સ્વામી વિવેકાનંદ/નરેન્દ્રની યોગ્યતા

← અભ્યાસી જીવન સ્વામી વિવેકાનંદ
નરેન્દ્રની યોગ્યતાઅભ્યાસી જીવન
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
કાશીપુરમાં ગળાયલા દિવસો →


પ્રકરણ ૧૮ મું-નરેન્દ્રની યોગ્યતા.

આગલાં પ્રકરણમાં જણાવ્યા પ્રમાણે શ્રીરામકૃષ્ણ જેવા મહાત્માનાં પવિત્ર ચરણ સેવીને નરેન્દ્રે વેદાન્તનો અભ્યાસ કર્યો હતો તથા તેનાં તત્ત્વો ગ્રહણ કર્યા હતાં. સૌ વાદમાં અદ્વૈતવાદ હવે નરેન્દ્રને ઘણોજ પ્રિય થઈ પડ્યો હતો. તે વાદની પ્રૌઢતા, તેમાંથી મળતું મનોબળ, તેના અભ્યાસથી ઉત્પન્ન થતી અભયતા, शोकं तरति आत्मवित्, मोहं तरति आत्मवित् । नायं आत्मा बलहीनेन लभ्यो । अभयं वजनक प्राप्तोसि || વગેરે ઉપનિષદ વાક્યો નરેન્દ્રના હૃદયમાં ઉંડાં ઉતરી જઇને તેને સંપૂર્ણ અદ્વૈતવાદી બનાવી દીધો. અદ્વૈતવાદનાં સત્ય અજેય છે; અદ્વૈતવાદ સર્વ તત્ત્વજ્ઞાનનો શિરામણી છે અને તેના વગર મુક્તિ નથી; એમ તે નિઃશંકપણે માનવા લાગ્યો. તે કહેવા લાગ્યો કે “મારી શ્રદ્ધા એવીજ હોય કે જગત બ્રહ્મ રૂ૫ છે તેમાં બ્રહ્મરૂપે સઘળું હુંજ કરી રહ્યો છું અને મારા નસીબનો કર્તા હુંજ છું” તો પછી સઘળું સારૂંજ છે. સંસારના દુ:ખમાંથી નીકળવાનો એકજ માર્ગ છે, તેનું આશ્વાસન એકજ છે, કે જગત અને બ્રહ્મનું અદ્વૈત સાધવું; અથવા આ સઘળું પરબ્રહ્મ જ છે, જગત છેજ નહિ, એમ દૃઢ માનવું અને આત્મા પરમાત્માનું એકત્વ અનુભવવું. શ્રી રામકૃષ્ણ આનંદથી આ વાત સાંભળી રહ્યા.

આ પ્રમાણે શ્રીરામકૃષ્ણની અગાધ પવિત્રતા અને બોધની અસર નરેન્દ્રના તનમાં અને મનમાં રૂવે રૂવે વ્યાપી રહી. શ્રી રામકૃષ્ણરૂપી અદ્વૈતવાદની સાક્ષાત મૂર્તિ નિહાળવાથી અને તેનાં અગાધ સત્યોનું ચિંતન કર્યા કરવાથી નરેન્દ્રના ચહેરા ઉપર પણ ઉચ્ચ ભાવોને દર્શાવનારાં ચિન્હ દેખાવા લાગ્યાં. “શ્રી રામકૃષ્ણનો શિષ્ય છું” એ વિચારથી તે હવે ગર્વ ધરવા લાગ્યો. હવે તેને બાહ્ય દેખાવ પ્રભાવશીલ જણાવા લાગ્યો. રસ્તામાં ચાલતો હોય તે વખતે ઘણા માણસો તેની શાંત પ્રભાથી અંજાવા લાગ્યા. તેના મુખ ઉપર અદ્ભુત તેજ છવાઈ રહ્યું. તેનું વિશાળ લલાટ તેની બુદ્ધિનો પ્રભાવ દર્શાવી રહ્યું. તેનું બહોળું વક્ષ:સ્થળ તેની હિંમત, ધીરજ અને નિડરતા પ્રગટ કરી રહ્યું.

નરેન્દ્રે વિપત્તિના દિવસો જોયા હતા અને આ વિપત્તિ દર્શનને લીધે તેનામાં જનદયાની લાગણી દૃઢ થઈ રહી હતી, અદ્વૈતવાદના બોધથી આ લાગણી એટલી તો વધી ગઈ હતી કે તેના પરિણામ રૂપે આ બહોળા વક્ષ:સ્થળની અંદર અમાનુષી પ્રેમ, અગાધ ભ્રાતૃભાવ અને સમસ્ત જગતનું કલ્યાણ કરવાની વૃતિ ઉછળી રહ્યાં હતાં. તેની આંખો કમળના પુષ્પ જેવી લંબગોળ અને દીર્ઘ હતી અને તેની અંદર એક પ્રકારનું અદ્ભુત શાંત તેજ ઝળકી રહ્યું હતું. તેનાં વિશાળ નેત્રો, તેની દીર્ઘદૃષ્ટિ અને સૂક્ષ્મ બુદ્ધિ દર્શાવતાં હતાં. એક પ્રકારની કોમળતા તેમાં જણાતી. ક્વચિત તે નેત્રો એકી નજરે જોઈ રહેતાં. ક્વચિત તે વધારે પ્રકાશિત બની જતાં અને દૃષ્ટાની ચંચળ બુદ્ધિ અવલોકન શક્તિ અને તીવ્ર લાગણીઓનું ભાન કરાવતાં.

