← ૩૦. બ્રાહ્મતેજ સોરઠ, તારાં વહેતાં પાણી
૩૧. બહાદુરી
ઝવેરચંદ મેઘાણી
૩૨. વાતાવરણ ભણાવે છે →


31. બહાદુરી!

હીં ચંદરવાની ખોપમાં – એટલે કે જુગાન્તર-જૂની કોઈ વીજળી ત્રાટકવાથી ડુંગરાની છાતી વિદારાઈ ગઈ હતી, તેના પોલાણમાં ઘેઘૂર આંખે લખમણ પડ્યો હતો.

એ હવે પાંચ-સાત વરસો પૂર્વેનો ગૌચારક લખમણ નહોતો રહ્યો. બે વર્ષ પૂર્વેની બહેનનો ડાહ્યોડમરો ને પોચો પોચો ભાઈ પણ નહોતો રહ્યો. લખમણની છાતીમાં મરદાઈના મહોર ફૂટયા હતા. એનો અવાજ રણશિંગાના રણકાર જગવતો હતો. એનો સંગાથ અડીખમ આઠ મિયાણાઓનો હતો. ભાષા પણ લખમણની ચોપાસ મરદોની જાડેજી ભાષા હતી. મોળો બોલ ઉચ્ચારનાર પણ કોઈ નહોતું, લખમણની પાસે.

જગુ પગી લખમણનો વિશ્વાસુ કોળી : જગુને ખોળે લખમણ ઓશીકું કરીને નિરાંતે ઊંઘનાર. એ જ જગુએ લખમણને ને એના સાથીઓને ઝેર ભેળવેલ લાડવા જમાડી આજે પારેવાંને બાફી નાખે તેવા ઉનાળાને મધ્યાહને છેલ્લી ઊંઘના ઝોલાં લેવરાવ્યાં.

સહુ ઢળી પડ્યા પણ એકલા લખમણને દગાની સનસ આવી. લડથડિયાં લેતે-લેતે એણે ગળાની અંદર આંગળીઓ ઉતારી વમન કર્યું. લાડવાનું ઝેર પાયેલ લીલું અન્ન એના જઠરમાંથી થોડુંક નીકળ્યું. થોડીક આંખો ઊઘડી. તે વખતે લખમણે સામી ઊંચી ધાર ઉપર સાહેબ લોકોની બંદૂકો દીઠી. પછવાડે પચીસેક બીજા ખાખી પોશાક નિહાળ્યા.

લખમણ ખસી તો શકતો નહોતો. અંગ લગભગ ખોટું પડી ગયું હતું. ફકત બે હાથ સળવળ્યા. પણ એના હાથમાં બંદૂક સ્થિર કરી શકતી નહોતી.

“ ઓ હો હો!” લખમણે ધા નાખી: “એક વાર એક ભડાકો પણ કર્યા વિના મારી જવું પડશે? હું જીવતો છું એટલું ય જણાવી નહિ શકું? કોઈ- આઠમાંથી કોઈ મને મારી બંદૂક આપવા નહિ ઊઠો! કોઈક તો ઊઠો! કોઈક તો બંદૂક દિયો.”

ચમત્કાર બન્યો હોય તેવું લાગ્યું. કોઈકે પછવાડેથી એના હાથમાં ભરેલી બંદૂક મૂકી.

લખમણે પાછળ જોવા ફાંફાં માર્યાં. પણ આંખોએ એક માનવીનો દેહ જ દીઠો. મુખમુદ્રા ન પારખી શકાઈ.

“કો-કો-કો-કોણ છો?” લખમણ માંડ માંડ પૂછી શક્યો.

“બેન છું – બેન.” જવાબ મળ્યો.

પણ લખમણ જવાબ ન ઝીલી શક્યો. શબ્દો ન પકડાયા. એણે બંદૂકના ઘોડા ઉપર આંગળા સ્થિર કરવા માંડયા, એને કોઈકે નિશાન લેવારાવ્યું ને કહ્યું: “ઉડાડ, ઉડાડ બેનની ઠેકડી કરનાર ગોરાને!”

