૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/નવીન યુક્તિ

← ન્યાયાધીશ કે અપરાધી ? ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન
નવીન યુક્તિ
નારાયણ વિશનજી ઠક્કુર
૧૯૧૨
પ્રતિજ્ઞાનો ભંગ કે મિત્રનો વધ ! →


પ્રકરણ ૩૪ મું.
નવીન યુક્તિ.

રાક્ષસનું એ ભાષણ સાંભળીને ભાગુરાયણ થોડીક વાર ચુપ થઈને બેસી રહ્યો. એને શું ઉત્તર આપવું, તે તેને સૂજ્યું નહિ, પરંતુ “જો મૌન ધારી બેસી રહીશ, તો એ બધો અપરાધ મારે શિરે જ ઢોળી પાડશે, માટે એને કાંઈપણ ઉત્તર તો આપવું જ જોઈએ.” એમ ધારીને તેણે રાક્ષસને કહ્યું કે, “કેમ? વિચારો જણાવવાથી લાભ કેમ નથી થવાનો? આપના મનમાં જે કાંઈપણ હોય, તે સાફ સાફ બોલી નાંખો. મનમાં રાખશો નહિ. મનમાં રાખવાથી પણ શો લાભ થવાનો છે ?”

“ભાગુરાયણ...! તું નન્દની સેનાનો અધિપતિ છે, અને તું જ જ્યારે કોઈ વૃષલને સિંહાસનારૂઢ કરવાની યોજનામાં પ્રવૃત્ત થયો છે, તો તને હવે કયા નામથી ઓળખવો, એ જ હું સમજી શકતો નથી. હું જ અંધ થયો. મગધદેશને હવે બાહ્ય શત્રુ કોઈપણ નથી - માત્ર મહારાજને કાર્યમાં પ્રવૃત્ત કરવાના કાર્યવિના હવે બીજું કોઈ પણ કાર્ય અવશેષ રહ્યું નથી, એવી ધારણાથી હું શાંત થઈને બેસી રહ્યો. એ મારા પ્રમાદની મને જે શિક્ષા મળી છે, તે યોગ્ય જ છે. તું રાજઘાતક, વિશ્વાસઘાતક અને દેશદ્રોહી છે. તારા સમક્ષ ઉભું રહેવું અને તારા મુખનું અવલોકન કરવું, એ પણ મહા પાતક સમાન છે. એટલે તારી સાથે ભાષણ કરવામાં પાતક હોય, તેમાં તો સંશય જ ક્યાં રહ્યો? જો તમે બધા બુદ્ધિમાન હો, તો મારો સર્વ જનસમાજ સમક્ષ ન્યાય કરો. તે ન્યાયથી જો અપરાધી ઠરું અને ન્યાયકર્તા તમે છો, માટે હું અપરાધી ઠરવાનો જ - તો તમારી ઇચ્છા હોય તેવી મને શિક્ષા ફરમાવો. જો એમ નહિ કરો, તો હું જ હમણાંને હમણાં ચૌટામાં જઈને આ બધી બાબતનો મોટેથી પોકાર કરીશ.” રાક્ષસ બેાલ્યો.

“અમાત્યરાજ!” ભાગુરાયણ તત્કાળ તેને સંબોધીને કહેવા લાગ્યો. “તમારો ન્યાય કરવાનો શો અધિકાર છે ? સર્વનો ન્યાય તો આપ જ કરતા આવ્યા છો, અને કરશો પણ ખરા. મારી માત્ર એટલી જ પ્રાર્થના છે કે, એવા પ્રકારના ન્યાયની આપે ઇચ્છા ન રાખવી, એ જ વધારે નિર્ભયતાનો માર્ગ છે. કારણ કે, જનસમાજનો સ્વભાવ ઘણો જ વિચિત્ર હોય છે; ક્યારે અને કેવી રીતે તેમનો અભિપ્રાય બદલાઈ જશે, એનો નિયમ હોતો નથી. તેથી વિપરીત પરિણામની શંકા થયા કરે છે.”

