← મેંદી રંગ લાગ્યો સિદ્ધરાજ જયસિંહ
મામો માર્યો
જયભિખ્ખુ
૧૯૬૦
ખેંગારે નાક કાપ્યું →


મામો માર્યો
 

રાજા સિદ્ધરાજ તો રાજકાજમાં પડી ગયા છે : ખાવું પછી, પીવું પછી, પહેલું રાજકાજ.

આજ હાથીઓની સેનાની પરીક્ષા લે છે; કાલે અશ્વસેનાની ખબર લે છે; આજ ખજાનો તપાસે છે, તો કાલે કચેરીમાં ફરે છે !

દિવસે આરામનું નામ લેતા નથી. રાતેય અડધી રાત પહેલાં ઊંઘવું હરામ !

મહામંત્રી સાંતૂ સામે બેઠા છે. બાપદાદાના વારાના મંત્રી છે. ભારે વિશ્વાસુ છે. એમના વચન પર ફૂલ મુકાય છે. મહામંત્રી વિક્રમચરિત્ર વાંચે છે. વાંચતા વાંચતાં ડોલે છે.

રાજા કહે છે : 'મંત્રીરાજ ! રાજા તો વિક્રમ થયો, બાકી બધી વાતો.'

સાંતૂ મંત્રી કહે : 'લોકો આપને વિક્રમનો નવો અવતાર માને છે.'

સિદ્ધરાજે કંઈ જવાબ ન આપ્યો. થોડી વાર એ વિચારમાં બેસી રહ્યો : પછી બોલ્યો :  'સારા રાજાઓ અંધારપછેડો ઓઢી, રાતે પ્રજાનું નિરીક્ષણ કરવા નીકળે છે. રામ એમ કરતા. વિક્રમ એમ કરતા. મારે પણ નીકળવું છે. પ્રજાના આચાર જોવા છે. પ્રજાના વિચાર જાણવા છે. પ્રજાનાં સુખ જાતે જોવાં છે. પ્રજાનાં દુ:ખ જાતે નિહાળવાં છે. મારી પ્રજાની હું ખબર ન લઉં તો કોણ લે ? એવાં કામોમાં મંત્રી પછી, સેનાપતિ પછી, પહેલો રાજા.'

સાંતૂ મંત્રી કહે : 'બહુ સારી વાત છે. અબઘડી નીકળીએ.'

રાત જામી. રાજા અને મંત્રી બહાર નીકળ્યા. શેરી, હાટ, ગલી, હવેલીઓ જોતા ને વટાવતા આગળ વધ્યા.

જતાં-જતાં એક ઘરના આંગણામાં થોભ્યા.

ઘરની બહાર ભીડ જામી હતી. ઘરમાં કોઈ માંદું હતું. સગાંવહાલાં બેઠાં હતાં. એક જુવાન સ્ત્રી ખૂણામાં બેઠી-બેઠી રડતી હતી.

રડે તે કેવું રડે ? આકાશ કાણું કરી દે. પથ્થરને રોવું આવે.

સિદ્ધરાજ નજીક ગયો. થોડી વાર બારણે ઊભો રહ્યો. પછી એણે પૂછ્યું : 'શું છે ? કોઈ માંદું છે ?'

ઘરના વડીલે જવાબ વાળ્યો : 'હા ભાઈ રપ વરસનો જુવાનજોધ દીકરો છે. છ મહિના પરણ્યે થયા છે. ન જાણે કેવો રોગ થયો છે !'

‘તે કોઈ સારા વૈદ્યને બતાવો ને !' સિદ્ધરાજે કહ્યું.

'પાટણમાં એક જ વૈદ, બાકી બધા ઊંટવૈદ.'

'તે એને બોલાવો ! શું નામ એનું ?'

'લીલો વૈદ. પણ એ બોલાવ્યે ક્યાં આવે છે ? રાજમહેલ સિવાય બીજે નહીં જવાનું એણે નીમ લીધું છે ભાઈ ! આ તો શેરડી પાછળ એરંડી સુકાણી છે.' ટોળામાંના એક માણસે કહ્યું.

