સ્વામી વિવેકાનંદ/રામકૃષ્ણ મિશનની સ્થાપના
← કલકત્તામાં આગમન | સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ મિશનની સ્થાપના રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ |
પંજાબ વગેરે તરફ વિચરણ → |
પ્રકરણ ૪૭ મું – રામકૃષ્ણ મિશનની સ્થાપના.
કલકત્તામાં સ્વામી વિવેકાનંદનું ચિત્ત અનેક બાબતોમાં પરોવાઈ રહ્યું હતું; છતાં દક્ષિણેશ્વરની પાસે આવેલા આલમબજાર મઠ તરફ તેમનું લક્ષ્ય વધારે હતું. ઘણા વરસના વિયોગ પછી સ્વામી વિવેકાનંદને–તેમના વ્હાલા નરેન્દ્રને–જોઇને મઠના સાધુઓની ખુશાલીનો પાર રહ્યો નહિ.
શ્રી રામકૃષ્ણ સાથે ગાળેલા દિવસો અને પરિવ્રાજક સાધુઓ તરિકે ગાળેલો સમય સર્વેને યાદ આવવા લાગ્યો. સ્વામીજી પાતાના ગુરૂભાઈઓ અને શ્રીરામકૃષ્ણના ભક્તોને પશ્ચિમની અનેક વાતો અને અનુભવો કહેવા લાગ્યા. ધીમે ધીમે સ્વામીજી તેમની દૃષ્ટિને ઘણી વિશાળ બનાવવા લાગ્યા. પોતાના પાશ્ચાત્ય શિષ્યોને તેમની સાથે મેળવવા લાગ્યા. પ્રથમ તો તેમના જુના વિચારના અને ધર્મચુસ્ત ગુરૂભાઈઓ તેઓને સહવાસ રાખવાની ના પાડવા લાગ્યા; પરંતુ ધીમે ધીમે તેમના મનનું સાંકડાપણું સ્વામીજીએ કહાડી નાંખ્યું અને સર્વે ગુરૂભાઇઓ પાશ્ચાત્ય શિષ્યોને પણ પ્રભુનાં બાળકો, શ્રીરામકૃષ્ણના ભક્તો અને પોતાનાં સગાંવહાલાં તરિકે ગણવા લાગ્યા. સર્વે ગુરૂભાઇઓ મનમાં સમજવા લાગ્યા કે પાશ્ચાત્ય શિષ્યો માત્ર નામમાંજ પાશ્ચાત્યો છે, વિચારમાં અને આચારમાં તો તેઓ ખરેખરા હિંદુ–રે, બ્રાહ્મણ જેવાજ બની રહેલા છે !
સ્વામીજીની શારીરિક સ્થિતિ હવે બરાબર રહેતી નહિ, તેમને અત્યંત શ્રમ લેવો પડ્યો હતો. સ્વામીજી આરામ લેવાની ઈચ્છા કરતા હતા, પણ તેમનો પરોપકારી સ્વભાવ તેમને જરાયે જંપીને બેસવા દે તેમ નહોતું. દાક્તરોએ આરામ લેવાની સલાહ આપવાથી સ્વામીજીએ ભાષણો આપવાનાં બંધ કર્યાં, પણ મનમાં બે મોટા મઠ સ્થાપવાની યોજનાઓ ઘડવા માંડી. પોતાના અમેરિકન અને અંગ્રેજ શિષ્યોની સહાયથી સ્વામી વિવેકાનંદે બે મોટા ભવ્ય મઠોની સ્થાપના કરી. એક મઠ કલકત્તામાં આવેલો છે અને તે બેલુરમઠને નામે ઓળખાય છે. બીજો મઠ હિમાલયમાં છ હજાર ફીટ ઉંચા શિખર ઉપર બાંધવામાં આવેલો છે. તે માયાવતી અદ્વૈત આશ્રમ નામથી ઓળખાય છે. બંને મઠોની અંદર ન્યાત જાતના ભેદ વગર સર્વેને વેદાન્તનું શિક્ષણ આપવામાં આવે છે. એમાંના અદ્વૈત આશ્રમમાં મુખ્યત્વે કરીને અમેરિકન અને અંગ્રેજ શિષ્યો રહે છે.
આપણા જુના વિચારના સંન્યાસીઓ ગરિબ અને તવંગરને એકજ પ્રકારનો બોધ આપી રહેલા છે. બંનેને તેઓ જગતના મિથ્યાપણાનીજ વાતો કર્યા કરે છે. જેને ખાવાને અન્ન નથી તેને પણ બ્રહ્મ અને માયાનીજ વાતો સમજાવ્યા કરે છે. પણ જેના પેટમાં ખાડા પડેલા હોય તેને એવું બ્રહ્મજ્ઞાન રૂચેજ ક્યાંથી ? સ્વામી વિવેકાનંદ જેને અન્ન કે વસ્ત્રની જરૂર હોય તેને ત્યાગ ધર્મનો ઉપદેશ કરતા નહિ. તેઓ તેને તેની આર્થિક સ્થિતિ સુધારવાનો બોધ કરતા અને બને તો તેને તેનો ઉપાય પણ બતાવતા. પ્રજારૂપી વૃક્ષનાં મૂળ, ડાળાં અને થડ, સર્વેને પોષણ આપનારી સઘળી પ્રવૃત્તિઓ તરફ સ્વામીજીની સહાનુભૂતિ હતી. પ્રજારૂપી વૃક્ષનાં મૂળને પોષવાં અને ડાળાં તરફ બેદરકાર રહેવું કે ડાળાંને પોષવા અને મૂળ તરફ બેદરકાર રહેવું, એ સ્વામીજીની દીર્ઘદષ્ટિમાં પ્રજારૂપી વૃક્ષનું પોષણ ગણાતુંજ નહિ.
