સોરઠને તીરે તીરે/૪. કુકડૂ...કૂ
← ચેલૈયાની જન્મભોમ | સોરઠને તીરે તીરે કુકડૂ...કૂ ઝવેરચંદ મેઘાણી |
દરિયાનાં દેવદેવીઓ → |
3
કૂકડુ...કૂ
"આ સામે દેખાય તે સીદીકોઠો, ભાઈ, જ્યાં બેટના રાજાએ અસલમાં સાડા સાતસો રાજાઓને કેદ પકડીને રોજ સવારે 'કૂકડૂ કૂ...' બોલાવ્યું'તું." ઘૂઘા પગી બોલ્યા.
શાબાશ, દોસ્ત બેટના રાજા! તારી કથા મેં સાંભળી છે. કોઈ તને વીરમદેવ પરમાર કહે છે, કોઈ અનંત ચાવડો કહે છે. મારા અનુમાન મુજબ તું અનંત ચાવડો જ હોવો જોઈએ. ગુજરાત જેના નામનો ગર્વ કરે છે તે વનરાજ ચાવડાના વંશજોએ છેક ઓખામંડળથી માંડી, પ્રભાસ અને તે પછીના ઘણાખરા સોરઠી સમુદ્રતટ ઉપર પોતાની આણ ફરકાવી હતી. અને 'ચાવડા' શબ્દનો અસલ શબ્દ 'ચૌરા' અર્થાત્ 'ચોર' નીકળે છે તે અનુસાર ઠેર ઠેર સોરઠી કિનારા પર ચાંચિયાગીરી વર્તાવી હતી. તેઓ ફક્ત ચાંચિયાગીરી જ નહોતા કરતા : જ્યાં જ્યાં કિનારો હાથ કરીને રહ્યા ત્યાં ત્યાં તેઓએ મજબૂત કિલ્લેબંદી કરી કાઢી હતી. સોમનાથ સરીખાં દેવાલયો બાંધ્યાં હતાં, ને ગજની જેવા વિદેશીઓને કિનારે ઉતારવા આવતા રૂંધ્યા હતાં. પોરબંદર અને દ્વારકા વચ્ચેનું અત્યારનું મિયાંણી ગામ એટલે અસલ પ્રભાત ચાવડાના માતબર બંદર મિયાંણીસર પટ્ટણનું જીવતું ખંડેર : જ્યાં આજ પણ ઊંચા ઊંચા શિવબાણવાળાં પ્રાચીન મંદિરો ઊંભા છે. તેની સામે જ ખાડીને કાંઠે કોયલો ડુંગર કે જ્યાં દેવી હર્ષદીનું થાનક છે : એમ સોમનાથ પાસે કનકસેન ચાવડાની કનકાવતીનાં ખંડેર છે. એ જ મિસાલનું હું તો આ શિયાળબેટના અસલ નગરને માનું છું. કેમકે એ જ જાતના અવશેષો આંહીં પડેલા છે. તું દોસ્ત અનંત ચાવડો જ હઇશ. તારાં જહાજો આ સમુદ્રની ચોકી કરતાં હશે, ને ચાંચ, પટવા, ત્રવડા, વગેરે કંઠાળી ગામોના કોળી જાતિના પોતાના ચોર-સૈન્યને દરિયામાં પસારી તું લૂંટોય ચલાવતો હોઈશ. તારો કાળ મને નવમા સૈકાનો લાગે છે. તારી સર્વોપરી મોજ, બસ, સોરઠી રાજપતિઓને પ્રથમ મિજબાની જમવા સારુ તારાં વહાણોમાં નોતરીને પછી વહાણને આ 'બેટ' ઉપર વહેતું મૂકવાની હતી! પક્ષીઓમાં પણ તારા જેવી જ પ્રકૃતિનું એક મોજીલું પક્ષી છે. એનું નામ કાળો કોશિયો. હોય છે તો એક મોટી ચકલી જેવડો, પણ એની સર્વોપરી ધૂન બસ એ જ છે, કે મરતાં પહેલાં એક વાર એકેએક જાતનાં પંખીનું અક્કેક પીંછડું તો ખેંચવું, અને એ તમામ પીછાં વડે પોતાનો માળો શણગારવો! આવો મસ્તાન કાળો કોશિયો જ્યારે પોતાની ખંડણીની વસૂલાત સારુ જબ્બર સમળીની પાછળ દોટ દેતો હોય છે, ને સમળી એનાથી ત્રાસ પામીને નાસતી હોય છે, ત્યારે દૃશ્ય જોવા જેવું બને છે. તારું પણ એવું જ હતું, દોસ્ત, અનંત ચાવડા!
