૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/પ્રસ્તાવ

← અપરાધી કોણ ? ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન
પ્રસ્તાવ
નારાયણ વિશનજી ઠક્કુર
૧૯૧૨
ઈન્દ્રજાળ વિદ્યા →


પ્રકરણ ૧૯ મું.
પ્રસ્તાવ.

સેનાપતિ ભાગુરાયણ અને ચાણક્યનું પરસ્પર શું ભાષણ થયું અને પાસેથી સેનાપતિને શી નવીન માહિતી મળી, તે કાંઈ આપણાથી અત્યારે કહી શકાય તેમ નથી; પરંતુ સંગમના સામા તીરે જઈને ગુપ્ત ભાષણ કીધા પછી ભાગુરાયણની વૃત્તિ એકાએક ચમત્કારિક થઈ ગઈ અને તેના મનમાં ચાણક્ય વિશેના આદરનો પહેલાંનાં કરતાં દશ ગણો વધારે થયો. ચાણક્યે એકવાર વાત કરતાં કરતાં સહજ સ્વભાવે ભાગુરાયણને કહ્યું હતું કે, “રાક્ષસ પોતે ખરેખરે સ્વામિનિષ્ઠ છે, એમાં તો જરા પણ શંકા નથી; પરંતુ તે સત્યનિષ્ઠ છે કિંવા નહિ, એની શંકા છે.” ચાણક્યના એ વાક્યોનું હાલમાં તેને વારંવાર સ્મરણ થતું હોય, એમ દેખાતું હતું. કારણ કે, તે અનેકવાર ચાણક્ય સમક્ષ એવા ઉદ્ગારો કાઢી ચૂક્યો હતો કે, “આ૫નું કહેવું મને અક્ષરેઅક્ષર સત્ય ભાસે છે. અમાત્ય રાક્ષસ સ્વામિનિષ્ઠ છે ખરા, પણ તે સત્યનિષ્ઠ તો નથી જ. અને જે સત્યનિષ્ઠ નથી, તે સ્વામિનિષ્ઠ પણ નથી, એમ જ માની શકાય અર્થાત્ જો સત્યના સમર્થન અને સંરક્ષણ માટે આપણે એનાથી કપટ વર્તન કરીએ, તો તેમાં અનાચાર અને પાપ જેવું કાંઈ પણ નથી.”

