સોરઠ, તારાં વહેતાં પાણી/લીલાભૂમિ અને પાત્રસૃષ્ટિ
← કાઠિયાવાડનો ક્રાંતિકાળ | સોરઠ, તારાં વહેતાં પાણી લીલાભૂમિ અને પાત્રસૃષ્ટિ ઝવેરચંદ મેઘાણી |
ઝવેરચંદ મેઘાણી: જીવનપ્રવાહ → |
2
લીલાભૂમિ અને પાત્રસૃષ્ટિ
જ્યારે જ્યારે રાજકોટ જાઉં છું ત્યારે હજુ યે મને વધુમાં વધુ મન એ જગ્યાઓ જોવાનું થાય છે કે જેની સાથે મારું શૈશવ સંકળાયું છે. શહેનશાહ સાતમા એડવર્ડની તખ્તનશીની વખતે જ્યુબિલીમાં દીપમાળા પ્રગટેલી. તેના કાચના ગ્લાસ રાત્રીએ ચોરીને ઉપાડી ગયાનો આનંદ પુનર્જીવિત બને છે, અને પુણ્યશ્લોક લાખાજીરાજ કુંવરપદે હતા તે વખતના તેમના પાતળિયા દેહની જીમખાનાના મેદાન પર ક્રિકેટ-રમત તેમ જ તેમના કાનમાંથી ચમકતી હીરાની ચૂની ચોક્કસ જોયેલી મને યાદ આવે છે.
બાલ્યાવસ્થાના દિનો પછી તો રાજકોટ મેં ઘણાં વર્ષે જોયું હશે. આજે ક્વચિત્ જ જોઉં છું. પણ એનું વશીકરણ વધતું જ ચાલ્યું છે. એ વશીકરણે મારી સર્જનસૃષ્ટિ પર પણ ઊંડી અસર પાડી છે. ‘સોરઠ, તારાં વહેતાં પાણી’માં એ રાજકોટને મેં મુખ્ય પાત્રોની લીલાભૂમિ તરીકે 1939માં આલેખ્યું છે. આલેખન કરતી વેળા હું એ ચાલીસ વર્ષના રાજકોટમાં કેવળ નાનો શિશુ બની જઈ ફરી વાર ફરતો હતો, એટલું જ નહિ પણ એની માટીને પણ જાણે કે સૂંઘતો હતો. એ વાતમાં રાજકોટ જ છવાઈ ગયું છે.
મારી કલ્પનાનું લાડીલું રાજકોટ ‘સોરઠ, તારાં વહેતાં પાણી’માં મેં પેટ ભરીને ઝબકોળી નાખ્યું છે. સૈકા જૂનું ન્યાય મંદિર ‘વહેતાં પાણી’માં મેં એક ચાલતી અદાલત તરીકે ચીતર્યું હતું. બહારવટે ચડેલી સોરઠી સુંદરી સિપારણ મામીનો મુકદ્દમો ચલાવતા ગોરા ન્યાયમૂર્તિને તેમાં આલેખેલાં છે. [1942માં એ અદાલતમાં હાજર થવાનું બન્યું ત્યારે] મોટી ફંદાળા ફોજદારોનું, વકીલોનું, ગામડાંના ગરીબ સાહેદોનું, વગેરેનું એ ચિત્ર અદાલતના ચોગાનમાં આવતાં જતસેતલ જીવતું થયું ને મારું મન એ સપારણના છેક જ કલ્પિત પાત્રની શોધમાં પિનાકી બનીને દોડવા લાગ્યું.
આ કૉનૉટ હૉલ:
નાનપણમાં કુટુંબીજનોના મેળા સાથે હું અહીં આવતો, રાજાઓની આ મોટી મોટી તસવીરો સામે તેમ જ તેમની વચ્ચે ઉપર અને નીચે ગોઠવેલાં શસ્ત્રયુદ્ધો સામે હું તાકીતાકીને જી રહેતો . આ દાઢીવાળા ને મૂછાળા સમશેરધારી રાજવીઓની કદાવર ચિત્રાકૃતિઓ મારા નાનકડા હૃદયને ડારીડરાવી, પોતાના મૂંગાભાવે સ્તબ્ધ કરી દેતી.
