૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/ભાગુરાયણ સેનાપતિ
← ચાણક્યચક્રચાલન | ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન ભાગુરાયણ સેનાપતિ નારાયણ વિશનજી ઠક્કુર ૧૯૧૨ |
અમાત્ય રાક્ષસ → |
અમાત્ય રાક્ષસનો પ્રશ્ન સાંભળતાં જ ભાગુરાયણનું સમસ્ત શરીર કોપના આવિર્ભાવથી કંપાયમાન થઈ ગયું, અને તેના મનમાં પણ ઘણો જ સંતાપ થયો. અમાત્ય માટે તેના મનમાં અતોનાત આદર હતો અને અમાત્ય જેવો સ્વામિભક્ત બીજો કોઈ પણ નથી, એ તે સારી રીતે જાણતો હતો; અને એ સ્વામિભક્તિને લીધે જ અમાત્ય સર્વ અધિકારીઓને કરડી નજરથી નીહાળે છે, એ પણ તેની જાણ બહાર તો નહોતું જ. તથાપિ “મારા જેવાની હીલચાલોપર પણ નજર રાખવાને રાક્ષસ પોતાના ગુપ્ત દૂતો રાખે છે અને તેમના કાંઈ પણ આડા અવળા સમાચાર સાંભળી મને બોલાવીને આવી રીતે પ્રશ્ન કરે છે.” એ વાત મનમાં આવતાં જ તે છેડાયલાનાગ પ્રમાણે લાલપીળો થઈ ગયો. તેના કોપની પ્રબળતા એટલી બધી થઈ ગઈ હતી કે, તેને કોઈપણ રીતે દાબી દઈ શકાય તેમ હતું નહિ; તોપણ જેટલું બને તેટલું આત્મસંયમન કરીને ભાગુરાયણ અમાત્યને ઉદ્દેશી કહેવા લાગ્યો કે, “અમાત્યરાજ ! મને ભેાજન પરથી ઉઠાડી અાટલો ત્વરાથી બોલાવીને એકાએક આવા પ્રશ્નો પૂછવામાં આપનો હેતુ શો છે, તે કૃપા કરીને જણાવશો કે? આપનો ભાવ કાંઇક ભિન્ન પ્રકારનો હોય, એવું અનુમાન સ્પષ્ટ રીતે કરી શકાય છે.”
પોતાના પ્રશ્નથી સેનાપતિના મનમાં ક્રોધનો આવિર્ભાવ થયો છે, એ રાક્ષસ તત્કાળ જાણી ગયો, તથાપિ જાણે પોતે કાંઈ પણ જાણતો જ ન હોયની ! એવા ડોળથી તે શાંતિ ધારીને બોલ્યો કે, “સેનાધ્યક્ષ ! મને એ બ્રાહ્મણ વિશે કાંઈક સંશય છે, અને ગુપ્ત ચારો દ્વારા તપાસ કરાવતાં એ મારા સંશયને દૃઢ કરનારાં કેટલાંક કારણો પણ મળી આવ્યાં છે. ૫રંતુ આ૫ ૫ણ ત્યાં જાઓછો, એવા સમાચાર મને મળવાથી એકવાર આપને એ વિશે પૂછવાના વિચારમાં હું હતો. જો કે એક બે વાર આપનો અને મારો મેળાપ થયો હતો, પણ તે વેળાએ મને આ વિષયનું સ્મરણ થયું ન હતું - આજ સહજ સ્મરણ થયું, એટલે પાછું વિસ્મરણ થશે તો વળી વાત આગળ ઉપર પડશે, એટલા માટે મેં આપને આમંત્રણ મોકલ્યું. બીજો એમાં મારો કાંઈ પણ હેતુ નથી.” એટલું બોલીને અમાત્ય રાક્ષસ એક ધ્યાનથી સેનાપતિ ભાગુરાયણની મુખમુદ્રાનું અવલોકન કરતો