હીરાની ચમક/કમલનયના
← કોણ છે? શૂદ્ર? | હીરાની ચમક કમલનયના રમણલાલ દેસાઈ ૧૯૫૭ |
મોક્ષ → |
બંગાળમાંથી નવાબી નાબૂદ થઈ અને કંપની સરકારનું રાજ્ય સ્થાપન થયું. મુસ્લિમોનાં કે અંગ્રેજોનાં કોઈ પણ રાજ્યને સ્થાપના કરવામાં અને સુદૃઢ કરવામાં હિન્દુઓનો ફાળો ઘણો મોટો છે. એવા હિંદુઓને દેશદ્રોહી કે કૃતઘ્ન કહેવા હોય તો ભલે આપણે કહીએ, છતાં એ સત્ય હકીકત ઇતિહાસ નોંધ્યા વગર તો ન જ રહે. બંગાળના એક શહેરમાં કંપની સરકારની સત્તા ચાલતી હતી; અને એ શહેરની મુલ્કી ફોજદારી હકૂમત ઠાકુર દેવીસિંહના હાથમાં હતી. દેવીસિંહ બાહોશ યુવાન હતો. કંપની સરકારની નવી મહેસૂલી અને બંદોબસ્તી વ્યવસ્થા સ્થિર કરવામાં એણે કંપની સરકારની દૃષ્ટિએ બહુ યશસ્વી ભાગ ભજવ્યો હતો. રાજ્યનું ઉત્પન્ન વધારે તે રાજ્યને વહાલો જ લાગે. દેવીસિંહ પણ કંપની સરકારનો એક માનીતો અમલદાર હતો. અને સરકારના માનીતા અમલદારને માગે એટલી છૂટ મળી પણ શકે છે – આજે જ નહિ, ભૂતકાળમાં પણ.
રાજદ્વારી પુરુષ બની શકે ત્યાં પ્રજાના માનીતા બનવાનો પ્રયત્ન કરવાનું ચૂકતા નથી. લોકપ્રિય થવાના વિવિધ માર્ગોમાં એક માર્ગ એ પણ છે કે લોકોમાં પોતાની ધાર્મિકતાથી જબરદસ્ત છાપ પાડવી. ટીલાટપકાંમાં અનેક દોષ ઢંકાઈ જાય છે. દેવીસિંહ યજ્ઞયાગાદિ કરતો -કરાવતો; બ્રાહ્મણોને દાન આપતો–અપાવતો; મંદિરમાં જઈ દેવ દર્શન અને પૂજા પણ કરતો, અને પ્રભાતનો અમુક ભાગ સંધ્યાવંદન માટે ખાસ અલગ રાખતો–જે સમયે સંધ્યાવંદન સાથે ઈશ્વર સ્મરણ પણ થાય અને પોતાની બહેતરી માટેના પ્રયોગો ગોઠવવાનું એકાંત પણ મળે. જમીનમહેસૂલ વધારવાની અને ઉઘરાવવાની બાબતમાં તેને કરવી પડતી સખતાઈ સામે આ ધર્મિષ્ઠપણાનો દેખાવ તેને ઠીકઠીક સહાયરૂપ બનતો. દેવીસિંહ ઘણો જુલ્મી છે એમ કોઈ કહેતું નીકળે તો તેને સામો જવાબ આપનાર પણ નીકળતું :
‘ભાઈ ! સરકારનો હુકમ હોય એમાં એ શું કરે ? પરંતુ જોતા નથી એ કેટલો ધર્મિષ્ઠ છે તે ? સવારસાંજ દેવદર્શને ગયા સિવાય તો દેવીસિંહ જમતો જ નથી.’
દેવદર્શન કરતાં પહેલાં દેવીસિંહ શું શું જમતો હતો એની ખબર સામાન્ય જનતાને તો ન જ પડે ! અને બાહોશ અમલદાર આવી ખબર ઘરના ઉમરાની બહાર જવા ન જ દે.