અહીં તો દબદબાભર્યા રાજવીદરબારો ભરાતા, મુંબઈનો ગવર્નર અહીં આવતિ ત્યારે હંકશનની સડકે હું પણ બધાં છોકરાં જોડે કોઈ બંગલાની વંડી પર બેઠો બેઠો એ ભીડાભીડમાં રાહ જોતો. ગવર્નરની આગળ આગળ આવતી સોલ્જરોની પલટન મને યાદ આવી ગઈ. અચરજ તો એ હતું કે ગવર્નર સાહેબ હે ઘણા ઘોડાની ગાડીમાં બિરાજતા તે ઘોડાની પીઠ પર પાછો અક્કેક સોલ્જર બેઠેલો હતો. કેટલું મોટું વિસ્મય ! આવું એક મહાવિસ્મય મારી બાલસ્મૃતિતિના ખૂણામાં પડ્યું છે ! અને ત્યાં ચકચકી રહ્યાં છે એ ઘોડેસવાર સોલ્જરોનાં માથાં પરના સફેદ ટોપની ટોચે સોનાનાં પીળાં પીળાં અણીદાર ટોપકાં.
આવી કૈંક સવારીઓ બતાવવા શિક્ષકો નિશાળમાંથી બારોબાર લઈ જતા. અમે તાળીઓ પણ પાડી હશે, ગવર્નરોનાં સ્વાગતના શોભાશણગારો પણ બન્યા હઈશું, પણ મને તો એ બધાની સાથે મીઠામાં મીઠું સ્મરણ થાય છે મીઠાઈના એકાદ પડાનું. એ મીઠાઈના પડાની સ્મૃતિને અપમાન દેવાનો આજે પણ કોઈનો અધિકાર નથી.
ગવર્નરનું આગમન, ગાડી ખેંચતા ઘોડા ઉપર બેઠેલા સોલ્જરોનાં શિરટોપકાં કે મીઠાઈના પડા, એ બધાં કરતાં એક આકર્ષણ મારા અંતરમાં વધુ પ્રબલ બની રહ્યું છે – આ કૉનૉટ હૉલમાં ગવર્નર સાહેબની નિગાહ સામે ભરાતા દબદબાભર્યા રાજવી દરબારોને જોવાનું. પેલી મોટી તસવીરોમાં બેઠેલા અડીખમ ઠાકોરો માયલા ઘણાય તે કાળે હયાત હતા. તેઓ પણ જે દરબારમાં બકરી જેવા બની તાબેદારીની વિધિ ભજવતા હશે તે દરબાર કેવો જોવા જેવો હશે? એ તો ન જોઈ શકાયું, પણ મારું બાળમન એક વાતે બહુ હરખાતું, કે અમુક ઠાકોરસાહેબ ઠરાવેલા સમયથી એક જ મિનિટ મોડા પડતાં એની ચાર કે છ ઘોડાળી ગાડીને અદના એક એજન્સી પોલીસે જ્યુબિલી બાગના દરવાજે રોકી પાડેલી. આ વાત ખરી હો યા ન હો, મારા બાળમાનસમાં એક વાત ન ખેસવી શકાય તેવા સત્યરૂપે જડ ઘાલી ગઈ છે. એજન્સીનો સામાન્ય પોલીસ ચમરબંધી રાજવીઓ પર પણ આટલો કડ૫ દાખવી શકતો એ વાતનું મને સાચું ખોટુંયે ગુમાન રહી ગયું છે. કારણ? શું હું એક એજન્સી પોલીસનો પુત્ર હતો માટે ? એક કેન્દ્રસ્થ સત્તા પોતાના નાના એવા નોકર દ્વારમાં પણ આ શીખળવીખળ રાજવીહકૂમતો પર શાસન કરી શકતી તેવા કોઈ રાજદ્વારી ડહાપણને દાવે ? ન કહી શકું. એ વૃત્તિને કોઈ કારણોની જરૂર નથી. કોને ખબર છે, બહારના માણસોની હાજરીમાં કે ગેરહાજરીમાં, માતાપિતા કે મોટેરાં ભાઈબહેનો પણ નાનાં બાળકોની જે પટકી રોજ ઊઠીને પાડતાં હોય છે તેના જખમની વૈરની લાગણીને બાળક આ રીતે જગતમાં બનતા પારકા તેજોવધના બનાવોથી તૃપ્ત કરતું હશે.