ભાગુરાયણ જ્યારે જયારે એ વાક્યો ઉચ્ચારતો હતો, ત્યારે ત્યારે ચાણક્યના હૃદયમાં એક પ્રકારનો અવર્ણનીય આનંદનો ભાવ થતો હતો. ભાગુરાયણ આપણા હાથમાં આવ્યો, એ કાંઈ જેવો તેવો આધાર મળ્યો નથી ! જે પાયાપર સઘળી ઇમારત ચણવાની છે, તે પાયો જ સ્વાભાવિક રીતે મજબૂત થઈ ગયો છે, તો હવે બીજું શું જોઇએ?” એવી તેના મનમાં ભાવનાઓ થતી હતી, પણ હવે પછીના કાર્યનો પ્રસ્તાવ જેટલો ઊતાવળે થવો જોઇએ, તેટલો ભાગુરાયણ ઉદ્યોગમાં લાગતો નથી, એમ જોઇને તેને જરાક ખેદ પણ થતો હતો. રાજનીતિનું એવું તત્ત્વ છે કે, જે કાર્ય ધીટતાથી અને કુઠારપ્રહારથી કરવાનું હોય, તે કાર્યમાં વધારે દિવસોનો વિલંબ હાનિકારક થઈ પડે છે. આપણાં કારસ્થાન કેટલાક દિવસ ગુપ્ત રહેશે અને તેમનો ક્યારે પ્રકાશ થઈ જશે, એનો નિયમ હોતો નથી - માટે જ્યાં સુધી તેમનો સ્ફોટ થયો ન હોય, ત્યાં સુધીમાં તે કાર્યની સફળતાનો વિશેષ સંભવ હોય છે. ગુપ્ત ભેદનો પ્રકાશ થતાં શત્રુ એકવાર સાવધ થયો - એટલે પછી સિદ્ધિનો સંભવ જ શો રહ્યો? અર્થાત એથી સિદ્ધિ મેળવવા માટેની અર્ધી આશાનો લોપ થઈ જાય છે. એ સર્વ વિચારો ચાણક્યે ભાગુરાયણને સ્પષ્ટ કહી પણ સંભળાવ્યા; પરંતુ કપટરચનાથી પરશત્રુને પોતાના રાજ્યમાં બોલાવવા સંબંધીની ભાગુરાયણના મનમાં અદ્યાપિ મોટી શંકા હતી. “પરશત્રુની શક્તિનો લાભ લીધા પછી તેને અહીં પગ પેસારો ન થવા દેવાના આપણા પ્રયત્નો કદાચિત વ્યર્થ જાય, તો પછી લાભ શો રહ્યો? બધાં કારસ્થાનો બીજી જ દિશામાં જવાનાં. ઉપરાંત ચંદ્રગુપ્તને રાજ્ય મળતું હોય, તો ધનાનન્દને દૂર કરવા માટે હું તૈયાર છું - એમ જો કે મેં ચાણક્યને કહેલું છે - તો પણ મારા જ હાથે એ કાર્ય બને તે સારું નહિ.” એવી રીતે પોતે ભૂંડા પણ ન થવું અને યથેચ્છ કાર્ય પણ કરવું, એવા બે પરસ્પર વિરુદ્ધ વિચારોમાં અથડાતો હોવાથી ભાગુરાયણ એક ઘાને બે કટકા જેવું વર્તન કરી શકતો નહોતો. પણ ચાણક્યને એ સારું લાગતું નહોતું, પરંતુ જે મનુષ્ય એક કાર્ય કરવાને તત્પર થયો હોય, તેને વધારે સંતાપવાથી કંટાળીને કદાચિત તે એ કાર્ય કરવાથી ફરી બેસવાનો સંભવ હોય છે. એટલા માટે તેને પોતાની ઇચ્છા પ્રમાણે જ વર્તવા દેવો, એવી ધારણાથી ચાણક્ય પોતાનો કાળ વીતાડતો હતો અને સાથે સાથે પોતાનાં કારસ્થાનો પણ ચલાવતો જતો હતો. ધનાનન્દને રાજ્યાસનપરથી દૂર કરવાનું તો ઠીક, પણ જેના મનમાં તેના અને તેના સર્વ પુત્રોના નાશની ઉત્કટ ઇચ્છા અને સર્વ નંદોનો ઉચ્છેદ કરીને ચન્દ્રગુપ્તને મગધદેશના સિંહાસને બેસાડવાની પ્રબળ પ્રતિજ્ઞા થએલી હતી, તે ચાણક્યને કોઈ પણ ઉપાય કે કોઈ પણ કૃત્ય અયોગ્ય છે, એમ દેખાતું જ નહોતું. યોગ્ય સંધિ અને યોગ્ય સાધન એ ઉભયનો મેળાપ થયો કે, કાર્ય સિદ્ધ થયું જ, એવો ચાણક્યનો અભિપ્રાય હતો. ભાગુરાયણ ગમે તેટલો વિરુદ્ધ થાય, તો પણ આજ સુધી જેને તે પોતાનો રાજા અને પોતાને સ્વામી માનતો આવ્યો હતો, તે ધનાનન્દને એકાએક પદભ્રષ્ટ કરીને ચન્દ્રગુપ્તને સિંહાસનારૂઢ કરવામાટે તેના મનમાં અનેક પ્રકારના વિચારો આવે તે તો સ્વાભાવિક જ હતું - એમાં તેનો દોષ માની શકાય નહિ.

એક દિવસે તો તેના મનમાં એક નવીન જ વિચાર આવ્યો અને તે વિચાર ચાણક્યને ગમશે જ, એવો તેને નિશ્ચય થવાથી ચાણક્ય પાસે આવીને તે તેને કહેવા લાગ્યો કે, “મુને ચાણક્ય ! મને આજે એક વિચાર સૂઝ્યો છે - જો આપને તે પસંદ આવશે તો આપનું ઇષ્ટ કાર્ય એક પળમાં જ થએલું સમજી લેવું અને મારો તો પૂરેપૂરો નિશ્ચય છે કે, આપ એ વિચારને સર્વથા માન્ય કરશો જ. કારણ કે, મારી ધારણા પ્રમાણે તે એ વિચારને અનુસરીને વર્તવાથી સર્વ કાર્ય સિદ્ધ થવાનો સંભવ છે.”

