હિંદ સ્વરાજ/૧૩. ખરો સુધારો શું?
← ૧૨. હિંદુસ્તાનની દશા–દાક્તર | હિંદ સ્વરાજ ૧૩. ખરો સુધારો શું? મોહનદાસ કરમચંદ ગાંધી |
૧૪. હિંદ કેમ છૂટે? → |
૧૩
ખરો સુધારો શું?
वाचकः
તમે રેલવેને બાતલ કરી, વકીલને વખોડ્યા, દાક્તરને દબાવી દીધા, સંચાકામ માત્ર તમે નુકસાનકારક ગણશો એમ હું જોઈ શકું છું. હવે સુધારો તે કોને કહેવો? अधिपति :
એ સવાલનો જવાબ મુશ્કેલ નથી. હું માનું છું કે જે સુધારો હિંદુસ્તાને બતાવ્યો છે તેને દુનિયામાં કંઈ જ પહોંચી શકે તેમ નથી. જે બીજ આપણા વડવાઓએ રોપ્યાં છે તેની બરોબરી કરી શકે તેવું કંઈ જોવામાં આવ્યું નથી. રોમ ધૂળધાણી થઈ ગયું, ગ્રીસનું નામ જ રહ્યું, ફિરયાની (ઇજિપ્તની) બાદશાહી ચાલી ગઈ, જાપાન પશ્ચિમના પંજામાં આવ્યું. ચીનનું કંઈ કહેવાય નહીં. પણ પડ્યું આખડ્યું તો પણ હિંદુસ્તાન હજુ તો તળિયે મજબૂત છે.
જે રોમ અને ગ્રીસ પડ્યાં છે તેનાં પુસ્તકોમાંથી યુરોપના લોકો શીખે છે. તેઓની ભૂલો પોતે નહીં કરે એવું ગુમાન કરે છે. આવી તેઓની કંગાલ સ્થિતિ છે, ત્યારે હિંદ અચલિત છે. એ જ તેનું ભૂષણ છે. હિંદની સામે આરોપ છે કે તે એવું જંગલી, એવું અજ્ઞાન છે કે તેની પાસે કંઈ ફેરફાર કરાવી શકાતા નથી. આ આરોપ એ આપણો ગુણ છે, દોષ નથી. અનુભવે આપણને જે ઠીક લાગ્યું છે તે આપણે કેમ ફેરવીશું? ઘણા અક્કલ દેનારા આવજા કર્યા કરે છે, ત્યારે હિંદ અડગ રહે છે. આ તેની ખૂબી છે, આ તેનું લંગર છે.
સુધારો એ વર્તન છે કે જેથી માણસ પોતાની ફરજ બજાવે. ફરજ બજાવવી તે નીતિ પાળવી એ છે. નીતિ પાળવી એ આપણાં મનને તથા આપણી ઇંદ્રિયોને વશ રાખવી એ છે. એમ કરતાં આપણે આપણને ઓળખીએ છીએ. આ જ 'સુ' એટલે સારો ધારો છે. તેથી જે વિરુદ્ધ તે કુધારો છે.
ઘણા અંગ્રેજ લેખકો લખી ગયા છે કે ઉપરની વ્યાખ્યા પ્રમાણે હિંદુસ્તાનને કંઈ જ શીખવવાનું નથી રહેતું. આ વાત બરોબર છે. આપણે જોયું કે માણસની વૃત્તિઓ ચંચળ છે. તેનું મન ફાંફાં માર્યા કરે છે. તેના શરીરને જેમ વધારે આપીએ તેમ વધારે માગે છે. વધારે લઈને પણ સુખી નથી થતું. ભોગ ભોગવતાં ભોગની ઇચ્છા વધતી જય છે. તેથી પૂર્વજોએ હદ બાંધી. ઘણા વિચારો કરીને જોયું કે સુખદુઃખ મનનાં કારણ છે. તવંગર તે તવંગરીના કારણથી સુખી નથી; ગરીબ તે ગરીબાઈના કારણથી દુઃખી નથી. તવંગર દુઃખી જોવામાં આવે છે, ગરીબ સુખી જોવામાં આવે છે. કરોડો તો ગરીબ જ રહેશે. આમ જોઈ તેઓએ ભોગની વાસના છોડાવી. હજારો વરસ પહેલાં જે હળ હતું તેથી આપણે ચલાવ્યું. હજારો વરસ પહેલાં જેવાં આપણાં ઝૂંપડાં હતાં તે આપણે કાયમ રાખ્યાં. હજારો વરસ પહેલાં જેવી આપણી કેળવણી હતી તે ચાલતી આવી. આપણે નાશકારક હરીફાઈ રાખી નહીં; સહુ સહુનો ધંધો કરતા રહ્યા. તેમાં તેઓએ દસ્તૂર મુજબ કામ લીધું. કંઈ સંચા વગેરે શોધતાં ન આવડે તેમ ન હતું; પણ આપણા પૂર્વજોએ જોયું કે સંચા વગેરેની જંજાળમાં માણસો પડશે તો પછી ગુલામ જ બનશે ને પોતાની નીતિ તજશે. તેઓએ વિચારપૂર્વક કહ્યું કે આપણે હાથેપગે જે બને તે જ કરવું. હાથપગ વાપરવામાં જ ખરું સુખ છે, તેમાં જ તંદુરસ્તી છે.