બેઠો. “સહજ સ્મરણ થયું.” એ રાક્ષસના શબ્દો સર્વથા અસત્ય હતા, ભાગુરાયણ રોજ સંગમતીરે જાય છે, ત્યાં ઘણીવાર સૂધી બેસે છે, નાના પ્રકારનો વાર્ત્તાલાપ કરે છે, એ સઘળી બીના રાક્ષસના જાણવામાં આવી હતી, અને તેથી જ તેણે સેનાનાયકને બોલાવ્યો હતો; એ વાત ભાગુરાયણ પોતે પણ સારી રીતે જાણતો હતો. પરંતુ રાક્ષસને તે સ્પષ્ટ રીતે કહી શકાય તેમ ન હોવાથી તે બીજા જ ભાવથી કહેવા લાગ્યો કે, “હું એ બ્રાહ્મણ વિશે કાંઈ પણ વધારે જાણતો નથી. એક વેળા તે મારે ત્યાં આવ્યો હતો અને એમ કહ્યું હતું કે, હું પરદેશી મનુષ્ય છું અને ચાર દિવસ આ ગંગાતીરે રહેવા માટે આવેલો છું – અહીં આપના જેવા મહાશયોનો મેળાપ થવાની આશાથી જ હું આવેલો છું. એના બોલવા ચાલવા પરથી એ બ્રાહ્મણ સારો વિદ્વાન હોવો જોઈએ, એવો મારો નિશ્ચય થયો અને તેથી જ એનાથી બોલવા ચાલવાનો મેં વધારે પરિચય રાખ્યો. એ બ્રાહ્મણ જેવો વિદ્વાન છે તેવો જ નિ:સ્પૃહી પણ છે. કોઈ પણ પ્રકારની ઇચ્છાનો એનામાં વાસ નથી અને એથી એનામાં મારે વિશેષ ભાવ થયો છે અને કોઈ કોઈ વેળાએ ત્યાં જઈ ચઢું છું એટલું જ - બીજું કશું પણ હું જાણતો નથી.” ભાગુરાયણે એટલું કહીને અમાત્યની ચર્યાનું નિરીક્ષણ કર્યું. તેના ઉત્તરથી અમાત્યના મનનું સમાધાન થઈ ન શક્યું, એ તેના જોવામાં તત્કાળ આવી ગયું; તથાપિ અમાત્ય શું બોલે છે, એની વાટ જોતો તે સ્તબ્ધ બનીને બેસી રહ્યો. અમાત્ય પણ કેટલીકવાર સુધી સ્વસ્થ રહીને ત્યાર પછી કહેવા લાગ્યો કે;-
“સેનાધ્યક્ષ! એ બ્રાહ્મણ મુરાદેવીના બંધુને ત્યાંથી તેના પુત્ર સાથે આવેલો છે, એ આપ જાણતા નથી, એમ આપના બેાલવા૫રથી અનુમાન કરી શકાય છે, નહિ કે ?”
અમાત્યનું એ બોલવું સર્વથા છદ્મી હતું. એ તેના શબ્દોના ઉચ્ચરાની રીતિથી ભાગુરાયણ કળી ગયો. પોતે બ્રાહ્મણનો એટલો સંબંધ ન જણાવવાથી અમાત્યે તે કહી બતાવ્યો. એવી સ્થિતિ જોઈને ભાગુરાયણે કહ્યું કે, “હા – એમ મારા સાંભળવામાં પણ આવ્યું છે તો ખરું.”
“પરંતુ આપ એ નિશ્ચયપૂર્વક નથી જાણતા, એમજ ને ?” અમાત્ય રાક્ષસે પાછો પ્રશ્ન પૂછ્યો.
“હું નિશ્ચયપૂર્વક કેમ જાણી શકું ભલા? હું કોઈની પાછળ ગુપ્ત રાજદુતોને ભમાવીને છૂપી બાતમીઓ મેળવવાનો ઉદ્યોગ કરતો નથી. એથી કોઈ પણ બીના હું નિશ્ચયપૂર્વક જાણી શકતો નથી.” ભાગુરાયણે ઉત્તર આપ્યું.
