૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/ ચાણક્યનું કારસ્થાન

← સંભાષણ શું થયું ? ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન
ચાણક્યનું કારસ્થાન
નારાયણ વિશનજી ઠક્કુર
૧૯૧૨
ચાણક્યની સ્વગત વિચારણા →


પ્રકરણ ૧૧ મું.
ચાણકયનું કારસ્થાન.

મુરાદેવીએ પોતાના કપટનાટકનો પ્રથમ પ્રવેશ ભજવી બતાવ્યો, તે દિવસથી રાજાએ એવો નિશ્ચય કર્યો હતો કે, “ હવે મુરાવીનું અંતઃપુર છોડીને મારે બીજે kયાંય જવું નહિ. મુરાદેવી ખરેખર એકલીન કાંતા છે. આજે મારો એનામાં પ્રેમ હોવાથી દ્વેષી જનોએ જેમ મારા ઘાતના પણ પ્રયત્નો પણ કરવા માંડ્યા છે; તેવી જ રીતે સોળ સત્તર વર્ષ પહેલાં પણ બિચારીએ નિર્દોષ નારીનો દ્વેષ કરીને મારા મનમાં અસત્ય શંકા ઉત્પન્ન કરી હતી અને એ વ્યર્થશંકાને સ્વાધીન થઈ મેં મૂર્ખે એના પુત્રની હત્યા કરાવી અને એને કારાગૃહવાસિની બનાવી. હશે - જે બનવાનું હતું તે બની ગયું - પણ હવે જ્યારે હું એનું ખરું મૂલ્ય જાણી શક્યો છું, ત્યારે હવે પછી તો એને પૂર્ણ રીતે સુખનો ઉપભેાગ આપવો જ જોઈએ.” એવો તેણે પોતાના મનમાં જ નિર્ધાર કરી રાખ્યો. બીજી રાણીઓને પોતાના જીવને જોખમ લગાડવાનો વિચાર છે, એ વાર્તા જ્યારે તેના સાંભળવામાં આવી, ત્યારે પ્રથમ તો તેનો તે સર્વનો નાશ કરવા માટેનો જ નિશ્ચય થઈ ગયો. પરંતુ મુરાદેવીએ તેના એ નિશ્ચયનો નિષેધ કર્યો અને રાજાને ઘણી જ આર્જવતાથી કહ્યું કે, “ મહારાજ ! દાસીએ સાધારણ રીતે સાંભળેલી વાતો આવીને મને કહી, તે અક્ષરે અક્ષર સત્ય કેમ માની શકાય વારુ ? કદાચિત્ એ બધી જ વાતો ખોટી હોય તો ? અથવા તો દાસીએ સાંભળ્યું હોય એક અને આવીને કહ્યું હોય બીજું તો? જો કે મારી સુમતિકાની મને ખાત્રી છે કે, તે કાંઈપણ બનાવટ કરીને કહે તેવી તો નથી જ; પરંતુ તેના સમજવામાં જ કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો ? મહારાજ ! એકવાર મારા સંબંધમાં આપે વિચાર કર્યો, તેટલો બસ છે; હવે કોઈને પણ વિના કારણ શિક્ષા હું તો જાણી જોઈને ન જ કરવા દેવાની. આપે જે વાતો સાંભળી છે, તેમની સત્યતાનો જો કાંઈ પ્રત્યક્ષ પૂરાવો મળી આવે, તો પછી આપ જેમ ઇચ્છો, તેમ કરવા સમર્થ છો.”

મુરાદેવીએ જ્યારે એ સંભાષણ કર્યું, ત્યારે તેના હાવભાવો નેત્રકટાક્ષો પણ એવા જ પ્રકારના થતા હતા કે, જોનારને એવો જ ભાવ થાય કે, મુરાદેવી નિષ્પક્ષપાતતા અને દયાશીલતાની જાણે એક મૂર્તિ જ છે. રાજાને તેનું એ બોલવું એટલું બધું કપટરહિત અને સરળ ભાસ્યું કે, તેણે તેની સરળતા અને ભોળાપણા માટે ઘણી જ પ્રશંશા કરી અને કહ્યું કે, “ તારા કહેવાથી જ હું હમણાં શાંત થઈને બેસીસ નહિ તો જેમણે અનેક સાચી ખોટી વાતો કરીને તારા વિશે મારા મનમાં શંકાઓ ઉપજાવી હતી, તે જ તું મારી પ્રેમપાત્રા થએલી છે, પોતાના પહેલાંના કાળાં કારસ્થાનો ઉઘાડાં પડી જશે, એવા ભયમાં શું કરશે અને શું નહિ, એનો નિયમ નથી. માટે એમને શિક્ષા કરવી જોઈએ, એવો મારો વિચાર હતો. પરંતુ એવો કોઈ પૂરાવો મળતા સુધી તું થોભવાનું કહે છે, તો હું માત્ર તારા શબ્દને માન આપી જાઉં છું. મારા મનની તો પક્કી ખાત્રી થઈ ચૂકી છે કે, સુમતિકાએ કહેલી બધી વાતો અક્ષરે અક્ષર ખરી અને પાયાદાર છે.” એમ કહીને તેણે મુરાદેવીને મહા પ્રેમથી આલિંગન આપ્યું. મુરાદેવીનું અંતઃકરણ આનંદથી ઉભરાઈ જવા માંડ્યું.

