૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/પહેલું પગથિયું

← પ્રારંભ ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન
પહેલું પગથિયું
નારાયણ વિશનજી ઠક્કુર
૧૯૧૨
બીજું પગથિયું →


પ્રકરણ ૭ મું.
પહેલું પગથિયું.

રાજા ધનાનંદ પોતાના મહાલયની અગાસીમાં બેઠો બેઠો નગરની શોભાનું અવલોકન કરતો હતો. પાસે દાસદાસીઓ અને પરિચારકો પણ ઘણી જ થોડી સંખ્યામાં હતાં, એથી જાણે પરિચારકોના નિત્યના સહવાસથી કંટાળીને તેમને દૂર કરી શાંતિથી જ તે પોતાના મનસંગે વિચાર કરતો નગર નિરીક્ષણના આનંદનો અનુભવ લેતો બેઠો હોયની ! એવું અનુમાન થઈ શકતું હતું. થોડા ઘણા પરિચારકો પાસે ઉભા હતા, તેમને પણ તેણે રજા આપી દીધી. દ્વારપર માત્ર પ્રતિહારી અને દ્વારના અંતર્ભાગમાં વેત્રવતી એ બે અનુચરો જ ત્યાં રહ્યાં. બાકીનો બધો સૌધપ્રાંત (અગાસીનો ભાગ) સર્વથા ખાલી થઈ ગયો. ધનાનન્દના મનની સ્થિતિ આ વેળાએ કાંઈક વિચિત્ર થએલી દેખાતી હતી. નીચે ચતુર્દિશાએ નગરનો વિસ્તાર થએલો હતો અને તેમાં નાગરિકોના અનેક પ્રકારના વ્યવસાયો ચાલતા હતા, પરંતુ એ સઘળા દેખાવોમાં ધનાનન્દની દૃષ્ટિ હતી કે નહિ ? એનો સંશય જ હતો. અર્થાત્ તેનું મન કોઈ બીજી જ દિશામાં વિચરતું હોય, એમ દેખાતું હતું. તેની મુખમુદ્રાના અવલોકનથી તેના મનના વિચારો આનન્દદાયક હોય, એમ તો જણાતું જ નહોતું. કોઈ પ્રકારની ઉત્સુકતા તેના મનમાં હોય અને તે ઉત્સુકતાના કારણને તે શોધ કરતો હોયની! એવો સર્વથા ભાસ થતો હતો. એ ઉત્સુકતાનું મૂળ તે કાંઈ પણ ભીતિ–“મારાપર સત્વર જ કોઈ વિપત્તિ અથવા તો દુઃખ આવશે.” એવી ભીતિ હોય, એમ જણાતું હતું. કાંઈ પણ કારણ ન હોવા છતાં અને કોઈપણ દિશામાંથી વિપત્તિને સૂચવનારા કાંઈપણ સમાચાર ન હોવા છતાં પણ રાજા કેવળ સુખસ્થિતિમાં નગરની શોભા જોવાને બેઠેલા હતો. એવામાં એકાએક તેના મનમાં ઉપર કહ્યા પ્રમાણે ઉત્સુકતા અને ભીતિનો વિચાર આવીને ઊભો રહ્યો. રાજા, એવા વિચારથી તો શું, પણ ભયનો પ્રસંગ પણ પ્રત્યક્ષ આવીને સામે ઉભો હોય, તો પણ તેથી ડરીને પાછો હટે એવો નહોતો; પણ કોઈ કોઈવાર મનની સ્થિતિ જ એવી થઈ જાય છે કે, તે વેળાએ મનમાં આવનારા વિચારો મનને સબળતાથી ઘેરીને બેસી જાય છે અને તે પાણીમાં મળી ગએલી ધૂળ પ્રમાણે માત્ર ઝટકવાથી દૂર થઈ નથી શકતા. ગમે તેટલો તેને કાઢી નાંખવાનો પ્રયત્ન કરો, પણ પોતાનો થોડો ઘણો પણ સારો નઠારો પ્રભાવ તે પોતે પડેલા હોય, તે સ્થાનમાં રાખી જ જવાના. રાજા ધનાનન્દ પોતાના મનમાંના એ વિચારોને દૂર કરવા માટે અનેક પ્રયત્નો કર્યા, પરંતુ એ વિચારો દૂર થઈ ન શક્યા; એટલું જ નહિ, પણ જેમ જેમ એ વિચારોને કાઢવાનો તે પ્રયત્ન કરતો ગયો, તેમ તેમ એ વિચારોની પ્રબળતા વધારે ને વધારે થવા લાગી અને રહેતાં રહેતાં એ જ વિચારોમાં તેને ખેદ સાથે થોડાક આનંદનો પણ ભાસ થવા લાગ્યો. અર્થાત્ પરિચારક પાસે ન હોવા જોઈએ, એમ તેને ભાસ્યું. મનની એવી વિચિત્ર સ્થિતિમાં તે બેઠેલો હતો, એટલામાં વેત્રવતી ત્યાં ધીમે ધીમે આવી અને હાથ જોડી તથા ગોઠણ મંડીએ પડીને વિનતિ કરવા લાગી કે, “દેવ! અંત:પુરમાંની એક પરિચારિકા એક પત્રિકા લઈને આવેલી છે અને “એ પત્રિકા મહારાજને પોતાને જ હાથો હાથ આપવાની અમારી દેવીની આજ્ઞા છે, એમ તે કહે છે. મહારાજની આજ્ઞા મળે ત્યાં સુધી આપણા વિનયશાળી કંચુકીએ તેને દ્વારપર જ રોકી રાખી છે. હવે મહારાજની જેવી ઇચ્છા."

