← સાચી અર્ધાંગના હીરાની ચમક
અણધાર્યો મેળાપ
રમણલાલ દેસાઈ
૧૯૫૭
કલ્યાણી →





અણધાર્યો મેળાપ

સમુદ્રની ભરતીના જુવાળની છોળો સર મહેન્દ્રપ્રતાપના બંગલાનાં પગથિયાંને અફળાઈ, દૂધવર્ણી બની પાછી સમુદ્રમાં સરી જતી હતી. સમુદ્ર સમુદ્રનું કામ કરતો હતો અને બંગલો બંગલાનું કામ ! બંગલાના ત્રીજા માળની વિશાળ અગાશી ઉપર અદ્‌ભુત ઉપવન રયાયું હતું અને તેમાં એક સુંદર સમારંભ પણ ગોઠવાયો હતો. મહેમાનો મોટે ભાગે સજોડે – પધાર્યે જતાં હતાં અને સર મહેન્દ્રપ્રતાપ અને લેડી સુવર્ણાદેવી હસતે મુખે સહુને આવકાર આપી રહ્યાં હતાં. સમારંભમાં ન્યૂનતા ન જ હોય – એ એક મહાન ધનિકનો સમારંભ હતો ! આજની પેઠે ત્યારે પણ સમારંભો રૂપ, રંગ, ચમક અને પ્રકાશનાં પ્રદર્શનો બની રહેતાં. સર મહેન્દ્રપ્રતાપ કેટલું ભણ્યા હતા તે કોઈને જાણવાની જરૂર ન જ હોય. તેમના ‘સર’ પણામાં બધું ભણતર આવી જતું હતું. અત્યારે તો તેમનો એકનો એક પુત્ર અમરપ્રતાપ યુનિવર્સિટીની છેલ્લી પરીક્ષામાં ઊંચા વર્ગમાં પસાર થયો હતો અને તેની આજ ઉજવણી હતી. દોઢેક કલાકની ઉજવણી પછી સ્વાભાવિક રીતે મહેમાનોની વિખરાવાની ક્રિયા શરૂ થઈ. મહેમાનોની શિખામણ અને તેમના ધન્યવાદ પામતો અમર હવે માતાપિતાની પાસે એકલો પડ્યો. માતાપિતાનાં સુખવૈભવમાં જેમ પુત્રનો ભાગ હોય છે તેમ પુત્રના ઉત્કર્ષમાં માતાપિતાનો પણ ભાગ હોય છે. સર મહેન્દ્રપ્રતાપ ભારતવર્ષના એક અજોડ ધનપતિ અને ઉદ્યોગપતિ હતા. નાના નાના કૉન્ટ્રેક્ટમાંથી તેઓ જોતજોતામાં આગળ આવી ગયા અને ધનપતિ બની ગયા. અને ધનપતિમાંથી તેઓ ઉદ્યોગપતિ તરીકે એટલા બધા વિકસ્યા કે ભારતવર્ષમાં જ નહિ પરંતુ ભારત બહાર પણ તેમના કારખાનાં, બગીચા અને પેઢીઓ ધમધોકાર ચાલવા માંડ્યાં. સ્વર્ગ સમો વૈભવ ભોગવનાર સર મહેન્દ્રપ્રતાપને હવે કાંઈ જ તૃષ્ણા રહેલી ન હતી. અને એ ભાનમાં તેઓ ગર્વ પણ લેતા હતા. ભણતરની ખોટ પુત્ર પૂરી રહ્યો હતો એટલે તેમના આનંદનો, સંતોષનો અને ગર્વનો હવે પાર રહ્યો ન હતો. વરદાન આપનાર મહેશ્વર જેવી ઉદારતા અત્યારે તેમના હૃદયમાં ખીલી નીકળી હતી. માતાપિતા અને પુત્રની ત્રિપુટી એકલી બેઠી અને ત્રાહિત આગળ પ્રદર્શિત ન થાય એવો સંતોષ માતાપિતાએ દર્શાવ્યો.

‘આવો સમારંભ છેલ્લાં દશ વર્ષમાં તો બીજે થયો જોયો નથી.’ માતા સુવર્ણદેવીએ સંતોષપૂર્વક કહ્યું.

‘ગોઠવણ ખાસ ખોટી ન લાગી, આજની રાત્રે સ્ટીમરમાં આપણ ગવર્નર સાહેબ આવવાના છે. તેમને વિલાયતમાં મળેલો. એમના ધ્યાનમાં આપણા બંગલા ઉપરની પ્રકાશગોઠવણી માઈલોના માઈલ દૂરથી આવ્યા વગર નહિ જ રહે એમ હું ધારું છું. આખી રાત રોશની રાખવાની છે.’ સર મહેન્દ્રપ્રતાપે ધનના પ્રદર્શનનો ઉપયોગ પણ સાથે સાથે સમજાવી દીધો.

‘હવે અમર પરણી જાય એટલી જ મને તો ઇચ્છા છે. તે વખતે જે રોનક આવશે તે આજના કરતાં વળી ઘણી બધારે હશે.’ માતાએ કહ્યું.