લખમણની બંદૂક છૂટી. ટોળીએ સામી ધાર પર ક્યાંઇક ઠણકારો કર્યો, પણ કોઈ પડ્યું નહિ

એક પછી એક બંદૂક ભરતી ભરતી એ આવેલી સ્ત્રી લખમણને દેતી ગઈ. બહારવટિયો ભડાકા કરતો ગયો, ને છેવટે એ પડ્યો ત્યારે એટલું બોલી શક્યો: “બેન, હાલોને, ગૌધન ચારીએ! આ ગોરખ ધંધો કાંઇ લખમણનો હોય?”

સામી ધાર સળવળી ઉઠી. દેકારો બોલતો હતો. ને આંહી સૌને મૂવેલા સમજનાર સાહેબો તાજુબ થતા હતા કે ગોળીઓ ક્યાંથી વરસે છે.

ધાણીફૂટ ગોળીઓ છોડતા સરકારી અમલદારો નજીક આવ્યા ત્યારે લખમણનો દેહ ખોળામાં લઈને બેઠેલી એક સ્ત્રી દીઠી.

ઢળેલા બહારવટિયા લખમણને એ ભગવા વેશધારી ઓરતે પોતાના ખોળાનું ટેકણ આપી બેઠેલો રાખ્યો હતો, ને એના ખભા પર બંદૂકા તોળી રાખી હતી.

“હજુ જીવતો છે. શૂટ!” દોડતો આવતા એક સાહેબે તમંચો તાક્યો.

“રહો! ન ચાંપજો!” બીજા સાહેબે એનો હાથ ઝાલ્યો. “પછવાડે એક સ્ત્રી બેઠી છે તે વીંધાઈ જશે.”

“છોડ, છોડ,! એક નાચીઝ ડાકણનું સંમાના! મોતની પળે?” એમ બોલતા બોલતા એ સાહેબે રિવોલ્વરને ફરી વાર તોળી. ફણા તેનો ભડકો થાય તે પૂર્વે જ બીજા જુવાન સાહેબે એના હાથને ઠેલો માર્યો. ગોળી ધુમાડાના ભૂખરાં પિચ્છ ફરકાવતી કોઈ દેવચકલી જેવી આકાશ વીંધીને રમતી ગઈ.

આટલો વખત જવા છતાં સામેથી બહારવટિયાની તાકી રહેલી બંદૂક ના વછૂટી. બહારવટિયો બેઠો હતો તેવો જ સ્થિર કોઈ ધ્યાનધારી જેવો બેસી રહ્યો. ઓરત પણ નજીક પહોંચતાં પૂરેપૂરી પ્રગટ થઈ. દૂરથી ડરામણો દેખાતો ડાકુ ખતમ થયેલો જ માલૂમ પડ્યો. ગોળીઓ વડે વીંધાઈને એનો દેહ નવરાત્રના ગરબા જેવો જાળીદાર બન્યો હતો. છિદ્રોમાંથી રાતાં રુધિરના અજવાળાં નીતરતાં હતાં.

ડુંગરના કાળમીઢ પથ્થરોને ચગદી ચગદી પોતાની બૂટની એડીના ચિત્કાર બોલાવતો મોટો સાહેબ ઠેકીને નીચે છલાંગ્યો, ને એને બૂટનો ધક્કો મારી લખમણનું કલેવર જમીનદોસ્ત કર્યું દાંત ભીંસ્યા. ઓરતે પોતાની રાતી આંખો તાકી, સાહેબે જાણે કે એની દેવપૂજાનો પૂજાપો પીંખી નાખ્યો હતો.

“શું કરો છો તમે? ઇસુને ખાતર અટકો.” નાનેરા સાહેબે મોટાને ત્યાંથી ધકેલવા પ્રયત્ન કર્યો.

ઓરત બહારવટિયાનું રોળાતું માથું સરખું કરવા ચાલી. સાહેબના ઘુરકાટ હજુ શમ્યા નહિ. એ ઓરત સામે ધસ્યો. ઓરતે એક બાજુ ઊભેલી સિપાઈઓની ગિસ્ત સામે દયામણી નજર નોંધી.

“સા’બ બહાદુર!” સિપાઈઓના હવાલદારે સાદ કર્યો.

છંછેડાયેલો ગોરો થંભીને ઘૂરક્યો.

હવાલદારે કહ્યું: ”સાહેબ બહાદુરને હાથ જોડી છીએ લાશને ના અપમાનો!”

નાનેરા સાહેબે – એટલે કે પોલીસ અધિકારીએ – પોતાની ખાખી હેટ ઉતારી હાથમાં લીધી.