વેત્રવતીનું એ ભાષણ સાંભળતાં જ મહારાજ ધનાનન્દના હૃદયમાં એક પ્રકારની અસ્વસ્થતા થવા માંડી.”વેત્રવતિ ! તું શું કહે છે? દેવીની પરિચારિકા આવેલી છે? દેવીની પરિચારિકા અને તે અત્યારે પત્રિકા લઈને આવી છે ? વળી તે મને પોતાને જ હાથો હાથ પત્ર આપવા ઇચ્છે છે, એવું તે એ પત્રિકામાં શું હશે વારુ?” એ પ્રમાણે અર્ધ વેત્રવતીને ઉદ્દેશીને અને અર્ધ મનસ્વી જ બોલીને થોડીક વાર સુધી રાજા કાંઇપણ બોલ્યા ચાલ્યા વિના સ્વસ્થ થઈ બેસી રહ્યો. વેત્રવતી પણ પોતાને સ્થાને જ સ્તબ્ધ થઇને ઊભી હતી. છેવટે રાજા ધનાનન્દના મનમાં એમ આવ્યું કે, જો હું આવી જ રીતે બેઠો બેઠો આ ભયંકર વિચારોમાં ગુંથાયલો રહીશ, તો એ વિચારો વળી બીજા વિચારોને જન્મ આપશે. એના કરતાં આ આવેલા નવીન કાર્યમાં ચિત્તને પરોવવું એ વધારે સારું છે.” એવી ધારણાથી તેણે વેત્રવતીને કહ્યું કે, “વેત્રવતિ ! જા, અને એ પરિચારિકાને અહીં મારા સમક્ષ લઈ આવ. વિનયંધર પ્રતિહારીને મારી આજ્ઞા કહી સંભળાવજે.”

આજ્ઞા મળતાં જ વેત્રવતી ગઈ અને ક્ષણવારમાં તે પરિચારિકાને અંદર લઈ આવી. પરિચારિકાએ પણ આવતાંની સાથે જ મહારાજ સમક્ષ યોગ્ય જાનુક્ષેપન કરીને મસ્તકપર અંજલિ ધરી અને મહારાજને વિનવીને કહ્યું કે, “દેવ! દેવીએ આ પત્રિકા આપેલી છે, અને એને વાંચીને દેવ જે આજ્ઞા કરે, તે પોતાને સંભળાવવાની મને તાકીદ પણ આપેલી છે. માટે મહારાજાએ વાંચીને ઇચ્છા પ્રમાણે સત્વર આજ્ઞા આપવાની દાસી પર કૃપા કરવી.”