હવે સ્વામીજી પોતાના ગુરૂભાઈઓ, શિષ્યો અને શ્રીરામકૃષ્ણના ભક્તોનું ચારિત્ર્ય ઘડવા લાગ્યા. તેમનામાં આત્મશ્રદ્ધાનો વિકાસ કરવા લાગ્યા. “તમે સિંહો છો, તમે આધ્યાત્મિક બળના ભંડાર છો, સર્વ શક્તિમાન છો, અખિલ વિશ્વને ધ્રુજાવવાની તમારામાં શક્તિ રહેલી છે, માત્ર તમે આત્મશ્રદ્ધા ધરો અને તમારામાં રહેલી શક્તિઓને જાગૃત કરો,” એવા એવા અનેક બોધ સ્વામીજી તેમને કરવા લાગ્યા. ગરિબ, નિરાધાર, રોગી વગેરેની સેવા કરો અને તમારા દાખલાથી જગતને તેની સેવા કરવાનું શીખવો. તમારે હવે દેવાલયોમાં જ પ્રભુનાં દર્શન કરવાનાં નથી, પણ પ્રભુનો સાક્ષાત્કાર ગરિબ અને રોગી મનુષ્યોમાં–પ્રભુના વિરાટ સ્વરૂપ–જગતમાં–રાષ્ટમાં કરવાનો છે. તમારા ધર્મને માટે, તમારા દેશને માટે તમારે એકાંત વાસમાંથી બહાર નીકળવાનું છે અને હજારો નિરાશ્રિત, અજ્ઞાની અને દુઃખી મનુષ્યોનાં અંતઃકરણમાં આશા, આશ્વાસન અને જ્ઞાનનો વાસ કરાવવાનો છે. મારે ભારતવર્ષમાં નવીન પ્રકારનાજ સંન્યાસીઓ ઉભા કરવાના છે અને તે એવા હોવા જોઈએ કે જે પોતાની મુક્તિની દરકાર નહિ કરતાં ગરિબ અને દુઃખીને સહાય અર્પવામાં નરકવાસ ભોગવવો પડે તો તે પણ વેઠી લે.
કલકત્તાના કેટલાક યુવાનો અત્યાર સુધી સ્વામીજીના કહ્યા પ્રમાણે બ્રહ્મચારીનું જીવન ગાળી રહ્યા હતા. તેમને હવે સંન્યાસ દિક્ષા લેવાની ઈચ્છા હતી. સ્વામીજીએ તેમનો અધિકાર જોઈને તેમને સંન્યાસ દિક્ષા આપી. દિક્ષાની કેટલીક સામાન્ય વિધિ થયા પછી સઘળા બ્રહ્મચારીઓ સ્વામીજીને પગે લાગ્યા. સ્વામીજી તેમને આશિર્વાદ આપીને બોલ્યા કે, “મનુષ્ય જીવનનું ઉંચામાં ઉંચુ વ્રત તમે ધારણ કરો છો. ધન્ય છે તમારા જન્મને, ધન્ય છે તમારી જનનીને, ધન્ય છે તમારા પૂર્વજોને !”
સાંજે સ્વામીજીએ વૈરાગ્યની મહત્તા સમજાવતાં દિક્ષા લેનારાઓને સંબોધીને કહ્યું કે; “યાદ રાખો કે પોતાનો મોક્ષ મેળવવાને અને જગતનું કલ્યાણ કરવાને માટેજ સંન્યાસનો આશ્રમ છે. आत्मन: मोक्षार्थं जगद्धिताय च । ચારિત્રબળ અને અધ્યિાત્મિક સમૃદ્ધિને ખીલવીને જનસમાજમાં તમારે તેને ફેલાવવાની છે. આપણાં મહાન શાસ્ત્રોના સિદ્ધાંતો કે જે સર્વને માટે અનુકુળ અને સુગમ થઈ પડે તેમ છે. તે સર્વને સમજાવી તેમનો વ્યવહાર નીતિમય, સરલ, ઉદાર અને ઉચ્ચગામી બને તેમ કરવાનું છે. જ્ઞાન ભક્તિનાં અધિકારી ઉચ્ચ હૃદયોમાં જ્ઞાનનો પ્રકાશ પાડીને તેમાં સૂઈ રહેલા પરબ્રહ્મરૂપી સિંહને જાગૃત કરવાનેજ આ જગતમાં સંન્યાસીનું જીવન છે. માટે ઉઠો, જાગૃત થાઓ અને બીજાઓને જાગૃત કરો, તમારૂં કર્તવ્ય બજાવો, એટલે મોક્ષને પણ આપોઆપ જ તમારી પાસે આવી પડેલો જોશો.” સ્વામીજીએ ઉપલાં વાક્યોમાં સંન્યાસનો હેતુ અને આદર્શ પોતાના ગુરૂભાઇઓ અને શિષ્યોને સમમજાવી દીધાં હતાં.
ઉપરના શબ્દો બોલતે બોલતે સ્વામીજીના મુખ ઉપર આધ્યાત્મિકતાનું દિવ્ય તેજ પ્રસરી રહ્યું હતું. તેમના હૃદયમાંથી અલૌકિક પ્રકાશ અને જુસ્સો સર્વ તરફ વહી રહ્યાં હતાં. “સ્વામીજી આગળ બોલવા લાગ્યા કે તમારી જાતને માટે સુખ સગવડ નહિ શોધતાં સર્વ યોગક્ષેમ ઈશ્વર ઉપરજ રહેવા દેજો. દરેક પ્રકારની આસક્તિને–કાંચન અને કામિનીને વગર ઈચ્છ્યાં–તમારે છેદી નાખવી. આવી મળે તોપણ તેને ઝેર સમાન ગણીને તેનાથી દૂરજ રહેજો. જ્ઞાન અને ચારિત્રના ધન આગળ તેને અને રાજ્યપ્રાપ્તિને પણ તુચ્છજ જાણજો આ ઋષિવાક્ય સદા નજર સામે રાખ્યા કરજો કે अभिमानं सुरापानं गौरवं च रौरवं । प्रतिष्ठा सुकरी विष्टा त्रिणंत्यक्तवा सुखि भवेत ॥ અર્થાત્ દેહાભિમાનને સુરાપાન સમજજો. કુળ કે જાતિની ઉચ્ચતાના ગૌરવને ઘોર નર્કતુલ્ય જાણજો. દંભ અને દેખાવ તે ઝુકી પડવાવાળી દિવાની દુનિયાની વાહવાહને સુકરીની વિષ્ટા સમજજો. આ ત્રણેને ત્યજવાથીજ તમે આત્મસુખને પામી શકશો. એ કશાની ઈચ્છા ન રાખતાં તમારા મોક્ષને માટે અને જગતનું કલ્યાણ કરવાને માટેજ તમારે તમારૂં જીવન ગાળવાનું છે. હું તમને પૂછું છું કે તમે તમારા ખરા અંતઃકરણથી આ બધું કરશો ? પૂરેપૂરો વિચાર કર્યા પછીજ સંન્યાસ ગ્રહણ કરો; હજી પણ પાછા પૂર્વાશ્રમમાં ચાલુ રહેવું હોય તો રહી શકશો.
