હિંદ સ્વરાજ/૧૧. હિંદુસ્તાનની દશા–વકીલ

← ૧૦. હિંદુસ્તાનની દશા–હિંદુ-મુસલમાન હિંદ સ્વરાજ
૧૧. હિંદુસ્તાનની દશા–વકીલ
મોહનદાસ કરમચંદ ગાંધી
૧૨. હિંદુસ્તાનની દશા–દાક્તર →



૧૧
હિંદુસ્તાનની દશા–(ચાલુ)


વકીલ


वाचक : .

તમે તો કહો છો કે બે જણ વઢે ત્યારે તેનો ન્યાય પણ ન કરાવવો. આ તો તમે અજબ વાત કહી.

अधिपति :

અજબ કહો કે બીજું વિશેષણ આપો, પણ તે વાત ખરી છે અને તમારી શંકા તે આપણને વકીલ-દાક્તરની ઓળખાણ કરાવે છે. મારો મત એવો છે કે વકીલે હિંદુસ્તાનને ગુલામી અપાવી છે અને તેઓએ હિંદુ-મુસલમાનના કજિયા વધાર્યા છે; તેઓએ અંગ્રેજોની સત્તા વધારી છે.

वाचक :

આવાં તહોમતો મૂકવાં સહેલાં છે; પણ સાબિત કરતાં મુશ્કેલી પડે. વકીલ વિના કોણ આપણને સ્વતંત્રતાનો માર્ગ બતાવત? તેઓ વિના ગરીબનો બચાવ કોણ કરત? તેઓ વિના દાદ કોણ અપાવત? જુઓ; મરહૂમ મનમોહન ઘોષે કેટલાને બચાવ્યા? પોતે તેમાંથી એક પેની સરખી નહીં લીધેલી. કૉંગ્રેસ કે જેનાં તમે જ વખાણ કરી ગયા તે વકીલોથી નભે છે ને તેઓની મહેનતથી તેમાં કામ થાય છે. આ વર્ગને તમે વખોડો એ તો ન્યાયનો અન્યાય કર્યા બરોબર છે. એ તો તમારે હાથ છાપું આવ્યું એટલે તમે ગમે તેમ બોલવાની છૂટ લીધા જેવું જણાય છે.

अधिपति : તમે માનો છો તેમ એક વેળા હું પણ માનતો. વકીલોએ કોઈ દહાડો કંઈ જ સારું નથી કર્યું એમ મારે તમને નથી બતાવવું. મિ. મનમોહન ઘોષને હું માન આપું છું. તેમણે ગરીબોને મદદ કરેલી એ વાત બરોબર છે. કૉંગ્રેસમાં વકીલોએ કંઈક કર્યું તે પણ માની શકાય. વકીલો પણ માણસ છે અને માણસજાતમાં કંઈક તો સારું રહેલું જ છે. ઘણાખરા દાખલા જે વકીલોની સારમાણસાઈના જોવામાં આવે છે તે, તેઓ વકીલ છે એ ભૂલી ગયેલા છે, ત્યારે બનેલા છે. મારે તો તમને એટલું જ બતાવવાનું છે કે તેઓનો ધંધો તેઓને અનીતિ શીખવનારો છે. તેઓ બૂરી લાલચમાં પડે છે; તેમાંથી ઊગરનાર થોડા જ છે.

હિંદુ અને મુસલમાન લડ્યા છે. તેઓને ત્રાહિત માણસ કહેશે કે હવે ભૂલી જાઓ; બેઉનો વાંક હશે; એકબીજા સંપીને રહેજો. તેઓ વકીલની પાસે ગયા. વકીલની ફરજ થઈ પડી કે તેણે તો અસીલનો પક્ષ ખેંચવો. અસીલ ધારતો ન હોય તેવી દલીલો અસીલના પક્ષની તેણે શોધવી એ તેનું કામ છે. જો એમ ન કરે તો તેણે પોતાના ધંધાને લાંછન લગાડ્યું ગણાય. એટલે વકીલ તો ઘણે ભાગે લડત આગળ વધારવાની સલાહ આપશે.

વળી માણસો વકીલ થાય છે તે કંઈ પરદુઃખ ભાંગવાને સારુ નહીં, પણ પૈસા પેદા કરવાને. તે એક કમાણીનો રસ્તો છે. ત્યારે વકીલનો સ્વાર્થ કજિયા વધારવામાં રહેલો છે. મારી જાણની વાત છે કે વકીલો પોતે જ્યારે કજિયા થાય છે ત્યારે રાજી થાય છે. મુખત્યારો તે પણ વકીલની જાત છે. નહિં હોય ત્યાંથી તેઓ કજિયા ઊભા કરશે. તેઓના દલાલો હોય છે તે જળોની માફક ગરીબોને વળગે છે ને તેઓનું લોહી ચૂસી લે છે. એ ધંધો જ એવા પ્રકારનો રહ્યો છે કે તેમાં માણસોને કંકાસનું ઉત્તેજન મળે જ. વકીલો એ નવરા માણસો છે. આળસુ માણસો એ એશાઅરામ ભોગવવાને ખાતર વકીલ બને છે. આ ખરી હકીકત છે. બીજી દલીલો અપાય તે બહાનાં છે. વકીલાત એ ભારે આબરૂદાર ધંધો છે એમ શોધી કાઢનારા વકીલ જ છે. કાયદા તેઓ ઘડે છે, તેનાં વખાણ પણ તેઓ જ કરે છે. માણસોની પાસેથી શું દામ લેવું એ પણ તેઓ જ મુકરર કરે છે ને માણસોની ઉપર દાબ બેસાડવા આડંબર એવો કરે છે કે જાણે તેઓ કોઈ આકાશમાંથી ઊતરી આવેલા દેવતાઈ પુરુષ ન હોય!