રાજા ધનાનન્દે તે પરિચારિકાને ધારીને જોઈ પણ તે વિશેષ પરિચિત હોય એમ તેના જોવામાં આવ્યું નહિ, એને એકાદવાર જોએલી છે, એટલો જ માત્ર તેને ભાસ થયો; પણ ક્યાં અને કયા પ્રસંગે એને જોએલી હતી, એનું તેને સ્મરણ થઈ ન શક્યું. તથાપિ પરિચારિકા વિશે વિશેષ ઊહાપોહ ન કરતાં તેણે પત્રિકા ઉઘાડીને મનમાં જ વાંચવાનો આરંભ કર્યો. તેમાં નીચે પ્રમાણેની વિગત વર્ણવેલી હતી.

“સ્વસ્તિ. મહારાજાના મનમાં આ મારા પત્રલેખનથી કદાચિત્ વધારે કોપ થશે. કદાચિત્ આ ચરણદાસીને જેવી રીતે પૂર્વે રાખી હતી, તેવી જ સ્થિતિમાં રાખવાની પણ ધારણા થશે. પરંતુ માત્ર એક જ વાર દર્શનનો લાભ આપીને આ દાસીની વિજ્ઞપ્તિ સાંભળશો, તો ઘણો જ ઉપકાર થશે. કુમાર સુમાલ્યના યૌવરાજ્યાભિષેકના મહોત્સવ પ્રસંગે જેવી રીતે આ દાસીનું સ્મરણ કરીને બંધનમુક્ત કરવાની આપે કૃપા કરી હતી, તેવી રીતે અત્યારે પણ કૃપા કરશો જ. આપના હૃદયમાંથી આ દાસીનું વિસ્મરણ તો થયું નથી જ, એ ખુલ્લું છે. અને આપના હૃદયમાં હજી મારું સ્મરણ રહેલું છે, તેથી જ આ પત્રલેખનનું અને આ વિજ્ઞપ્તિ કરવાનું આ દાસીએ આ દુષ્કર સાહસ કરેલું છે. જેવી રીતે સ્વાતિ બિંદુની પ્રાપ્તિ માટે ચાતકીની અથવા પોતાના પતિનાં પુનર્દર્શન માટે નિશા સમયે વિયોગિની ચકોરી અત્યંત ઉસુક થાય છે, તેવી જ રીતે આ મુરા આપના દર્શનની પ્રતીક્ષા કરતી બેઠેલી છે. આર્યપુત્ર જે કાંઈ પણ ઇચ્છે, તે કરવા માટે સંપૂર્ણ રીતે સમર્થ છે જ.”