‘બોલ, અમર ! શું કહેવું છે તારે ?’ પિતાએ બહુ જ રાજી થઈને પુત્રને જે માગે તે આપવા જણાવ્યું. અમર જાણતો હતો કે તેને લંડન જવું હોય, ન્યુયૉર્ક જવું હોય કે પારિસ જવું હોય તો સ્ટીમર ભાડે રાખીને પૃથ્વીપ્રદક્ષિણા કરવી હોય તો તે માટેની પણ પિતાની તૈયારી હતી. પૈસો લખલૂટ હતો અને તે એકના એક પુત્રને માટે વાપરવાનો હતો. સર મહેન્દ્રપ્રતાપ આમ તો ભારે ગણતરીબાજ હતા, પરંતુ પુત્રને માટે તેમને કોઈ પ્રકારની ધનગણતરી હતી જ નહિ. અમરને પણ માગી લેવાના અનેક વિચારો નહિ આવ્યા હોય એમ માનવા કારણ નથી. પરંતુ આ ‘वरं ब्रूहि’ ની પાછળ લગ્નની વાત હતી એ અમર ભૂલે એમ હતું જ નહિ, અને લગ્નની બાબતમાં માતાપિતા અને અમર બંને સામે કિનારે બેઠેલાં હતાં એવી અમરને તો ખબર હતી જ. અમર માતાને પણ ઓળખતો અને પિતાને પણ ઓળખતો. માતાની કુમળાશને પોતાની તરફેણમાં વાળી શકાય એમ હતું, પરંતુ પોલાદી પિતાના માનસને વાળવું અશક્ય હતું એટલે અમરે હસીને વાત ફેરવી નાખતાં કહ્યું :

‘મારે માગવા જેવું શું છે ? વગર માગે મને બધું જ મળે છે. શું માગું એની જ મને તો સમજ પડતી નથી !’

આખા વિશ્વની વ્યાપારી કુનેહ ઘોળીને પી ગયેલા સર મહેન્દ્રપ્રતાપ પોતાના પુત્રની આ ઉડાવનારી વાત ન સમજે એમ ન હતું. પોતાના એકના એક પુત્રમાં ધન અને વિદ્યા બન્નેનો સુયોગ થયો હતો અને એ સુયોગના અત્યંત તીવ્ર ભાનમાં પિતાએ પોતાના પુત્રની સમોવડી પુત્રવધૂ માટેની પણ કલ્પના કરી લીધી હતી. મહેન્દ્રપ્રતાપ સરખા વિશ્વધનિકની કલ્પનાનાં વર્તુલ પણ મર્યાદિત ન હોય. પોતાના પુત્ર માટે તેમની નજરમાં કોઈ મજૂરની, કોઈ કારકુનની, કોઈ નાનકડા અમલદારની કે દલાલીમાં બે બંગલા બાંધી ખાતા કોઈ વ્યાપારીની પુત્રી આવે એવો સંભવ જ ન હતો. અંગ્રેજોની સત્તા સ્વીકાર્યા છતાં સર મહેન્દ્રપ્રતાપનું આર્યત્વ ભરતખંડ બહારની કોઈ ગોરી છોકરી તરફ તો આકર્ષાય નહિ જ. એટલે પોતાની ઉચ્ચ કક્ષાએ બેસી, સરવાળાબાકી કરતાં તેમને એક ઉચ્ચ કક્ષાના અમલદારની અને બે ધનિકોની સુંદર, ભભકભરી, આગળ પડતી અને રમતગમતને ઓળખતી ત્રણ યુવતીઓ નજરમાં આવી ગઈ હતી. અમલદારની છોકરીનું નામ અતુલા અને બન્ને ધનાઢ્યોની છોકરીઓમાંથી એકનું નામ સુમંગલા અને બીજીનું નામ સુહાસિની. અમરની માતા સુવર્ણાદેવીને પણ આ આગળ પડતી યુવતીઓ બહુ જ ગમી ગઈ હતી અને સામાન્યત : શરમાળ અમરને માટે આવી તેજસ્વી યુવતીઓમાંથી એકાદ મળી જાય તો અમરનું જીવન આનંદને હીંચોળે ઊછળે એવી ૫ણ તેમના સ્ત્રીત્વની પ્રેરણા ખરી. બને ધનાઢ્યો અને મહાન અમલદાર – એ ત્રણેની એવી ઇચ્છા જરૂર જ હોય કે ધન અને ભણતરથી વિભૂષિત અમરની સાથે પોતાની પુત્રીના લગ્ન થાય. આમ બન્ને પક્ષના માતા પિતાની અનુકૂળતામાં અમરને અને આ ત્રણે યુવતીઓને મળવાના અનેકાનેક પ્રસંગો આવી મળતા હતા. એક વાર માતા અમરને લઈને અતુલાને ઘેર ચા પીવા જાય, તો બીજી વાર સુહાસિનીને ઘેર ચા પીવા બોલાવે અને ત્રીજી વાર સુમંગલાને લઈને ‘પિકનેક’ ઉપર જવાના પ્રસંગો ઊભા કરી શકાય. અને આવા સમારંભમાં ભોજનસમારંભમાં અને ‘પિકનિક’ માં સાથે ફરવાના, સાથે રમવાના, સાથે વાતચીત કરવાના અને જરૂર હોય ત્યારે પોતાની ઊર્મિઓ ઠાલવવાના પ્રસંગો ભરપૂર પડેલા હોય છે. કલાશોખીન યુવકયુવતીઓ એમાં કલાનું પણ પ્રદર્શન કરી શકે; કોકિલકંઠી યુગ્મો સંગીતને પણ રેલાવી શકે; તેજસ્વી બુદ્ધિવાળા યુવકયુવતીઓ ચમકતી વાક્‌પટુતા પણ બતાવી શકે; અને આમ પરસ્પર નજીક આવવાનો સંપૂર્ણ અવકાશ એમાં મળી શકે. તેમાં યે માતાપિતા અનુકૂળ હોય તો આવા પ્રસંગોમાં પ્રેમખજાના ખુલ્લા મૂકી દેવાની પણ સગવડ મળ્યા જ કરે છે; અને મહેન્દ્રપ્રતાપ તથા લેડી સુવર્ણા કુનેહપૂર્વક, અનુભવી ઢબે અને માણસ સ્વભાવને ઓળખીને અમરની આસપાસ આવા પ્રસંગો સારા પ્રમાણમાં સર્જતા. પરીક્ષા પસાર થયાની ખુશાલીમાં તેમણે ત્રણે યુવતીઓને એવી કુનેહભરેલી ઢબે બોલાવી હતી કે થોડો સમય અમર અતુલા સાથે પત્તાં રમી શકે. સુમંગલાનું ગીત સાંભળી શકે અને સુહાસિની સાથે ‘કમ્યુનિઝમ’ અને ‘સોશ્યાલિઝમ’ એની ચર્ચા પણ કરી શકે. અમરે માતાપિતાની ઇચ્છાને સફળ કર્યા જ કરી હતી. આમાંથી કોઈ પણ યુવતી સાથે તે કલાકોના કલાક ગાળી શકતો હતો; છતાં હજી સુધી એ ત્રણેમાંની એક યુવતી પ્રત્યે તેનામાં ઉર્મિ પ્રગટ થઈ હોય એમ માતાને પિતાને લાગ્યું નહિ. આ વસ્તુ ખરેખર નવાઈ જેવી