“સેનાધ્યક્ષ !” ચાણક્ય સ્મિત કરીને બોલ્યો. “તારા મનમાં આવનારા વિચારો કાંઈક વિચિત્ર જ હશે, એ હું ક્યાં નથી જાણતો? શો નવો વિચાર થયો છે, તે સત્વર કહી સંભળાવ - હું તે જાણવાને ઘણો જ ઉત્સુક થએલો છું.”

“નવો વિચાર એટલો જ કે, આપે જે ગુપ્ત ભેદ મને કહી સંભળાવ્યો છે, તે વાત મહારાજને કાને નાંખવી. મહારાજને આજ કાલ મુરાદેવીમાં ઘણો જ પ્રેમ છે, એ તો સર્વ કોઈ જાણે છે. તેથી ચન્દ્રગુપ્તની એ પૂર્વપીઠિકાને જાણતાં જ તેમને અતિશય આનંદ થશે અને સુમાલ્યને દૂર કરીને ચન્દ્રગુપ્તને નવીનતાથી યૌવરાજ્યાભિષેક કરશે. એમ થતું હોય, તો પરકીય લોકોને આપણા કાર્યમાં વચ્ચે નાખવાની અગત્ય ન પડે અને ભવિષ્યમાં તેમનાથી આપણને જે ભય દેખાય છે, તે પણ ટળી જાય” ભાગુરાયણે પોતાના અમૂલ્ય અને અપૂર્વ વિચારોનું દર્શન કરાવ્યું.

ભાગુરાયણ જેમ જેમ બોલતો ગયો, તેમ તેમ ચાણક્યના કપાળમાં ખાડા પડતા ગયા અને ભ્રકુટી સંકોચાવા લાગી અને નેત્રોને ઝીણાં કરી તે એક બીજી જ દિશામાં જોવા લાગ્યો. પરંતુ એ સર્વ એટલા તો અલ્પ અવકાશમાં બની ગયું કે પોતાના કહેવાના પ્રવાહમાં તણાતા અને પોતાના વિચારને અદ્વિતીય જાણીને ફૂલાઈ ગએલા ભાગુરાયણને તેની જરાપણ ખબર પડી નહિ. ચાણક્ય પણ તેનું ભાષણ પૂરું થાય, તે પહેલાં જ હસતું મોઢું કરીને અને આનંદદર્શક ભાવ બતાવીને બોલ્યો કે, “વાહ – સેનાધ્યક્ષ ! વાહ - તું પણ મહા નીતિવિશારદ દેખાય છે ને શું? રાક્ષસના સ્થાને તારી યોજના થવી જોઇતી હતી, એમ જે વારંવાર મારા મનમાં આવ્યા કરે છે, તે કાંઈ અમથું નથી આવતું, તારો વિચાર જોકે ઘણો જ સારો છે, પણ તેને પાર પાડવામાં ઘણી જ સાવચેતી રાખવાની અગત્ય છે; એ તને કહેવું પડે તેમ તો નથી જ. જો એમાં સાવધતા ન રહી, તો પરિણામ કાંઈ બીજું જ આવવાનું, પણ સેનાનાયક ! રાક્ષસ આપણા આ કાર્યમાં કાંઈ પણ વિઘ્ન નહિ લાવે, એમ તને ભાસે છે ખરું કે ? સુમાલ્યમાં રાક્ષસને ઘણો જ સારો ભાવ છે, તેને પદભ્રષ્ટ કરીને રાજા, ચંદ્રગુપ્તને - રાક્ષસના અભિપ્રાય પ્રમાણે વૃષલને-સિંહાસને બેસાડે, તો રાક્ષસ શાંતિ અને સંતોષથી તેની સેવા કરશે કે શું? એમ થવું જો શક્ય હોત, તો પ્રથમથી જ તેણે ચન્દ્રગુપ્તને મારી નાંખવાનો પ્રયત્ન શામાટે કર્યો હોત વારુ? રાક્ષસને ચન્દ્રગુપ્તના પક્ષમાં ન રહેવાનું બીજું પણ એક કારણ છે. તે એ કે, ચન્દ્રગુપ્ત સુમાલ્ય જેવો નિર્માલ્ય અને મૂર્ખ નથી. તે પોતાના વિચાર પ્રમાણે કાર્યભાર ચલાવે એવો છે અને રાજાને તેનામાં પ્રેમ હોવાથી રાજા તેનો જ પક્ષ કરીને મારી અવહેલના કરશે, એવી ભીતિ રાક્ષસના મનમાં થવી જ જોઇએ. રાક્ષસ જો કે સ્વામિનિષ્ઠ છે ખરો, પણ જ્યારે પોતાનું કાંઈ પણ ચાલતું નથી, એમ તેના જોવામાં આવશે, તે વેળાએ તેની સ્વામિનિષ્ઠા છે તે સ્થાને રહેશે કે નહિ, એ અત્યારે કહી શકાય તેમ નથી. આપણે જે મુખ્યત: કાર્ય સાધવાનું છે તે એ છે, રાક્ષસનો પ્રભાવ એાછો થાય અને તેનાપરની મહારાજાની અને બની શકે તો પ્રજાની પણ પ્રીતિ ઘટી જાય એવો પ્રયત્ન કરવો - અને જ્યાં સુધી એ પ્રયત્ન સિદ્ધ ન થાય, ત્યાં સુધી આપણા બીજા બધા પ્રયત્નો વ્યર્થ છે. અંતે તો રાક્ષસને પણ આપણે આપણા પક્ષમાં લાવીશું તો ખરા જ, પણ સેનાપતિ ભાગુરાયણ પણ મારા જેવા જ નીતિશાસ્ત્રનાં તત્ત્વોને જાણનારો છે, એવો રાક્ષસનો નિશ્ચય થશે નહિ, ત્યાં સુધી તે કોઈ કાળે પણ આપણા વશમાં આવનાર નથી. આપણા નીતિચાતુર્યનો પણ તેને નમૂનો તો જોવા દે.”