એ છદ્મી ઉત્તર જાણે સમજી જ ન શક્યો હોયની ! તેવો ભાવ દેખાડીને રાક્ષસ પાછો તેને પૂછવા લાગ્યો કે, “પણ મેં તો ગુપ્ત રાજદૂત દ્વારા એવી ખબર મેળવી છે કે, એ બ્રાહ્મણ પોતાને જેવી રીતે ઓળખાવે છે, તેથી સર્વથા ભિન્ન પ્રકારનો જ છે. આપ કદાચિત એ વિશે કાંઈ પણ નહિ જાણતા હો, ને તેથી આપ કદાચિત્ તેના ભાષણમાં વિશ્વાસ રાખીને ભૂલાવો ખાઈ ન જાઓ, તેટલામાટે જ આપને મેં આજે આટલી ઊતાવળથી બોલાવી મંગાવ્યા છે. એ બ્રાહ્મણનું કહેવું એમ છે કે, હું મુરાદેવીના પિયરીયાંમાંથી આવેલો છું, પણ મારા મનમાં તો તે વિશે પણ શંકા છે. મુરાના ભત્રીજાના નામથી એ જે બાળકને લઈ આવ્યો છે, તે ખરેખર મુરાનો ભત્રીજો છે કે નહિ, એનો પણ સંશય જ છે. એ સંબંધીનો મારો શોધ ચાલુ જ છે, અને આપ પણ જો એ શોધમાં મને સહાયતા કરશો, તો વધારે સારું થશે; એવી મારી ધારણા છે. મારો તો આજે એવો જ નિશ્ચય થઈ ગયો છે કે, એ બ્રાહ્મણને એક બે દિવસમાં જ આપણા પાટલિપુત્રમાંથી હાંકી કાઢવો, અથવા દેશનિકાલ કરવો. કદાચિત યવનોનો જાસૂસ બ્રાહ્મણરૂપ ધારીને આવ્યો હોય, એવું મારું માનવું છે. કારણ કે, આપણા રાજ્યમાં પ્રવેશ કરવાને સલૂક્ષ ટાંપીને બેઠેલો છે, એ મારે આપને નવેસરથી જણાવવું જોઈએ તેમ તો નથી જ. ત્યારે જે મનુષ્યને આપણે એાળખતા નથી, એવા કોઈ ગુપ્તવેશીને આપણા જ ગૃહમાં રાખવા કરતાં કાઢી મૂકવો અથવા તો પ્રતિબંધમાં રાખવો, એમાં જ અધિક નિર્ભયતા સમાયલી છે એમ મને તો લાગે છે. આ૫નો શો વિચાર છે? આપનો અને તેનો આજ કાલ વધારે સ્નેહ સંધાયલો છે, તેથી જ આમ પૂછવું પડે છે.”
અમાત્યના અંતિમ શબ્દોથી ભાગુરાયણનો ભીષણ કોપાગ્નિ વધારે સળગ્યો. અમાત્ય પોતાને જ માત્ર ચતુર અને સ્વામિહિતપરાયણ સમજીને બીજાઓને મૂર્ખ તથા સ્વામિહિતદ્રોહી જાણે છે, એમ તેના મનમાં લાગ્યું. એથી તે તત્કાળ બોલી ઉઠ્યો કે, “અમાત્ય રાક્ષસરાજ ! આપ આ પાટલિપુત્રમાં જે ધારો તે કરવાને સમર્થ છો; પરંતુ વિનાકારણ સંશય લાવીને કોઇ પવિત્ર બ્રાહ્મણની અવહેલના ન કરો તો વધારે સારું. અાપ સર્વ પ્રકારનાં નીતિશાસ્ત્રમાં ઘણા જ નિપુણ હોવાથી મારા જેવા સેનાપતિની આપને આવશ્યકતા તો નથી જ; પરંતુ હજી પણ આપના ગુપ્તદૂતોદ્વારા આપ પાકી ખબર મેળવો, આર્ય ચાણક્ય મ્લેચ્છોનો અથવા તો યવનોનો જાસૂસ છે, એનો પૂરો નિશ્ચય કરો અને ત્યારપછી જે કરવાનું હોય તે કરો. મારો તો તેનાથી જે ચાર દિવસનો પરિચય થએલો છે તેના આધારે હું તો એમ જ કહું છું કે, એ નિઃસ્પૃહી અને ભોળો બ્રાહ્મણ અહીં