*
એવું ઘણું ઘણું યાદ આવે છે. મરી ગયેલાં ભાઈબહેનો, કૌટુંબિક દુઃખ પામેલા દાદા અને મોટા ભાઈઓ, સોળ શેરની બંદૂકડી ઉપાડી પરેડમાં જતા, દૂર દૂરને નાકે રાત્રે રોનો ફરતા તેમ જ આગો ઓલવવા બળતી ઇમારતો ઉપર ચડતા સિપાહીગીરી કરતા મારા સ્વ. પિતા, તેમના સાથીઓ, દ્વેષીઓ, તેમની સંકડામણો, અને એવી સંકડામણોમાંથી તેમને ઉગારી ઊંચકી લેનાર ગોરા સૂટર સાહેબ યાદ આવે છે.
સૂટર સાહેબ ! કાઠિયાવાડ એજન્સી પોલીસના ચાલીસ વર્ષ પૂર્વેના ઉપરી હજુ જીવે છે? એટલું જ નહિ, પણ પોતાની હાકેમીના અર્ધી સદી જૂના સ્થાનમાં જૂની સ્મૃતિઓ લઈને જાતે મહેમાન બને છે?
સૂટર સાહેબ ! મારી ચાર વર્ષની બાલ્યાવસ્થાનું એ એક પ્રિય સ્મરણ: મારા મન પરથી ભૂંસાયેલી એની છાપ : મારા ઘરમાં ત્રીસ વર્ષથી ટીંગાતી સૂટરની આ તસવીર મારી માતાએ હજુ પણ લટકતી રાખી છે !
મારા પિતા મને સાંભરશે ત્યાં સુધી મને સૂટર નહિ વિસરાય. સૂટર સાહેબની નીચેના એક અદના સિપાહી મારા વણિક પિતા : બીલખા નાજાવાળા કેસમાં સૂટરની સાથે હતા. થાણાગાલોળ ખૂન કેસમાં હતા.
સૂટર સાહેબનું નામ પડે છે ને ભૂતકાળમાંથી સ્મૃતિઓની દોટાદોટ આવે છે : કરડા, ખૂની આંખોવાળા બીલખા દરબાર નાજા વાળા : બે સ્ત્રીઓને ઠાર મારી, ત્રીજી પટારા નીચે લપાઈ ગઈ : નાજા વાળા પર મુકર્દમો : અહમદનગરમાં કાળું પાણી : મોત થતાં મુર્દાને અહીં લાવ્યા : ગંધાઈ ગયેલો દેહ : પેટી ઉઘાડતાં જ બાઈઓ ખસી ગઈ, વગેરે મારા ઘરમાં મંડાતી વાતો.
સૂટર સાહેબ ! નાજા વાળા કેસમાં ફિરોજશા મહેતાએ જેને ‘સોરઠની રાજા’ કહ્યો હતો : કટાક્ષ હશે. છતાં સાચી વાત : એજન્સી પોલીસની સ્થાપના મેકે સાહેબથી થઈ પણ એનો કડ૫. એનો દમામ, એની શિસ્ત, અને ખૂની. કાઠિયાવાડના ચમરબંધીઓને પણ ધૂળ ચાટતા કરવાની એની ખુમારી પાનાર તો સૂટર સાહેબ.