ચાણક્યનું એ ભાષણ સાંભળીને ભાગુરાયણ ભ્રમિષ્ટ જેવો બની ગયો. “રાક્ષસ આપણા પ્રયત્નમાં અવશ્ય આડે આવવાનો જ. અમે આ કારસ્થાનો કરીએ છીએ, એની તેને જાણ થતાં જ તે છાનોમાનો કોઈકાળે પણ બેસશે નહિ, માટે તે સ્વસ્થ અને શાંત છે ત્યાં સુધીમાં આપણા યત્નને સફળ કરીને તેને આશ્ચર્યચકિત કરવો જોઇએ. તેની આંખો હજી સુધી ઉધડી નથી, એટલામાં તેના આંધળાપણાનો લાભ લઈ લેવો જોઇએ. એવા અર્થનો ચાણક્યે ભાગુરાયણને અનેક વેળા ઉપદેશ આપ્યો હતો અને એનું તેના મનમાં પરિણામ પણ સારું થયું હતું; એમ કરવાથી કાંઈ પણ રાજદ્રોહ જેવું તો નહિ થાય, એવા તે વારંવાર વિચાર કર્યા કરતો હતો અને તેને અનુસરતો જ તેનો આજનો વિચાર હતો. પોતાનું બેાલવું સાંભળીને ભાગુરાયણ સ્વસ્થ અને ચિન્તાતુર થઈ ગયો છે, એમ જોઇને ચાણક્યે બીજી પણ કેટલીક વાતો તેને કહી અને તેના મનનો નિશ્ચય કરાવી દીધો કે, લોકોના અને મહારાજાના મનમાં રાક્ષસવિશે અપ્રીતિ અથવા તેમ ન થાય તો નિદાન સંશય ઉત્પન્ન કીધાવિના આપણું કોઈ પણ કાર્ય નિર્વિઘ્ને પાર પડી શકવાનું નથી. એકવાર આપણું કાર્ય સફળ થયું, એટલે પછી રાક્ષસને આપણા પક્ષમાં ખેંચી લેતાં વાર લાગવાની નથી. ચાણક્યમાં બોલવાની ચતુરતા એવી હતી કે, એ વિચારો ચાણક્ય નથી સૂચવતા; કિન્તુ મનમાંથી જ ઉત્પન્ન થાય છે, એવો ભાગુરાયણને ભાસ થતો હતો અને તે દિવસના ચાણક્યના ભાષણથી ભાગુરાયણને એવો દૃઢ નિશ્ચય થઈ ગયો કે, “આપણા કાર્યની સિદ્ધિ માટે રાક્ષસને ગોથું ખવરાવવું અને રાજાના તથા પ્રજાના મનમાં તેને વિષે સંશય ઉપજાવવો, એ ઘણું જ અગત્યનું છે.” ચાણક્યનો નિશ્ચય એવો થયો કે, “હવે ભાગુરાયણના હાથે કોઈ પણ કાર્ય સત્વર કરાવી લીધા વિના બેસી રહેવું એમાં લાભ નથી. એને સ્વસ્થ બેસી રહેવા દીધો, કે કાલે વળી બીજો કોઈ વિચાર એના મનમાં આવતાં એનું ચિત્ત ડૂલી જશે. માટે જો એકવાર કોઈ કાર્યનો એના હાથે પ્રસ્તાવ થયો કે, પછી એનાથી ફરી શકાશે નહિ. અર્થાત્ હવે એના હાથે સત્વર જ કાર્યનો આરંભ કરાવી દેવો જોઇએ.” એવા નિશ્ચયથી તેણે ભાગુરાયણને કહ્યું કે:-

