સોરઠ, તારાં વહેતાં પાણી/૪. વાઘજી ફોજદાર
← ૩. પહાડનું ધાવણ | સોરઠ, તારાં વહેતાં પાણી ૪. વાઘજી ફોજદાર ઝવેરચંદ મેઘાણી |
૫. લક્ષ્મણભાઈ → |
4. વાઘજી ફોજદાર
ભાણો મોટાબાપુની ગોદમાં લપાયો હતો. એના હાથ મહીપતરામ જમાદારના હાથના પોંચા પરના મોટા મોટા ઘાટા વાળને પંપાળવા લાગ્યા હતા. મોટાબાપુનું શરીર હજુ પણ તાજા ઓલવી નાખેલા વરાળ-સંચાની માફક ગરમ-ગરમ હતું.
ગાડાવાળાની જબાન ચૂપ હતી. એણે હેહેકારા બંધ કર્યા હતા. બળદની ગતિ ધીરી પડી હતી, તેનું પણ એણે ભાન ગુમાવ્યું હતું.
એ ચૂપકીદીએ જ મહીપતરામનું ધ્યાન ખેંચ્યું. એણે પૂછ્યું : "એલ્યા એય બેવકૂફ! ઝોલાં તો ખાતો નથી ને?"
"ના, સા'બ."
"આ લૂંટવા આવ્યો ત્યારે તું શું કરતો હતો, હેવાન?"
"હું શું કરું, સા'બ? બેશી રિયો'તો."
"કાં બેશી રિયો'તો?"
ગાડાવાળો કશું ન બોલ્યો.
"તુંય ગીરનો ખેડુ ખરો કે?"
"હા, સા'બ!"
"ત્યારે તુંય શું પહાડની ભોમને નથી ધાવ્યો? શું કાઠીનો એકલાનો જ ઈજારો છે? આડું લઈને ઊભો ન થઈ ગયો?"
ગાડાખેડુ કણબી દોરી વિનાના ભમરડા જેવો સૂનમૂન હતો. એણે એક જનોઈધારી લોટમગા બ્રાહ્મણની બહાદુરી દીઠી હતી.
મહીપતરામે કહ્યું : "મારો ગુરો કોણ છે, કહું? મારો ગુરુ તારી જાતનો, એક કણબી જ છે."
"એ કોણ હેં મોટાબાપુ?" ભાણાને નવી વાર્તાનો ત્રાગડો મળ્યો.
"એ મારા વાઘજી ફોજદાર - એજન્સી પોલીસની સ્થાપના થઈ ત્યાર પહેલાંના પ્રથમ પોલીસ-અમલદાર. હાથમાં હળ ઝાલેલું, કલમ તો એને પ્રથમ પહેલી મેં ઝલાવી : ને મકોડાનાં ટાંગા જેવી સહી ઘૂંટાવી."
"એણે શું કર્યું હતું, હેં મોટાબાપુ?"
"એણે શું શું કર્યું તે બધું તો સાંભળ્યું જાય તેમ નથી, દીકરા! પણ એણે એક વાત તો કરી બતાવી. શિકારો કરીને સાવજદીપડા માર્યા. દાઢીમૂછોના કાતરા ખેંચીખેંચીને કાઠીઓને ને ગરાસિયાઓને, જતો ને મિયાણાઓને, અપરાધીને ને નિરપરાધીને, કાંટિયા વરણનો જે કોઈ લાગમાં આવ્યો તેને - તમામને બેફાટ માર માર્યો; ને માર ખાતા જે ખલાસ થઈ ગયા તેનો પત્તોય ન લાગવા દીધો."
"અરર!" ભાણો દયાર્દ્ર બન્યો.
"અરેરાટી કર મા, દીકરા. વાણિયા-બ્રાહ્મણોએ સોરઠને સહેજે નથી કડે કરી. આપણે આ કમજાતને ગાડે બેસારી ઉપાડી જઈએ છીએ; પણ મારો ગુરુ વાઘજી ફોજદાર કેમ લઈ જાત - ખબર છે? બતાવું?"