પાટલિપુત્રમાં સહજ સ્વભાવે જ આવેલો છે. મુરાદેવીએ તેને પોતાના મહાલયની યજ્ઞશાળામાં આવીને રહેવા માટે કેટલોય આગ્રહ કર્યો પરંતુ એ નિ:સ્પૃહી બ્રાહ્મણે તેના આમંત્રણનો સ્વીકાર કર્યો નહિ. એથી પણ સિદ્ધ થાય છે કે, એ કોઈનો જાસૂસ કે ગુપ્ત દૂત તો નથી જ છતાં પણ ભલે આપ તપાસ કરો અને એવો જ નિશ્ચય થાય, તો પછી ઇચ્છા પ્રમાણે જે કરવું હોય તે કરો. આપ ઘણા જ શાંત અને દીર્ઘ વિચારી પુરુષ છો, માટે હું આપને વધારે ઉપદેશ આપી શકું એમ નથી. કોઈ ગરીબ બ્રાહ્મણ વિનાકારણ આપત્તિમાં આવી ન પડે, એટલું જ મારું કહેવું છે. એ બ્રાહ્મણ પૂર્ણ બ્રહ્મનિષ્ટ અને સુજ્ઞ પંડિત છે.” ભાગુરાયણ અને અમાત્ય રાક્ષસનું એ પ્રમાણે સંભાષણ થવા પછી ભાગુરાયણ પોતાના મંદિરે જવાને નીકળ્યો. માત્ર અમાત્ય વિશેની તેની શુદ્ધ ભાવનામાં આજે ભેદ થઈ ગયો. તેના મનમાં આવા વિચારો આવવા માંડ્યા; “ અમાત્યની હવે મારા વિશે પણ સંશયબુદ્ધિ થવા માંડી છે અને તેથી પોતાના ગુપ્તચરોદ્વારા તે મારા વર્તનની પણ તપાસ રખાવે છે. આવા અમાત્યના અધિકાર તળે રહેવું, તે હવે પોતાનું અપમાન પોતાને હાથે જ કરવા જેવું છે. અમાત્ય અને સેનાપતિ એ બન્ને સમાન અધિકારી હોવા જોઈએ – અને જો તેમ ન પણ હોય, તો સેનાપતિ વિશે અમાત્યે આવી શંકાશીલ વૃત્તિ રાખવી જોઈએ નહિ. એમ ન વર્તતાં અમાત્ય મારા વિશે પણ શંકા કરવા લાગ્યો છે, તો હવે જ્યાં સૂધી રાક્ષસનો આ રાજ્યમાં અધિકાર છે, ત્યાં સુધી આપણે અહીં રહેવું નહિ, બીજે કેાઈ સ્થળે નીકળી જવું, એ જ સારો માર્ગ છે.” એવો તેનો નિશ્ચય થયો. એક વાર આવા વિચારો મનમાં આવવા માંડ્યા કે પછી તે તીડોની વૃદ્ધિ પ્રમાણે કેવા વધતા જાય છે, એનો નિયમ જ રહેતો નથી.” હું આટલો બધો સારી રીતે વર્તતો હોવા છતાં પણ મારા વિશે અમાત્યના હૃદયમાં આટલી બધી શંકા થવાનું કારણ શું હોવું જોઈએ;” એના શોધમાં તેનું ચિત્ત લીન બની ગયું; અને “મુરાદેવીને મેં રાજાનાં ચરણોમાં અર્પિત કરી, ત્યારનો મારા વિશેનો દ્વેષ અથવા મત્સર અદ્યાપિ અમાત્યના અંત:કરણમાં કાયમ હોવો જોઈએ,” એવું કારણ તેણે શોધી કાઢ્યું. આજ સૂધીમાં જે જે વાતો તેને સારી દેખાતી હતી, તે હવે બીજા પ્રકારની દેખાવા લાગી. એથી ક્ષણે ક્ષણે એની શંકામાં પણ વધારો જ થતો ગયો. તેને એવો પણ સંશય થયો કે, “અમાત્યના મનમાં મારા વિશે સારા વિચારો તો નથી જ. તેથી જો પ્રસંગ આવશે અને મારા વિરુદ્ધ કોઈ ક્ષુદ્ર કારણ મળી આવશે, તો તત્કાળ અમાત્ય મને આ પાટલિપુત્રમાંથી બહાર હાંકી કાઢવાનો જ.”