“જો દિવસ જાય છે તો માત્ર એકજ જાય છે; પરંતુ એક એક કરતાં કેટલા દિવસો નકામા ગયા, એનો વિચાર કરવામાં આવતો હોય તો ઝટ આપણાં નેત્રો ઉઘડી જાય એમ છે. વિલંબ કરવાથી આપણા હસ્તમાં આવેલો સંધિ પણ નીકળી જવાનો સંભવ રહે છે. આવા પ્રસંગે તારા જેવા એક બુદ્ધિમાન પુરુષના મસ્તિષ્કમાં વિચારો તો પળે ને પળે આવવાના જ અને વિચારોમાં વળી બીજી પણ નાના પ્રકારની ધારણાઓ થવાની; પરંતુ કાર્યકર્તા પુરુષે પોતાના વિચારોની અમુક મર્યાદા કરીને કાર્યનું મંગળાચરણ કરવું જ જોઇએ. જો તારી અનુમતિ હોય, તો કાર્યના આરંભનું હું આજે જ મુહૂર્ત કરી શકું એમ છે. અમાત્ય રાક્ષસનો વિશ્વાસુમાં પણ વિશ્વાસુ સેવક – ગુપ્તદૂતોનો અધિકારી જે હિરણ્યગુપ્ત, તેને પણ મેં ફોડેલો છે.............." “શું–હિરણ્યગુપ્ત ફૂટ્યો?” ભાગુરાયણે ઘણા જ આશ્ચર્યથી વચમાં જ પ્રશ્ન કર્યો.” હિરણ્યગુપ્ત આપણા પક્ષમાં આવ્યો, એ તો એક અદ્ભુત વિલક્ષણ ઘટના બની, એમ જ કહી શકાય. એ તો અમાત્યનો બધા કરતાં વધારે વિશ્વાસુ દૂત છે, શું તે ફૂટ્યો ? તેને આપે ફોડ્યો? હું માની શકતો નથી. શું આપ એ ખરું કહો છો વારુ?”