“ભાગુરાયણ ! ઘડી ઘડી એનું એ જ પિષ્ટપેષણ કરવાથી શું વળવાનું છે વારુ ? જનસમાજના સ્વભાવથી જેટલો તું જાણીતો છે, તેટલો જ હું પણ જાણીતો છું. હાલ તું અધિકારી છે, માટે તને જે કરવાનું હોય તે કર; પણ મારા પોતાના સંબંધમાં મારી જે કાંઈ પણ કરી નાંખવાની ઇચ્છા છે, તેમાં તું વચ્ચે ન આવ. મારી એવી ઇચ્છા છે કે, મારા શિરે આ પર્વતેશ્વરે કરેલા દોષારોપણનું નિરસન થઈ જાય અથવા તો તે સત્ય ઠરે અને મને શિક્ષા મળી જાય. સારાંશ એ કે, હું તમારા ઉપકારના ભારતળે આવવા નથી માગતો. મારી લજજા અને પ્રતિષ્ઠાને જાળવવા માટે તમારે મારા અપરાધોને છૂપાવવાનો કશો પણ યત્ન કરવો નહિ. હવે હું વધારે કાંઈ પણ બોલવાનો નથી. નન્દનો હું એકનિષ્ઠ સેવક છું. એ પર્વતેશ્વરને બોલાવીને રાજ્યનાં સૂત્રો એના હસ્તમાં સોંપવાનું તો દૂર રહ્યું, પણ એવી ઇચ્છા માત્ર પણ મારા મનમાં થવી અશક્ય છે. વધારે શું કહું? પણ તમારું રચેલું આ કપટકુભાંડ જેમને સત્ય ભાસશે, તેઓ તો અવશ્ય મને જે શાસન કરવાનું હશે, તે કરશે જ, પરંતુ આ બાબતને અંદરને અંદર દબાવીને તારા કહેવા પ્રમાણે આ ચન્દ્રગુપ્તના પ્રધાનપદનો સ્વીકાર કરીશ, એમ તમારે સ્વપ્નાંતરે પણ ધારવું નહિ. મારો નિશ્ચય હજી તમે કેટલીકવાર જાણવા માગો છો?” રાક્ષસ પોતાના નિશ્ચયમાં દૃઢ રહીને બોલ્યો.

એ વાક્યો રાક્ષસે બહુ જ ઉદ્વેગના ભાવથી ઉચ્ચાર્યા હતાં અને ભાગુરાયણ તથા ચન્દ્રગુપ્ત એ સઘળું મૂકમુખે સાંભળતા બેસી રહ્યા હતા. એટલામાં એક દૂતે આવીને ભાગુરાયણના કાનમાં કાંઈક કહ્યું - એટલે ભાગુરાયણ એકદમ તે દૂતને કહેવા લાગ્યા કે, “આ તું શું બેાલે છે? રાજગૃહના મુખપાસે ખાડો ખોદવાના હેતુથી પોતાના ગૃહમાંથી માર્ગ આપીને રાજદ્રોહમાં સહાયતા કરનાર અપરાધી પકડાયો છે? અને તે ચન્દનદાસ છે ? વાહ ! ચન્દનદાસ તો અમાત્યનો પરમ પ્રિય મિત્ર હોવાથી તે આવા કાર્યમાં સહાયતા આપે એ બને જ કેમ? સર્વથા અશક્ય ! ચન્દનદાસ રાજઘાતનું કારણ થાય, એ કોઈકાળે પણ સંભવનીય નથી.”

