← સર્વધર્મ સમાન સિદ્ધરાજ જયસિંહ
ચના જોર ગરમ
જયભિખ્ખુ
૧૯૬૦
ખંભાતનો કુતુબઅલી  →


ચના જોર ગરમ
 

ગુજરાતનું રાજતંત્ર શાંતિથી ચાલે છે. ખેડૂત ખેતી કરે છે. ક્ષત્રિય ચોકી કરે છે. બાહ્મણ વિદ્યાઘન કરે છે. વૈશ્ય વેપાર કરે છે. માયા હરિજન અને એના નાતીલાઓ ભારે નગર-સેવા કરે છે. નગરને એવું ચોખ્ખું રાખે છે કે ન પૂછો વાત ! કહે છે કે હક મળ્યા તો ફરજ કેમ ચુકાય ? હક અને ફરજ એક સિક્કાની બે બાજુ છે.

એક દિવસની વાત છે.

રાતનો સમય હતો.

શહેર પાટણ હતું.

સ્થળ હતું કર્ણમેરુપ્રાસાદ.

પ્રાસાદ એટલે મંદિર.

મંદિરના આંગણામાં નાટક ચાલતું હતું.

એ વખતે સામાન્ય રીતે મંદિરના આંગણામાં નાટકો થતાં. નાટક્ના રચનારા કવિ કહેવાતા. કવિ રચના કરતા, ભજવૈયા ભજવતા, બજવૈયા બજાવતા. ગામના સારા-સારા માણસો એમાં ભાગ લેતા. રાજા પોતાના દરબારમાં ભજવૈયાને અને બજવૈયાને ખેલ માટે બોલાવતા. રાજા રાજમહેલમાં નાટકશાળા રાખતા. એ ચિત્રશાળા કહેવાતી. સામાન્ય રીતે રાજાઓ બહાર ખેલ જોવા ન જતા. પ્રજામાં બહુ ભળવામાં ન માનતા. દૂર-દૂર રહેવામાં મોટાઈ માનતા.

પણ મહારાજ સિદ્ધરાજ જુદી ખોપરીના હતા, સહુથી જુદા સ્વભાવના હતા. પ્રજામાં જેટલું હળી-ભળી શકાય તેટલું સારું એમ માનતા.

લડાઈઓ ખૂબ લડ્યા. એ જાણતા હતા કે લડાઈથી સંપત્તિ વધે, પણ પ્રજામાં સુખ ન વધે. પ્રજાના સુખ માટે પ્રજાના પ્રશ્નો જાણવા જોઈએ; પ્રજાનાં સુખદુ:ખની ખબર રાખવી જોઈએ. આ બાબતમાં પોતાના મંત્રી, સેનાપતિ કે ગુપ્તચરોથી પ્રજાના હાલ જાણવા કરતાં જાતે જાણવા જોઈએ.

એ જાણતા હતા કે મંત્રી માણસ છે: કોઈ વાર આઘું-પાછું કહે.

એ જાણતા હતા કે સેનાપતિ પણ આખરે કાળા માથાનું માનવી છે : કોઈ વાર લોભ-લાલચ કામ કરી જાય.

શાસ્ત્રમાં કહ્યું છે કે રાજાએ સકર્ણ થવું જોઈએ; મોટે ભાગે રાજાઓ અકર્ણ-કાચા કાનના-હોય છે. એટલે પોતાના અનુચરોની વાતો ભલે સાંભળવી, પણ પ્રજાની હાલત તો સગી આંખે જોવી; એની વાત સગા કાને સાંભળવી.

કારણ કે ઘણા ઉત્સાદ લોકો રાજાની આંખે પાટા બાંધવામાં હોશિયાર હોય છે : કોઈ વાર કચેરીમાં કાચ હીરાના ભાવે વેચાય છે, તો કોઈ વાર હીરો કાચના ભાવે જાય છે.

માટે રાજાએ સાચું - ખોટું પારખવું જોઈએ, જાતે ઝવેરી થવું જોઈએ. આ માટે મહારાજ રોજ રાતે વેશપલટો કરીને બહાર નીકળતા, અને ગલીએ-ગલીએ, શેરીએ-શેરીએ, તળાવની પાળે, બગીચાઓમાં ફરતા, લોકોની હાલત જોતા. લોકોની વાતો સાંભળતા.