ને પછી? આ સીદીકોઠો નામે ઓળખાતા ખડક ઉપર શું તું એ તમામ મૂછાળાઓને કઠ-પાંજરામાં પૂરી પ્રભાતે પ્રભાતે 'કૂકડૂ...કૂ!' બોલાવતો! દરેક રાજા શું એટલો બધો નમાલો, કે મોતની બીકે માથું નમાવીને કૂકડાની માફક તારી સન્મુખ 'કૂકડૂ...કૂ' કરતો! એ બધા - લોકવાયકા મુજબ સાડા સાતસો, અથવા તો પછી ભલેને કેપ્ટન બેલ નોંધે છે તે રીતે માત્ર છત્રીસ, પણ એ બધા જ - શું આ પાંજરાના કેદી-જીવનને એટલું બધું મીઠું ગણતા કે રોજ પ્રભાતનું આટલું અપમાન પી જઇને પણ દેહ રાખવાનું પસંદ કરતાં? એ શું આટલી પ્રાચીન પરંપરા છે? નવીન કશું જ નહિ કે?
અને સહુથી પામર નીકળ્યો વામનસ્થલીનો રા' ક્વાટ : ગરવાનો ધણી મહીપાલદેવ : નવઘન સરખા વીરનો દાદો : જેના બાપ ગ્રહરિપુએ ઉપરકોટ જેવો કિલ્લો ઊભો કર્યો. એ બાપડો રા' ક્વાટ પ્રભાસને દરિયે આ ચૌરરાજ અનંત ચાવડાનું આતિથ્ય ચાખવા ગયો ને સપડાઈ જઈ પેલા સાડા સાતસો ભેળો 'કૂકડૂ...કૂ' પોકારતો થયો. અને એ 'કૂકડૂ...કૂ!' કંઈ જેવુંતેવું? એ તો રીતસરનો મુજરો કરવાનું 'કૂકડૂ...કૂ!'
કર મજરો ક્વાટ! (તુંને) આખે રાજા અનંત,
(તો તો) પાછો મેલું પાટ, (તુંને) પરણાવી ગરનારપત !
- એ આ કથાનો દુહો છે; રાજા અનંત ચાવડો રોજ પ્રભાતે રા' કવાટ કહેતો કે, 'જો તું મારી સામે ગરદન ઝૂકાવી, કૂકડાની પેઠે પ્રભાતની નેકી પોકારી મને સલામ ભરીશ, તો હું તને કોઈક દિવસ પરણાવીને પછી પાછો રાજગાદી પર બેસારીશ, બચ્ચાજી!' બાકી એ કવાટનાં - એ મહીપાલદેવ યદુવંશીની વીરતાનાં - તો શાં શાં વખાણ કરીએ? પાંજરે જીભ કરડીને મરી ન જઈ શક્યો એટલે, તળાજાના રાજા ઊગા વાળાને એણે છાનો સંદેશો પહોંચાડ્યો કે -
તું કહેતો તે પાડ્ય, તાળી જે તળાજાધણી!
વાળા હવે વગાડ્ય, એકે હાથે ઊગલા!