“પણ તેણે પોતે જ પોતાના અપરાધનો સ્વીકાર કરેલો છે અને તેમ કરતાં સ્પષ્ટ જણાવ્યું છે કે, અમાત્યનાં પત્રોના આધારે જ મેં આ સધળું કાવત્રુ રચ્યું હતું. અમાત્ય મારો મિત્ર હોવાથી મારાથી ના પાડી શકાઈ નહિ.” એ સંભાષણ અમાત્યના દેખતાં જ થયું અને તે સર્વ સાંભળી શકે તેવી રીતે થયું, એ કહેવાની કાંઈ પણ અગત્ય નથી. દૂતનાં અંતિમ વચનો સાંભળતાં જ અમાત્યના મનમાં જે સંતાપ થયો, તેનું યથાસ્થિત વર્ણન મોટા મોટા કવિઓથી પણ થવું અશક્ય હતું. ચન્દનદાસ પોતાનો મિત્ર હોવાથી તે આવા કાર્યમાં કોઈ કાળે પણ ભાગ લે નહિ, એવી તેની પૂરે પૂરી ખાત્રી હતી; પરંતુ અત્યારે તેના મનની એવી સ્થિતિ થઈ ગઈ હતી કે, ગમે તે મનુષ્ય ગમે તે આવીને કહે તો તેને તે ખરું જ માનતો હતો. તેથી જ એ વાત સાંભળતાં જ “જેવી રીતે બીજા અનેક લોકો આ નીચો સાથે મળી ગયા, તેવી જ રીતે એ પણ મળી ગયો હશે? પરંતુ જો ચન્દનદાસ પણ એ કારસ્થાની બ્રાહ્મણને અનુકૂલ થયો હોય, તો તો પછી સમસ્ત જગત જ એને અનુકૂલ થએલું છે અને નન્દનો વિનાશકાળ આવી પહોંચ્યો છે, એમ જ નિર્વિવાદ માની શકાય.” એવા એવા અનેક વિચારો તેના મનમાં આવવા લાગ્યા. છતાં પણ ભાગુરાયણનાં વચનો વિરુદ્ધ તેણે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહિ – તેણે મૌન્ય જ પકડી રાખ્યું. બોલવાથી કાંઈ પણ લાભ થવાનો નથી, એ તે સારી રીતે જાણતો હતો.

તે દૂત અને ભાગુરાયણનું બીજું કેટલુંક ભાષણ તો ચાલતું જ હતું. એવી રીતે કેટલોક વખત વીતી ગયો. પર્વતેશ્વરના ન્યાયની વાત તો રહી જ ગઈ અને તેને પાછો નિયત સ્થાને લઈ જઈને રાખવાની આજ્ઞા કરવામાં આવી. આજ્ઞા પ્રમાણે પરિચારકો પર્વતેશ્વરને ત્યાંથી લઈ ગયા. ત્યાર પછી ભાગુરાયણ અમાત્યને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે, “અમાત્યરાજ ! આપની ચિત્તવૃત્તિ આ વેળાએ ક્ષુબ્ધ થએલી છે. માટે અત્યારે હું આપને કાંઈ પણ કહેતો નથી. સાધારણ રીતે જનસમાજની હાલમાં કેવી સ્થિતિ છે, એ વિશે તો આપને મેં કહેલું જ છે. હવે આપની ઇચ્છા હોય, ત્યાં આપ ભલે જાઓ, અને મારી કહેલી વાતોનો વિચાર કરો. મેં આપને જે વિનતિ કરેલી છે, તે કાંઈ અમથી કરી નથી; પરંતુ તે આપને ગમે કે ન ગમે, એનો આધાર આપની ઇચ્છા ૫ર રહેલો છે.