આજે ફરતા-ફરતા તેઓ કર્ણમેરુપ્રાસાદમાં આવ્યા. એમણે જોયું તો ત્યાં નાટક ચાલે છે. ભારે ભીડ જામી છે.

નાટક બરાબર રંગમાં છે. લોકો તાળીઓ પર તાળીઓ પાડે છે !

પ્રેક્ષકો એકધ્યાનથી જોઈ રહ્યા છે. પ્રેક્ષકો ભેગા મહારાજ ભળી ગયા; ઊભા-ઊભા જોવા લાગ્યા. જોતાં-જોતાં વિચારવા લાગ્યા કે, વાહ ! મારી પ્રજા કેવો આનંદ લઈ રહી છે ! આ રીતે જ આખા દ્હાડા થાક અને કંટાળો દૂર થાય. અને નાટક પણ કેવું સુંદર છે ! એની ભાષા પણ કેવી મધુર છે ! એના ભાવ પણ કેવા તેજસ્વી છે ! આવા નાટકથી જ પ્રજા ઘડાય.

અને ભજવનારા પણ મન, વચન અને શરીરને એક્તાર કરી લેવો ખેલ ભજવી રહ્યા છે ! ઘડીમાં ધારે ત્યારે લોકોને હસાવે છે, ધારે ત્યારે રોવરાવે છે ! ધારે તે રસ જમાવે છે !

નાટકો અજ્ઞાની-જ્ઞાની બંનેને ઘડે છે, અસર કરે છે. માર્ગ ચૂકેલા ઘણા જ્ઞાની નાટક જોતાં-જોતાં સાચા રસ્તે વળ્યા છે. એટલા માટે તો નાટકને પાંચમો વેદ કહ્યો છે. આ વેદ બરાબર જળવાય એ માટે મારે ધ્યાન આપવું જોઈએ. મતલબી લોકે એને બગાડે નહિ, એની સંભાળ રાખવી જોઈએ.

મારા રાજમાં મારે આ વાતને ઉત્તેજન આપવું ઘટે. કવિઓને ઇનામ આપવું ઘટે. ભજવૈયાની પૈસાની ભીડ ભાંગે ને નિરાંતે નિર્દોષ રીતે લોનું મનોરંજન કરે, એમ કરવું ઘટે. પૈસાની તાણ એમનું કામ બગાડે. પૈસાનો લોભ કદાચ એમના મનને બગાડે, નાટકને બગાડે, ભાવનાને બગાડે ! આમ થવું ન જોઈએ.

મહારાજા ઊભા-ઊભા આવા વિચાર કરી રહ્યા છે, ત્યાં એમના ખભા પર કોઈએ હાથ મૂકીને કહ્યું : 'કેમ છે, યાર ?'

મહારાજે પાછી નજર કરીને જોયું. ભીડ ઘણી વધી હતી, ને પાછળથી દબાણ થતું હતું.

'કોણ છો તમે ?' મહારાજે પૂછયું.

'ન ઓળખ્યો મને ? અરે, પાટણમાં રહો છો કે જંગલમાં ? યાર ! પરદેશી લાગો છો. ચના જોર ગરમ ! પાટણનાં સ્ત્રી, બાળક અને પુરુષ તમામ મને ઓળખે છે. મારા ચણા તો મોટા મોટા શેઠશાહુકાર ખાય છે. બેટ પીરમના બાદશાહ અને દખ્ખણના રાવરાજા પણ હાથી પર માણસ મોક્લી મારા ચણા મંગાવે છે. અરે, રાજાની રાણીઓ પણ લાખ-લાખ રૂપિયાની દાસીઓને મારે ઘેર ચણા લેવા મોક્ષે છે. શું રૂપ ! શું રૂપ ! પણ મારે તો રૂપિયા સામે જોવાનું, મારા મહેરબાન ! એક વાર ખાઈ જાઓ તો જિંદગી સુધી દાઢમાં સવાદ ન રહી જાય તો મને કહેજો !' ચણાવાળાએ પોતાની પ્રશંસાના પુલ બાંધવા માંડયા.

મહારાજે કહ્યું : 'હું પરદેશી છું. તમે ચણા વેચનાર છો ? તમારુંનામ ?'