એક સંધ્યાકાળે નિત્યનિયમ પ્રમાણે ઠાકુર સાહેબ દેવીસિંહ એક દેવમંદિરની સાયંઆરતીનાં દર્શન કરવાને માટે પધાર્યા. દેવમંદિરમાં પણ અમલદારોને દર્શન કરવાને માટે વિશિષ્ટ સગવડ આપવી જ પડે છે. દેવમંદિરમાં ભાવિકોની ગિરદી હતી: પરંતુ અમલદારની હાજરીમાં દેવમંદિરની ભીડ પણ ઓસરી જવી જોઈએ. મંદિરની આરતી ઉતારતા જગન્નાથ ભટ્ટ દેવની આરતી ઉતારે. દેવને આશકા આપી, ભક્તજનોને આરતીની ઉષ્મા આંખે અડાડવાનો લાભ આપવા ભક્તવૃંદ તરફ તેઓ વળ્યા – અને ત્યાં ભક્તોની ગિરદીથી ઠીકઠીક રક્ષાયેલા નગરના હાકેમ ઠાકુર દેવીસિંહને તેમણે નિહાળ્યા. સ્વાભાવિક રીતે જ આરતીનો પહેલો લાભ તેમને મળેલો હતો. જગન્નાથ આરતી લઈ દેવીવિંસંહ સામે ગયા. દેવીસિંહે નમન કરી આરતી ઉપર પોતાના બે હાથ ફેરવ્યા અને આરતીની ઉષ્મા આખે અડાડી. પરંતુ દેવીસિંહની નજર આરતી ઉપર ન રહેતાં મંદિરના ગર્ભ ભાગમાં આવેલી મૂર્તિ તરફ હોય એમ જગન્નાથને લાગ્યું. આ ભાવિક અમલદારની કદર કરતાં જગનાથ ભટ્ટે, દેવીસિંહ પ્રત્યે શુભેચ્છા દર્શાવવા; પાછળ ફરી દેવમૂર્તિને આર્જવભરી પ્રાર્થના કરવા વિચાર કર્યો તો તેમની નજરે તેમની પત્ની કમલનયના ઊભેલી દેખાઈ ! દેવીસિંહ મૂર્તિનાં દર્શન કરતા ન હતા, પરંતુ જગન્નાથની ભટ્ટની પદ્મિની પત્ની કમલનયનાને આંખ ભરી નિહાળી રહ્યા હતા !
કદાચ એ અકસ્માત હશે. દેવીસિંહ ખરેખર દેવમૂર્તિમાં આ એકાગ્ર હશે. અને કમલનયના અણધારી જ દેવીસિંહની દૃષ્ટિ અને મૂર્તિ વચ્ચે આવી ગઈ હશે, એમ ધારી સજ્જન જગન્નાથ ભટ્ટે ભક્તમંડળીને આરતી આપવી શરૂ કરી; અને દેવીસિંહની વાત આખી ભૂલી ગયા. પરંતુ સત્તાધીશ ઠાકુર દેવીસિંહ કમલનયનાના રૂપને ક્ષણભર ભૂલી શક્યા નહિ. દેવમૂર્તિનાં તો તેમણે દર્શન કર્યા હતાં, પરંતુ દેવભૂતિ કરતાં પણ વધારે સુંદર કમલનયનાનું મુખારવિંદ તેમની આંખમાં ખૂંપી ગયું. અને તે આખી રાત નજરમાંથી ખસ્યું નહિ. રૂપનો નશો રૂપધારીઓને ચઢે છે એના કરતાં એને નિહાળનારને વધારે ચઢે છે. દેવીસિંહ પાસે અનેક પ્રકારનાં સાધનો હતાં, જે દ્વારા તેઓ કમલનયના કોણ હતી એની તલાશ ચલાવી શકે. મંદિરના પૂજારી અને નગરના વિદ્વાન જગન્નાથની કમલનયના પત્ની હતી એ માહિતી તો તેમને મળી. કમલનયના પતિપરાયણ સાધ્વી હતી, ધાર્મિક વૃત્તિવાળી હતી અને અત્યંત લાગણીભરી હતી; છતાં તેના પરિચિત મંડળમાં તેને માટે કોઈની આંખ વિકારી થઈ ન હતી એ વાત પણ તેમણે સાંભળી. એ વાત સાંભળી દેવીસિંહ મનમાં હસ્યા. પૈસો અને સત્તા સતીઓ અને સતિયાઓનાં મનને પણ ડગાવી શકે છે એવી દેવીસિંહની ખાતરી હતી. અને વધારે તપાસ કરતાં જગન્નાથ અને જગનાથના આખા મંદિરને તેઓ પાયમાલ કરી શકે એવી તેમને સહજમાં યુક્તિ પણ જડી આવી.
બાદશાહી વખતમાં જગન્નાથના પૂર્વજોને મંદિર અંગે સો વીઘાં જમીન મહેસૂલમાફીથી ચલાવવામાં આપી હતી. આજ સુધી એ મહેસૂલમાફી ચાલ્યા જ કરતી હતી. દેવીસિંહને એ વ્યવસ્થા સોંપી હતી, એટલે તેનો લાભ લઈ દેવીસિંહ જગન્નાથ ભદ્રને પોતાની હાજરીમાં બોલાવ્યા. ભટ્ટે તેમને આશીર્વાદ આપ્યા, ને પોતાનું યોગ્ય સન્માન થશે એમ પણ માની લીધું, કારણ દેવીસિંહે પોતાની ધાર્મિકતા માટે લોકોમાં ઠીક ઠીક છાપ પાડવા માંડી હતી. જગનાથને યોગ્ય આસન આપવાને બદલે પોતાની સમક્ષ ઊભા રાખી દેવી સિંહે કહ્યું :
‘જુઓ, ભટ્ટજી ! તમારી સો વીધા જમીન છે, નહિ ?’
‘હા, ઠાકુર સાહેબ | બાદશાહી વખતથી જમીન અમારાં કુટુંબને મળી છે અને તે હજી ચાલ્યા કરે છે.’ જગન્નાથે જવાબ આપ્યો.