“મારા ગ્રહો હાલમાં સારાં સ્થાનોમાં પડેલાં હોય, એમ જણાય છે. જે કાર્યને હું હાથમાં ધરું છું, તે કાર્ય નિર્વિઘ્ને પાર પડવાનાં જ ચિન્હો દેખાય છે; તથાપિ એ વિજયના રંગથી ફુલાઈ જઈને અવિચારી કૃત્ય કરવું ન જોઈએ. જે કાંઈ પણ કરવું, તે સારી રીતે વિચારીને જ કરવું ! જોઈએ; અને પગલાં એવી રીતે ઉપાડવાં જોઈએ, કે તેમને પાછાં હટાવવાનો પ્રસંગ આવે નહિ.” એવો મનમાં જ વિચાર કરીને મુરાદેવી રાજાનું મન બીજી રાણીઓ વિશે કલુષિત કરવા માટેની જે જે યોજનાઓ કર વાની હતી, તે તે યોજનાઓ યોજવામાં તનમન ધનથી નિમગ્ન થઈ ગઈ.

ચાણક્ય અને મુરાદેવીનું પરસ્પર ગુપ્ત સંભાષણ થઈ રહ્યા પછી ચાણક્ય અંતઃપુરની સીમામાંથી બહાર નીકળ્યો. એ વેળાએ તેના હૃદયમાં આનંદનો પાર હતો નહિ, પાટલિપુત્રમાં પગ મૂક્યો, તે વેળાએ આટલા થોડા સમયમાં જ પોતાના સ્વીકૃત કાર્યની સિદ્ધિ માટેનાં આટલાં બધા અનુકૂલ સાધનો આપમેળે જ આવી મળશે, એવી તેને રંચમાત્ર પણ આશા હતી નહિ; છતાં પણ તે સાધનો મળી આવ્યાં, એટલે તેને એટલો બધો અપાર આનંદ થાય, એમાં આશ્ચર્ય થવા જેવું શું હોય વારુ?