“સેનાધ્યક્ષ ! એવા હલકા માણસને ફાડવામાં જેવાં હથિઆરોની જરુર હોય, તેવાં હથિયારોની યોજના કરી કે તેઓ તે જ પળે આપણા થઈ જાય છે. મુરાદેવીના મંદિરમાંની છૂપી બાતમીઓ મેળવવા માટે અમાત્યે સુમતિકાને ફોડવાનો યત્ન કર્યો, પરંતુ પોતે અમાત્યના પક્ષમાં જવાને બદલે સુમતિકાએ સામે હિરણ્યગુપ્તને જ પોતાનો કરી લીધો. તે હવે સુમતિકાને અને સુમતિકાને લીધે મારો એવો તો ભક્ત બની ગયો છે કે, તેની ભક્તિનું મારાથી વર્ણન પણ થઈ શકે તેમ નથી ! હું જે કહું તે સુમતિકા તેની માર્ફતે તત્કાળ કરાવી શકશે. કનક અને કાન્તાના લોભથી મનુષ્ય કેવાં કેવાં કાર્યો કરવાને ઉદ્યુક્ત થાય છે, એની કલ્પના કરી શકાય તેમ નથી. હિરણ્યગુપ્તને સુમતિકાએ પોતામાં એટલો બધો લુબ્ધ કરી રાખ્યો છે કે, તે તેની પાછળ એક કૂતરા પ્રમાણે ભટક્યા કરે છે! રાક્ષસનાં સર્વ પુત્રો એ જ લખે છે અને રાક્ષસની મુદ્રા પણ તેના જ સ્વાધીનમાં રહે છે. પર્વતેશ્વરના સરનામાંનું - જાણે કે રાક્ષસ તેને લખતો હોય તેવું - ૫ત્ર હું તેની માફતે લખાવીશ અને તે પત્રમાં રાક્ષસની મુદ્રા તે છાપી દેશે. એ કાર્ય મારા શિરે આવ્યું. વળી એ પત્ર ગુપ્ત રીતે પર્વતેશ્વરના હાથમાં પહોંચાડી દેવાની વ્યવસ્થા પણ હું કરી લઇશ. માત્ર અવકાશ તારી અનુમતિનો જ છે. સેનાધ્યક્ષ ! જ્યાં સૂધી હિરણ્યગુપ્ત જેવા દૂતો આપણા હાથમાં છે, ત્યાં સુધી જ એમ થવું શક્ય છે; પરંતુ તેઓ સદા સર્વદા એવી જ રીતે અનુકૂલ રહેશે કે નહિ, એની શંકા જ છે. માટે જે કાંઈ પણ કરવાનું હોય, તે ઉતાવળે કરી નાંખવું એ જ વધારે સારું છે. સુમતિકાની સહાયતાથી મેં જે એક બીજા વ્યૂહની રચના કરી છે, તેથી તો રાક્ષસ સર્વથા અંધ જ બની ગયો છે. તેને મહારાજના પ્રાણ પર આવનારા કાલ્પનિક સંકટ વિના અને તેના નિવારણનો શો ઉપાય કરવો, એના વિચાર વિના બીજું કાંઈ પણ સૂઝતું નથી. આપણા આ કારસ્થાનની તેને જો જરા જેટલી પણ ખબર પડશે, તો આપણા બધા પ્રયત્નો માટીમાં જ મળી જવાના. એટલા માટે એની આંખો જ્યાં સૂધી બંધ છે, ત્યાં સુધી જ આપણો દાવ ફાવશે. હિરણ્યગુપ્ત આજ સુધી તો આપણને એટલો બધો અનુકૂલ છે કે, આપણે કહીશું તેવું પત્ર લખીને તેના પર તે રાક્ષસની મુદ્રાનું ચિન્હ કરી આપશે. એ મુદ્રાવાળી પત્રિકા પર્વતેશ્વરના હાથમાં જતાં જ તે હર્ષથી આનંદ તાંડવ કરવા મંડી જશે ! બોલ – આજે આ બધી વ્યવસ્થા કરું કે? જો તારી અનુમતિ હોય અને તારામાં જો સત્ય પક્ષનું અભિમાન જાગૃત હોય, તો હું આજે કાર્યનો આરંભ કરું. નહિ તો હું નિઃસ્પૃહી બ્રાહ્મણ છું - મારા આશ્રમમાં શાંત થઇને બેસી રહીશ અને એકાંતમાં તે સર્વ વિઘ્નહારક કૈલાસનાથ શંકરનું ધ્યાન ધર્યા કરીશ ! મારે મને ભાવ માત્ર એટલો જ છે કે, પોતાની નીતિશાસ્ત્રજ્ઞતાના ઘમંડમાં મરી રહેલા અમાત્ય રાક્ષસને થાપ આપી, પોતાની સ્વામિનિષ્ઠા, સત્યનિષ્ઠા અને સત્યના પક્ષપાતનું લોકોને દર્શન કરાવવાનો આ પ્રસંગ તારે પોતાના હસ્તમાંથી વ્યર્થ જવા દેવો ન જોઇએ.”ચાણક્યે ભાગુરાયણનો ઉત્સાહ વધારવાનો પ્રયત્ન કર્યો.

