૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/રાક્ષસની પ્રતિજ્ઞા
← ચન્દ્રગુપ્તની સવારી | ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન રાક્ષસની પ્રતિજ્ઞા નારાયણ વિશનજી ઠક્કુર ૧૯૧૨ |
ન્યાય શો થયો ? → |
રાક્ષસ ઘણો જ મૂંઝાઈ ગયો હતો, હવે શો ઉપાય કરવો, એની તેને કાંઈ પણ સૂઝ પડી નહિ. પ્રતિહારી પોતાના જે મિત્રને ઘેર તેને લઈ ગયો હતો, તે ઘરમાંથી હવે બહાર કેમ નીકળવું અને નીકળવાથી કદાચિત્ પ્રાણહાનિ તો નહિ થાય, એવી તેના મનમાં શંકા આવવા લાગી, અથવા તો ભીતિ થવા લાગી, એમ કહીશું તો પણ ચાલશે. પ્રતિહારીના મુખે તે એમ સાંભળી ચૂક્યો હતો કે, “રાક્ષસે જ રાજકુળનો નાશ કરાવ્યો, એવી બધાની માનીનતા છે.” જો એવી તેમની માનીનતા હોય, તે લોકોનું મન અવશ્ય મારા વિશે કલુષિત અને શંકાશીલ થએલું હોવું જોઈએ, અને મેં જ રાજકુલનો નાશ કરાવ્યો છે, એવી જ શંકાથી જો તેઓ મને જોતા રહેશે, તો મને તેઓ ઊભોને ઊભો જ બાળી નાખશે – એમાં કાંઈ પણ સંશય નથી. એવી તેના મનમાં ભીતિ થઈ. રાક્ષસ જો કે સ્વભાવે બીકણ તો નહોતો, વિરુદ્ધ પક્ષે તે શૂરવીર હતો; પણ હાલનો પ્રસંગ જ એવો વિલક્ષણ હતો કે, માત્ર શૌર્યનો કાંઈ પણ ઉપયોગ થઈ શકે તેમ હતું નહિ. અરણ્યમાંની અગ્નિજવાળા પ્રમાણે જ્યાં એકવાર અસત્ય અને નઠારા મતનો પ્રસાર થઈ ગયો, ત્યાં તેને સુધારવાનો એકલા હાથે તો કેટલોક પ્રયત્ન થઈ શકે ? “આજસુધી હું આટલી બધી રાજનિષ્ઠાથી વર્ત્યો, અને નન્દના રાજ્યનો યશોદુંદુભિ સમસ્ત પૃથ્વી તલપર ગર્જતો રહે, એવી વ્યવસ્થા કરી, એ સર્વ પરિશ્રમેાનું મને આવું જ ફળ મળ્યું ને? નાનાથી મોટા સુધીના સર્વે અધિકારીઓ મારા તાબામાં છે, એમ જાણીને વિશ્વાસ રાખીને હું બેસી રહ્યો તેનું પરિણામ આવું આવ્યું ને? સમસ્ત ભારત વર્ષમાં કયા દેશમાં શો પ્રકાર ચાલેલો છે, કયા રાજાનો શો વિચાર છે અને પાટલિપુત્રમાં કોની દૃષ્ટિ છે, એ સર્વનો શોધ કરી તેમનાં રહસ્યોને જાણનારો હું અમાત્ય રાક્ષસ મારા પોતાના જ નગરમાં રચાતાં કારસ્થાનોને જાણી ન શક્યો, એ મારો કેટલો બધો પ્રમાદ !!!” એવા એવા અનેક પ્રકારના વિચાર કરતો તે બિચારો પોતાના સ્થાને સ્વસ્થ અને દિગ્મૂઢ થઈને બેઠેલો હતો, એટલામાં સેનાપતિ ભાગુરાયણ અચાનક ત્યાં આવી