'અરે ભલા ભાઈ ! તમે તો જાણે સૂરજને પૂછો છો કે અલ્યા, તું કોણ છે? અરે મહાશય ! હું ચતુર્ભુજ ચણાવાળો. પાટણની ફાંકડી ફોફલ શેરીમાં રહું છું. મારા ચણાનાં દર્શન તો જેનાં નસીબ હોય એને થાય ! અને એ ખાવા માટે પૂર્વ પુણ્યની કમાઈ હોય તો પાટણમાં જન્મ થાય. જો કોઈ મેરા ચના ખાવે, વો દિલ્હી-દખ્ખણકા રાજા થાવે, ચન્ના જોર ગરમ !'

'તમારી પાસે ચણા છે ?'

'અરે, અત્યારે ચણા કેવા ? આ તો મોજમજાનો વખત છે. ધંધાના વખતે ધંધો, આનંદના વખતે આનંદ. પટ્ટણીઓ મખ્ખીચૂસ નથી.' ચણાવાળાએ કહ્યું ને સામે પૂછ્યું : પણ ભાઈ ! તમે ક્યાના છો ? તમારું નામ ?'

'મેદપાટનો છું નામ સિંહરાજ.'

'મારવાડના છો, એમ ને ?' ચણાવાળાએ સિંહરાજના ખભા પર પોતાના શરીરનું વજન નાખતાં કહ્યું : જાણે એ એની તાકાતની પરીક્ષા કરી રહૃાો હતો.

'હા ભાઈ, નોકરી માટે આવ્યો છું. સાંભળ્યું છે કે પાટણના રાજા સિદ્ધરાજ મહાન ઉદાર રાજા છે. કહે છે કે દક્ષિણનો જગદેવ[] અહીંનો મહાપ્રતિહાર-કોટવાળ છે. એના ભરોસે લોકો દ્વાર ખુલ્લાં મૂકીને સૂએ છે. દેશી-પરદેશીના ભેદ એને ત્યાં નથી. મોટા મોટા સિંહોને મેં એક હાથે પૂંછડીએ પકડીને ફંગોળીને ફેંકી દીધા છે.'

'હા ભાઈ સિંહરાજ ! ઉપલો માળ (ભેજાં) ભાડે તો આપ્યો નથી ને ! પૂંછડીએ પકડીને તે વળી સિંહ ફેંકતા હશે? તારા એ સિંહ પણ કેવા હશે ! પણ હા, અમારા ભાષાશાસ્ત્રી આચાર્ય હેમચંદ્ર કહે છે કે એક શબ્દના અનેક અર્થ થાય છે : મેષ એટલે ઘેટો પણ થાય અને રાશિ પણ થાય. અને મેઘ એટલે વરસાદે થાય, વાદળે થાય ને રાગ અથવા છંદ પણ થાય. શબ્દને કામધેનુ કહ્યો છે, એમ તમારા મેદપાટમાં ઉંદરને કે શ્વાનને સિંહ કહેતા હશે !' ચણાવાળાએ મશ્કરી કરતાં કહ્યું. એ પણ જાણકાર લાગ્યો.

'શું કહ્યું તમે ? મજાક ન કરો, મારા ભાઈ ! મેદપાટના વીરોને તમે જોયા


  1. માળવાના જગદેવ પરમારની ખૂબ વાતો ચાલે છે; પણ એ માળવાનો નહિ, પણ દક્ષિણનો મીનલદેવીનો સગો થતો, કોટવાળ તરીકે એની અજબ કીર્તિ હતી.

છે ? તેર તવા એક તીરે વીંધી નાખે !' સિદ્ધરાજે કહ્યું.

‘ભાઈ સિંહરાજ ! પાટણના વીરો સાથે તમારો પલ્લો પડ્યો લાગતો નથી. બાબરા ભૂતવાળી વાત તો સાંભળી છે ને ? બાબરાથી તો તું જબરો નથી ને ? કહે જો : એક ડબ્બો ઘી પી શકીશ ? એક માટલું મધ ચાટી શકીશ ? એક મણ ટોપરાનાં કાછલાં ચાવી શકીશ? કહે !' ને ચતુર્ભુજ ચણાવાળાએ હાથની ઝાપટ મહારાજની આંખ પર મારી.

આંખ મીચાઈ ગઈ.

ચણાવાળો હસી પડ્યો ને બોલ્યો : 'અરે યાર ! એક ઝાપટમાં તો આંખ મીંચાઈ જાય છે! કોઈ ઉંદરમાર લાગો છો, ઉંદરમાર'

મહારાજે ચિડાયા જેવો ડોળ કર્યો. એ બોલ્યા : 'કાલે સાત સિંહ ને સાત વાઘ સાથે મારી ન બતાવું, તો મારું નામ સિંહરાજ નહિ !'

