સોરઠી બહારવટીયા - ભાગ પહેલો
સોરઠી બહારવટીયા - ભાગ પહેલો ઝવેરચંદ મેઘાણી |
ભીમો જત → |
: : ભાગ પહેલો : :
'સૈારાષ્ટ્ર'નાં પ્રકાશનો'
કુરબાનીની કથાઓ
એશીઆનું કલંક
ડોશીમાની વાતો
રાણા પ્રતાપસિંહ
સૌરાષ્ટ્રની રસધાર (૧ થી ૫)
૨ાજ મુગટ
રાજારાણી
બે બાલ નાટકો
બુઝાતા દીપક ( ૧–૨ )
કાંતનાં નાટકો
૨ઢીઆળી રાત ( ૧-૨-૩ )
ઝંડાધારી
દાદાજીની વાતો
શાહજહાં
કંકાવટી
સત્યવીર શ્રદ્ધાનંદ
રાષ્ટ્રવીર શિવરાજ
સોરઠી બહારવટીયા (૧-૨)
હંગેરીનો તારણહાર
ચુંદડી
અમર મહાજનો
સોરઠી સંતો
રાણપુર
'બહારવટીયા'નાં વૃત્તાંતો પર તરેહ તરેહના તર્કો થઇ રહેલા છે. મને પૂછવામાં આવે છે કે શું લોકોને બહારવટે ચડાવવા છે ? પુસ્તકની સચોટ અસર વિષે પણ ભાતભાતનાં કારણો કલ્પાય છે: કોઈ કહે છે કે એના વાચન દ્વારા કતલ અને બદલો લેવાની બાલવાસનાઓ તૃપ્ત થાય છે, તેથી જ યુવકો એના પર આફ્રિન છે ! કોઈ કહે છે કે એમાં અંગ્રેજ અધિકારીઓની દુર્દશાનાં જે ચિત્રો આવે છે તે નિહાળવામાં પ્રજાનો અંગ્રેજી રાજ પ્રતિનો સ્વાભાવિક અણગમો સંતોષાય છે તે માટે પ્રજા પ્રેમથી વાંચે છે ! વગેરે વગેરે. આવી કોઈ કલ્પનાના ઘોડા છૂટા ન મૂકવા સહુને મારી વિનતિ છે. કેમકે હજુ તો અઢી ત્રણ ગણો ઇતિહાસ બાકી છે. અને મારો સવિસ્તર પ્રવેશક હજુ પાછળ છે. મારો હેતુ રાજદ્વારી નથી, ઐતિહાસિક છે. હું તો, રાજસત્તા જેને કેવળ “હરામખોરો ” શબ્દથી પતાવે છે અને બીજી બાજુથી અમુક વર્ગ જેને દેવતુલ્ય બતાવે છે, તે કાઠીઆવાડી બહારવટીયા વિષેનો વિવેક- પૂર્વકનો વિચાર કરવાની સામગ્રી પૂરી પાડી રહ્યો છું. હું તો બહારવટીયાની વીરતા સામે અંગ્રેજોની જવાંમર્દી પણ આલેખી રહ્યો છું.
પરંતુ, કીનકેઇડ સાહેબ જેવા અનુભવી અને ઇતિહાસ-રસિક સીવીલીયને પણ પોતાના અમલદારી દૃષ્ટિબિન્દુને વશ બની જઈ 'Outlaws of Kathiawar' નામના પુસ્તકમાં કાઠીઆવાડી બહારવટીયાનું જે હાસ્ય- જનક, ઉપરછલું અને પામર ચિત્ર અાંક્યું છે, તે તથા તેનાં જેવાં અન્ય એકપક્ષી ચિત્રોની પ્રામાણિકતા જૂઠી પાડવાની પણ હું જરૂર સમજું છું. વળી મારો આશય તો માત્ર બહારવટીયાનો જ નહિ, પણ એ પ્રત્યેકની આસપાસ છવાયેલા લોક-જીવનનો ઇતિહાસ પણ અજવાળે આણવાનો છે. વિશેષ તો મારો ભવિષ્યનો પ્રવેશક બોલશે. અને હજુ તો જોગીદાસ, જેસો વેજો, રામ વાળો, જોધો માણેક વગેરે જોગી જેવા બહારવટીયા બાકી છે.