'એમ કેમ ? શું રાજમહેલમાં જ માણસ રહે છે ને બીજે મડાં રહે છે? વૈદનો ધર્મ તો રાય-રંકની સમાન ભાવે સેવા કરવાનો છે.' સિદ્ધરાજે કહ્યું.

'વાત સાચી છે, પણ એમાં વૈદનોય વાંક નથી.'

'તો કોનો વાંક છે ?' ઘરના એક ઘરડાએ આ ટકટકથી કંટાળીને કહ્યું 'ભાઈ, હવે તું તારે રસ્તે જા ને ! મોટો પરદુ:ખભંજન વિક્રમ ન જોયો હોય તો ! પાડાપાડીની તારે નકામી શી પંચાત !'

'કહો તો હું વૈદને અબઘડી બોલાવી લાવું.'

'એમ કે ? પણ તું છે કોણ ?' ઘરડા વડીલે આશાભરી રીતે પૂછ્યું.

'હું સિદ્ધરાજનો મિત્ર જીવરાજ છું. બધી વાત મને કહો'

ડૂબતો માણસ તણખલાને પકડે. બીમાર જુવાનનાં સગાંએ કહ્યું :

'વાત ખાનગી રાખો તો કહું, નહિ તો કાલે અમારું મોત આવે ! પડતાં પર પાટુ પડે.'

'જૈનના પારસનાથના ને શૈવના ભગવાન શંકરના સોગનથી કહું છું. તમે ખુલ્લા દિલે કહ્યું. મારો મિત્ર કોઈના બાપની રાખે તેવો નથી.'

'ભાઈ ! એ સાચું, પણ સિદ્ધરાજ તો નામનો રાજા છે. અત્યારે પાટણમાં ખરું રાજ મામાનું છે.'

'કોણ ? મામા મદનપાલ ?'

'હા. રાણીમાતા ઉદયમતીના ભાઈ. રાજમાતા મીનલ કંઈ બોલી શકતાં નથી, ને રાજા સિદ્ધરાજ તો હજી છોકરું છે, એટલે એ ફાટ્યો છે. પાટણમાં એનો હેડકોરડો વાગે છે.'

'અરે ! પણ સિદ્ધરાજ કેવો બળવાન છે ? બાબરો ભૂત વશ કર્યો તોય મામો એનાથી ડરતો નથી ?'

‘વનના વાઘને વશ કરવો સહેલો છે, પણ શહેરના સાપને પકડવા ભૂંડા છે. વાત એવી છે કે આ મામાએ એક વાર લીલા વૈદને પોતાને ત્યાં બોલાવ્યા. કહ્યું કે મારો રોગ પારખો. વૈદે નાડી જોઈ, પણ રોગ ન પરખાય. મામો કહે,મારો રોગ જુદો છે. પાણીમાંથી પૈસા પેદા કરો છો, ધૂળનું ધન કરો છો, મૂળિયાંમાંથી સોનું રળો છો, તો લાવો સોનૈયા ! મારો રોગ સુવર્ણભસ્મથી જાય તેવો છે. વૈદે હા-ના કરવા માંડી, તો શરીરે જળો ચોટાડી. તોય ન માન્યા, તો ઊધઈના રાફડા પર બેસાડ્યા. પછી કહે, હાથીના પગે કરીશ. પાટણમાં મને પૂછનાર કોઈ પાક્યો નથી, વૈદરાજ ! નાહક જીવના જશો ને પાછળ તમારી મિલક્ત હું લૂંટી લઈશ.'

'ખરો મામો ! પછી ....'

'મામાએ ઓછાવત્તા નહિ પણ બત્રીસ હજાર રૂપિયા માગ્યા. લીલા વૈદે કાળા ચોર પાસેથી પણ લાવીને બત્રીસ હજાર રૂપિયા ગણી આપ્યા ને છૂટ્યા. ત્યારથી બીક એવી પેઠી છે કે ક્યાંય બહાર નીકળતા નથી ! રાજમહેલમાં જવું પડે તો ત્યાં જાય.'

‘વારુ, રાહ જુઓ ! થોડી વારમાં હું વૈદને તેડીને આવું છું !'