પહોંચ્યો. જેના ઘરમાં અમાત્ય બેઠેલો હતો, તે પ્રથમ તો બારણું ઉઘાડવામાં જ આનાકાની કરવા લાગ્યો. કારણ કે, અમાત્ય રાક્ષસ પોતાના ઘરમાં છે, એ કોઈને માલૂમ થવું ન જોઈએ, એવી તેની ઇચ્છા હતી, અને તેના મિત્ર પ્રતિહારીએ પણ તેને એવો જ ઉપદેશ આપેલો હતો. પરંતુ ભાગુરાયણ સેનાપતિ પધારેલા છે અને અમાત્ય રાક્ષસ આ જ ગૃહમાં છે, એ તેઓ સારીરીતે જાણે છે - સેનાપતિ અમાત્યને જ મળવાના છે – માટે દ્વાર ઉઘાડો – જો દ્વાર ઉઘાડવામાં નહિ આવે, તો તેને તોડીને અંત:પ્રવેશ કરવામાં આવશે. એવું ભાગુરાયણના અનુચરે જ્યારે થોડુંક ધમકીનું ભાષણ કર્યું; ત્યારે તે ઘરધણી ગભરાયો અને રાક્ષસ પાસે જઈને, પોતાના શિરે આવેલા સંકટનું દુઃખિત મુદ્રાથી વિવેચન કરવા લાગ્યો. એ સાંભળીને રાક્ષસ કોપાયમાન થઈ ગયો અને કહેવા લાગ્યો, “બેલાશક દરવાજા ખોલી નાંખો. પોતે જ પ્રપંચ રચીને બીજાને શિરે દોષારોપણ કરી તેનો ઘાત કરવા ઇચ્છતા નીચ ભાગુરાયણની મને જરા પણ ભીતિ નથી. આ સઘળાં કાળાં કૃત્યો એ નીચ ભાગુરાયણનાં જ કરેલાં છે. આ નન્દવંશની પ્રધાનપદવી પોતાને મળે, એ જ તેની મહત્વાકાંક્ષા છે, અને તેને તૃપ્ત કરવામાટે એ દુષ્ટે રાજકુળનો નાશ કર્યો છે. એને અંદર બોલાવો - જાઓ બોલાવો – મારું જે કાંઈ થવાનું હશે તે થશે - એનો વિચાર અત્યારે કરવાનો નથી.”
રાક્ષસની એવી આજ્ઞા થતાં જ તે ધરધણીએ આવીને દરવાજો ઉઘાડી નાખ્યો. દ્વાર ઊઘડતાં જ ભાગુરાયણ સેનાપતિએ ઘરમાં પ્રવેશ કર્યો અને તે દ્વાર ઊઘાડનારને શાંતિથી પરંતુ ભલતા ભલતા જવાબો આપવાથી કાંઈ પણ વળવાનું નથી, એવી ધમકી આપી પૂછ્યું કે, “અમાત્ય રાક્ષસ પાસે મને લઈ ચાલો.” હા ના કરવાનો એ પ્રસંગ જ નહોતો, તેમ જ રાક્ષસની તેને લઈ આવવાની આજ્ઞા મળેલી હોવાથી હા ના કરવાની આવશ્યકતા પણ હતી નહિ, તેથી તત્કાલ સેનાપતિની ઇચ્છા પ્રમાણે તેને રાક્ષસ સમક્ષ લઈ જવામાં આવ્યો.
ભાગુરાયણ જો કે સેનાપતિ અને શૂરવીર પુરુષ હતો, પરંતુ તેણે ચાતુર્યયુક્ત અને કપટપૂર્ણ ભાષણો કરવાનો અભ્યાસ કરેલો નહોતો, અમાત્ય રાક્ષસ સન્મુખ આવ્યા પહેલાં, હું આમ બોલીશ, ને હું તેમ બોલીશ, એવી તેણે પોતાના મનમાં અનેક યોજનાઓ કરી રાખી હતી, પરંતુ અમાત્ય સમક્ષ જઈને ઊભા રહેતાં જ તેની અર્ધ આશાનો તો તત્કાળ નાશ થઈ ગયો.