હતી. મુનિમ દ્વારા, મેનેજર દ્વારા, સેક્રેટરી દ્વારા, સુવર્ણા દેવીને અંગ્રેજી શીખવવા આવતી શિક્ષિકા દ્વારા અથવા કોઈ પણ રીતે અમર પોતાની ઊર્મિ જાહેર કરી શકે એમ હતું; અને એ જાહેર કરવાને માટે તેને સર્વ બાજુએથી પ્રલોભન પણ મળતું હતું. પરંતુ તપસ્વી મુનિઓ વશ થાય એવું પ્રલોભન અમર સામે નિષ્ફળ કેમ નીવડતું હતું ?

અમરની આરપાસ થોડીઘણી જાસૂસી પણ શરૂ થઈ ગઈ. પરંતુ એકાએક સુહાસિનીની ચબરાકીભરેલી વાતચીતમાંથી માતાપિતાને કાંઈક ઝાંખી થઈ કે નંદિની નામની કોઈ અમરની સાથે ભણતી સામાન્ય સ્થિતિનાં માતાપિતાની યુવાન પુત્રી તરફ અમરનું લક્ષ દોરાયું હતું. ગરીબની કક્ષાને લાત મારી, સામાન્ય કક્ષાએ આવી, એ કક્ષાને પણ ભોંયભેગી કરી ઉચ્ચ કક્ષાએ – અરે ઉચ્ચ કક્ષાની ટોચે આવી પહોંચેલા સર મહેન્દ્રપ્રતાપ અને લેડી સુવર્ણાને હવે સામાન્યતાનો સ્પર્શ કરવા પણ સૂગ ચઢે એમ હતું. હજી પુત્રે તો પોતાનું વલણ સ્પષ્ટ કર્યું પણ ન હતું. છતાં આવા વલણની ઝાંખી પણ માતાપિતાને બેજાર તેમ જ ક્રુદ્ધ બનાવવા માટે પૂરતી હતી. તેમાં યે માતા કરતાં પણ પિતા વધારે ક્રુદ્ધ બની શકતા હતા એની અમરને ખબર હતી. માતૃત્વની સુંવાળાપ ઘણી વાર અમરનું રક્ષણ કરવા પણ મથતી હતી. ઘણી વાર તેઓ પણ કહેતાં :

‘જો ને, અમર ! સુહાસિની અને સુમંગલાનાં માતાપિતા તારા જન્માક્ષર માગે છે. તું સમજે છે ને એને અર્થ ?’

‘પણ હું જન્માક્ષરમાં માનતો નથી.’ અમરે જવાબ આપ્યો.

‘પણ તું લગ્નમાં માને છે કે નહિ ?’

‘હા.’

‘તો પછી જે તે નક્કી કરી નાખ. તારા પિતાની ઇચ્છા આપણી કક્ષા નીચે ઉતારવાની ન હોય એવી તો તને ખબર છે જ ને ?’ લેડી સુવર્ણા પુત્રને આમ સૂચન આપતાં હતાં અને અંતે એક દિવસે સર મહેન્દ્રપ્રતાપે જ આ વસ્તુને પોતાની દેખરેખ નીચે લાવી દીધી અને અમરને પૂછ્યું : ‘અમર ! હવે સપષ્ટતા કરવાની જરૂર ઊભી થાય છે. તું બીજી કોઈ રીતે સમજી શકતો નથી એટલે.’

‘હા, જી ! શું છે ? શી બાબત છે ?’

‘તારાં લગ્નની બાબત છે. બધી જ તૈયારી થઈ ચૂકી છે. હવે તું માત્ર હા કહે એટલી જ વાર છે.’

‘માતાપિતાની તૈયારી કોને માટે હતી તેનો ખ્યાલ અમરને હતો જ. છેવટને નિર્ણય કરવાની આફત એકાદ અઠવાડિયું પણ આગળ જ જાય એમ એ ઈચ્છી રહ્યો હતો. એ ઇચ્છામાં તેણે પિતાને જવાબ આપ્યો :

‘મને એકાદ અઠવાડિયું આપો, પિતાજી હું એટલામાં મારી નિર્ણય કરી લઈશ અને આપને જણાવીશ.’

પિતાને આવી મુદ્દત આપવાની જરા યે ટેવ ન હતી. તેમના લોખંડી નિશ્ચયો એક ક્ષણમાં જ નિર્ણય ઉપર આવી જતા. છતાં પુત્ર પ્રત્યે એમણે એટલી સુકુમારતા સેવી અને તેને અઠવાડિયાની મુદત આપી.

હવે અમરના ચિત્તમાં ખાસ ખટક પડી. પિતાએ કહ્યું છે ? એટલે તેઓ એક અઠવાડિયામાં નિર્ણયની જાહેરાત માગ્યા વગર રહેશે નહિ એ ચોક્કસ હતું. રાતદિવસ એને એ વિચાર આવ્યા કરતા હતા. અતુલા, સુમંગલા અને સુહાસિની ખરેખર તેને મિત્ર તરીકે ગમતાં; પરંતુ તેમની સાથે આખું જીવન અને નિત્યજીવનના ચોવીસે કલાક પસાર કરવા એ તેને શક્ય લાગ્યું નહિ. એની નજર વર્ષોથી નંદિની ઉપર ઠરી હતી. નંદિની કોઈ ધનિકની ઝાકઝમાળ પુત્રી ન હતી, પરંતુ પોતાના એક સગાને ઘેર આશ્રિત તરીકે રહી, ભણતરમાં આગળ આવતી એક સૌમ્ય યુવતી હતી. તેનામાં ચળકાટ કદાચ ઓછો હશે, પરંતુ તેનો સૌમ્ય દેખાવ, એનું સૌમ્ય વર્તન અને માધુર્યભરી આંખ અમર કદી ભૂલી શકતો નહિ. દિવસ વીતતા ગયા તેમ તેમ નંદિનીની આંખ અને મુખ હૃદયમાં જડાઈ ગયાં અને તેની આગળ અતુલા, સુમંગલા અને સુહાસિની ત્રણે અછકલાં, ખોટી ચમકવાળાં અને ઠઠારાની સહાયે શોભતાં રમકડાં સરખાં લખ્યાં.