મજૂરના કરતાં તેઓ શા સારુ વધારે દહાડિયું માગે છે? તેઓની હાજતો મજૂર કરતાં વધારે શા સારુ છે? મજૂર કરતાં તેઓએ દેશનું શું વધારે ભલું કર્યું છે? ભલું કરનારને કંઈ વધારે પૈસા લેવાનો હક છે ખરો? જો પૈસાની ખાતર તેમણે કર્યું તો પછી તે ભલું કેમ ગણાયું? આ તો તે ધંધાનો જે ગુણ છે એ તમને હું કહી ગયો, પણ તે તો અલગ વાત રહી છે.

વકીલોથી કેટલાક હિંદુ-મુસલમાન વચ્ચેનાં હુલ્લડ થયાં છે એ જેમણે અનુભવ લીધો છે તે જાણતા હશે. તેથી કેટલાંક કુટુંબો પાયમાલ થઈ ગયાં. તેઓનાથી ભાઈઓ વચ્ચે ઝેર દાખલ થયાં છે. કેટલાંક રજવાડાં વકીલોની જાળમાં ફસાઈ જઈ કરજદાર થઈ પડ્યાં છે. ઘણા ગરાસિયા તે વકીલોના કારસ્તાનથી લૂંટાઈ ગયા છે. આવા દાખલા ઘણા આપી શકાય છે.

પણ વધારેમાં વધારે નુકસાન તેઓને હાથે એ થયું છે કે અંગ્રેજી ધૂંસરી આપણા ગળામાં સજ્જડ પેસી ગઈ છે. તમે વિચારો. તમને લાગે છે કે અંગ્રેજી અદાલતો ન હોત તો અંગ્રેજો રાજ ચલાવી શકત? અદાલતો એ કંઈ લોકોના સ્વાર્થને સારુ નથી. જેને પોતાની સત્તા નિભાવવી છે તે અદાલતની વાટે લોકોને વશ કરે છે. લોકો પોતે લડી લે તેમાં ત્રીજો માણસ પોતાની સત્તા નથી બેસાડી શકતો. ખરેખર, જ્યારે માણસો પોતાને હાથે મારામારી કરીને અથવા તો સગાંને પંચ નીમીને લડી લેતા ત્યારે મરદ રહેતા. અદાલતો આવી ત્યારે બાયલા બન્યા. એકબીજાએ લડી મરવું તે જંગલી ગણાતું. હવે ત્રીજો માણસ મારો કજિયો પતાવે ત્યારે ઓછું જંગલીપણું છે? કોઈ કહી શકશે કે જ્યારે ત્રીજો માણસ ઠરાવ આપે ત્યારે તે ખરો જ હોય છે? કોણ ખરું છે એ બંને પક્ષકાર જાણે છે. આપણે ભોળપણમાં માની લઈએ છીએ કે ત્રીજો માણસ આપણા પૈસા લઈ જઈ આપણો ઇન્સાફ કરે છે.

તે વાત અલગ રાખીએ. હકીકત તો આટલી જ બતાવવાની છે કે અંગ્રેજોએ અદાલતોની મારફતે આપણી ઉપર દાબ બેસાડ્યો છે ને તે અદાલતો આપણે વકીલ ન થઈએ તો ચાલી જ ન શકે. અંગ્રેજો જડ્જ હોત, અંગ્રેજો જ વકીલ હોત, અંગ્રેજો જ સિપાઈ હોત તો અંગ્રેજો માત્ર અંગ્રેજો ઉપર જ રાજ્ય કરત. હિંદી જડજ અને હિંદી વકીલ વિના ન જ ચાલી શક્યું. વકીલો કેમ થયા, તેઓએ કેવી ધાલાવેલી કરેલી એ બધું તમે સમજી શકો તો મારા જેટલો જ તિરસ્કાર તમને એ ધંધા તરફ છૂટશે. અંગ્રેજી સતાની એક મુખ્ય ચાવી તેઓની અદાલત છે ને અદાલતની ચાવી વકીલો છે. જો વકીલો વકીલાત છોડી દે ને તે ધંધો વેશ્યાના જેવો નીચ ગણાય તો અંગ્રેજી રાજ્ય એક દિવસમાં પડી ભાંગે. વકીલોએ હિંદી પ્રજાની ઉપર આરોપ મુકાવ્યો છે કે આપણને કજિયા વહાલા છે ને કોરટ-દરબારરૂપી પાણીનાં માછલાં છીએ.

વકીલને વિશે જે શબ્દો હું વાપરું છું તે જ શબ્દો જડ્જોને લાગુ પડે છે. તે બંને મસિયાઈ ભાઈ છે, ને એકબીજાને જોર આપનારા છે.