સૂટરની વિદાય : પોલીસની ટી-પાર્ટી એક પછી એક નિરક્ષર પોલીસ પાસે સૂટરે કવિતા ગવરાવી : કોઈએ ગાયું ‘છજાં જાળિયાં’ને કોઈએ ગાયું ‘ભેખ રે ઉતારો !’ મને યાદ છે છ વર્ષની વયની એ કૂણી સ્મૃતિ.
સૂટર સાહેબ ! ફરીથી કેટલે વર્ષે મને એ નામ યાદ કરાવનાર સોરઠી બહારવટિયા કથા-સંગ્રહો : સૂટર ધ્રાંગધ્રાના પોલીસ-ઉપરી વાગડના મિયાણા બહારવટિયા જુમલા ગંડને માર્યો. સૂટરના વફાદાર, માથું મૂકીને એની ભયાનક ખૂન તપાસમાં સાથ પૂરનારા જૂના પોલીસ અધિકારીઓ – કેટલાય મરી ખૂટ્યા, જૂનામાંથી બેઠા છે – પંથકી સાહેબ અને એમ. પી. એમ. પી. (મોહનલાલ પોપટભાઈ) વાતો કરતા કે સૂટરની ઑફિસમાં એની નિમણૂંક – એની જુવાન વય – લખવામાં કાંઈક ભૂલ ને વાત્સલ્યવંતા સૂટરે મીઠો ઠપકો આપ્યો : ‘આઈ હેવ એડ્ડૅડ વન મોર ઇડિયટ ટુ માય ઑફિસ !’
સૂટરના શાસનકાળમાં ભરતી થયેલ એ બ્રાહ્મણ વાણિયા ને મિયાણા પોલીસોની એકસરખી ખુમારી, જોખમોની બરદાસ્ત, સંકટસાહસોથી મસ્ત બનેલો જીવનકાળ... સિપાહીગીરીને પુનર્જીવિત કરનારો એ સૂટરનો કાળ.
એ તમામ વાતાવરણથી હું જ્યારે ‘સોરઠ, તારાં વહેતાં પાણી’ની કથા દોરી રહ્યો હતો, તેમાં પણ વિશેષ કરીને જ્યારે સૂટર સાહેબની સ્મૃતિઓમાંથી હું એક પ્રિય પાત્ર ખડું કરી રહ્યો હતો, ત્યારે મને ખબર પણ નહોતી કે સૂટર જીવતાં છે. સ્વપ્ન પણ નહોતું કે સૂટર કાઠિયાવાડમાં એની બુઢ્ઢી પાંપણોના નેત્રભાર પર છાજલી કરીને જૂના અવશેષોની ઝાંખી કરવા આવી ચડશે.
એક પત્ર
ભાઈશ્રી,
આજના તા. 23-1-37ના ‘ફૂલછાબ’માં હમણા જ અહીં આવી. ગયેલાં સોરઠના એક વખતના પોલીસ ખાતાના વડા સૂટર સાહેબની તસ્વીર મૂકીને આપે વર્ષો પહેલાંની આપની કૂણી સ્મૃતિઓ અંકિત કરી છે.
એ વાંચ્યા પછી એ સચ્ચાઈના નમૂના રૂપ – ખરે જ આજ બોંતેર વર્ષ વટાવી ગયેલા એના ઘરડા ચહેરા પર એની સચ્ચાઈ ઝગારા મારતી હતી – અંગ્રેજી અમલદાર સૂટર સાહેબના દિલમાં બત્રીસ વર્ષનાં વહાણાં વાયા પછી પણ એ કાળની એવી જ મૂળભૂત સ્વરૂપે જીવતી સ્મૃતિઓ ઊછળીને બહાર આવતી નિહાળવાની થોડીક ક્ષણોની સાંપડેલી તકે આ પત્ર લખવા લલચાવ્યો છે. છત્રીસ વર્ષના કાળનાં થર એ સ્મરણોને ઝંખાવી શક્યા નથી. એના દેશમાં રહ્યા રહ્યા એણે પણ સ્મરણો પર બાઝતી કાળની રજને વખતોવખત ખંખેરવાની કાળજી રાખ્યા કરી હશેને? આટલી ઝીણવટથી સ્મરણોની ઝીણવટ કરનાર દિલમાં સચ્ચાઈ અને વાત્સલ્ય વિના શું હોઈ શકે ?
