સ્વામી વિવેકાનંદ/શ્રીરામકૃષ્ણની શિક્ષણ પદ્ધતિ અને નરેન્દ્રની તૈયારી
← શ્રીરામકૃષ્ણનો સમાગમ | સ્વામી વિવેકાનંદ શ્રીરામકૃષ્ણની શિક્ષણ પદ્ધતિ અને નરેન્દ્રની તૈયારી રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ |
અભ્યાસી જીવન → |
પ્રકરણ ૧૫ મું – શ્રીરામકૃષ્ણની શિક્ષણ પદ્ધતિ અને નરેદ્રની તૈયારી.
“પરમેશ્વર સાકાર છે કે નિરાકાર” આવો એક વખત ચર્ચાનો વિષય હતો. સમય પ્રાતઃકાળનો હતો. સઘળા શિષ્યો ચર્ચા કરી રહ્યા હતા. સર્વત્ર ધુમસ વ્યાપી રહ્યું હતું. શ્રીરામકૃષ્ણ હમણાંજ ધ્યાનમાંથી ઉઠીને બહાર આવ્યા હતા. તે એકલા હતા. આઘે વૃક્ષોની ઘટામાં શિષ્યોના અવાજ સંભળાતા હતા. તે સર્વમાં નરેન્દ્રનો અવાજ આગળ પડતો હતો. તેણે અનેક તર્ક વિતર્ક કરીને સૌને હરાવ્યા હતા. શ્રીરામકૃષ્ણ તેમની પાસે ગયા. તેમના મુખ ઉપર દિવ્ય કાન્તિ પ્રસરી રહી હતી. વિવાદનો વિષય શો છે તે તેઓ સમજી ગયા હતા. પાશ્ચાત્ય વિજ્ઞાનથી ઉદ્દભવેલા નરેન્દ્રના અનેક તર્કોનો ઉત્તર, શાંતપણે સાદા પણ ગંભીર શબ્દોમાં એક ભજન ગાઈને તેમણે આપ્યો. નરેન્દ્રને જવાબ મળ્યો. તેના સર્વ તર્ક તૂટી ગયા અને તે શાંત થયો ! શ્રીરામકૃષ્ણ કેટલીકવારે એક શબ્દ કહીને કે અમુક ભાવ પ્રદર્શિત કરીને કે કોઈ ભજન ગાઈને સમજાવવાનું સમજાવતા. કોઈ વખત ફક્ત એકજ શબ્દથી કે એક સાદા વાક્યથી જ તે નરેન્દ્રને મ્હાત કરી દેતા. નરેન્દ્રનું મુખ બંધ થઈ જતું અને શું બોલવું તે એને સુઝતું નહિ. તે ચકિત થઈ જતો અને શ્રીરામકૃષ્ણનો બુદ્ધિપ્રભાવ જોઈ રહેતો.
શ્રીરામકૃષ્ણના સઘળા બોધનો સાર એ હતો કે, “સ્વાનુભવ કરો ! સ્વાનુભવ થશે એટલે સઘળા વિતર્કો એની મેળેજ નષ્ટ થશે !” શ્રીરામકૃષ્ણ એક મહાન દૃષ્ટા હતા. પોતે અનુભવેલું હોય તેજ શિષ્યોને તેઓ કહેતા : “ષડ્ દર્શનમાં, તંત્રમાં કે વેદમાં પણ પરબ્રહ્મનો સાક્ષાત્કાર તમને મળશે નહિ; સ્વાનુભવથીજ તે જણાશે.” એવો બોધ તે સર્વને કરતા. એ સ્વાનુભવ એટલે કે નિરાવરણ પરમાત્મ સાક્ષાત્કાર પાંડિત્યમાં નથી, પણ ચારિત્રમાં છે; અને એ ચારિત્ર મોહ, મમતા અને વિષય વાસનાના ત્યાગમાં છે, એમ તે જણાવતા.