પ્રથમ પ્રથમ તો કેટલીક પંક્તિઓ વાંચતાં સુધી એ પત્ર કોનું છે, એ ધનાનન્દના ધ્યાનમાં આવ્યું નહિ; પરંતુ અર્ધ પત્ર વંચાયા પછી પત્રની લખનારી વિશે શંકા થતાં અંતના બે શબ્દોથી તેનું પણ નિરાકરણ થઈ ગયું. પત્ર લઈને આવેલી પરિચારિકા પાસે ઊભેલી જ હતી. તેને એકવાર રાજાએ પાછી નિહાળીને જોઈ અને પુનઃ એકવાર પત્રિકા વાંચી. થોડીકવાર તે વિચારમાં પડી ગયો. ત્યાર પછી એકાએક તેણે પરિચારિકાને આજ્ઞા આપતાં કહ્યું કે, “પરિચારિકે ! જા તું તારી સ્વામિનીને કહે કે, મહારાજ હમણાં જ તારા અંતઃપુરમાં પધારશે. મુરાના અંતઃપુરનો માર્ગ મને વેત્રવતી દેખાડશે.” ધનાનન્દનું એ ભાષણ સાંભળતાં જ પરિચારિકા અને વેત્રવતી બન્ને જણ ન ધારેલી આકાશવાણીથી ચકિત થઈ ગઈ હોય અથવા તો વિદ્યુલ્લતાના આઘાતથી જીવહીન બની ગઈ હોય, તે પ્રમાણે સ્તબ્ધ ઊભી રહી ગઈ; પરંતુ પરિચારિકા સત્વરજ સાવધ થઈ. મહારાજના અંતઃપુરમાં પધારવાની શુભવાર્તા સંભળાવવાથી મુરાદેવીને ઘણો જ આનંદ થશે, એમ ધારીને તે એકદમ દોડીને અંત:પુરમાં જઈ ઊભી રહી. વેત્રવતીનું આશ્રય એટલું શીધ્રતર દૂર થઈ ન શક્યું. તેને આ સત્ય ઘટના છે કે સ્વપ્ન, અને એ શબ્દો ખરેખર રાજાના મુખમાંથી બહાર પડ્યા કે કેવળ ભ્રમ હતો, એનો નિર્ણય તે કરી શકી નહિ. તે ખરેખર એક પાષાણની પ્રતિમા પ્રમાણે ઉભી રહેલી હતી. એની એવી દશા થવાની છે, એ જાણે રાજા ધનાનન્દને પ્રથમથી જ જણાઈ ચૂક્યું હોયની ! તેવી રીતે રાજા સ્મિત કરીને કહેવા લાગ્યો કે, “વેત્રવતી, તું સ્વપ્નમાં તો નથી જ, તું જાગૃત અવસ્થામાં છે, સમજી કે? ખરેખર મને કિરાતકન્યા મુરાદેવીના અંતઃપુરનો માર્ગ બતાવ. મને પણ તેનાં દર્શનની ઇચ્છા થએલી છે. જેનો મેં પંદર સોળ વર્ષથી ત્યાગ કરેલો છે, જેને હું કારાગૃહમાં પણ નાંખી ચૂક્યો છું અને તેણે પોતે જ મને બોલાવ્યો છે, તો ત્યાં જઈને મારે મારા આ વિચારગ્રસ્ત મનને શાંતિ આપવી જ જોઈએ. કોઈપણ નવીન વિલાસમાં મન દોરવાતાં જૂના વિચારો પોતાની મેળે જ દૂર થઈ જાય છે.” એમ કહીને રાજા ધનાનન્દ પોતાના આસન પરથી ઉઠ્યો અને વેત્રવતીએ દેખાડેલા માર્ગને અનુસરીને ચાલતો થયો. માર્ગમાં જતાં જતાં તેણે વળી ૫ણ કહ્યું કે, “કુમાર સુમાલ્ય જેવાના યૌવરાજ્યાભિષેકના મહોત્સવ પ્રસંગે જ્યારે ભયંકર અપરાધીઓ પણ સુખ મેળવે છે, ત્યારે આ મુરાદેવી મારા વિયોગના દુ:ખમાં ઝૂર્યા કરે, એ જોવાની હવે મારી મનોભાવના નથી. જે થવાનું હતું તે થયું છે, પણ હવે તો તેને સુખ થવું જ જોઈએ.”

રાજાનાં એ બોલવામાં કેટલીક સ્વાભાવિકતા તેમ જ કેટલીક કૃત્રિમતા પણ સમાયલી હતી - ત્યાં જવાનો તેનો મુખ્ય હેતુ તો વિનોદવાર્તા કરીને શોકને ભૂલવાનો જ હતો. થોડો ઘણો પ્રેમ હોય, તો પરમાત્મા જાણે. છતાં પણ રાજાને ત્યાં જવાની ઇચ્છા થઈ, એ પણ એક ઘણી જ મોટી વાત કહેવાય.