આ પ્રમાણે પૂછવામાં આવ્યું ત્યારે ચારે બ્રહ્મચારીઓએ હા કહી. પછીથી સ્વામીજીએ વિરજાહોમ કરાવ્યો. અગ્નિની સમક્ષ બ્રહ્મચારીઓએ આલોક પરલોક સંબંધી સર્વ કામનાઓના ત્યાગની પ્રતિજ્ઞા લઈ પોતાના અંતઃકરણને પવિત્ર, બળવાન અને સફળ કરવાની પ્રભુપ્રાર્થના કરી. આ પ્રમાણે થઈ રહ્યા પછી સ્વામીજીએ તેમને સંન્યાસ દિક્ષા આપી. મઠમાં તે દિવસ અત્યંત આનંદમાં પસાર થયો. સર્વત્ર જ્ઞાન અને વૈરાગ્યનો પવિત્ર પ્રકાશ છવાઈ રહ્યો.
જ્યારે સ્વામીજી કલકત્તા આવતા ત્યારે તે બગ બજારમાં બલરામ બાબુને ઘેર રહેતા. વખતે બલરામ બાબુનું ઘર અનેક ભક્તોથી ભરાઈ જતુ ! ઘણા મનુષ્યો સ્વામી વિવેકાનંદનાં દર્શન કરવાને ત્યાં આવતા અને બલરામ બાબુના મકાનમાં પવિત્રતા અને ધાર્મિકતાનું વાતાવરણ પ્રસરી રહેતું.
૧૮૮૭ ના મે માસની પહેલી તારિખે બપોરના ત્રણ ચાર વાગ્યાને સુમારે શ્રીરામકૃષ્ણના સઘળા શિષ્યો–સંન્યાસીઓ અને ગૃહસ્થો–બલરામ બાબુને ઘેર એકઠા થયા હતા. સ્વામીજીએ સર્વેને આમંત્રણ મોકલ્યાં હતાં. અત્યાર સુધી શ્રીરામકૃષ્ણના સંન્યાસી અને ગૃહસ્થાશ્રમી શિષ્યો વચ્ચે કોઈપણ જાતનું સહકારિત્વ હતું નહિ. તેઓ પોતાને ફાવે તેમ પ્રભુભક્તિ અને પરોપકાર કરી રહ્યા હતા. તેમની ધાર્મિક અને પરોપકારી પ્રવૃત્તિઓને વ્યવસ્થામાં લાવી મૂકવાનો સ્વામીજીનો ઘણા વખતથી વિચાર હતો. સર્વ આવી રહ્યા પછી સ્વામીજી કહેવા લાગ્યા કે; “મારા જુદા જુદા દેશોના અનુભવ ઉપરથી હું એવા સિદ્ધાંત ઉપર આવેલો છું કે આપણી પ્રવૃત્તિઓની બરાબર વ્યવસ્થા કર્યા વગર તેમાંથી કોઈપણ જાતનું કાયમનું કે મોટું ફળ નિપજી શકવાનું નથી. અહીંંની હાલની સ્થિતિ જોતાં, પ્રજાસત્તાક રાજ્યોમાં થાય છે તેમ દરેક સભાસદને સરખો હક મળે અને ઠરાવ વધુ મતે પસાર થાય તે મુજબ કામ કરવું એવી પદ્ધતિ મને ઉચીત લાગતી નથી. જ્યારે આપણે સ્વાર્થ કરતાં સમાજ કે પ્રજાના હિતને વધારે અગત્યનું ગણતાં શિખીશું ત્યારેજ આપણને એ પદ્ધતિ માફક આવશે. માટે હાલમાં તો આપણે આપણા સમાજનો કોઈ પણ નેતા નીમવો જોઇએ અને એ નેતાની આજ્ઞાને સર્વએ માનવી જોઈએ.”
“જેના નામથી દોરાઈને અમે બધા સંન્યાસી થયેલા છીએ, જેને પોતાના ગુરૂ તરિકે ગણીને તમે બધા ગૃહસ્થ ભક્તો સંસારની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ રહેલા છો, જેનું પવિત્ર નામ અને જેના અદ્ભુત જીવન અને બોધની અસર ફક્ત બાર વરસમાંજ પૂર્વ અને પશ્ચિમના પ્રદેશોમાં પ્રસરી રહેલી છે, તે શ્રીરામકૃષ્ણ પરમહંસના નામ ઉપરથી આપણા સંઘ અથવા સમાજનું નામ “રામકૃષ્ણ મિશન” રાખવું ઠીક જણાય છે.”
સ્વામીજીની દરખાસ્તને સર્વેએ અનુમોદન આપવાથી રામકૃષ્ણ મિશનની સ્થાપના થઈ. પછીથી તેના કાર્ય તથા નિયમો વિષે વાદવિવાદ ચાલ્યો અને છેવટે સર્વાનુમતે નીચેના ઠરાવો પસાર કરવામાં આવ્યા.
સમાજનો હેતુ—શ્રીરામકૃષ્ણે પોતાના જ્ઞાન અને ચારિત્ર વડે જે ઉચ્ચ સત્યો પ્રબોધ્યાં છે તેને પોતાના જ્ઞાન અને ચારિત્રમાં ઉતારીને તથા લોકોમાં ફેલાવીને જનસમૂહની શારિરીક, માનસિક અને આધ્યાત્મિક સ્થિતિ સુધારવાનો પ્રયત્ન કરવો.
સમાજનું કર્તવ્ય—જુદા જુદા ધર્મો એકજ સર્વસામાન્ય ધર્મનાં ભિન્ન ભિન્ન સ્વરૂપો છે એમ અનુભવ કરીને શ્રીરામકૃષ્ણે જુદા જુદા ધર્મો વચ્ચે પ્રેમની લાગણી વધારવા જે જે ઉપાયો યોજેલા છે તેમને અમલમાં મૂકવા.
સમાજની કાર્યપદ્ધતિ—જનસમૂહનું વ્યાવહારિક અને પારમાર્થિક કલ્યાણ સાધવાને માટે જે જ્ઞાન અને વિજ્ઞાનની જરૂર પડે તે જ્ઞાન અને વિજ્ઞાનને શિખવનારા ઉપદેશકોને તૈયાર કરવા. દેશની કલાઓ અને ઉદ્યોગોને ઉત્તેજન આપવું.
હિંદમાં કરવાનું કાર્ય—હિંદના જુદા જુદા ભાગોમાં મઠો અને આશ્રમો સ્થાપવા અને તેમાં સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓને એવી રીતે કેળવવા કે તેઓ લોકોને કેળવણી આપવામાં અને એક સ્થળેથી બીજે સ્થળે જઈ કેળવણીનાં સાધનો એકઠાં કરવામાં પોતાનું આખું જીવન વ્યતીત કરે.