ફરીથી વળી એક દિવસ શિષ્યોએ વાદવિવાદ મચાવી મુક્યો હતો. “શું શાસ્ત્રો ખરાં છે ? વેદ ઈશ્વર પ્રેરિત છે કે ? ઇશ્વર શું છે ?” આમ તકરાર ચાલી રહી હતી. શ્રીરામકૃષ્ણ આઘે ઉભા ઉભા તે સર્વને જોઇને ખુશી થતા હતા. ધીમે ધીમે તે ગંગાના કિનારા ઉપર જવા લાગ્યા. સર્વ શિષ્યો તેમની પાસે ગયા. શ્રીરામકૃષ્ણ કિનારા ઉપર નજર કરી રહ્યા હતા. સર્વ શિષ્યો વાદવિવાદ કરીને થાક્યા હતા. કિનારા ઉપર કેટલાક કુતરાઓ સામસામા લઢી રહ્યા હતા. અને કેટલાક પોતાને મળેલું શાંતપણે ખાતા હતા. શ્રીરામકૃષ્ણે તે તરફ આંગળી કરીને બતાવ્યું, સર્વ શિષ્યો તેમના કહેવાનો ભાવાર્થ સમજી ગયા કે જ્યાં સુધી સત્ય વસ્તુ હાથ લાગી નથી ત્યાં સુધીજ સઘળા વાદવિવાદ રહે છે.
શ્રીરામકૃષ્ણ શિષ્યોને વાદવિવાદ કરવા દેતા. વિવાદથી તેમની શક્તિઓ ખીલતી અને તેમની વૃત્તિઓ સમજાતી. શ્રીરામકૃષ્ણ બોધ આપવા કરતાં વધારે પોતાના ચારિત્રથી જ શિખવતા. શિષ્યોની શંકાઓનું સમાધાન શ્રીરામકૃષ્ણના અલૌકિક વર્તનથી જ થઈ જતું. પોતાની સમક્ષ શ્રીરામકૃષ્ણનું અદ્ભુત ચારિત્ર તેમના શિષ્યો નિહાળતા અને તેથી વેદાન્તના સત્યોની ખાત્રી તેમને આપોઆપજ થતી. શ્રીરામકૃષ્ણની સંનિધિમાં રહેવું એ આત્માની ઉન્નતિની શાળામાં ભણવા બરાબર હતું.
“અંધશ્રદ્ધા નકામી છે” એમ એક દિવસ નરેન્દ્ર વિવાદ કરતો હતો, તે સાંભળીને શ્રીરામકૃષ્ણ પાસે ગયા અને બોલ્યા : “નરેન્દ્ર, અંધશ્રદ્ધા એ શબ્દનો અર્થ તું કેવો કરે છે ? શ્રદ્ધા માત્ર અંધજ છે ! શું શ્રદ્ધાને આંખ હોય ? અંધશ્રદ્ધા એમ શા માટે કહે છે ? શ્રદ્ધા અથવા પરોક્ષ જ્ઞાન એમ કહે. એક અંધશ્રદ્ધા અને બીજી આંખવાળી શ્રદ્ધા એમ ભાગ પાડવાથી શો અર્થ છે ? સ્વાનુભવથી કિંચિત્ સમય પણ સત્યનું દાન થયું નથી ત્યાં સુધી સઘળું તત્વજ્ઞાન અંધશ્રદ્વાજ છે.” જેમ જેમ નરેન્દ્ર વધારે તર્ક કરતો ગયો તેમ તેમ શ્રી રામકૃષ્ણથી તે વધારેને વધારે પકડાતો ગયો. એકવાર જેમને તે અભણ અને ગાંડા ધારતો હતો તેવા શ્રીરામકૃષ્ણથી છેવટે તે હારી ગયો અને પોતાની જીંદગીમાં ફરીથી કદિ “અંધશ્રદ્ધા” એવો શબ્દ વાપર્યો નહિ ! તેને ખાત્રી થઈ કે પાંડિત્યમાં ખરી ધાર્મિકતા નથી પણ સ્વાનુભવમાં છે. તેણે જાણ્યું કે હૃદયનો વિકાસ થવો જોઈએ, માણસે ઈશ્વરને જોવો જોઇએ. તેને લાગ્યું કે શ્રીરામકૃષ્ણનો બોધ તેમની ઉંડી આધ્યાત્મિક દૃષ્ટિનું જ પરિણામ છે અને તેથી જ તે અજેય છે તે આધ્યાત્મિક દૃષ્ટિ તેણે પણ હરકોઈ રીતે મેળવવી જોઈએ.