‘જીવરાજભાઈ ! વાતનાં વડાંથી ભૂખ નહિ ભાંગે. ગમે તેમ કરીને વૈદને તેડી લાવજો. દીકરો મરવાનું દુ:ખ નથી, પણ આ કુમળી કળીનો રંડાપો નહિ જોવાય. જીવરાજભાઈ ! અમારા બધાનો જીવ તમારા હાથમાં છે.'

સિદ્ધરાજ એકદમ મહામંત્રી સાથે પાછો ફર્યો અને તરત જ લીલા વૈદની ડેલીએ પહોંચ્યો.

વૈદરાજે પહેલાં તો ડેલી ન ખોલી; કહ્યું કે સવારે આવજો !

સિદ્ધરાજે પોતાનો બુરખો કાઢી નાખ્યો ને કહ્યું : 'વૈદરાજ ! પ્રજાના દુ:ખમાં ભાગ લેવો એ આપણ બંનેની-વૈદ અને રાજા બંનેની-ફરજ છે. તમારો વાળ વાંકો થાય તો સિદ્ધરાજના નામ પર થૂંકજો. તમારા જીવનો હું જામીન.'

લીલા વૈદે બાબરા ભૂતની વાત સાંભળી હતી. એ હિંમત કરીને બહાર નીકળ્યા.

સિદ્ધરાજ એમને તેડીને પેલાને ઘેર ગયો. વૈદને દવા કરવા બેસાડ્યા ને કહ્યું :

'રોગી નિર્ભય થાય પછી જ અહીંથી ખસજો. હું તમને પાછો લેવા આવું છું. ઉતાવળ ન કરશો. નાહક મામો મારગમાં હેરાન કરશે !'

સિદ્ધરાજ આટલું કહીને ચાલ્યો ગયો. અંધારામાં ક્યાં ગયો એ કંઈ ન જણાયું.

અડધી રાત દવા ચાલી. લીલા વૈદની દવા એટલે કાનમાં કહ્યું. રોગી સાજો થયો. પથારીમાં બેઠો થયો.

લીલા વૈદે વાતવાતમાં કહી દીધું કે મને તેડવા આવનાર બીજો કોઈ નહિ, પાટણનો નવો રાજા સિદ્ધરાજ જયસિંહ પોતે છે. ભારે પ્રજાપાલક છે, ભારે પરગજુ છે, ભારે પરાક્રમી છે.

લોક બધા કહેવા લાગ્યા :

'ખરેખરો ભાંગ્યાનો ભેરુ છે ! રાજા હો તો આવા હજો !'

એટલામાં સિદ્ધરાજ દોડતો આવ્યો ને બોલ્યો :

‘વૈદરાજ ! ચાલો. મામા મદનપાળ આખરી ઘડીએ છે.'

‘તે મરી કાં જતા નથી ?' લીલા વૈદે અંદરથી રાજી થતાં કહ્યું.

'ના, ના. રાજા અને વૈદની ફરજ સમજો છો ને ! કોઈ ચાર મલ્લોએ મારી મારીને - ગુંદી ગુંદીને એમનો રોટલો ઘડી નાખ્યો છે !'

'જાણું બાપ મારા ! મલ્લકુસ્તીમાં મારો જયસિહ હાથીનેય હરાવે એવો છે. 'ને વૈદરાજ ઊભા થયા.

બધા તો પોતાના પરદુ:ખભંજન રાજવીનો જયજયકાર બોલાવવા માગતા હતા, પણ રાજાએ નાકે આંગળી મૂકે કહ્યું : 'રોગી પાસે શાંતિ સારી. જુવાન સાજો થાય ને માથે પાણી નાખો ત્યારે કહેવરાવજો. રાજ ભેટ મોક્લશે.'

‘જીવથી વધુ સારી ભેટ કઈ હતી ? હે રાજા ! અમારા ચામડાના જોડા સિવડાવીને તમને પહેરાવીએ તોય ઓછું છે.' ઘરનાં બધાં માણસોએ પગમાં પડતાં કહ્યું.

