← કડવું ૭ સુદામા ચરિત
કડવું ૮
પ્રેમાનંદ
કડવું ૯ →
રાગ નટ

કડવું ૮ – રાગ નટ

ભક્તાધીન દીનને પૂજે દાસ પોતાનો જાણી;
સુખસેજ્યાએ ઋષિને બેસાડી ચમર કરે ચક્રપાણિ.
નેત્ર-સમસ્યા કીધી નાથે, આવી અષ્ટ પટરાણી;
નેણે હસે સત્યભામા નારી આઘો પાલવ તાણી.

કનકની થાળી હેઠી માંડી, રુક્મિણી નાખે પાણી;
સુદામાનાં ચરણ પખાળે હાથે સારંગપાણિ.
નાભિકમળથી બ્રહ્મા પ્રગટ્યા, આ જગત પલકમાં કીધું;
જેણે સંસાર મુખમાં દેખાડ્યો, માતાનું મન લીધું.
વિશ્વામિત્ર સરખા તાપસને દોહેલે દર્શન દીધું;
તેણે સુદામાનાં પગ પખાળી પ્રીતે ચરણોદક પીધું.
ઓઢવાની જે પીત પિછોડિ, તેણે લોહ્યા ઋષિનાં ચરણ;
ષોડશ પ્રકારે પૂજા કીધી પ્રીતે અશરણશરણ.
કર જોડી પ્રદક્ષિણા કીધી, હરિને હરખે આંસુ થાય;
ઊભા રહી વીંજણો કર ગ્રહીને વિઠ્ઠલ ઢોલે વાય.
થાળ ભરીને ભોજન લાવ્યાં ઘૃત-પાક-પકવાન;
શર્કરાયુક્ત ઋષિને ત્યાં કરાવિયાં પયપાન.
સૂધાં આચમન કરીને ઊઠ્યા, પ્રીતે ખવડાવ્યાં પાન;
વિધોગતે પરસાદ પ્રમાને આરોગ્યા ભગવાન.
જે સુખ સુદામાને આપ્યું, હરિ બ્રહ્માને નવ આપે;
ફરી ફરી મુખ જુએ મુનિનું, હરખ મુકુંદને વ્યાપે.
સુદામાને ચિંતા મોટી; રખે દેખે' ને કાય કાંઓએ;
પેલી ગાંઠડી તાંદુલ તણી તે જંઘા તળે ચાંપે.

વલણ

ચરણ તળે ચાંપી રહ્યા જે ગાંઠડી તાંદુલ તણી;
પ્રેમાનંદ-પ્રભુ પરમેશ્વરને જાણવાની ગત છે ઘણી.

અન્ય સંસ્કરણ

ફેરફાર કરો