એની સાથેના 50 મિનિટના વાર્તાલાપમાં આપનો અને આપના પિતાશ્રીનો ઉલ્લેખ થયેલો. એ વાર્તાલાપનો આવડ્યો પરિચય આપને આપવાનું આવશ્યક લાગ્યું. આપના દિલમાં સ્મૃતિઓએ દોટા દોટ કરી મૂકી એવી રીતે તો નહિ જ બલકે તેથી જુદી જ રીતે મેં એ વૃદ્ધ અંગ્રેજની, પણ જૂની યાદો દોડતી નિહાળી. જાણે સ્મરણોની હારમાળા ગોઠવાણી હોયની ! એના બુજર્ગ શ્વેત કેશ ધીમા પવનમાં ફરફરતા રહ્યા ને સ્મરણો રજૂ કરવાની શરૂઆત થઈ.
હું તો એની પ્રત્યેક વાતે વધારે ને વધારે તાજુબ થતો રહ્યો. ચાલીસ વર્ષ પહેલાના કડક લેખાએલા આ પોલીસ ખાતાના અમલદારે પારકા પ્રદેશ સાથે કેટલા બધા પોતાપણાના ભાવથી હૃદય જોડી દીધું છે એની પ્રતીતિ એની ઝીણામાં ઝીણી બાબત જાણવાની ચીવટમાં વારંવાર ચમક્યા કરતી હતી. વર્ષોથી અમારા ઘરમાં એની છબી લટકી રહી છે. એની જવાંમર્દીની, સચ્ચાઈની. ન્યાયપ્રિયતાની, તાબાના માણસો પ્રત્યે વારંવાર પ્રસંગો દ્વારા બનાવાયેલા વાત્સલ્ય ભાવની વાતો મેં મારા પિતા પાસેથી ઘણીયે વાર સાંભળેલી. આવી વ્યક્તિને નીરખવાનો મને મોહ થયો. કેમકે પચીસ રૂપિયાના પગારદાર કારકૂનને યાદ કરીને ખબર અપાવે કે મળવા આવજે એવો જૂનો અધિકારી મેં કોઈ બીજો જાયો નહોતો.
આમ આતુરતા અને માનવૃત્તિનો દોર્યો હું પણ મારા પિતા મળવા ગયા તેની સાથે ગયો. જોતાવેંત જ દોડતા આવીને એણે મારા પિતાના બે હાથ પકડી લીધા. મારા પિતા અંગ્રેજી જાણે નહિ. સૂટર સાહેબે કહ્યું, “હમ અચ્છા હિંદી નહિ બોલ” આટલેથી બોલતા અટકાવીને મેં કહ્યું, “સાહેબ હું અંગ્રેજી જાણું છું.” પણ સાહેબે આપેલા જવાબે તો મને ચકિત્ બનાવી દીધો. એણે ભાંગીતૂટી હિંદીમાં આ પ્રમાણે કહ્યું :
“આજકલ તો એ દેશમેં ઇંગ્લીશ જાનનેવાલાકી બડી સંખ્યા હૈ ઓ બડી ખુશાલી કી બાત હૈ. લેકીન દેખો. તમારા એ દેશમાં ખડા હોકર હમને છત્રીસ વર્ષ કા પર હમારી જીભાન પર એ હિંદી જ્યાદા વખત રહેને વાલી ભાષા થી, તમારા ફધર કી સાથ હમ ઓ વખત પર હિંદી મેં બાત કરતે થે. ઓર એ ભાષા મેં ભૂલ ગયે. અબ ઈસ તક કુ ઇસ વખત હમ જા દેને ખુશી નહિ હોતા. હમ હિંદી મેં બાત કરને બહોત ખુશી હું” આવી મતલબનો જવાબ હિંદી ભાષા પરના રાગથી રંગાયેલો છે. એટલું જ નહિ પણ પોતાના જૂના સાથીઓની જોડે સીધી દિલ દિલની વાત કરવાની એને હોંશ છે એમ જણાઈ આવે છે. મને લાગ્યું, આ અમલદાર આ પ્રદેશને એનું વતન માને છે. આવા થોડા વધારે અમલદારો સોરઠને મળ્યા હોત તો? એ ઘડીએ મારા મને એ પ્રશ્ન કર્યો.