પરદેશ સંબંધી કાર્ય—રામકૃષ્ણ મિશનના સુશિક્ષીત સભાસદોને હિંદની બહારના પ્રદેશોમાં ઉપદેશકો તરિકે મોકલવા અને ત્યાં સત્ય ધર્મનો ફેલાવો કરવો, જુદે જુદે સ્થળે ધાર્મિક મથકો સ્થાપવાં અને તે મથકો તથા હિંદના મઠો અને આશ્રમો વચ્ચે પ્રેમ અને સહકારિત્વની લાગણી વધારવી. સમાજનું કાર્ય અને તેના હેતુઓ કેવળ ધાર્મિક છે અને તે લોકોના આર્થિક, સામાજિક અને ધાર્મિક હિતને માટેજ છે. તેમને રાજ્યદ્વારી વિષયો સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી.
સભાસદની યોગ્યતા—શ્રીરામકૃષ્ણનું જીવન અને તેમના હેતુઓમાં જેમને શ્રધ્ધા છે અથવા સમાજના ઉપર કહેલા હેતુઓ અને કાર્યમાં મદદ કરવાની જેમની ઈચ્છા છે, તેવા મનુષ્યો તેના સભાસદ થઈ શકશે.
ઉપરના ઠરાવો પસાર થયા પછી સ્વામી વિવેકાનંદને રામકૃષ્ણ મિશનના મુખ્ય નેતા તરિકે ચૂંટવામાં આવ્યા. સ્વામી બ્રહ્માનંદને તેના પ્રમુખ બનાવવામાં આવ્યા. સ્વામી યોગાનંદને તેના ઉપ પ્રમુખ તરિકે નીમવામાં આવ્યા. પ્રથમ એમ નક્કી કરવામાં આવ્યું કે દર રવિવારે બલરામ બાબુના મકાનમાં સભા ભરવી અને તેમાં ગીતા, ઉપનિષદો વગેરેમાંથી અમુક અમુક ભાગ વાંચવા અને તેના ઉપર વાદવિવાદ કરવો તેમજ વખતો વખત સમાજમાં નિબંધો વંચાવવા અને ભાષણો અપાવવાં. એ પ્રમાણે ત્રણ વર્ષ સુધી રામકૃષ્ણ મિશને બલરામ બાબુના મકાનમાં સભાઓ ભરી. જ્યારે જ્યારે સ્વામી વિવેકાનંદ કલકત્તામાં હાજર હોય ત્યારે ત્યારે તે સભામાં આવીને સર્વેને બોધ આપતા અને પોતાની અદ્ભુત સંગીત કલાથી શ્રાતાઓનાં મન રંજીત કરતા.
સમાજનું કાર્ય અને તેના હેતુઓ તરફ સ્વામીજીના કેટલાક ગુરૂભાઇઓ શંકાની નજરથી જોતા. તેઓનું માનવું એવું હતું કે શ્રીરામકૃષ્ણે પોતાના જીવનમાં યોગ, સમાધિ અને આત્મસાક્ષાત્કાર સિવાય બીજું કશુંએ કર્યું નથી અને સંન્યાસીઓનું કર્તવ્ય માત્ર પ્રભુની ભક્તિ, યોગની સાધના કે શાસ્ત્રના પઠન પાઠનમાં રહેલું છે. તેઓનું ધારવું એવું હતું કે સંન્યાસ ગ્રહણ કર્યા પછી મનુષ્યનો સંસાર સાથે સંબંધ નથી અને લોકકલ્યાણ કરવાની ઈચ્છા પણ તેને માટે બંધન રૂપજ છે. સ્વામીજીને તેઓ કહેવા લાગ્યા કે સભાઓ ભરવી, ભાષણો કરાવવા અને જનસમૂહનું કલ્યાણ કરવાને પ્રયાસ કરવો, એ બધું માત્ર પાશ્ચાત્ય વિચારોનું અનુકરણ જ છે. ધાર્મિકતાનો આવો સંકુચિત અર્થ કેટલાકને કરતા જોઈને સ્વામીજી કહેતા કે “તમે શી રીતે જાણો છો કે મારા વિચારો શ્રીરામકૃષ્ણના વિચારો અને આદર્શોને મળતા નથી ? શ્રીરામકૃષ્ણ ઘણા ઉદાર, વિશાળ અને અપરિમિત વિચારોની સાક્ષાત મૂર્તિ હતા. તેવા શ્રીરામકૃષ્ણને તમારે તમારા વિચારોરૂપી હદમાંજ બાંધી રાખવા છે ? તે હદને હું તોડી નાંખીશ અને શ્રીરામકૃષ્ણના વિચારોને આખા જગતમાં કેલાવીશ. તમે જેમ તેમની છબીની માત્ર પૂજા કરી રહેલા છો. તેમ તેમની પૂજા માત્ર કર્યા કરવાનો ઉપદેશ કરવાનું તેમણે મને કહ્યું નથી. મોક્ષ મેળવવાના માર્ગો અનેક છે. આ જગતમાં જે ઘણા મત૫ંથો પ્રવર્ત્તી રહેલા છે તેમાં એકનો વધારો કરવાને સારૂ મારો જન્મ નથી. આપણે આપણા ગુરૂનો આશ્રય મેળવેલો છે તેથી આપણને ધન્ય છે; પરંતુ આપણને તેમણે જે વિચારો આપેલા છે તેનો જગતમાં છુટથી પ્રચાર કરીને ઋણમુક્ત થવું એ આપણું પરમ કર્તવ્ય છે.”
ગુરૂભાઇઓમાંનો એક સંતષ્ટ થઈને બોલી ઉઠ્યો કે, તમે જે ધારશો તે કરશો. અમે હમેશાં તમારી આજ્ઞા પાળવાને તૈયાર છીએ. હું સ્પષ્ટ રીતે જોઈ શકું છું કે ભગવાન રામકૃષ્ણજ તમારી મારફતે સઘળું કાર્ય કરી રહેલા છે. પરંતુ શ્રીરામકૃષ્ણની કાર્ય પદ્ધતિ જુદી હતી; તેથી વારંવાર મનમાં એમ થઈ જાય છે કે આપણે આડે માર્ગે તો જતા નહિ હોઈએ !”