‘એનું કાંઈ પણ મહેસૂલ તમે ભરતા નથી, ખરું ?’
‘ના જી ! અમારી સનંદ એ જમીન મહેસૂલમાફીની જમીન ઠરાવે છે.’
‘તો ભટ્ટજી ! સાંભળો. સનંદ આપનારા બાદશાહો તો ગયા; એમની જગ્યાએ કંપની સરકાર આવી છે. એ રાજ્ય પરદેશી અને ધર્મ પણ પરદેશી; એને તો ટુકડો જમીન પણ મહેસૂલમાફીથી કોઈને આપવી નથી. મારા ઉપર સરકારનો હુકમ આવ્યો છે કે પાછલી ત્રણ સાલ સાથે દર વીધે ત્રણ રૂપિયા દીઠ મહેસુલ તમારી પાસેથી ઉઘરાવી લેવું.’ દેવીસિંહે સરકારી હુકમનું જોર જણાવ્યું.
‘મહારાજ ! જૂની સરકારના કોલ નવી સરકારે પણ પાળવા જોઈએ. સૂર્યચંદ્ર તપે ત્યાં સુધીની આ બાંહેધરી છે.’ ભટ્ટે કહ્યું :
‘હું બધું સમજું છું, પરંતુ સત્તા આગળ શાણપણ નિરર્થક છે. મને તો તત્કાલ વસૂલાતનો હુકમ મળ્યો છે, પરંતુ તમને હું ત્રણ દિવસની મહેતલ આપું છું. એમાં તમારે નવસો રૂપિયા કંપની સરકારના અને સો રૂપિયા મારું નજરાણું ભરી દેવું : નહિ તો ઘર અને મંદિર ઉપર જપ્તી થશે અને કદાચ તમને મારે હેડમાં બાંધવા પડશે.’ દેવીસિંહ માગણીની પાછળ પોતાની સત્તા શું શું કરવાને સમર્થ છે તે પણ દર્શાવી આપ્યું. ભટ્ટે ઘણી આજીજી કરી, સરકારમાં ફરી લખવાને માટે વિનંતી કરી, પરંતુ ભટ્ટનું કાંઈ વળ્યું નહિ અને હજાર રૂપિયા શોધતા તેઓ બેત્રણ દિવસ ગામમાં ફર્યા.
દેવીસિંહને તો એવી જાળ રચવી હતી કે જેમાંથી તેમને મિનાક્ષી કમલનયનાનો ભોગવટો મળે. પ્રથમ પગલું બરાબર હતું. બીજા પગલામાં તેમણે એવી યોજના કરી કે જગન્નાથ ભટ્ટને આ નગરમાંથી પૂરી રકમ મળે જ નહિ. કોઈએ છાને માને સો રૂપિયા આપ્યા. કોઈએ દેવીસિંહના ડરથી ઉપરવટ થઈ બસો રૂપિયા આપ્યા, પરંતુ હજારને બદલે ત્રીજે દિવસે માત્ર પાંચ સોજેટલી રકમ થઈ; જે લઈ જગન્નાથ દેવી સિંહ પાસે પહોંચ્યા અને કહ્યું:
‘ઠાકુર સાહેબ ! સરકારનો હુકમ હું માથે ચડાવું છું. સરકાર ધારો ભરીને પણ મારી જમીન મારે ખાતે જ રાખવી છે. પરંતુ આ ત્રણ દિવસમાં હું અરધી જ રકમ ભેગી કરી શક્યો છું તે આ જમાં કરો, ને બાકીની રકમ માટે મને મહેતલ આપો.’
‘મહેતલ? જમીનમહેસૂલમાં મહેતલ આપી શકાય જ નહિં ત્રણ વરસની તો બાકી નીકળે છે, ને તમારા સરખા મંદિરના માલિકને મહેતલ કેવી ?’ દેવીસિંહે જવાબ આપ્યો.
‘ઠાકુર સાહેબ ! હું મંદિરનો માલિક નથી; હું તો માત્ર વ્યવથાપક છું. મિલકત તો ભગવાનની છે.’
‘મિલકત ભગવાનની હશે તો ભગવાન સરકારનું મહેસૂલ ભરે. સગા બાપને પણ વેરાનમાં ન છોડનાર કંપની સરકાર તમારાં દેવદેવલાંથી ડરી જશે શું ?’ દેવીસિંહે કહ્યું. આવેલા પાંચસો રૂપિયા પોતાના ખિસ્સામાં જમે કર્યા અને બાકીની રકમ તત્કાળ લાવવા માટે જગન્નાથને છૂટા મૂક્યા.