પણ સિદ્ધરાજને જયજયકાર ગમતા નહોતા. એ તો વૈદરાજ સાથે આગળ નીકળી ગયો હતો.

બંને જણા દોડતા મામાને ઘેર પહોંચ્યા. પણ મામાનો પ્રાણ પરવરી ગયો હતો.

સિદ્ધરાજે મામીને ખરખરો કરતાં કહ્યું : 'મામા સાંજે તો સાજા-સારા હતા ને એટલામાં શું થયું ? મામા બીજા થવા નથી.'

મામી કહે : ન જાણે કેમ ! કોઈ ચાર જણ મળવા આવ્યા હતા. ખાનગી કામ છે, એમ કહી બધા ગુપ્ત ખંડમાં ગયા. ગયા તે ગયા, પણ ઘણી વાર સુધી બહાર ન આવ્યા, એટલે હું અંદર ગઈ. જઈને જોયું તો મરેલા. નથી હથિયારનો ઘા, નથી વાગ્યાની નિશાની. મૂઢ માર પડયો લાગે છે !'


'હર ! હર ! મામી ! ગજબ થયો. રાજનો થાંભલો પડ્યો. મખમલ મશરૂની પાલખી કરો. હીરચીર ઓઢાડો. પૂરેપૂરાં ચંદનથી મારા મામાને બાળો. હું ગુનેગારોને શોધીને શૂળીએ દઈશ. રાજ તરફથી તમને વર્ષાસન મળ્યા કરશે. મામો થયો છે !'

સવારે મામા મદનપાલની પાલખી નીકળી. આગળ રાજા સિદ્ધરાજ હતો. મહામંત્રી સાંતૂ હતા. સહુથી વધુ એ રોતા હતા. આખું ગામ સ્મશાને ઊતર્યું. આ પાપને ગયેલું જોઈ સહુ મનમાં રાજી થયા !

બપોર થતાં વાત ફેલાઈ.

સહુને ખાતરી થઈ કે એ મલ્લ સિદ્ધરાજના ! મહામંત્રી સાંતૂનો એમાં સાથ ! બાબરાની એમાં મદદ. લોક આવી વાત કરતું.

ચાર જણા અડધી રાતે મામા પાસે આવ્યા. મામો ચઢાવીને બેઠો હતો, મામીને ઢીંકા-પાટુ કરતો હતો.

આ વખતે ચાર મલ્લ આવ્યા.

એક મગધનો હતો. એક પૂરવનો હતો. એક પંચમહાલ તરફનો હતો. એક કનોજનો હતો.

ચારે જણાએ વિનંતી કરી : 'આપ ખાનગીમાં પધારો. અમે કલાધર છીએ. કલા બતાવવી છે. રાજદરબારે નોકરી લેવી છે !'

મામો કહે : 'ભલે ! ચાલો મંત્રણાખંડમાં.'

બધા મંત્રણાખંડમાં ગયા.

પૂરબી ભૈયો કહે : 'મહારાજ ! હું સિરમાલિશ ને તેલમાલિશ કરું છું. માણસને જિંદગીભર રોગ ન થાય. ચામડી પર એકે કરચલી ન રહે. જાણે નવી જુવાની આવી !'

મામાને જુવાન દેખાવાનું બહુ ગમે. એ ખુશ થઈને બોલ્યા : 'ચાલ, મને માલિશ કર !'

બીજો માગધી કહે : 'અમારી ચારની ટુકડી છે. હું પગચંપી કરનારો છું. એવી ચંપી કરું છું કે ઊંઘ નહિ આવવાનો રોગ હોય તેય ઘસઘસાટ ઊંઘી જાય ! થાક તો એવો જાય કે ન પૂછો વાત !'
મામાને ઘરડાપો. ઊંઘ ઓછી આવે. એ કહે : 'વાહ વાહ ! લે, કર પગચંપી !'

ત્રીજો પંચમહાલી બોલ્યો : 'હું સુંદર ટાચકા ફોડનારો છું. ગળાનો ટાચકો, કમરનો ટાચકો, આંગળીના ટાચકા, ઢીંચણના ટાચકા ! એક ટાચકે સાંધામાંથી વરસનો થાક ઊતરી જાય !'