ઘણી વખત શ્રીરામકૃષ્ણ સમાધિસ્થ દશામાં જ શિષ્યોને નજરે પડતા. કેટલીકવાર સમાધિમાંથી જાગીને શિષ્યોનાં હૃદયને હલાવી મૂકે એવાં અગાધ સત્યો તે કહેતા. શ્રીરામકૃષ્ણના બોધની પાછળ તેમનું પ્રભાવશીલ ચારિત્ર હતું. આ ચારિત્રની છાપ ઘણીજ ઉંડી પડી રહેતી. સર્વ તરફ ભ્રાતૃભાવ રાખવાનો બોધ તે કરતા અને તે ભ્રાતૃભાવ તેમના જીવનમાં ક્ષણે ક્ષણે દેખાતો. વળી તેમનું અહિત કરનાર તરફ પણ તે સર્વદા જાગૃત રહેતા. ગર્વને તેમણે બાળીને ભસ્મ કરી નાંખ્યો હતો. સર્વત્ર બ્રહ્મનેજ તે જોતા. ઈશ્વરને કેમ ભજવો તેના ઉત્તરમાં તે કહેતા : “ગમે તે પ્રકારે ભજો ! ઈશ્વર એક કીડીના પગનો પણ અવાજ સાંભળે છે.” સાદા, ખાત્રીવાળા અને માર્મિક શબ્દોમાં તે જવાબ આપતા. તે બોલતા ત્યારે તેમના ઊંડા અંતરાત્મામાંથી તે બોલતા હોય એમ સૌને લાગતું. સહૃદયતા એમનું મુખ્ય ક્ષણ હતું.
ઈશ્વર સાકાર છે કે નિરાકાર ? ઉત્તરમાં શ્રીરામકૃષ્ણ કહેતા : “તે સાકાર અને નિરાકાર બંને છે ! વળી બંનેથી પર પણ છે ! તે એક પણ છે અને અનેક પણ છે ! ઈશ્વરનું આ અટપટું સ્વરૂપ બુદ્ધિથી સમજાશે નહિ; પણ આત્માના ઊંડા પ્રદેશમાં સ્વાનુભવથી તે જણાશે.” મૂર્તિપૂજા ખરી છે કે નહિં ? શ્રીરામકૃષ્ણ કહેતા : “આવા પ્રશ્નોજ મિથ્યા છે. જે કરવાથી ઈશ્વર તરફ મન વળે તે સઘળું જ સારું છે. ખરેખરો ભાવ હોવો એજ આવશ્યક બાબત છે.”
શ્રીરામકૃષ્ણનું જીવન વેદાન્ત ધર્મનું પ્રત્યક્ષ પ્રમાણ હતું. જે આત્માનુભવ હજારો વર્ષોથી હિંદુઓનાં ઉપનિષદોમાં અમૂલ્ય ખજાના તરીકે જળવાઈ રહ્યો છે તે આત્માનુભવનો તે જીવંત આવિર્ભાવ હતો. દરેકે દરેક સિદ્ધાંત એમના જીવનમાં ભજવાતો અને તેનું રહસ્ય પ્રત્યક્ષ થતું. શ્રીરામકૃષ્ણનું જીવન અદ્વૈતવાદના સિદ્ધાંતોનું દર્શન ક્ષણે ક્ષણે કરાવી રહ્યું હતું.