ઘેર આવી અત્યાર સુધી ન કહેલી વાત જગન્નાથે પત્નીને કાને નાખી. પત્નીની આંખ જરા ચમકી. પતિને તેણે કહ્યું :
‘આપણા ઠાકુર સાહેબ દેવદર્શને આવે છે તો ખરા, પણ - દેવનાં દર્શનને બદલે સ્ત્રીઓનાં રૂપનું દર્શન કરતાં હોય એમ મને લાગે છે.’ કમલનયનાએ દેવીસિંહની દૃષ્ટિ ક્યારની પારખી લીધી હતી 1
‘પ્રભુ એમને સદબુદ્ધિ આપે.’ જગન્નાથ ભટ્ટે કહ્યું. અને પ્રભુ ઉપર શ્રદ્ધા રાખી છે જગન્નાથ પંડિતે રાત્રિ વિતાવી. પરંતુ પ્રભાત થતાં જ ઠાકુર દેવીસિંહનાં માણસો મંદિરને ઘેરી વળ્યાં અને મહેસૂલ પૂરું ન આપવા બદલ જગન્નાથ ભટ્ટને કેદ કરી લઈ જવામાં આવ્યા.
પત્ની તથા બાળકને માથે મંદિરની વ્યવસ્થા ને દેવપૂજનની જવાબદારી આવી પડી. એ મંદિર ઉપર હાકેમનો રોષ હતો એટલે ભક્તોએ પણ એ મંદિરમાં અવરજવર ઓછી કરી નાખી. પંદર દિવસમાં તો મંદિરની આવક એટલી ઓછી થઈ ગઈ કે કમલા ને બાળકો નિરાધાર બની ગયાં. અને નિરાધાર ભારતીય નારીઓને સનાતન આશ્રય સરખા ચરખા ને દળણાં-ખાંડણાંનો આશ્રય કમલનયનાને લેવો પડ્યો. ભક્તો તો ઓછા થઈ ગયા. છતાં ઠાકુર દેવીસિંહ કદી કદી એ મંદિરમાં દર્શનાર્થે આવતા અને કમલાને બદલે તેના મોટા પુત્ર રામનાથને નિહાળી દર્શન કરી પાછા ચાલ્યા જતા. રામનાથે માતાને આ હકીકત કહી, એટલે દર્શન સમયની દેવપૂજા વખતે કમલનયનાએ દેવગૃહમાં આવવાનું સમૂળગું બંધ કર્યું. મંદિરમાં કોઈ જ ન આવે એવી દેવીસિંહની ધાકધમકી ચાલતી હતી એના સમાચાર પણ કમલનયનાને કાને અથડાતા થયા.
અલબત્ત, પૂજા-આરતી તો ચાલુ જ હતાં. રાત્રિની શયનઆરતી વખતે એક દિવસ દેવીસિંહ આવ્યા અને તેમણે દેવ પાસે મોટાઈપૂર્વક એક રૂપિયો ફેંકી રામનાથના હાથમાં બીજો રૂપિયા મૂકી એને પૂછ્યું :
‘છોકરા ! તારી મા ક્યાં છે ?’
‘અંદર અમારી કોટડીમાં બેઠી રડે છે.’ રામનાથે જવાબ આપ્યો.
‘એને જઈને કહે કે એને રડવું ન પડે એવો એક રસ્તો હું શોધી આવ્યો છું. તારા બાપ મઝામાં છે.’ દેવીસિંહે કહ્યું.
‘પ્રભુ તમારું કલ્યાણ કરો !’ બાળકે કહ્યું
‘પ્રભુને ફાવે તે પ્રભુ કરશે. તું જરા ઝડપથી જા અને તારી માને અહીં મોકલી દે...તમે પાછા ભેગા ન આવશો.’ દેવીસિંહે આજ્ઞા કરી. અને ઘડીક ક્ષણો બાદ કમલનયના મર્યાદાપૂર્વક આવી, નમસ્કાર કરી, દેવીસિંહ સામે ઊભી રહી. દેવીસિંહે કમલનયનાનું ઝાંખું પડતું રૂપ જોયું... ધારી ધારીને જોયું અને કહ્યું:
‘તમારા પતિને કેદમાં રાખવા પડ્યા છે એથી મને બહુ ખેદ થાય છે.’
‘હા, જી. આપ તો ધાર્મિક પુરુષ છો. આપનો ઇલાજ નહિ ચાલ્યો હોય ત્યારે જ આપે મારા પતિને કેદખાનામાં પૂર્યા હશે.’ કમલનયનાએ કહ્યું.
‘એમ જ હતું. પરંતુ હું તમને ઉપયોગી થઈ પડવાનો પ્રયત્ન કર્યા જ કરું છું.’ દેવીસિંહે કહ્યું.
‘આપની હાકેમી પ્રભુ કાયમ રાખશે.’
‘તમારી જમીન ઉપરનું મહેસૂલ માફ પણ થઈ શકશે અને જમા કરેલા તમારા પૈસા હું તમને પાછા પણ આપી શકીશ.’
‘આવા શુભ સમાચાર માટે પ્રભુ તમારું ભલું કરે. પરંતુ મારા પતિને આપ છૂટા મૂકો એટલે મને સ્વર્ગ મળ્યું એમ હું માનીશ.’
