હા હા રે ઘડુલીયો ચઢાવ રે ગિરધારી
અજ્ઞાત



હા હા રે ઘડુલીયો

ગોપીઓ નદી કિનારે જળ ભરવા માટે જાય છે. જળ ભરીને વારા ફરથી એક બીજાના માથા પર બેડલું ચઢાવે છે પણ છેલ્લે એક ગોપી રહી જાય છે. કોણ તેના માથા પર પાણી ભરેલું બેડલું ચઢાવે? આ સમયે ત્યાંથી બાળ ગોવિંદ નટખટ શ્રી કૃષ્ણ પસાર થાય છે ત્યારે ગોપી તેમને બેડલું માથે ચઢાવવા માટે વિનંતી કરે છે. આ વિનંતી માટે ગોપી શ્રી કૃષ્ણના જે વખાણ કરે છે તે નીચે પ્રસ્તુત ગરબામાં વર્ણવેલ છે.


હા હા રે ઘડુલીયો ચઢાવ રે ગિરધારી...
ઘરે વાટ્યું જુએ છે માં મોરી રે, બેડલું ચઢાવ રે ગિરધારી...

તારા માથાનો અંબોડો રે ગિરધારી...
જાણે છૂટ્યો તેજીનો ઘોડો રે, બેડલું ચઢાવ રે ગિરધારી...

તારી આંખોનો ઉલાળો રે ગિરધારી...
જાણે દરિયાનો હિલોળો રે, બેડલું ચઢાવ રે ગિરધારી...

તારી નાકડિયાની દાંડી રે ગિરધારી...
જાણે દીવડીએ શગ માંડી રે, બેડલું ચઢાવ રે ગિરધારી...

તારા હાથની કલાયું રે ગિરધારી...
જાણે સોનાની શરણાયું રે, બેડલું ચઢાવ રે ગિરધારી...

તારા હાથની હથેળી રે ગિરધારી...
જાણે બાવળ પરની થાળી રે, બેડલું ચઢાવ રે ગિરધારી...


તારા હાથ ની આંગળીયું રે ગિરધારી...
જાણે ચોળા-મગની ફાળિયું રે, બેડલું ચઢાવ રે ગિરધારી...

તારા પેટડીયાનો ફંદો રે ગિરધારી...
જાણે પૂનમ કેરો ચાંદો રે, બેડલું ચઢાવ રે ગિરધારી...

તારા વાંસાનો વળાંકો રે ગિરધારી...
જાણે સરપનો સબાકો રે, બેડલું ચઢાવ રે ગિરધારી...