સ્વામીજીએ જવાબ આપ્યો કે “વસ્તુસ્થિતિ આ પ્રમાણે છે. શ્રીરામકૃષ્ણના શિષ્યો તેમને પુરેપુરા સમજી શકતા નથી. તેમના ધારવા કરતાં વધારે મહત્તા ભગવાન શ્રીરામકૃષ્ણ ધરાવતા હતા. અગણિત આધ્યાત્મિક વિચારોની તે સાક્ષાત્ મૂર્તિ હતા અને તે આધ્યાત્મિક વિચારોનો અસંખ્ય રીતે વિકાસ કરી શકાય તેમ છે; પરંતુ તેઓ મારા શરીરદ્વારા પોતાનું કાર્ય કરવા ઇચ્છતા હોય અને મને તેમના સાધન તરિકે વાપરતા હોય, ત્યારે તો હું માત્ર તેમની ઈચ્છાનેજ વશ થાઉં છું.”
ખરેખર, ભગવાન શ્રીરામકૃષ્ણનું જીવન એવું તો વિશાળ અને ઊંડું હતું કે તેમના સર્વ શિષ્યો તે વિશાળતા અને ઉંડાણને નજ જોઈ શકે. તેમનું અત્યંત ઉદાર ચરિત અને તેમનું વિશાળ હૃદય, તેમના અલૌકિક ઉદ્ગારો તથા સમાધિ પ્રસંગો અને મોક્ષ પ્રાપ્તિના ઉપદેશ લોકોની સ્થળ દૃષ્ટિને ન દેખાય એ સ્વાભાવિકજ છે. શ્રીરામકૃષ્ણના જીવનને બધી રીતે સમજાવવાનું કાર્ય તેમના પટ્ટ શિષ્ય સ્વામી વિવેકાનંદને સોંપવામાં આવ્યું હતું. મહાબુદ્ધિશાળી વિવેકાનંદજ પોતાના ગુરૂને બરાબર સમજી શકતા હતા. પોતાના ગુરૂને પગલે ચાલીને વૈરાગ્ય અને જનસેવા, એક બીજાનાં વિરોધી હોવાનો ખોટો ખ્યાલ તેમણે હિંદવાસીઓનાં હૃદયમાંથી કહાડી નાખ્યો છે. મનુષ્યમાં રહેલી દૈવી શક્તિઓ અને લાગણીઓને જનહિતનાં કાર્યોમાં વહેવરાવવાને અને વિવિધ પ્રકારે ધર્મનો પ્રચાર કરવાને સારુજ તેમણે “રામકૃષ્ણ મિશન” સ્થાપેલું છે. “ત્યાગ અને જનસેવા” એ તેનો આદર્શ છે. સ્વામી વિવેકાનંદ દૃઢપણે માનતા હતા કે આધુનિક હિંદનો પ્રજાકિય આદર્શ, “ત્યાગ અને સેવાનો”જ હોવો જોઈએ.
સ્વામી વિવેકાનંદનું ચરિત્ર સમજવામાં એટલું યાદ રાખવું જોઇએ કે પ્રસંગને અનુસરીને તેમના વિશાળ હૃદયમાં વિવિધ ભાવો ઉત્પન્ન થતા. ભક્તિનો પ્રસંગ આવતાં તેમનું હૃદય ભક્તિભાવથી ઉભરાઈ જતું અને જ્ઞાનનો પ્રસંગ નીકળતાં જ્ઞાનની ટોચે ચ્હડી જતું. સ્વદેશાભિમાનની વાત કરતાં તે કર્મ યોગ અને સ્વદેશપ્રીતિમાં તરબોળ થઈ જતું અને સુધારાની વાત ચાલતાં તે સુધારાના અનેક વિષયોને હાથ ધરી તેનું રહસ્ય સમજાવતું.
આમ જુદે જુદે પ્રસંગે સ્વામીજી જુદા જુદા રૂપે જણાતા અને તેમની લાગણીઓમાં પરસ્પર વિરોધ ભાસતો, પણ તે વિરોધ વિરોધ નહિ હોતાં એકમાં એકતાજ હતી, અને જેમ એક વૃક્ષને અનેક ડાળાં હોય તેમ સ્વામીજીની સઘળી લાગણીઓ–પ્રવૃત્તિઓ તેમના વિશાળ અંતઃકરણનાં ડાળ પાંખડાં રૂપજ હતી, મહાન પુરૂષોના ચારિત્ર્યને અને તેમના વિશાળ હૃદયને સામાન્ય મનુષ્યો સમજી શકતા નથી.
બલરામ બાબુને ત્યાં અનેક વિષયો ઉપર ચર્ચા થતી અને સ્વામીજી તેમાં મુખ્ય વક્તાનો ભગ બજાવતા. દેશહિતના, ઈતિહાસના, મહાત્માઓ અને અવતારોને લગતા, એવા એવા અનેક મહત્ત્વના વિષયો ઉપર સ્વામીજી બહુજ લાગણીથી વાત કરતા. ગુરૂ ગોવિંદસિંહ ઉપર વાત ચાલતાં સ્વામીજી ઘણાજ જુસ્સાથી તે શિખ ગુરૂની કાર્ય પદ્ધતિનાં વખાણ કરતા. તે શિખ ગુરૂએ પોતાના શિષ્યોને કેવી અદ્ભુત રીતે કેળવ્યા હતા, તેમનામાં કેવું અલૌકિક શુરાતન હતું, અને સાથે સાથે તેમનો વૈરાગ્ય પણ કેવો તીવ્ર હતો, તે કેવું ઉત્કટ તપાચરણ કરતા, તેમનામાં કેવી અદ્ભુત સહનશીલતાએ વાસ કરેલો હતો, શિખ પ્રજાનો પુનરોદ્ધાર કરવાને માટે તે કેવી અંગતોડ મહેનત કરી રહ્યા હતા, કેટલાક મુસલમાન થઈ ગયેલા હિંદુઓને પાછા હિંદુધર્મમાં લાવવાને તે કેવો અથાગ શ્રમ વેઠી રહ્યા હતા અને પવિત્ર નર્મદા નદીને કિનારે કેવા શૌર્યથી તે મરણને શરણ થયા હતા, વગેરે બાબતો ઉપર સ્વામીજી અપૂર્વ પ્રકાશ પાડી રહ્યા હતા. ગુરૂ ગોવિંદસિંહે પોતાના શિષ્યોના હૃદયમાં શ્રદ્ધા અને હિંમતનો કેવો અલૌકિક જુસ્સો રેડ્યો હતો એ વાતને સ્વામીજી પુનઃ પુનઃ શ્રોતાઓનાં મગજમાં ઠસાવતા. એક લાખ કે તેથી પણ વધારે મનુષ્યો સામે ઉભેલાં હોય તો પણ તેમનો શિષ્ય પોતાના હક્ક અને ધર્મના બચાવને માટે જરાએ પાછી પાની કરતો નહિ. એ વિષે વાત કરતાં સ્વામીજીનું હૃદય ઉછળતું અને તેમના હાવભાવ શ્રોતાઓના મગજમાં તે પ્રસંગની વસ્તુસ્થિતિનો તાદૃશ્ય ચિતાર ખડો કરતા. જ્યારે સ્વામીજી હિંદના મહાપુરૂષો વિષે કંઈ બોલતા ત્યારે શ્રોતાઓનો આત્મા અત્યંત ઉલ્લાસમાં આવી જતો, તેઓ પોતાનું ભાન ભૂલી જતા અને કથાના નાયકની સમીપમાંજ તે બેઠા છે એવો ભાસ તેમને થઈ રહેતો.