શું કરવું એના વિચારના વમળમાં અટવાતો અટવાતો અમર એકાંત જગા શોધતો દરિયાકિનારે ચાલ્યો ગયો; પરંતુ શહેરની જનતા દરિયાના એકાંતને પણ ક્યાં જીવતું રહેવા દે છે? તોફાને ચઢેલી માનવમેદનીને છોડી એ કિનારે કિનારે આગળ ચાલ્યો. ત્યાં એકાંતમાં તેણે નંદિનીને તેનાં સગાંનાં બે બાળકો સાથે રમત કરતી નિહાળી. તેના મનમાં એકાએક વિષાદ ઉત્પન્ન થયો, ‘માતાપિતા નંદિનીને મેળવવામાં વચ્ચે આવશે તો?’ એ વિચારે તેનાથી નંદિની પાસે જવાયું પણ નહિ. પરંતુ શરમાળ ગણાતી સ્ત્રીઓની નજર ઝીણામાં ઝીણી વસ્તુ જોવામાં ભૂલતી નથી. નંદિનીએ અમરને જોયો અને બાળકો સાથે રમતી રમતી તે જ્યાં ઊભો હતો ત્યાં પાસે આવી અને જાણે અમરને પહેલી જ વાર જોતી હોય તેમ ચમકીને પૂછ્યું :

‘કોણ, અમર ?’

‘હા. નંદિની !’ અમરે પણ જવાબ આપ્યો. નંદિની તેની સાથે વાત કરે એમ એ ક્યારનો ઇચ્છી રહ્યો હતો.

‘તું ક્યાંથી ? તારી મોટરકાર છોડીને પગે ચાલતો આ દરિયાની રેતીમાં ક્યાં ફરે છે?’

‘મને બહુ વસ્તીમાં ગમતું નથી.’

‘ધનિકો ધારે તો એકાંતને પણ જીતી શકે છે.’

‘હશે, કદાચ. પરંતુ ધનિકોને પણ પરાજય મળતો નથી એમ તું ન માનીશ.’

‘તારો ક્યાં પરાજય થયો ? અને એવો શામાં પરાજય થયો, જે તારા મુખ ઉપર પણ પ્રદર્શિત થઈ રહ્યો છે?’ નંદનીએ પૂછ્યું.

‘પરાજય હજી થયો નથી, થવાની તૈયારીમાં છે.’

‘પરંતુ શામાં, એ તો કહીશ ને?’

‘ધનિકોથી પોતાની મરજી અનુસાર લગ્ન થઈ શકે જ નહિ. ત્યાં ધનિકોના હાથ હેઠા પડે છે !’

‘તારે ક્યાં લગ્ન કરવું છે ?’

‘તને ખબર નથી ? તારી સાથે જ, વળી !’

બાળકો આસપાસ રમતાં હતાં અને તેમને આ બન્ને પ્રેમીઓની વાતમાં જરા પણ રસ ન હતો. ઘણી વાર જેમ બાળકો પ્રેમમાં અગવડરૂપ થઈ પડે છે તેમ ઘણી વાર તેઓ સગવડરૂપ પણ થઈ પડે છે. નંદિની અને અમર બન્ને થોડીક ક્ષણ સુધી કાંઈ જ બોલ્યાં નહિ. પાસે જ ઘૂઘવતા દરિયાએ અને ક્ષિતિજમાં ડૂબતા સૂર્યે પાડેલી જલરેખાને બન્ને જણ જોઈ રહ્યાં. સૂર્ય ધીમે ધીમે સમુદ્રમાં ડૂબ્યો પણ ખરો, જો કે પાછળ થોડું અજવાળું રેડતો ગયો. એકાએક નંદિનીએ કહ્યું :

‘અમર ! ખરીખોટી ઊર્મિમાં તારું ભવિષ્ય ન બગાડતો. પ્રભુએ તને સુખ વૈભવ આપ્યાં છે તે તું ભોગવ્યા કર.’ નંદિનીએ ડહાપણ ભરેલો માર્ગ સૂચવ્યો.

‘વૈભવથી મળે તેટલું જ સુખ હશે શું?’ અમરે પૂછ્યું.

‘હાસ્તો. નહિ તો બીજું કયું સુખ ?’

‘જો પેલો સૂર્ય પોતાનું આખું તેજ ઢાળી દઈ સમુદ્રની સામાન્યતામાં ડૂબી જાય છે – સ્વેચ્છાએ ! મને પણ કાંઈ એમ કરવાનું મન થાય છે. અને નંદિની ! જે તું તારો સાથ આપીશ તો હું નિર્માલ્ય ધાનિક મટી એક “સાચો માનવી” બની શકીશ. તારી હિંમત છે?’ અમરે પૂછ્યું.

‘હિંમતનો પ્રશ્ન તારોછે, મારો નહિ. મારે તો કાંઈ ખોવાનું નથી. પરંતુ તું કદાચ એમ કરીને તારાં માતાપિતાની પ્રીત ખોઈ બેસે એવું જોખમ હું તને ખેડવા દઉં તો મારા જેવું સ્વાર્થી કોણ?’ નંદિનીએ કહ્યું, અને અમરને પોતાની ઘેલછામાંથી વારવા બનતો પ્રયાસ કર્યો. પરંતુ અત્યારે અમરના મુખ ઉપર ઉત્સાહ ચમકી રહ્યો હતો–જોકે એ આવ્યો હતો વિષાદ લઈને.