ભાગુરાયણને જોતાંજ અમાત્ય રાક્ષસના શરીરમાં જાણે અગ્નિએ પ્રવેશ કર્યો હોયની, એવો તેને ભાસ થવા લાગ્યો ! પોતાના કોપના અનિવાર્ય આવેશમાં જ તે ભાગુરાયણ ઉદ્દેશીને ધિક્કારના શબ્દો બોલ્યો કે, “કેમ સેનાધ્યક્ષ! મહારાજાને તો સુરક્ષિતપણે પહોંચાડી દીધાને રાજસભામાં?” એ વાકય દ્વિઅર્થી હતું – એનો ભાગુરાયણ કાંઈ પણ જવાબ આપે, એટલામાં તો તે પાછો બોલવા લાગ્યો, “ભાગુરાયણ ! રાજકુળનો ઘાત કરીને આ તારું કાળું મોઢું બતાવવાને શા માટે આવ્યો છે? મારા અંધત્વને લીધે લોકદૃષ્ટિથી જો કે તું મગધદેશનો સંરક્ષક બન્યો હોઈશ, છતાં પણ મારી અને તારી પોતાની દૃષ્ટિથી તો તું રાજકુળનો ઘાતક જ છે. માટે તું અત્યારે પોતાના એ દુષ્ટ કૃત્યની બડાઈ મારવાને મારી પાસે આવેલો છે કે શું ? નીચ ! તું બધાંનાં નેત્રોમાં ધૂળ નાખીને તેમને આંધળા બનાવીશ?”
ભાગુરાયણ તત્કાળ તેના બોલવાનો ભાવાર્થ સમજી ગયો. પરંતુ તેણે એનું સમર્પક ઉત્તર જેટલી શીધ્રતાથી આપવું જોઈતું હતું, તેટલી શીધ્રતાથી આપ્યું નહિ. જો એને સ્થાને બીજો કોઈ હોત, તો તેણે “આપની જેવી ઇચ્છા હતી, તે પ્રમાણે બધું થઈ ચૂક્યું છે,” એવું જ ઉત્તર આપ્યું હોત. પરન્તુ સમયસૂચકતાનો ગુણ ભાગુરાયણમાં જોઈએ તેવો હતો નહિ. એ તો ઉપર કહેલું જ છે. અર્થાત્ ક્ષણ બે ક્ષણ તેનાથી કાંઈપણ બોલી શકાયું નહિ. ત્યાર પછી વિચાર કરીને તે રાક્ષસને કહેવા લાગ્યો કે,“અમાત્યરાજ ! મેં અને ચન્દ્રગુપ્તે મળીને પર્વતેશ્વરને કેદ કરી લીધો છે, માટે હવે પછી રાજ્યની શી વ્યવસ્થા કરવી, એટલો જ પ્રશ્ન બાકી રહેલો છે, અને આપની મંત્રણા વિના એ પ્રશ્નનો નિકાલ થઈ શકે તેમ નથી. તેથી આપને શોધતો શોધતો હું અહીં આવી લાગ્યો છું. આપણામાંથી કોઈને કાંઈ પણ છૂપા સમાચાર ન મળવાથી પર્વતેશ્વરનો દાવ ફાવી ગયો અને જે કાંઈ કરવાનું હતું તે તેણે કરી નાંખ્યું છે. હવે જે ઘાત થઈ ગયો છે, તેને ન થયો કરી શકાય તેમ નથી. એટલા માટે હવે જે કાંઈ પણ વ્યવસ્થા કરવાની હોય તેનો વિચાર થવો જોઈએ. આપ કૃપા કરીને ચાલો - સૈન્યે જે કર્તવ્ય બજાવવાનું હતું તે બજાવ્યું છે. હવે આપનું કર્તવ્ય બાકી રહેલું છે મને ચાણ-ચન્દ્રગુપ્ત મહારાજે ખાસ આપને બોલાવી લાવવા માટે જ મોકલેલો છે.”