નરેન્દ્રનું હૃદય પવિત્ર, કોમળ, દયાર્દ અને લાગણીવાળું હતું, જે વાત તેની બુદ્ધિ માનતી નહિ તે વાત તેનું હૃદય માની લેતું, આ સહૃદયતાથીજ નરેન્દ્રનો આત્મા પરાણે પરાણે પણ હિંદુ ધર્મ તરફ વળતો હતો. નરેન્દ્ર દેવદેવીઓને માનતો નહોતો, પણ શ્રીરામકૃષ્ણ શ્રી મહાકાળીના સાચા ઉપાસક હતા અને તેમના ઉપરથી બ્રહ્મોસમાજમાં ૫ણ પ્રભુને માતૃભાવે ભજાતો નરેન્દ્ર પ્રત્યક્ષ જોતો, એટલે તેનું હૃદય ખેંચાતું ! તે મુખેથી “કાળી, કાળી” એમ બોલતો. પણ ઘડીમાં તેનું મન ફરી જતું અને તે કહેતો “કાળી શું ? એ વળી કોણ ? બધું ખોટું !” વળી પાછું શ્રીરામકૃષ્ણના ભાવ જોઈને તેનું મન વિકળ બની જતું અને તે બોલતો “જય મા કાળી ! જય મા કાળી !”
નરેન્દ્રના કુટુંબને નાણાંની અડચણ પડે છે એમ જાણી એકવાર શ્રીરામકૃષ્ણે નરેન્દ્રને કહ્યું કે શ્રીમહાકાળીની પ્રાર્થના કર. નરેન્દ્ર મંદિરમાં ગયો, પણ તેણે જ્ઞાન અને ભક્તિ મળવાનીજ પ્રાર્થના કરી, દ્રવ્યને માટે પ્રાર્થના કરી નહિ. શ્રીરામકૃષ્ણે તેને ફરીથી મોકલ્યો, પણ તેનું તેજ ! ત્રીજીવાર તેને મોકલવામાં આવ્યો અને તે મુંગે મ્હોઢે પાછોજ આવ્યો !
शिवोहम्, अहं ब्रह्मास्मि એમ કહેવું એ ઈશ્વરનું અપમાન કરવા બરાબર છે એમ નરેન્દ્ર ધારતો. શ્રીરામકૃષ્ણે તેને અદ્વૈતવાદનાં પુસ્તકો વાંચવાનું કહ્યું. નરેન્દ્રે ના પાડી. શ્રીરામકૃષ્ણે કહ્યું કે તું મને તો વાંચી સંભળાવ ! આ પ્રમાણે ઉપનિષદો, અધ્યાત્મરામાયણ, યોગવાશિષ્ટ વંચાયાં ! નરેન્દ્રના હૃદયમાં કંઇક પ્રકાશ પડ્યો. “આ સઘળું બ્રહ્મ છે, જે જણાય છે તે બ્રહ્મ છે, જે જણાતું નથી તે પણ બ્રહ્મ છે; આત્મા બ્રહ્મ છે, દેવો બ્રહ્મ છે; આખું વિશ્વ બ્રહ્મ છે; જે આ પરમ સત્યને અનુભવે છે તે મુક્ત બને છે !” આ બાબતમાં શ્રીરામકૃષ્ણનો જીવતો દાખલો પણ તેની આગળજ હતો. જીવ અને બ્રહ્મની એકતા તેમની સમાધિમાં અંતરના ઉંડાણમાંથી ઉચ્ચારાતાં અનેક સત્યોમાં, સમાધિ સમયે જણાતા અપૂર્વ આનંદમાં તેને નિઃશંકપણે સમજાતી.
તે છતાં હજી પણ નરેન્દ્રનું મન ફરી જતું અને તે અનેક સંશયો ઉઠાવતું. નરેન્દ્ર શ્રીરામકૃષ્ણની સામે થતો. દરેક બાબતમાં વાદવિવાદ કરતો, ઘાંટા પાડતો અને શ્રી રામકૃષ્ણને ગભરાવતો ! કેટલીક વખત તો તે જાણી જોઇનેજ શંકાઓ કહાડતો. શ્રીરામકૃષ્ણને અપૂર્વ ધીરજ રાખવી પડતી અને શિષ્યના વાક પ્રહાર સહન કરવા પડતા. જે ધીરજથી, અમાનુષી પ્રેમથી, અગાધ બુદ્ધિથી અને ચારિત્રના પ્રભાવથી તેમણે ધીમે ધીમે પોતાના શિષ્યનું મન સ્થિર કર્યું છે તેની વિગતવાર હેતાં પાનાંને પાનાં ભરાઈ જાય.