'હે ભાણેજ ઊગા વાળા! (અથવા કોઈ કહે છે કે કવાટ ભાણેજ ને ઊગો મામો) મેં તારી સાથે બહુ વેર બાંધ્યું છે. તે કહ્યું હતું કે સાચી વીરતા હોય તો એક હાથનીય તાળી પડી શકે. મેં આજ સુધી તારા શૌર્યનો તેજદ્વેષ કરેલ છે. પણ હવે તું આવ, ને બતાવ કે એક હાથે તાળી કેમ પડે છે!'
ઊગો બિચારો મામાની અવદશાની દયા આણીને શિયાળબેટ પર પડ્યો. એની કનેય તળાજા, સરતાનપર, ઝાંઝમેર વગેરે સમુદ્રતીરની ખારવા-ફોજ હોવી જ જોઈએ. નહિ તો અનંત ચાવડા જેવા સમર્થ સાગરરાજના નૌકાસૈન્યને શિક્સ્ત આપી. બેટ ફરતો ઊભેલો એ બલિષ્ટ દુર્ગ ભેદી એ અંદર કેમ જઈ શકે?
પણ હું તો આપણા 'કૂકડૂ...કૂ' કવાટ ભાઈની વીરતા બતાવવા માંગુ છું. અનંત ચાવડાને રોળી નાખીને ઊગો દોડતો આવ્યો એ પાંજર ઉપર. ગિરનારપતિ મામાની આ અપમાનિત દશા દેખીને એની સબૂરી ખૂટી ગઈ. પાંજરાનું બારણું ખોલવાની ચાવી હાથ કરવા જેટલો વિલંબ પણ એનાથી ન સહેવાયો. એણે ઠેક મારીને પગની પાટુ લગાવી એ કેદખાનાના કમાડ ઉપર. કમાડ ઊઘડી પડ્યું.
પણ એ પાટુ બંદીવાન મામા કવાટને સહેજ અડકી ગઈ અથવા અડકી ન હોય તો પણ એની બાજુએ આમ કોઈના પગની લાત ઊછળે એ કંઈ જેવું તેવું અપમાન છે ક્ષત્રિય વીરનું!
અહહહ! બારણું ઊઘડતાં જ મામા કવાટનું ક્ષત્રીતેજ સળગી ઊઠ્યું : "હેં...એં!!! તેં ઊગલે ઊઠીને મને પાટુ મારી! મારું ગૌરવભંજન કર્યું! ઊગા! ઊફ! ઊગલા! આનો બદલો હું લઈશ! જોઈ લેજે!"
ઊગો વાળો મામાને સમજાવે છે : પોતાની અધીરાઈનો દોષ - ઈરાદાનો નહિ - કબૂલ કરે છે . પણ યદુવંશી મામા મહીપાલદેવ પોતાના તુચ્છ ભાણેજ ઊગલાની આ ધૃષ્ટતા શે સહી શકે? (એ તો અનંત ચાવડાનું 'કૂકડૂ...કૂ' જ સહન કરે!)
એક વાર પાંજરે પડ્યો પડ્યો ઊગાને આવી કાકલૂદીઓના સંદેશા મોકલનાર -
સો રાજા બંધે પડ્યા, કઠ-પાંજરે કવાટ;
વાળા જોઉં વાટ, એક તાહરી ઊગલા!
છાતી ઉપર શેરડો, માથા ઉપર વાટ;
જાણજે વાળા ઊગલા! કઠ-પાંજરે કવાટ.
તું કહેતો તે આવ, તાળી જે તળાજધણી!
વાળા હવે વગાડ્ય, એકલ હાથે ઊગલા!
આવા આજીજીના સૂર કાઢનાર ગરનારપત હવે પાંજરું ઊઘડ્યે માટી થયા. વામનસ્થલી જઈને, જરા સાજાતાજા બની, પછી મોટી ફોજ લઈ એ ક્ષત્રી વીર પોતાના ઉગારનાર યુવાન ઊગા વાળા ઉપર ચડ્યા, અને બાબરિયાવાડના ચિત્રાસર ગામની પાસે કુરુક્ષેત્રના રક્ત રેલાવીને ભાણેજનો વધ કર્યો.