એક વખત બલરામ બાબુના ઘરમાં બેઠે બેઠે સ્વામીજી એક શિષ્યને ઋગ્વેદ વિષે વાત કહી રહ્યા હતા. ઋગ્વેદ ઉપર સાયણાચાર્યે ભાષ્ય લખેલું છે. એક ધનાઢ્ય પુરૂષના મકાનમાંથી સ્વામીજીનો એક શિષ્ય મેક્સમૂલરકૃત ઋગ્વેદ અને સાયણાચાર્યના ભાષ્યનું ભાષાંતર લઇ આવ્યો. સાયણાચાર્યે વેદોનું અનાદિત્વ સાબીત કરવાને માટે જે યુક્તિ અને તર્ક વાપરેલા છે તે તેમને સમજાવતાં સ્વામીજી સાયણચાર્યની બુદ્ધિનાં ભારે વખાણ કરવા લાગ્યા. છતાં સાથે સાથે એટલું પણ કહેવુંજ જોઇએ કે સ્વામીજી હંમેશાં સત્યવક્તા અને સ્પષ્ટવક્તાજ રહેતા. સાયણાચાર્યનાં વખાણ કરવાની સાથે ઋગ્વેદની કેટલીક રૂચાઓનો અર્થ કરવામાં તે ભૂલેલા છે એમ પણ સ્વામીજી દર્શાવતા. વળી તે રૂચાઓનો ખરો અર્થ અને ખરૂં રહસ્ય પ્રમાણોની સાથે તે સમજાવતા
ઋગ્વેદ ઉપર ચર્ચા કરતે કરતે સ્વામીજી કહેવા લાગ્યા કે; “મેક્સમુલરને મેં જોયા છે ત્યારથી મને એમજ લાગે છે કે જાણે પોતાના ભાષ્યને બરાબર સમજાવવાને સાયણાચાર્યેજ મેક્સમુલર તરિકે અવતાર લીધેલો છે ! તેમને અને તેમનાં પત્નીને ઓક્સફર્ડના એક એકાંત અને શાંત પ્રદેશમાં વાનપ્રસ્થાશ્રમનું પાલન કરતાં જોઈને મને વૈદિક સમયનાં યશસ્વી વસિષ્ટ અને અરૂંધતીનોજ ખ્યાલ આવ્યો હતો. જ્યારે મેં તેમની પાસેથી વિદાય લીધી ત્યારે તે વૃદ્ધ પુરૂષની આંખોમાં ચોધારાં આંસુ આવી ગયાં હતાં.”
સ્વામીજીને પૂછવામાં આવ્યું કે “પવિત્ર ભારતવર્ષમાં બ્રાહ્મણ તરિકે શરીર ધારણ કરવાને બદલે સાયણાચાર્ય મ્લેચ્છ શરીરમાં કેમ જન્મ્યા હશે ?”
સ્વામીજીએ જવાબ આપ્યો કે “વેદોનો અર્થજ જેને સમજાવવો છે અને ઉચ્ચ જ્ઞાનની સાક્ષાત્ મૂર્તિજ જેને થઈ રહેવું છે, તેને મન ન્યાત જાત કે વર્ણના ભેદનો શો અર્થ છે ? જગતના કલ્યાણને માટે તે ફાવે ત્યાં જન્મ ધારણ કરે છે. જ્યાં ઘણી વિદ્યા અને લક્ષ્મીએ વાસ કરેલો છે એવા પશ્ચિમના પ્રદેશમાં જો તે જન્મ્યા ન હોત તો આવું મહત્ કાર્ય કરવાને જોઈએ તેટલું દ્રવ્ય તેમને ક્યાંથી મળ્યું હોત ? તમે સાંભળ્યું નથી કે ઈસ્ટ ઇંડિઆ કમ્પનીએ ઋગ્વેદનું ભાષાંતર પ્રસિદ્ધ કરવાને નવ લાખ રૂપિઆની મદદ કરેલી છે અને તેટલી રકમ પણ પુરતી નહોતી. એ કાર્યમાં આપણા દેશના અનેક પંડિતોને પગાર આપીને રોકવામાં આવ્યા હતા. આ સમયમાં આપણા દેશમાં વિદ્યા અને જ્ઞાનને ઉત્તેજન આપવાને માટે એટલો મોટો ખર્ચ કરાયો જોયો છે ? મેક્સમુલરે પ્રસ્તાવનામાંજ લખેલું છે કે માત્ર હસ્તલિખિત પ્રતો તૈયાર કરવામાં જ તેમણે પચીશ વરસ ગાળ્યાં હતાં અને પછીથી તેમને છપાવવામાં બીજા વીસ વરસ ગયાં હતાં ! આ પ્રમાણે જગતને માટે વેદ જેવું પારકી ભાષાનું અસાધારણ પુસ્તક તૈયાર કરવામાં અને તેને પ્રસિદ્ધ કરવામાં જીવનનાં પીસ્તાળીસ વરસ ગાળવાં એ કાંઈ સાધારણ મનુષ્યથી બને તેમ નથી. હું મેક્સમુલરને આ જમાનાનો સાયણાચાર્ય કહું છું તે અમસ્થો નથી કહેતો.”