મામાની ઉંમર થયેલી. સાંધા ખૂબ દુખ્યા કરે. એ કહે : 'વાહ તારી વિદ્યા ! ચાલ, અજમાવ એ.'

ચોથો કહે : 'હું વામનમાંથી વિરાટ કરનારો છું. ઢીચકા માણસોને એવી રીતે ખેંચું છું કે લાંબા થઈ જાય.'

મામા ઢીચકા હતા. એ કહે : 'ચાલો, વાતો કર્યે વડાં ન થાય, અબઘડી તમારી પરીક્ષા. ચારે જણા પોતપોતાનું કામ શરૂ કરો.'

કલાકારો કહે : 'અમને પછી પાટણપતિના દરબારમાં નોકરી અપાવશો ને ?'

મામો મસ્તાન ઉંદરની જેમ ડોલતો બોલ્યો : 'તમે મૂરખ છો. તમારે પૈસાથી કામ છે, કે પાટણપતિથી ?'

'પાટણપતિથી !' કલાકારો બોલ્યા : 'રાજા જેવી કદર બીજો કોણ કરે?'

'અરે મૂરખરાજો ! પાટણપતિ કહો તો પાટણપતિ હું જ છું. સિદ્ધરાજ તો રમકડાનો રાજા છે. હું ડોક મરડવા ધારું તો આમ ચપટીમાં મરડી નાખું. મીનલ તો બાપડી મારાથી ડરે છે. મેં કહી રાખ્યું છે કે ગરબડ કરીશ તો લોકોને કહીશ કે આ દક્ષણી બાઈ ભયંકર છે. એનો વિશ્વાસ ન કરજો ! બસ, બધા પથરે પથરે એને મારે !'

'વાહ મામા મહારાજ! વાહ મામા મહારાજ ! અમારે માટે તો તમે રાજાના રાજા !'

મામા કહે : 'ચાલો ! તમારું કામ શરૂ કરો !'

મામા પથારીમાં લાંબા થઈને સૂતા.

એકે પગ લીધા.

એકે માથું પકડ્યું. એકે કમર ઝાલી.

બધા મંડ્યા કળા બતાવવા !

થોડી વાર તો મામાને બધું મીઠું-મીઠું લાગ્યું !

પણ પછી તો પગના મસલ જોરથી દબાવા લાગ્યા. ટાચક ફોડનારે ગળું ઝાલીને એવું ફેરવ્યું કે મોં જ પાછળ ફરી ગયું; જીભ લોચા વળવા લાગી.

ચંપી કરનારે પગ ખૂબ જોરથી દબાવવા માંડ્યા, ને ત્યાં ટૂંકામાંથી લાંબા કરનારે પગ ઝાલીને તાણ્યા !

મામો તો લોટની કણકની જેમ ગૂંદાવા લાગ્યો. ગળાનું હાડકું એવી રીતે ખડી ગયું કે અવાજ જ ન નીકળે !

એવી ચંપી થઈ, એવા ટાચકા ફોડ્યા કે મામાના દેહમાંથી પ્રાણ ચાલ્યો ગયો !

ને છેવટે પોતાનું કામ પતાવી કલાકરો બારણે ઊભેલાં મામીને કહેતા ગયા :

'મામાજી નીંદમાં છે. સવારે ઇનામ લેવા આવીશું.'

એ ગયા એ ગયા !

સિદ્ધરાજે સાંજે માતા મીનળદેવીને પૂછ્યું :

'મા ! સગાંવહાલાં પહેલાં કે પ્રજા પહેલી ?'

મીનલદેવી કહે : 'રાજાને પ્રજા પહેલી. રાજાનું સાચું સગુંવહાલું જ રૈયત !'

'તો માતા ! મદનપાલને મરાવનાર હું છું. એ રાવણ હતો, પ્રજાને પીડનારો હતો.'

'મને ખબર જ હતી, બેટા ! તેં લોક્કલ્યાણનું કામ કર્યું છે.' ને આમ કહેતાં માતાએ પુત્રની આંખમાં કાજળ આંજ્યું ને કેશ સૂંઘ્યા.