સ્વામી વિવેકાનંદ/સેવાશ્રમોની સ્થાપના અને પૂર્વ બંગાળ તથા આસામની મુસાફરી

← ફરીથી અમેરિકા જવું સ્વામી વિવેકાનંદ
સેવાશ્રમોની સ્થાપના અને પૂર્વ બંગાળ તથા આસામની મુસાફરી
રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ
બેલુર મઠમાં જીવન →


પ્રકરણ પ૭ મું – સેવાશ્રમની સ્થાપના અને પૂર્વ બંગાળ તથા આસામની મુસાફરી.

આ પ્રમાણે પોતાના અમેરિકન મિત્રો, વિદ્યાર્થીઓ અને શિષ્યોને છેલ્લી મુલાકાત આપીને ત્યાંથી પેરીસ થઇને સ્વામીજી હિંદુસ્તાન તરફ પાછા ફર્યા. આ વખતે સ્વામીજીનું શરીર પાછું તદ્દન ઘસાઈ ગયું હતું. એ ઘસાઈ જવાનું કારણ એજ કે આ વખતે પણ અમેરિકામાં સ્વામીજીએ અંગતોડ મહેનત કરી હતી. અમેરિકા, ઈંગ્લાંડ, પેરીસ અને કલકત્તા, દરેક સ્થળના દાક્તરોએ હવે તેમને એજ સલાહ આપી હતી કે તેમણે કેટલાંક વરસ સુધી પુરેપુરી વિશ્રાંતિ લેવી; પણ તેમ બનવું એ સ્વામીજીની બાબતમાં અશક્ય હતું. તબીયત સારી નહિ હોવા છતાં પણ સ્વામીજી કલકત્તે આવ્યા પછી તરતજ તેઓ આસામ, ગોઆલપરા, ગૌહટિ, શિલાંગ, ઢાકા વગેરે સ્થળોની મુલાકાત લેવાને નીકળી પડ્યા. ત્યાંથી તે પાછા આવ્યા ત્યારે તેમની તબીયત વધારે બગડેલી હતી એટલે હવે પુરેપુરો આરામ લેવાની તેમને ફરજ પડી. બે એક માસમાં તેમનું શરીર કંઇક સુધરતાંજ પાછા તે કામે લાગ્યા અને ફરીથી માંદા પડયા. હવે તો ડોકટરે તેમને એવીજ સલાહ આપી કે તેમણે પથારીમાંથી ઉઠવુંજ નહિ. તે પ્રમાણે સ્વામીજીએ દોઢેક માસ કર્યું અને તબીયત જરા સુધરી.