મુરાદેવીની સહાયતા માટે તો તેના મનમાં શંકાજ નહોતી, અને એક વાત તેને કહેલી ન હોતી, તે કહીને પૂરો પૂરાવો આપ્યો, એટલે પછી કોઈ પણ સાહસ કરવાને તે આનાકાની કરે, એમ હતું જ નહિ, એ પણ્ તે સારી રીતે જાણતો હતો. પોતાને વિનાકારણ આપવામાં આવેલ્ દુ:ખોનું વૈર લેવા માટે તે જ્યારે આટલું બધું સાહસ કરવાને તૈયાર થયેલી છે, તો પોતાના પુત્રને સિંહાસનપર બેસાડવાની અને તેના પર સમ્રાટ ચક્રવર્તી છત્ર ચામરો ઢોળાતાં જોવાની મહત્ત્વાકાંક્ષાથી તે એનાથી. દસગણાં કે સોગણાં સાહસો કરવાને તૈયાર થઈ જવાની, એવી ઇચ્છાથી જ તેણે હવે પછીના કારસ્થાનની સઘળી રચના એક બીજા વિચારથી કરી રાખી હતી. ત્યારે પ્રથમ શી વાત કાઢવી, એનો તેણે વિગત વિચાર માંડ્યો અને અંતે એવો નિશ્ચય કર્યો કે,” પ્રથમ તો રાજગૃહે કદાચિત્ પ્રસંગ આવે તો પ્રત્યક્ષ રાજાસમક્ષ પણ જવા આવવાની રજા મેળવવી જોઈએ. પરંતુ રાજા પાસે એવી રીતે જવા આવવાથી, એ જ રાજસભામાંથી અપમાન પામીને અને રાજાને શાપ તથા ગાળો આપીને ગએલો બ્રાહ્મણ છે, એમ લોકો એાળખશે, એ વિઘ્નને ટાળવાનો શો પ્રયત્ન કરવો, એનો વિચાર પણ કરવો જોઇએ. હું કોપના આવેશમાં જે કાંઈ પણ બેાલ્યો હતો, તે રાજાએ, તેમના અધિકારીઓએ અથવા તો પંડિતોએ ધ્યાનમાં લેવાનું નથી, એમ કહીને પોતે હાર માની લેવી અને તેમની આંખોમાં ધૂળ નાંખીને પોતાનું કાર્ય સાધી લેવું, એ પ્રથમ માર્ગ, અથવા તો હું તે બ્રાહ્મણ જ નથી - હું તો મુરાદેવીના બંધુના રાજ્યમાં હિમાલયના એક ભાગમાં આશ્રમ કરીને રહેનારો બ્રાહ્મણ છું અને મુરાદેવીના બંધુએ મારા સ્વાધીનમાં આપેલા કુમારનો વિદ્યાભ્યાસ પૂરો થવાથી તીર્થયાત્રા કરી, તેના શિક્ષણની પૂર્ણાહુતિ કરવા માટે તે કુમાર સાથે અહીં આવેલો છું, એવી રીતે તેમને ફસાવવા, એ બીજો માર્ગ, અથવા તો જે વેળાએ જેવા પ્રસંગ આવે તેને અનુસરતો તેવો જવાબ આપીને વેળા વીતાડી દેવી, એ ત્રીજો માર્ગ.” એમાંથી પ્રથમ કયા માર્ગનું અવલંબન કરવું, એનો મનમાં ને મનમાં જ ચાણક્યે ઘણો જ ઊહાપોહ કર્યો અને એ સિદ્ધાંત તો નિશ્ચિત કર્યો કે, "વસુભુતિને ખાસ કરીને જણાવી દેવું કે, મેં તમને આજસુધીમાં મારો વૃત્તાંત કહેલો છે, તે અસત્ય છે, મારા અહીં આવવાનું કારણ તો મુરાદેવીની શી અવસ્થા છે, તે જાણી લેવાનું જ છે, અને કિરાત રાજાએ મને એ કાર્યમાટે મોકલેલો છે. અહીંના બધા સમાચાર હું મેળવી ચૂક્યો છું, માટે હવે ત્યાં પાછો જઈશ અને અમારા રાજાને મુરાદેવીને સમય આજકાલ સારો છે, ઇત્યાદિ કહી સંભળાવીશ. તે જ જો બીજા કોઈ કારણથી મને અહીં પાછો મોકલશે, તો આવીશ, અને જો આવીશ તો આપનાં દર્શનનો અવશ્ય લાભ લઈશ. આજસુધી મારો ખરો વૃત્તાંત આપનાથી છૂપાવી રાખ્યો, તેની ક્ષમા આપશો; કારણ કે, પોતાની ખરી સ્થિતિ એકદમ બીજાને જણાવી ન દેવી, એવી નીતિ જ છે ઈત્યાદિ કહીને તેને શાંત કરવો. વસુભૂતિને પણ મારા પક્ષમાં રાખવો જોઇએ. એની અને મારી જે મૈત્રી થએલી છે, તે કોઈપણ રીતે કામ તો આવવાની જ. તેમાં પણ સિદ્ધાર્થક તો ઘણો જ ઉપયોગનો થઈ પડશે.” એવી વિચારસંકળના ગોઠવીને તે વિહારમાં ગયો ને વસુભૂતિને કહ્યું કે, “મારે તમારાથી એકાંતમાં કાંઈ વાતચિત કરવાની છે.” વસુભૂતિ તેને એકાંતમાં લઈ ગયો. ત્યાં ચાણક્યે ભેદને ભાંગી નાખવાનો વિલક્ષણ ભાવ કરીને પોતાનો નવીન રચેલો વૃત્તાંત સમગ્ર કહી સંભળાવ્યો અને પોતાથી થએલા અપરાધની ઘણી જ નમ્રતાથી ક્ષમા માગી, એ ભાષણ તેણે એવી ચતુરતાથી કર્યું કે, બિચારો વસુભૂતિ પૂર્ણ રીતે તેના કપટજાળમાં ફસાઈ ગયો અને સામો નમ્રતાથી ચાણક્યને કહેવા લાગ્યો કે, “બ્રાહ્મણવર્ય ! એની કાંઈપણ ચિન્તા તારે કરવી નહિ; ક્ષમા માગવાની કાંઈપણ અગત્ય નથી, પારકા પ્રદેશમાં એકદમ પોતાની આંતરિક સ્થિતિનો સ્ફોટ ન કરવો, એવી જ્યારે નીતિ જ છે, તો પછી એમાં તારો અપરાધ જ શો છે?” એમ કહીને વસુભૂતિએ ચાણક્યના મનનું સમાધાન કર્યું, તથાપિ “આપના જેવા એક સ્વપ્ને પણ અસત્ય ન બોલનારા પવિત્ર બુદ્ધિભિક્ષુ સમક્ષ મેં જે આટલું બધું અસત્ય ભાષણ કર્યું, તેને માટે મને એટલો બધો પશ્ચાત્તાપ થાય છે કે, જેનું વર્ણન કરી શકાય તેમ નથી.” એવા ચાણક્યે પાછો પોતાના અપરાધનો ઉલ્લેખ કર્યો. ચાણક્યના વાગ્જાળમાં વસુભૂતિ વધારે અને વધારે ફસાતો ગયો, અને તેણે વારંવાર ચાણક્યનું સમાધાન કર્યું એટલામાં વૃન્દમાલા ત્યાં આવી પહોંચી એટલે તો ચાણક્યના પશ્ચાત્તાપની પરિસીમા જ થઈ ગઈ, હું કોણ છું અને પાટલિપુત્રમાં શામાટે આવ્યો છું, એ મેં પ્રથમ આને જણાવ્યું અને તેથી એણે સહાયતા કરીને મારો અને મુરાદેવીનો મેલાપ કરાવી આપ્યો. મારું કાર્ય હવે સમાપ્ત થયું છે. માટે હવે માયાદેવીને અહીંના શુભ સમાચાર કહી સંભળાવવા માટે મારે અહીંથી જવું જ જોઈએ. અહા ! આજે મારા મનમાં કેટલો બધો આનંદ થાય છે ! પરંતુ એ આનંદનું ખરેખરું કારણ પૂછો, તો તે આ તમારી શિષ્યા વૃન્દમાલા જ છે. એને મેં મારી ખરી હકીકત જણાવતાં જ એણે મને મુરાદેવીથી મેળવી આપવાનું કબૂલ કર્યું હતું અને તે પ્રમાણે કરી પણ બતાવ્યું છે.” એમ કહીને તેણે વૃન્દમાલાની પ્રશંસા કરવાનો પ્રારંભ કર્યો. તે પ્રશંસા તેણે એવી તો ઉત્તમતાથી કરી કે, વૃન્દમાલા આનંદના સાગરમાં મ્હાલવા લાગી અને જે કાર્ય માટે પોતે આવેલી હતી, તે કાર્યને તે ભૂલી જ ગઈ વળી ચાણક્ય તે ગુરુ શિષ્યા, બન્નેને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે, “હવે હું પાછો મારા આશ્રમમાં જાઉં છું. મને અહીં આવ્યાને ઘણા દિવસ થયા માટે આશ્રમના કુલપતિ મારાપર કોપ કરશે અને કિરાત રાજાના મનમાં પણ ચિંતા થઈ પડશે.” એમ કહીને વસુભૂતિ તથા વૃન્દમાલાની આજ્ઞા લઈને તેણે વિદાય થવાની તૈયારી કરી અને જતાં જતાં વળી પણ કહ્યું કે, “કિરાત રાજાનો પોતાના પુત્ર એટલે મુરાદેવીના ભત્રીજાને રાજધર્મ શીખવવા માટે અથવા તો દેશપર્યટન કરવા માટે થોડા દિવસ પાટલિપુત્ર મોકલવાનો વિચાર છે. જો તે પોતાના પુત્ર સાથે મને જ અહીં મોકલશે, તો મારા પુનઃ અહીં આવવાનો સંભવ છે અને જો હું આવીશ, તો આપને મળ્યા વિના રહીશ નહિ.” ચાણક્ય એ પ્રમાણે બોલતો હતો, એટલામાં વૃન્દમાલા જે પ્રશંસાના પ્રવાહમાં તણાઈ ગઈ હતી, તે પોતાના જ્ઞાનરૂપી તીર તરફ પાછી વળી અને મુરાદેવીના ભાષણનાં જે છેલ્લાં વાક્યો તેણે સાંભળ્યાં હતાં, તે વિશે આ બ્રાહ્મણને પૂછતાં એ ખરું કહે છે કે નહિ? અથવા તો પોતે એમ સાંભળ્યું જ નથી, એવું પણ ઉત્તર આપે છે કે કેમ ? જોઈએ તો ખરાં, એવો મનોનિર્ધાર કરીને તે ચાણક્યને પૂછવા લાગી કે, “બ્રહ્મવર્ય ! આપ જે વેળાએ મુરાદેવીથી છૂટા પડ્યા, ત્યારે તમને તેણે છેલ્લા શબ્દો શા કહ્યા હતા, તે કૃપા કરીને કહેશો ? મેં એમાંના કેટલાક શબ્દો સાંભળ્યા હતા, અને તે સમયથી જ આપ મળો ત્યારે એ વિશે વાત કાઢવાનો મારો વિચાર હતો. હમણાં એવો પ્રસંગ મળ્યો છે, એટલે પૂછી લેવાનું હું વ્યાજબી ધારું છું. કાંઈ હરકત તો નથી ને?