શ્રી રામકૃષ્ણમાં અગાધ બુદ્ધિ અને અનુભવબળ છતાં માત્ર એક સાદા ભક્ત જેવાજ તે દેખાતા હતા. તેમનું ભાન નરેન્દ્રને ધીમે ધીમે થતું હતું. હાલના અંગ્રેજી ભણતરમાંથી પેદા થતી અશ્રદ્ધા, સંશયો અને કુતર્કોનો નરેન્દ્ર આબેહુબ નમુનો હતો. ત્યારે બીજી તરફ પ્રાચીન ગર્વ, આધ્યાત્મજ્ઞાન અને ઋષિઓના બુદ્ધિ પ્રાબલ્યની જીવતી મૂર્તિ શ્રી રામકૃષ્ણ હતા ! આધુનિક સમયનો નરેન્દ્ર ડગલે ડગલે શંકા કરતો અને પ્રાચીન સમયના શ્રીરામકૃષ્ણ તેમાં ક્ષણે ક્ષણે અપૂર્વ પ્રકાશ પાડી તેનો માર્ગ મોકળો કરતા. શ્રીરામકૃષ્ણ જેવા સમર્થ ગુરૂ પણ નરેન્દ્રના નાસ્તિક હૃદયને એકાએક આસ્તિક કરી શક્યા નહિ ! ક્ષણવાર નરેન્દ્રનું મન પીગળે પણ બીજી જ ક્ષણે તે પાછું ફરી જાય ! નાનીમાં નાની અને નજીવી બાબતોમાં પણ તે શંકા કરે ! દરેક હિંદુ વિચાર, હિંદુ આચાર ખોટાજ છે એમજ કહેવા લાગે ! જેમ વાંદરૂં એક ડાળેથી કુદે અને બીજે ડાળે જઈને બેસે તેમ નરેન્દ્રનું મન એક વિષયમાં પકડાય તો ઝટ લઈને તે બીજો વિષય ગ્રહણ કરી લે. એક તો મનુષ્યનું મન સ્વાભાવિક રીતે જ ચંચળ અને અસ્થિર હોય છે અને તેમાં વળી અંગ્રેજી વિદ્યાનો પાસ લાગ્યો; એટલે “મર્કટ ને વળી મદીરા પીએ, અખા એથી સૌકો બીએ.” એક કહેવત પ્રમાણે નરેન્દ્રનું મન દરેકે દરેક બાબતમાં અશ્રદ્ધાનોજ પોકાર કરી રહ્યું હતું. તેનું મન ઠેકાણે લાવતાં શ્રીરામકૃષ્ણને અથાગ શ્રમ લેવો પડતો અને અનેક યુક્તિઓ સમજાવવી પડતી હતી. શ્રીરામકૃષ્ણ કહેતા “સત્યને એક બાજુએથી નહિ, પણ બધી બાજુએથી તપાસી જો ! જ્ઞાની અને ભક્ત એકી વખતે થા અને સત્યને જો !”
નરેન્દ્ર વધારેને વધારે શંકાઓ કરવા લાગ્યો. અનેક ભક્તો ઉપર તે સખત ટીકાઓ ચલાવવા લાગ્યો. આમ ઘણા દિવસ ચાલ્યું. શ્રીરામકૃષ્ણ શાંતપણે સૌ સહન કરતા. એક દિવસ તો નરેન્દ્ર હદ પાર ટીકાઓ કરવા લાગ્યો અને તે એટલે સુધી કે શ્રી રામકૃષ્ણ જેવા ધીરજવાળા મનુષ્ય પણ તે વધારેવાર સાંભળી શક્યા નહિ, નરેન્દ્રની ટીકાઓ સાંભળીને તેમનું મગજ પાકી ગયું. તે આખરે બોલી ઉઠ્યા “તું અહીંથી જા અને ફરીથી અહીં આવીશ નહિ. શ્રીરામકૃષ્ણ કહેતા કે જેણે કાશી જોયું છે તેને ગમે તેટલું સમજાવો પણ તે કાશી નથી એમ કદિ કહેવાનો નથી. છોકરૂં જણીને પારણે ઝુલાવી રહેલી સ્ત્રીને કોઈ કહે કે તું પરણીજ નથી અથવા વાંઝણી છે તો તે કેવી રીતે માનશે ?