તેઓએ વિચાર્યું કે મોટાં શહેરો સ્થાપવાં તે નકામી ભાંજગડ છે. તેમાં લોકો સુખી નહીં થાય. તેમાં સોનેરી ટોળીઓ અને સફેદ ગલીઓ જાગશે, રાંક માણસો તવંગરોથી લૂંટાશે. તેથી તેઓએ નાનાં ગામડાંથી સંતોષ રાખ્યો.
તેઓએ જોયું કે રાજાઓ અને તેઓની તલવાર કરતાં નીતિબળ વધારે બળવાન છે. તેથી તેઓએ રાજાને નીતિવાન પુરુષો - ઋષિઓ અને ફકીરોના કરતાં ઊતરતા ગણ્યા.
આવું જે પ્રજાનું બંધારણ છે તે પ્રજા બીજાને શીખવવાને લાયક છે, તે બીજાની પાસેથી શીખવાલાયક નથી.
આ પ્રજામાં અદાલતો હતી, વકીલો હતા, તબીબો હતા, પણ તે બધા રીતસર નિયમમાં હતા. સહુ જાણતું હતું કે એ ધંધા કંઈ ભારે ન હતા. વળી વકીલો, તબીબો વગેરે લોકોમાં લૂંટ નહીં ચલાવતા; એ તો લોકોના આશ્રિત હતા. લોકોના ઉપરી થઈ ન રહેતા. ઈન્સાફ તો ઠીક ઠીક થતો. અદાલતે ન જવું એ લોકોની નેમ હતી. તેઓને ભમાવવાને સ્વાર્થી માણસો ન હતા. આટલો સડો પણ માત્ર રાજારજવાડાની આસપાસમાં જ હતો. આમ (સામાન્ય) પ્રજા તો તેથી નિરાળી રીતે પોતાના ખેતરનું ધણીપદું કરતી. તેઓની આગળ ખરું સ્વરાજ હતું.
અને જ્યાં ચાંડાળ સુધારો નથી પહોંચ્યો ત્યાં તેવું હિંદુસ્તાન હજુયે છે. તેને તમારા નવા ઢોંગોની વાત કરશો તે હસી કાઢશે. તેની ઉપર અંગ્રેજ રાજ્ય કરતા નથી, તમે રાજ્ય કરવાના નથી.
જે લોકોને નામે આપણે વાત કરીએ છીએ તેને આપણે ઓળખતા નથી, તેઓ આપણને નથી ઓળખતા. તમને અને જેને દેશદાઝ છે તેમને મારી સલાહ છે કે તમારે મુલકમાં - જ્યાં રેલની રેલ નથી ફરી વળી તેવા ભાગમાં - છ મહિના ફરવું ને પછી દેશની દાઝ લાવવી; પછી સ્વરાજની વાત કરવી.
હવે તમે જોયું કે ખરો સુધારો હું કઈ વસ્તુને કહું છું. ઉપર મેં જે ચિતાર આપ્યો છે તેવું હિંદુસ્તાન જ્યાં હોય ત્યાં જે માણસ ફેરફાર કરશે તેને દુશ્મન જાણવો. તે નર પાપી છે.
वाचक :
તમે જે કહ્યું તેવું જ હિંદુસ્તાન હોય તો તો ઠીક, પણ જે દેશમાં હજારો બાળવિધવાઓ છે, જે દેશમાં બે વરસની બાળકીનાં લગ્ન થાય છે, જે દેશમાં બાર વર્ષે છોકરા-છોકરી ઘરસંસાર ચલાવે છે, જે દેશમાં સ્ત્રી એક કરતાં વધારે ભરથાર કરે છે, જે દેશમાં નિયોગનો ચાલ છે, જે દેશમાં ધર્મને નામે કુમારિકાઓ વેશ્યા બને છે, જે દેશમાં ધર્મને નામે પાડા-બકરાંઓનો વધ થાય છે તે દેશ પણ હિંદુસ્તાન છે. તો પણ તમે જે કહ્યું તે સુધારાનું લક્ષણ છે શું?
अधिपति :
તમે ભૂલ્યા છો. તમે જે ખામીઓ બતાવી તે ખામી છે. તેને કોઈ સુધારો નથી કહેતું. તે ખામીઓ સુધારા છતાં રહેલી છે. તે દૂર કરવા હંમેશાં પ્રયત્ન થયા છે ને થયા જ કરશે. આપણને જે નવો જુસ્સો આવ્યો છે તેને આપણે તે ખામીઓ દૂર કરવામાં વાપરી શકીએ છીએ.
મેં તમને જે આધુનિક સુધારાની નિશાની કહી તે તે સુધારાના હિમાયતી પોતે બતાવે છે. મેં જે હિંદનો સુધારો વર્ણવ્યો છે તે તેના હિમાયતી વર્ણવે છે.
કોઈ પણ દેશમાં કોઈ પણ સુધારા નીચે બધા માણસો સંપૂર્ણતા નથી પામ્યા. હિંદી સુધારાનું વલણ નીતિ દૃઢ કરવા તરફ છે; તેથી તેને કુધારો કહ્યો. પશ્ચિમનો સુધારો નિરીશ્વરી છે, હિંદી સુધારો સેશ્વરી છે.
આમ સમજી, શ્રદ્ધા રાખી, હિંદના હિતેચ્છુઓએ હિંદી સુધારાને જેમ બાળક માને વળગી રહે તેમ વળગી રહેવું ઘટે છે.