એ અરસામાં સ્વામીજીના સાંભળવામાં આવ્યું કે હરદ્વાર તરફ રહેતા સાધુઓ તેમજ યાત્રાર્થે જતા ગરિબ યાત્રાળુઓ મંદવાડમાં આવી પડતાં અન્ન-પાણી, દવા અને સેવાની સગવડને અભાવે મરી જાય છે. દુઃખીની સેવા એ તો સ્વામીજીને મન પ્રભુસેવાજ હતી. એટલે ઉપલી હકીકત જાણ્યા પછી તેમણે તે તરફ પણ એક સેવાશ્રમ સ્થાપવાનો વિચાર નક્કી કર્યો અને તેને પરિણામે હરદ્વારની પાસે આવેલા કનખલમાં એક સેવાશ્રમ સ્થાપવામાં આવ્યો. તે '"રામકૃષ્ણ સેવાશ્રમ" ને નામે ઓળખાય છે. તે આશ્રમમાં નિરાધાર મનુષ્યોને ઔષધ ઉપરાંત ભોજન આપવાની સગવડ રાખવામાં આવેલી છે. અત્યારે સ્વામી ક૯યાણાનંદ એ સેવાશ્રમના અધિષ્ઠાતા હોઇને અનેક સાધુઓની અને નિરાધાર યાત્રાળુઓની સેવા કરી રહ્યા છે. હરદ્વાર તરફ યાત્રાએ જતા પ્રત્યેક યાત્રાળુઓ આ આશ્રમ અને ત્યાં થતી રોગીઓની સેવા અવશ્ય જોવા જેવા છે. સાધુઓ અને યાત્રાળુઓ ઉપરાંત હરદ્વાર, કનખલ તેમજ આસપાસનાં અનેક ગામોનાં ગરીબ માણસો આ સ્થળે સલાહ તેમજ ઔષધ લેવાને માટે આવે છે. દરરોજ સો ઉપરાંત માણસો આવી રીતે આ આશ્રમનો લાભ લેવા આવે છે. રામકૃષ્ણ મિશનના સાધુઓનાં વિશાળ હૃદય, કાર્યદક્ષતા અને આત્મભોગનો યથાર્થ ખ્યાલ આ સ્થળે થતું કામકાજ જોવાથીજ આવી શકે તેમ છે આ આશ્રમમાં બ્રહ્મચારીઓ તેમજ સંન્યાસીઓ મળીને દસ ઉપરાંત માણસો સેવાનું કામ બજાવે છે. આસપાસથી બોલાવવામાં આવે ત્યાં રોગીઓની સારવાર કરવાને જવું, આશ્રમમાં આવતા દર્દીઓને તપાસવા, દવા આપવી, ગડગુમડ ધોઈ સાફ કરીને પાટા બાંધવા, આશ્રમમાં નિરાધાર સાધુઓને તેમજ યાત્રીઓને રાખવામાં આવ્યા હોય તેમનાં બિછાનાં સાફ રાખવાં, તેમને વખતસર દવા અને ખોરાક પહોંચાડવું, તેમના ઓરડા રોજ વાળીઝૂડીને સાફ રાખવા તેમજ તેમનાં એઠાં વાસણ ઉપાડી જઈ સાફ કરવાં, કોલેરાના તેમજ બળીયા વગેરે ચેપી રોગની અને ત્રિદોષની સખત વ્યાધીઓથી પીડા પામતા આશ્રમમાં રાખેલા દરદીઓની પાસે રાત્રિ દિવસ વારા ફરતી રહીને તેમની સર્વ પ્રકારની સેવા ચાકરી કરવી, વગેરે સર્વ પ્રકારનાં કામો ઉપલા બ્રહ્મચારીઓ અને સંન્યાસીઓજ બજાવે છે. કોઈ નિરાધાર રોગી કોઈ ઠેકાણે સહાય વિના રસ્તામાં કે ઓટલા પર પડી રહેલો જોવામાં આવતો તો તેને ઉંચકી લાવવાનું તેમજ આશ્રમમાં કોઈ દરદી મરી જાય તો તેને ઉંચકી જઈ ઠેકાણે પાડી આવવાનું કામ પણ આ કનક કાન્તાના ત્યાગી સંત પુરૂષોજ બજાવે છે. બીજો એક એવો સેવાશ્રમ બનારસમાં પણ સ્થપાયેલો છે. પહેલીવાર પશ્ચિમમાંથી પાછા આવ્યા પછી સ્વામીજી બનારસ થોડા દિવસ રહ્યા હતા. તે વખતે ત્યાંના એક પરોપકારી સદગૃહસ્થ બનારસમાં સેવાશ્રમ સ્થાપવાને માટે એક મોટી રકમ સ્વામીજીને ભેટ કરી હતી. સ્વામીજીની આજ્ઞાથી સ્વામી શિવાનંદ બનારસ ગયા હતા અને ત્યાં એક વાડીમાં આવેલું મકાન ભાડે રાખીને તેમણે આશ્રમની સ્થાપના કરી હતી. આ આશ્રમમાં મઠ અને સેવાશ્રમ-બે વિભાગો રાખેલા હોઈ મઠમાં રહેનારા સાધુઓ ધ્યાન, ભજન, પૂજન અને આત્મચિંતન વગેરે સાધનો બ્રહ્મચર્યપૂર્વક સાધે છે. આ સેવાશ્રમમાં બ્રહ્મચારીઓ કનખલના સેવાશ્રમના જેવાં સેવા કામો બજાવે છે. આવી રીતે સેવાનાં કામ કેટલાંક વર્ષ કર્યા પછીજ જેમની ઈરછા સંન્યાસી થવાની હોય તેમને આશ્રમના અધિષ્ઠાતાની સંમતિપૂર્વક સંન્યાસદિક્ષા અપાય છે. કાશીનો સેવાશ્રમ એક મોટી હોસ્પીટલ જેવો હોઈ કનખલના સેવાશ્રમ કરતાં બે ચારગણા વિસ્તારમાં પથરાયેલો છે. કાશી ધામની જાત્રાએ જનાર જ્યાં સુધી ત્યાંના આ ખરા તીર્થસ્થાનનાં દર્શન ન કરે ત્યાં સુધી તેમણે પોતાની યાત્રાને અધુરીજ સમજવી, તીર્થવાસી પંડ્યાઓ પોતાના યજમાન યાત્રીઓની સાથે ફરીને જુદાં જુદાં મંદિરનાં દર્શન પૂજન કરાવે છે, પણ આવાં વર્તમાન યુગનાં સાચાં સેવામંદીરની તો તેમને ખબર પણ નથી હોતી અને કદાચ ખબર હોય છે તો કદર નથી હોતી. વળી કોઈ દલાલી પણ પાકે તેવી નથી હોતી, માટે સમજુ યાત્રીઓએ પોતેજ આવાં સ્થળ જોવા ખંત રાખવો જોઈએ.