એ ઘેર ગયો ત્યારે એનાં માતાપિતા એની રાહ જોઈને જ  બેઠાં હતાં અને બન્નેનાં મુખ ઉપર એક પ્રકારનો નિશ્ચય તરવરી રહ્યો હતો. જાણી જોઈને તે પોતાનાં માતા પિતા પાસે ન જતાં પોતાના જ ખંડમાં ચાલ્યો ગયો. પરંતુ સુવર્ણા દેવી તેની પાછળ આવ્યાં, તેને પોતાની પાસે બેસાડ્યો અને તેને વાંસે હાથ ફેરવી તેના મનને મનાવવાનો પ્રયત્ન કરવા લાગ્યાં. ધીમે ધીમે તેમણે અમરને લગ્નની વાતચીતમાં દોર્યો, અને આજે જ તેણે માગેલી સાત દિવસની મુદ્દત પૂરી થઈ છે એમ પણ જણાવ્યું.

એટલામાં સર મહેન્દ્રપ્રતાપ પણ ફરતા ફરતા પુત્રના ખંડ તરફ આવી પહોંચ્યા અને તેમણે પુત્રની સામે સ્થાન લીધું. ઘડિયાળમાં બરાબર આઠના ટકોરા થયા અને પિતાએ પૂછ્યું

‘અમર ! સાંભળ આ ઘડિયાળ. આપેલી મુદ્દતના સાત દિવસ અત્યારે પૂરા થઈ જાય છે.’

‘કઈ મુદત ? શાની મુદત ?’ અમરે જરા ચમકીને પૂછ્યું.

‘એમ કાલા બનવાની જરૂર નથી. લગ્ન માટે મેં તને ત્રણ યુવતીઓ પસંદ કરવાનું કામ સોંપ્યું છે; એ પસંદગીનો જવાબ હું તારી પાસે અબઘડી માગું છું.’ પિતાએ જરા સખ્તાઈથી કહ્યું.

‘પણ, પિતાજી ! ઘડિયાળને ટકોરે એવા જવાબ આપી શકાય ખરા?’ અમરે આજ અણધારી હિંમત બતાવી.

‘હા ભણતર ફળ્યું લાગે છે, અમર ! પરંતુ મારા ગણતરમાં આજનો દિવસ અને આજની ઘડી છેલ્લાં જ છે. ત્રણ છોકરીઓમાંથી એકનું નામ મોઢેથી કે લખીને આપી દે !’ સર મહેન્દ્રપ્રતાપમાં એક દક્ષ, સફળ પુરુષનું રૂપ પ્રકાશ્યું.

‘પણ, પિતાજી !...’ અમરથી વાક્ય પૂરું થઈ શક્યું નહિ.

‘પણ બણ કંઈ નહિ. તારી માતા અહીં પાસે બેઠી છે. બાળકોને પટાવવામાં હું માનતો નથી. તારાથી અત્યારે જવાબ ન અપાય તો આવતી કાલથી આ ઘર તારું ના હોય એમ માનજે !’ એમ કહી સર મહેન્દ્રપ્રતાપ ઊભા થઈ ગયા. સુવર્ણાદેવી થરથરી ઊઠ્યાં. અને અમરે પણ ટૂંકો જવાબ આપ્યો :  'વારુ, પિતાજી !'

બીજું પ્રભાત થયું અને ઘરમાં અમર ન હતો એવી ધીમી ધીમી ચર્ચા વધી. સુવર્ણાદેવી અને મહેન્દ્રપ્રતાપના કાન સુધી વાત પહોંચી. માતાએ રડવા માંડ્યું. પિતાએ પત્નીને ધમકાવી, બાળકોને ઉચ્છૃંખલ બનાવવાનો બધો દોષ જગતની માતાઓને માથે નાખી દીધો અને આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર પુત્ર વગર તેઓ ચલાવી શકશે એવી જાહેરાત પણ તેમણે આસપાસ બહાદુરી ભરી વાણીમાં કરી. એક દિવસ ગયો; બે દિવસ ગયા. ગમે ત્યાંથી અમર પસ્તાઈને પિતાને પગે લાગતો પાછો આવશે એમ પિતાએ ધાર્યું હતું, પણ, અમર પાછો ન આવ્યો. માતાએ તો અનેક બાધાઆખડી રાખી અને અઠવાડિયા પછી અમર વગર અનશનવ્રત લેવાની ધમકી આપી. લોખંડી હૃદયના મહેન્દ્રપ્રતાપ પણ હવે ચમક્યા. મુનીમો અને મેનેજરોએ આસપાસ તપાસ ક્યારનીયે કરાવી હતી. તપાસમાં એક જ વસ્તુ ફલિત થઈ કે અમર એકલો અદૃશ્ય થયો ન હતો, પરંતુ એની સાથે નંદિની પણ અદૃશ્ય થઈ હતી. મહેન્દ્રપ્રતાપને પુત્ર હવે નિત્ય સાંભરવા લાગ્યો. ચાને સમયે, જમતાં જમતાં અને પછી તો ધીમે ધીમે કામ કરતાં પણ અમરનું મુખ તેમની સામે આવી સ્થિર થઈ જતું, અને એ કલ્પના છબી ઉપર મહેન્દ્રપ્રતાપની આંખ પણ ત્રાટક કરતી. રાત્રે પુત્રની ઝંખનામાં અશ્રુ ઢાળતાં સુવર્ણાદેવીએ મહેન્દ્રપ્રતાપને ‘અમર ! - અમર આવ્યો !’ એમ બૂમ પાડી ઝબકી ઊઠતા જોયાં અને સાંભળ્યા. કામમાંથી તેમનું લક્ષ્ય ઓછું થતું હોય એમ કારિન્દાઓને લાગ્યું અને મિત્રોને તો એ ભાસ પણ થયો કે પાર મહેન્દ્રપ્રતાપ અમરના અદૃશ્ય થયાની ફરિયાદ કરતા ન હોવા છતાં તેઓ અમરની યાદમાં શૂન્ય બનતા જાય છે.

