અંગદવિષ્ટિ
શામળ


અંગદવિષ્ટિ.

ઝુલણા છંદ.

આરાધું અન્નપૂરણા ચિંતા કર ચૂરણા, કરુણા કર તું ઘણું કામ થાશે;
પૂજ્ય પરબ્રહ્મને ધારી એ ધરમને, કરમ તે શરમથી ઘર ઘાસે.
ભંડાર અભરે ભરે સુખસાગર તરે, સકળ સંકટ હરે ગંગ ન્હાશે
કહે કવિરાજ રાખે લખ લાજ, જે કોઈ બહુચરી ચરણ સ્હાશે
ધરમ ને અરથ ને કામ સફળ ફળે, મોક્ષ મહિમા મળે ધરમ ધામે;
સૂત્ર ને પુત્ર સપુત સુખસાગરે, દિવ્ય દાતાર ઠાર ઠામ ઠામે;
સત્ય ને શીળ સંતોષ શ્રીવંતસુખ, કોટિક જનમથી કીધ કામે;
કહત સામળ સજો તાપ ત્રિવિધ તજો, રિદ્ધિ ને સિદ્ધિ શ્રી રામનામે

દુહો.

શ્રીપતિ ગણપતિ સરસ્વતિ, કરણ કોટિધા કામ;
કહે કવિ સામળ કરજોડી, ચરિત્ર હૃદે ધરું રામ.
રાજરાજેશ્વર રામજી, જગ્તપાવન જશરૂપ;
લંકાગઢ કોશીસ વડે, પોત્યા ભારે ભૂપ.
સેતુપાજ બાંધી સબલ, ઉતરીયા ત્રઠ તીર;
દયાવંત દાતા નિધિ શ્રી રાજસ રઘુવીર.
રામ હૃદે વિચારિયું, પૂરણ આણી પ્રીત;
જુદ્ધ જોર થાએ નહીં, તો તો રુડી રીત.
વિચારયું વિષ્ટિકારણે, નર કુણ નિર્ભે હોય;
એમ વિચારી આપથી, સેના સામું જોય.

છપય.

હનુમાન હઠીલો હોય, જોતાં રાડ જ માંડે;
ટુંકારો નવ સહે તંન, મનથી રોષ ન છાંડે;
સુગ્રીવ સિંહાસન ઠામ, કામ ક્યમ એવું કહિયે.
નલ લીલ જાંબુવાન, ચિત્ત વિશ્વાસ ન લહિયે;

શરપૂર દૃઢ ધીર મહા, સાહસીક લાયક લહું;
માન સન્માન સુભટ સહિત, ક્યમ અંગદ પ્રત્યે કહું

દુહો.

નિર્મળ નજર નિશ્ચળ કરી, ચાતુર નર ચિત્ત ચહાય;
પ્રીછ્યો અંગદ પેર પ્રિય, પ્રીતે પ્રણમ્યો પાય.
રાજ મુને શી આગન્યા, હુકમ ચડાવું શીશ;
વાત તમારા મનતણી, ધારી મેં જગદીશ.

કાવ્ય છંદ.

અંગદકું કહે રામ, કામ કરનેકું જાઓ;
રાવનસેં કર બાત, વિષ્ટિ કર બેગે આઓ.
જ્યૌં બાઢે નહિ બેર, પેર ઐસી તુમ કીજે;
રાજ કરો ગઢલંક, સીત લછમનકું દીજે.
તકસિર બકસિર તોય, કોય નહિ બેર હમારે;
ઐસી કર લે આજ, ચિત્ત જ્યોં ચાહ તુમારે.

છપય.

નતરુ ચઢે કપિરાજ, લાજ લોપે ગઢ ભેલે;
જહં સુખસેજા ઠામ, ગામમેં બંદર ખેલે;
બંશ વિપ્રકો તંન, મનસુ રાઢ ન સાંધે,
નતરુ હર સબ જોર, ચોર કર પલમેં બાંધે.

