સોરઠ, તારાં વહેતાં પાણી/૧૮. રૂખડની વિધવા

← ૧૭. સાહેબના મનોરથો સોરઠ, તારાં વહેતાં પાણી
૧૮. રૂખડની વિધવા
ઝવેરચંદ મેઘાણી
૧૯. મારી રાણક! →


18. રૂખડની વિધવા


"શેઠ રૂખડની વિધવા ફાતમા?" શિરસ્તેદારે આ સમસ્યાનો ઉકેલ કરવા મહેનત લેવા માંડી હતી. એ તો પિનાકીએ શિરસ્તેદારના કપાળ પર સળગતી કરચલીઓ જોઈને કલ્પી લીધું.

અરજીમાં એવી મતલબનું લખ્યું હતું કે, "હું મરનાર રૂખડ શેઠની ઓરત છું. એનો ઘર-સંસાર મેં દશ વર્ષ સુધી ચલાવ્યો છે, છતાં મને આજે શા માટે એની માલમિલકત તેમજ જાગીરોનો કબજો-ભોગવટો કરવા દેવાની ના પડવામાં આવે છે?" વગેરે વગેરે.

"આ તો ઓલ્યા રૂખડિયાની રાંડ ને?" શિરસ્તેદારે મહીપતરામને પૂછી જોયું. પ્રશ્નમાં તિરસ્કાર ભર્યો હતો.

'રાંડ' શબ્દ મહીપતરામ પણ સો સો વાર વાપરતા હતા. એમણે હા પાડી.

પિનાકી લાલપીળો થઈ ગયો. એના હોઠ ફફડવા લાગ્યા: "મોટા બાપુજી!" તમે - તમે -"

"ચૂપ મર." મહીપતરામે પિનાકીને દબડાવ્યો: "આને આંહી કોણ - તું જ લઈ આવ્યો કે?"

"હા; એને બીજું કોણ લઈ આવે?"

"નાલાયક! " મહીપતરામે ડોળા ફાડ્યા. "ભણી ઊતર્યો એટલે પરદુ:ખભંજન થઈ ગયો!"

શિરસ્તેદારે રાવટીમાં જઈ સાહેબને અરજીનો કાગળ આપ્યો; અને અરજદારને 'ફાસી ખાનાર રૂખડ વાણિયાની વંઠેલ રાંડ' તરીકે ઓળખાવી.

"રૂખડ!" સાહેબના કાન ચમક્યા. એ ખૂની વાણિયાની ઓરત હોવાનો દાવો કરનાર એક વટલેલી સિપારણને જોવાનું સાહેબના હ્રદયમાં કુતૂહલ જાગ્યું.

"સાહેબ, પોલીસ ખાતાનો આ કિસ્સો નથી. ઓરતે રેવન્યુ ખાતે જવું જોઇએ."

"છતાં, મારે એને મળવું છે."

સાહેબ રાવટીની બહાર આવ્યા. કાળા ઓઢણાની લાજના ઘૂમટા પછવાડે એણે કદાવર નારીદેહ દીઠો. મહીપતરામની પણ સૌ પહેલી નજર આ બાઇ ઉપર તે જ દિવસે પડી. ને એને પોતાની મરતી પુત્રીનું એ ચિંતાભરી સાંજનું સ્મરણ થયું. સ્મરણ થતાં જ મહીપતરામની મુખરેખાઓ સખ્તાઇના મરોડ છોડવા લાગી.

આ ઓરતના દેખ ઉપર વૈધવ્યના વેશ જોયા. ચૂડીઓ બંગડીઓ વિનાના અડવા હાથનાં કાંડાં તેમજ પંજા ક્ષીણ થયા હતા. જાણે એને કોઇક તાજી કબરમાંથી કફન સોતી ખડી કરવામાં આવેલી હોય તેવું ભાસતું હતું.

"કેમ કંઇ બોલતી નથી? મોં ઢાંકીને કેમ ઊભી છે?" સાહેબે શિરસ્તેદારને પૂછ્યું. શિરસ્તેદારે જવાબ આપ્યો: "એ તો વિધવાનો વેશ પાળતી હોવાનો દેખાવ કરી રહી છે."

"એને કહો કે પ્રાંતના સાહેબ પાસે જાય."

બાઇએ ઘૂંઘટમાંથી કહ્યું: "હું કોની પાસે જાઉં? હું કોઇને નથી ઓળખતી. બધા મારી મશ્કરી કરે છે. હું તો આ ભાણાભાઇ મને લાવ્યા તેથી મહીપતરામ બાપુ પાસે આવી છું."

"આ છોકરો કોણ છે?" સાહેબે પ્રશ્ન કર્યો.

મહીપતરામ જવાબ ન આપી શક્યા. પિનાકીએ જ કહ્યું: "એક વિધ્યાર્થી."