“મુરાદેવીએ ? મુરાદેવીએ તો પોતાના બંધુને અને માતાને જે કાંઈ સંદેશો કહેવડાવવાનો હતો, તે વિશે જ કહ્યું હતું. કોઈ પોતાને પિયેર જવાને નીકળ્યું કે, સ્ત્રીઓ કેવા સંદેશા કહેવડાવે છે, તે તો તું જાણે જ છે એ સઘળું મારા તો ધ્યાનમાં પણ રહ્યું નથી. સરવાળે બધી વાતોનો સારાંશ એટલો જ હતો કે, હું હવે સારી રીતે સુખમાં છું. ગયાં સત્તર અઢાર વર્ષ સૂધી મને જે દુઃખ વેઠવું પડયું છે, તેનો બદલો હવે મને સારીરીતે મળતો જાય છે. માટે જ્યારે હવે આ સુખના દિવસો આવ્યા છે, તો તમે પણ આવીને તે જોઈ જાઓ. તમે ન જ આવી શકો, તો મારા ભત્રીજાને તો એકવાર મોકલો. એ જ તેનો સંદેશો હતો, એ વિના પોતાના પિયરના મનુષ્યને બીજું તે શું કહેવાનું હોય?” ચાણક્યે ગોળમટોળ ઉત્તર કહી સંભળાવ્યું.

“ના-ના” વૃન્દમાલા એકાએક બોલી. “એ સંદેશો નહિ. જો આવી સહાયતા મને મળે તો તો વધારે સારું, પણ જો એવી સહાયતા ન પણ મળે, તો પણ મારી પ્રતિજ્ઞા પ્રમાણે સમસ્ત કાર્યનું સુખદ પરિણામ લાવવાની મેં તો બધી તૈયારીઓ કરી જ રાખેલી છે. એવા અર્થમાં, તે જે કાંઈ પણ બોલી હતી, તે શું હતું - તે હું જાણવા માગું છું. તમે જ્યારે, જવાને તૈયાર થયા હતા, ત્યારે તેના મુખમાંથી નીકળેલા એ શબ્દ મારા સાંભળવામાં આવ્યા હતા.”

