હજીયે ન જાગે મારો આતમરામ
હજીયે ન જાગે મારો આતમરામ ! રામનારાયણ પાઠક |
હજીયે ન જાગે મારો આતમરામ
હજીયે ન જાગે મારો આતમરામ !
મારો આતમરામ !
સમુંદર ઘૂઘવે છે દૂર, વાયુ સૂસવે ગાંડોતૂર,
સમજું ન ભરતી કે આ તે આવે છે તુફાન !
આ તે આવે છે તુફાન !
હજીયે ન જાગે મારો આતમરામ !
મારો આતમરામ !
સઢ સંધા ફડફડે, દોર ધીંગા કડકડે,
હાજર સૌ ટંડેલ એક આ સૂનાં છે સુકાન !
મારાં સૂનાં છે સુકાન !
હજીયે ન જાગે મારો આતમરામ !
મારો આતમરામ !
વહાણ રાખું નાંગરેલું, વેપાર શી રીતે ખેડું ?
સવાયા થાશે કે જાશે મૂળગાય દામ !
મારા મૂળગાય દામ !
હજીયે ન જાગે મારો આતમરામ !
મારો આતમરામ !
હવે તો થાય છે મોડું વીનવું હું પાયે પડું,
મારે તો થાવા બેઠો છે ફેરો આ નકામ !
મારો ફેરો આ નકામ !
જાગો જી જાગો મારા આતમરામ !
વ્હાલા આતમરામ!