← નવી આવૃત્તિની પ્રસ્તાવના હિંદ સ્વરાજ
ઉપોદ્ઘાત
મોહનદાસ કરમચંદ ગાંધી
સંદેશો →


ઉપોદ્ઘાત

લોર્ડ લોધિયન સેવાગ્રામ આવ્યા ત્યારે તેમણે મારી પાસે 'હિંદ સ્વરાજ'ની નકલ માગી હતી. એમણે કહેલું : 'ગાંધીજી અત્યારે જે કંઈ ઉપદેશી રહ્યાં છે તે આ નાનકડી ચોપડીમાં બીજરૂપે પડેલું છે, અને ગાંધીજીને બરાબર સમજવા માટે એ ચોપડી ફરી ફરી વાંચવી ઘટે છે.'

આશ્ચર્યની વાત એ છે કે એ જ અરસામાં શ્રીમતી સોફિયા વાડિયાએ 'હિંદ સ્વરાજ' વિશે એક લેખ લખેલો, તેમાં આપના સર્વ પ્રધાનોને, ધારાસભાઓના સભ્યોને, ગોરા તેમ જ હિંદી સિવિલિયનોને, તેટલું જ નહીં પણ અત્યારના લોકશાસનના અહિંસક પ્રયોગની સફળતા ઇચ્છનાર દરેક જણને એ પુસ્તક ફરી ફરીને વાંચવાની ભલામણ કરેલી. તેમણે લખેલું : 'અહિંસક માણસ પોતાના જ ઘરમાં આપખુદી કેમ ચલાવી શકે? તે શરાબ કેમ વેચી શકે? જો તે વકીલ હોય તો પોતાના અસીલને અદાલતમાં જઈને લડવાની સલાહ કેમ આપી શકે? આ બધાં પ્રશ્નોનો જવાબ આપતાં અતિ અગત્યના એવા રાજદ્વારી પ્રશ્નોનો વિચાર કરવો આવશ્યક થઈ પડે છે. 'હિંદ સ્વરાજ'માં આ પશ્નોની સિદ્ધાંતની દૃષ્ટિએ ચર્ચા કરેલી છે. તેથી એ પુસ્તક લોકોમાં બહોળા પ્રમાણમાં વંચાવું જોઈએ, ને તેમાંના લખાણ વિશે લોકમત કેળવવો જોઇએ.'

શ્રીમતી વાડિયાની વિનંતી સવેળાની છે. ૧૯૦૮માં ગાંધીજીએ વિલાયતથી પાછા ફરતાં આગબોટ પર આ પુસ્તક લખેલું. હિંસક સાધનોમાં વિશ્વાસ ધરાવનારા કેટલાક હિંદીઓ જોડે વિલાયતમાં તેમને જે ચર્ચાઓ થયેલી તે પરથી તેમણે આ પુસ્તક મૂળ ગુજરાતીમાં લખ્યું. અને 'ઇન્ડિયન ઓપિનિયન' સાપ્તાહિકમાં આ લેખમાળા પ્રસિદ્ધ કરેલી. પછી તે પુસ્તકાકારે છપાયું, અને મુંબઈ સરકારે જપ્ત કર્યું. ગાંધીજીએ મિ. કેથનબેનેક માટે એ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ કર્યો હતો, તે મુંબઈ સરકારના હુકમના જવાબરૂપે પ્રસિદ્ધ કર્યો. ગોખલેજી ૧૯૧૨માં દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે તેમણે તે અનુવાદ જોયો. તેમને એ લખાણ એટલું અણઘડ લાગ્યું ને એમાંના વિચારો એવા ઉતાવળે બાંધેલા લાગ્યા કે તેમણે ભવિષ્ય ભાખ્યું કે ગાંધીજી હિંદમાં એક વરસ રહ્યા પછી જાતે જ એ પુસ્તકનો નાશ કરશે. ગોખલેજીની એ ભવિષ્યવાણી સાચી પડી નથી. ૧૯૨૧માં ગાંધીજી એ પુસ્તક વિશે લખતાં કહેલું :