એના હૃદયમાં નર્યો મમત્વભાવ જાણે ભર્યો હતો. ખરેખર નિકટનો આપ્તજન પણ આટલી ઝીણવટથી ખબર અંતર ન પૂછે. આપના પિતાના અસ્તિત્વ વિષે એમણે પ્રશ્ન કર્યો. મારા પિતાશ્રીએ એમનું અવસાન થયાના ખબર આપ્યા ત્યારે એના ઘરડા વદન પર ગ્લાનિ ફેલાયેલી. “એ લોકો ઇસ વખત હયાત નહિ એ હમારે લિએ દુઃખ પેદા હોતા હૈ” – આ મતલબના શબ્દો એ ગ્લાનિ વ્યક્ત કરવા માટે પૂરતા છે. એ પછી તરત જ એણે પૂછ્યું, “ઇસકા વચ્ચે લોક સુખી હૈ?” મારા પિતાશ્રીએ કહ્યું, “હા જી.”
આ વખતે મેં અંગ્રેજીમાં જણાવ્યું. “એના (કાળીદાસની) એક પુત્ર અમારા સાહિત્યના એક લેખક છે, કવિ છે, વાર્તાકાર છે.”
એણે કહ્યું “ઓહ! સો ?” એવા વદન પર ફૂદરડી ફરતી ખુશાલી ઓળખી કાઢ્યા પછી મેં વધારે જણાવવાની હિંમત કરી.
“મને ખ્યાલ છે તે ઉપરથી કહી શકું છું કે આપની પરાક્રમ- રેખાઓ અંકિત કરતું પાત્ર એમણે એક નવલકથામાં દોર્યું છે.” આ. સાંભળતાં જ એમના હૃદયમાં હર્ષની રેલ આવી. ઊભા થઈને મારામાં વસી ગએલા આપને કલ્પીને એણે મારો વાંચો પ્રેમભાવથી ઊઘડતા હૃદયે થાબડ્યો. એમણે ગદ્ગદ્ કંઠે કહ્યું : “ધીસ ઇઝ મેમરી ફોર ઓલવેઝ”. પૂરા શબ્દો યાદ નથી, પરંતુ કથનનો ભાવ કાયમની યાદગીરી એવો હતો. આથી વધારે તે બોલી શક્યા નહિ.
એમણે આપનું નામ લખી લીધું છે. એમણે કહ્યું, “હું જરૂર પત્ર લખીશ” એ પત્ર લખે કે ન લખે પરંતુ મારી સમક્ષ એમણે આપના પિતાનું નામ લેતાં જે મમત્વ દર્શાવ્યું એ કોઈ અનન્ય પ્રકારનું હતું એટલું તો નક્કી.