પુનિ રાવનકું રીઝાવ લ્યો, કહો સીત દેવે સહી;
સામળ કહે ઐસી બાતમેં, રોષ દોષ દેવે નહીં.

દુહા.

અં- કહે અંગદ કર જોરકે, નિર્ગુનસો કહા નેહ;
કહા અગર ખર કાકકું, જૈસા ઊખર મેહ.
રામ-સ્વભાવ યહ સત બાતકો, અકલ બડીકો અંક;
રામ કહે આપનો પ્રિછે, બડા ન કાઢે બંક.

છપય.

કહા કપૂત કું ધંન, મન કહા મૂરખા સંગા;
કહા કાકકું કનક, કહા ગર્દભકું ગંગા;
કહા ખરકું અગર, કહા નિર્ગુનસોં નેહા;
કહા સુત્તકી સેવ, કહા ગરુની બિન ગેહા.

પુનિ કહા બહેરેશું ગાન, કહા ચોરસોં ચાતરી;
કહા રાવનસું રીઝબન, જૈસા દેવ ઐસી પાતરી.

દુહો.

રામ-બ્રહ્મરાક્ષસ એ ભૂપતિ. ખરી રત્નાકર ખાણ;
દશે શીશ રણ રોળતાં, હણતાં મોટી હાણ. ૧૮

છપય.

અં-કહા મૂરખસેં મેલ, કહા કાયાબિન માયા;
કહાં રંકસે રુઠ, કહા સેના બિન રાયા;
કહાં નપુંસકસેં નાર, અપંગસે કહા અટારી;
કહા દરિદ્રકું દામ, કહા પરસ્ત્રીસેં યારી;

પુનિ કહા કુદસકો કૂટનો, કહા ધડિતસોં પારસી;
કહા રાવનકો રીઝબન, જ્યૌં અંધે આગે આરસી. ૧૯

દુહો.

રામ-ઇશ શિષ્પ દશકંધ એ, રિધ સિધ રુડે રાજ;
સીતા દે તો સોંતિએ, ક્રોધ કરું કુણ કાજ. ૨૦

છપય.

અં-કહા લંડકું લાજ, કહા ચાડીમેં ચાતર;
કહા ભીખમેં ભોગ, કહા જલબિનજો જાતર;
કહા જૂઠેકી જીત, કહા ગોવિંદબિન ગાનો;
કહા ડાપણ દારિદ્ર, કહા સતબિને જ્યુ શાનો;

પુનિ કહા મરકટ કંઠે મનિ, જુહારી ધર ઘોડલા;
કહા રાવનકું રીઝબન, જ્યૌં બાવરીકે શિર બેડલા. ૨૧

દુહો.

રામ-ગુન કેડે અવગુણ કરે, એ પાપીકી પ્રીત;
અવગુણ કેડે ગુણ કરે, તે જ રુડાની રીત. ૨૨

છપય.

અં-કહા ખલકે સંગ ખ્યાલ, કહા કુશિષ્યકું બિદ્યા;
કહા બિપ્રસો બેદ, કહા નિર્મલકી નિંદા;
કહા બેદસો ભેદ, કહા નિર્ગુનસો નેહા;
કહા બેરી બિસવાસ, કહા બિન રતકો મેહા;

પુનિ કહાકીરત કહો સુમકી, રામનામ બિન બોલવો;
રાવનકું કહા રીઝબન, જ્યૌં કૌવચકો ફોલવો. ૨૩

દુહા.

રામ-સો બાતનકે બાત યે, મોકું સુખ મીલાઓ;
તો અંગદ તુમ લંકમેં, બિષ્ટિ કરને જાઓ; ૨૪
રામ કહે અંગદ સુનો, વિષ્ટિ કરને જાઓ;
રાવનસોં બાતાં કરો, મિલ સીતા ફિર આઓ. ૨૫
રાવનસેં ઇતનો કહો, સીતા દે ગૂમાર;
નતરુ હમસેં જુધ કરો, ઘડી મેં લ્યાઓ બાર. ૨૬

ઝુલના છંદ.