નરેન્દ્રના સમાગમમાં આવનાર મનુષ્ય પ્રથમ તેનાં અલૌકિક નેત્રોથી અંજાતો અને જાણે કે નરેન્દ્ર તેના અંતરાત્મામાં ઉંડે પેશી તેના મનના વિચાર જાણી જતો હોય તેમ સામા માણસને ભાસ થઈ જતો ! તેનાં નેત્રોથી તેના આખા મુખની કાન્તિ દીપી ઉઠતી. હમેશાં તે ખરા અંતઃકરણથી બોલતો અને બોલતો ત્યારે આસપાસનું ભાન ભુલી જઇને કથનના વિષયમાંજ ગરક થઈ જતો. જંગલમાં વસનાર સિંહ જેમ અત્યંત સ્વતંત્રતા ભોગવે છે, અને છુટથી અહીં તહીં ફરે છે, તેમ નરેન્દ્ર અત્યંત માનસિક સ્વતંત્રતા ભોગવતો અને તેના બાહ્ય દેખાવમાં સિંહના જેવું સુંદર, ભવ્ય અને સ્વતંત્ર ચલન દેખાઈ આવતું. કોઈપણ પ્રકારની નિર્બળતા, નિષ્ફળતા, નિરાશા કે અસ્થિરતાને તે હશી કહાડતો અને તેમને સ્થાને નૈતિક ધૈર્ય, ઉત્સાહ, આશા અને સ્થિરતા તે દર્શાવતો. તેના માનસિક બળને લીધે તેનામાં એક પ્રકારનું અદ્ભુત શારીરિક બળ આવ્યું હતું અને તેથી કરીને તેનો બાંધો મજબુત અને ભવ્ય દેખાતો હતો. તે ચાલતો ત્યારે છાતી બહાર નીકળી આવતી અને ટટાર, સિધ્ધો તથા જુસ્સાદાર જણાતો. આ પ્રમાણે નરેન્દ્રનું મુખ, તેનું લલાટ, નેત્ર, આખું શરીર, તેના અગાધ ચારિત્રનું પ્રતિબિંબ બની રહ્યાં હતાં.

સામાન્ય મનુષ્યની દૃષ્ટિએ નરેન્દ્ર એક બળવાન, જુસ્સાદાર અને સંસાર તરફ બેદરકાર જેવો દેખાતો હતો; પણ જરાક બારિકીથી તપાસનાર મનુષ્યને સમજાતું હતું કે તે ઘણીજ લાગણીવાળો અને મહાન વિચારક હતો, તે પોતાના વિચારોમાં એટલો તો મશગુલ થઈ જતો કે બીજાઓને મન તે બેદરકાર જ ભાસતો ! તેના મનમાં મચી રહેલો મહાન વૈરાગ્યભાવ જગતના તુચ્છ પદાર્થો તરફ નિસ્પૃહતા ઉપજાવી તે પદાર્થોના મોહમાં ફરી રહેલા માનવ સમાજ પ્રત્યે તેના મનમાં દયાભાવ ઉત્પન્ન કરતો અને સમસ્ત જગતનું કલ્યાણ સાધવાના વિચારોમાં તેને ગરક કરી નાંખતો, એ ભાવ તેને એવો તો ગરક કરી નાખતો કે જેના આડે સંસારનું ને તેના શરીરનું પણ ભાન તે ભૂલી જતો. કોઈપણ વસ્તુનો કે વ્યક્તિનો, ચારિત્રનો કે બનાવનો પુરેપુરો ઉંડો અભ્યાસ કરવો એ નરેન્દ્રનો સ્વભાવ હતો. ક્ષણે ક્ષણે તેના મુખ ઉપર જુદી જુદી લાગણીઓનોઆવિર્ભાવ જણાઈ આવતો. પણ જેમ સમુદ્રની સપાટી ઉપર અનેક તોફાન ચાલી રહે છે, અનેક મોજાં આવે છે અને જાય છે, તેમ તેના મનમાં અનેક લાગણીઓ ખડી થતી, અનેક ઉથલપાથલો થઈ રહેતી, જગતના સુખ દુઃખના વિચારો આવતા અને જતા, તેના ઉપર અનેક આફતો પણ પડતી, પણ તેનો અંતર આત્મા જરાયે ડગતો નહીં', તે તેની તેજ સ્થિતિમાં શાંતિ ભોગવતો અને તે પોતાના અડગ નિશ્ચયથી જરાક પણ ચલિત થતો નહીં. તેનામાં એક અલૌકિક વાત તો એ હતી કે એક ક્ષણે તે એક મહાન વિચારકની માફક જગતના મહાન પ્રશ્નો ઉપર વિચાર કરતો અને વાદ કરતો તે જણાતો, અને બીજી જ ક્ષણે એક ન્હાના બાળક જેવો નિરાભિમાની, સાદો, સરળ, પ્રેમાળ, સૌ જોડે હળતો, મળતો, ભળતો અને ગમતો જણાતો. તેનામાં મોટી વયે પણ આ ગુણ કાયમનો કાયમ જ રહ્યો હતો. તેના શિષ્યો અને ગુરૂભાઈઓ આ મહાન ઉપદેશકમાં એક બાળક જેવો સરળ, આનંદી અને ગમતી સ્વભાવજ ઘણે ભાગે જોતા અને આશ્ચર્ય પામતા. ઘણીક વખત તેઓ તેને એક બાળક જેવોજ ગણતા. આમ એક તરફ એક મહાન વિચારકનાં અગાધ બુદ્ધિ સામર્થ્ય અને દીર્ધ દૃષ્ટિ દર્શાવી, એક મહાન પુરૂષના ઉચ્ચપદે જઈને તે વિરાજતો અને બીજી જ ક્ષણે તે પદેથી નીચે ઉતરી એક પ્રેમાળ બાળકની મિષ્ટતા, નિરભિમાનીતા, પ્રેમ અને ભાવથી જગતના સામાન્યમાં સામાન્ય મનુષ્યને પણ ભેટતો-ઉચ્ચ વિચાર અને સાદુ જીવન -મહાપુરૂષની ઉચ્ચ ભાવનાઓ અને બાળકની નિરાભિમાનીતાનો સુયોગ પોતાના જીવનથી જગતને તે દર્શાવી આપતો. એક ખીલેલા કમળની સુવાસ જેમ આસપાસ પ્રસરી રહે તેમ નરેન્દ્રના વિકસિત આત્મા–ચારિત્ર-ની સુવાસ આસપાસ પ્રસરી રહી અને તેના મિત્રો તેની ધાર્મિકતાથી ધાર્મિક બનવા લાગ્યા. તેનું ચારિત્ર અને વક્તૃત્વ સર્વને મ્હાત કરવા લાગ્યાં. જનરલ એસેમ્બ્લીઝ ઇન્સ્ટીટ્યુશન નામની સંસ્થામાં એક સમાજ હતી તેનો નરેન્દ્ર સભાસદ હતો. તે સમાજમાં નરેન્દ્ર તત્ત્વજ્ઞાન ઉપર અનેક ચર્ચાઓ કરતો અને તેની અસર તેના મિત્રો ઉપરાંત તે સંસ્થાના પ્રીન્સીપાલ ઉપર એટલી બધી થઈ રહી કે તે પ્રીન્સીપાલ કહેવા લાગ્યા “નરેન્દ્ર તત્વજ્ઞાનનો મોટો અભ્યાસી છે. જર્મન અને ઇંગ્લીશ યુનિવર્સિટિઓમાં પણ એના જેવો બુદ્ધિશાળી વિદ્યાર્થી એકે નથી.”