પ્રથમાવૃત્તિમાં અધુરી રહી ગયેલી એક ફરજ બજાવી લઉં: આ વાતોના સંશોધનમાં ભીમા જતના કુટુંબી ભાઈશ્રી રાણા અાલા મલેકે મને સારી મદદ કરી છે. એ બહાદૂર ભાઈએ કાઠીઆવાડ એજન્સી પોલિસમાં બહારવટીયાનો પીછો લેનાર બાહોશ અધિકારી તરિકેની ઉંચી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. અત્યારે એ ભાઈ જામનગર રાજ્યમાં ફોજદાર છે. જૂના કાળની મર્દાનગીનો, પડછંદ દેખાવડી શારીરિક સંપત્તિનો, અને નેકીનો એ જોવા જેવો નમૂનો છે. એનો હુ આભારી છું. બીજા મદદગાર તે અકાળા ગામના રહેવાશી ભાઈશ્રી વાલજી ઠક્કર છે. એમની ઝીણી દૃષ્ટિ, અને ધીરી ઠાવકી વાણીમાં વિવેકભર્યું આબાદ વર્ણન કરવાની એની શૈલી મને ઘણી ગમી છે. તે ઉપરાંત ભાઈશ્રી ગગુભાઈની હેતભરી અને કીંમતી સહાય તો અવારનવાર મળતી જ રહે છે.
સૌરાષ્ટ્ર સાહિત્ય-મંદિર રાણપુર : તા. ૨૪ : ૧ : ૨૮ |
પાંચ જ બહારવટીયાનાં આ વૃત્તાંતો છે. પાછળ એવા, ને એથી ચડિયાતા બીન ૫ંદર ચાલ્યા આવે છે. પાઠકો આટલી વિગતોને સારી પેઠે પચાવી લ્યે; ત્યાં સમગ્ર બહારવટા-યુગની મીમાંસા કરતો એક પ્રવેશક પણ રજુ થઈ જશે.
'રસધાર'માં જોગીદાસ ખુમાણ, સંઘજી કાવેઠીયો, અભો સોરઠીયો, હીપો ખુમાણ, વરજાંગ ધાધલ વગેરે: અને રા. રા. રાયચૂરા તરફથી ભીમો જત, ગીગલો મહીયો વગેરે: એમ છૂટક છૂટક બહારવટીયા આલેખાતા આવે છે. પરંતુ આમાં તો સાંગોપાંગ સંગ્રહની દૃષ્ટિ છે. તમામ બહારવટીયાની-અને એ પણ તેઓની કાળી-ઉજળી બન્ને બાજુની, મળી શકે તેટલા તમામ ઘટના-પ્રસંગોની, માત્ર પ્રશસ્તિની જ નહિ પણ સાથોસાથ નિદ્ય ચરિત્રદોષોની પણ રજૂઆત કરવાનો આશય છે. માટે જ 'રસધાર'ની રંગખીલાવટ 'બહારવટીયા'માં મર્યાદિત દેખાશે.
ભવિષ્યના કોઇ ઇતિહાસકારને માટે આ એક માર્ગદશન રચાય છે. રાજસત્તાઓનાં દફતરોમાં ફક્ત એકપક્ષી-ને તે પણ નજીવો જ ઇતિહાસ છે. લોકકંઠની પરંપરાના બહુરંગી ને છલોછલ ઇતિહાસ છે, પ્રજા માર ખાતી, લૂટાતી, પીડાતી, છતાં લૂંટનારાઓની જવાંમર્દી ન વિસરતી. એ હત્યારાઓની નેકી પર આફ્રિન હતી. બહારવટીયાની કતલ એને મન સ્વાભાવિક હતી, પણ આ કતલના હાર્દમાં રહેલી વિલક્ષણ ધર્મનીતિ એની દૃષ્ટિમાં જાદુ આંજતી. માટે પ્રજાએ એ મહત્તાની ચિરંજીવી મુખનોંધ રાખી લીધી.
ને છતાં, એ કંઠસ્થ હકીકતની ઐતિહાસિકતાને પણ મર્યાદા છે ખરીઃ એ લોકમુખની કથાઓ જુદી પણ પડે છે. દૃષ્ટાંત દાખલ, ભીમા જતની માશૂક નન્નુડીનું અસ્તિત્વ ભા. શ્રી. રાયચુરાનું કલ્પિત નથી, પણ વિશ્વાસપાત્ર લોકોક્ત છે, તેમ તે પાત્રને મને મળેલો ઈન્કાર પણ વિશ્વાસપાત્ર લોકોકત જ છે. એવું બીજા ઘણાનું સમજવું. ઉપરાંત વીરપૂજક પ્રજાએ અનિષ્ટ વાતોને ઓછી સંઘરી હશે એમ પણ દિસે છે. સત્યાસત્ય નક્કી કરવા આજે સાધન પણ નથી રહ્યું, એટલી એની ઐતિહાસિકતા એાછી. પણ આ બધું પ્રગટ કરવાથી અસત્ય હશે તે આપોઆપ લોકો જ આંગળી ચીંધાડીને બતાવી દેશે. ઇતિહાસની છણાવટ થશે.