થોડીકવાર તેનું હૃદય શાંત થઈ ગયું અને પાછું વિચારસાગરમાં ડૂબકીઓ મારવા લાગ્યું. “આવી સ્થિતિમાં મારે અહીં શામાટે રહેવું જોઈએ ? રાજા ધનાનન્દ તો કાંઈ જોતો જ નથી, ને તેથી સર્વ સત્તા એ અમાત્યના હાથમાં આવવાથી એ પોતાને જ ભૂપાલ માનીને સઘળી વ્યવસ્થા કરે છે. એ વ્યવથા કરે છે, તેનું તો કાંઈ નહિ, પરંતુ એ વ્યવસ્થા તેણે પોતાની બરાબરીના બીજા વરિષ્ઠ અધિકારીઓનું માન જાળવીને કરવી જોઈએ કે નહિ ? મારામાટે જે ગુપ્તચારો એણે નીમ્યા હશે, તેમના આગળ મારી હવે શી કીંમત રહી? પુષ્પપુરમાંનો કોઈ સાધારણ ચોર અને હું સમાન જ થયા કે નહિ? અને જેના તેના વિષે શંકા-શંકા એટલે ? આર્ય ચાણક્ય કેવો નમ્ર અને ઉત્તમ બ્રાહ્મણ છે - તેમ જ બ્રહ્મનિષ્ઠ અને વિદ્વાન પણ છે - તેને એ દેશનિકાલ કરવાનો છે; તે શામાટે ? તે મુરાદેવીના મોસાળપક્ષનો છે તેટલામાટે જ. ધન્ય-ધન્ય રાક્ષસ અમાત્ય ! જો તું આવી રીતે સંશયથી જ વર્ત્યા કરીશ, તો મારા જેવા માની પુરુષો એક ક્ષણમાત્ર પણ આ પાટલિપુત્રમાં વસવાના નથી. આર્ય ચાણક્યે આજે સાંઝે વાતો કરતાં કરતાં વિનોદમાં જ જે રાજનીતિની વાત કાઢી હતી, તે પ્રમાણે જો તે બાળક ખરેખર જીવતો જ હોય, તો આ અભિમાની આમાત્યની, તેનો પક્ષ લઈને કેવી ખોડ ભૂલાવી શકાય ! પણ અફસોસ ! કે તેમ નથી. એ વાત તો શક્ય ક્યાંથી થઈ શકે ? મારાઓની તલવારથી હિમાલયનાં અરણ્યમાં કપાઈ ગએલું બાળક આજે જીવતું ક્યાંથી હોઈ શકે વારુ ? પણ જો હોય તો ? વાહ વાહ - તો તો પછી બીજું શું જોઇએ ? જો એમ હોય તો અમાત્યની હું સારી રીતે ફજેતી કરી શકીશ. રાજા ધનાનન્દને શું છે - તે પોતે તો આજ કાલ રાજ્યકાર્યભારમાં ભાગ લેતો જ નથી – એટલે એને તો પોતાને સ્થાને સુમાલ્ય હોય કે બીજો કાઈ હોય, તો તે સરખું જ છે. જો એ બાળક જીવતો હોય, તો યુવરાજ થવાનો અને રાજ્યાસને વિરાજવાનો ખરો અધિકાર તો તેનો જ છે.” એવા પ્રકારના અનેક પરંતુ એક જ પ્રકારના વિચારોનો પ્રવાહ તેના મનમાં વહ્યો જતો હતો અને તે પોતાનો માર્ગ કાપતો જતો હતો. તે પોતાના મંદિરમાં આવી પહોંચ્યો. તેની ક્ષુધા તો મરી જ ગએલી હતી, એટલે તે શય્યામાં આળોટ્યો. પણ એ વિચારોની ધાંધલથી આખી રાત તેને નિદ્રા આવી નહિ. તેની એવી ધારણા થઈ કે, “અમાત્યના મનમાં ચાણક્યવિષે જે શંકા આવેલી છે, તેથી એ બ્રાહ્મણને જાણીતો કરી દેવો જોઇએ. કોણ જાણે રાક્ષસ કાંઈ પણ ઉંધું ચત્તું કરી નાંખે તો ! બીજો કોઇ દૂત આવીને બીજી કાંઇ વાત કહેશે અને તેથી તેના મનમાં વળી બીજો જ કાંઈ ભાવ થતાં તે વિના કારણ એ બ્રાહ્મણનું અપમાન કરીને તેને આ પાટલિપુત્રમાંથી દેશનિકાલ કરી દેશે. એના કરતાં આપણે જ તે બ્રાહ્મણને સાવધ કરવો, એ વધારે સારું.” મનમાં એવો વિચાર આવતાં જ સવાર થવાની તે કાગને ડોળે વાટ જોતો બેઠો અને પાછો દિવસ કયારે આથમે અને ચાણક્યને ક્યારે મળી શકાય, એની ચિન્તામાં જ તે સર્વથા નિમગ્ન થઈ ગયો.