સેનાપતિ ભાગુરાયણ એ ભાષણ કરતો હતો, તે ક્ષણે રાક્ષસના હૃદયમાંની કોપની જ્વાળાઓ તેના સમસ્ત શરીરને પ્રજાળી નાંખતી હતી. એમાં પણ ચન્દ્રગુપ્તને મહારાજની પદવી મળ્યાનું સાંભળતાં તો તે પોતાનું ભાન પણ ભૂલી ગયો. ભાગુરાયણે “ચાણ” એવો અર્ધ શબ્દ ઉચ્ચારી જીભ કચરીને ચન્દ્રગુપ્ત મહારાજનું નામ લીધું, એ બીના રાક્ષસના ધ્યાનમાં આવી નહિ. ને તત્કાળ કાંઈક સંતાપ, કાંઈક ઉદ્વેગ અને કાંઈક કપટના સંમિશ્રિત ભાવથી બોલ્યો કે, “ચન્દ્રગુપ્ત મહારાજ? ચન્દ્રગુપ્ત મહારાજનું તો મેં કોઈ વાર નામ માત્ર પણ સાંભળેલું નથી. ઠીક ઠીક - તેં પેલી વૃષલીના ભત્રીજાને રાજ્યાસને બેસાડવામાટે જ આ નીચ કૃત્ય કરેલું છે, એ હવે સમજાયું. હવે એ બનાવનાં સઘળાં કારણો મારા ધ્યાનમાં આવી ચૂક્યાં તે વૃષલીએ જ અન્તે પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે મહારાજાનો ઘાત કરાવીને પોતાના ભત્રીજાને આ મગધદેશના સિંહાસને બેસાડવાનો પ્રસંગ આણ્યો ખરો ! શાબાશ-શાબાશ ! अनृतं साहसं माया ઇત્યાદિ ગુણોથી વિભૂષિત એવું એ સ્ત્રીરૂપી યંત્ર ત્રિભુવનના નાશ માટે જ ઉત્પન્ન થએલું છે, એમ જે કહેવામાં આવે છે, તે કાંઈ ખોટું નથી, એ ચાંડાલિનિ! જે વેળાએ તારા દુર્ભાગી પુત્રનો વધ કરાવ્યો, તે વેળાએ સાથે મહારાજાએ તારો પણ વધ કરાવી નાંખ્યો હોત, તો આજે આ ભયંકર પ્રસંગ જોવાનો અવસર અમને પ્રાપ્ત થાત જ નહિ. અને સેનાધ્યક્ષ ! તારા જેવા પુરુષે તેના વાક્પાશમાં ફસાઈને આવું કાળું કાવત્રું કરવું યોગ્ય હતું કે? તને અમાત્ય પદવીની લાલસા હતી, તો તે વાત મને જણાવવી હતી, એટલે તે પદવી મેં તને મહા આનંદથી આપી હોત. હું સ્વસ્થ ઘેર બેસી રહ્યો હોત અને... ... પરંતુ તને હવે એ બધું કહી સંભળાવવાથી શો લાભ થવાનો છે? સર્વસ્વનો નાશ તે તું કરી ચૂક્યો. પરન્તુ ભાગુરાયણ ! જે સ્વામીનો ઘાત કરે છે, તેનું કોઈ કાળે પણ ભલું થતું નથી, માટે તારે પણ ભલું તો નહિ જ થાય.” ભાગુરાયણે તેના એ વાગ્બાણોને શાંતિથી સહન કરી લીધો, અને થોડીવાર પછી તે તેને કહેવા લાગ્યો કે, “જે સ્વામિઘાતક હોય છે, તેનું ભલું થવાની કોઈ ઇચ્છા પણ કરતું નથી. પરંતુ સ્વામિનો ઘાત આપણામાંથી