પરિચારિકાએ જઈને ઘણાજ હર્ષથી મહારાજાના આગમનના સમાચાર મુરાદેવીને કહી સંભળાવ્યા. તે સાંભળતાં જ એક ક્ષણમાત્ર - એક જ ક્ષણ માત્ર – તેને તેની સત્યતાની પ્રતીતિ થઈ ન શકી – પરંતુ પછી પરિચારિકાના મુખને જોતાં તે સત્ય બોલે છે, એવો મુરાદેવીને નિશ્ચય થયો અને તે જ પળે મહારાજના સત્કાર માટે તે સઘળી તૈયારી કરવાને ઊઠી. તેના શરીરમાં આભૂષણો કાંઈ ઘણા તો હતાં જ નહિ; પરંતુ જે ચાર પાંચ હતાં, તે પણ તેણે કાઢી નાખ્યાં. રેશમી વસ્ત્રો પહેરેલાં હતાં તેમને ઉતારીને તેણે સાદાં શ્વેત વસ્ત્રો પરિધાન કર્યો. ગળામાં માત્ર એક જ મોતીનો હાર રહેવા દીધો. અને સર્વથા અસ્તવ્યસ્ત પણ નહિ અને સર્વથા સુવ્યવસ્થિત પણ નહિ, એવી કેશરચના કરીને તેમાં તેણે એક મદનબાણનું પુષ્પ ખોસી રાખ્યું. ત્યાર પછી આજે દશ પંદર દિવસથી પોતાના મુખમાં જે ક્રોધની છટા દેખાતી હતી અથવા તો કવચિત્ કવચિત્ માત્સર્યનું તેજ દૃષ્ટિ- ગોચર થતું હતું, તે સર્વને દેશવટો આપીને તેણે એક વિરહિણી વનિતા પ્રમાણેની કળાને પોતાની મુખમુદ્રામાં સમાવેશ કર્યો. એ સર્વ પોતાની ઇચ્છા પ્રમાણે થયું કે નહિ, એના નિશ્ચય માટે તેણે એકવાર દર્પણમાં પોતાના મુખનું અવલોકન કર્યું અને મહારાજના આગમનની વાટ જોતી બેઠી. તે બેઠી બેઠી મહારાજના આવ્યા પછી તેની સાથે કેવી રીતે ભાષણ કરવું, કેવી રીતે હસવું અને અમુક પ્રસંગે અમુક ચરિત્રો કેમ કરી બતાવવાં, એ વિશેની યોજનાનો વિચાર કર્યા કરતી હતી. અર્થાત્ બેઠેલી પણ તે ઉદ્યોગહીન નહોતી.