વૃન્દમાલાનાં એ વાકય સાંભળતાં જ ચાણક્ય જરાક ગભરાયો પરંતુ પોતાના એ ગભરાટને જાહેર ન કરતાં જાણે કાંઈ જ જાણ્યું ન હોયને ! તેવી રીતે પોતાના મન સાથે જ બબડતો કહેવા લાગ્યો કે, “મારી અને વળી સહાયતા? એ શબ્દો તેના મુખમાંથી નીકળ્યા? એવા શબ્દો સાંભળવાનું કાંઇપણ મારા સ્મરણમાં તો નથી. ૫ણ–પણ-પણ તેણે એમ કહ્યું હતું ખરું કે, આ વેળાએ મહારાજાનો પ્રેમ મારામાં કાયમ રહે, એટલામાટે મારા પિયરમાંનું કોઈપણ માણસ આવીને અહીં રહે તો વધારે સારું. નહિ તો મારો દ્વેષ કરનારી મારી સોક્યો મારી વળી પણ શી દશા કરશે અને શી નહિ, એનો નિયમ નથી. અર્થાત્ મને મારા પક્ષના કોઇ૫ણ મનુષ્યની અત્યારે ઘણી જ અગત્ય છે. આજ સૂધીતો કોઈ પણ ન આવ્યું, એ તો ઠીક; પણ હવે આ સુખના દિવસોમાં પણ કોઈ નહિ આવે, તો પછી આપના તરફના કોઈપણ મનુષ્યનું હું મરણ પર્યન્ત મુખ પણ જોવાની નથી, એવી મેં પ્રતિજ્ઞા કરેલી છે, એવું કાંઈ તે બોલી'તી ખરી. બીજુ તો મને કાંઈ સાંભરતું નથી. પછી એમાંથીજ તેં કાંઈ સાંભળ્યું હોય તો કોણ જાણે ! મને તેણે એવો આગ્રહ કરેલો છે કે, મારી માતુશ્રી અને મારા ભત્રીજાને ગમેતો ચાર દિવસને માટે પણ અહીં તેડી જ આવજે. એવો આગ્રહ છતાં પણ જો કોઈ નહિ આવે, તો પછી મારા મને પિયરિયાં મુઆ જેવાં જ છે તો, એ જ તેની પ્રતિજ્ઞા – બીજું કાંઈપણ નથી.” ચાણક્યનું એ ઉત્તર સાંભળીને વૃન્દમાલા આશ્ચર્યચકિત થઈ ગઈ. તે મનમાં જ વિચારવા લાગી, “મને જે સંશય થયો હતો તે શું સત્ય હતો? મુરાદેવીએ કારાગૃહમાંથી છૂટતાં જ જે પ્રતિજ્ઞા કરી હતી કોઈ પણ પ્રકારે રાજાનો પ્રેમ પાછો મેળવીને હું તેના મોઢામાં ધૂળ નાખીશ, સઘળા રાજ્યનું સત્યાનાશ વાળીશ અને રાજવંશને વિધ્વંસ કરી ને મારા પિયરમાંના કોઈ પણ મનુષ્યને સિંહાસનારૂઢ કરીશ ઇત્યાદિ તે જે બોલતી હતી, તેને કરી બતાવવાનો જ આ પ્રારંભ થાય છે, એમ તેને ભાસ્યું હતું, તે શું સર્વથા અસત્ય હતું?” એવા વિચારો તેના મનમાં આવતાં તે ઘણી જ વિમાસણમાં પડી ગઈ. પરંતુ હવે ચાણક્યને એ વિશે તેણે વધારે કાંઈ પણ પૂછ્યું નહિ. તેના મનમાંના વિચારોને તેણે મનમાં જ સંતાડી રાખ્યા.

ચાણક્ય બીજે દિવસે પાટલિપુત્રમાંથી પ્રયાણ કરી ગયો.

માર્ગમાં વિચરતાં નીચે પ્રમાણે તેનો મનો વ્યાપાર ચાલતો જ રહ્યો.