કોઈએ પણ કર્યો હોય; એવો સંભવ તો દેખાતો નથી. આપણે મગધદેશને સર્વથા નિર્ભય થયેલો માનીને બેપરવાઈમાં બેસી રહ્યા, તેથી જ પર્વતેશ્વરનો દાવ ફાવી જતાં તેણે મહારાજનો ઘાત કરી નાંખ્યો. કુમાર ચન્દ્રગુપ્તે તેનો પરાજય કરીને તેને પકડી લીધો, એ કાર્ય માટે આપે તેની સ્તુતિ કરવી જોઈએ, તેને બદલે આપ તેના શિરે જ દોષનો આરોપ કરો છો, એ તે શું કહેવાય ? વળી મને પણ આપ દૂષિત ઠરાવો છો; એ આપની મતિ કેવા પ્રકારની? હવે આપ આ અજ્ઞાત વાસમાં કેટલાક દિવસ પડી રહેવાના? મહારાજનો ઘાત થયો ત્યારથી આપ અહીં જ વસો છો, એ વાતની મને ખબર મળવાથી આપને શોધતો શોધતો હું આજે અહીં આવી પહોંચ્યો છું. આપની બેપરવાઈને લીધે જ આટલો બધો અનર્થ થયો, તો પણ આર્ય ચાણ–નહિ–મહારાજ ચન્દ્રગુપ્તની એવી ઇચ્છા છે કે, હવે પછીની રાજ્યની વ્યવસ્થા પણ આપની અનુમતિથી જ થવી જોઈએ..…....” “સેનાધ્યક્ષ !” રાક્ષસ એકાએક મોટેથી પોકારી ઊઠ્યો “આ તમારું કેવું કપટ નાટક! તમારી દૃષ્ટિથી તે વૃષલીનો ભત્રીજો મહારાજ હશે, પરંતુ મારા વિચાર પ્રમાણે તેમ નથી. મારા આ દેહમાં જ્યાં સૂધી પ્રાણ છે, ત્યાં સુધી મારાથી બનતા હું બધા પ્રયત્નો કરીશ અને તેને આ મગધદેશની સીમાથી બહાર કાઢી મૂકીશ. નન્દના રક્તથી રંગાયેલા હસ્તે મારા ગળાને બાઝીને મને પણ તું પોતાના પક્ષમાં લેવાની ઇચ્છા રાખે છે, એમાં તારી ભૂલ છે - તું ઠગાય છે. હું નન્દવંશનો ઋણી છું - તેથી હું મરતાં સુધી પણ તેની સેવા કરીશ, તારા ચન્દ્રગુપ્ત જેવા દ્રોહીજનોની સેવા કરીને હું મારી કાયા અને બુદ્ધિને કદાપિ કલંકિત કરનાર નથી. જા અને હવે બીજી વાર મારાથી આ વિષય સંબંધી ભાષણ કરવાને આવીશ નહિ. મારા અંગમાં જો હજી પણ કાંઈ કર્તૃત્વશક્તિ હશે, તે શીધ્ર જ તેનું તમને દર્શન થશે. નહિ તો હું આ મગધદેશમાંથી મારું કાળું મોઢું કરીને સદાને માટે ચાલ્યો જઈશ. જા – હવે તારું અને મારું પુનઃ સંભાષણ કોઈ કાળે પણ થવાનું નથી. તે તારા માટે નવો માર્ગ અને નવો સ્વામી શોધી કાઢ્યો છે, પણ હું તો મારા જૂના માર્ગમાં જ પ્રયાણ કરીશ. તારા બોલવા ઉપરથી સાફ જણાય છે કે, તમારી પૂઠે બીજો પણ કોઈ સહાયક છે. તારા બોલવામાં હમણાં જ આર્ય