રાક્ષસે ભાગુરાયણનું એ ભાષણ સાંભળી લઈને એકવાર ઘણી જ તિરસ્કારસૂચક દૃષ્ટિથી તેની તરફ જોયું. મોઢેથી તે કશું પણ બોલ્યો નહિ. એ મનુષ્ય સાથે બોલવામાં પણ મહા પાતક છે, એવી તેની માનીનતા હતી. “મારી અસાવધતાનો લાભ લઈને આણે આવું ભયંકર કારસ્થાન રચ્યું અને હું એના પ્રપંચમાં ફસાઈ ગયો!” એ વિચારથી તેના મનમાં ઘણો જ ખેદ થતો હતો. પણ તેનો કશો પણ ઉપાય હતો નહિ.- ત્યાંથી ન્યાયગૃહમાંથી નીકળીને ક્યાં જવું, એની કલ્પના તે કરી શક્યો નહિ. જ્યારે તે પોતાના પ્રતિહારીના મિત્રના ઘરમાં હતો, ત્યારે તેણે પોતાનાં સ્ત્રી પુત્રોના સમાચાર મેળવવામાટે અને તેમને પોતાને ત્યાં લાવીને રાખવા માટેનું કહેણ ચન્દનદાસને કહાવ્યું હતું અને ચન્દનદાસે તે પ્રમાણે વર્તવાનું ઉત્તર પણ મોકલ્યું હતું, પરંતુ ચન્દનદાસ પોતે તેને મળવાને ન આવ્યો, એનું તેને ઘણું જ આશ્ચર્ય થતું હતું, “ચન્દનદાસે જો રાજદ્રોહના કાર્યમાં સહાયતા આપી હશે, તો તે કયા મોઢે મને મળવાને આવે ? ચન્દનદાસ જેવા અહિંસાધર્મી ગૃહસ્થ જ જ્યારે રાજકુળનો આવી રીતે સર્વથા નાશ કરાવવામાટે ઉદ્યુક્ત થાય, ત્યારે વિશ્વમાં વિશ્વાસ કેવી રીતે રાખી શકાય ? પણ હવે મારે જવું ક્યાં? એ રાજદ્રોહી ચન્દનદાસનું તો હવે મુખ પણ જોવું નથી. ત્યારે મારું કુટુંબ એને ઘેર છે, તેને બોલાવીને આ પુષ્પપુરીનો સદાને માટે ત્યાગ કરીને ચાલ્યા જવું. નન્દરાજા સર્વાર્થસિદ્ધિ અદ્યાપિ તપોવનમાં તપશ્ચર્યા કરતા હશે, માટે તેમને મળી અને તેમને બીજા રાજાની સહાયતા અપાવીને સૈન્ય સહિત પુનઃ મારે આ પુષ્પપુરીમાં આવવું અને ચન્દ્રગુપ્ત તથા તેના સહાયકર્તા ચાણક્ય અને ભાગુરાયણનો પરાજય કરીને સર્વાર્થસિદ્ધિને રાજ્યાસને બેસાડું, તો જ મારું નામ અમાત્ય રાક્ષસ ખરું.” એવો તેણે નિશ્ચય કર્યો. “મને પકડીને કારાગૃહમાં રાખવાનું અથવા તો લોકો સમક્ષ મારો ન્યાય કરવાનું સાહસ એ દુષ્ટ કરી શકવાના નથી. એમનો હેતુ એટલો જ છે કે, મારા વિશે લોકોનાં મન કલુષિત કરીને મારી દુષ્કીર્તિ ફેલાવવી અને મને લોકોના દોષનો પાત્ર કરવો. પોતાના એ હેતુને સાધવા માટે એ ગમે તેવા નીચ પ્રયત્નો પણ કરશે. માટે હવે આપણે અહીં વધારે વાર બેસી રહેવું, તે લાભકારક નથી, પરંતુ હું ચાલ્યો જાઉં, તે પહેલાં પુત્ર કલત્રની મારે શી વ્યવસ્થા કરવી ? ચન્દનદાસ જેવા નીચ મનુષ્યના ઘરમાં તેમને રાખવાં, એ હવે સારું નથી. એ કદાચિત્ મારાં સ્ત્રી પુત્રોને પણ શત્રુઓના હાથમાં સોંપી દઇને તેમનો પણ નાશ કરાવે તો તેમાં પણ કાંઈ આશ્ચર્ય જેવું તો નથી જ. અને એમ ન કરે, ને હું તેમની વિરુદ્ધ ન થાઉં, એટલામાટે તેમને જામીન તરીકે કેદ રાખે એટલે પછી શું કરવું !” એવા વિચારોને મનમાં જન્મ આપતા બિચારો રાક્ષસ રાજમાર્ગને મૂકીને બીજા એક છૂપા માર્ગથી ચાલ્યો જતો હતો. અંતે પુષ્પપુરની નદીના તીરે આવેલા એક નિર્જન અરણ્યમાં તેણે પ્રવેશ કર્યો. પ્રતિહારીના મિત્રને ઘેર જવામાટેને એ અરણ્યમાંથી પણ એક માર્ગ હતો. એ જ માર્ગે ચાલવાનું એ વેળાએ તેને વધારે સારું લાગ્યું. તે થોડાક આગળ વધ્યો, એટલામાં એક મહાન અને વિશાળ વૃક્ષતળે કેાઈ “કેમ મિત્ર ચન્દનદાસ ! રાક્ષસની આજ્ઞા પાળવામાટે તેં જે કૃત્ય કર્યું, તે અંતે તારા જ વધનું કારણ થઈ પડ્યું ને ? અને એ તારા જાણવામાં આવેલું છતાં તેમ જ તારા માટે છૂટવાનો માર્ગ હોવા છતાં પણ તું ન્હાસી નથી જતો અને પોતાના નાશ માટે તૈયાર થઈને ઉભો છે, ત્યારે હવે મારું પણ આ જગતમાં જીવિત રહેવું વ્યર્થ છે ! તારા જેવો એક ઉત્તમમાં ઉત્તમ મિત્ર સ્વર્ગમાં પ્રયાણ કરી જાય, ત્યારે મારા જેવાથી આ ખાલી વિશ્વમાં શી રીતે જીવી શકાય ? જો ગળે ફાંસો ખાઈ હું આ ક્ષણે જ તારી પાછળ આવું છું...... ” રાક્ષસના કાને એ શબ્દો પડ્યા અને તે અચકાઇને ઉભો રહ્યો. “આ વેળાએ આ નિર્જન, અરણ્યમાં આવીને ચન્દનદાસના વધ માટે શોક કરનાર અને તેના માટે પેાતાના પ્રાણનું બળિદાન આપનાર એવો તે કયો મિત્ર હશે? અને ચન્દનદાસે જે કાંઈ કર્યું, તે રાક્ષસની આજ્ઞાથી કર્યું, એ કારણથી તેનો વધ કરવામાં આવે છે, એનો શો ભેદ હશે? મારાથી કાંઈપણ સમજી શકાતું નથી. આ વિલક્ષણ ભેદનું જ્ઞાન કેમ અને કેવી રીતે થઈ શકે ? આ આત્મહત્યા કરનાર મનુષ્યને એકાંતમાં બોલાવીને પૂછવાથી કાંઈક જાણી શકાશે ખરું અને પછી એના મનને શાંત કરીને આગળ ઉપર જે કરવાનું હશે તે કરી શકાશે.” એવો વિચાર કરીને તે તે ગૃહસ્થ પાસે ગયા અને નમ્રતાથી પૂછવા લાગ્યો કે “ભાઈ ! પોતાના મિત્રના વધ માટે આત્મહત્યા કરવાને તત્પર થએલો તું પોતે કોણ છે, તે મને જણાવીશ ?”

