← ૩. અશાન્તિ અને અસંતોષ હિંદ સ્વરાજ
૪. સ્વરાજ તે શું?
મોહનદાસ કરમચંદ ગાંધી
૫. ઈંગ્લંડની સ્થિતિ →







સ્વરાજ તે શું?


वाचक :

કૉંગ્રેસે હિંદુસ્તાનને એક પ્રજા કરવા શું કર્યું, બંગભંગથી કેમ જાગૃતિ થઈ, અશાંતિ અને અસંતોષ કેમ ફેલાયાં એ જાણ્યું. હવે સ્વરાજ વિશે તમારા વિચાર શા છે તે જાણવા માગું છું. મને ધાસ્તી છે કે વખતે આપણી સમજમાં ફેરફાર હોય. अधिपति :

ફેરફાર હોવા સંભવ છે. સ્વરાજને સારુ તમે અમે સહુ અધીરા બની રહ્યા છીએ, પણ તે શું એ બાબત આપણે ચોક્કસ વિચાર ઉપર આવ્યા નથી. અંગેજોને કાઢી મૂકવા એ વિચાર ઘણાખરાને મોઢેથી સંભળાય છે, પણ તે શા કારણથી એનો કંઈ વિચાર બરોબર કર્યો હોય એવું લાગતું નથી, તમને જ હું એક સવાલ પૂછું છું. કદાચ જેટલું આપણે માગીએ છીએ તેટલું બધું અંગ્રેજ આપે તો પછી અંગ્રેજને કાઢી મૂકવાની જરૂર તમે ગણો છો ખરા?

वाचक :

હું તો તેઓની પાસે એક જ ચીજ માગું. મહેરબાની કરીને તમે અમારા મુલકમાંથી જાઓ. આ માગણી તેઓ કબૂલ રાખે ને પછી તેઓ હિંદુસ્તાનમાંથી ગયા છતાં રહ્યા એમ અર્થનો અનર્થ કોઈ કરી બેસાડે તો મને હરકત નથી. તો પછી એમ માનીશું કે ગુજરાતી ભાષામાં 'ગયા' એ શબ્દનો અર્થ કોઈ 'રહ્યા' એમ કરે છે.

अधिपति :

વારુ, આપણે ધારી લઈએ કે માગણી મુજબ અંગ્રેજો ગયા, પછી શું કરશો?

वाचक :

એ સવાલનો જવાબ અત્યારથી અપાય જ નહીં. જેવી રીતે તેઓ જાય તેને ઉપર પાછળની સ્થિતિનો આધાર રહેશે. તમે કહો છો તેમ ધારીએ કે તેઓ ગયા, તો મને લાગે છે કે તેઓએ બાંધેલું બંધારણ આપણે રાખીએ અને રાજકારભાર ચલાવીએ. તેઓ એમ જ ચાલ્યા જાય તો આપણી પાસે લશ્કર વગેરે તૈયાર જ હશે, એટલે આપણને રાજકારભાર ચલાવતાં અડચણ નહીં આવે.

अधिपति :

તમે ભલે એમ ધારો; હું તો નહી ધારું. છતાં હું તે બાબત હમણાં વધારે નથી ચર્ચવા માગતો. મારે તો તમારા સવાલનો જવાબ આપવો રહ્યો છે. તે હું તમને જ કેટલાય સવાલ પૂછીને સારી રીતે આપી શકું. તેટલા જ સારુ કંઈક સવાલો પૂછું છું. આપણે અંગ્રેજને શા સારુ કાઢવા માગીએ છીએ?

वाचक :

કેમ કે તેઓના રાજકારભારથી દેશ કંગાલ થતો જાય છે. તેઓ દર વરસે દેશમાંથી પૈસા લઈ જાય છે. તેઓ પોતાની જ ચામડીના માણસને મોટા હોદ્દા આપે છે. આપણને માત્ર ગુલામીમાં રાખે છે, આપણી તરફ ઉદ્ધતાઈથી વર્તે છે. ને આપણી કશી દરકાર નથી કરતા.