ચાણક્યનું નામ આવ્યું હતું; પરંતુ તેને અર્ધું દબાવીને તેં ચન્દ્રગુપ્તના નામનો ઉચ્ચાર કર્યો. એ બ્રાહ્મણે તને સર્વથા મોહપાશમાં ફસાવીને પોતાનો દાસ બનાવી લીધો હોય, એમ સ્પષ્ટ અનુમાન થઈ શકે છે. એ બ્રાહ્મણનો તો આ બધો પ્રપંચ નહિ હોય? એ ચન્દ્રગુપ્તસાથે જ અહીં આવ્યો હતો, માટે આ બધાં કૃત્યો કદાચિત્ એનાં જ હશે. કદાચિત્ તે વ્યાધરાજાએ જ એને મગધનું રાજ્ય લેવા માટે અહીં મોકલ્યો હોય, એમ કેમ માની ન શકાય? હું ઘણો જ મૂર્ખ કે નેત્રો બંધ કરીને બેસી રહ્યો. મારા મનમાં કિંચિદ્ માત્ર પણ શંકા આવી નહિ, કે આવો ભયંકર પ્રસંગ આવવાનો છે ! નીતિમાં એમ કહેલું છે કે, રાજમંત્રીએ સર્વદા જાણે શત્રુઓ ચઢી આવ્યા હોય, એવી શંકાથી જ રહેવું જોઈએ અને તે સત્ય છે, પણ હવે હું વિનાકારણ લાંબાં લાંબાં ભાષણો આપતો બેસી રહ્યો છું, એથી શો લાભ થવાનો છે? ભાગુરાયણ ! તમે ત્રણ ચાર જણે મળીને જે કાર્ય કર્યું, તે સર્વથા અનુચિત હતું. અને વળી એ પ્રપંચ રાક્ષસે કર્યો એવો લોકોના મનમાં ભ્રમ ઉપજાવ્યો છે, એ તે વળી તેના કરતાં પણ વધારે અયોગ્ય છે. હું એ પાપનું પ્રાયશ્ચિત્ત કરવાનો પ્રસંગ તમારે શિરે અવશ્ય લાવીશ, લાવીશ ને લાવીશ - ત્યારે જ મારા જીવનની સાર્થકતા થશે. તમારા કપટનાટકના રહસ્યને હજી હું બરાબર જાણી શક્યો નથી. પરંતુ એકવાર એ બધું મારા સમજવામાં આવ્યું, એટલે હું તમારા કરતાં સહસ્ત્ર વાર સરસ કહી શકાય તેવાં કપટનાટકો ભજવી શકીશ, અને તેમ કરીને તમારા બધાનો વિધ્વંસ કરીશ. હવે પાછો આ રાક્ષસને ભેટીશ નહિ. આ રાક્ષસ નન્દનો સેવક છે - જ્યાં સૂધી પૃથ્વીમાં નન્દ એ નામ માત્ર પણ કાયમ છે, ત્યાં સૂધી બીજા કોઈની પણ હું સેવા કરવાનો નથી.” એટલું બોલીને રાક્ષસ ભાગુરાયણને પીઠ દેખાડી મોઢું ફેરવીને મૌન્ય ધારી બેસી રહ્યો – એક શબ્દ પણ તેણે પાછો ઉચ્ચાર્યો નહિ. ભાગુરાયણને પણ હવે શેનો જવાબ આપવો, એની સૂઝ પડી નહિ, અને ત્યાં વધારે વાર બેસવામાં પણ લાભ નથી એમ પણ તેને જણાયું. તેથી તેણે “આપની જેવી ઇચ્છા હોય તેમ કરવાને આપ સમર્થ છો.” એટલું જ વાક્ય ઉચ્ચારીને ત્યાંથી પ્રયાણ કર્યું. જે કાંઈ બન્યું હતું, તે બધા કાર્યનો કર્તા