આ પ્રમાણે વાર્તા ચાલી રહી હતી એટલામાં ગિરીશ બાબુ ત્યાં આવી પહોંચ્યા. તે પણ શાંતપણે સઘળું સાંભળવા લાગ્યા. સ્વામીજી તેમના તરફ જઈને કહેવા લાગ્યા કે, “ગિરીશચંદ્ર, તમે કદીએ આવી બાબતોનો અભ્યાસ કરવામાં જીવ ઘાલતા નથી; તમે તો તમારા “કૃષ્ણો અને વિષ્ણુઓ”નીજ વાતો કર્યા કરો છો.” ગિરીશબાબુ જરાક વિનયથી કહેવા લાગ્યા કે, “ભાઈ ! વેદનું અધ્યયન મારે શા કામનું છે ! મને અવકાશ પણ નથી અને વેદને સમજવાની મારામાં બુદ્ધિ પણ નથી; માટે વેગળેથીજ તેમને નમસ્કાર કરીને શ્રીરામકૃષ્ણની કૃપાથી હું આ ભવસાગરને તરી જઈશ.”
જ્યારે સ્વામીજી કોઈ પણ વિષય ઉપર ચર્ચા કરતા–પછી તે ગમે તે બ્રહ્મજ્ઞાન હો, ભક્તિ, કર્મયોગ કે પ્રજાકિય આદર્શો હો – ત્યારે તેજ વિષયને સર્વોત્તમ કરીને સ્થાપવાનો તેમનો સ્વભાવ હતો. ગિરીશબાબુ સારી પેઠે જાણતા હતા કે સ્વામીજી ભક્તિને જરાએ ગૌણ ગણતા નથી, પણ તેમના શબ્દો વખતે બધાએ સમજી શકે નહિ અને આડે માર્ગે દોરાય એટલા માટે તે સ્વામીજીને પૂછવા લાગ્યા કે, “ઠીક, નરેન્દ્ર, હું તમને એક વાત પૂછું છું. તમે વેદો અને વેદાન્તનો ઘણો અભ્યાસ કરેલો છે, પણ આ ભૂખે મરતા માણસના વિલાપ, વ્યભિચાર જેવાં અઘોર પાપ અને બીજાં એવાં રોજ નજરે પડતાં દુઃખો અને પાપોને માટે કોઈ ઉપાય તેમાં લખેલા છે ? પેલા મકાનમાં રહેનારી સ્ત્રી એકવાર રોજ પચાસ માણસોનું પોષણ કરતી હતી; તેને હવે આજ ત્રણ દિવસથી પોતાનું અને પોતાનાં છોકરાંનું એકવારનું ખાવાનું મળવું પણ મુશ્કેલ થઈ પડેલું છે. અમુક સ્ત્રીની હરામખોરોએ લાજ લીધી છે અને તેને મરણને શરણ કરી દીધી છે. અમુક વિધવાએ ગર્ભપાત કર્યો છે અને પોતાનું મુખ છુપાવવાને તેણે આત્મહત્યા કરેલી છે. હું તમને પૂછું છું કે આ દુઃખો અને પાપો ટાળવાના ઉપાય વેદોમાંથી તમને જડી આવે છે ?” સ્વામીજી એ સાંભળીને ચુપ થઈ ગયા. તેમનું હૃદય ભરાઈ આવ્યું. જગતનાં દુઃખોનો ચિતાર સાંભળીને તેમની આંખોમાં આંસુ આવી ગયાં અને પોતાની લાગણીઓને છુપાવવાને તે બહાર ચાલ્યા ગયા !
ગિરીશબાબુ સ્વામીજીના શિષ્યોને કહેવા લાગ્યા કે, “તમે હવે જોઈ શક્યા હશો કે તમારા ગુરૂનું હૃદય કેવું વિશાળ છે ! હું તેમને તેમના હૃદયની વિશાળતાને માટે જેટલું માન આપું છું તેટલું તેમના પાંડિત્યને માટે આપતો નથી. એ હૃદયની વિશાળતાને લીધે માનવજાતિનું દુઃખ સાંભળવા માત્રથી પણ તેમની આંખોમાં આંસુ આવી ગયાં અને તે બહાર ચાલ્યા ગયા. તમારા સ્વામીજી જેવા મોટા પંડિત છે અને જ્ઞાની છે તેવાજ તે પ્રભુના મોટા ભક્ત છે અને મનુષ્ય પ્રત્યે પ્રેમ ધરાવનારા પણ છે.”
એટલામાં સ્વામી સદાનંદ ત્યાં આવી પહોંચ્યા. તેમને જોઈને સ્વામીજી કહેવા લાગ્યા કે, “સદાનંદ, આપણા ભાઈઓની ગરિબાઈ અને દુઃખ જોઈને મારું હૃદય અત્યંત દુઃખાય છે. તમે નાના પાયા ઉપર એક અનાથાશ્રમ જલદીથી સ્થાપો અને ત્યાં ગરિબોને આશ્રય આપો અને માંદાઓને રાખીને તેમની માવજત કરો.” સદાનંદે તે પ્રમાણે કરવાની હા પાડી.
આ પ્રમાણે સ્વામીજીનું વિશાળ હૃદય દુઃખીઓનાં દુઃખ ટાળવાને તત્પર બની રહ્યું હતું; પરંતુ તેમના કેટલાક ગુરૂભાઇઓના મનમાંથી ધર્મનો એકદેશી ખ્યાલ ખસતો નહોતો. તેઓ તેમને હજી પણ કહેવા લાગ્યા કે, “શ્રીરામકૃષ્ણ ભક્તિનો ઉપદેશ કરતા અને ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાને અનેક સાધનાઓ સાધવાનું કહેતા; પરંતુ તમે તો અમને અમુક કાર્યો કરવાનું, ઉપદેશ આપવાનું અને અને ગરિબોની સેવા કરવાનું કહો છો; પણ એ સર્વે તો મનને અંતર્મુખ કરવાને બદલે વધારે બહિર્મુખ કરી મુકશે; તેથી કરીને સાધનાઓમાં વિક્ષેપ આવશે. વળી શ્રીરામકૃષ્ણ ત્યાગનો બોધ કરી રહ્યા હતા અને તમે તો સમાજ સેવાને માટે મઠ અને આશ્રમો સ્થાપવાનું કહો છો અને સ્વદેશાભિમાનની વાત કરી છે ! એ સઘળું પાશ્ચાત્યોનું અનુકરણ હોઈ શ્રીરામકૃષ્ણના આદર્શથી વિરૂદ્ધ ન કહેવાય ?”
