સૂપડું સવા લાખનું
અજ્ઞાત સર્જક



સૂપડું સવા લાખનું

સૂપડું સવા લાખનું, ઝાટકો રે ઝાટકો
દાણા એટલા દાણા, પાણા એટલા પાણા
દાણા દાણા મૈયરિયાના
પાણા પાણા સાસરિયાના
સૂપડું સવા લાખનું, ઝાટકો રે ઝાટકો

બોલો નવતર વહુ તમને સસરા ગમે કેવા ?
ઝૂલે બેસી ઝૂલે એવા
એને કાંઈ ન લેવા દેવા
મને સસરા ગમે એવા
સૂપડું સવા લાખનું, ઝાટકો રે ઝાટકો

બોલો નવતર વહુ તમારાં સાસુ છે કેવા ?
તીખાં તમતમતાં જાણે
લાલ-લીલા મરચાં જેવા
મારા સાસુજી છે એવા
સૂપડું સવા લાખનું, ઝાટકો રે ઝાટકો

બોલો નવતર વહુ તમને નણદી ગમે કેવા ?
ફરતાં ફરતાં ફેરફુદરડી

જાય હવામાં ઉડતા જેવા
મને નણદી ગમે એવા
સૂપડું સવા લાખનું, ઝાટકો રે ઝાટકો

બોલો નવતર વહુ તમારા પરણ્યાં છે કેવા ?
ભોળા ભોળા ભટ્ટ ને
બેઠાં હોય ગણપતિ જેવા
મારા પરણ્યાં છે એવા

સૂપડું સવા લાખનું, ઝાટકો રે ઝાટકો
દાણા એટલા દાણા, પાણા એટલા પાણા
દાણા દાણા મૈયરિયાના
પાણા પાણા સાસરિયાના
સૂપડું સવા લાખનું, ઝાટકો રે ઝાટકો