જગતના નેતા થવાને જેઓ સરજાયા છે તેઓને તેમની ભાવી મહત્તાનું ભાન સહજ હોય છે. પોતાની વિદ્યાર્થી દશામાં પણ નરેન્દ્ર પોતે ભવિષ્યમાં એક મહાપુરૂષ થશે એમ ધારતો. તેના મિત્રોને તે કહેતો કે “બહુમાં બહુતો તમે વકીલ, દાક્તર કે જડજ થશો ! જુઓ ! મારે માટે હું મારા ભાવી જીવનની રૂપરેખા આંકું છું.” આમ કહી ઘણાજ જુસ્સાથી તે પોતાના ભાવી જીવનની ધારણાઓ દર્શાવતો.

જો નરેન્દ્ર સંન્યાસી થયા નહોત તો તે એક મહાન રાજદ્વારી પુરૂષ, વકીલ, સંસારસુધારક કે વક્તા તરિકે બહાર પડ્યો હોત અને ઘણી સમૃદ્ધિ અને સતા ભોગવવાને શક્તિમાન થયો હોત. પણ તેનાં જન્મસિદ્ધ સાધુતા અને વૈરાગ્ય આ સર્વને તુચ્છ ગણાવતાં, અને તેને પોતે ધનીક થવા કરતાં ધનવાન લોકોને નિર્ધન અને દુ:ખી મનુષ્યો તરફ દયા, ભાવ અને લાગણી દર્શાવવાનો બોધ કરવાનું, દ્રવ્ય પ્રાપ્ત કરવા કરતાં ગરિબોને દ્રવ્યનાં સાધનો કરી આપવાનું, જગતના સ્વાર્થી ધનવાન બનવા કરતાં પરમાર્થ સાધક સાધુ થવાનું, સર્વને ત્યાગ, આત્મભોગ અને પવિત્રતાનો ઉત્તમ બોધ અને દાખલો આપવાનું,રે, સમસ્ત જગતનું ઐહિક અને પારમાર્થિક હિત સાધવાનું અને અખિલ વિશ્વનું કલ્યાણ કરવાનું મહાન કાર્ય સાથે લેવાનું શિખવી રહ્યો હતો.

વિપત્તિનો અનુભવ થવાથી નરેન્દ્રનું અંતઃકરણ દયાર્દ્ર બની દુઃખી તરફ અત્યંત લાગણીથી જોતું હતું. શ્રી રામકૃષ્ણની આધ્યાત્મિકતાએ તેનામાં નિરભિમાનીતા, સરળતા અને સત્યનો વાસ કરાવ્યો હતો.

શ્રીરામકૃષ્ણ નરેન્દ્ર વિષે કહેતા કે નિરાકાર પરબ્રહ્મજ હવે નરેન્દ્રનું આદર્શ છે. તે એક વીર પુરૂષ છે. ઘણાએ ભક્તો આવે છે પણ એના જેવો એકે નથી. કેટલીક વખત હું સર્વની તુલના કરું છું. મને માલમ પડે છે કે જ્યારે એક ભક્ત દસ પાંખડીવાળા કમળ જેવો છે અને બીજો ભક્ત સો પાંખડીવાળા કમળ જેવો હશે, ત્યારે નરેન્દ્ર તો હજાર પાંખડીવાળા કમળ જેવો છે. ” વળી કોઇ અન્ય સમયે તે કહેતા “નરેન્દ્ર સપ્તર્ષિમાંનો એક છે. નરેન્દ્ર નર નારાયણમાં નર છે. નરેન્દ્ર કોઇપણ પદાર્થને વશ નથી. વિષય તરફ તેને આસક્તિ નથી. તે નિ:સંગ છે. તે ખરો નર છે. જયારે શ્રોતાજનોમાં નરેન્દ્ર હોય છે ત્યારે મારું મન ઘણું જ ઉત્સાહી બને છે. નરેન્દ્ર એક ઉચ્ચ અધિકારવાળો યુવાન છે, તે ઘણા વિષયમાં નિષ્ણાત છે. સંગીતમાં અને વાદ્યકળામાં અને જ્ઞાનની અનેક શાખાઓમાં નરેન્દ્ર પ્રવીણ છે. તે મિતાહારી છે અને સત્ય વક્તા છે. તે જાણે છે કે એકલો પરમાત્માજ સત્ય છે. અને જગતના પદાર્થો મિથ્યા છે, માટે તેના ઉપર આસક્તિ રાખવી નહીં. નરેન્દ્રમાં ઘણા સદગુણો છે.”