”અહીં સુધીનું બધું કાર્ય તો નિર્વિઘ્ને પાર પડ્યું, પરંતુ હવે આગળ શું? અત્યાર સૂધીના શોધથી આપણા કાર્યને ઇષ્ટ થાય એવી અંતઃરચના મગધમાં છે કે નહિ? એટલો જ નિર્ણય થયો – અને તે મારા જ્ઞાનથી કરી શકાયું. પણ ભવિષ્યમાં હવે શો ઉપાય કરવો? મુરાદેવીને એમ કહેવું કે, ચન્દ્રગુપ્ત જ તારો ભત્રીજો છે અને ચન્દ્રગુપ્તને રાજપુત્રને છાજે તેવા દોરદમામથી મગધદેશમાં લાવીને પુષ્પપુરમાં અધિષ્ઠત કરવો. એ તે બધું યુક્તિથી કરી શકાય એમ છે. પરંતુ એ સર્વ યુક્તિને અમલમાં કેવી રીતે લાવી શકાય? હું જાતે દરિદ્રી અને ચન્દ્રગુપ્ત પણ ગોવાળિયાને ત્યાં ઉછરેલો. એવી સ્થિતિમાં તેને રાજપુત્રના વેશથી મગધ દેશમાં લઈ જઈને નોકર ચાકરોના ઠાઠમાઠથી રાખવો, એ કાંઈ સહજમાં બની શકે એવી વાત નથી. આપણી પર્ણકુટીમાં તો એક ફૂટી બદામ પણ છે નહિ અને એ વેશધારી રાજકુમારને લઈને મગધદેશમાં વસવાનું છે. અર્થાત્ આપણાં મોહક ભાષણ અને ચાતુર્યથી જ લોભાઈને એક નિષ્ઠાથી કોઈપણ આપણી સેવા કરવાનું નથી. અત્યારસુધી એકલા રહેવાથી હું ગમેતેમ ચલાવી શક્યો; પરંતુ હવે પછી તો એક નહિ પણ અનેક ગુપ્ત દૂતો પણ રાખવા પડશે, ઘણાકોને ઘણીરીતે સંતોષ આપીને પોતાનું કામ કાઢી લેવું પડશે- ઇત્યાદિ કાર્યો કરવાં અને ચાકર નોકર રાખવા, એ બધું ધનની સહાયતા વિના યથાર્થ રીતે થવું અશક્ય છે. પણ ધન ક્યાં છે?”

ચાણક્યને પોતાને તો ખરેખર એક કોડીની પણ જરૂર ન હતી. તેના જેવો નિ:સ્પૃહી અને નિરાકાંક્ષ મનુષ્ય જો કોઈ હોય તો તે પોતે જ હતો, બીજો કોઈ નહોતો, એમ કહીએ તો તે ચાલી શકે તેમ છે. પરંતુ સ્વીકારેલા કાર્યને પાર પાડવા માટે તો ધનની અગત્ય હતી જ, અર્થાત્ ધન ક્યાંથી લાવવું? એની તેને ઘણી જ ચિંતા થઈ પડી. એ ચિંતામાં જ તે ધીમે ધીમે માર્ગમાં ચાલ્યો જતો હતો. પાછા તેના મનમાં બીજા પ્રકારના વિચારો આવવા માંડ્યા, “પાછળ ચન્દ્રગુપ્તે આશ્રમની કેવી વ્યવસ્થા રાખી હશે? ત્યાંના ભિલ્લ, ખાસ, પ્રાચ્ય ગોંડ અને ખાંડ વગેરે લોકોના બાળકોને તેણે સારી રીતે સાચવ્યા હશે, કે તેમનાથી લડી ઝગડીને આશ્રમને ઉદ્ધવસ્ત કરી નાંખ્યું હશે?” એની પણ તેને ચિંતા થવા માંડી. આજ સૂધી આશ્રમને વ્યવસ્થાથી ચલાવવામાં તેને શ્રમ વેઠવો પડતો નહોતો; કારણ કે, કંદ, મૂળ અને ફળો તેના તરુણ શિષ્યો અરણ્યમાંથી લઈ આવતા હતા અને તેઓ પોતે શિકાર કરીતે પોતાનું પેટ ભરતા હતા અને આશ્રમમાં આવી વિદ્યાનો અભ્યાસ કરતા હતા. ઉપરાંત ભિલ્લ કિરાતાદિના રાજા, એ તપોનિષ્ઠ બ્રાહ્મણ પોતાના બાળકોને ભણાવે છે, એવી ધારણાથી પોતાની શક્તિ પ્રમાણે કેટલીક વસ્તુઓ તેને પહોંચાડતા હતા, પણ હવે એટલાથી જ પૂરું થઈ શકે તેમ હતું નહિ. હવે જે કારસ્થાનો કરવાનાં હતાં, તેમાં એના કરતાં ઘણા જ વધારે સાધનોની આવશ્યકતા હતી - એને માટે તો એક સારો અને મોટો ધનભંડાર જોઈએ. અંતે તેણે વિચાર કર્યો કે, “કાંઈ ચિન્તા નહિ. હવે આશ્રમમાં જઈને મારા શિષ્યોની વિદ્યાની પરીક્ષા લેવાની છે. ગ્રીક યવનોને લુંટીને દ્રવ્ય મેળવીશ જ. કોઈપણ રીતે ધનની પ્રાપ્તિ સત્વર થાય, એવા ઉપાયની યોજના કરવી જોઈએ” એવી ધારણા કરીને ખિન્ન ચિત્ત થએલો ચાણક્ય પોતાના આશ્રમની દિશામાં વિચરવા લાગ્યો.