અં-આજ મહારાજ કરુણા કરો તો કહું, પ્રીતશું દીજીએ પાણ જોડું;
ગડગડે નાદ નિશાણ નિર્ઘોષના, તે તણા ટેક જઇ તર્ત તોડું;
કોડશું જોડ બેરા દશાનનતણા, કોટિ બાણુતણાં માન મોડું;
દુષ્ટની સેવથી દેવ મૂકાવીને, ગ્રહ છય ત્રણતણા બંધ છોડું. ૨૭

સોરઠા.

રામ-રામ કહે સુન બીર, ધીર બડે જ્યૌં હારીએ;
જોલોં મરે ગુડ ખીર, તોલોં વિષ ન મારીએ. ૨૮
અં-કહો લ્યાઊં દશ શીશ, બાંધી લ્યાઉં સબ ધીરસું;
કહો તોડું ગઢ બંક, નાખું લંક સબ નીરસું. ૨૯
રામ-સુન અંગ કહે રામ, કહો વચન જો તુમ ઘટે;
અબતો એહીં કામ, બિષ્ટિ કરવે બાતસું. ૩૦

ઝૂલના છંદ.

અં-કથન અંગદ કહે શીશ નામી પ્રભુ, કોડ મુજને અતિ હોડ હાસું;
આગન્યા હોય તો જાઉં એ ગામમાં, નામ પ્રતાપથી નહિજ નાસું;
શીશ દશ છેદીને વીશ ભુજ ભેદિને, દુર્ગ પાડી કરું ક્ષેત્ર ખાસું;
રાવણો રંક રજ ચરણ પ્રતાપથી, લંક ઉદવસ્ત કરી હરણ વાસું ! ૩૧

દુહો.

રામ-કરુનાનિધ કહે કા કહું, અંગદ જો સુન આજ;
વચન ન માને બાવરો, કરવો ઇસ બિધ કાજ. ૩૨

કવિત.

અં-કહો તો બલવંત બાનું, ક્રોડકું મેં બાંધ લ્યાઉં,
કહો તો આકાશમેં, ઉડાઉ છેડ છેકમેં;

કહો તો સાઠ લાખ, કામનિકે કેશ ગ્રહું;
કહો તો નગર ઝઘર, નિર્બંશ કરું નેકમેં;
કહો તો દશકંધકે, દશકંધકું નિકંદ કરું;
કહો તો કર બીસકે, ચાળીસ કરું ટેકમેં;
કહોતો લંક અંકભરી, નાખુંહો નિસંક નીર;
પાઉં હુકમ લાઉં સીત, આઉં ઘડી એકમેં. ૩૩

દુહો.

રામ-ડાપણ છે દશ કોટિધા, અંગદ તુજમાં એન;
એ વિદ્યાએ વિષ્ટિ કરો, ચિત્ત ચતુરાઇ ચ્હેન. ૩૪

સોરઠો.

અં-અંગદ કહે મહારાજ, ક્ષમા કરો મોયે બંકકું;
બિશ્વપતિકો બચન, કા કહું રાવન રંકકું. ૩૫

દુહો.

રામ-બેર બેર મેં કા કહું, અંગદ તુજસેં આપ;
ગુન્હો તકસિર દશકંધકો, મેલ કરો તુમ માફ. ૩૬


ઝૂલના છંદ.

અં-ઘોડલા જોડલા ટોડલા એહના, પોળિયા પોળ પરચંડ પાળ;
મેડિયાં ડેરિયાં માળિયાં જાળિયાં, રાવણા કેરલા રખવાળ;
રોળિયે ઢોળિયે નીરમાં બોળિયે, ચોળિયે એહના ચિત્ત ચાળા
પ્રતાપ એ નામનો હુકમ હોય રામનો, લંકાબાળી કરું સ્તંભકાળા. ૩૭

દુહો.