બીજો જ છે, એમ જાણવા છતાં પણ તેનો સધળો આરોપ રાક્ષસના શિરે ઢોળી પાડવા જેટલી શક્તિ ભાગુરાયણમાં હતી નહિ. ગમે તેટલો તે દક્ષ હોય, તોપણ ઘણાંક વર્ષ સૂધી તેણે અમાત્ય રાક્ષસના હાથ નીચે કામ કર્યું હતું. એથી એકદમ તેના પર આટલો બધો દોષારોપ કરતાં તે અચકાયો હોય, તો તેમાં આશ્ચર્ય જેવું કાંઈપણ નથી. ભાગુરાયણ ત્યાંથી બહાર નીકળ્યો, તે વેળાએ પોતે જાણે કોઈ મોટા સંકટમાંથી મુક્ત થયો હોય, એમ તેને ભાસ્યું. ભાગુરાયણ એક સિપાહી ભાઈ હોવાથી કપટભાષણ કરીને બીજાના મનની વાત કાઢી લેવાની કળામાં તે કાચો હોય, એ સ્વાભાવિક હતું. ત્યાંથી નીકળી સીધો ચાણક્ય પાસે આવીને તેણે બનેલી સર્વ બીના ચાણક્યને અથેતિ કહી સંભળાવી. રાક્ષસ સુલભતાથી તો આપણા પંજામાં આવવાનો નથી જ, એ તો ચાણક્ય સારીરીતે જાણતો હતો; પરંતુ જો તેણે પોતા વિરુદ્ધ કાંઈપણ કપટવ્યૂહની રચના કરી હોય, તો તેની કાંઈક ખબર મેળવવાના હેતુથી, જ ચાણક્યે ભાગુરાયણને તેની પાસે મોકલ્યો હતો. ભાગુરાયણે ત્યાં જઈને જેટલી વેળા વીતાડી, તેટલી વેળામાં બીજી જે કાંઈ યોજનાઓ કરવાની હતી, તે ચાણક્યે યથાસ્થિત કરી રાખી, અને ચન્દ્રગુપ્તના હાથે રાક્ષસ પર પત્ર લખાવ્યું કે, “પર્વતેશ્વરને અમે પકડી લાવ્યા છીએ, એ સમાચાર આપે સેનાપતિના મુખથી સાંભળ્યા જ હશે. હવે પર્વતેશ્વરે જે આ ભયંકર અપરાધ કરેલો છે, એનો તેની પાસેથી જવાબ માંગીને તેને શિક્ષા કરવી કે તેના પુત્ર પાસેથી યોગ્ય ખંડણી લઈને તેને છોડી દેવો, એ વિશેના વિચાર માટે અધિકરણિકાની યોજના કરવાની છે. આપ નન્દકુળના સ્વામિનિષ્ઠ સેવક છો અને તેથી નન્દોનો જે આ ઘાત થયો છે, તેને માટે અપરાધીઓને યોગ્ય શિક્ષા આપવાનો અધિકાર આપને જ છે. માટે આપે જ અધિકરણિકત્વનો સ્વીકાર કરીને ન્યાય આપવો જોઇએ, એવી અમારી ઇચ્છા છે, એમ થવાથી લોકોનાં કલુષિત થએલાં મનો પણ શુદ્ધ થશે અને ખરા અપરાધીઓ તથા પ્રપંચ કરનારા કોણ છે, એનો પણ ઊહાપોહ થઈ જવાથી સર્વ કાર્ય ઉત્તમ પ્રકારે પાર પડી જશે. સારાંશ કે, આ મહત્ત્વના કાર્યમાં આપે વિલંબ ન કરવો, એ જ અમારી પ્રાર્થના છે. આ વિનતિનો અનાદર કરશો તો તે સ્વામીના કાર્યનો અનાદર કરવા બરાબર ગણાશે. ઇતિ.”