“મહારાજ ! આપ મારી પૂછપરછ શા માટે કરો છો ? જો મને આત્મહત્યા કરતો અટકાવવાનો આપનો મનોભાવ હોય, તો કૃપા કરીને તેવો પ્રયત્ન બિલ્કુલ કરશો નહિ. મારા મિત્રના સ્વર્ગવાસ પછી એક ક્ષણ માત્ર પણ આ સંસારમાં જીવિત ન રહેવાનો મેં દૃઢતમ નિશ્ચય કરેલો છે. માટે મને મારી ઇચ્છા પ્રમાણે કરવા દ્યો.” તે આત્મહત્યા કરનાર અજ્ઞાત મનુષ્યે પોતાની ઉદાસીનતાનું દર્શન કરાવીને તેવી જ નમ્રતાથી એ વાક્યો ઉચ્ચાર્યા.

“ભાઈ ! હું તારા માર્ગમાં આડો આવતો નથી. પણ તું જેના નામનો ઉચ્ચાર કરે છે, તે મારો પણ મિત્ર થાય છે. તેના વધની વાર્તા સાંભળીને મને પણ ઘણો જ ખેદ થાય છે. પણ એનો વધ કોની આજ્ઞાથી અને શામાટે કરવામાં આવે છે, એ તું મને જણાવીશ, તો તેને છોડવવાનો હું મારાથી બનતો ઉપાય કરીશ. નહિ તો હું પણ તારા જ માર્ગનું અવલંબન કરીને મિત્રને મળવાનો પ્રયત્ન કરીશ.” રાક્ષસે કહ્યું.

“શું, ચન્દનદાસ તમારો પણ મિત્ર થાય છે ? જો તેમ જ હોય, તો તો હવે તમારે તેને પોતાથી સદાને માટે વિયુક્ત થએલો માની લેવો. એનો દુષ્ટોએ વધ કર્યો છે. રાજદ્રોહના કાર્યમાં અમાત્ય રાક્ષસને જેણે જેણે સહાયતા આપેલી છે, તે સઘળાનો એવી જ રીતે વધ થવાનો છે. તે ત્રિપુટી – ચાણકય, ચન્દ્રગુપ્ત અને ભાગુરાયણ. હવે એ કારસ્થાનમાં ભાગ લેનારા સર્વને યોગ્ય શાસન કરનાર છે..............."