ટુંકમાં કહેતાં ગુરુ અને શિષ્ય એક ઢાલની જાણે કે બે જુદી દેખાતી બાજુઓ હોય તેમ બની રહ્યા હતા. શ્રી રામકૃષ્ણનાં તપ, યોગ, આચરણ, સાધના, આચાર અને વિચાર નરેન્દ્રમાં ઉતર્યા હતા. એટલો ફેર અવશ્ય હતો કે જૂના સમયના શ્રીરામકૃષ્ણ પોતાના વિચાર જૂની પ્રણાલિકા પ્રમાણે દર્શાવતા અને આધુનિક સમયનો નરેન્દ્ર-વિવેકાનંદ તેના તેજ વિચાર–સત્યો-નવા વિચારના મનુષ્યોને અનુકુળ થવાને નવા વિચારના સ્વરૂપમાં પ્રગટ કરતો. જનસમૂહના કલ્યાણમાં આડે આવનાર કાંચન અને કામિની ઉપર જય મેળવી શ્રીરામકૃષ્ણે દક્ષિણેશ્વરમાં આત્માનું રાજ્ય સ્થાપ્યું હતું અને આ રાજ્ય નરેન્દ્રને સઘળી પૃથ્વી ઉપર ફેલાવવાનું હતું. આધ્યાત્મિક જ્ઞાનના મહાસાગરમાં શ્રી રામકૃષ્ણ ઉંડી ડુબકી મારી હતી અને તેમાંથી તેમણે જે ખજાનો બહાર કહાડ્યો હતો તે ખજાનો સમસ્ત જગતને નરેન્દ્રે બતાવવાનો હતો. શ્રીરામકૃષ્ણ સ્વાનુભવની મૂર્તિ હતા, નરેન્દ્રે તે અનુભવના વક્તા બનવાનું હતું. આથી કરીને નરેન્દ્રના-વિવેકાનંદના ચારિત્રને સમજવાનું શ્રેષ્ઠ સાધન શ્રીરામકૃષ્ણના ચારિત્રનું યથાર્થ જ્ઞાનજ છે.

શ્રીરામકૃષ્ણની પવિત્ર સંનિધિમાં એક ક્ષણવાર પણ બેસવાનું ધન્ય ભાગ્ય ! અહા ! નરેન્દ્ર જેવા થવાનું–તેના જેવી ઉચ્ચ ભાવનાઓ હૃદયમાં ધરવાનું મહદ્ ભાગ્ય ! પવિત્ર ગંગા નદીને કિનારે આવેલા દક્ષિણેશ્વરના એકાન્તવાસમાં સર્વત્ર શાંતિ, ધાર્મિક્તા, પવિત્રતા પ્રસરી રહ્યાં હતાં. અહીંઆં સંસારની તુચ્છવાસનાઓને દુર કરી આત્માનીજ કથા ચાલી રહી હતી. લોક કથા, સમાજ કથા, રાજ્ય કથા કે ભોજન કથાનું નામ પણ અહીઆં લેવાનું નહી ! આત્માનું જ વર્ણન અહીં અપાતું હતું ! આત્માનીજ વાણી અહીં બોલાતી, આત્માનું જ શ્રવણ અહીં આ આત્માવડે કરાતું, આત્માજ આત્મા સાથે વિહાર કરતો, આત્માનાજ પ્રદેશમાં ઉડાતું, આત્માનાજ શબ્દો બોલાતા અને આત્માનોજ ઘોષ સર્વ વાતાવરણમાં વ્યાપી રહ્યો હતો ! ઉપનિષદ્ કહે છે आत्मानं बिजानी हि अन्यां वाचं विमुच्चया । અહીઆં બેસનારનો આત્મા ઉન્નત થતો અને તે મનુષ્ય આત્માના પ્રદેશમાં ઉડી રહેતો.

આવા પવિત્ર વાતાવરણની પવિત્ર લહરીઓથી અનેક પાપીઓ પલટાયા છે. અનેક વિપથગામીઓએ પોતાના જીવનના માર્ગો બદલ્યા છે. અનેક દુષ્ટોએ પોતાની દુષ્ટતા ત્યજી છે અને સાધુ માર્ગે પ્રવર્ત્યા છે. શ્રીરામકૃષ્ણ પાપીઓ તરફ પણ અત્યંત ભાવથી જોતા. પાપીઓ પણ તેમની પાસે આવતા. શ્રી રામકૃષ્ણ એમ માનતા કે પાપીઓની પાપબુદ્ધિ પણ ફેરવી શકાય અને તેને અમુક માર્ગે વાળીને ઉપયોગી બનાવી શકાય. દરેક મનુષ્યમાં-દુષ્ટ મનુષ્યમાં પણ સાધુતાનાં બીજ રહેલાં છે. આવા સર્વ સામાન્ય પ્રેમથી નરેન્દ્ર ચકિત થતો. ઘણા પ્રકારના મનુષ્ય શ્રી રામકૃષ્ણ પાસે આવતા અને કોઈને કોઈ રીતે તેમના રંગથી રંગાઈને જતા. આથી નરેન્દ્ર ઘણોજ અચંબો પામતો !