બીજા દિવસનો સૂર્ય ઉદિત થયો અને પાછો તે અસ્તાચલમાં પણ ચાલ્યો ગયો. સંધ્યાકાળ થતાં જ ભાગુરાયણ ચાણક્ય પાસે ગયો. પોતાની પાછળ જાસૂસો ફર્યા કરે છે, એ તો ગઈ કાલથી જાણી ગયો હતો. એટલે આજે તેવા કોઈ જાસૂસો પાછળ છે કે નહિ, તે જોવાને તેણે ચારે તરફ નજર ફેરવી અને તેની શંકા ખરી પણ ઠરી. એથી તે સામો તેના મનમાં વધારે સંતાપ થયો અને સેનાપતિના પદે છતાં પણ જે નગરીમાં પોતાનું અપમાન થતું હોય, તે નગરીમાં રહેવું જ શાને માટે? બીજા રાજ્યમાં જઈને નોકરી કરી પેટ ભરવાનું સામર્થ્ય નથી કે શું ? એવી એવી અનેક ભાવનાઓ એક પછી એક તેના મનમાં આવવા લાગી. જો તેની ઇચ્છા થઈ હોત તો જે દૂતો તેની પાછળ પડેલા હતા, તેમને પકડીને તેઓ કોની આજ્ઞાથી અને શા ભેદના શોધ માટે ફરતા હતા, ઇત્યાદિ તે બળાત્કારે પણ પૂછવાને શક્તિમાન હતો. માત્ર એક સિપાહીને હુકમ કરવાનો વિલંબ હતો. પણ એ ઇચ્છાને તેણે મનમાંને મનમાં જ દાબી દીધી અને તે સીધો ચાણક્યના આશ્રમની દિશામાં ચાલતો થયો. જતાં જતાં તેના મનમાં બીજો એક વિચાર આવ્યો અને તત્કાળ તેણે પોતાના સાથે લીધેલા નોકરને પાછો ઘેર મોકલી દીધો. નોકરને ઘેર જવાની આજ્ઞા થતાં જ તે આશ્ચર્યથી દિગ્મૂઢ બની ગયો. પણ જ્યાં સ્વામીની જ ઇચ્છા ન હોય ત્યાં નોકર વધારે શું કરી શકે? તે ચાલ્યો ગયો. ભાગુરાયણ એકલો જ ગંગાકણવાહી શીતલ વાયુથી પોતાના તપ્ત મસ્તકને શાંત કરતો આર્ય ચાણક્યની પર્ણકુટીમાં આવી પહોંચ્યો.
આર્ય ચાણક્ય પણ આજે ખરેખર ઘણી જ ઉત્સુકતાથી ભાગુરાયણની વાટ જોતો બેઠો હતો - છતાં પણ બહારથી બેપરવાઇનો ભાવ દેખાડતો તે કહેવા લાગ્યો કે, “સેનાધ્યક્ષ! આજે તું આવીશ, એવી મારી ધારણા હતી નહિ. કાલે અને પાછું આજે કાંઈ લગોલગ આવવું થાય છે. બાકી આ તારા આગમનથી મને તો ઘણો જ આનંદ થાય છે, એનું મારા મુખથી વિશેષ વર્ણન કરવાની આવશ્યકતા નથી.”
“અને આપનાં દર્શન તથા આપની સાથેના સંભાષણથી મને પણ અદ્વિતીય આનંદ થાય છે, એ પણ ખુલ્લું જ છે - માટે તેના વિશેષ વિવેચનની આવશ્યકતા નથી. હું તો હવે આપને મારા ગુરુ જ ધારું છું. પણ આર્ય ચાણક્ય, આજે હું આપને એક વાત કહેવા અને પૂછવાને આવેલો છું. હું જે કહું અને પૂછું, તેથી જો આપ કોપ ન કરવાનું વચન આપો તો પછી હું મારી જીભ ખોલું.” ભાગુરાયણે નમ્રતાથી વિનતિ કરી.
