હાં રે કોઈ માધવ લ્યો
મીરાંબાઈ


પદ ૧.

મીઠડાં ગોરસ લ્યો ગોરસ લ્યો એ રાગ.

હાં રે કોઈ માધવ લ્યો, માધવ લ્યો, વેચંતી વૃજનારી રે ... હાં રે
માધવને મટુકીમાં ઘાલી, ગોપી લટકે લટકે ચાલી રે, ... હાં રે
હાં રે ગોપી ઘેલું શું બોલતી જાય, કાન મટુકીમાં ન સમાય રે ... હાં રે
નવ માનો તો જુવો ઉતારી, માંહી જુવે તો કુંજવિહારી રે, ... હાં રે
વંદ્રાવનમાં જાતા ધારી, વા’લો ગૌ ચારે છે ગિરધારી રે ... હાં રે
ગોપી ચાલી વંદ્રાવન વાટે, સઉ વ્રજની ગોપીયો સાથે રે, ... હાં રે
મીરાં કહે પ્રભુ ગીરધર નાગર, જેના ચરણકમલ સુખસાગર રે ... હાં રે

અન્ય સંસ્કરણ ફેરફાર કરો

હાં રે કોઈ માધવ લ્યો, માધવ લ્યો,
વેચંતી વ્રજનારી રે ... હાં રે કોઈ માધવ લ્યો

માધવને મટુકીમાં ઘાલી,
ગોપી લટકે લટકે ચાલી રે,
હાં રે ગોપી ઘેલું શું બોલતી જાય,
મટુકીમાં ન સમાય રે .. હાં રે કોઈ માધવ લ્યો

નવ માનો તો જુઓ ઉતારી,
માંહી જુઓ તો કુંજબિહારી રે,
વૃંદાવનમાં જાતા દહાડી,
વા’લો ગૌ ચારે છે ગિરધારી રે ... હાં રે કોઈ માધવ લ્યો

ગોપી ચાલી વૃંદાવન વાટે,
સૌ વ્રજની ગોપીઓ સાથ રે,
મીરાં કહે પ્રભુ ગિરધર નાગર,
જેનાં ચરણકમલ સુખસાગર રે .. હાં રે કોઈ માધવ લ્યો