થોડા જ સમયમાં મુરાદેવી પોતાની સર્વ સામગ્રી તૈયાર કરી રહી, એટલામાં તો મહારાજા આવી પણ પહોંચ્યા. તે ત્યાં પહોંચતાં જ વેત્રવતી તેને “અહીં અહીં દેવ ! મુરાદેવી આપની વાટ જોતાં બેઠાં છે.” એમ કહીને ત્યાંથી ચાલી ગઈ. વેત્રવતીએ ત્યાંથી ગમન કરતાં જ મુરાદેવી અત્યંત ઉદ્વેગજનક સ્વરથી રાજાને ઉદ્દેશીને કહેવા લાગી કે, “આર્યપુત્ર, મને સર્વથા અપરાધિની જાણીને આપે આજ સુધીમાં મારો તિરસ્કાર કર્યો તે કર્યો; પરંતુ હવે તો મારાપર કૃપાદૃષ્ટિ રાખો.” એમ કહીને રાજાનાં ચરણોમાં પોતાનું મસ્તક રાખીને તે ચરણોને મુરાદેવીએ પોતાનાં ઉષ્ણ અશ્રુથી ભીંજાવી નાખ્યાં. તેનો કંઠ એ વેળાએ એટલો બધો સદ્દગદિત થએલો હતો અને તે એટલા બધા આર્ત સ્વરથી શોક કરતી હતી કે, રાજાનું મન તેથી તત્કાળ પીગળી ગયું અને તેણે તેને ઉઠાડીને કાંઈ પણ ઉત્તર ન આપતાં એકાએક પોતાના અંકમાં સ્થાન આપ્યું. મુરાદેવીની કરુણાર્દ્ર પરંતુ સુંદર મુદ્રાને જોતાં જ રાજાનું મન પાછું તેનામાં લોભાઈ ગયું. એ વેળાએ ઉપર કહ્યા પ્રમાણે શુભ્ર વસ્ત્રોના પરિધાનથી, અલંકાર રહિત હોવાથી અને શિરોભાગે માત્ર એક જ મદનપુષ્પ ધારણ કરેલું હોવાથી મુરાદેવી ઘણી જ સ્વરૂપસુંદર દેખાતી હતી. નિ:સર્ગમધુર સ્વરૂપ સ્વાભાવિક રીતે જ અતિશય ચિત્તાકર્ષક હોય છે, એમાં શંકા જેવું કશું પણ નથી. મુરાદેવી સ્વરૂપમાં ઘણી જ ઉત્કૃષ્ટ હતી - અર્થાત્ તેને પોતાના સૌન્દર્યનું દર્શન કરાવવા માટે અલંકાર આદિ બાહ્ય ઉપચારોની બિલ્કુલ આવશ્યકતા હતી નહિ. વળી હાલમાં તો તે પ્રૌઢા થએલી હોવાથી એ શુભ્ર વસ્ત્રો, શુભ્ર અને સતેજ મૌક્તિક માળા અને મદન બાણનું સુંદર સુમન તેના શરીરને બહુ જ શોભાવતાં હતાં. એ મદનબાણના પુષ્પથી જ રાજાનું ચિત્ત અત્યંત વિહ્વળ થઈ ગયું, એમ કહેવામાં કાંઈપણ અતિશયોક્તિ થવાની નથી. વિશેષમાં મુરાદેવીએ વળી પોતાનાં નમ્ર વાક્યેાથી, કેટલાક પ્રેમ શબ્દોથી, નેત્ર કટાક્ષોથી અને વિરહ-ઉદ્દગારોથી ધનાનન્દને સર્વથા પરાજિત જ કરી દીધો. આજે પ્રથમ જ પત્ર લખીને એકદમ તે મહારાજને મોકલવાનું સાહસ કર્યું, તેમાં મુરાદેવીને સારી સફળતા પ્રાપ્ત થઈ. પત્ર લખવા પહેલાં મુરાદેવીની એવી ધારણા હતી કે, “આજે પત્ર તો લખું, જો તેનો ઉપયોગ થયો, તો તો ઠીક - નહિ તો બીજીવાર લખીશું – બીજી વાર પણ સિદ્ધિ ન મળી તો ત્રીજી વાર – એવી રીતે પ્રયત્ન ચાલુ રાખીને મહારાજને અંત:પુરમાં તો બેલાવવા જ અને તે આવ્યા અને મારી સાથે બે વાતો કરી - એટલે મારા દાસ થયા જ.” પરંતુ એ ધારણા પ્રથમ પ્રયાસમાં જ ફળીભૂત થઈ, એટલે તેના હૃદયમાં અત્યાનન્દ થાય, એમાં આશ્ચર્ય શું? તથાપિ એ આનન્દનો તેણે પોતાના મુખમાં ભાસ થવા દીધો નહિ, “મારી ભૂર્જપત્રપર લખેલી પત્રિકાને માન આપી મહારાજ અહીં પધાર્યા અને મને ચરણમાં પડેલી જોઈ હસ્તનો આશ્રય આપી ઉઠાડી, એથી હું આર્યપુત્રની ઘણી જ આભારી થએલી છું.” એમ તેણે પોતાના ભાષણથી, હાવભાવથી અને મુખમુદ્રાથી રાજાને પ્રત્યક્ષ દેખાડી આપ્યું. મહારાજ ધનાનન્દના મનમાં એનું ઘણું જ વિલક્ષણ પરિણામ થયું અને પ્રેમપૂર્વક તે કહેવા લાગ્યો કે, “પ્રિયે ! હવે ઘણું થયું – વધારે વિનયની હવે કાંઈપણ આવશ્યકતા નથી. વ્યર્થ શોક ન કર – જે વાત બની ગઈ, તે વિશે હવે વધારે ખેદ કરવામાં કાંઈપણ સાર નથી. તે કાળ જ કોઈ કુકાળ હતો - મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી; પરંતુ આજે તને જેતાં જ મારા મનની વૃત્તિઓ બદલાઈ ગઈ છે. સત્તર વર્ષના કારાગૃહવાસથી તારી આ કેવી વિરહાવસ્થા થઈ ગઈ છે, એ જોતાં તે વેળાએ ખરેખર જ મારી ખોટી સમજૂત થએલી હોવી જોઈએ, એમ જ મને જણાય છે. નહિ તો મારાવિશેનો તારો પ્રેમ આવો અચલ રહેવા પામ્યો ન હોત. હવે ચિન્તા કરીશ નહિ. યદાકદાચિત્ તારા હસ્તે કોઈ અપરાધ થઈ પણ ગયો હશે, તોપણ તારે તેની ભીતિ રાખવાની નથી. તેનું જે કાંઈ પણ પ્રાયશ્ચિત્ત મળવાનું હતું તે તને અને મને ઉભયને યથાયોગ્ય મળી ચૂક્યું છે. પણ હવે તેનું વિસ્મરણ જ કરવું ઉચિત છે. પ્રિય મુરાદેવી, મેં તારો વિનાકારણ જ છળ કર્યો ને ? હા - હું કેવો ક્રૂર, કેવો નીચ, કેવો અધમ અને કેવો પાપી કે નિર્દોષને દૂષિત બતાવવામાં મેં આગળ પાછળનો લેશ માત્ર પણ વિચાર કર્યો નહિ ?” રાજાના નેત્રમાંથી અશ્રુનું વહન થયું.