તે જેમ જેમ પોતાના આશ્રમની પાસે પાસે પહોંચતો ગયો, તેમ તેમ તેના મનની ચિંતા વધારે અને વધારે વધવા લાગી; પરંતુ જ્યારે તે આશ્રમના દ્વાર પાસ પહોચ્યો, ત્યારે તેની મનોવ્યથામાં કાંઈક ન્યૂનતા થતાં “મારો પ્રિય શિષ્ય મને જોતાં કયા શબ્દોથી મને આવકાર આપશે ? તેના મનમાં કેવો આનંદ થશે!” ઇત્યાદિ વિચારતરંગો તેના હૃદયસમુદ્રમાં ઉદ્દભવવા લાગ્યા. એવી રીતે કાંઈક ચિતા અને કાંઈક ઉત્સુકતાવાળા અંત:કરણથી ચાણક્ય પોતાના આશ્રમમાં પ્રવિષ્ટ થયેા. દ્વારમાં પ્રવેશ કરતાં જ તેના શોકપૂર્ણ હૃદયમાં કિંચિદ્ આનંદનો પ્રકાશ થતો દેખાયો. એ આનંદનું કારણ શું હશે ? એનો વિચાર કરતો જ તપોવનમાં તે આગળ વધ્યો, એટલે દૂર કાંઈક આનંદનો કોલાહલ થતો તેના સાંભળવામાં આવ્યો. “મારા શિષ્યો ક્યાંક આટલામાં જ હોવા જોઈએ. કોઈએ ક્યાંક મોટો સાવજ, અરણ્ય મહીશ, અરણ્ય સૂકર, વ્યાધ્ર કે સિંહનો શિકાર માર્યો હશે અને તે મારનારના અભિનંદન માટે જ આ આટલો બધો હર્ષનો આમર્ષ થતો હશે. એવી સ્થિતિમાં જો હું તેમની સામે જઈને ઉભો રહીશ, તો તેમના આનંદનો પારાવાર થશે, તેઓ હર્ષઘેલા બની જશે.” એવો વિચાર કરીને ચાણક્ય તે ગડબડના અનુરોધે આગળ ચાલ્યો અને જરાક દૂર એક વૃક્ષની આડમાં ઉભેા રહીને ત્યાં ચાલતો બધો પ્રકાર જોવા લાગ્યો. ત્યાં સર્વ બાળકો એકઠા થએલા હતા, અને તેમના મધ્યમાં ચન્દ્રગુપ્ત બેઠેલો હતો. એક બાજુએ બે ચાર યવનો દોરીથી બાંધેલા ઊભા હતા અને તેમની દેખરેખ માટે તેટલા જ શિષ્યો પણ તેમની પાછળ તીરકામઠાં લઈને ઊભા હતા. તેઓ પોતપોતામાં ઘણાં જ ઉત્સાહથી સંભાષણ કરતા હતા. નીચે પ્રમાણેનું સંભાષણ ચાણક્યના સાંભળવામાં આવ્યું:-

“ચન્દ્રગુપ્ત ! આજે જો ગુરુજી અહીં હોત, તો તેમણે તને કેટલો બધો ધન્યવાદ આપ્યો હોત ?” બે ચાર શિષ્યોએ હર્ષપૂર્વક કહ્યું.

“વીર મિત્રો ! તમે એમ કેમ કહો છો ? 'આપણને કેટલો બધો ધન્યવાદ આપ્યો હોત?' એમ કેમ નથી કહેતા ? આ પ્રસંગે જેટલો પરાક્રમ મેં કર્યો છે, તેથી વધારે પરાક્રમ તમારો છે. ગમે તેમ હો, પણ મિત્રો ! આ નિધિ - આ દ્રવ્ય આપણે હાલ તો જેમનું તેમ સંતાડી રાખીશું અને ગુરુજી આવશે એટલે એ ગુરુદક્ષિણા તેમનાં ચરણમાં અપર્ણ કરીશું, કેમ એ વિચારમાં તમે મને મળતા છો ને?” ચંદ્રગુપ્ત પોતાની નિરભિમાનતાનું દર્શન કરાવ્યું.

“મળતા એટલે ? ચન્દ્રગુપ્ત ! આજે તું આવા પ્રશ્ન તે કેમ કરે છે? આ બધી ગુરુ દક્ષિણા જ છે, આપણો એમાં અધિકાર નથી.” સર્વ શિષ્યોએ તત્કાળ અનુમોદન આપતાં પોકાર કરીને કહ્યું.