રામ-લંક બાળવી નવ પડે, રૈયત નવ લૂંટાય;
શત ગાયોના શિંગડાં, તેથી ટાઢાં થાય. ૩૮

છપય.

અં-કહો તો ઉદયાચળ ઈંદ્ર, સહિત અસ્તાચળ ઓપું;
કહો તો મેરું મંડાણ, રીત પ્રાચીદિશ રોપું;
કહો તો ભૂ બ્રહ્માંડ, તોલ તરતીબે તોળું;
કહો તો લંક પરલંક, બહુ જલનિધમાં બોળું;

રજ માત્ર સેવક હું રામનો, ક્યમ જાઉં કાસદ કારણે;
સિંહની વાત શિયાળવાં ધરે, બને ન બહુ સ્તુત બારણે. ૩૯

રામ- સાબાશ કહે શ્રી રામ, અંગદ પંચાયન પૂરો;
વીરાધિવીર દૃઢ ધીર, પૂર સામદ શુભ શૂરો;
બુદ્ધિનિધાન બત્રીશ, બાબત બોતેરી બૂઝે;
સોળકળા સંપૂર્ણ, શાસ્ત્રગત સઘળી સૂઝે;
ડાહપણ તત્ત્વ ત્રિલોકનું, ક્રોડવાર શું કહું કથી;
સકળ સૈન્ય મેં નિરખ્યું, નર બીજો નિર્ભય નથી. ૪૦

અં - માહારાજ રાજઅધિરાજ, તનુ તનુ સેવક તારો;
વાંક ગુન્હો તકસીર, ક્ષમા કરોજી મારો;
એક કરું છું અર્જ, રીસ ન કરો તો બોલું;
કિંકરનો કિંકર કહેણ, પ્રીત પટંતર ખોલું;
કોને સોંપો છો મોરચા, શૂર સામદ ગુણ સૃષ્ટિએ;
ક્યમ મુજને સોંપ્યું કાસદું, જે વાત વિખણો વિષ્ટિએ. ૪૧

દુહો.
રામ - પદ્મ અઢાર પ્લવંગમાં, બહુ રીછ બોતેર ક્રોડ;
વિષ્ટિ કામ સુત વાલિ વિણ, જડે ન બીજી જોડ. ૪૨

સવૈયો.
અંગદ - હુકમ હોય હજુરી કેરો, સોષી નાખું બાધો સાયર;
હુકમ હોય હજુરી કેરો, મહા કામ કરવા છું માયર;
હુકમ હોય હજુરી કેરો, જુદ્ધે જોર કરું ત્યાં જાહર;
કાસદ કામ સોંપ્યું ક્યમ મુજને, છેક મુને કેમ કીધો કાયર. ૪૩

દુહો.
રામ - કાયર તુંજને ક્યમ કહું, સાયર સૂર સરદાર;
જાહર છો મહા જોદ્ધમાં અપરંપાર અપાર. ૪૪

સવૈયો.
અં - અંગદ કહે આજ્ઞા દો મુજને, જોરે જુદ્ધ કરું ત્યાં ઝાઝું;
હાથી ભાથી સાથી એના, દેખી દિલ મારામાં દાઝું;
મંત્ર રામનો મુખ છે મારે, ભડતાં ભૂપતથી નહિ ભાજું;
નીચ કામ કાસદનું કરવા, લંકામાં જાતાં હું લાજું. ૪૫

દુહો.
રામ - કાસદ કામ એ તો નહિ, એ મોટમ પદ મેર;
લંકપત શું છત દાખવે, તેહ સવાયો શેર. ૪૬

ઝૂલના છંદ.
અં.-કોતો ગઢ લંકના સહસ્ત્ર કટકા કરું , ઢંઢોળિને કરું ધૂળધાણી;
કોતો હું સાત સાગરજળ સોષિને, આળપંપાળ કરું પૂરપાણી;
કોતો રાક્ષસ બધા રોળિ નાખું વળી, જો વદો વદન મહારાજ વાણી;
કોતો દશકંધનું દેહવટ વાળિને, રોવરાવું બધી રાવરાણી. ૪૭