“આર્ય ચાણક્ય ! શું આપનો મનોભાવ છે અને મારો નથી? હું આપનો શિષ્ય છું, માટે આજથી આપ જેવી આજ્ઞા કરશો, તે પ્રમાણે કરવાને હું તૈયાર છું, એમ હું અનેકવાર આપને કહી ચૂક્યો છું અને વળી આજે પણ પાછો કહું છું. મારા મનમાં વારંવાર જે નાના પ્રકારના વિચાર આવ્યા કરે છે, તે આપને કહી દેવાથી મનમાં એક પ્રકારનું સમાધાન થાય છે. તેથી જ મેં મારો આજનો વિચાર પણ આપને કહી સંભળાવ્યો; પરંતુ આ૫ કહો છો, તે પ્રમાણે એ ધારણા પાર પાડવા જતાં અનેક અડચણો આવી પડવાની ભીતિ છે ખરી. હવે એ વિચારને આપણે છોડી જ દઇએ. હું હવે આપના વિચારથી રંચ માત્ર પણ વિરુદ્ધ થવાનો નથી.” ભાગુરાયણે કહ્યું.

ભાગુરાયણ એ બધું આતુરતાથી અને મન:પૂર્વક બોલ્યો હતો. એ ભાષણ સાંભળીને આર્ય ચાણક્યને ઘણો જ સંતોષ થયો અને તેણે નિશ્ચય કર્યો કે, ભાગુરાયણની એ અનુમતિનો અત્યારે જ લાભ લઇ લેવો જોઇએ. એકવાર જાળમાં જો એનો પગ ફસાયો, તો પાછો એ નીકળી શકનાર નથી. એવા નિશ્ચયથી તે જ દિવસે તેણે હિરણ્યગુપ્તને બોલાવીને ભાગુરાયણના દેખતાં જ જાણે રાક્ષસ પર્વતેશ્વરને લખતો હોય, તેવું પર્વતેશ્વરના નામનું એક પત્ર લખાવ્યું, અને તે પોતાના એક ઘણા જ વિશ્વાસુ મિત્રદ્વારા- સિદ્ધાર્થકદ્વારા-પર્વતેશ્વરને પહોંચાડવા માટે રવાનું કરી દીધું.

એ પત્ર મોકલ્યા પછી હવે શું પરિણામ આવે છે, પર્વતેશ્વર રાક્ષસને શું ઉત્તર મોકલે છે અને સરવાળે શો સાર નીકળે છે, એમાં જ ચાણક્ય અને ભાગુરાયણનું સર્વ લક્ષ લાગી રહ્યું. પત્રમાં એમ સ્પષ્ટ લખવામાં આવ્યું હતું કે, “જો આ પત્રનું ઉત્તર મોકલવાની ઇચ્છા હોય તો તે આ પત્ર લાવનાર સાથે જ મોકલવું, પોતાના કોઈ દૂતદ્વારા મોકલવું નહિ. કારણ કે, આપના દૂતો મારે ત્યાં આવે અને મારામાટે લોકોના મનમાં શંકા ઉદ્દભવે, એ સારું નહિ. આવાં રાજકારસ્થાનો કેટલાં બધાં નાજુક હોય છે, એ તો આપ જાણો જ છો. હું આ પત્ર એક શ્રમણ દ્વારા મોકલું છું - એનું કારણ એ જ કે, એ બૌધભિક્ષુઓ જ્યાં ગમે ત્યાં જાય આવે છે, એમને કોઈપણ રાજકારસ્થાન સાથે સંબંધ હશે અથવા તે એ દૂતપણું પણ કરતા હશે, એવી કોઇના મનમાં શંકા પણ આવવાની નથી. આ સિદ્ધાર્થક વિના બીજા કોઇદ્વારા પત્ર આવશે, તો તે ઉપયોગી થશે નહિ. સિદ્ધાર્થક અમારો ઘણો જ વિશ્વાસુ મિત્ર છે - માટે એના વિશે આપે બિલ્કુલ સંશય કરવો નહિ....”