એ પત્ર ત્વરિત રાક્ષસને પહોંચી જાય, એની પણ વ્યવસ્થા કરવામાં આવી. એ પત્ર ચન્દ્રગુપ્તે મોકલેલું છે, એમ જણાતાં જ પ્રથમ તો રાક્ષસે તેને ફાડી નાંખવાનો વિચાર કર્યો, પરંતુ પછીથી તેને વાંચતાં જ તે આશ્ચર્યચકિત થઈ ગયો. પર્વતેશ્વરને શિક્ષા કરવામાટે અને ખરા પ્રપંચીઓને શોધી કાઢી તેમનો પણ પરાજય કરવા માટે આપણને અધિકરણિકત્વ આપીને તે આવવાનું કહે છે, એવી વિગત વાંચવાથી તેના મનમાં આશ્ચર્ય થાય, એ સાહજિક હતું. તેને માત્ર આશ્ચર્ય થયું; એટલું જ નહિ, પણ તેની બુદ્ધિ જડભરત જેવી થઈ ગઈ. “જે આ અધિકરણિકત્વનો હું અત્યારે સ્વીકાર કરું છું, તો ચન્દ્રગુપ્તની સેવા કરવા જેવું અને તેને નન્દના સિંહાસને બેસાડવામાં અનુમતિ આપવા જેવું થાય છે; અને જો એનો અસ્વીકાર કરું છું, તો આ કાવત્રામાં મારો કાંઈ પણ હાથ હતો, તેથી જ અપરાધીઓને શિક્ષા આપવાના પ્રમુખત્વનો મેં અસ્વીકાર કર્યો, એવી ખોટી અફવા ઉડાવવાનો એમને ધારેલો અવસર હસ્તગત થશે. માટે જો હું એ અધિકારને સ્વીકાર કરીશ, તો પર્વતેશ્વરને આડાઅવળા પ્રશ્નને પૂછીને એ ત્રણ જણનો આ પ્રપંચમાં કેટલોક હાથ હતો, તે હું જાણી શકીશ અને પછીથી તે જગતને દેખાડી શકીશ. સારાંશ કે, હાલ તો એ પ્રમુખપદે વિરાજવું અને એમના ખોદેલા ખાડામાં એમને જ હોમી દેવા - એટલે કે મને આ અધિકાર આપવામાં જો તેમની કાંઈ પણ કુત્સિત બુદ્ધિ હશે, તો તે ઝટ દઇને જણાઈ રહેશે. એ વિના અત્યારે આપણાથી સ્વતંત્ર રીતે કાંઈ પણ થઈ શકે તેમ નથી. હવે આપણા પક્ષમાં રહ્યું છે કોણ, એ જ નથી સમજાતું. જો હું કોઇને મારો વિશ્વાસપાત્ર ધારીને મારું ગુપ્ત કાર્ય કરવાનું કહું, અને તે જઇને શત્રુને કહી દે, એટલે પછી રહ્યું શું? એના કરતાં તેમણે મને અધિકાર આપવાની યોજના કરેલી છે, તે અધિકારને સ્વીકારીને તેમના ટાંટિયા તેમના જ ગળામાં નાંખવા, એ વધારે સારું છે.” એવો પૂર્ણ વિચાર કરીને રાક્ષસે પોતાના પ્રતિહારી દ્વારા નિમ્નલિખિત લિખિત ઉત્તર મોકલ્યું:-“વ્યાધપતિ પ્રદ્યુમ્નદેવના ચિરંજીવી કુમાર ચન્દ્રગુપ્તને અમાત્ય રાક્ષસના અનેક આશીર્વાદ હો ! વિશેષ, આપનું પત્ર મળ્યું, તેમાં લખ્યા પ્રમાણે પર્વતેશ્વરનાં કૃષ્ણ કારસ્થાનોની તપાસ કરવાનું મહત્ કાર્ય બજાવવાને હું તૈયાર છું. માત્ર તે તપાસમાં જે જે વ્યક્તિઓ અપરાધી સિદ્ધ થાય, તેમને હું કહું તે પ્રમાણે શિક્ષા થવી જોઇએ, એવી વ્યવસ્થા કરવાની કૃપા કરશો. મારું એ વચન માન્ય રખાય, તો બીજો કોઈ પણ જાતનો વાંધો મને નથી. નદવંશનો ઘાત કરનારાઓને શિક્ષા કરવારૂપ એ નષ્ટ વંશની આ છેલ્લી સેવા જ મારા હાથે થવાની છે. ઇતિ.” એ પત્ર વાંચતાં જ ચાણક્ય હર્ષઘેલો થઈ ગયો અને પોતાના નીતિનૈપુણ્યની હવે સીમા થઈ, એમ માનવા લાગ્યો. હર્ષના ઉભરામાં તે આત્મગત કહેવા લાગ્યો કે, “અમાત્ય રાક્ષસ ! હવે તું મારી જાળમાં પૂરેપૂરો સપડાયો !” એ વાક્યોયે ઉચ્ચારીને પોતાના વિજયના ચિન્હ તરીકે તેણે તાળી વગાડી.