"તારે ને એને શો સબંધ છે?"

"એણે મારી બાને મરતી બચાવેલી."

તે પછી તો આખો સંબંધ ત્યાં પ્રગટ થયો.

પોલીસના સાહેબે પોલિટિકલ એજન્ટ પર એક ચિઠ્ઠી લખી આપી. ચિઠ્ઠીઓનો એ જમાનો હતો. કાયદા અને ઇન્સાફ ચિઠ્ઠીઓની પાસે કમજોર બનતા.

વિધવાએ દૂર એક ઝાડને છાંયે એક માણસને ઘોડું દોરીને ઊભેલો દીઠો. ઘોડીની હણહણાટી સ્વજનના બોલડા જેવી ઓળખાતી લાગી.

"લ્યો ભાણાભાઈ" વિધવાઇ કહ્યું: "તમારા કોડ અધૂરા હતા ને?"

"શેના, મામી?" પિનાકીએ આ સિપારણને માટે સગપણ શોધી લીધું હતું.

"તમારા મામાની ઘોડીએ ચડવું હતું ને?"

"હા."

"તો આ ઊભી."

"આંહીં ક્યાંથી?"

"ઘેરેથી મેં ધજાળા હનુમાનની જગ્યામાં મોકલી દીધી હતી. એને આહીં લાવવા મેં વરધી આપી હતી."

"તમે હવે એને ક્યાં રાખશો?"

"મારી સંગાથે જ. ઘોડીએ ચડીને ગામતરાં કરીશ."

એક ખાંભા પાસે ઘોડીને ઊભી રાખી વિધવાએ પિનાકીને ચડવા કહ્યું. ઘોડીની પાસે ગયેલો પિનાકી પાછો વળી ગયો.

વિધવાએ પૂછ્યું: "શું થયું?"

"નહિ, મામી, હું નહિ ચડું."

"કેમ?"

"મને એના ઉપર કોઇક અસવાર બેઠેલો ભાસ્યો."

"કોના જેવો?"

"નહિ કહું."

"કેવાં કપડા હતાં?"

"માથા પર કાળી કાનટોપી હતી, ને ગળામાં ગાળિયો ઊડતો હતો, ટોપીને પોતે ફેકી દેવા મથતો હતો."

આટલું કહેતાં પિનાકીને તમ્મર ચડી ગયાં. એ ઝાડના થર ઉપર ઢળી ગયો.

"ડરશો મા. ભાઇ; એ તો નક્કી તમારા મામા જ હશે."

"શું થશે?"

"બસ, હવે આ ઘોડીને મારી પાસેથી કોઇ પડાવી શકશે નહિ. મારું બીજું બધું ભલે લઇ જાય : આ ઘોડી તો મારી છે ને?" એમ કહેની એ ઘોડીને પગે લાગીને બોલવા લાગી: "હવે તો, માડી તું મારી પીરાણી થઈ ચૂકી. તારે માથે પીર પ્રગટ્યા! તમે... હવે એ ગાળિયો કાઢી નાખો. લ્યો... મારા શેઠને હું તલવાર બંધાવું... ને... તમારે તો હવે... નીલો નેજો ને લીલુડી ધજા! રણુજાના રામદે પીર જેવા બનજે, હો! જેને કોઇને ભીડ પડે તેની વારે ધાજો! હા....હા... તમારે તો જ્યાં જયાં જેલખાનાં, ફાંસીખાનાં, ત્યાં જ સહાય દેવા દોડવાનું. કેદખાનાનાં તાળાં તોડવાં - ભીતું ભાંગવી - શાબાશ શેઠ! તમે પાછા આવ્યા મારા -"

એટલું બોલતી બોલતી એ ઘોડીના દેહ ઉપર ટેકો લઈ ઢળી : જાણે એ અંતરીક્ષમાં કોઇકને ભેટતી હતી.

"હાલો ભાણાભાઇ! આજ આપણે ઘોડીને દોરીને જ હાલ્યા જઈએ. તમને સ્ટેશન મૂકીને પછી હું રજા લઈશ."

"પછી ક્યારે આવશો?"

"આવીશ, તમને ઘોડીની સવારી કરાવવા."

સ્ટેશને પિનાકીથી છૂટી પડીને એણે ઘોડી ડુંગરા તરફ દોરી. તે તરફ ધજાળા હનુમાનનું ધર્મસ્થાનક હતું.

પિનાકીએ આજે રેલગાડીના ચાર-પાંચ ડબા આસોપાલવનાં તોરણ અને ફૂલના હાર વડે શણગારાયેલા દેખ્યા. તેના મનમાં કુતૂહલ જાગ્યું: 'કોણ હશે એ ડબામાં?'