‘એ પણ બની શકશે, એટલું જ નહિ પરંતુ હું એમને આખા નગરના મુખ્ય પુરોહિત પણ બનાવી શકીશ.’ દેવીસિંહે આગળ વધીને કમલનયનાને લાલચ આપી. આ કૃપાની પાછળ કઈ વૃત્તિ રહી છે એનો ખ્યાલ તો કમલનયનાને ક્યારનો આવી ગયો હતો. પરંતુ હજી સુધી દેવીસિંહે વાંધો લઈ શકાય એવી એક પણ સૂચના કરી ન હતી – સિવાય કે એની આંખ ને એના મુખ ઉપર એ સૂચનાની રેખાઓ ઊપસી આવેલી કમલનયનાએ ક્યારની જોઈ હતી. નગરના મુખ્ય પુરહિત બનાવવાની વાત કમલનયનાએ સાંભળી એટલે એને પણ કહેવું પડ્યું :
‘ઠાકુરર સાહેબ ! આવી સજ્જનતા માટે આશીર્વાદ સિવાય હું બીજું શું આપી શકું ?’
‘કમલનયના ! હવે તને ધીમે ધીમે સમજ પડતી જાય છે કે તારી પાસે આશીર્વાદ સિવાય બદલામાં ઘણું ધણું આપવાનું છે જ.’ દેવાસિંહે કમલનયનાના વક્તવ્યનો આ ઢબે ઉપયોગ કર્યો અને પોતાની વૃત્તિ દર્શાવવાનો મોકો મેળવ્યો. ‘બીજું કાંઈ નથી મારી પાસે, હાકેમ સાહેબ ! અમે તો ગરીબ માનવી રહ્યાં – આપનાં બચ્ચાં સરખાં ?’
‘સહુએ — ગરીબ અને તવંગરે — હાકેમને ખંડણી કે કર તો આપવો જોઈએ ને ? હું તારા કુટુંબને એકદમ સુખી કરી શકું એમ છું, જો તું મારી એક વાત કબૂલ રાખે તો.’
‘એવી કઈ વાત છે, જે આપ કહો ને હું કબૂલ ન કરી શકું? આપ એવું કંઈ કહેશો જ નહિ એવી મારી ખાતરી છે.’
‘તું સમજે તો બહુ નાની સરખી વાત છે. અઠવાડિયામાં એક દિવસ તું મારે મહેલે આવ, રાત્રિ મારી સાથે ગાળ, અને બીજી સવારે તારી દેવસેવા માટે તારે મંદિરે પાછી ચાલી જા. અઠવાડિયામાં એક દિવસ કરતાં હું વધારે કંઈ માગતો નથી.’ દેવીસિંહ ધીમે ધીમે મક્કમપણે ને ભાર મૂકીને પોતાની હકીકત કમલનયનાને કહી સંભળાવી.
કમલનયનાની આંખમાં વીજળી ચમકી ઊઠી. છતાં એ વીજળીને પોતાના હૃદયમાં સમાવીને તેણે જવાબ આપ્યો :
‘ઠાકુર સાહેબ ! એ વસ્તુ મારા કે તમારા શબ ઉપર જ બની શકે. હું આઠે પહોર કટાર સાથે રાખીને જ ફરું છું.’
‘કટાર ! વારું. કટાર શું કરી શકે છે તેની તને કાલે જ સમજ પડી જશે... જો આજ રાત્રે મારા કહ્યા પ્રમાણે તું નહિ આવે તો.‘’ દેવીસિંહે સામી ધમકી આપી.
‘ઠાકુર સાહેબ ! આપનું સ્થાન તો રાજમહેલ છે, જાહેર સ્થાન છે, દેવદર્શન સરખું સ્થાન છે. એમાં રાત્રે મારાથી કેમ અવાય?’ કમલનયનાએ જવાબ આપ્યો.
‘એની તું ચિંતા ન રાખીશ. હું શયનગૃહમાં હોઉં કે સિંહાસન ઉપર હોઉં, તને ત્યાં આવતાં કોઈ પણ ન રોકે એવો બંદોબસ્ત આજે થઈ જ ગયો છે એમ માનજે.’
‘વારુ.’ કહી કમલનયનાએ મુખ ફેરવી લીધું. દેવીસિંહે ધાર્યું કે તેના પ્રેમને સ્વીકારતી આ લાવણ્યવતી લલના જરા શરમાઈ અને મુખ ફેરવી ઊભી રહી છે. આશાના ઉલ્લાસમાં હીંચતો દેવીસિંહ પોતાના મહેલમાં આવ્યો. રાત્રિના પહેલા પ્રહરે કમલનયના આવે એમ તો એણે કદી ધાર્યું ન હતું. રાત્રિના બીજા પ્રહરના ચોઘડિયાં વાગતાં જ તેને લાગ્યું કે હવે કોઈ પણ ક્ષણે કમલનયના તેની પાસે આવ્યા વગર રહેશે નહિ. તેને લાવવા માટે અને તેની સત્કાર માટે દેવીસિંહે સંપૂર્ણ તૈયારી કરી રાખી હતી, અને પોતાના પ્રેમને પાનો ચડે એ ઢબે એણે મદિરાનું પણ ઠીક ઠીક સેવન કર્યું હતું.