ધનિકોને તપાસ કરવામાં કોઈ પણ જાતની અડચણ આવે એમ ન હતું. તાર, ટેલીફોન, વાયરલેસ, ટ્રંકકોલ, કાગળ તેમ જ  માણસો દ્વારા દુનિયાને ખૂણે ખૂણે હવે અમરની તપાસ પહોંચી ગઈ. છ માસ પણ વીતી ગયા. પરંતુ અમર કે અમરનો પત્તો ન મળ્યો તે ન જ મળ્યો ! સુવર્ણાદેવી અને મહેન્દ્રપ્રતાપ હવે અતિશય ચીઢિયાં બની ગયાં. ખાવાપીવામાંથી તેમનો રસ ઊડી ગયો, કામકાજમાંથી બિલકુલ ધ્યાન ખસી ગયું. જોષી, માંત્રિકો, ધર્મગુરુઓ અને દેવસ્થાનો તરફ તેમનું વલણ વધવા લાગ્યું. અને છ માસ વીતતાં તો સર મહેન્દ્રપ્રતાપ આંખમાં અશ્રુ લાવી મિત્રોને, નોકરોને અને સહુ કોઈને ‘મારો અમર જોયો છે ? મારા અમરને લાવી આપો તો મારો આખો વૈભવ આપી દઉં.’ એવાં એવાં ઉચ્ચારણો સ્થળેઅસ્થળે કહેતા સંભળાવા લાગ્યા. ડૉક્ટરોએ ખૂબ દવાઓ કરી, હકીમોએ નુસ્ખા લખી આપ્યા, વૈદ્યોએ માત્રાઓ આપી, અને સગાંવહાલાંઓએ, મિત્રોએ અને ડૉક્ટરોએ એવો નિર્ણય કર્યો કે સર મહેન્દ્રપ્રતાપ આ વાતાવરણમાંથી પરદેશ નહિ જાય તો તેમનું મગજ કાયમને માટે ફટકી જશે.

મહામુસીબતે મહેન્દ્રપ્રતાપને સમજાવી શકાયા. અમર જેવો બાહોશ છોકરો પરદેશમાં કોઈ જુદા નામે રહી આગળ વધતો હોવો જોઈએ અને એ પરદેશમાં ગમે ત્યાં પિતા સામે આવી ચઢશે એવી કલ્પના લાલચ તેમને પરદેશ જવા પ્રેરી રાકી. અને તેઓ સુવર્ણાદેવી સાથે પરદેશ ગયા પણ ખરા.

પરદેશની નવીનતા તેમના મનને બીજી દિશામાં વાળતી. ધમધોકાર ચાલતા વ્યાપાર ઉદ્યોગના કાગળપત્રો અને નિવેદનો રોજ તારથી આવતા. તેમાં પણ તેમનો કેટલોક સમય વ્યતીત થતો અને મન પરોવાતું. અમર જરા યે ભુલાયો ન હતો છતાં નવું નવું વાતાવરણ તેમના ઘાવ ઉપર મલમપટ્ટાની ગરજ સારતું. ડૉકટરની મુલાકાતો પણ તેમનો કેટલોક સમય લેતી હતી અને અમરે આપઘાત કર્યો હોય એવી શંકાને સમર્થન કરતો એક પણ પુરાવો હજી સુધી મળ્યો ન હોવાથી વહેલામોડો પણ અમર આવી પહોંચશે એવી આશા તેમને રહ્યા કરતી. પશ્ચિમના ભવિષ્યવેતાઓએ પણ તેમને એક કરતાં વધારે  વાર ખાતરી આપી હતી કે તેમનો પુત્ર સુખી હાલમાં કોઈ અણધાર્યા સ્થળે ટૂંક સમયમાં મળવાનો સંભવ છે ખરો. જોકે સંભવમાં અને એ ફેરણીમાં બીજા છ માસ વીતી ગયા અને અમરને અદૃશ્ય થયે બરાબર એક વર્ષ વીત્યું.

પશ્ચિમની એક સુંદર આલીશાન હોટેલમાં એક સંધ્યાકાળે સર મહેન્દ્રપ્રતાપ અને સુવર્ણાદેવી કડકડતી ઠંડીમાં દવા અને ચા પીતાં બેઠાં હતાં ત્યારે ત્યાંની ઘડિયાળે આઠના ટકોરા વગાડ્યા. પતિપત્ની બને ચમકી ઊઠ્યાં અને એ ઘડિયાળ તરફ જોઈ રહ્યાં. કોઈએ કાંઈ ઉચ્ચાર કર્યો નહિ, છતાં બનેને યાદ આવ્યું કે ઘડિયાળને ટકોરે લગ્ન કરવાની આજ્ઞાએ જ અમરને અદૃશ્ય કરી દીધો હતો. એટલી સખ્તાઈ ન વાપરી હોત તો અમર ઘેર પણ રહ્યો હોત અને માતાપિતાએ નક્કી કરેલી ત્રણ યુવતીઓમાંની એક યુવતી સાથે પરણવા માટે તેને સમજાવી શકાયો હોત. મહેન્દ્રપ્રતાપે એક નિઃશ્વાસ નાખ્યો. એ નિ:શ્વાસમાં તેમને અને તેમનાં પત્નીને-બંનેને–એ જ વિચારો આવી ગયા. એકાએક તેમના ખંડનો ટેલિફોન રણક્યો અને ટેલિફોન હાથમાં લેતાં તેમની થયેલી વાતચીતમાં સુવર્ણાદેવીને એમ સમજાયું કે આસામના તેમના બગીચામાં મજુરોએ ભયંકર તોફાન ઊભું કર્યું છે. ત્યાં મેનેજરથી શાંતિ સ્થાપી શકાતી નથી અને સર મહેન્દ્રપ્રતાપની હાજરી વગર એ આખા પ્રશ્નનો ઉકેલ આવી શકે એમ નથી. પ્રથમ તો તેમને એમ લાગ્યું કે પોતાને જરા ઉત્તેજક વ્યવસાયમાં રોકવાની તેમના કર્મચારીઓની આ યુક્તિ પણ હોય. પરંતુ જ્યારે તેમણે સાંભળ્યું કે બગીચામાં કોઈ પણ ક્ષણે ખૂનામરકીનો પૂરો સંભવ ઊભો થયો છે ત્યારે તેમણે આખું વિમાન ‘ચાર્ટર’ કરી સીધા આસામ પહોંચી જવાની વ્યવસ્થા કરવા હુકમ આપી પણ દીધા. ધનને કશું અશક્ય નથી–માત્ર સાચાં હૃદય સિવાય. સઘળી વ્યવસ્થા જોતજોતામાં થઈ ગઈ અને બીજે જ દિવસે સર મહેન્દ્રપ્રતાપ અને સુવર્ણાદેવી ઊપડ્યાં અને ચોથે દિવસે કલકત્તા પહોંચી ગયાં. ત્યાંથી મોટરકારની સગવડ દ્વારા તેઓ બગીચામાં જોતજોતામાં  હાજર થઈ ગયાં.