સવૈયા.
રામ-રામ કહે સાંભળરે અંગદ, પર્મબુદ્ધિ હમણાં તો ધારો;
કહ્યું કરશે નહીં એ હંકારી, ભારે સર્પતણો છે ભારો;
સાગટિ નામે માર કહું નહિ, મોટા વાંક ન કાઢે મારો;
પાપી પ્હેલ કાઢે આગળથી, પૂઠે રાજ તમારો વારો. ૪૮
અં - કોતો બાંધી સાહું બળવંતો, લંકાપતિ લંકાથી લાવું;
કોતો અશોક વાડીને સોષું, કાયર નામ ક્યમે નહિ કહાવું;
કોતો પુત્ર એના પરજાળું, જરુરપણે નવ પામે જાવું;
હુકમ દિયો સામળના સ્વામી, એક ઘડીમાં શરણે આવું. ૪૯
રામ - બ્રહ્મરાક્ષસ એ ભૂપત ભૂંડો, સધારવા ન પડે તો સારું;
લૂંટાય નહિ લંકાની લક્ષ્મી, ધર્મબુદ્ધિ તે માટે ધારું;
ઈંદ્રજીત સરખું રત્ન રોળાશે, માટે મન માને નહિ મારું;
વિષ્ટિ કરે માને નહિ મૂરખ, કામ પડશેજી તારું. ૫૦
અં - વિષ્ટિ કામ કરવું તે શાને, કરગરિ બોલ શા માટે કહિયે;
નગર ઝઘર કરવું નિરવંશી, શત્રુવચન શા માટે સહિયે;
સુત પરિવાર સંધારું એના, હવે રાજ બેશી ક્યમ રહિયે;
લક્ષવસા સીતા અહીં લાવું, જરુરપણે અયોધ્યા જઇયે. ૫૧
રામ - અદિકા બોલ કહો છો અંગદ, શૂરપણું જાણે છે સૃષ્ટિ;
મારું મન તેથી નવ માને, રાડથકી નવ થઇએ રષ્ટિ;
શિવસેવકને માર્યા ઉપર, નથી ચાલતી મારી દૃષ્ટિ;
મુજને સુખ ઉપજાવો અંગદ, વિવેકવાત કરો ત્યાં વિષ્ટિ. ૫૨
અં - રાજ તમારે મુખ ક્યમ બોલું, જાણે હુકમ થયો તે જવાયું;
ગુણહીણો દેશે મુખ ગોળો, ભાંડ બોલશે એહ ભવાયું;
શત્રુવચન ક્યમ સાંખી રહિશું, તેહ દુઃખે મુજ તન સવાયું;
સામળ સ્વામી કહો તે કહિયે, લક્ષવસા એ વચન સવાયું. ૫૩


છપ્પા.
રામ-સામદ શૂર સાબાશ, વખાણ કરું શાં વાતે;
હેતે મૂક્યો શિર હાથ, રીઝથકી રઘુનાથે;
મમત ન મૂકશો માન, નૃપતિને ન કરો નમણાં;
ગુણહીણો દે ગાળ, બોલ કહેજો ત્યાં બમણા;
વળિ સામ દામ ભેદે કરી, વિષ્ટિ વધારી વાધજો;
મૂરખનું મન માને નહીં, શૂરપણું ત્યાં સાધજો. ૫૪
અંગદ હરખ્યો મન, હવે મન માન્યું મારું;
ગમતી કરશું ગોઠ, ધીયમાં જેતી ધારું;
સવાયે દોઢ શત સહસ્ત્ર, વાદ કરંતા વાધે;
રઢિયાળો રાવણ રાય, શત્રુવટ શોભિત સાધે;
પછે પરાક્રમથી પ્રાજે કરું, અંગદે વિચાર્યું અંકમાં;
સામળ કહે સેવક રામનો, જઈ લૂટ પડાવું લંકમાં. ૫૫

