હિંદ સ્વરાજ/૬. સુધારાનું દર્શન

← ૫. ઈંગ્લંડની સ્થિતિ હિંદ સ્વરાજ
૬. સુધારાનું દર્શન
મોહનદાસ કરમચંદ ગાંધી
૭. હિંદુસ્તાન કેમ ગયું? →





૬.
સુધારાનું દર્શન



वाचक :

હવે તો તમારે સુધારાની વાત પણ કરવી પડશે. તમારે હિસાબે તો સુધારો તે કુધારો થયો.

अधिपति :

મારે હિસાબે જ નહીં, પણ અંગ્રેજ લેખકોને હિસાબે સુધારો તે કુધારો છે; તે વિશે બહુ પુસ્તકો લખાયાં છે. તેઓમાં સુધારાની સામે થવાના મંડળો પણ સ્થપાતાં જાય છે. એક માણસે, "સુધારો, તેનાં કારણો અને તેની દવા" એ નામે પુસ્તક લખ્યું છે. તેમાં તેણે સુધારો એ એક પ્રકારનો રોગ છે એમ બતાવી આપ્યું છે.

वाचक : આ બધું આપણે કેમ નથી જાણી શક્તા?

अधिपति : એ તો દેખાઈ આવે એવું કારણ છે. કોઈ પણ માણસ પોતાની વિરુદ્ધ વાત કરે એવું ભાગ્યે જ બને છે. સુધારામાં મોહાઈ પડેલા માણસ તેની સામે નહીં લખે; પણ તેને ટેકો મળે એવી વાતો અને દલીલો શોધે કાઢશે, આ તેઓ જાણીજોઈને કરે છે એમ પણ નથી. તેઓ જે લખે છે તે પોતે માને છે. નિદ્રાવશ થયેલો માણસ પોતાને સ્વપ્નું આવે છે તે ખરું જ માને છે. જ્યારે તેની ઊંઘ ઊડે ત્યારે જ તેને પોતાની ભૂલ માલૂમ પડે છે. આવી દશા સુધારાવશ માણસની છે. આપણે જે કંઈ વાંચીએ છીએ તે સુધારાના હિમાયતીનાં લખાણ હોય છે. તેમાં બહુ હોશિયાર અને બહુ ભલા માણસો પડ્યા છે. તેઓના લખાણથી આપણે અંજાઈ જઈએ છીએ. એમાં એક પછી એક માણસ ફસાતા જાય છે.

वाचक :

આ વાત તમે બરોબર કરી છે. તમે જે વાંચ્યું વિચાર્યું છે તેનો ખ્યાલ આપો.

अधिपति :