ધર્મની આવશ્યકતા, તેનો વિજય, માનવ જીવનની સાર્થકતા, વગેરે વિષયોનાં ઊંડાં રહસ્ય સાદામાં સાદી વાણીથી સમજાવાતાં હતાં. શિષ્યોનાં હૃદયને ઉચ્ચ શિક્ષણ મળતું ચાલી તે વિકાસને પામતાં હતાં. હિંદના અનેક રૂષિઓ, મુનિઓ, મહાત્માઓ, સાધુઓ, સંતો અને ભક્તોની જીવન પોથીઓનાં પાનાં એક પછી એક ઉકેલાતાં હતાં. ક્વચિત શ્રી રામચંદ્રનો મહિમા વર્ણવાતો હતો. એક પત્ની, એક વચન, એક બાણનું માહાત્મ્ય શ્રોતાઓનાં મગજમાં ઉતારતાં હતું. શ્રી રામચંદ્રનું સત્યશીલ જીવન, અત્યંત ધાર્મિકતા, પિતૃવત્લતા, શ્રીરામ – આજ્ઞાધારક પુત્ર, ભલો, પ્રેમી અને વિશ્વાસ પાત્ર પતિ – ન્યાયી, દયાળુ અને પ્રજાપાળક રાજા – જેની નોકરી, ચાકરી, સેવા કરવાનું પણ મહદ્ ભાગ્ય ગણાતું હતું, રે, જેને માટે જીવનો પણ ભોગ આપવો એ મોક્ષ પ્રાપ્તિજ મનાતી હતી – તેવા શ્રીરામપ્રાતઃકાળનું નામ – જેના પવિત્ર નામ સ્મરણથીજ આ લોક અને પરલોકનું હિત સધાય – તેવા શ્રીરામચંદ્રનું ચરિત્ર અનેક ભાવથી ચિતરાતું હતું અને તેના શ્રવણમાં શિષ્યોનું ચારિત્ર ઘડાતું હતું. જનકની પુત્રી શ્રી જાનકી – ભગવતી શ્રી જગદંબા – જેણે અનેક કષ્ટો વેઠી પતિ સાથેજ વનવાસમાં રહેવાનું વધારે પસંદ કર્યું તે સીતા – સતી, પતિવૃતા જેના શિયળ વૃતની જ્યોતિની જ્વાળા એટલી તો પ્રચંડ ફેલાઈ રહી હતી કે તે એકલી – અનાથ – અબળા છતાં પણ તેના નિવાસ સ્થાન અશોકવાટિકામાં દુષ્ટ રાવણ પોતાનો પગ મુકતાં બળ્યો બળ્યો થઈ રહેતો હતો ! સ્વામી વિવેકાનંદ જાતેજ કહેતા કે જગતના પ્રાચીન અર્વાચીન ઇતિહાસનાં પાનાં ઉથલાવો પણ બીજી સીતા તમને મળશેજ નહી. સીતા તો સમગ્ર સંસારમાં એકજ થઈ છે !

છેવટે ભજન કીર્તન થતું અને શ્રીરામકૃષ્ણ તેમાં મુખ્ય ભાગ લેતા લેતા ભાવ સમાધિમાં આવી જતા.

આમ મહાસતી સાધ્વી સીતાના જીવનની ઉંડી છાપ શિષ્યોના હૃદય પટ ઉપર કોતરાતી હતી. ક્વચિત શ્રીકૃષ્ણનું અલૌકિક જીવન, ભક્ત વત્સલતા, સખાભાવ, સંસારી છતાં પરમ વૈરાગ્ય, યોગ, પરાક્રમ, ગીતામાં વર્ણવેલ અનુપમ બોધની ઉંડી અસર સર્વના હૃદયપર કરાતી હતી. ક્વચિત શંકરાચાર્યની મહાબુદ્ધિમત્તા, શ્રી ચૈતન્યનો ભક્તિભાવ, કબીરનું વિશાળ હૃદય અને ગુરૂ નાનકનું જ્ઞાનબળ - આમ એક પછી એકનો ચિતાર શ્રોતાઓના મગજમાં ખડો કરાવતો અને સર્વનાં હૃદય આશ્ચર્ય અને ઉત્સાહથી ઉછળી રહેતાં ! મહાભારત અને રામાયણના નરવીરો – યુધિષ્ઠિર, અર્જુન, ભીષ્મ, રાવણ, હનુમાન, વગેરેનાં પરાક્રમોનાં શ્રવણથી સર્વનાં હૃદય ચકિત થતાં! સઘળા શિષ્યો શ્રી રામકૃષ્ણને વીંટળાઈને બેસતા અને વાર્તાલાપ કરતા ! સમસ્ત આર્ય જીવન–ધાર્મિક, સામાજીક, ઐતિહાસિક–અહીઆં ચિતરાતું, ભજવાતું અને તેના ભાવ પૂર્ણ સંસ્કારો શિષ્યોનાં હૃદય ઉપર ચીતરાઈ રહેતા. શ્રીરામકૃષ્ણ ક્વચિત ક્વચિત અપૂર્વ સ્વાનુભવનું કથન કરતા અને શ્રોતાઓ બ્રહ્માનંદના રસમાં ઝબકોળાઈ તરબોળાઈ રહેતા ! છેવટે મુસલમાન ફકીરો, જિસસ ક્રાઈસ્ટના અનુયાયીઓ અને ગુરૂ નાનકના ચેલાઓ પણ શ્રી રામકૃષ્ણની પાસે આવતા. બંગાળાનો પ્રસિદ્ધ નાટકકાર ગિરીશબાબુ કે જેણે પોતાનું જીવન જેમ ફાવે તેમ સંસારની મોજમઝા ભોગવવામાંજ ગાળ્યું હતું તે એક દિવસ શ્રીરામકૃષ્ણની પાસે આવ્યો. શ્રીરામકૃષ્ણ મહાકાળીના મંદિરમાં હતા અને શ્રીકાળીની સ્તુતિ કરી રહ્યા હતા. તેમનો સાચો ભાવ જોઇને ગિરીશબાબુ બોલી ઉઠ્યો “આ માણસ ગમે તો એક પક્કો ઠગ હોય કે સાધુ હોય !” ગિરીશબાબુએ શ્રી રામકૃષ્ણને સાધુ તરીકે કેવી રીતે ઓળખ્યા અને તે તેમનો શિષ્ય કેવી રીતે બની રહ્યો એ કથા ઘણી લાંબી છે. એક દિવસ ગિરીશબાબુ અત્યંત ભાવ ભક્તિથી શ્રીરામકૃષ્ણને પુછવા લાગ્યો કે “મારે તરવાનો કંઈ ઉપાય છે ?” શ્રીરામકૃષ્ણ કહ્યું “તમે ભગવાનનું યા મારૂં નામ દરરોજ સાચા ભાવથી ત્રણ વખત લેજો.” એટલું પણ નહી બની શકે એમ જ્યારે ગિરીશે જણાવ્યું ત્યારે શ્રીરામકૃષ્ણે તેને બે વાર નામ લેવાનું કહ્યું. તેની પણ ના પાડી ત્યારે એકવાર લેવાનું કહ્યું અને તેની પણ ના પાડી ત્યારે શ્રીરામકૃષ્ણ કહ્યું કે તું જે જે કરે તે સઘળું પ્રભુનેજ સમર્પિ દે. આમ ગિરીશબાબુ કે જે એકવાર પણ શ્રીરામકૃષ્ણનું નામ લેવાની ના પાડતો હતો તે દિવસમાં ક્ષણવાર પણ તે નામના રટણ વગર રહેતો નહી અને આખરે “શ્રીરામકૃષ્ણ” એમ મુખે બોલતો બોલતો મૃત્યુને વશ થયો હતો. શ્રીરામકૃષ્ણનો આ અલૌકિક પ્રભાવ હતો. બંગાળાના પ્રસિદ્ધ પુરૂષો, વૈદ્યો, દાક્તરો, વકીલો, ગ્રંથકારો, લેખકો, પ્રોફેસરો, ધર્મગુરૂઓ, સર્વ શ્રીરામકૃષ્ણની પાસે આવતા અને તેમને નમતા. સર્વ તેમની પરિક્ષા કરતા, તેમની સમાધિ જોતા ! અને તેમનો સાચો ભાવ જોઈને આધ્યાત્મિકતા વિષે ઉંચો અભિપ્રાય બાંધતા.