નરેન્દ્ર એકદમ ચાલ્યો ગયો. ચાલ્યો તો ગયો પણ ક્ષણવારમાં તેનો પગ પાછો પડ્યો. શ્રી રામકૃષ્ણ જેવા અનુભવી અને સાચા અંત:કરણવાળા મનુષ્યના શબ્દોમાં તેના જેવા બીજા અનુભવીએ શંકા કરવી એ ઉચિત નથી. શ્રીરામકૃષ્ણનો સત્યાગ્રહ સ્વાભાવિક છે, કૃત્રિમ નથી, તેમના બોલ ખરા અંતઃકરણની લાગણીવાળા અને અનુભાવથી ભરેલા છે. જેમ તે બોલે છે તેમ તે ચાલે છે અને આ વર્તન નિરંતર જોવામાં આવે છે. આવા મનુષ્યના કથનમાં ઉંડું સત્ય હોવું જ જોઈએ, એમ વિચારીને નરેન્દ્ર શરમાયો અને પાછો ફર્યો.
આ પ્રમાણે નરેન્દ્ર શંકાઓ કરતો તેથી શ્રી રામકૃષ્ણ ખુશી થતા; કારણ કે તે જાણતા હતા કે હૃદયની સઘળી શંકાઓનું સમાધાન કરીનેજ જો નરેન્દ્ર સત્ય જ્ઞાન મેળવશે તેમજ જગતમાં સર્વની શંકાઓને દૂર કરી શકશે અને હિંદુ ધર્મનું રહસ્ય લોકોના મનમાં ઠસાવી શકશે. શ્રીરામકૃષ્ણ વારંવાર કહેતા “જેમ નાણાવટીઓ રૂપીઆને વારંવાર ફેરવી ફેરવીને તપાસી જુએ છે તેમ તું દરેક બાબત તપાસી જોજે, તારી ખાત્રી થયા વગર કશુંજ માનતો નહિ. શ્રી રામકૃષ્ણના જીવનથી ઉત્તમ વેદાંતી નરેન્દ્રના મન ઉપર ઘણી જ અસર થતી. ગીતામાં વર્ણવેલી જ્ઞાનીની દશા શ્રીરામકૃષ્ણમાં તે પ્રત્યક્ષ જોતો અને તેથી ગીતાનાં સત્ય સાચાં છે, શક્ય છે, તે માત્ર કલ્પનાનોજ વિષય નથી, એમ તે માનવા લાગ્યો. “મેં ઇશ્વરને જોયા છે” એમ છાતી ઠોકીને કહેનાર, ઘણુંખરૂં સમાધીમાંજ રહેનાર, અનેક કસોટીમાંથી પાર ઉતરનાર, જ્ઞાનીની દશાનો જીવતો દાખલો પ્રત્યક્ષ આપનાર, દંભ વગરનો, સાદો પણ અગાધ બુદ્ધિવાળો પુરૂષ નરેન્દ્રે આ પ્રથમજ જોયો હતો. પોતાના જીવનમાં અદ્વૈતભાવનું પ્રત્યક્ષ દર્શન કરાવનાર મહાત્મા આ તેને પહેલોજ મળ્યો હતો. શ્રીરામકૃષ્ણને સમાધિ આવતી તે એવી તો સ્વાભાવિક લાગતી કે તેમાં કોઈથી શંકા કરી શકાતી નહિ. શ્રીરામકૃષ્ણ ઘડીકમાં સાચા ભાવથી ગોપીઓનો પ્રેમ પ્રત્યક્ષ કરાવે, શ્રીકૃષ્ણની અગાધ લીલા સમજાવે, તેનો આબેહુબ ચિતાર શ્રોતાઓના મનમાં ખડો કરે; તો બીજી ઘડીયે શિવભક્તિનું રહસ્ય સમજાવી શિવના ચારિત્ર અને સ્વરૂપનો ખ્યાલ ઉત્પન કરે. વળી ઘડીકમાં તેઓ શ્રી મહાકાળીના દૈવી રહસ્યનું ભાન કરાવે. આમ તેઓ સર્વ દેવ દેવીઓનો ભાવ ભજવી તેમનાં અસ્તિત્વ અને સત્યતાની ખાત્રી કરી આપે. બુદ્ધ, મહંમદ અને ક્રાઈસ્ટને પણ તે ભૂલતા નહોતા અને તેમનો પણ ભાવ ભજવી તેમની ભક્તિ અને સિદ્ધિના સાચાપણાનો ખ્યાલ સૌને આપે. આ સધળું નિહાળી અને શ્રીરામકૃષ્ણનો સાચો ભાવ જોઈ નરેન્દ્રના મન ઉપર ઘણીજ ઉંડી અસર થઈ.
