સ્હાંજની શોભા
સ્હાંજની શોભા નર્મદ |
સ્હાંજની શોભા
સ્હાંજની શોભા તે રળિયામણી
હાં રે હીંગળોકિયા તરંત તેજબિંબની; હો ! જી રે. સ્હાંજની૦
હાં રે બાવળ ઝાડીમાંથી સૂર્ય અસ્ત જોઈને;
હાં રે સિંદુર રંગથી ને કેમ રહું મોહીને ? હો ! જી રે. સ્હાંજની૦
હાં રે રૂડાં ખેતરો ખુલ્લાં તે પાસ તેડતાં;
હાં રે રંગીન બાવળો તે આંખ સંગ ખેલતાં : હો ! જી રે. સ્હાંજની૦
હાં રે ગયો સૂર્ય, વધ્યો જ ચંદ્ર તેજમાં;
હાં રે સાથ દીસતો તે શુક્ર વળી સ્હેજમાં : હો ! જી રે. સ્હાંજની૦
હાં રે લીલા બહુ રચી તે ગામ ગોંદરે;
હાં રે જોયું નર્મદે સુંદર ગામ આજ રે : હો ! જી રે. સ્હાંજની૦