મેાકલેલા દૂતવિશે અને તે દ્વારા પત્રનું ઉત્તર ઇત્યાદિ મેાકલવા વિશે પ્રથમ સ્પષ્ટતાથી લખીને ત્યારપછી બીજું જે કાંઈ લખવાનું હતું, તે લખેલું હતું. એટલે હવે ભાગુરાયણ દરરોજ ચાણક્ય પાસે આવીને “આપણી પત્રિકા પહોંચી હશે કે ? પહોંચી હોય, તો પર્વતેશ્વરનો એ વિશે શો અભિપ્રાય થયો હશે? અને એ સર્વ બીના સત્ય જાણતાં એ આપણી ઇચ્છા પ્રમાણે યુદ્ધ કરવાને આવશે કે નહિ ? અને આપણી ધારણા પ્રમાણે કદાચિત્ આવ્યો, તો આપણાથી રાક્ષસના નામની જ્યાં ત્યાં અફવા ઉડાડી શકાશે કે નહિ?” ઇત્યાદિ અનેક પ્રશ્નો તે ચાણક્યને પૂછ્યા કરતો હતો. સમુદ્રમાં નૌકાને ધકેલી તો ખરી, માટે હવે તેને તીરે પહોંચાડવી જ જોઇએ અને તેમાં પોતે ન ડૂબતાં પાર ઊતરી જવું જોઇએ, એવું ભાગુરાયણના મનમાં સાહજિક અભિમાન ઉત્પન્ન થયું. ભાગુરાયણ એકદૃષ્ટિથી ચાણક્યનો અંકિત થયો.

પરંતુ ચાણક્યને માત્ર એ એક જ હેતુ સાધવાનો નહોતો. મુરાદેવીદ્વારા મુરાએ નન્દ રાજાને મારવાની લીધેલી પ્રતિજ્ઞા પૂર્ણ કરાવવાનો પણ તેને અંતસ્થ હેતુ હતો, તેમ જ રાક્ષસને પણ સદૈવ કોઈને કોઈ ચિંતામાં નિમગ્ન રાખવાનો પણ તેનો મનોભાવ હતો. પોતાને કોઇ જાળમાં ફસાવે છે, એવો જો રાક્ષસને સંશય માત્ર પણ આવશે, તો આપણી આ ઊભી કરેલી ઇમારત એકદમ ટૂટી પડશે; એટલા માટે તેના મનને બની શકે ત્યાંસુધી વિચારમગ્ન અને વિશ્વસ્ત રાખવાની ઘણી જ આવશ્યકતા હતી. મુરાદેવીની પ્રતિજ્ઞા વિશે ચાણક્ય અદ્યાપિ ભાગુરાયણને કાંઈ પણ કહ્યું નહોતું, તેમ જ પોતે કોણ અને શા માટે અહીં આવ્યો છે, તે પણ તેને જણાવ્યું નહોતું. ચન્દ્રગુપ્ત વસ્તુતઃ કોણ છે અને તેને તે શા હેતુથી પાટલિપુત્રમાં લઇ આવ્યો છે, એનાથી વધારે બીજું કાંઈ પણ તેણે ભાગુરાયણને કહેલું નહોતું અને એ વૃત્તાંત કહ્યાવિના ભાગુરાયણ વશ થઇ શકે તેમ નહોતું. મગધરાજાના સેનાપતિને કે અમાત્યને પોતાના પક્ષમાં લાવ્યા વિના ધારેલું કાર્ય પાર પડી શકે તેમ નથી, એ તે સારી રીતે જાણતો હતો. અમાત્ય તે પોતે અપૂર્વ સ્વામિનિષ્ઠ હોવાથી નન્દના નાશ માટે કોઇ કાળે પણ ઉદ્યુક્ત થવાનો નથી, તેથી તેને પોતાના પક્ષમાં લાવવાની આશા રાખવી અને મૃગજળથી તૃષા મટાડવાનો પ્રયત્ન કરવો એ સમાન જ છે - એથી ચાણક્યે અમાત્ય વિશેના વિચારને મનમાંથી કાઢી નાંખ્યો હતો. બે સમાન અધિકારીઓમાં સ્પર્ધાનો પ્રાદુર્ભાવ કરીને એકને બીજાથી વિરુદ્ધ કરવો, એ જ એક સહજ અને અમોઘ સાધન હતું. એટલે એ સાધનને મેળવવાની દીર્ધ દૃષ્ટિથી અને મુરાદેવીના પુત્રનો પક્ષ કરવાને સેનાપતિ સત્વર તૈયાર થશે, એ તે જાણતો હોવાથી તેણે ભાગુરાયણને જ વશ કરી લેવાનો યત્ન આદર્યો અને તેનો તે યત્ન કેટલે સુધી સિદ્ધ થયો, તે વાંચકો જાણી ચૂકેલા હોવાથી વધારે વિવેચનની કાંઈ પણ આવશ્યકતા નથી.