસતાં કહ્યું. એના મોટા દંતાળી જેવા દાંત દેખાઈ રહ્યા હતા. કાચો ને કાચો બકરો ચાવી જાય એવો એ ભયંકર લાગ્યો.
બકાસુરનો જાણે બીજો અવતાર.
'હા, તને યાદ કરતો હતો હું ! બાબરા ! મારી રાંક પ્રજાના પીડનારા ! આજ કાં તું નહિ, કાં હું નહિ. થઈ જા તૈયાર !' જયસિંહે જરા પણ ડર્યા વગર તલવાર ખેંચીને કહ્યું.
'છોકરા ! તું પાટણનું રાજું છે ને ? હું રાજાને મારતો નથી. વળી તારી ઉંમરની પણ મને દયા આવે છે. તારા રૂપનો મને મોહ થાય છે. જા, તને નહિ મારું. જા, તારું પાટણ નહિ લૂંટું. બસ !'
'બાબરા ! જયસિંહ આજ જીવતરનાં દાન લેવા આવ્યો નથી; મરવા મારવા આવ્યો છે. બેમાંથી એકે ઓછા થયે છૂટકો છે.' જયસિંહે કહ્યું ને ઘોડી કૂંડાળે નાખી.
‘હાથે કરીને મરવું હોય તો તારી મરજી. તો, તૈયાર થા છોકરા ! જય મહાકાલી !' ને બાબરાએ તલવાર કાઢીને વીંઝી, દાંત ક્ચકચાવ્યા ને ભયંકર કિકિયારી મારી. કાચોપોચો તો એ બિયારી સાંભળીને જ ઠરી જાય. પણ આ તો જયસિહ ! જુદી માટીથી ઘડાયેલો.
જ્યસિંહે સામે તલવાર ખેંચી, ને ઘોડેથી નીચે કૂદકો માર્યો. બાબરો પગપાળા હતો. જયસિંહથી ઘોડા પર રહીને ન લડાય ! જયસિંહ ફક્ત ઘરમાં જ નહિ, યુદ્ધમાં પણ ધર્મનીતિનો પાળનારો હતો !
બાબરાએ તલવાર સમણતાં સમણતાં જયસિંહને સમજાવવા માંડ્યો : 'તારા હોઠ પર હજી તારી માનું દૂધ ફોરે છે. રાજા છે તો ભલા માણસ રાજમહેલમાં જઈને મોજ કર. પ્રજા પડે ખાડમાં ! નગરનો રાજા તું ! વનનો રાજા હું.'
જયસિંહ કહે : 'રાજા તો એક જ હોય. હું રાજા છું. રાજાની પહેલી ફરજ પ્રજાનું રક્ષણ. તું મારી પ્રજાને રંજાડે છે. તું ગુનેગાર છે. ગુનેગાર સાથે સંધિ ન હોય. એને તો સજા હોય.'
તલવારબાજી બરાબર ચાલુ થઈ. બંને જણ ઉપરાછાપરી ઘા કરવા લાગ્યા. પણ કોઈ કોઈથી ગાંજ્યા જાય તેવા નહોતા. કોઈ કોઈના સપાટામાં આવતા નહોતા.
જયસિંહે સરસ્વતી-કાંઠાના અખાડાઓમાં કુસ્તી શીખી હતી. સરસ્વતીની વેળુમાં હાથીયુદ્ધ ખેલ્યાં હતાં. બહાદુર પટ્ટણીઓ સાથે તલવારની પટાબાજી પણ ખેલી હતી; પણ એ વાત જુદી હતી. અને આ વાત જુદી હતી.
એ બધા શહેરી માણસો હતા. વળી પોતાના માણસો હતા. અહીં તો સામે ભયંકર જંગલી માણસ હતો, ને મહાખૂની હતો. આજ સિદ્ધરાજની વિદ્યાની કસોટી હતી.
આકાશમાં વીજળી ચમકે એમ તલવારો ચમકી રહી. બાબરાને લાગ્યું કે આ જુવાનિયો જબરો છે ! એની આંખો ગરુડની છે, પંજા વાઘના છે, દિલ ખડકનું છે. એને મોતનો જરાય ડર નથી.
બાબરો આવી યુદ્ધવિદ્યાઓમાં સિદ્ધ હતો. એણે એક અજબ દાવ લીધો.સરત ચુકવીને તલવારનો એવો વાર કર્યો કે સિંહના હાથમાંથી તલવાર જુદી ! એ દૂર જઈને પડી !
બસ, ખેલ ખતમ ! હમણાં જયસિંહ ખલાસ ! સોએ વરસ પૂરાં.
પણ જયસિંહે સિંહની જેમ ઊછળીને છલાંગ દીધી. બાબરા ભૂતને કેડમાંથી બે હાથે પકડી લીધો. પકડ્યો તે કેવો ? જરાય ચસ કે મસ થઈ ન શકે.