આ વખતે સ્વામીજીનાં દર્શન માટે ઘણાં મનુષ્યો બેલુર મઠમાં આવવા લાગ્યાં. પિતા પોતાનાં બાળકોની વચમાં ઘૂમતો હોય તેમ સ્વામીજી તે સર્વેની વચમાં ફરતા. તેમને જે કાંઈ પૂછતા તેનો બહુજ પ્રેમથી સમાધાનકારક ઉત્તર આપી પૂછનારના મનની મુંઝવણ ભાગતા. કોઈવાર સ્વામીજી એકલી કૌપીનજ પહેરીને મઠમાં ફરતા તો કોઈવાર એકાદ કપડું પહેરી લઇને પાસેનાં ગામડાંઓ તરફ વિચાર કરતા કરતા ચાલ્યા જતા. કોઈવાર તે એકલા ગંગાજીને કિનારે જ્યાં ફાવે ત્યાં બેસીને આત્મધ્યાનમાં મગ્ન થઈ જતા, તો કોઈવાર મઠના એકાદ વૃક્ષની છાયા તળે બેસી યા લેટીને ધ્યાનદશા અનુભવતા. કોઈવાર મઠમાં પોતાની ઓરડીમાં બેઠે બેઠે પુસ્તકોજ વાંચ્યા કરતા. વખતો વખત સ્વામીજીને આધ્યાત્મિક સ્ફુરણાઓ થઈ આવતી અને તેઓ આત્મધ્યાનમાં મગ્ન થઈ જતા.