કવિત.
બચન ચઢાયો શીશ, ધોયો મહા ધીરધીશ;
દીસ ઘડી ચાર ચઢે, ગયો ગુન ગાય કે;
લંક સો અતિ અનૂપ, દેખતહી રીઝ્યો ભૂપ;
કૂપ બાગ ફૂલ ફલ, ચેત્યો ચિત્ત ચહાયકે;
મહીપત મહેલ આગે, જોર ચેલ બેલ દેખ;
પહેલ પ્રતિહાર કાઢે, વજ્ર કર સહાયકે;
બિકટ બાટ ટેડી ડેઢી, પર સાત માલ મેડી;
ગેડી લીયે રહ્યો ઉભો, અંગદ જ્યૌં આયકે. ૫૬.

છપ્પા.
સરોવર સમુદ્રાકાર, પંકજ સહસ્ત્ર ખીલે;
સ્ફાટિક મણિની પાળ, ગોપ ગુણવંતા ઝીલે;
કસ્તુરી બહેક બરાસ, વેર્યાં કેસર બહુ વાટે;
હીરા જડિત ઘણી ઘેડ, ઘુમર ઘણી ઘાટે ઘાટે;
ઈંદ્રપૂરીની ઉપમા, કહેતાં વિમાસણ કરે કવિ;
લંકલીલા લખ કોટિધા, નિરખે અંગદ નવનવી. ૫૭

નક્ષત્ર સરખી નાર, ઝવેરની જ્યોતો સરખી;
ચંપકવરણાં ચીર, પદ્મિની પૂરણ પરખી;
કનક મણીમય કુંભ, પ્રેમદા પરવરી પાણી;
આભૂષણ ઉપમાય, ઈંદ્રકેરી ઈંદ્રાણી;
એ લખ જિહ્વાએ કવિ કહે, ભાટ ભાત ન શકે ભણી;
સામળ કહે હું કેમ કહિ શકું, લીલા લહર લંકાતણી. ૫૮

દુહા.
ચાલ્યો અંગદ ચોંપથી, મુખ જપતો શ્રી રામ;
પોતે આવ્યો પાંસરો, જ્યાં રાવણનું ધામ. ૫૯
રિદ્ધ ઉપમા રાવણતણી, કેમ કહે કવિરાજ;
મહિપત મહેલ મઘવા સમા, લંક દેશકે લાજ. ૬૦
પ્રતિહાર બેઠો પોળપર, બોલ્યો મુખથી વાણ;
કહાં જાયરે વાંદરા, મૂરખ મહા અજાણ. ૬૧

છપ્પા.
જળહળ જ્યોત ઉદ્યોત, મણિ જળહળતા જડિયા;
ચિંતામણિ ભરભીત, નવે ગ્રહ આવી અડિયા;
પરવાળા પર પોળ, સ્ફાટિક સ્તંભ ઠર્યા છે;
ચુડામણિ ચોપાસ; કનક કોઠાર કર્યા છે;
અષ્ટમાસિદ્ધિ નવનિધિ રિધિ, મહાલક્ષ્મિ વાસે વસી;
શિવની આપી સમૃદ્ધિ જ્યાં, ત્યાં ઉપમા કરવી કશી. ૬૨
ઓળગ કરે જ્યાં ઈંદ્ર, ચંદ્ર જ્યાં છત્ર ધરે છે;
દિવાકર કર દીપ, વરુણ જ્યાં નીર ભરે છે;
ચાર વદનથી વેદ, બ્રહ્માજી પાઠ ભણે છે;
ધલહલ તજી ધર્મરાય, ગાનગુણ એહ ગણે છે;
રતન ખાણ રતનાવળી, કલ્પદ્રુમ મોટાં મણી;
રિદ્ધિ ઘણી રાવણ ઘરે, અલખત ઇંદ્રાસનતણી. ૬૩
સાત સોનેરી કોટ, અધિક એક જોજન ઉંચા;
પાંચસે પાંસઠ પોળ, ઓળ ખરા જ્યાં ખુંચા;
દરવાજા દશ વીશ, બસેં બાસઠ છે બારી;
ત્યં બેઠા બળવંત, ધીર નર ધનુષો ધારી;
વણ આજ્ઞાએ વિચરે નહીં, વાયુ સરખો પણ જિહાં;
એ અતળિબળ અંગદ અધિક, પલક એક પહોંત્યો તિહાં. ૬૪

