હાં રે ચાલો ડાકોર
મીરાંબાઈ


ગરબી ૨૨.

હાં રે ચાલો ડાકોર જઈ વસીયે,
હાં રે મને લેહ લગાડી રંગરસિયે. ... ચાલો. ટેક

હાં રે પ્રભાતના પહોરમાં નોબત વાજે,
હાં રે અમે દરશન કરવા જઈયે રે ... ચાલો.

હાં રે અરપટી પાઘ કેસરીયો વાઘો,
હાં રે કાને કુંડળ સોઈ રે ... ચાલો.

હાં રે પીળા પીતાંબર જરકશી જામો,
હાં રે મોતીન માળા સોઇયેરે ... ચાલો.

હાં રે ચંદ્ર બદન અણિઆળિ આંખો,
હાં રે મુખડું સુંદર સોઈયે રે ... ચાલો.

હાં રે રૂમઝુમ રૂમઝુમ નેપૂર વાજે,
હાં રે મન મોહ્યું મારૂ મોરલિએ રે ... ચાલો.

હાં રે મીરાંબાઈ કહે પ્રભુ ગીરધર નાગર,
હાં રે અંગોઅંગ જઈ મળીયે રે ... ચાલો.

અન્ય સંસ્કરણ

ફેરફાર કરો

હાં રે ચાલો ડાકોર જઈ વસિયે,
હાં રે મને લેહ લગાડી રંગરસિયે રે ... ચાલો.

હાં રે પ્રભાતના પહોરમાં નોબત વાજે,
હાં રે અમે દરશન કરવા જઈએ રે ... ચાલો.

હાં રે અટપટી પાઘ કેસરિયો વાઘો,
હાં રે કાને કુંડળ સોઈયે રે ... ચાલો.

હાં રે પીળા પીતાંબર જરકશી જામો,
હાં રે મોતીન માળાથી મોહિયે રે ... ચાલો.

હાં રે ચંદ્રબદન અણિયાલી આંખો,
હાં રે મુખડું સુંદર સોઈયે રે ... ચાલો.

હાં રે રુમઝૂમ રુમઝૂમ નેપૂર બાજે,
હાં રે મન મોહ્યું મારું મોરલીએ રે ... ચાલો.

હાં રે મીરાંબાઈ કહે પ્રભુ ગિરિધર નાગર,
હાં રે અંગોઅંગ જઈ મળિયે રે ... ચાલો.