અરે ભાઈ! એ તો બધું ખરું, પણ ચન્દનદાસને એમણે કયા દોષથી અપરાધી ઠરાવ્યો છે ? રાક્ષસે તેને વચમાં જ બોલતો અટકાવીને પ્રશ્ન કર્યો.

“આ૫ આરોપ વિશે પૂછો છો ને? આરોપ બીજો શો હોય? રાજા ધનાનંદની સવારી રાજગૃહના તોરણ નીચે આવી લાગતાં જ તેની નીચે ખોદી રાખેલા ખાડામાં પડવી જોઇએ, એ હેતુથી તેણે પોતાના ઘરમાંથી ગુપ્ત રીતે ભોયરું ખોદવાનો માર્ગ આપ્યો અને એ ખાઈ ખોદવામાં સહાયતા કરી, એ જ આરોપ. એ વ્યવસ્થા તેણે રાક્ષસના પત્રના આધારે કરી હતી. શક્ષસે તેને લખ્યું હતું કે, “તારે મારી આજ્ઞાને અનુસરવું. મારાં માણસો ખાડો ખોદવાનો તારા ઘરમાંથી આરંભ કરશે; માટે તેમને તારાથી બનતી સધળી મદદ આપજે.” રાક્ષસ વિશે તેના મનમાં અપાર ભક્તિભાવ હોવાથી તેની એ માગણીનો તેણે અસ્વીકાર કર્યો નહિ, અને તેથી જ આજે તેને મૃત્યુના મુખમાં પડવાનો પ્રસંગ પ્રાપ્ત થયો છે.” અજ્ઞાત ગૃહસ્થે વૃત્તાંત સંભળાવ્યો.

“આ તું શું બોલે છે ? શું એ ખાડો ખોદવા માટે રાક્ષસે તેને પત્ર લખ્યું હતું? અરે એ ચાંડાલોએ આવાં ખોટાં ખોટાં પત્ર લખીને કેટલા મનુષ્યોને પોતાના પ્રપંચજાળમાં ફસાવ્યાં છે ! અરેરે ! ચન્દનદાસ ! તારે આ રાક્ષસને પૂછવા માટે તો આવવું હતું ! આવી કોઈ કારસ્થાનની ઘટના કરવી હોય, તો પણ રાક્ષસ કોઈ દિને તે પત્રદ્વારા કરે ખરો કે ? આ કેટલી બધી અંધતા અને કેવો ભીષણ અંધકાર! જ્યારે, આ વાત બીજી રીતે મારા સાંભળવામાં આવી, ત્યારે મારા મનમાં ચન્દનદાસ વિશે ક્રોધ ઉત્પન્ન થયો હતો, પરંતુ હવે તે ફસાયો છે, એમ જાણીને સામી તેની દયા આવે છે ! હં પછી શું થયું?” રાક્ષસે એ ઉદ્દગાર કાઢીને પાછો સવાલ કર્યો.