જ્યારથી ‘સોરઠ, તારાં વહેતાં પાણી’ શરૂ થયું ત્યારથી એમાંનાં કેટલાંક પાત્રો જે જે જીવંત વ્યક્તિઓ ઉપરથી રચાયાં છે તે અનેકનો મારા પિતાએ મને પરિચય આપેલો છે. અંગ્રેજ અમલદારનું પાત્ર આલેખાયું એમાં સૂટરના સોરઠના પરાક્રમનો વણાટ છે એ પણ મારા પિતાશ્રી પાસેથી જ હું જાણી શક્યો. જાલમસંગનો કિસ્સો એ વઢવાણમાં બનેલો ને એનું મુખ્ય પાત્ર તે સનાળીના દરબાર હીપા વાળા. આવી રીતે એ વાતનાં કેટલાંક પાત્રોના જીવંત મનુષ્યની માહિતી હું મેળવી શક્યો છું.
સૂટરના વખતમાં વાણિયાઓ વધારે સંખ્યામાં હતા અને તેથી જ અમારી સાથેના વાર્તાલાપમાં તેમણે એક સ્થળે કહ્યું, “અબ તો બનિયા લોક કા જમાના ચલ ગયા”. તદ્દન ખરી વાત !
['ફૂલછાબ', 30-1-1937]
રાજીનામું આપેલું!
હિન્દની મુલાકાતે હમણાં એક એવો માણસ આવી ગયો, કે જેના મુંબઈ ઇલાકાના પોલીસ કોન્સ્ટબલો પર મોટો અહેસાન છે. એ ડબલ્યુ.એલ.બી. સૂટર : મુંબઈના માજી પોલીસ કમિશનર અને ઇલાકાના પોલીસ ઇન્સ્પેક્ટર જનરલ.
1919માં શ્રી સૂટરે, તે કાળે પ્રવર્તી રહેલી પોલીસોનો પગારોની કંગાલિયત સામે તેમજ રહેઠાણોની દુર્દશા સામેનો વિરોધ નોંધાવીને ઈલાકાની વરિષ્ઠ જગાનું રાજીનામું આપ્યું હતું.
પોલીસ અધિકારી તરીકેની એની પોતાની તેજસ્વી કારકિર્દીની તો સરકારે ઉત્તરોત્તર કદર કરી હતી. છતાં એણે ખાતાના નીચલા નોકરિયાતોના હિતને ખાતર પોતાની કારકિર્દીની આહુતિ આપતાં આંચકો ન ખાધો.
ને સૂટરની આહુતિ એળે નથી ગઈ. એના ગયા પછી થોડી જ મુદતમાં અગાઉની નકારેલી પડેલી સૂટરની માગણીઓ બજેટમાં મંજૂર થઈ ગઈ ને પોલીસોનાં મકાનો, પગારોમાં આવશ્યક સુધારણા થઈ.
*
‘આથમતે અજવાળે’... આવ્યું તે લઈને બેઠો. પૂરું કર્યા વગર રહી ન શકાયું. એ ચરિત્રના કેટલાય પ્રસંગોએ મનને રોકી લીધું છે અને એક સર્વોપરી લાગણી મનને વલોવી રહી છે કે હું તમને જીવનમાં જરાક વહેલો કેમ ન મળી શક્યો?
‘સોરઠ, તારાં વહેતાં પાણી’ લખાતાં પહેલાં તમારા જીવન વિશે જો મેં આટલું બધું જાણ્યું હોત તો એ વાર્તાને હું ઘણી વધુ સમૃદ્ધ બનાવી શક્યો હોત. મેં માનેલું કે હું એક કલ્પિત વાર્તા લખતો હતો. આજે ‘આથમતે અજવાળે’ વાંચીને કલ્પના વાસ્તવમૂલક દેખાય છે. સોરઠી જીવનની આથમતાં અજવાળાંને નવલમાં આલેખવા માટેનો કેવળ કાચો જ નહીં પણ તૈયાર માલ એને પાને પાને પૂરેલો છે.
“‘સોરઠ, તારાં વહેતાં પાણી’માં મારા જીવનની કેટલીક છાયા પડી છે તે જોશો.”