“હું કોપ કરું? સેનાનાયક ! આ દરિદ્રી બ્રાહ્મણે તો લજજા, કોપ અને ખેદનો ક્યારથીએ ત્યાગ કરેલો છે. હવે એ વસ્તુએ મારી પાસે છે જ ક્યાં, કે જેમનો મારા હૃદયમાં આવિર્ભાવ થઈ શકે? જે કહેવા અને પૂછવાનું હોય, તે સુખેથી કહે અને પૂછ. હું સાંભળવાને અને તેનાં ઉત્તરો દેવાને તૈયાર છું.” ચાણક્યે કહ્યું. ચાણક્યનું એ ઉત્તર સાંભળીને સેનાપતિ સર્વથા સ્તબ્ધ જ થઈ ગયો. થોડીવાર રહીને તે બોલ્યો, “આપે મને પોતાનો જે વૃત્તાંત કહી સંભળાવ્યો છે, તેથી ખરેખરો વૃત્તાંત કાંઈક ભિન્ન છે કે શું ? જો તેમ હોય તો તે ભેદ મને જણાવો, એવી મારી વિનતિ છે. એનું યથાર્થ ઉત્તર મને મળશે, એટલે આગળ મારે જે કહેવાનું છે, તે કહી સંભળાવીશ.”
ચાણક્ય હસ્યો અને ઉત્તરમાં તેણે જણાવ્યું કે, “સેનાપતે ! ગઈ કાલે રાત્રે તારા અહીંથી ગયા પછી તને મારાવિષે કોઈએ કાંઈ પણ કહેલું હોવું જોઇએ. એ વિના તારા મુખમાંથી આવો પ્રશ્ન નીકળે, એ અસંભવિત છે. માટે તને ભંભેરીને તારા મનમાં આવી રીતે પૂછવાની જેણે ઇચ્છા ઉપજાવી છે, તેને જ તેં જે કાંઈ વધારે પૂછી લીધું હોત, તો ખાસ આટલા કાર્યમાટે જ તને મારે ત્યાં આવવાની અગત્ય રહી ન હોત. આ ગરીબ બ્રાહ્મણનો વૃત્તાંત તને સંભળાવ્યો છે, તેથી ભિન્ન તે શો હોઈ શકે વારુ ? જે કાંઈ હતું તે તો મેં તને કહી દીધું છે. પરંતુ એથી જૂદો મારો બીજો જ વૃત્તાંત છે, એમ જો તને કોઈએ કહ્યું હોય, તો તે મને કહે- એટલે એમાં સત્ય અને અસત્ય કેટલું છે, તે હું તને બતાવી આપું. બાકી તને કોઈએ સાચી ખોટી વાત કહેલી છે, એનો તર્ક તો મેં કરી જ લીધો છે. સેનાધ્યક્ષ ! નીતિશાસ્ત્રનું એ તત્ત્વ જ છે કે, પોતાના રાજ્યમાં જે કોઈ પણ નવો પુરુષ આવે, તેની પૂઠે જાસૂસો લગાડી દેવા અને તે શું કરે છે, ક્યાં ક્યાં જાય આવે છે, કોનાથી વાતચિત કરે છે, ઇત્યાદિ બાબતોની તપાસ રાખવી. એ તત્ત્વને અનુસરીને અમાત્ય રાક્ષસે મારી ચર્યા જોવાને ગુપ્તચરોની યોજના કરેલી હશે જ, એ કાંઈ મારી જાણ બહાર નથી. રાજા સર્વદા ચાર ચક્ષુવાળો કહેવાય છે. હાલમાં રાજાનું કાર્ય અમાત્ય રાક્ષસ ચલાવે છે, માટે તે પણ ચારચક્ષુવાળો થયો હોય, તો તેમાં આશ્ચર્ય જેવું કાંઈ પણ નથી. પરંતુ જ્યારે મારા જીવનચરિત્રમાં કાંઈ ભેદ અને રહસ્ય જેવું છે જ નહિ, ત્યારે મારે ડરવાનું શું કારણ છે? પણ સેનાપતે ! જે ખરો નીતિશાસ્ત્રને જાણનારો હોય છે, તે માત્ર પોતાના જાસૂસોનાં વચનોમાં જ વિશ્વાસ નથી રાખતો; કિન્તુ જાસૂસોએ લાવી આપેલી બાતમીઓની પોતે પરીક્ષા કરીને ત્યાર પછી જ તેનો નિશ્ચય કરે છે. માટે આ દરિદ્રી બ્રાહ્મણ વિશે જો તને કોઇએ કાંઇપણ પૂછ્યું હોય, તો તે પૂછનાર અમાત્ય રાક્ષસ જ હોવો જોઇએ. કારણ કે, જેવી રીતે તેના અનુચરો મારી પૂઠે ભમતા હશે, તેવી રીતે તે તારી પૂઠે પણ ભમતા હોવા જોઇએ. એથી જ તારું અહીં જવું આવવું છે, એની તેને ખબર પડવાથી તને કાંઇપણ મારા વિશે તેણે પૂછ્યું હશે. હું કહું છું તે ખરું છે કે ખોટું? મારો તર્ક બરાબર છે કે નહિ ?”
