હિંદ સ્વરાજ/હિંદ સ્વરાજ વિશે

← સંદેશો હિંદ સ્વરાજ
હિંદ સ્વરાજ વિશે
મોહનદાસ કરમચંદ ગાંધી
પ્રસ્તાવના →


હિંદ સ્વરાજ વિશે


મારા આ નાનકડા પુસ્તક તરફ વિશાળ જનસંખ્યાનું ધ્યાન ખેંચાઈ ગયું છે એ ખરેખર મારું સદ્‌ભાગ્ય છે, તે મૂળ ગુજરાતીમાં લખાયેલું છે. તેની કારકિર્દી વિવિધ છે. તે પહેલવહેલું દક્ષિણ આફ્રિકામાં નીકળતા સાપ્તાહિક 'ઇન્ડિયન ઓપિનિયન'માં પ્રસિદ્ધ થયેલું, ૧૯૦૮માં લંડનથી દક્ષિણ આફ્રિકા પાછા ફરતાં આગબોટ પર, હિંદીઓના હિંસાવાદી સંપ્રદાયને અને દક્ષિણ આફ્રિકામાંના તેને મળતા વિચાર ધરાવનાર વર્ગને જવાબરૂપે, તે લખાયું હતું. લંડનમાં વસતા એકે‌એક જાણીતા અરાજકતાવાદી હિંદીના પ્રસંગમાં હું આવ્યો હતો. એમના શૂરાતનની છાપ મારા મન પર પડેલી, પણ મને લાગ્યું કે એમની ધગશે અવળી દિશા પકડી છે. મને લાગ્યું કે હિંસા એ હિંદુસ્તાનનાં દુઃખોનો ઈલાજ નથી, અને તેની સંસ્કૃતિ જોતાં તેણે આત્મરક્ષાને સારુ ભિન્ન અને ઉચ્ચતર પ્રકારનું કોઈ શસ્ત્ર વાપરવું જોઈએ. દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ તે વખતે હજુ માંડ બે વરસનું બાળક હતો. પણ તેનો વિકાસ એટલો થઈ ચૂક્યો હતો કે મેં એને વિશે અમુક અંશે આત્મવિશ્વાસથી લખવાની હામ ભીડી હતી. મારી એ લેખમાળા વાચકવર્ગને એટલી બધી ગમી કે તે પુસ્તકાકારે પ્રસિદ્ધ કરવામાં આવી. તેના તરફ હિંદુસ્તાનમાં કંઈક ધ્યાન ખેંચાયું. મુંબ‌ઈ સરકારે એના પ્રચારની મનાઈ કરી. તેનો જવાબ મેં એનો અંગ્રેજી અનુવાદ પ્રસિદ્ધ કરીને વાળ્યો. મને થયું કે, મારા અંગ્રેજ મિત્રોને એ પુસ્તકના લખાણથી વાકેફ કરવા એ મારી તેમના પ્રત્યેની ફરજ છે.

મારા અભિપ્રાય પ્રમાણે આ ચોપડી એવી છે જે બાળકના હાથમાં પણ મૂકી શકાય. તે દ્વેષધર્મની જગાએ પ્રેમધર્મ શીખવે છે; હિંસાને સ્થાને આપભોગને મૂકે છે; પશુબળની સામે ટક્કર ઝીલવા આત્મબળને ખડું કરે છે. તેની અનેક આવૃત્તિઓ થઈ છે, અને જેમને તે વાંચવાની દરકાર હોય તેમને તે ખસૂસ વાંચવાની હું ભલામણ કરું છું. એમાંથી મેં ફક્ત એક જ શબ્દ - ને તે એક મહિલા મિત્રની ઇચ્છાને માન આપીને - રદ કરેલો છે; તે સિવાય કશો ફેરફાર કર્યો નથી.

આ પુસ્તકમાં 'આધુનિક સુધારા'ની સખત ઝાટકણી છે. તે ૧૯૦૮માં લખાયું હતું. મારી જે પ્રતીતિ એમાં પ્રગટ કરી છે તે આજે અગાઉના કરતાં વધારે દૃઢ થયેલી છે. મને લાગે છે કે જો હિંદુસ્તાન 'આધુનિક સુધારા'નો ત્યાગ કરશે તો તેમ કરવાથી તેને લાભ જ થવાનો છે.