૩
મદિરા કાં તો ઊંઘાડે કે જગાડે – જે ઉદ્દેશથી મદિરા પીધો હોય તે ઉદ્દેશ પ્રમાણે ! મદિરા અને મદિરાક્ષીની ઝંખના તેને ક્ષણભર પણ નિદ્રા આવવા દે એમ હતું નહિ. વિવશ બનેલા દેવીસિંહે બારણામાંથી જોયું, બની શકે એટલી પૂછપરછ કરી, પરંતુ બીજો પહોર વીતી જવા છતાં કમલનયના તેને મહેલે આવી નહિ. કાંઈ કારણ બન્યું હશે, મહેમાન આવી ચઢ્યા હશે, તેનું એકાદ બાળક જાગી ઊઠ્યું હશે, એવાં એવાં કારણો શોધી દેવીસિંહે રાત્રિના ત્રીજા પહોરમાં પ્રવેશ કર્યો. પરંતુ એ ત્રીજો પ્રહર પણ નિષ્ફળ ગયો. અને ચોથો પ્રહર થતાં તેના પ્રેમે વિકળતાનું અને ક્રોધનું સ્વરૂપ ધારણ કર્યું. તેનું ચાલત તો તે કમલનયનાને પોતાના અનુચરો મારફત ઉપાડી મંગાવત પણ ખરો. પરંતુ હજી પ્રભાત થયું ન હતું ત્યાં સુધી અંધકારમાં દેવીસિંહની આશા ઓસરી ગઈ ન હતી. આશા જેમ જેમ તીવ્ર બનતી જાય છે તેમ તેમ આશાની નિષ્ફળતા માનવીને ઘેલો બનાવની જાય છે. પ્રભાતનાં પક્ષીઓ બોલ્યાં, અરુણનો ઉદય થયો, સૂર્યનું પહેલું કિરણ પૃથ્વી - ઉપર ઊતર્યું, એ સાથે જ આખી રાતની જાગ્રતાવસ્થાથી — કહો કે અતૃપ્ત વાંચ્છનાથી — વ્યગ્ર બનેલા દેવીસિંહે કાઈ અજબ પ્રકાર ઘેલછા અનુભવી. તેણે આજ્ઞા આપી કે તેના અનુચરે જગન્નાથ પંડિતનું મસ્તક કાપી, દેવસેવામાં રોકાયેલી કમલનયનાને, એક થાળીમાં ઢાંકીને મોકલી દેવું.
આજ્ઞા આપી ઊંઘથી ઘેરાયેલો દેવીસિંહ સુઈ ગયો. ગાઢ નિદ્રામાં તે કેટલી વાર સુધી સુઈ રહ્યો તેનું તેને ભાન રહ્યું નહિ. દિવસો ચડ્યો. દરબારનું કામકાજ કરવાનો સમય છે. પરંતુ નિદ્રાધીન દેવીસિંહને જાગૃત કરવાની કોઈની હિંમત ચાલી નહિ.
છતાં ઘેનની, થાકની, કે રોષની નિદ્રાને પણ મર્યાદા હોય છે. પ્રભાત ક્યારનું વીતી ગયું, અને સૂર્ય બીજા પ્રહરમાં પ્રવેશ કરવાની તૈયારી કરતો હતો એટલામાં દેવીસિંહની આંખ ઊઘડી. આંખ ઊઘડતાં બરાબર તેને કમલનયના એકદમ યાદ આવી. પરંતુ કમલનયનાને જોવાને બદલે તેણે પોતાના એક અનુચરને તેની જાગવાની રાહ જોતો ઊભેલો દીઠો. સુંદર સ્ત્રીને નિહાળવાની આશામાં જાગતા પુરુષને કદરૂપો પુરુષ સામે ઊભેલા દેખાય તે જરા પણ ગમે નહિ જ. દેવસિંહે ક્રોધથી પૂછ્યું :
‘તું કેમ સામે ઊભો છે ?’
‘મહારાજ ! આપની આજ્ઞા લેવાની છે.’ અનુચરે હાથ જોડી જવાબ આપ્યો.
‘શાની આજ્ઞા ?’
‘સરકાર ! એક સ્ત્રી આપને મળવા આવી છે.’ અનુચરે કહ્યું. રાતના અને દિવસના અનુચરો જુદા હોવાથી આ દિવસના અનુચરને ગઈ રાત્રિની આનંદી યોજનાનો વિગતવાર ખ્યાલ હતો નહિ.
‘એનું નામ શું ?’ દેવીસિંહે જરા આતુરતાથી પૂછ્યું.
‘કમલનયના.’ અનુચરે જવાબ આપ્યો.
‘એને બેસાડી કેમ રાખી છે...? જા, જા, એને જલદી અહીં મોક્લી દે. એને આવવા માટે પરવાનગીની જરૂર નથી.’
‘પણ...’