“ચૂપ રહો!” ગોરાએ પોતાની માનહાનિ ના સહી.

ઘોડેસવાર પોલીસો થોડે છેટે ઘોડાં દોરીને ઊભા હતા, તેઓ એકાએક ઉતારી આવ્યા. તેમાંના એક સફેદ દાઢીવાળા નાયકે કહ્યું :

“સાહેબ બહાદુર સૈયદ છું, મેં સરકારની ચાકરીમાં મોવરના, વાલાના, રાયદેના વગેરેના હંગામો ખેડયા છે. સાહેબ લોકો પણ અમારી સાથે સામેલા હતા. શત્રુની લાશ પ્રત્યે કોઈએ બેઅદબી કરી નથી. અમારો મજહબ અમને માના ધાવણમાંથી પણ મોટામાં મોટી એક જ વાત પિલાવે છે, કે આદમી ઝીન્દો છે ત્યાં સુધી દુશ્મન : મૂવા બાદ એનું બિછાનું માલેકને ખોળે થાય છે. એને અદબ સાથે અવલમંજલ પહોંચાડવાની અમારી ફરજ છે.”

“આ ઓરત તમને ઉશ્કેરે છે, કેમ?“ સાહેબે ખમચી જઈને કહ્યું.

“એ ઓરતે લાશને બેઠક કરાવી હતી,” સૈયદ સવારે સમજાવ્યું: “તે તો મોતની મર્દાઈ બતાવવા જીવતો ઇન્સાન કુત્તો થઈને ભલે ભમે, પણ એના શબને કોઈ ધૂળ ના ચટાવી શકે.”

“બાબા લોગ!” નાનેરા સાહેબે ગિસ્તના ઉશ્કેરાટ નિહાળીને શાંતિના શબ્દો છાંટ્યા: “તમારું કહેવું ખરું છે. એક બેલગાડી મેળવી લાવો. આપણે લાશને રાજકોટ લઈ જશું. અહીંથી તો લાશને ઝોળી કરીને ઉઠાવી લઈએ."

પ્રાંત-સાહેબને પોતાનો પરાજય સમજાયો. નાકની અંદર ઊતરી જતા અવાજે એણે નાના સાહેબને કહ્યું: "વિલિયમ્સ, આ કુત્તાઓ જો અહીં ન હોત હો તો મારે આ ભયંકર ઓરતને એક - ફક્ત એક જ લાત મારી લેવી હતી. મને તૃપ્તિ થઈ જાત."

"તારી ક્ષુધા જ તમારી પાસે આવું બોલાવે છે, હૉટસન! નહિ તો થોડા જ કલાકોમાં તું આપણા મહાન એમ્પાયર (સામ્રાજ્ય)ની આબાદીનો પ્રશ્ન કેમ ભૂલી જાત?"

'આપણા મહાન એમ્પાયર' એ ત્રણ શબ્દોએ ત્યાં ગાયત્રીના મંત્રની સિદ્ધિ સાબિત કરી, ખરી વાત એ હતી કે સાહેબનાં છેલ્લાં બે ખાણાં બગડ્યાં હતાં. ભૂખ સ્વભાવને બગાડાનારી હતી. સિપાઈઓએ જ્યારે લાશને અદબભેર એક ઝોળીમાં ઉઠાવી ત્યારે પ્રાંત-સાહેબે પણ મૃત્યુના માનમાં પોતાની ટોપી ઉતારી.

ઝોળીને પડખે પડખે લાશના માથાને ટેકો આપતી ઓરત ચાલી. કેટલાક સિપાઈઓએ બીજી લાશને પણ ઉઠાવી. પછવાડે ગોરાઓ ઘોડા દોરતા ચાલ્યા. આખું ટોળું ડુંગરાની બહાર નીકળતું હતું ત્યારે ઘણાંખરાં પક્ષી માળામાં પેસી ગયા હતાં. પણ મૂવેલા બહારવટિયા માંહેલા એકાદનો કોઇ રખડતો કાળો રૂમાલ પગના વળેલા નખમાં ભરાઈ ગયેલો તે ન નીકળતો હોવાથી એક કાગડો એને લઈ લઈ ઊડ્યાઊડ્ય કરતો હતો, ને એનો વાંકગુનો તપાસ્યા વગર જ બીજા કાગડાઓ એને ચાંચો મારી મારી કકળાટ મચાવતા ઘૂમતા હતા.