સોનલ ગરાસણી
અજ્ઞાત સર્જક
લોકગીત



સોનલ ગરાસણી

સોનલ રમતી રે ગઢડાને ગોખે જો,
ગઢડાને ગોખે જો,
રમતાં ઝીલાણી સોનલ ગરાસણી.

આડો આવ્યો રે, સોનલ ! દાદાનો દેશ જો,
દાદાનો દેશ જો,
સોનલે જાણ્યું જે દાદા છોડવશે.
દાદે દીધાં રે સોનલ ! ધોળુડાં ધણ જો,
ધોળુડાં ધણ જો,
તો યે ન છૂટી સોનલ ગરાસણી.

આડો આવ્યો રે, સોનલ ! કાકાનો દેશ જો,
કાકાનો દેશ જો,
સોનલે જાણ્યું જે કાકો છોડવશે.
કાકે દીધાં રે સોનલ ! કાળુડાં ખાડુ જો,
કાળુડાં ખાડુ જો,
તો યે ન છૂટી સોનલ ગરાસણી.

આડો આવ્યો રે, સોનલ ! વીરાનો દેશ જો,
વીરાનો દેશ જો,

સોનલે જાણ્યું જે વીરો છોડવશે.
વીરે દીધાં રે સોનલ ! ધમળાં વછેરાં જો,
ધમળાં વછેરાં જો,
તો યે ન છૂટી સોનલ ગરાસણી.

આડો આવ્યો રે, સોનલ ! મામાનો દેશ જો,
મામાનો દેશ જો,
સોનલે જાણ્યું જે મામો છોડવશે.
મામે દીધાં રે સોનલ ! વેલ્યું ને માફા જો,
વેલ્યું ને માફા જો,
તો યે ન છૂટી સોનલ ગરાસણી.

આડો આવ્યો રે, સોનલ ! સ્વામીનો દેશ જો,
સ્વામીનો દેશ જો,
સોનલે જાણ્યું જે સ્વામી છોડવશે.
સ્વામીએ દીધી એના માથા કેરી મોળ્યું જો,
માથા કેરા મોળ્યું જો,
ધબકે છૂટી રે સોનલ ગરાસણી.