ઉપલો પ્રશ્ન સાંભળીને સ્વામીજી ગંભીર ભાવથી બોલ્યા કે;–“તમે શું એમ ધારો છો કે તમે શ્રીરામકૃષ્ણને મારા કરતાં પણ વધારે સારી રીતે ઓળખો છે ? તમે એમ ધારો છે કે ઈશ્વરીજ્ઞાન શુષ્ક છે અને તેને શુષ્ક માર્ગેજ મેળવવાનું છે ? તેને મેળવતાં શું હૃદયની સઘળી મૃદુ લાગણીઓનો નાશ કરી નાંખવાનો છે ? તે શું મનુષ્યને બાયલો બનાવી દે છે ? જો એમજ હોય તો તમે શ્રીરામકૃષ્ણના જીવનનો માત્ર એક અંશજ સમજ્યા છો. દેશમાં કરોડો મનુષ્ય તમોગુણમાં ગરક થઈ રહેલાં છે; તેમને જાગૃત કરવાને, તેમને સ્વાશ્રયી બનાવવાનું અને તેમને ખરેખરૂં મનુષ્યત્વ પ્રાપ્ત કરાવવાને જો મારે એક હજાર વા૨ નર્કમાં જવું પડશે તો તેમ પણ હું ખુશીથી કરીશ.”
આ પ્રમાણે બોલતે બોલતે સ્વામીજીના મુખ ઉપર અલૌકિક પ્રકાશ છવાઈ રહ્યો. તેમની આંખોમાંથી તેજની અદ્ભુત જ્યોતિ વહી રહી. તેમનો અવાજ ગદ્ગદ્ થવા લાગ્યો. તેમનું આખું શરીર તીવ્ર લાગણીથી ધ્રૂજવા લાગ્યું. તે પોતાની લાગણીઓને વધુ વખત દબાવી શક્યા નહિ. તેમની આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યાં. તરતજ તે ત્યાંથી ઉઠીને સૂવાની ઓરડીમાં ચાલ્યા ગયા. તેમના ગુરૂભાઈઓ તેમની લાગણી દુઃખાય એવું કહેવા માટે પસ્તાવો કરવા લાગ્યા. સર્વે થોડીવાર ગુપચુપ બેસી રહ્યા. પછી કેટલાક જણ હિંમત ધરીને સ્વામીજીની ઓરડીમાં પેઠા; ત્યાં જઈને જુવે છે તો સ્વામીજી આસન વાળીને ધ્યાનસ્થ થયેલા તેમની નજરે પડ્યા. તેમના ગુરૂભાઇઓ બોલ્યા ચાલ્યા વગર થોડીવાર ઉભા રહ્યા, પછી ઓરડીની બહાર આવ્યા. આ પ્રકારે એક કલાક નીકળી ગયા પછી સ્વામીજી સમાધિમાંથી જાગીને પોતાના મિત્રો જ્યાં બેઠા હતા ત્યાં આવ્યા. થોડીકવાર તો સ્વામીજી ગુપચુપ બેસી રહ્યા. તેમના હૃદયની લાગણીઓના તુમુલ યુદ્ધથી ઉદ્ભવેલાં ચિન્હો તેમના મુખાર્વિંદ ઉપર છવાઈ રહ્યાં હતાં. હજી પણ તેમની આંખો અને મોં જરા જરા ઉભરાયલાં દેખાતાં હતાં. આસપાસનું વાતાવરણ એવું તો ગંભીર થઈ રહ્યું હતું કે બોલવાને કોઈની પણ હિંમત ચાલતી નહિ, થોડીવાર પછી સ્વામીજી પોતેજ બોલી ઉઠયા કે;–
“જ્યારે મનુષ્ય ભક્તિને પ્રાપ્ત કરે છે ત્યારે તેનું હૃદય અને શરીરના સઘળા અવયવો એવા તો મૃદુ અને નાજુક બની જાય છે કે તેઓ એક પુષ્પનો પણ સ્પર્શ સહન કરી શકતાં નથી. તમે જાણો છો કે હાલમાં કોઈ નવલકથાને હું અમસ્થી પણ વાંચી શકતો નથી. શ્રીરામકૃષ્ણ વિષે બહુવાર વિચાર હું કરી શકતો નથી. તેમ કરવાથી મારું હૃદય એકદમ લાગણીઓથી ઉભરાય જાય છે. હું શ્રીરામકૃષ્ણનો ગુલામ છું; તેમણે તેમનું કાર્ય મને સોંપેલું છે; મારે તેને કરવાનું છે. જ્યાં સુધી મેં તેને પૂરૂં કર્યું નથી ત્યાં સુધી મને વિશ્રાંતિ મળનાર નથી. અહો ! શ્રીરામકૃષ્ણનું હું શું વર્ણન કરૂં ? અરે, મારે માટે તેમનો પ્રેમ કેવો અગાધ હતો !”
ઉપરના શબ્દો સ્વામીજીના હૃદયના ઉંડા ભાવોનો ચિતાર આપણને આપે છે. તેમનામાં ઉંડા ભક્તિભાવે વાસ કરેલો હતો અને તેની સાથે અદ્ભુત આત્મજ્ઞાન અને જગતનું કલ્યાણ કરવાની તીવ્ર ઈચ્છા ભળી રહ્યાં હતાં.
માનવજાતિ પ્રત્યેના તેમના અગાધ પ્રેમને લીધે તેમનો ભક્તિભાવ દબાઈ જતો હતો અને તેથીજ તેઓ પોતાનો સમય એકાંતમાં પ્રભુભક્તિમાં ગાળવાને બદલે લોકસેવા તરફ વધારે લક્ષ આપતા હતા.
જનસમાજમાં પ્રવર્તી રહેલી અનેક પ્રકારની દુર્દશાઓને લીધે સ્વામીજીના વિશાળ હૃદયમાં અનેક પ્રકારના જનસેવાના વિચારો ઘોળાયા કરતા હતા અને તેથી તેમના ચારિત્ર્ય ઉપર ઉપલક નજર નાંખનારને તેમના વિચારોમાં એકતા દેખાતી નહોતી; પણ બાહ્ય દેખાવતી સપાટી નીચે તેમનું સુંદર, નમનેદાર આધ્યાત્મિક જીવન એક ધારાએ વહી રહેલું દેખાઈ રહેતું હતું. તેમની સઘળી પ્રવૃત્તિઓ અને લોકહિતના વિચારો એ સર્વ તેમના આધ્યાત્મિક જીવનનાજ જુદા જુદા આવિર્ભાવો હતા. તેમના ઉંડા અને વિશાળ હદયમાં કર્મ, ભક્તિ, જ્ઞાન, પરોપકાર અને દેશાભિમાન સર્વેને માટે પુરેપુરૂં સ્થાન હતું અને તેથી કરીને જે વખતે જે વિષયની વાત ચાલતી હોય તે વખતે તે વિષયને તેઓ સર્વોપરી તરિકે દર્શાવી શકતા.