પ્રથમ તો સુધારો એ નામ કઈ સ્થિતિને આપવામાં આવે છે તે વિચારીએ. આ સુધારાની ખરી ઓળખ તો એ છે કે માણસો બહિર્ ની શોધોમાં ને શરીરસુખમાં સાર્થક્ય અને પુરુષાર્થ માને છે. તેના દાખલા લઈએ. સો વરસ પહેલાં જેવા ઘરમાં યુરોપના લોકો રહેતા હતા તેના કરતા હાલ વધારે સરસ ઘરમાં રહે છે; આ સુધારાની નિશાની ગણાય છે. આમાં શરીરસુખની વાત રહેલી છે. તે અગાઉ માણસો ચામડાંના વસ્ત્ર પહેરતા ને ભાલાં વાપરતા. હવે તેઓ મોટા લેંઘા પહેરે છે ને શરીરશણગાર સારુ તરેહવાર કપડાં બનાવે છે, તથા ભાલાંને બદલે એક પછી એક પાંચ ઘા કરી શકે એવી ચક્કરવાળી બંદૂકડી વાપરે છે; તે સુધારાની નિશાની છે. કોઈ મુલકના માણસ જોડા વગેરે ન પહેરતા હોય તે જ્યારે યુરોપના કપડાં પહેરતાં શીખે છે ત્યારે જંગલી દશામાંથી સુધરેલી દશામાં આવ્યા ગણાય છે. અગાઉ યુરોપમાં માણસો સાધારણ હળથી પોતાના જોગી જમીન જાતમહેનતથી ખેડતા, તેને બદલે હાલ વરાળયંત્રથી હળ ચલાવી એક માણસ ઘણી જમીન ખેડી શકે છે ને ખૂબ પૈસો એકઠો કરી શકે છે; તે સુધારાની નિશાની ગણાય છે. અગાઉ માણસો કોઈક જ પુસ્તકો લખતાં તે અમૂલ્ય ગણાતાં, આજે જેને જેવું ફાવે તેવું લખે છે ને છાપે છે તથા લોકોના મન ભમાવે છે; આ સુધારાની નિશાની છે. અગાઉ માણસો ગાડાં વાટે દહાડાની બાર ગાઉની મજલ કરતા. હાલ રેલગાડીથી ચારસેં ગાઉની મજલ કરી શકે છે; આ તો સુધારાની ટોચ ગણાઈ છે. હજુ જેમ સુધારો વધતો જાય છે તેમ એવું ધારવામાં આવે છે કે માણસો હવાઈ વહાણથી મુસાફરી કરશે ને થોડા કલાકમાં દુનિયાના ગમે તે ભાગમાં જઈ પહોંચશે. માણસોને હાથપગ નહીં વાપરવા પડે. એક બટન ચાંપશે ત્યારે તેને પહેરવાનો પોશાક આવી મળશે, બીજું બટન ચાંપશે ત્યારે તેનાં છાપાં આવશે, ત્રીજું બટન ચાંપશે ત્યારે તેની ગાડી તૈયાર થઈ જશે, નિત્ય નવાં ભોજન મળશે, હાથ અથવા પગનો ખપ જ નહીં પડે. બધું સંચાથી જ કામ લેવાશે. અગાઉ માણસો જ્યારે લડવા માગતા ત્યારે એકબીજાનું શરીરબળ અજમાવતા. હવે તો તોપના એક ગોળાથી હજારો જાન લઈ શકે છે, આ સુધારાની નિશાની છે. અગાઉ લોકો ખુલ્લી હવામાં પોતાને ઠીક પડે તેટલું સ્વતંત્રપણે કામ કરતા, હવે હજારો મજૂરો પોતાના ગુજરાનને ખાતર એકઠા મળી મોટાં કારખાનાં કે ખાણોમાં કામ કરે છે, તેઓની દશા જાનવર કરતાં હલકી થઈ પડી છે. તેઓની સીસા વગેરેના કારખાનાંઓમાં જાનની ખુવારી કરી કામ કરવું પડે છે. આનો ભોગ પૈસાદાર માણસોને મળે છે. અગાઉ માણસોને મારીને ગુલામ કરતા; હાલ માણસોને પૈસાની અને ભોગની લાલચ આપીને ગુલામ બનાવે છે. અગાઉ લોકોમાં દરદ ન હતાં તેવા દરદ પેદા થયાં છે, ને તેની સાથે દાકતરો શોધ કરવા લાગ્યા છે કે તે દરદો કેમ મટાડવાં. આમ કરતા ઇસ્પતાલો વધી છે; તે સુધારાની નિશાની ગણાય છે. અગાઉ કાગળો લખતા ત્યારે ખસૂસ ખેપિયો જતા અને બહુ ખરચે તેવું બની શકતું. આજ મારે કોઈને ગાળ ભાંડવાનો કાગળ લખવો હોય તો એક દોઢિયે હું ગાળ કાઢી શકું છું. કોઈને મારે શાબાશી આપવી હોય તો તે પણ હું તેટલી જ કિંમતે પહોંચાડી શકું છું; આ સુધારાની નિશાની છે. અગાઉ માણસો બેથી ત્રણ વખત ખાતા ને તે પણ હાથે પકાવેલી રોટી ને થોડી તરકારી હોય તો તે હવે બબ્બે કલાકે ખાવાનું જોઈએ, અને તે એટલે દરજ્જે કે ખાવામાંથી લોકો નવરા જ નથી થતા હવે કેટલું કહું? આ બધું તમે ગમે તે પુસ્તકમાં જોઈ શકો છો. સુધારાની આ બધી ખરી નિશાની છે. અને જો કોઈ પણ માણસ તેથી જુદી વાત સમજાવે તો તે ભોળો છે એમ ચોક્કસ માનજો. સુધારો તો હું જણાવી ગયો છું તે જ ગણાય છે. તેમાં નીતિની કે ધર્મની વાત છે જ નહીં, સુધારાના હિમાયતી ચોખ્ખી વાત કરે છે કે તેઓનું કામ લોકોને ધર્મ શીખવવાનું નથી. ધર્મ તે તો ઢોંગ છે એમ કેટલાક માને છે. કેટલાક વળી ધર્મનો ડોળ કરે છે, નીતિની વાર્તા પણ કરે છે; છતાં હું તમને વીસ વરસના અનુભવ પછી કહું છું કે નીતિને નામે અનીતિ શીખવવામાં આવે છે. નીતિ ઉપલી વાતોમાં હોઈ ન શકે એ બાળક પણ સમજી શકે એવું છે, શરીરનું સુખ કેમ મળે એ જ સુધારો શોધે છે; એ જ તે આપવા મહેનત કરે છે, છતાં તે સુખ પણ નથી મળી શકતું.