'અરે યાર ! અમે ગુજરાતીઓ જરા મશ્કરી કરવાના સ્વભાવવાળા છીએ. અમને ગુસ્સો કરવા કરતાં આનંદ કરવો વધુ ગમે. ભાઈ, આમ અહીં ચિડાઈશ નહિ. આ નગરની સુંદરીઓ ભારે મજાકી છે. ચિડાયો તો મૂઓ છે ! મજા કર, લહેર કર ! લે યાર સિંહરાજ, પાન તો ખા !'

ચતુર્ભુજ ચણાવાળાએ ખિસ્સામાંથી ચાંદીની નક્શીદાર ડબ્બી કાઢી મઘમઘતું કપૂરી પાન આપ્યું ને કહ્યું : 'મહારાજ સિદ્ધરાજને તમારા જેવા નરબંકા બહુ ગમે છે. એ રત્નની પરીક્ષા કરનાર ઝવેરી છે. જો નોકરી મળે તો મને યાદ કરીશ ને ?'

‘જરૂર, જરૂર ! પાન ખાધું અને લાલ મોં કર્યો એટલે અમારા દેશમાં દોસ્તી બાંધી ગણાય.'

'વાહ દોસ્ત ! જો, મારા ચણામાં તારો ભાગ; તારી નોકરીમાં મારો ભાગ. જે માણસ પાટણપતિની ભાવથી સેવા કરે એના ભવનાં દરિદર દૂર જાય.' ચણાવાળાએ કહ્યું.

'કૂબલ છે તારી શરત !'

‘તો લગાવો ફરી પાનપટ્ટી ! કરો મોં લાલ !' ને ચણાવાળાએ નાનકડું ગીત ગાતાં-ગાતાં કપૂરમિશ્રિત બીજું પાન કાઢીને સિદ્ધરાજને આપ્યું.

સિદ્ધરાજે પાન ખાતાં-ખાતાં કહ્યું,

'વાહ, ભારે મસાલેદાર પાન છે !' 'લે યાર તો ત્રીજું ! ને ચતુર્ભુજે વળી ત્રીજું પાન આપ્યું. સિદ્ધરાજે પાન ખાધું. પછી તો ખરેખરી દોસ્તી જામી ગઈ.

નાટક પણ બરાબર જામ્યું હતું.

ચતુર્ભુજ ચણાવાળાએ મહારાજના ખભે હાથ મૂક્યો. ભાર એટલો દીધો કે જેવાતેવાના તો ખભા તૂટી જાય, પણ મહારાજને તો એ ભાર કંઇ વિસાતમાં નહોતો.

ખેલ પૂરો થયો ને ચણાવાળો અને મહારાજ છૂટા પડ્યા. જુદા પડતી વખતે વળી ચતુર્ભુજે કપૂરી પાનનું બીડું આપતાં કહ્યું :

'ભાઈ સિંહરાજ ! મળવું હોય તો બપોરે ઘેર આવજે. ફોફળ શેરી અને ચતુર્ભુજ ચણાવાળો-આટલું કહીશ, તો રસ્તે જતું છોકરું પણ ઘર બતાવશે. પાટણની મોજ માણવા જેવી છે.'

'જરૂર. કાલે જરૂર મળીશ.'

બંને જણા રામરામ કરીને છૂટા પડયા.

રાત પૂરી થઈ. આખી રાત નાટક ચાલ્યું. ખેલના દીવા સૂરજદેવે આવીને બુઝાવ્યા. દિવસનો ઉદય થયો

મહારાજા સિદ્ધરાજ નિત્યકર્મ કરી સર્વાવસરમાં રાજસભામાં આવ્યા. રાજસભાને એ વખતના લોકો સર્વાવસર કહેતા.

મહારાજે સર્વાવસરમાં આવતાંવેંત સિપાઈને કહ્યું :

'ફોફળવાડીમાં રહેતા ચતુર્ભુજ ચણાવાળાને બોલાવી લાવો !'

સિપાઈઓ દોડ્યા. સૌને થયું : નક્કી, આજે ચણાવાળાનું આવી બન્યું. જરૂર મહારાજની નજરમાં એ બટકબોલો આવી ગયો. આજ ચતુર્ભુજ (હાથે-પગે દોરડાં બાંધીને ચાર ભુજા કરે તે) ચતુર્ભુજ બનશે !

