હે જગત, મારા પુત્રને
અબ્રાહમ લિંકન




હે જગત, મારા પુત્રને

અબ્રાહમ લિંકન

હે જગત, મારા પુત્રને આંગળી ઝાલીને દોરજે;

આજે એણે શાળાએ જવાનો આરંભ કર્યો છે.

અત્યાર સુધી એ પોતાનો રાજા હતો, આજુબાજુનાં આંગણાંનો સરદાર હતો; વળી એની ઈચ્છાઓ સંતોષવા હું હાથવગો હતો.

પણ….હવે બધું બદલાઈ જશે. આજે સવારે એ ઘરનાં પગથિયાં ઊતરશે, હાથ હલાવશે અને મહાન સાહસનો આરંભ કરશે. એ સાહસમાં કદાચ યુધ્ધો, કરુણ ઘટનાઓ અને વેદનાઓનો પણ સમાવેશ હશે.

આ જગતમાં વસવા માટે શ્રધ્ધા, પ્રેમ અને હિંમત જોઇએ. એથી હે જગત, તું તેની કુમળી આંગળી પકડીને દોરજે અને જાણવા જેવું બધું જ શીખવજે. બની શકે તો આ બધા પાઠ મૃદુતાથી શીખવજે.

એણે બધું શીખવું તો પડશે. હું જાણે છું કે દુનિયામાં બઘા જ માણસો ન્યાયી નથી હોતા કે સાચા નથી હોતા. પણ એને શીખવજે કે એક બાજુ દુષ્ટ લોકો છે, તો બીજી બાજુ સંત લોકો પણ છે. પ્રપંચી રાજકારણીઓ છે, તો સેવાભાવી સજ્જ્નો પણ છે, જે જગતની સમતુલા જાળવી રાખે છે; અને દુશ્મનો પણ મિત્રો બને છે ખરા, ભલે તેમાં વાર લાગે.

એને એ પણ શીખવજે કે મહેનતથી કમાયેલો એક ડોલર મફત મળેલા પાંચ ડોલર કરતાં વધારે મૂલ્યવાન છે. હાર જીરવવાનું એને શીખવજે, પણ જીતવામાં કેવી મજા છે તે પણ એને શીખવજે. અદેખાઈથી એને અળગો રાખજે, સ્મિતનું મૂલ્ય એને સમજાવજે. પુસ્તકોની અદભૂત દુનિયાનાં એને દર્શન કરાવજે. આકાશમાં ઊડતાં પંખીઓ, સૂર્યના પ્રકાશમાં ગુંજરાવ કરતી મધમાખીઓ, લીલા ડુંગરા પર ખીલેલાં પુષ્પોનું સનાતન રહસ્ય શોઘવા એને થોડોક નિરાંતનો સમય આપજે.

એને શીખવજે કે ચોરી કરીને પાસ થવા કરતાં નાપાસ થવામાં વઘારે પ્રતિષ્ઠા છે.

ભલે બીજા બઘા એને ખોટો કહે તોપણ એને પોતાના વિચારો પર વિશ્વાસ રાખવાનું શીખવજે. સજ્જ્ન સાથે સજ્જ્ન અને દુર્જન સામે અણમન રહેતાં શીખવજે. સૌનું ભલે એ સાંભળે, પણ જે સાંભળ્યું હોય તે સ્વીકારતાં એને આવડવું જોઈએ.

બીજાઓ જ્યારે પવન પ્રમાણે પીઠ બદલે ત્યારે ટોળાંને અનુસરવાને બદલે એ એકલો પોતાને માર્ગે જઈ શકે એ માટે એને બળ આપજે.

દુખ હોય ત્યારે એને હસવાનું શીખવજે, પણ રડવામાં શરમાવાપણું નથી તે પણ એને કહેજે. મીઠાશથી સાંભળવાનું ને કડવાશથી ન અકળાવાનું એને શીખવજે. આત્મા અને હદયનાં દ્વાર એ બંઘ ન કરે તે જોજે. ટોળાંની બૂમોથી એ નમી ન પડે અને જે સાચું છે તેને માટે જીવસટોસટની લડાઈ આપતાં એ અચકાય નહીં એમ એને શીખવજે.

હે જગત, આ બઘું એને મૃદુતાથી શીખવજે, પણ એને ખોટાં લાડ લડાવીશ નહીં. સુવર્ણ તો અગ્નિમાં તપીને જ શુઘ્ઘ બને છે.

મારી લાગણી કદાચ તને વઘુ પડતી લાગે, મારી માગણી મોટી લાગે તો પણ, હે જગત, તારાથી જે કાંઈ બની શકે એ બઘું કરજે, કારણકે એ મારો નાનકડો બહુ મજાનો દીકરો છે.