સત્તર સહસ્ત્ર સંગીત, વિવિધ પેર વાજાં વાજે;
ઘંટ ઘડિયાળાં ઘોર,ઘણાં નિશાન જ ગાજે;
નવ લખ નવે હજાર, નવિન નૃત્ય કિન્નર નાચે;
નાટક ચેટક નવરંગ, રાય દેખી મન રાચે;
વળી દેવદુંદુભિ ગડગડે, શોભા સુરનાયકતણી;
બાણું ક્રોડ સામદ સહિત, લાયક બેઠો લંકાધણી. ૬૫
પુખરાજ પ્રવાળાં પાટ, ઝ઼વેરની જ્યોત જડિયાં;
ચોરાશી જોજન ચોક, મહેલ મણિમાણક મઢિયાં;
જોજન સોલ સભાય, સિંહાસન શોભા સોહિયે;
મધવાથી બહુ માન, મહેલ દેખી મન મોહિયે;
વૈમાન દેવ વૈકુંઠનાં, શિવ આપી સમૃદ્ધિ ઘણી;
બહો સમૃદ્ધ વિધ બારણે, લાયક બેઠો લંકાધણી. ૬૬
સહસ્ત્ર ક્ષોણી સૈન્ય, શોભે રાવણની સાથે;
મંદરાચળ મંડાણ, હેતે ધરે એક હાથે;
સાઠ લાખ સરદાર, પ્રેમદા પ્રીતે પરણી;
અણવરી એંશી લાખ, વિવિધ રુપાળી વરણી;
છે સાત લાખ સીત્તેર સૂત, ઈંદ્રજિત આદે અતિ;
અનમી અહંકારી અંશપ્રત, રાવણ્ મોટો મહિપતિ. ૬૭
એક છત્ર ધર રાજ, પ્રતાપ પામ્યો તે પ્રોઢે;
દેવ દાનવ નર નાગ, કિંકરો સહુ કર જોડે;
દશ મસ્તક ભુજ વીશ, ઈશ વરદાન જ દીધું;
ચૌદ ચોકડી રાજ, કબુલ એ કર્મે કીધું;
કોઇ થયો નથી થાશે નહીં, બળવંત રાવણ સારખો;
રામ વણ કો જિતે નહીં, પંડિત રુડે પારખ્યો; ૬૮
પાચ લાખ પરધાન, પાંચ અયુતો પાગેરી;
છે દશ લાખ દિવાન, વીશ હજાર વજીરી;
સામદ સોલ હજાર, લાખ બહોતેરે રાજા;
મંડળિક છન્નું લાખ, મુગટધર જોદ્ધા ઝાઝા;
બાણું કરોડ બેઠા રહે, આઠ જામ હરનિશ જિહાં;
સામળ કહે અંગદબળ શિક, પલક એકે પહોંત્યો તિહાં. ૬૯


દુહો.
પ્રતિહાર અચરજ પામિયો, લેખી લહર લંગૂર;
રહે રહે ઉભો વનચરા, સામદ બોલ્યો શૂર. ૭૦

છપ્પો.
પ્રતિ-પેશી ન શકે પવન, ભવન ઉભો રહે ઇંદર;
સુર સહુ સેવા કાજ, ચાકરીમાં રહે ચંદર;
સ્વર્ગ મૃત્યુ પાતાળ, આણ અવનીમાં જેની;
ઇશ સરીખા ધીશ, રહે આજ્ઞામાં એની;
તું પશુ પોળે ક્યમ પરવરે, હજુ લગણ ધીરજ ધરું;
જારે જ્યાંથી આવ્યો તિહાં, નહિતર કોટી કટકા કરું. ૭૧