“થાય શું ? રાજાનો ઘાત થયો અને જ્યારે સર્વત્ર હાહાકાર વર્તી ગયો ત્યારે ચન્દનદાસ એકાએક ગભરાયો અને તેણે રાક્ષસને શોધવા માંડ્યો. પરંતુ રાક્ષસનો તેને ક્યાંય મેળાપ થયો નહિ. બે ત્રણ દિવસ પછી તેને રાક્ષસનો એવો સંદેશો મળ્યો કે, “મારી સ્ત્રી અને મારાં બાળકોને લઈ જઇને તમારે ઘેર રાખો.” એ પ્રમાણે તેણે તેનાં સ્ત્રીપુત્રોને પોતાને ત્યાં રાખ્યાં એટલે ત્વરિત જ ચન્દ્રગુપ્તનો ત્રાસ તેનાપર વર્ષવા માંડ્યો. તેની એવી માગણી હતી કે, "રાક્ષસનાં સ્ત્રી બાળકોને અમારે સ્વાધીન કરી દો, એટલે તારાપર કાંઈપણ આરોપ રાખવામાં નહિ આવે અને તને છોડી મૂકવવામાં આવશે. નહિ તો અવશ્ય તારો વધ થશે.” પરંતુ ચન્દનદાસે તેમની એ માગણીનો સ્વીકાર કર્યો નહિ. સામું તેણે તો એવું જ ઉત્તર આપ્યું કે, “અમાત્યનાં સ્ત્રી અને બાળકોને મેં જ સંતાડી રાખ્યાં છે અને મારો વધ કરશો, તો પણ હું તમને તેમનો પત્તો આપીશ નહિ.” આવું સ્પષ્ટ ઉત્તર મળે, એટલે ચન્દ્રગુપ્ત જેવો દુષ્ટ નર ક્ષમા કેમ જ કરી શકે? તેણે તત્કાલ તેના વધ માટેની આજ્ઞા આપી દીધી, ને તે પ્રમાણે અત્યારે તેને વધ સ્થાનમાં લઈ જવામાં આવ્યો છે. બહુધા તેનો વધ થઈ થયો હશે અથવા તો જે ક્ષણ જાય છે તેમાં થશે. મહારાજ ! હવે મને મારા મિત્રના માર્ગમાં તેની પાછળ વિચરવાની આજ્ઞા આપો.” એવી રીતે એ ગૃહસ્થનાં દૃઢતાથી ઉચ્ચારેલાં વચનો સાંભળીને રાક્ષસ સ્તબ્ધતાથી ઉભો રહી ગયો. માત્ર એ વેળાએ તેણે એ આત્મહત્યા કરનાર મનુષ્યને હાથ મજબૂતાઈથી પકડી રાખ્યો હતો. તેની બુદ્ધિ બહેર મારી ગઈ હતી. તેણે તે મનુષ્યને પૂછ્યું કે, “તારું નામ શું ?”

“શકટદાસ” તેણે ઉત્તર આપ્યું. એટલે રાક્ષસે વળી પૂછ્યું કે, “શકટદાસ ! ચન્દનદાસે રાક્ષસનાં સ્ત્રી અને બાળકોને ક્યાં રાખેલાં છે, એ વિશે તને કાંઈ ખબર છે કે ? તું તેનો મિત્ર છે, માટે જ હું તને પૂછું છું.”

“ના; હું તેનો મિત્ર ખરો; પરંતુ આવી ગુપ્ત વાતો ઝટ દઇને એકના મોઢેથી બીજાને મોઢે જાય છે, તેથી મને પણ તેણે એ વિશે કાંઈ કહ્યું નથી અને ખરેખર જો હું એ વાત જાણતો હોત, તો ક્યારનોએ ચન્દ્રગુપ્તને તે જણાવીને મારા મિત્ર ચન્દનદાસનો છૂટકો કરાવી નાંખ્યો હોત. રાક્ષસ તેને આવા સંકટમાં નાંખીને પોતે કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો છે, તેનો પત્તો નથી. જે મનુષ્ય પોતાના જીવના રક્ષણ માટે પોતાના મિત્રનો આવી રીતે વધ થવા દે છે, એવા મિત્ર માટે પ્રેમ પણ શામાટે રાખવો જોઇએ ? પણ ચન્દનદાસ મહાપુરુષ છે.” શકટદાસે કહ્યું.

એ મર્મભેદક વચનો સાંભળીને રાક્ષસને ઘણું જ માઠું લાગ્યું. તે થોડીક વાર સ્તબ્ધ રહીને બોલ્યો કે, “ મિત્ર ! તું વ્યર્થ આત્મહત્યા ન કર, અને મને વધસ્થાને લઈ ચાલ, હું તારા મિત્રને છોડવીશ - અમાત્ય રાક્ષસ જેવા દુર્દૈવી પુરુષનાં સ્ત્રી પુત્રો માટે ચન્દનદાસ પ્રાણ આપવાને તત્પર થયો છે, તે રાક્ષસ હું જ છું.” રાક્ષસનું નામ સાંભળતાં જ શકટદાસ આશ્ચર્યચકિત થઈ ગયો.

—₪₪₪₪—