આ સઘળું જોઈને નરેન્દ્ર ચકિત થતો. શ્રીરામકૃષ્ણ વિષે તેનો પૂજ્યભાવ વધતો. તેમને તે કોઈ અલૌકિક પુરૂષ ધારતો. આવા મહાન પુરૂષના વ્હાલા શિષ્ય થવાના મહદ્ ભાગ્યને તે હવે સમજવા લાગ્યો. તે નમ્રતાથી બોલવા લાગ્યો “મારા ગુરૂ આગળ હું તે કોણ માત્ર ?” આ નમ્રતા નરેન્દ્રમાં સર્વદા રહેલી જણાતી અને મોટી વયે પણ જ્યારે તેને યશ મળતો ત્યારે તે યશ પોતે પોતાને માથે લેતો નહી; પણ પોતાના ગુરૂનું નામ આગળ કરી તેનેજ તે અર્પણ કરી દેતો.

સંસારમાં ધનાઢ્ય લેખાતા અને મોટી પદવીએ ચઢેલા પુરૂષોથી શ્રીરામકૃષ્ણ જરાક પણ અંજાતા નહી કે તેમના તેજમાં તણાતા નહીં. એક ધનાઢ્ય પુરૂષને તે કહેતા “કીડાઓથી ખવાઈ ગયેલા, જુના પુરાણા સંસારમાં લુબ્ધ થયેલા ગૃહસ્થ તમે છો !” બીજા એક પ્રજાના નેતા થઇને ફરનાર પુરૂષને તેમણે કહ્યું કે “લોકો તમને મોટા ગણે છે, પણ હું તમને મોટા ગણતો નથી. તમે હલકા મનના માણસ છો.” આમ શ્રીરામકૃષ્ણની પાસે સંસારના ધનવાનો, સત્તાધીશો અને સ્વાનુભવ વગરના મોટા પંડિતોની મોટાઈ નભતી નહિ.

સ્વામી વિવેકાનંદનું જીવન ચરિત્ર જો આપણે બારિકીથી તપાસીએ તો આપણને માલમ પડશે કે શ્રીરામકૃષ્ણના સઘળાં ગુણોની તે હાલતી ચાલતી મૂર્તિ જ બની રહ્યા હતા. ન્હાનો નરેન્દ્ર મોટી વયે અન્ય સ્વરૂપમાં દેખાતો શ્રીરામકૃષ્ણજ હતો. આમ ગુરૂ અને શિષ્યનો અભેદ સધાયો હતો. શ્રીરામકૃષ્ણની સંનિધિમાં મનુષ્ય સ્વભાવના અનેક રંગોનું અવલોકન કરવાનો નરેન્દ્રને પ્રસંગ મળ્યો હતો અને મનુષ્ય સ્વભાવનું આ બારિક નિરીક્ષણ તેને આગળ ઉપર ઘણુંજ કામ લાગ્યું હતું.

શ્રીરામકૃષ્ણે એક વખત આપેલો બોધ અને પોતે આપેલો જવાબ નરેન્દ્ર વારંવાર યાદ કરી તેમના હૃદયની વિશાળતા તે મનમાં ધારણ કરતો. શ્રીરામકૃષ્ણે એક વાર કહ્યું હતું કે “ધાર્મિક મનુષ્યોની વિરૂદ્ધ સંસારી મનુષ્યો અનેક રીતે બોલે છે, પણ ધાર્મિક મનુષ્યોએ રસ્તામાં ચાલતા હાથીની માફક વર્તવું જોઈએ. હાથી પાછળ કુતરાં ઘણાંએ ભસે છે, પણ હાથી તેની દરકાર ન કરતાં પોતાને રસ્તે ચાલ્યોજ જાય છે.” લોકો તારૂં ભુંડું બોલે તો તું શું કરે ?” નરેન્દ્રે સરલ ભાવે જવાબ આપ્યો “હું તેમને ભસતા કુતરાઓ ધારૂં." શ્રીરામકૃષ્ણ પુષ્કળ હસ્યા અને બોલ્યા “ના, ના, તારે એટલો બધો નીચો અભિપ્રાય બાંધવાનો નથી; તારે તેમની દરકાર કરવી નહી પણ દરેક મનુષ્યમાં નારાયણનું સ્વરૂપ જોવું. પરમાત્મા દરેક વસ્તુમાં વસે છે અને તેમાં રહી અનેક રીતે ક્રીડા કરે છે. એક સાધુ–નારાયણ હોય અને બીજો ખલ–નારાયણ હોય !”