આ પ્રમાણે આ અલૌકિક મહાત્મા કે જે પોતાનું નામ પણ લખી શકતા નહોતા તેમના પ્રભાવ માત્રથીજ કેળવાયલા નાસ્તિક નરેન્દ્રના અંતઃકરણમાં ઘણોજ ફેરફાર થઈ ગયો. તેના તર્કવિતર્કનો નાશ થયો; હૃદય સ્વચ્છ આકાશ જેવું નિર્મળ બની રહ્યું; તેમાં દૈવી પ્રકાશ પડી રહ્યો; તેનું સઘળું વર્તન બદલાયું અને આગળ જે યુવક શ્રી રામકૃષ્ણના બોધ વિષે, આચાર વિષે, જીવન વિષે અનેક શંકાઓ કરતો હતો તેજ યુવક હવે જાતેજ શ્રી રામકૃષ્ણનો બચાવ કરવા લાગ્યો ! હવે તે હિંદુ ધર્મનો પક્ષ ખેંચવા લાગ્યો; પરંતુ હજી પણ તેનામાં કેટલીક ખામી હતી.
નરેન્દ્રના મનમાં હવે ઉત્કટ વૈરાગ્ય વ્યાપી રહ્યો હતો. એક વખત પંચવટીમાં જ્યાં આગળ શ્રીરામકૃષ્ણે યોગ સાધ્યો હતો ત્યાં બેસી યોગ સાધવો એવો વિચાર તેણે શ્રીરામકૃષ્ણને જણાવ્યો. શ્રીરામકૃષ્ણે જાણી જોઇને પૂછ્યું કે “કાયદાનો અભ્યાસ તારે શરૂ રાખવો નથી ?” અત્યંત લાગણીથી નરેન્દ્રે જવાબ આપ્યો “મહારાજ મેહેરબાની કરીને મને એવી કાંઈ દવા આપો કે કોલેજમાં શીખેલું બધુંજ હું ભૂલી જાઉં !” તે દિવસથી તે શ્રીરામકૃષ્ણનો વ્હાલામાં વ્હાલો શિષ્ય થઈ રહ્યો. એક માતા તેના પુત્ર તરફ જે પ્રેમ દર્શાવે છે તેનાથી પણ અધિક પ્રેમથી શ્રીરામકૃષ્ણ નરેન્દ્રને ચહાતા હતા અને બંનેની વચમાં એવો તે અમાનુષી પ્રેમ ઉત્પન્ન થયો હતો કે બેમાંથી એક પણ જરાક વેગળું ખસે તો બંનેને ચેન પડે નહિ.