'તે દ્વેષધર્મની જગ્યાએ પ્રેમધર્મ શીખવે છે; હિંસાને સ્થાને આપભોગને મૂકે છે; પશુબળની સામે ટક્કર ઝીલવા આત્મબળને ખડું કરે છે; એમાંથી મેં ફક્ત એક જ શબ્દ - ને તે એક મહિલા મિત્રની ઇચ્છાને માન આપીને - રદ કરેલો છે. તે સિવાય કશો ફેરફાર કર્યો નથી. આ પુસ્તક્માં આધુનિક સુધારાની સખત ઝાટકણી છે. તે ૧૯૦૮માં લખાયું હતું. મારી જે પ્રતીતિ એમાં પ્રગટ કરી છે તે આજે અગાઉના કરતાં વધારે દૃઢ થયેલી છે... પણ હું વાચકને એક ચેતવણી આપવા ઇચ્છું છું. તે એમ ન માની બેસે કે આ પુસ્તકમાં જે સ્વરાજનો ચિતાર આપ્યો છે તેવા સ્વરાજની સ્થાપના માટે હું આજે પ્રયત્ન કરી રહ્યો છું. હું જાણું છું કે હિંદુસ્તાન હજુ એને માટે તૈયાર નથી. એમ કહેવામાં કદાચ ઉદ્ધતાઈનો ભાસ થાય પણ મારી એવી પાકી ખાતરી છે. એમાં જે સ્વરાજનું ચિત્ર આલેખેલું છે તેવું સ્વરાજ્ય મેળવવાને હું વ્યક્તિગત રીતે પ્રયત્ન કરી રહ્યો છું ખરો. પણ આજે મારી સામુદાયિક પ્રવૃત્તિનું ધ્યેય હિંદુસ્તાનની પ્રજાની ઈચ્છા પ્રમાણેનું પાર્લમેન્ટરી ઢબનું સ્વરાજ પાપ્ત કરવાનું છે એ વિશે કશી શંકા નથી.'

૧૯૩૮માં પણ ગાંધીજીને, કેટલીક જગાએ ભાષા બદલવા ઉપરાંત, કશો ફેરફાર કરવા જેવો લાગતો નથી. એટલે આ પુસ્તક કશી કાપકૂપ વિના મૂળ જેવું હતું તેવું જ, પુનઃ પ્રસિદ્ધ કરવામાં આવે છે.

પણ એમાં આલેખેલા સ્વરાજને માટે હિંદુસ્તાન તૈયાર હોય કે ન હોય, પણ હિંદીઓ આ બીજરૂપ ગ્રંથનો અભ્યાસ કરે એ ઉત્તમ છે. સત્ય અને અહિંસાના સિદ્ધાંતોના સ્વીકારમાંથી અંતે શું શું ફલિત થાય છે તેનો વિચાર એમાં આપેલો છે. એ વાંચીને, એ સિદ્ધાંતોનો સ્વીકાર કરવો જોઈએ કે ત્યાગ, એનો નિશ્ચય વાચકોએ કરવો ઘટે છે.

મહાદેવ હરિભાઈ દેસાઈ

વર્ધા, ૨-૨-'૩૮ (અંગ્રેજી પરથી)

નવી આવૃત્તિની પ્રસ્તાવના

['હિંદ સ્વરાજ'ની આ નવી આવૃત્તિ પ્રસિદ્ધ થાય છે તેના ઉપોદ્ઘાતરૂપે, 'આર્યન પાથ' માસિકના 'હિંદ સ્વરાજ અંક'ની જે સમાલોચના 'હરિજન'માં મેં અંગ્રેજીમાં લખેલી તેનો અનુવાદ આપવો અનુચિત નહીં ગણાય. 'હિંદ સ્વરાજ'ની પ્રથમ આવૃત્તિમાં દર્શાવેલા ગાંધીજીના વિચારો બદલાયા નથી એ સાચું, પણ તેનો ઉત્તરોત્તર વિકાસ તો થતો જ ગયો છે. મારા નીચે આપેલા લેખમાં એ વિકાસ વિશે કંઈક વિવેચન કરેલું છે, તે વાચકની આગળ ગાંધીજીના વિચારોને વધારે વિશદ કરવામાં સહાયકર્તા થશે એવી આશા છે.

મ૦ હ૦ દે૦]