સર મહેન્દ્રપ્રતાપે તો ધાર્યું હતું કે બગીચામાં પહોંચતાં પહોંચતાં ખૂનામરકીના કંઈક સમાચારો તેમને મળશે; પોલીસ અને મિલિટરીના દંડા, બંદૂકો અને ફરમાન ત્યાં ફરતાં હશે; કારખાનું અને ઑફિસ ભડકે બળતાં હશે અને સરકારી સલામતી શોધ્યા સિવાય તેમનાથી બગીચામાં પ્રવેશ પણ થઈ શકશે નહિ. રસ્તામાં બીજું કાંઈ નહિ તો એ જાતના સમાચારો પણ તેમને મળતા રહેશે. પરંતુ તેમની ધારણા સાચી પડી નહિં. કોઈએ તેમને તોફાનના સમાચાર પણ આપ્યા નહિ, તેમ તેમને રોક્યા પણ નહિ. અને તેઓ સડસડાટ બગીચામાં પેસી શક્યા. પ્રત્યેક ક્ષણે તેમના આવવાની રાહ જોતા નાનામોટા કર્મચારીઓ વ્યવસ્થાસર ઊભા હતા અને બગીચામાં પ્રવેશ કરતાં મજૂરોના વ્યવસ્થિત ટોળાંએ તેમનો જયનાદ પણ કર્યો. અને તેમના ઉપર ફૂલનો વરસાદ વરસાવ્યો : જ્યારે મહેન્દ્રપ્રતાપ તો પથ્થરના વરસાદની આશા રાખીને આવ્યા હતા. હર્ષનાદ વચ્ચે તેઓ કચેરીનાં પગથિયાં પાસે કારમાંથી ઊતર્યા અને મેનેજરને પૂછ્યું :

‘આ બધું શું ? હું તો જુદી જ ધારણાથી અહીં આવ્યો હતો.’

‘એક રાતમાં આખી વાત બદલાઈ ગઈ, સાહેબ ! નહિ તો અમે પણ ખૂનામરકીની હવામાં જ બેઠા હતા. આપ અંદર પધારો, સ્વસ્થ થાઓ અને હું આપને એ હકીકત જણાવું છું.’ મેનેજરે જવાબ આપ્યો અને તેણે શેઠ સાહેબને દમામભરી ઑફિસમાં લીધા. ઉચ્ચ અધિકારીઓએ તેમનો સુંદર સત્કાર કર્યો અને ‘સર’ને ઘટે એવી ચાની પણ વ્યવસ્થા કરી દીધી. ચા પીતાં પીતાં થયેલી વાતચીતમેનેજરે આઠનવ માસથી આવેલા એક યુવાન ગ્રેજ્યુએટ કારકુનની બાહેશીની અત્યંત પ્રશંસા કરી અને સમાધાનીનો આખો યશ એ યુવાનને આપી દીધો.

‘શેઠ સાહેબ ! છેવટની ઘડીએ એ યુવાન વચ્ચે પડ્યો ન હોત તો આ બગીચો અત્યારે ધરતીકંપ અને જ્વાલામુખીનો પદાર્થપાઠ આપતો હોત.’ મેનેજરે કહ્યું. ‘કોણ છે એ છોકરો ?’ શેઠ સાહેબે પૂછ્યું.

‘કોઈ અંગ્રેજી જાણકાર આપણને મળતો નહોતો; જાહેરાત કરી થાક્યા ત્યારે આ એકનો એક યુવાન હાથ લાગ્યો અને મેં નીમી પણ દીધે. બહુ બાહોશ છે.’ મેનેજરે કહ્યું.

શરૂઆતમાં તો અમને લાગ્યું કે આ છોકરો માત્ર કારકુની જ કરવા સરજાયો છે. પછી અમને વહેમ પડ્યો કે એ કદાચ ચળવળિયો કોમ્યુનિસ્ટ પણ હશે. મજૂરોનાં તોફાનોમાં એનું નામ પણ સંભળાતું, પરંતુ પુરાવો મળે નહિ. છેલ્લી ઘડીએ હાથથી વાત ચાલી ગઈ ત્યારે એણે વચ્ચે પડી મજૂરોને સમજાવ્યા, આપના આવવાની રાહ જોવા તેમને ઉપદેશ કર્યો અને તેમની ફરિયાદ ન સંભળાય તો તેમની સાથે પોતે પણ નોકરી છેડી દેશે એવું વચન આપી તેમને તોફાને ચડતા અટકાવ્યા. અને એટલામાં આ૫ આવી પહોંચ્યા.’ બીજા અમલદારે આ અજાણ્યા પરંતુ ઉપયોગી યુવકનો પરિચય આપ્યો.