આર્ય ચાણક્યની આવી તર્ક શક્તિને જોઈ ભાગુરાયણ ઘણો જ આશ્ચર્યચકિત થઈ ગયો. ચાણક્યનો તર્ક આટલો બધો સત્ય કેવી રીતે થયો હશે, એનું જ તેને રહી રહીને આશ્ચર્ય થવા લાગ્યું. તેને ક્ષણવાર એવો ભાવ પણ થયો કે, “રાક્ષસ પ્રમાણે આ બ્રાહ્મણે પણ મારી પૂઠે ગુપ્ત દૂતો તો નહિ રાખ્યા હોય ?” પણ બીજી જ પળે તેને પોતાની એ ધારણા નિર્મળ જણાઈ અને “એ ચતુર તથા નીતિ શાસ્ત્રજ્ઞ હોવાથી જ એનો તર્ક અક્ષરે અક્ષર સત્ય ઊભો રહ્યો છે.” એવો તેને નિશ્ચય થઈ ગયો. ચાણક્ય તેને પાછો હસતો હસતો પૂછવા લાગ્યો કે, “તું જે કાંઈ પૂછવાનો હતો તે પૂછયું - હવે જે વાત કહેવાને હતો તે શું છે ? તે સાંભળવાને હું અત્યંત ઉત્સુક થઈ રહ્યો છું.”
એ પ્રશ્ન સાંભળીને ભાગુરાયણ એકાએક શુદ્ધિમાં આવ્યો ને “કહું છું.” એવા શબ્દો તેના મુખમાંથી અચાનક નીકળી ગયા. પછી જે કાંઈ બન્યું હતું, તે સર્વ તેણે ચાણક્યને કહી સંભળાવ્યું. એ સાંભળીને ચાણક્યના હૃદયમાં ઘણો જ સંતાપ થયો; પરંતુ તે સંતાપને લેશ માત્ર પણ તેણે વ્યકત થવા દીધો નહિ. તે મનસ્વી જ બોલ્યો, “અમાત્ય રાક્ષસ ! હવે તારા અને મારા યુદ્ધનો સમય નિકટ જ આવી પહોંચ્યો છે. એ યુદ્ધમાં હવે કોનો વિજય થાય છે અને કોણ દેશપાર જાય છે, તે જોવાનું છે.” ત્યાર કેડે તે ભાગુરાયણને સંબોધીને કહેવા લાગ્યો કે, “સેનાધ્યક્ષ ! જેવી રીતે તેં મને તારી કથા કહી સંભળાવી, તેવી રીતે મારે પણ તને મારી કથા કહી સંભળાવવી છે. પરંતુ એ કથા ઘણી જ ગુપ્ત હોવાથી અહીં કહેવાય તેવી નથી – ચાલો આપણે નદીના સામા તીરે જઇએ - ત્યાં હું કહીશ.”
હવે એ ગુપ્ત કથા શી હતી, તે ચાણક્યને કહેવાનો અને ભાગુરાયણને સાંભળવાનો સમય આપીને તેમને એકાંતમાં જવા દઈ, આપણે આપણી નવલકથાનાં બીજાં પાત્રોની ભાળ લઈએ.