સ્વામી વિવેકાનંદ તરીકે નરેન્દ્રે આ વિશાળ બોધને બરાબર અમલમાં મુક્યો હતો. કારણકે જ્યારે બીજા પંથના અનુયાયીઓ અને ક્રિશ્ચિયન પાદરીઓ તેમની અદેખાઈથી અત્યંત નિંદા કરતા હતા અને તેમની વિરૂદ્ધ અનેક પગલાં ભરતા હતા ત્યારે પણ શ્રીરામકૃષ્ણ પરમહંસનો સાચો શિષ્ય નરેન્દ્ર–વિવેકાનંદ તે સઘળું શાંતપણે સહન કરી રહેતો અને તેમના પ્રયાસોને માત્ર હસીજ કહાડતો. તે સર્વ નારાયણનાં જુદાં જુદાં સ્વરૂપ છે એમ તે મનમાં લાવતો અને ઉલટો તેમને આશિર્વાદ દેતો. આમ શ્રીરામકૃષ્ણના બોધને તે અનુસરતો અને પોતાના વિશાળ હૃદયથી વેદાન્ત ધર્મની મહતા, સત્યતા અને વ્યવહારીકતા સૌના મનમાં ખડી કરતો.

એક વખતે શ્રીરામકૃષ્ણ સાથે નરેન્દ્ર જુદા જુદા ધર્મો વિષે વાદવિવાદ કરતો હતો. કેટલાક પંથોની ખામીઓ બતાવીને તે તિરસ્કાર કરવા લાગ્યો. શ્રી રામકૃષ્ણ તેના તરફ પ્રેમથી જોવા લાગ્યા અને બોલ્યા “મારા દિકરા, દરેક ઘરને પછવાડે પણ એક બારણું હોય છે. જો કોઈની મરજી હોય તો તે પાછલે બારણેથી પણ ઘરની અંદર કેમ ન પેસે ! પણ હું તારી પેઠે સ્વીકારૂં છું કે આગલે બારણેથી પેસવું એ શ્રેષ્ઠ છે,” આ પ્રમાણે બોધ કરવાની યુક્તિથી નરેન્દ્ર આશ્ચર્ય પામ્યો. અમુક ધર્મ સારો અને અમુક ખોટોજ એવા સાંકડા વિચાર તેના મનમાંથી ખસવા લાગ્યા. ક્રિશ્ચિયનો માને છે કે દરેક મનુષ્ય પાપી છે. શ્રી રામકૃષ્ણ આ સિદ્ધાંતને ઘણોજ વખોડતા અને તે સ્થાને “સર્વ મનુષ્ય પરબ્રહ્મ સ્વરૂપ છે” એવો વેદાન્તનો મહાન સિદ્ધાંત નરેન્દ્રના મનમાં દૃઢપણે ઠસાવતા.

શ્રી રામકૃષ્ણ સર્વ ધર્મ તરફ સમાનદૃષ્ટિ શિખવતા, પરમાત્મા તરફ ચિત્તને સર્વદા લગાડેલું રાખવું એજ જીવનનું કર્તવ્ય છે એમ તે કહેતા, સંસારના પદાર્થોની વાતથી તે કંટાળો ખાતા. કેટલાક સાંસારિક મનુષ્યો તેમની પાસે સંસારની વાત કરતા જોઈને તે બોલી ઉઠતા “ઓ, માતા, આવા મનુષ્યોને તેં મારી પાસે શા માટે આણ્યાં છે ?”

શ્રી રામકૃષ્ણના આધ્યાત્મિક જીવન અને ઉપદેશોથી નરેન્દ્રના જીવનમાં અદ્ભુ‌ત ફેરફાર થયા હતા. જ્યાં લીલું ઘાસ ઉગેલું હોય તેવી જમીન ઉપર શ્રી રામકૃષ્ણ ચાલતા નહોતા. લીલા ઘાસમાં જીવો છે અને તેથી ઘાસને ઇજા થાય અને તેમાં રહેલો જીવ નાશ પામે એમ તે કહેતા. કોઈ અન્ય મનુષ્યને માર મારવામાં આવે તો તે જાણે કે પોતાના જ શરીરને વાગે છે કેમ કરીને એકદમ આંચકા ખાતા, શરીરને સંકોચતા અને અત્યંત દુ:ખની લાગણી દર્શાવતા, ગરિબ અને દુ:ખી મનુષ્યોને જોઇને તેમનો આત્મા કકળી ઉઠતો અને તેમનું દુ:ખ મટાડવાને તે સર્વને વિનંતિ કરતા તથા ઘેર ઘેર ફરીને પણ કોઈવાર તેને માટે યાચના કરતા.

સાચી સાધુતા, આત્મભાવ પ્રગટાવવામાં અને દીનદુઃખીઓના દુઃખે દુખી થવામાં જ રહેલી છે, એમ શ્રી રામકૃષ્ણનું ચરિત્ર સર્વને કહી રહ્યું હતું. પ્રભુપૂજામાં ઘડી બેઘડી ગાળવી અને પછી બધો વખત જગતના પ્રપંચમાં ડુબી રહેવું કે દુઃખીઓના દુઃખ તરફ ઉદાસીનતા દર્શાવવી એ તો પ્રભુપૂજાની મશ્કરી છે એમ તે કથી રહ્યું હતું. શ્રી રામકૃષ્ણ પોતાના જીવનથી આ બાબતમાં અદ્વૈતવાદી તેમજ પ્રભુ ભક્ત તરીકે અતિ ઉમદા દૃષ્ટાંત પુરૂં પાડીને દર્શાવતા હતા કે પૃથ્વી, પાષાણ, વૃક્ષ, તૃણ, પ્રાણી, મનુષ્ય, સર્વમાં એકજ જીવ, એકજ જીવન, એકજ આત્મા વ્યાપી રહેલો છે; આ સર્વ પરમાત્માનાં જુદાં જુદાં સ્વરૂપ છે, તેમના સુખે સુખી થાવ. તેમના દુઃખે દુઃખી થાવ, જગત પરમાત્માનું વિરાટ સ્વરૂપ છે જન સેવા વગર પ્રભુ સેવા અધુરીજ છે, તેમજ પ્રભુ ભકિતના રંગથી રંગાયા વગરની જન સેવા પણ પરમ કલ્યાણની સાધક નથી.