“આર્યપુત્ર ! મારાથી એમ કેમ બોલાય ? આપના હસ્તે કોઈપણ અન્યાયનું વર્તન કેમ થઈ શકે ? મારો તો નિશ્ચય છે કે, આપનાથી અન્યાય કોઈ કાળે પણ થવાનો નથી. પરંતુ મારાં જ દુર્ભાગ્ય કે, આપને સત્ય સ્થિતિનું જ્ઞાન થઈ ન શક્યું. પણ એમાં મારો કિંવા તમારો શો ઉપાય ચાલી શકે એમ હતું વારુ ? આપના શિરે હું લેશ માત્ર પણ દોષારોપણ કરતી નથી. એ દોષ મારા દુર્દૈવને જ આપું છું. છતાં પણ આપ સમક્ષ એટલી પ્રાર્થના કરું છું કે, મને આપવામાં આવેલા લોકાપવાદ અને કારાગૃહવાસને હું બિલકુલ પાત્ર નહોતી. હું નિર્દોષ હતી. હું ખરેખર કિરાતરાજાની કન્યા - એકની એક પુત્રી – કે જેનું ક્ષાત્ર ધર્માનુસાર ગાંધર્વ વિધિથી આપે પાણિગ્રહણ કર્યું હતું, તે આજે પુનઃ સદ્ભાગ્ય યોગે આપનાં દર્શન કરીને પોતાના નેત્રોને ધન્ય માને છે. હવે ભવિષ્યમાં મારા ઉપર કૃપાદૃષ્ટિ રાખવાનું વચન આપો.” મુરાદેવીએ પોતાના કપટજાળને વિસ્તારવાને યત્ન આદર્યો.