‘પણ-બણ કંઈ નહિ. એક પણ અક્ષર બોલ્યા વગર તું જા અને કમલનયનાને અહીં મારી સામે લઈ આવ.’ દેવીસિંહે આતુરતા બતાવી. ‘સરકાર !...’
‘તને કહ્યું છે કે તું એક અક્ષર પણ બોલ્યા વગર એને અહીં લઈ આવ ! જો, અને ક્ષણનો પણ વિલંબ કર્યા વગર એને અહીં લાવ... હજી ઊભો છે?’ કહી દેવીસિંહે પોતાના પલંગ પાસે પડેલી ચાંદીની ફૂલદાની ઉઠાવીને અનુચરના માથા તરફ ફેંકી. તે તેને વાગી પણ ખરી. અનુચર ઝડપથી ખંડની બહાર ચાલ્યો ગયો, અને થોડી જ ક્ષણમાં કમલનયના હાથમાં સુંદર થાળ લઈ દેવીસિંહના સુશોભિત ખંડમાં દાખલ થઈ. કમલનયનાનો મુખવટો અત્યારે બદલાઈ ગયો હતો. તેના કેશ છૂટા હતા. તેને કપાળે કંકુ ભરેલું હતું. તેણે સુંદર વસ્ત્રાભૂષણ ધારણ કરેલાં હતાં, જે તેની સુંદરતા સાથે તેની ભયંકરતાને પણ વધારી રહ્યાં હતાં.
‘છેવટે તું આવી ખરી, કમલનયના !’ દેવીસિંહ બોલી ઊઠ્યો.
‘હા, ઠાકુર સાહેબ ! છેવટે હું આવી છું. મારું આવવું અને તમારું જીવવું એ બંને હવે છેવટનાં જ છે.’ કમલનયનાએ જવાબ આપ્યો.
‘કેમ? આમ કેમ બોલે છે? આ બધો વિચિત્ર વેશ ધારણ કરીને કેમ આવી છે?’
‘ઠાકુર સાહેબ ! તમને ખબર નહિ હોય તો હું જણાવું કે મારે મારા પ્રેમીઓની એક રૂંઢમાળ પહેરવી છે.’
‘સમજાય એવું બોલ.’
‘મારા એક પ્રેમીનું મસ્તક આપે મને ભેટ મોકલાવ્યું. બીજા મારા પ્રેમી તમે. હવે તમારું મસ્તક લેવા હું જાતે આવી છું. એને માટે તમારી જે તૈયારી કરવી હોય તે કરી લો.’ કમલનયનાના મુખ ઉપરની ક્રૂરતા વધતી જતી હોય એમ દેવીસિંહને દેખાયું. તેના ગૂંચવણમાં પડેલા મગજને અત્યારે ઝાંખું ઝાંખું એ પણ યાદ આવ્યું કે પ્રભાતમાં સૂતા પહેલાં દેવીસિંહે પોતે જ જગન્નાથ ભટ્ટનું મસ્તક કાપી કમલનયનાને ભેટ મોકલવાનું કોઈ અનુચરને કહ્યું પણ હતું. એ હુકમ જરાક કમનસીબ હતો એમ તેને અત્યારે લાગ્યું. કદાચ આવા ક્રૂર હુકમને બદલે બીજી કોઈ આકર્ષક ભેટ મોકલી હોત તો સ્ત્રીહૃદય વહેલું જિતાયું હોત પરંતુ હાકેમના હુકમો થઈ જાય છે ને તે અમલમાં પણ મુકાઈ જાય છે. એકાદ માનવજંતુ એના હુકમને આધારે કચરાઈ, ભીંસાઈ, અલોપ થઈ જાય તો તેમાં સેંકડો, હજારો અને લાખો માનવીઓ ઉપર સત્તા ભોગવતા હાકેમને બહુ અરેકારો રાખવાની જરૂર ન હતી. વીરત્વભરી હાકેમી છૂટા પડેલાં ધડાડોકાથી વ્યથિત થવી ન જ જોઈએ. દેવીસિંહે ખડખડ હાસ્ય કર્યું અને કમલનયનાને કહ્યું :
‘હાકેમ છું. મારો બોલ હતો કે તું રાત્રિએ નહિ આવે તો કટારનો પરચો તને થશે... હવે જે થયું તે ભૂલી જા, અને મારી આજ્ઞા પ્રમાણે વર્તવાનું શરૂ કર.’
‘હા જી. હું આપને દસ-પંદર ક્ષણ આપું છું એટલી ક્ષણ પછી તમે અને હું જે થયું તે ભૂલી જઈશું. પરંતુ તમને યાદ હશે કે મેં મારો પણ બોલ તમને કહ્યો હતો અને એ બોલ સાચો પાડવા માટે જ હું અહીં આવી છું.’ કમલનયનાએ કહ્યું. અને તેના બોલમાં અને તેની આંખમાં પ્રત્યેક ક્ષણે ધમકી વધતી જતી હતી.
‘કયો બોલ ?’