જે બિલ્વવૃક્ષની આગળ બેસીને શ્રી રામકૃષ્ણે યોગ સાધ્યો હતો તે વૃક્ષની પાસે બેસી નરેન્દ્રે હવે યોગની અનેક ક્રિયાઓ સાધવા માંડી. હવે તેનું ચિત્ત શાંત થવા લાગ્યું. મન ઉપર જય મેળવાયો. આમ ઘણા દિવસ વીતી ગયા. ભાવ સમાધિમાં આવી જતા શ્રીચૈતન્ય જેવા અનેક ભક્તોતાની માફક ભાવસમાધિ તેને હજી સુધી કેમ પ્રાપ્ત થતી નથી એમ નરેન્દ્ર શ્રીરામકૃષ્ણને એક દિવસ પૂછવા લાગ્યો. શ્રીરામકૃષ્ણ કેટલીક સમજુતી આપ્યા પછી તેને ધીરજ રાખવાનું કહ્યું અને સમજાવ્યું કે એવો પણ સમય આવશે કે જે વખતે ભાવ સમાધિ તો શું પણ નરેન્દ્રની આખી વ્યક્તિજ પરમાત્મ સ્વરૂપમાં લીન થઈ જશે !
શ્રીરામકૃષ્ણ પુરેપુરૂં જાણતા હતા કે નરેન્દ્ર પૂર્વનો કોઈ યોગભ્રષ્ટ પુરૂષ છે અને ભવિષ્યમાં તે અસાધારણ જીવનમુકત નિવડશે. નરેન્દ્રને જોઈને તેમના હૃદયમાં અનેક લાગણીઓ તરી આવતી અને તે ભાવ સમાધિમાં આવી જતા. કોઈ મનુષ્ય નરેન્દ્રનું ભુંડું બોલે તો શ્રી રામકૃષ્ણ કહેતા કે “નરેન્દ્રને માટે એકદમ કોઈએ અભિપ્રાય બાંધવો નહિ. એને પુરેપુરો હાલ કોઈ ઓળખી શકે તેમ નથી.”
હવે નરેન્દ્ર શ્રીરામકૃષ્ણના પવિત્ર સહવાસમાં દિવસના દિવસ ગાળવા લાગ્યો. શ્રીરામકૃષ્ણ તરફ તેનું ચિત્ત સંપૂર્ણ લાગી રહ્યું અને તે શ્રીરામકૃષ્ણનીજ પાસે બેસી રહીને તેમના મુખ સામું જોયા કરતો. કોઈ કોઈવાર સત્સંગ દરમ્યાન જ વિચારમાં તે એટલો તો લીન થઈ જતો કે તેમનો બોધ તે સાંભળતો નહિ. એક વખત આવું જોઇને શ્રીરામકૃષ્ણ કહેવા લાગ્યા : “મારા દીકરા, મારું કહેવું બરાબર સાંભળ.” નરેન્દ્રે જવાબ આપ્યો: “હું તમને વાતો કરતા સાંભળવાને આવ્યો નથી.” શ્રી રામકૃષ્ણ બોલી ઉઠ્યા “ત્યારે તું શું કરવાને આવ્યો છે?” નરેન્દ્રે ઉત્તર આપ્યો “મારું મન તમારા તરફ આકર્ષાય છે, હું તમને અત્યંત ચાહું છું, તેથી હું તમને જોવાને આવ્યો છું.” શ્રી રામકૃષ્ણ તરતજ ભાવ સમાધિમાં આવી ગયા અને પછીથી એકદમ ઉઠીને પોતાના શિષ્યને ભેટી પડ્યા ! જાણે કે પ્રેમપાશની છેલ્લી ગાંઠ બંધાવાની બાકી હોય તેમ છેલ્લી ગાંઠ બંધાઈ ગઈ !
નરેન્દ્રના મનમાં ખાત્રી થઈ કે અગાધ પ્રેમનો આ મહાસાગર છે ! એમની સમીપતા સર્વ તત્વજ્ઞાન કરતાં પણ વધારે છે. તેઓ પોતેજ આધ્યાત્મિક જ્ઞાનની જીવન્ત મૂર્તિ છે ! એવા પ્રતાપી સદ્ગુરૂના સમાગમમાં રહીને તેમના આધ્યાત્મિક અનુભવો, ઉપદેશ અને ઓજસનો લાભ લેતા ચાલીને નરેન્દ્ર પોતાનો અભ્યાસ આગળ વધારવા લાગ્યો.