સ્વામી વિવેકાનંદ/પરમહંસદેવનું દેહાવસાન

← નરેન્દ્રને નિર્વિકલ્પ સમાધિ સ્વામી વિવેકાનંદ
પરમહંસદેવનું દેહાવસાન
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
ભાવીજીવનનો ઉષ:કાલ અને મઠમાં જ્ઞાનાનંદ →


પ્રકરણ ૨૨ મું – પરમહંસદેવનું દેહાવસાન.

શ્રીરામકૃષ્ણનો સત્સંગ તેમજ સેવા કરવામાં નરેન્દ્ર સર્વથી વધારે ભાગ લેતો. હવે શ્રીરામકૃષ્ણનું શરીર થોડા દિવસને માટેજ હતું. સર્વ શિષ્યો અતિશય ભાવપૂર્વક તેમની સેવા કરતા હતા.

હવે એવા દિવસો આવ્યા કે શ્રીરામકૃષ્ણ વાતચિત કરતા પણ અટકી ગયા !

અવાચક થતાં પહેલાં શ્રીરામકૃષ્ણ સઘળા શિષ્યોને પોતાની પાસે એકઠા કર્યા, અને નરેન્દ્રને પોતાની પાસે બેસાડીને કહ્યું : “આ સંઘળાં બાળકોને હું તને સોંપું છું. તું આ સર્વમાં વધારે બુદ્ધિશાળી અને ડાહ્યો છે. તેમને પ્રીતિથી યોગ્ય માર્ગે દોરજે અને ખૂબ લોક સેવા કરજે.”

શ્રીરામકૃષ્ણ દરેક સાંજે નરેન્દ્રને પોતાની ઓરડીમાં બોલાવતા અને અનેક સાધનાઓ સંબંધી બોધ આપતા. આ વખતે બીજા કોઈ પણ શિષ્યને અંદર જવાનો અધિકાર નહોતો; કારણકે નરેન્દ્ર શ્રીરામકૃષ્ણનો વ્હાલો અને સર્વમાં ઉચ્ચ અધિકારવાળો શિષ્ય હતો. બીજાઓને તે એટલુંજ કહેતા કે નરેન્દ્ર તમને સઘળું શિખવશે.

શ્રીરામકૃષ્ણની મહાસમાધિનો દિવસ હવે છેક નજીક આવી પહોંચ્યો. તેમનું જીર્ણ શરીર જોઈને નરેન્દ્ર ઘણોજ શોકાતુર બની ગયો. શ્રીરામકૃષ્ણનો ભાવી વિયોગ તેને ઘણોજ સાલવા લાગ્યો. તેને શોકાતુર થયેલો જોઇને શ્રીરામકૃષ્ણે પોતાની પાસે બોલાવ્યો. ઓરડીનાં દ્વાર બંધ કરવામાં આવ્યાં અને નરેન્દ્રને ધ્યાન ધરવાનું ફરમાવવામાં આવ્યું. ગુરૂ શિષ્ય બંને એકલાજ હતા. નરેન્દ્રને સમાધિ પ્રાપ્ત થઈ ! તેને જ્યારે દેહનું ભાન આવ્યું ત્યારે શ્રીરામકૃષ્ણ બોલી ઉઠ્યા : “મારા નરેન્દ્ર, આ જગતમાં તારે હવે કાંઈ પણ કર્તવ્ય પ્રાપ્તવ્ય રહ્યું નથી; તારો સ્વભાવ અને પ્રારબ્ધ લોક સેવામાં જ છે. માટે પ્રકૃતિને તેના માર્ગે નિર્ભય બની રહેવા દેજે. પણ હજી કેટલોક સમય તારા અભ્યાસને અને પ્રકૃતિને પરિપક્વ થવા દેજે. તારા તન મનમાં જે ઉચ્ચતમ શક્તિઓનો સંચય છે તેનાવડે સમય આવતાં આ જગતમાં મોટાં કાર્યો તું કરીશ અને તે પછી પ્રારબ્ધ પૂર્ણ થતાં તું તારા સ્વરૂપમાં ભળી જઈશ.” નરેન્દ્ર રોઈ પડ્યો. એક બાળકની માફક તે રોયો, છેવટે મન મજબૂત કરીને ગુરૂ દેવની આજ્ઞા પોતાને શિરોવંદ્ય છે એમ દર્શાવવાને તેમની ચરણરજ લઈ તેણે પોતાને માથે ચડાવી.

સમય રાત્રિનો હતો. શ્રીરામકૃષ્ણનું શરીર અંત સમયની વ્યથા ભોગવી રહ્યું હતું. શિષ્યો આસપાસ વીંટળાઈ વળ્યા હતા. મધ્યરાત્રિએ સર્વત્ર શાંતિ વ્યાપી રહી હતી.

તે સમયે શ્રીરામકૃષ્ણ મુખથી ૐ ૐ બોલતા મહાસમાધિને પ્રાપ્ત કરી રહ્યા. આ જોઈને નરેન્દ્ર ગાંડા જેવો બની ગયો ! ગુરૂનો દેહ છુટી ગયો ! તેમના મુખ તરફ નરેન્દ્ર જોઈ શક્યો નહીં. જોતે જોતે તે પુષ્કળ રોવા લાગ્યો. જે પ્રેમભર્યાં ચક્ષુઓ તેના તરફ વારંવાર જોઈ રહેતાં તે હવે સદાને માટે મીંચાઈ ગયાં ! જે મુખમાંથી વારંવાર આશિર્વાદનો ઝરો ઝરતો તે હવે સદાને માટે બંધ થઈ ગયું ! નરેન્દ્રને આ બનાવ ઘણોજ અસહ્ય લાગ્યો. હવે તે એકલો પડ્યો. તેના મનમાં હજારો વિચારો તરી આવવા લાગ્યા. અરે, શ્રી રામકૃષ્ણને વધારે ચ્હાયા હોત અને તેમને વહેલા ઓળખ્યા હોત તો કેવું સારું થાત ! નરેન્દ્ર આમ અનેક રીતે મનમાં પસ્તાવા લાગ્યો. શ્રીરામકૃષ્ણના શબને સ્મશાન ભૂમિમાં લઈ જવામાં આવ્યું અને અગ્નિ સંસ્કાર કરી સર્વ શિષ્યો તેની આસપાસ પ્રાર્થના કરતાં દંડવત પ્રણામ કરવા લાગ્યા, નરેન્દ્ર સૌની વચમાં ઉભો હતો. તે શાંત થઈ ગયો હતો. ત્યાં હજારો મનુષ્ય એકઠાં થયાં હતાં અને સૌ “જય શ્રીરામકૃષ્ણ, જય શ્રીરામકૃષ્ણ” નો પોકાર કરી રહ્યા હતા. આ વખતે ઇશ્વરની અગાધ લીલાનો વિચાર કરતો, શ્રી રામકૃષ્ણના અદ્ભુત જીવનનો વિચાર કરતો, કંઇક શોકમાં ડુબતો, નરેન્દ્ર આ જયઘોષ સાથે તદાકાર બની શ્રીરામકૃષ્ણના આત્મા સાથે પોતાના આત્માને ઉંચે ઉરાડી રહ્યો હતો.