अधिपति :

જો તેઓ પૈસા બહાર ન લઈ જાય, નમ્ર બને અને આપણને મોટા હોદ્દા આપે તો કંઈ તેઓના રહેવાથી અડચણ તમે માનો છો ખરા?

वाचक :

એ સવાલ જ નકામો છે. વાઘ પોતાનું રૂપ ફેરવે તો તેની ભાઈબંધીમાં નુકશાન ખરું? એવી જાતનો સવાલ તમે પૂછ્યો છે તે ખાલી વખત ગુમાવવાને ખાતર. જો વાઘ પોતાનો સ્વભાવ ફેરવે તો અંગ્રેજો પોતાની આદત છોડે. જે બનવા જેવું નથી તે બનશે એમ માનવું તે માણસની રીત ન જ કહેવાય.

अधिपति :

કૅનેડાને જે રાજસત્તા મળી છે, બોઅર લોકોને જે રાજસત્તા મળી છે, તેવી જ આપણને મળે તો?

वाचक :

એ પણ નકામો સવાલ છે. આપણી પાસે તેઓની જેમ દારૂગોળો હોય ત્યારે એમ થાય ખરું. પણ જ્યારે તે લોકોના જેટલી સત્તા આપણને આપશે ત્યારે તો આપણે આપણો જ વાવટો રાખીશું. જેવું જાપાન તેવું હિંદુસ્તાન, આપણને આપણો કાફલો, આપણું લશ્કર, આપણી જાહોજલાલી અને ત્યારે જ હિંદુસ્તાન આખી દુનિયામાં ગાજી રહેશે.

अधिपति :

આ તો તમે ભલો ચિતાર ચિતર્યો. આનો અર્થ તો એ થયો કે આપણને અંગ્રેજી રાજ્ય જોઈશે, પણ અંગ્રેજો નહીં જોઈએ. તમે વાઘનો સ્વભાવ માગો છો, પણ વાઘને માગતા નથી. એટલે કે તમે હિંદુસ્તાનને અંગ્રેજ બનાવવા માંગો છો. અને જ્યારે હિંદુસ્તાન અંગ્રેજી થશે ત્યારે તે હિંદુસ્તાન નહીં કહેવાય પણ ખરેખરું ઈંગ્લિસ્તાન કહેવાશે. આ સ્વરાજ મારા વિચારનું નથી.

वाचक :

મેં તો મને સૂઝે છે તેવું સ્વરાજ બતાવ્યું. જો આપણે કેળવણી લઈએ છીએ તે કંઈ કામની હોય, સ્પેન્સર, મિલ વગેરે મહાન લેખકોનાં લખાણો વાંચીએ છીએ તે કંઈ કામનાં હોય, અંગ્રેજની પાર્લમેન્ટ તે પાર્લમેન્ટોની માતા હોય તો પછી બેશક મને તો લાગે છે કે આપણે તે લોકોની નકલ કરવી જોઈએ; તે એટલે લગી કે જેમ તેઓ પોતાના મુલકમાં બીજાને પેસવા નથી દેતા તેમ આપણે પણ ન પેસવા દઈએ. બાકી પોતાના જ મુલકમાં જે તેઓએ કર્યું છે તેવું તો હજી બીજી જગ્યાએ જોવામાં નથી આવતું. એટલે આપણે તે તો દાખલ કરવું જ ઘટે. પણ હવે તમારા વિચાર જણાવો.

अधिपति :

હજી વાર છે. મારા વિચાર એની મેળે આ ચર્ચામાં જણાઈ રહેશે. સ્વરાજ સમજવું તમને જેટલું સહેલ લાગે છે તેટલું જ મને તો મુશ્કેલ લાગે છે. એટલે હમણાં તો હું તમને એટલું જ સમજાવવા પ્રયત્ન કરીશ કે જેને તમે સ્વરાજ કહો છો તે તો ખરું જોતાં સ્વરાજ નથી.