હરખ હવે તું હિન્દુસ્તાન!

હરખ હવે તું હિન્દુસ્તાન!
દલપતરામ

હરખ હવે તું હિન્દુસ્તાન!

(છંદ: મનહર)

ઝેર ગયાં ને વેર ગયાં, વળી કાળા કેર ગયા કરનાર,
પર નાતીલા જાતીલાથી સંપ કરી ચાલે સંસાર;
દેખ બિચારી બકરીનો પણ કોઈ ન જાતાં પકડે કાન,
એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન.

રાજ અનુપમ આજ થયું છે, લાજ વધારી તારી લેખ,
ઘોર કુકર્મી ચોર ગયા ને જોર દગાનું ડૂબ્યું દેખ;
મહમદ સરખા મારણ ન મળે, તૈમુર તુલ્ય નહિ તોફાન,
એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન.

જુલમી રાજાની જડ ઉખડી, નાદિર સરખા પામ્યા નાશ,
ભારે ભીલ તણો ભય ક્યાં છે, ક્યાં છે કજિયા ને કંકાશ;
વિધવિધના વૈભવ વસ્તીને, પહેરે પટકૂળ, ચાવે પાન,
એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન.

હોલકરથી નહિ હોય ખરાબી, મરાઠા કોણ જ માત્ર,
કદી સંહાર ન કરે સિંધિયા, પીંઢારા પણ ગયા કુપાત્ર;

ઈંગ્લિશના નેજા નીચે તારાં તનુજ કરે ગુલતાન,
એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન.

એ બળવંતા આશ્રય આગળ, ગાય ધવલ મંગળ ગુણગીત,
જેના ધારા સૌથી સારા, નિર્બળ નરને ડર નહિ ચિત્ત;
કોળી નાળીનો ભય ટાળી, સંભાળ રાખે સંસ્થાન,
એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન.

ફાંસીખોરા ફેલ કરીને, વનમાં પાડી ન શકે વાટ,
ધીંગા કાઠી જટનાં ધાડાં ધોડાં ઘેરી ન શકે ઘાટ;
ખેતર કે કુવેતરમાં જઈ, લશ્કર લૂંટી ન લહે ધાન્ય,
એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન.

લંકાથી હિમાલય લગભગ, કલકત્તાથી કચ્છ પ્રવેશ,
પંજાબી, સિંધી, સોરઠિયા, દક્ષિણ માલવ આદિક દેશ;
દિવસ ગયા ડરના ને દુઃખના, સુખના દિનનું દીધું દાન,
એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન.

તે માટે તું તો તનમનથી, માની લે એનો આભાર,
રાજી રાજી રહી નિરંતર, સ્વર્ગ સમો સજજે શણગાર;
દિલથી આશિષ દે છે દલપત, મહિમા મોટું મેળવ માન,
એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન.