સ્વામી વિવેકાનંદ/માબાપની દેખરેખ નીચે

← વિદ્યાર્થી જીવન સ્વામી વિવેકાનંદ
માબાપની દેખરેખ નીચે
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
મહત્તાનું ભાન →


પ્રકરણ ૭ મું ― માબાપની દેખરેખ નીચે.

માતા પિતા બંનેના ગુણની જુદી જુદી અસર બાળકોના મન ઉપર થાય છે. ઘણુંખરૂં બુદ્ધિનો વારસો પિતા તરફથી અને નીતિ અને સહૃદયતાનો હિસ્સો માતા તરફથી મળે છે. પિતા બુદ્ધિને ખીલવે છે અને જીવનનાં કાર્યોને વિશાળ દૃષ્ટિથી જોતાં શિખવે છે. માતા હૃદયને ખીલવે છે, અને લાગણીવાળું તથા નીતિમાન બનાવે છે અને ચારિત્રને ઘડે છે. માતાએ અર્પેલાં આ નીતિ અને સહૃદયતા જ બુદ્ધિને ટકાવી રાખે છે, કારણ કે નીતિ વગર બુદ્ધિ ટકી શકતી નથી. આથીજ માનવ ચારિત્ર ઉપર માતાનો પ્રભાવ વિશેષ ગણાય છે. આવાજ કંઈક અનુભવને લીધે નરેન્દ્ર-વિવેકાનંદ-પ્રખ્યાતિમાં આવ્યા ત્યારે બહુજ મગરૂરીથી કહેતા હતા કે “મારી બુદ્ધિને માટે હું મારી માતાને આભારી છું.”

દરેક માતા પોતાનાં સંતાનોને બોધ તો આપે છેજ, પણ કેટલીક માતાઓનો બોધ ચારિત્રની ઉંડી છાપવાળો હોય છે. આવી માતાઓજ મહાન પુરૂષોને ઉત્પન્ન કરવાને ભાગ્યશાળી થાય છે. આવી માતાઓનું ચારિત્ર તેમના શબ્દે શબ્દમાં ખડું થાય છે અને તે બાળકના મન ઉપર વધારે ઉંડી છાપ પાડે છે. ઘણાખરા મહાન પુરૂષોનાં ચરિત્રો તપાસતાં માલમ પડે છે કે તેમની માતાઓએ અર્પેલા ઉચ્ચ સંસ્કારોને લીધે જ તેઓ મહાન પુરૂષ બનવાને શક્તિમાન થયા હતા. તેમની માતાઓ ઉચ્ચ સંસ્કારવાળી ન હોત તો તેઓ મહત્તાને પ્રાપ્ત કરી શક્યા નહોત. તેની માતા વગર નેપોલિયન પ્રખ્યાતિમાં આવ્યો નહોત. મહાન અંગ્રેજ ગ્રંથકાર કાર્લાઇલ, ઇંગ્લાંડનો વડા પ્રધાન ગ્લૅડસ્ટન અને બંગાળાના પ્રસિદ્ધ ધાર્મિક પુરૂષ કેશવચંદ્રસેન તથા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, વર્તમાન મહાત્મા ગાંધીજી, મૌલાના મહમદઅલી અને શૌક્કતઅલી, આ સર્વ અસામાન્ય પુરૂષો તેમની માતાઓના બોધ વગર પ્રસિદ્ધિમાં ભાગ્યેજ આવ્યા હોત.