બેલુર મઠમાં થોડાક દિવસ રહ્યા પછીથી સ્વામીજીએ માયાવતીવાળા અદ્વૈત આશ્રમની મુલાકાત લીધી. ત્યાંની સ્વચ્છ હવા, એકાંતવાસ અને અદ્વૈત્ આશ્રમનું કાર્ય જોઈને સંતોષ થયો. ત્યાંથી બેલુર મઠમાં પાછા આવ્યા પછી પૂર્વ બંગાળા અને ઢાકામાંથી અનેક આમંત્રણો આવવાથી સ્વામીજી તે તરફ કેટલાક દિવસ ગાળી આવ્યા. ત્યાંના મુખ્ય સ્થળ ઢાકામાં ત્યાંના વિદ્વાનોની વિનંતીથી સ્વામીજીએ બે ભાષણ આપ્યાં. છેલ્લા ભાષણમાં તેમણે હિંદુઓના પ્રાચીન ગૌરવનું અસરકારક વર્ણન કર્યા પછી જણાવ્યું કે એ બધું ખરૂં છે; માત્ર આપણા પૂર્વજોના પ્રાચીન ગૈારવને ગર્વ લઈને તેમજ મોંઢાની વાતો કરીને જ બેસી રહેવાથી કશું વળવાનું નથી. પ્રાચીનકાળમાં ભારતવર્ષમાં મોટા મોટા ઋષિઓ થયા હતા એ ખરૂં, પણ આધુનિક સમયમાં તેમના કરતાં પણ વધારે મોટા આપણે થવું જોઈએ. સર્વ હિંદુ સંતાનોએ અને વિદ્યાર્થીઓએ વેદોનો અભ્યાસ તો અવશ્યજ કરવો જોઈએ. પાશ્ચાત્યોના ગ્રંથો ઉપર મોહી પડતા ભારતવાસીઓને આર્યતત્વજ્ઞાનનો મહિમા સમજાવ્યા પછી તેમણે કહ્યું કે; પશ્ચિમના તત્વવેત્તાઓ અત્યાર સુધીમાં ફક્ત મનુષ્યના મનનેજ શોધી કહાડીને ત્યાંજ અટકી રહેલા છે, ત્યારે હિંદુના પ્રાચીન ઋષિઓએ આજથી હજારો વર્ષ પહેલાં ઘણાજ આગળ વધી જઈને આત્માને શોધી કહાડેલો છે અને વિશ્વમાં નિત્ય અને સત્ય વસ્તુ તે આત્માજ છે એમ સાબીત કરેલું છે. આ મોટા ફરકને લીધેજ પશ્ચિમમાં દ્રવ્યલોભ અને મોજમઝા જીવનનું લક્ષ્ય બની રહેલાં છે અને હિંદુઓનો આદર્શ આત્મદર્શન રહેતો આવ્યો છે. ઢાકામાં થોડા દિવસ રહ્યા પછી સ્વામીજી ચંદ્રનાથ, કામાખ્ય વગેરે જાત્રાનાં સ્થળોએ થઈને ત્યાંથી તે ગૌહટિ અને શિલાંગ ગયા. શિલાંગમાં આસામના ચીફ કમીશ્નર સર હેનરી કોટનના આગ્રહથી સ્વામીજીએ ત્યાંના યૂરોપિયનો અને હિંદવાસીઓની સમક્ષ એક સુંદર વ્યાખ્યાન આપ્યું.

શિલાંગથી સ્વામીજી પાછી બેલુર મઠમાં આવ્યા અને પોતાના અનુભવની વાતો સર્વેને કહેવા લાગ્યા. શિલાંગના ડુંગરોની શોભા અને બ્રહ્મપુત્રા નદીની ખીણનાં ભારે વખાણ કરવા લાગ્યા. ત્યાંના લોકોનું શારીરિક બળ અને ખંતનો ખ્યાલ તે સર્વેને આપવા લાગ્યા. એક શિષ્યે સ્વામીજીને પ્રશ્ન કર્યો કે “નાગ મહાશયના ઘરની મુલાકાત તમે લીધી હતી ?” શ્રીરામકૃષ્ણના પરમભક્ત નાગ મહાશયનું ગામ શિલાંગ જીલ્લામાં હતું. તે સાધુપુરૂષ તો સમાધિસ્થ થઈ ગયા હતા, પણ તેમનાં પવિત્ર પત્ની હયાત હતાં.

સ્વામીજીએ ઘણાજ ઉત્સાહથી જવાબ આપ્યો કે ઢાકા સુધી જઉં અને તેમને ઘેર હું ન જઉં એવું બને કે ? તેમનું ઘર કેવું સુંદર છે ! તે કેવું એકાંતમાં છે ! ત્યાં કેવી શાંતિ વ્યાપી રહેલી છે! ખરેખર તે જાત્રાનું જ સ્થાન છે. તેમનાં પત્નીએ મને ઘણી સુંદર વસ્તુઓ બનાવીને ખૂબ આગ્રહથી જમાડ્યો. મારા તરફ મારી માતા જેવું જ તેમનું વર્તન હતું. ત્યાં તળાવમાં જમવા પહેલાં હું ખુબ તર્યો અને ન્હાયો. પછીથી માજીના હાથની રસોઈ જમીને એવો તો ઉંઘી ગયો કે બપોરે અઢી વાગ્યે જાગ્યો, મારી જીદગીમાં થોડાજ દિવસ મને ગાઢ નિદ્રા આવેલી છે; પણ તેમાં જે નાગ મહાશયને ઘેર હું ઉંઘી ગયો તેની વાત તો ઓરજ છે. ત્યાંથી નીકળતી વખત નાગ મહાશયનાં પત્નીએ મને એક કપડું આપ્યું તેને મેં આદરપૂર્વક સ્વીકારીને માથે બાંધ્યું અને હું ઢાકા જવાને નીકળ્યો.