પરાક્રમ, નિધિ અને દ્રવ્ય એ શબ્દો સાંભળતાં જ ચાણક્ય એકાએક આશ્ચર્યચકિત થઈ ગયો. “એ બાળકોએ પરાક્રમ કરીને ક્યાંકથી નિધિ મેળવ્યો છે કે શું? જો એમ જ હોય, તો મારે એ બધાને ખરેખર ધન્યવાદ આપવા જ જોઈએ” એવો મનમાં નિશ્ચય કરીને ચાણક્ય આગળ વધ્યો. “જે વેળાએ દ્રવ્યની આટલી બધી આવશ્યકતા છે, તેવા સમયમાં જે આ બાળવીરોએ કોઈ પણ પરાક્રમથી કોઈ શત્રુને જિતીને જો ધન સંપાદન કર્યું હોય, તો અર્ધ કાર્ય તો પાર પડ્યું જ સમજવું ?” તે શિષ્યો પાસે આવી પહોંચ્યો, અને આવતાં જ “વત્સો ! ચિરાયુ થાઓ. તમારી આ મારા પ્રત્યેની પ્રીતિને જોઈને હું ઘણો જ સંતુષ્ટ થયો છું - એ આનંદનું મારાથી વર્ણન કરી નથી શકાતું,” તેણે એવો આશીર્વાદ આપ્યો. એટલામાં તે બાળકોના મધ્ય ભાગમાં પડેલો સોનાના સિક્કાનો મોટો ઢગલો તેના જોવામાં આવ્યો. તેનાં નેત્રો એકદમ અંજાઈ ગયા જેવું તેના મનમાં થઈ ગયું. ગુરુજીના સંબંધમાં જ વાતચિત ચાલતી હતી, એટલામાં ગુરુજી પોતે જ આવી પહોંચ્યા, એ જોઈને સર્વ શિષ્યોને આશ્ચર્ય અને આનંદનો એક સમયાવચ્છેદે આઘાત થયો. એ આશ્ચર્યની કાંઈક ન્યૂનતા થતાં સર્વ શિષ્યોએ ધણા જ ભક્તિભાવથી ચાણક્યને સાષ્ટાંગ ચરણવંદન કર્યું એકે લાવીને આસન બિછાવ્યું અને બીજાએ ગુરુજીને તેનાપર બેસવાની વિજ્ઞપ્તિ કરી. તેના બેસવા પછી વીરવત નામને એક શિષ્ય તત્કાળ ચાણક્યને કહેવા લાગ્યો કે, “ગુરુમહારાજ ! આજે આ ચન્દ્રગુપ્ત પાંચ સાતસો ગ્રીક યવનોપર હલ્લો કરીને તેમનો પરાજય કરેલો છે. કેટલાક મરણ શરણ થયા અને કેટલાક જીવ લઈને ન્હાસી ગયા હતા. આ ચાર પાંચ યવનો અમારા હાથમાં જીવતા જાગતા આવી ગયા છે, તેમને અમે બાંધીને અહીં લઈ આવ્યા છીએ. કોઈના રાજ્યમાં પ્રવેશ કરી ત્યાંની ગરીબ પ્રજાને લૂટી, આ લૂટનો માલ તેઓ પોતાના રાજા સલૂક્ષસ નિકત્તરને મોકલતા હતા - તે માલ એમની પાસેથી અમે પડાવી લીધો છે. ગુરુજી ! ચન્દ્રગુપ્તનાં પરાક્રમો........…..”

“ગુરુરાજ!” તેને બોલતો અટકાવીને ચન્દ્રગુપ્ત વચમાં જ બોલી ઊઠ્યો “મારા એકલાનું જ નામ એ વ્યર્થ આગળ ધરે છે. આ બધાએાએ આજે એકસરખું પરાક્રમનું કાર્ય કરેલું છે. ગમે તેમ હો પણ આ સઘળું ધન ગુરુદક્ષિણા તરીકે આપનાં ચરણોમાં સમર્પિત કરવાનો અને આ યવનોને આ૫ના દાસ તરીકે અર્પવાનો અમે બધાએ નિશ્ચય કરેલો છે. અમારાં મહા ભાગ્ય કે, અમારી એ ગુરુદક્ષિણાનો સ્વીકાર કરવા માટે આપ આજે જ અહીં આવી પહોંચ્યા. હવે આનો સ્વીકાર કરો અને આશીર્વાદ આપીને અમારા શિરપર કૃપાથી કર ધરો.” એ તેનું ભાષણ સંપૂર્ણ થતાં જ સર્વ શિષ્યોએ “ગુરુજીનો જયજયકાર હો ! આર્ય ચાણક્યનો જયજયકાર હો !! એવો જયજયકારનો ગગનભેદક ધ્વનિ કર્યો.

એ જય જયકારનો ધ્વનિ સાંભળતાં જ ચાણક્યનાં ચક્ષુમાંથી પ્રેમનાં અશ્રુનું વહન થવા લાગ્યું. તે એના પ્રત્યુત્તરમાં એક પણ શબ્દનો ઉચ્ચાર કરી શક્યા નહિ. વીરવ્રત અને ચન્દ્રગુપ્ત આદિ જે શિષ્યો પાસે જ ઉભા હતા, તેમને તેણે ઘણા જ પ્રેમથી પસવાર્યો અને “વત્સો ! આ ધન મેળવીને આજે તમે એક એવું મોટું કાર્ય કરેલું છે, કે તેની તમારા મસ્તિષ્કમાં કલ્પના માત્ર પણ નથી.” એટલો ઉદ્ગાર રુંધાતા કંઠે તેણે મુખમાંથી બહાર કાઢ્યો. વધારે તે બોલી ન શક્યો.

એ બનાવને એક બે દિવસ વીતી ગયા પછી વીરવ્રત અને ચન્દ્રગુપ્તને એકાંતમાં બોલાવીને ચાણક્યે જે કહેવાનું હતું, તે કહી સંભાળાવ્યું. વીરવ્રતને તેણે આશ્રમની વ્યવસ્થા રાખવા માટે અને પોતા તરફથી જ કાંઈપણ આજ્ઞાપત્ર આવે, તે પ્રમાણે કરવાને આશ્રમમાં જ રાખવામાં આવ્યો અને રાજપુત્રને યોગ્ય થાય, એવા સર્વ પરિવાર લઈને તથા ચન્દ્રગુપ્તને રાજકુમારનો વેશ ધારણ કરાવીને, ચાણક્ય તેને લઈ પાટલિપુત્રમાં પાછો આવ્યો. યવનો પાસેથી મળેલું સઘળું ધન તેણે પોતાસાથે જ રાખ્યું હતું, એ કહેવું પડે તેમ નથી; કારણ કે, વાચકો એ વિશે અનુમાન કરી શકે તેમ છે.