પણ હું વાચકને એક ચેતવણી આપવા ઇચ્છું છું. તે એમ ન માની બેસે કે આ પુસ્તકમાં જે સ્વરાજનો ચિતાર આપ્યો છે તેવા સ્વરાજની સ્થાપના માટે હું આજે પ્રયત્ન કરી રહ્યો છું. હું જાણું છું કે હિંદુસ્તાન હજુ એને માટે તૈયાર નથી. એમ કહેવામાં કદાચ ઉદ્ધતાઈનો ભાસ થાય. પણ મારી એવી પાકી ખાતરી છે. એમાં જે સ્વ-રાજનું ચિત્ર આલેખેલું છે તેવું સ્વ-રાજ મેળવવાને હું વ્યક્તિગત રીતે પ્રયત્ન કરી રહ્યો છું ખરો. પણ આજે મારી સામુદાયિક પ્રવૃત્તિનું ધ્યેય હિંદુસ્તાનની પ્રજાની ઇચ્છા પ્રમાણેનું પાર્લમેન્ટરી ઢબનું સ્વરાજ પ્રાપ્ત કરવાનું છે એ વિશે કશી શંકા નથી. હું રેલવે કે ઇસ્પિતાલનો નાશ કરવાનું ધ્યેય નથી સેવતો, જોકે તેમનો કુદરતી રીતે નાશ થાય તો હું તેને અવશ્ય વધાવી લ‌ઉં. રેલવે અથવા ઇસ્પિતાલો બેમાંથી એક ઊંચી ને વિશુદ્ધ સંસ્કૃતિની સૂચક નથી. બહુ બહુ તો એમ કહી શકાય કે એ અનિષ્ટ તો છે પણ અપરિહાર્ય છે. બેમાંથી એકે રાષ્ટ્રની નૈતિક ઊંચાઈમાં એક તસુનો પણ ઊમેરો કરતી નથી. તે જ પ્રમાણે હું અદાલતોના કાયમના નાશનું ધ્યેય નથી સેવતો, જોકે એવું પરિણામ આવે તો મને બહુ ગમે ખરું. યંત્રો અને મિલોના નાશને માટે તો હું એથીયે ઓછો પ્રયાસ કરું છું. એને માટે, લોકોની આજે જે તૈયારી છે એના કરતાં ઘણાં વધારે સાદાઈ અને ત્યાગની જરૂર રહે છે.

આ પુસ્તકમાં આલેખેલા કાર્યક્રમના એક જ અંશનો અત્યારે અમલ થઈ રહ્યો છે, ને તે અહિંસાનો. પણ મને કબૂલ કરતાં ખેદ થાય છે કે એનો અમલ પણ આ પુસ્તકમાં વર્ણવી છે એવી ભાવનાપૂર્વક નથી થતો. થતો હોય તો હિંદુસ્તાન એક દિવસમાં જ સ્વરાજ મેળવીને બેસી જાય. હિંદુસ્તાન જો પ્રેમના સિદ્ધાંતને તેના ધર્મના એક સક્રિય અંશરૂપે સ્વીકારે અને તેને પોતાના રાજકારણમાં દાખલ કરે, તો હિંદુસ્તાનમાં સ્વરાજ સ્વર્ગમાંથી ઊતરી આવે. પણ મને સખેદ ભાન છે કે એ ઘટના હજુ ઘણી દૂર છે.

આ વાક્યો હું લખું છું તેનું કારણ એ છે કે અત્યારની હિલચાલને નિંદવા માટે આ પુસ્તકમાંથી ઘણા ઉતારા ટંકાતા મારા જોવામાં આવ્યા છે. મેં એવી મતલબનાં લખાણો પણ જોયાં છે કે હું ઊંડી બાજી ખેલી રહ્યો છું, અત્યારની ઊથલપાથલનો લાભ લઈને મારા ચિત્રવિચિત્ર ખ્યાલો હિંદને માથે લાદવા મથી રહ્યો છું. અને હિંદુસ્તાનને ભોગે ધાર્મિક અખતરાઓ કરી રહ્યો છું. આનો જવાબ મારી પાસે એટલો જ છે કે સત્યાગ્રહ એવી કાચીપોચી તકલાદી વસ્તુ નથી. એમાં કશી મનચોરી નથી, કશી ગુપ્તતા નથી. 'હિંદ સ્વરાજ'માં વર્ણવેલા આખા જીવન-સિદ્ધાંતના એક અંશને આચારમાં ઉતારવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે એમાં કશી શંકા નથી. એ સમગ્ર સિદ્ધાંતનો અમલ કરવામાં કશું જોખમ છે એમ નથી; પણ આજે દેશની સામે જે પ્રશ્ન છે તેની સામે જેને કશી લેવાદેવા નથી એવા ફકરા મારાં લખાણોમાંથી ટાંકીને લોકોને ભડકાવવા એમાં તો ન્યાય નથી જ.

મોહનદાસ કરમચંદ ગાંધી

('યંગ ઇન્ડિયા')
જાન્યુઆરી, ૧૯૨૧