‘સંભારી આપું? હું આઠે પ્રહર કટાર સાથે રાખીને ફરું છું.’ કમલનયનાએ કહ્યું ને તેણે પોતાના વસ્ત્રમાં છુપાવેલી કટાર બહાર કાઢી ને એ બે ડગલાં આગળ વધી. દેવીસિંહ હવે ચમક્યો. તેને લાગ્યું કે તેણે પોતાની આસપાસ પોતાના અનુચરોને રાખ્યા હોત તો વધારે સારું થાત. ઘેલછાભરી એક ચંડિકા સામે તે એકલો જ હતો. તેણે એકાએક જોરથી બૂમ પાડી અને કહ્યું :
‘અરે, કોણ છે? જે છે તે અહીં આવો અને આ ખૂની સ્ત્રીને પકડો.’
એ બૂમ આખા રાજમહેલમાં ફરી વળી. બૂમ સાંભળીને રક્ષકો, અનુચરો, કારિંદાઓ અને અંતઃપુરની સ્ત્રીઓ દોડીને દેવીસિંહને શયનખંડમાં આવી પહોંચ્યાં ખરાં, પરંતુ આવતાં બરાબર તેમણે જોયું તો કમલનયના દેવીસિંહના ધડથી છુટા પડેલા મસ્તકના વાળ પકડી ઊભી ઊભી ખડખડ હસી રહી હતી. તેની પાસે જવાની કોઈની હિંમત ચાલી નહિ. કમલનયના હસી રહી. દેવીસિંહનું મસ્તક એણે થાળમાં મૂક્યું.
એ થાળમાં બીજું મસ્તક પણ હતું. જાણકારોએ જાણી લીધું કે કમલનયનાના પતિ જગન્નાથ ભટ્ટનું એ મસ્તક હતું, અને તે પ્રભાતમાં કમલનયનાને ભેટ મોક્લવામાં આવ્યું હતું. દેવીસિંહને તેના કૃત્યનો બદલો મળી ચૂક્યો હતો !
વિશાળ થાળીમાં બંને મસ્તકો મૂકી, લોહીનીગળતી કટાર હાથમાં રાખી, કમલનયના ખંડની બહાર નીકળી અને દેવીસિંહના મહેલના દરવાજા ઉપર આવીને ઊભી રહી. આશ્ચર્યસ્તબ્ધ જનતા ત્યાં ભેગી થઈ. મહેલનાં માણસો તો ત્યાં હતાં જ. એ સર્વના દેખતાં મહેલનાં પગથિયાં ઉપર ઊભી રહી કમલનયનાએ ‘જય અંબે’ની એક તીણી ચીસ પાડી અને લોહીનીગળતી કટાર તેણે પોતાના હૃદયમાં ખોસી દીધી. તેનો દેહ અમળાઈ પડ્યો. પરંતુ તે અમળાઈ પડતાં પહેલાં તેના મુખે ઉચ્ચારણ કર્યું :
‘હાકેમી એટલે ? પ્રેમહત્યા ! બ્રહ્મહત્યા ! રાજહત્યા ! અને સ્ત્રીહત્યા ! મા ! દુનિયાને સાચી હકમી આપ ! ’
આખું નગર સતીનાં દર્શને ઊપડ્યું. કમલનયના અને જગન્નાથ ભટ્ટનાં શબને પાસેના જ ચોગાનમાં સાથે બાળવામાં આવ્યાં.
એથી સહેજ દૂર દેવીસિંહના શબને પણ બાળવામાં આવ્યું. પાપભર્યા શબ પણ અગ્નિને તો ભાવે જ.
થોડે દિવસે બંને ચિતાઓને સ્થાને બે નાની દેરીઓ રચાઈ. એક દેરીમાં સતી કમલનયના અને જગન્નાથ ભદ્રના બે પાળિયા ઊભા કરવામાં આવ્યા.
બીજી દેરીમાં દેવીસિંહનો એક પથ્થરપાળિયો ઊભો કરવામાં આવ્યો.
એ બંને દેરીઓની પૂજનવિધિ આ પ્રસંગને હજી સુધી સજીવન બનાવી રહી છે.
સતીની દેરીમાં પૂજા થાય છે, નમન થાય છે અને સ્તોત્રો ઉચ્ચારાય છે.
પરંતુ જ્યાં સુધી દેવીસિંહની દેરીમાં દેવીસિંહના પાળિયાને પૂજા કરનાર પાંચ વાર ચામડાંના પગરખાંનો પ્રહાર ન કરે, ત્યાં સુધી પૂજા ફળીભૂત થતી નથી એવી લોકવાયકા આજ પણ ચાલુ છે.
આજ પણ સતીની દેરીમાં પૂજા થાય છે અને દેવીસિંહની છત્રીમાં દેવીસિંહના પાળિયાને ભક્તોના પાંચ પાંચ જોડા પણ પડે છે.*[૧]
- ↑ *+બંગાળની એક દંતકથાનું વસ્તુ લઈ આ વાર્તા રચાઈ