હરિ તારા નામ છે હજાર
હરિ તારા નામ છે હજાર અજ્ઞાત |
હરિ તારા નામ છે હજાર
હરિ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી;
રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા૦
મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળિયો;
દ્વારિકામાં રાય રણછોડ, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા૦
કોઈ સીતારામ કહે, કોઈ રાધેશ્યામ કહે;
કોઈ કહે નંદનો કિશોર, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા૦
નરસિંહ મહેતાનો સ્વામી શામળિયો;
મીરાંનો ગિરધર ગોપાલ, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા૦
ભક્તોની રાખી ટેક, રૂપો ધર્યા અનેક;
અંતે તો એકનો એક, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા૦
નામો તારાં હજાર, ગણતાં ન આવે પાર;
એક દીન કરો વિચાર, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા૦
ભાવ ભર્યા ભક્તોના હાથે લખાય છે;
ભૂલચૂક કરજો સૌ માફ, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા૦
અમને લડાવો લાડ, રાખો ચરણની પાસ;
લેજો ભક્તોની સંભાળ, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા૦
છેલ છોગાળા, લખી પ્રેમે કંકોતરી;
પહોંચે વૈકુંઠ મુકામ, વૈકુંઠ ધામે લખવી કંકોતરી. હરિ તારા૦