‘એને બોલાવો તો ખરા ! હું જરા જોઈ લઉં અને એને જ મુખે મજૂરોની માગણી સાંભળી લઉં. કઈ હરકત છે?’ મહેન્દ્રપ્રતાપે પૂછ્યું.

માનીતા યુવકને શેઠ સમક્ષ રજૂ કરવાની સહુની ઇચ્છા હતી જ. માત્ર એની ઊતરતી કક્ષા તેને તેમની સાથેની ચાપાર્ટીમાં ભેળવી શકતી ન હતી. યુવકને બોલાવવાનો હુકમ છૂટ્યો અને નમ્ર, સૌમ્ય છતાં જ્વલંત યુવક આવી, નમસ્કાર કરી મહેન્દ્રપ્રતાપની સામે ઊભો રહ્યો ત્યાં સુધી મહેન્દ્રપ્રતાપની મહત્તા અને શેઠાઈ યુવકની સામે તેમની નજર પ્રેરી શકતાં ન હતાં.

‘શેઠસાહેબ ! આ યુવક ભાઈ...’ મેનેજરે શેઠસાહેબનું લક્ષ્ય દોર્યું. શેઠસાહેબે પણ મોટાઈભરી દૃષ્ટિ તેના તરફ દોડવી અને સહુને આશ્ચર્ય વચ્ચે જાણે ઘેલા બની ગયા હોય એમ બોલતાં બોલતાં ઊભા પણ થઈ ગયા !

‘હાં....અરે ! અમર ! તું ...’ મહેન્દ્રપ્રતાપથી આગળ બોલી શકાયું નહિ. ખુરશી છોડીને, ચાનું ભવ્ય ટેબલ છોડીને તેઓ ધસ્યા અને નમસ્કાર કરતા નમ્ર કારકુનને ભેટી પડ્યા. સભ્ય ધનિકને શોભે નહિ એવું આ આલિંગન હતું; અને આખી મંડળીને મહેન્દ્રપ્રતાપની આંખમાંથી વહેતાં અશ્રુ જોઈને એમ જ લાગ્યું કે કદી કદી શેઠ સાહેબની ઘેલછાની વાત અહીં પ્રત્યક્ષ થતી જતી હતી. શેઠસાહેબ વારંવાર પુત્રની સામું અશ્રુભરી આંખે જોતા હતા અને ‘અમર ! મારા અમર ! અંતે તું જડ્યો ?’ એમ બોલ્યા કરતા હતા. નીચું જોઈ રહેલો એ યુવાન કાંઈ પણ જવાબ આપ્યા વગર ઉભો રહ્યો હતો, અને શેઠસાહેબના ઉચ્ચારને સહી રહ્યો હતો. કર્મચારીઓમાંથી કોઈકને એકાએક ખ્યાલ આવ્યો. કે તેમનો અમર નામનો પુત્ર એકાદ વર્ષ પહેલાં ખોવાયો હતો. કાં તો આ યુવક એ અમર પાતે હોય અગર આ યુવકમાં શેઠસાહેબને પોતાના પુત્રનો કલ્પિત ભાસ થયો હોય.

‘તું ? અહીં કારકુન? મારી જ મિલકતમાં !’ મહેન્દ્રપ્રાતાપ યુવકને ખેંચી પોતાની પાસે સોફા ઉપર બેસાડી પૂછવા લાગ્યા.

‘કાંઈ નહિ, પિતાજી મને ખૂબ અનુભવ મળ્યો અને મિલકત તો મારી કે આપની હોય જ શાની ? આપ જ એક વાર કહેતા હતા કે એ મિલકત તો પ્રભુએ દીધી છે એટલે પ્રભુની છે.’ યુવકે જવાબ આપ્યો.

મેનેજરે ઊઠીને એક નાનું સરખું સ્ટૂલ પિતાપુત્રની આગળ મૂકી દીધું અને જાતે મીઠાઈની રકાબી અને ચાના બે પ્યાલા બનાવી લઈ આવી તેમની પાસે નમ્રતાપૂર્વક મૂકી દીધા. મેનેજરને અને સહુને ખાતરી થઈ કે કારકુન તરીકે તેમણે મહેરબાનીની રાહે નીમેલો આ યુવક સર મહેન્દ્રપ્રતાપનો પુત્ર જ હતો. જ્ઞાન ઘણી ચેષ્ટાઓને બદલી નાખે છે.

‘પણ, પિતાજી મા ક્યાં છે?’

‘હું તને હમણાં જ એની પાસે કલકત્તે પાછો લઈ જોઉં છું.’

‘જી. પરંતુ મેં આ મજૂરોને વચન આપ્યું છે કે તેમની શરતો...’

‘અરે ! તારી અને તારા મજૂરોની બધી શરત કબૂલ ! પછી કાંઈ? ચાલ, ઊભો થા. તારી મા તારા વગર એવી ટળવળે છે કે તને દયા આવશે !’

‘હા, જી ! હું પણ માને અને આપને મળવાને ઝૂરું છું. પણ હું... હું જરાક ઘેર ખબર કરતો આવું.’ અમરે કહ્યું.

‘અરે હા ! તું તો પરણ્યો છે પેલી નંદિનીને, ખરું ને? ચાલ હું એને જોઉં, એ કેમ ઘર ચલાવે છે તે.’

પિતાપુત્ર બહાર નીકળ્યા. વાત જોતજોતામાં ફેલાઈ ગઈ છે ખોવાયેલે પુત્ર આ શુકનિયાળ સ્થળે શેઠસાહેબને મળ્યો અને હર્ષના પોકારો વચ્ચે ઘડી ઘડી આંખ મીંચતા, પુત્રને વાસે વારંવાર હાથ ફેરવતા સહુના જયજયકાર વચ્ચે તે કારકુન અમરની એારડી તરફ જતા હતા.