એ સંભાષણ સમયે મુરાદેવીની શરીર ચેષ્ટાઓ એટલી બધી નૈસર્ગિક અને મનોમોહક હતી, તેનું વર્તન એટલું બધું ચિત્તાકર્ષક હતું અને દૃષ્ટિપાત તથા ભ્રકુટીવિલાસ એવી રીતે ચાલેલા હતા, કે કોઈ ચતુર પારધીની જાળમાં જેવી રીતે કૃષ્ણમૃગ સપડાઈ જાય છે અને પ્રત્યેક પગલે તે વધારે ને વધારે જાળમાં ગુંચવાતું જાય છે, તોપણ પારધીના વેણુના નાદથી મોહાઈને સ્તબ્ધતાથી ઊભું રહે છે અને તેના બાણથી વીંધાઈને મરી જાય છે અથવા તો જીવતું જ જાળમાં ફસાઈ જાય છે; તેવી જ ધનાનન્દની અવસ્થા થએલી હતી. મુરાદેવીના મધુર અને મનોમોહક સ્વરથી મોહ પામીને અને તેનાં નેત્રકટાક્ષોથી વીંધાઈને રાજા તેના વાક્‌જાલમાં પૂર્ણપણે સપડાઈ ગયો. સત્તર વર્ષ પહેલાં જે વેળાએ ધનાનન્દનો સેનાપતિ કિરાતરાજાને જિતી તેની પુત્રીનું હરણ કરી આવ્યો હતો, તે વેળા કરતાં પણ મુરાદેવી આજે પોતાની પ્રૌઢ અવસ્થામાં વિશેષ રમણીય દેખાતી હતી. એટલે રાજા પુનઃ તેને આશ્વાસન આપતો કહેવા લાગ્યો કે:-

“પ્રિય મુરે! તારે એની હવે જરા જેટલી પણ શંકા રાખવી નહિ. આજની રાત્રિ હું તારા મંદિરમાં જ વીતાડીશ અને આજે ભોજન પણ આપણે સાથે જ કરીશું. મારી વિનતિ માત્ર એટલી જ છે કે, વીતેલી વાર્તાનું તારે સ્મરણ કરવું નહિ. મને તારે દૂષિત ન ગણવો અને હું તને દૂષિત નહિ ગણું. મેં સુમાલ્યનો રાજ્યાભિષેક કરેલો છે; માટે હવે હું તેને અમાત્ય રાક્ષસ અને સેનાપતિ ભાગુરાયણની સલ્લાહથી થોડા દિવસ રાજ્ય કાર્યભાર ચલાવવાની આજ્ઞા કરીશ અને મારા અવકાશના તે દિવસો તારા જ સહવાસમાં વ્યતીત કરીશ, પછી તો બસ ને ?” એમ કહીને મુરાદેવીને તેણે છાતીએ લગાડી અને તેનાં નેત્રાશ્રુઓને લૂછી તેના મનનું સમાધાન કર્યું. પુનઃ તે અર્ધ મુરાદેવીને અને અર્ધ પોતાના મનને ઉદ્દેશીને કહેવા લાગ્યો; “આજનો આ કેવો ચમત્કારિક યોગ? જે વેળાએ હું મારાપર કાંઈપણ અરિષ્ટ આવવાના ભયંકર વિચારમાં ઘેરાયલો હતો, તે જ વેળાએ તેવું કાંઈપણ થવાને બદલે જેનો મેં આજ સુધી વિનાકારણ તિરસ્કાર કર્યો હતો, તે મંજુભાષિણી પ્રિયાને મળવાનો મને લાભ થયો. મારી ચિંતાના તો ચૂરેચૂરા થઈ ગયા - એવા વિલક્ષણ અને ભયંકર વિચારોથી વારંવાર મનુષ્ય બિચારા કેવા ગભરાઈ જતા હશે ! અને અંતે તે શોકપૂર્ણ વિચારોનું આનંદમાં પર્યવસાન થતાં તેમને મારા જેવો આનંદ પણ થતો હશે. પરંતુ આજના જેવો શોક અને હર્ષ જો બધાને થતો હોય, તો તો ઈશ્વરની તે કૃપા જ સમજવી જોઈએ.”

મુરાદેવીએ ચમત્કારિક રીતે હાસ્ય કર્યું અને મુખને બીજી દિશામાં ફેરવીને કોપથી કપાળમાં વળ નાંખ્યા, અર્થાત્ તેનો મનોનિર્ધાર જૂદો જ હતો.