આ સુધારો તે અધર્મ છે અને તે યુરોપમાં એટલે દરજ્જે ફેલાયો છે કે ત્યાંના માણસો અર્ધાગાંડા જેવા જોવામાં આવે છે. તેઓનામાં ખરું કૌવત નથી; પોતાનું જોર નશો કરી ટકાવી રાખે છે. એકાન્તે તે લોકો બેસી શકતા નથી, સ્ત્રીઓ ઘરની રાણી હોવી જોઈએ તેમને શેરીઓમાં ભટકવું પડે છે, અથવા તો તેઓને મજૂરીએ જવું પડે છે. ઇંગ્લંડમાં જ ચાળીસ લાખ રંક અબળાઓ પેટને અર્થે ગધ્ધામજૂરી કરે છે, અને હાલ તેને લીધે સફ્રૅજેટની હિલચાલ ચાલી રહી છે.

આ સુધારો એવો છે કે, જો આપણે ધીરજ રાખી બેસીશું તો સુધારાની હડફેટમાં આવેલા માણસો પોતે સળગાવેલા અગ્નિમાં બળી મરશે. પેગમ્બર મહમ્મદના શિક્ષણ પ્રમાણે આ શયતાની રાજ્ય ગણાય. હિંદુ ધર્મ આને હડહડતો કળિકાળ કહે છે. હું તમને આ સુધારાનો આબેહૂબ ચિતાર નથી આપી શકતો. મારી શક્તિ બહારની એ વાત છે. પણ તમે સમજશો કે આ સુધારાથી અંગ્રેજી પ્રજામાં સડો ઘર કરી ગયો છે. તે સુધારો નશાકારક અને નાશવંત છે. તેનાથી દૂર રહેવું ઘટે છે અને તેથી જ અંગ્રેજ પાર્લમેન્ટ ને બીજી પાર્લમેન્ટો નકામી થઈ પડી છે. તે પાર્લમેન્ટ તે પ્રજાની ગુલામીની નિશાની છે એ ખચીત વાત છે. વાંચો વિચારો તો તમને પણ તેમ જ લાગશે. તેમાં અંગ્રેજનો વાંક તમે નહીં કાઢો. તેમની ઉપર તો દયા ખાવા જેવું છે. તેઓ બાહોશ માણસ છે, એટલે એ જાળમાંથી નીકળી આવશે એમ મારું માનવું છે. તેઓ સાહસિક છે ને મહેનતુ છે. તેઓના વિચાર મૂળે અનીતિભરેલા નથી, એટલે તેમને વિશે મારા મનમાં ઉત્તમ વિચાર જ છે, તેઓનું હાડ ખરાબ નથી. ને સુધારો એ તેઓને અસાધ્ય રોગ નથી, પણ હાલ તેઓ તે રોગમાં ઘેરાયા છે એ તો ભૂલવાનું જ નથી.