"એ-એ-એ, ભાઈસા'બ!" સુરગની જીભમાંથી હાય નીકળી ગઈ.
"નહિ? કાંઈ નહિ."
"કેવી રીતે, હેં મોટાબાપુ?"
"પછી તું અરેરાટી કરીશ તો?"
"પણ કહી તો બતાવો, કેવી રીતે?"
"કહી બતાવતાં તો આવડે ભાટચારણોને ને આપણા સતનારાયણની કથા કહેનારાઓને. તુંય, ભાણા, ભણીગણીને કથાઓ જ લખજે, મારા બાપ! કહેણી શીખજે; કરણી તને નહિ આવડે."
"પણ કહો તો, કેમ? હેં કેમ?" ભાણાએ હઠ પકડી.
"એ જો, આમ : અમારા વાઘજી ફોજદાર આ બદમાસને આ ગાડાની મોખરે ઊંટડા જોડે બાંધીને ભોંય પર અરધો ઘસડતો લઈ જાય - ગામની વચ્ચોવચથી લઈ જાય, છીંડીએથી નહિ. ને માથેથી કોરડા પડતા જાય, બળદોનાં ઠેબાં વાગતાં જાય, અને...."
"હવે બસ કરો ને!" અંદરથી પત્નીનો ઠપકો આવ્યો.
"કેમ? કોઈ આવે છે પાછળ?"
"ના-ના."
"ત્યારે?"
"આંહીં તો જુઓ જરાક."
"શું છે?"
"આ જુઓ, ટાઢીબોળ થઈને પડી છે."
"કોણ - નંદુ?"
"હા."
સુવાવડી પુત્રીને પિતાએ સ્પર્શ કર્યો. બરફમાંથી કાઢેલ સોડાની બાટલી સરખું એનું શરીર હતું.
"આ અભાગિયાની ફાળ ખાઈને પડી છે દીકરી."
"- ને મેં આને જીવતો રાખ્યો! આ ભેરવને?" દાંત ભીંસીને બોલતા મહીપતરામે પસાયતા સુરગ ઉપર ગડદાપાટુના મૂઢ માર શરૂ કર્યા.
"હં-હં-હં, બાપુ, તમે એને વારો, એનો હાથ ઝાલો. મારા ખોળામાં આનો દેહ છે. એને વારો." વહુએ સસરાને પોતાની લાજમાંથી વીનવ્યા.
"મહીપત!" વૃદ્ધે પોતાનો દેહ સુરગની આડો પાથરીને પુત્રની ક્રૂરતા અટકાવી. "દીકરા! બ્રાહ્મણ છો? સંસ્કાર વિનાનું શૂરાતન બ્રાહ્મણને શોભે? ખબરદાર, હેવાન, જો એ શરણાગતને હાથ લગાડ્યો છે તો."
"મારી દીકરી!!!" મહીપતનો કંઠ શેકેલી સોપારીની પેઠે ફાટ્યો.
ડૂસકાં ખાતી પત્ની બોલી : "એમાં આ બચારાનો શો દોષ! આપણને આંહીં ફગાવનાર તો બીજા છે."
"કોઈને દોષ ન દેશો, વહુ!" ડોસાએ હસીને કહ્યું : "આપણું તો ક્ષત્રિયનું જીવન ઠર્યું. ખભે બંદૂક ઉપાડ્યા પછી વળી મરવા-મારવાનો ને પહાડે-સમુદ્રે ફેંકાવાનો શો ઉચાટ, શો ઓરતો! આ તો રજપૂતી છે. હિંમત રાખો. હમણાં સામું ગામ આવશે, ને ત્યાં બધી ક્રિયા કરી લઈશું."
ભાણાને પૂરી ગમ નહોતી પડી. પ્રશ્ન પૂછવાની એની હિંમત નહોતી. ગામ પાદરની પોચી ધૂળમાં મૂંગો ચીલો આંકતાં પૈડાં માતાના માંસલ શરીર પર ઘૂમતા બાળક જેવાં લાગતાં હતાં.