સિદ્ધરાજ અજાણ્યા ગુનેગારોને આ રીતે પકડતા. જે ગુનો શોધતાં અને જે ગુનેગારને પકડતાં અમલદારોને અને સિપાઈઓને દિવસો લાગતા, એ બધાને મહારાજ ચપટી વગાડતાં પકડી પાડતા.

થોડીવારમાં ચણાવાળો હાજર થયો. એણે સિંહાસન પર બિરાજેલા મહારાજ સિદ્ધરાજ સામે જોયું ને એના મોતિયા મરી ગયા :

અરે, પેલો પરદેશી સિંહરાજ બીજો કોઈ નહિ, પણ ગુજરાતના ધણી મહારાજ સિદ્ધરાજ પોતે ! અરે, મેં ક્વો અવિનય કર્યો ! સિદ્ધરાજને ઉંદરરાજ કહ્યો ! મહારાજાએ કહ્યું, 'ચતુર્ભુજ ! તારાં પાનનો સ્વાદ તો માણ્યો, પણ ચણાની મજા માણી નથી. દેશદેશના રાજા-મહારાજા મંગાવીને ખાય અને ઘરઆંગણાના મહારાજા વા ખાય, કાં ? અલ્યા, આ તો ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને ઉપાધીઆને આટો ! આવું તે હોય ?

'માલિક ! અમારો ધંધો જીભનો : અમારા માલ કરતાં અમારી જીભમાં વધુ સ્વાદ. મંગાવનાર રાણીમાં મારી કાણી વહુ, ને હુકમ આપનાર રાજામાં મારાં છોકરાં ! બીજું કોણ ? ચણામાં તે શું ખાવાનું ?' ચતુર્ભુજ વિનયથી બોલ્યો.

મહારાજ હસીને બોલ્યા : 'ચતુર્ભુજ, એમ છટકી જઈશ, એ નહિ ચાલે. તારે દંડમાં ચણા આપવા પડશે.'

'દંડને યોગ્ય કંઈ ગુનો, મહારાજ ?

'ચતુર્ભુજ ! તેં મારા ખભા પર ટેકો લઈને નાટક જોતાં-જોતાં મારો ખભો દુખાડી નાખ્યો છે. એનો દંડ ખરો કે નહિ ?' મહારાજે હસતાં-હસતાં કહ્યું.

ચણાવાળો બોલ્યો : 'સ્વામી ! આપ તો આખી પૃથ્વીનો ભાર ઊંચકો છો ને ખભો દુ:ખતો નથી, તો તણખલા જેવા મારા વજનથી ખભો કેમ દુ:ખે ? મહારાજ, મોભને વળી વળગે, વળીને મોભ ન વળગે.'

મહારાજ ચણાવાળાના આ જવાબથી ખુશ થયા. એમણે રાજસભાને રાતવાળી વાત કહી, ને બધા પેટ પકડીને હસ્યા.

મહારાજે કહ્યું : 'મેં ચણાવાળાનાં પાન ખાધાં છે. રાજા ધારીને મને આપ્યાં હોત તો ઇનામ ન આપત. પણ એક પરદેશી ધારી આતિથ્યભાવનાથી આપ્યાં, માટે એની કદર કરું છું. સો સોનામહોર એને ઇનામમાં આપો ! પણ શરત એ કે તાકીદે એ અંત:પુરમાં ચણા મોકલે.'

આખી સભા સિદ્ધરાજની ઉદારતા જોઈ રાજી રાજી થઈ ગઈ !

'સાચેસાચાં રાજા-રાણી મારા ચણાને આજે ખાશે. ચણા ધન્ય થશે, ચણાને જન્માવનાર ભૂમિ ધન્ય થશે, ને ચણાને કેળવનાર પણ ધન્ય થશે ! જય મહારાજ ગુર્જરેશ્વરની ! દિલ દેજો તો આવું દેજો !'

ચણાવાળો આટલું બોલીને ગુર્જરપતિના ચરણમાં પડી ગયો. એ સો સોનામહોરોથી વિશેષ ધંધો કરીને શ્રીમંત થઈ ગયો. ટૂંક સમયમાં એની ડેલીએ દસ લાખના દસ દીવા બળવા લાગ્યા.