નરેન્દ્રના જન્મ પહેલાં જ પુત્ર થાય તો સુપુત્ર થાય એમ ભુવનેશ્વરી દેવી દૃઢપણે ઈચ્છતાં ! તેના જન્મ પછી “નરેન્દ્ર એક મહાન ધાર્મિક પુરૂષ થાય” એમ તેમની તીવ્ર ઇચ્છા હતી અને તે ઈચ્છા પુરી પાડવાને દરરોજ તે પ્રભુ પ્રાર્થના કરતાં અને અનેક સાધનો યોજતાં. તેની બાલ્યાવસ્થામાં અને તેની યુવાવસ્થામાં તેના મનનું વલણ વાળવામાં, હિંદુ ધર્મના સિદ્ધાંતો મુજબ તેનું ચારિત્ર ઘડવામાં અને તેના મનમાં રામાયણ અને મહાભારતની વાર્તાઓ ઠસાવવા પાછળ તે મંડ્યાં ને મંડ્યાંજ રહેતાં. લક્ષ્મીને તે તુચ્છ ગણતાં અને તેના કરતાં સત્યશીલ જીવન વધારે કિંમતી ગણતાં. શાળાના અભ્યાસ ઉપર તે ઘણીજ દેખરેખ રાખતાં અને પોતાના ચારિત્ર અને ધાર્મિક જીવનથી પુત્રનું ધાર્મિક જીવન ઘડતાં અને તેના હૃદયમાં નૈતિક અને આધ્યાત્મિક બળ રેડતાં, આવું નૈતિક અને આધ્યાત્મિક બળ પોતાનાં બાળકોના હૃદયમાં કેટલી માતાઓ હાલમાં રેડતી હશે !

કોલેજમાં ગયા પછી પાશ્ચાત્ય વિદ્યાના સંસર્ગથી નરેન્દ્રના મનમાં અનેક વિચારોનું તુમુલ યુદ્ધ મચી રહ્યું હતું. તે વખતે પણ ભુવનેશ્વરી પ્રભુને પ્રાર્થના કરતાં કે તેના ચિત્તમાં જલદીથી સમાધાન થાય. તેના ગુરૂની પાસે નરેન્દ્ર જ્યારે બોધ ગ્રહણ કરવા લાગ્યો ત્યારે તે વધારે ને વધારે ઇશ્વર ભક્તિ કરવા લાગ્યાં. આમ ડગલે ને પગલે માતા તેની પાછળજ હતાં ! નરેન્દ્ર વિવેકાનંદ તરીકે પ્રખ્યાત થયો તે પણ ભુવનેશ્વરીએ જોયું અને જ્યારે તેનું મૃત્યુ થયું ત્યારે પણ માતા તેના શબ પાસે ઉભી ઉભી આંખમાં અશ્રુ આણીને પ્રભુ પ્રાર્થનાજ કરી રહ્યાં હતાં !

ભુવનેશ્વરીને સાક્ષાત જગદંબા-ઈશ્વરી શક્તિ તરીકે નરેન્દ્ર જોતો અને પૂજતો. વિવેકાનંદ તરીકે તે પ્રખ્યાત થયો ત્યારે તે કહેતો : “કોઇપણ મોટો માણસ એવો નહિ હોય કે જેણે પોતાની માને ખરેખરી રીતે પૂજી નહિ હોય !” તેના તરફ ભાવથી જોતાં જાણે કે તે સાક્ષાત્ દેવી સામે જોતો હોય તેવો તેને ભાવ આવી જતો. દરેક માતા દેવીનો અંશ છે એમ તે માનતો અને આથી કરીને મોટી વયે કલકત્તામાં આવેલી દેવી કાળીનો તે મહાન ઉપાસક બની રહ્યો હતો. ભુવનેશ્વરીમાં કંઈક વિશેષતા છે, કંઈક નવિનતા છે એમ નરેન્દ્રને લાગતું. કંઈ પણ વાત હોય તો તે પોતાની માતાને કહેતો અને તેની આજ્ઞા પુરેપુરી માનતો. ભુવનેશ્વરી તેને વારંવાર કહેતાં કે મારા દીકરા ! મરવું પડે તો પણ સાચું જ બોલજે અને અડગ નિશ્ચયવાળો રહેજે !”

ભુવનેશ્વરી દેવીની આ શિખામણનું પાલન કરવાનું નરેન્દ્ર કદી પણ ચૂક્યો નથી. તેની માતા પ્રત્યે નરેન્દ્રને એટલો તો પ્રેમ હતો કે તે સાધુ થયો અને વિવેકાનંદ તરીકે પ્રખ્યાતિમાં આવ્યો ત્યાર પછી પણ વારંવાર પોતાનો મઠ છોડીને ભુવનેશ્વરી પાસે તે જતો અને તેમને મદદ કરતો.