ભલે ઐતિહાસિકતા એાછી રહી; લોકોની કલ્પના કદાચ હોય; તો પણ એ બતાવે છે કે લોકોની કલ્પના કેવા આદર્શોને વંદન કરતી હતી. લોકો પવિત્રતાના પૂજક હતા. એ લોક-આદર્શ લગભગ તમામ બહારવટીયાની વાર્તામાં સ્પષ્ટ ભાખે છે કે જ્યારે જ્યારે બહારવટીયો નેકીને માર્ગેથી લ૫ટ્યો છે ત્યારે ત્યારે જ એનો નાશ હાજર થયો છે. દેવતાઓની ગેબી સહાયની માન્યતા પણ એ જ કથા કહે છે.
આટલું સ્મરણમાં રાખીએઃ કે બહારવટાનો ખરો યુગ અઢારમી સદીના અસ્ત સમયથી આરંભાયો, આખી ઓગણીસમી સદી ઉપર પથરાઇ રહ્યો, ને વીસમી સદીની પહેલી વીસીમાં જ ખલ્લાસ થઇ ગયો. એનો છેલ્લો પ્રતિનિધિ રામ વાળો હતો. તે પછી રહી છે ફક્ત ચોરી ને લૂંટફાટ. કોઈ એને બહારવટું ન કહેજો. એ નર્યા ચોરડાકુઓને આ સંગ્રહમાં સ્થાન નથી, બહારવટાં નીતિનો છેલ્લો ને ઓલવાતા દીવાની ઉજ્જવલ જ્યોત સરખો નેકીદાર પુરોહિત રામ વાળો જ આ સંગ્રહનો સીમા-સ્થંભ બનશે.
ભા. શ્રી. રાવળે આલેખેલાં આ પુસ્તકનાં શોભા-ચિત્રો કોઈ બહારવટીયાની તસ્વીરો નથી, પણ પ્રત્યેકના ચરિત્રમાંથી ઉઠતા પ્રધાન ધ્વનિનાં દ્યોતક કલ્પના-ચિત્ર જ છે. છેલ્લાં બે ચિત્ર બદલ 'બાલમિત્ર'ના તંત્રીજીનો ઋણી છું.
સૌરાષ્ટ્ર સાહિત્ય મંદિર તા. ૧૮ : ૧૧ : '૨૭ |
નામ | પૃષ્ટ | ||
૧. | ભીમો જત | ૧ - ૨૨ | |
૨. | બાવા વાળો | ૨૩ - ૫૬ | |
૩. | ચાંપરાજ વાળો | ૫૭ - ૭૭ | |
૪. | નાથો મોઢવાડીયો | ૭૮ - ૧૦૮ | |
૫. | વાલો નામોરી | ૧૦૮ - ૧૪૨ |
નાથાણીનો નર છે વંકો
ભીમા તારો દેશમાં ડંકો રે !
ભાદરને કાંઠે ભીમડો જાગ્યો, જતડાની લાગી ખાંત.
રાત પડ્યે ભીમા રીડીયા રે, ગામોગામ ગોકીરા થાય
એાળક ગામમાં ઉતારો કીધો, બરડે બજારૂં થાય
ઉપલેટા ગામના બામણ જમાડ્યા, ગોંડળ થર ! થર ! થાય
તરવારુંના તારે તોરણ બંધાણાં, ને ભાલે પોંખાણો ભીમ
ઢોલ ત્રાંબાળુ ધ્રુશકે વાગે, વારૂં ચડી છે હજાર
ઓચીંતી સંધીડે ગોળી મારી, ને ભાગ્યાની ઝાઝી ખોટ
*[૧]લાલબાઈ તુંને ધ્રૂશકે રોવે, *ફુલબાઈ જોવે વાટ
- ↑ *બન્ને ભીમાની દીકરીઓ હતી.
આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. |