બાબરો કહે : ‘તું નીતિવાન છે. મારી પાસે ઘોડી નહોતી, તેથી તું ઘોડીથી ઊતરી ગયો, ઘોડી છોડી દીધી. તારી પાસે તલવાર નથી, હું પણ તલવાર છોડી દઉં છું. આપણે મલ્લકુસ્તી કરીએ !'
કુસ્તી ચાલી. ક્યાં પહાડ જેવો બાબરો ને ક્યાં નવજુવાન જયસિંહ ! ક્યાં વનનો વાંસ ને કયાં રાજબાગનું ફૂલ !
પણ વાહ રે જયસિંહ ! તારી માએ જન્મ દીધો પ્રમાણ ! એણે કુસ્તીનો એવો અટપટો દાવ લીધો કે બાબરાને ચાર ખાના ચીત પછાડ્યો. કૂદીને ઉપર ચઢી બેઠો ને ગળે ચીપ દીધી !
બાબરાના ભારે ડિલમાંથી પરસેવો છૂટી ગયો. મોમાંથી ફીણ નીકળી ગયાં.
સિંહના બચ્ચાએ આખરે મદમસ્ત હાથીને હરાવ્યો.
જયસિંહ ગળે ચીપ દેતાં બોલ્યો : 'બોલ, મારી પ્રજાનું હવે લોહી પીશ !'
'રાજા ! તારી ગાય છું. મારું અભિમાન ગળી ગયું. મને માફ કર. હું તારો ગુલામ.'
'એમ નહિ. મને ખાતરી કરાવ.'
આ વખતે બાબરાની વહુઓ આવી પહોંચી. તે બોલી :
'અમારો ધણી કાલીભક્ત છે, મા કાલીની એના પર મહેર છે. એ સિદ્ધ છે. પણ તું સિદ્ધોનો રાજા લાગે છે. આજથી તું સાચો સિદ્ધરાજ. અમે તારાં ગુલામ. મા કાલીના સોગન ખાઈને કહીએ છીએ, અમે નીતિથી રહીશું, તમારી મદદ કરીશું ને જીવના જોખમે પણ તમારું કામ કરીશું.' જયસિંંહ આ સાંભળી બાબરાની છાતી પરથી ઊભો થઈ ગયો.
બાબરો ઊભો થઈને પગમાં પડી ગયો, ને બોલ્યો : 'હે સિદ્ધપુરુષ ! મને કોઈ હરાવી શક્યું નહિ. મને હરાવે એનો હું ગુલામ થઈને રહીશ, એવી મારી પ્રતિજ્ઞા હતી. હવે બાબરો તારો ગુલામ છે.'
એટલામાં આઘાપાછા ચાલતા સામંતો જયસિંહને શોધતા-શોધતા આવી પહોંચ્યા. બાબરાના સાથીદારો પણ આવી પહોંચ્યા. પણ અહીં રંગ જુદો હતો : ખરેખરો દિલનો રંગ જામ્યો હતો.
જુવાન રાજાના ચરણમાં બાબરો પડ્યો હતો. સરદારો બોલ્યા, ‘નાનું પણ સિહનું બચ્ચું ! નાનો પણ રાઈનો દાણો ! ખરેખર, રાજા જયસિંહ જુદી માટીનો છે.'
બાબરાએ કહ્યું : 'હે ગુજરાતના ધણી ! રુદ્રમાળ અધૂરો છે. હું તમારી સેવામાં રહીશ. મારાં માણસો રુદ્રમાળ પૂરો કરશે. માણસ નવરાં બેઠાં સારાં નહિ. હાથમાં કામ હોય તો હૈયામાં ઈશ્વર રહે. હાથમાં કામ ન હોય તો હૈયામાં શેતાન વસે. આજથી સિદ્ધરાજની જીભ ને બાબરાના ટાંટિયા. સિદ્ધરાજ જગનો દીવો. બાબરો એનો પડછાયો.'
'ચાલો, પાટણમાં. માતા મીનલદેવી રાહ જોતાં હશે !' રાજા જયસિંહે કહ્યું, ‘ભાઈ બર્બરક ! તું પણ અમારી સાથે ચાલ.'
બાબરાને હવે કંઈ વિચારવાનું નહોતું. રાજા કહે કે કૂવામાં પડ, તો ધબ્બ લઈને કૂદે એમ હતું !
એણે કહ્યું : 'જેવો આપનો હુકમ. હુકમ કરો તો જમના ઘેર પણ જાઉં!'
થોડી વારમાં બધા તૈયાર થઈ ગયા. બાબરો પણ સાથે ચાલી નીકળ્યો.
બધાએ કહ્યું : 'જય હે સિદ્ધરાજ જયસિંહનો !'
'જ્ય હો બર્બરકજિષ્ણુનો !'