एकोदेवः सर्वभूतेषु गूढः सर्व साक्षि सर्व भूतांतरात्मा।
आत्मवत् सर्व भूतेषु यो पश्यति स पश्यति ॥

આર્ય શાસ્ત્રોના આ અમૂલ્ય સિદ્ધાંત શ્રી રામકૃષ્ણના જીવનમાં મૂર્તિમંત થયેલા નરેન્દ્રે નિહાળ્યા, તે જીવનના બોધક બનાવો તેના હૃદયમાં કોતરાઈ રહ્યા, અને શ્રી રામકૃષ્ણની વિશાળ ભાવનાઓએ નરેન્દ્રના હૃદયને એટલું વિશાળ બનાવી દીધું કે જ્યારે તે સ્વામિ વિવેકાનંદ તરીકે બહાર પડ્યો ત્યારે તેણે શ્રી રામકૃષ્ણ મિશન એ નામની સંસ્થા સ્થાપી અને તેણે અને તેના શિષ્યોએ ભારતવર્ષનાં અનેક નિર્ધન, દુઃખી, નિરાધાર, વૃદ્ધ, રોગીષ્ટ, ક્ષધાથી કે પ્લેગથી પિડાતાં કે કોઈ પણ પ્રકારની આધિ, વ્યાધિ કે ઉપાધિમાં કચડાતાં લાખો સ્ત્રી પુરૂષોને અનેક રીતે સહાય પહોંચાડી. પોતાના પ્રાણની પણ દરકાર કર્યા વગર સ્વામી વિવેકાનંદે પ્લેગના દરદીઓની સારવાર કરી છે અને તેમને આશ્વાસન આપ્યું છે. નિર્ધન અને નિરાધારને માટે અનાથાશ્રમો ખોલ્યાં છે. રોગીઓને માટે દવાખાનાં ઉઘાડ્યાં છે. તેમણે અનેક પારમાર્થિક કામો કરી જગતને દર્શાવી આપ્યું છે કે શ્રી રામકૃષ્ણની માફક વિવેકાનંદ પણ आत्मवत सर्व भूतेषु । એ મહાન સિદ્ધાંતને પોતાના દરેક કાર્યમાં ક્ષણે ક્ષણે અનુસરે છે.

નરેન્દ્ર હવે શ્રી રામકૃષ્ણના અગાધ પ્રેમનું પાત્ર બની રહ્યો હતા. તે હવે ઉચ્ચ અધિકારી બન્યો હતો. શરીર અને આત્મા જુદાં છે એવું ભાન વારંવાર તેને થતું. તે ધ્યાન ધરતો અને ધ્યાનની અમુક અમુક દશાઓની સાબિતિઓ પણ તેને મળતી. ધ્યાનાવસ્થા તો તેની સ્વાભાવિક પ્રકૃતિજ બની રહી હતી. ચિત્તની એકાગ્રતા સધાઇ હતી આથી કરીને તે કોઈ પણ વિષયમાં ઘણો જ ઉંડો ઉતરી શકતો અને તેની ઉપર નવુંજ અજવાળું પાડતો.

પોતે પ્રાપ્ત કરેલી શક્તિઓ ખરી છે કે ખોટી તે હવે નરેન્દ્ર અજમાવી જોવા લાગ્યો. એક દિવસ તે પોતાના એક ગુરૂભાઈ (અભેદાનંદ) ઉપર પોતાની શક્તિ અજમાવવા લાગ્યો. દિવસ મહાશિવરાત્રીનો હતો. શિવપૂજન ચાલી રહ્યું હતું. ઘણા વખતથી ધ્યાન ધરીને નરેન્દ્ર બેઠો હતો. ધ્યાનમાંથી ઉઠ્યા પછી તરતજ તે અભેદાનંદની પાસે જઈને બેઠો. તેને તેણે સ્પર્શ કર્યો. પોતાના સ્પર્શ માત્રથીજ અભેદાનંદને આત્માના આનંદની કાંઇક ઝાંખી ઉત્પન્ન કરાવવી એ તેનો વિચાર હતો. આ બનાવ વિષે અભેદાનંદ લખે છે “નરેન્દ્રે મને સ્પર્શ કર્યો કે તરતજ મારા આખા શરીરમાં એક પ્રકારની જાદુઈ અસર વ્યાપી રહી. વિજળીનો પ્રવાહ જાણે કે ચાલી રહ્યો હોય તેમ મને લાગ્યું. તરતજ હું ઘણા ઉંડા ધ્યાનને વશ થઈ ગયો અને અવર્ણનીય આનંદની લેહેરમાં મારા શરીર કે જીવનું પણ ભાન ભુલી ગયો.” આ પ્રમાણે નરેન્દ્ર પોતાની શક્તિઓની ખાત્રી પણ કરી જોતો હતો. હજી તેને ઉંડી નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થતી નહોતી. તે સમાધિ પ્રાપ્ત કરાવવાને તે વારંવાર શ્રી રામકૃષ્ણને વિનતિ કરતો. શ્રી રામકૃષ્ણ વધારે વધારે સ્નેહથી તેને નિહાળતા અને કંઇ બોલતા નહિ. હજી પણ નરેન્દ્રને બીજું શિક્ષણ આપવાનું હતું અને ત્યાર પછી જ તેને સમાધિનો અનુભવ કરાવવાનો હતો.