દુહો.
અણસમજ્યો આગું ચલે, દેખત ધોળે દીશ;
મારું મુદગર જોરથી, તોડિશ તારું શીશ. ૭૨

ઝૂલણા છંદ.
અં- કહે પ્રતિહાર સુણ પુરતણા, રત દહાડો બેઠો દેહ દાખે;
ઓળખે નહિ અલ્યા મૂઢ મૂરખ મને, ભાર ખોવા ભલો ભૂર ભાખે;
હાથ દીઠા નથી હોંસશું માહરા, ચોરટા દેહનો સ્વાદ ચાખે;
સત્ય કહેરે અલ્યા કેમ બેઠો અહીં, કોતણાં ઝુંપડાં રીઝી રાખે. ૭૩

દુહા.
પ્ર-એ મંદિર રાવણતણાં, હીરા કનક જડાવ;
તું જાવા સમરથ નહીં. બહાર રહી તું કહાવ. ૭૪
અં-પ્રતિહાર કહે પોકારીને, કેવી તારી લંક;
રાવણની સમૃદ્ધિ કહે, રાવણ રાય કે રંક. ૭૫

ઝૂલણા છંદ.
પ્ર- લંક શોભા તે લંગૂર તું શું લહે, ચિંતામણિ ચંદ્ર ચોપાસ ચળકે;
ઇંદ્રજિત ઉપમા પૂછ તું ઇંદ્રને, શૂરપણું સાંભળી શેષ સળકે;
દશકંધ ડરથી દિગ્‌પાળ ડોલે દશે, ક્રોડ પચાસ પ્રતિ પ્રાણ પલકે;
પોળિયો કહે પશુ પેર પ્રીછે નહીં, કુંભકર્ણ દેખી તુજ કુંભ ઢળકે. ૭૬

અં-લંકલીલા લંગૂર લખ લૂટશે, મેલ મૂરખ મન માન મટકાં
ઇંદ્રજિત ઉપમા પુણ્ય પરવારિયું, ચાર દિવસતણાં ચોળ ચટકાં;
દશકંધશીશ દશરથસુત છેદશે, લૂંટિ લેશે તાહરાં લાખ લટકાં;
રામ પરતાપથી કામ એ તો કરું, કુંભકરણતણા ક્રોડ કટકાં. ૭૭

પ્ર-લાજ ને કાજ લોપે ક્યમ માહરી, જાહરી જોખમાં કેમ જાઉં;
કેમ જાય દોઢિયે માનશું મેડિયે, મારશું ગેંડિયે પૂછ સાહું;
પ્રાજે કરું પિંડ આકાશ ઉડાડિશ હું, ચંચળપણું તારું ચિત્ત ચહાઉ;
પ્રતિહાર કે પશુતણી ગાળ ક્યમ સાંખુ હું, લંકપતિનું અમો લૂણ ખાઉં. ૭૮

અં-કપિવર કોપિયો લાજ લખ લોપિયો, ચોપિયો આપથી ક્રોધ કૂંડી;
રણજંગ રોપિયો ચોદિશ ચોંપિયો, ભમર ચઢાવિયાં દૃષ્ટિ ભુંડી;
શેલશું ખેલશું રેલસું નગરમાં, કેશ બાધામાં તે દાખું દુંડી;
તારે મન અલ્યા લંકપતિ છત્રપતિ, મારે મન લંકપતિ એક લુંડી. ૭૯

દુહા.
છત્રપતિ તો એક છે, રિદ્દિપતિ રઘુનાથ;
એમ કહી પ્રતિહારનો, હોડે સહાયો હાથ. ૮૦

'પ્ર.- વણ આજ્ઞાએ વાંદરા, પાગ ધરે પુરમાંય;
કાયા ક્રોડ કટકા કરું, રહે રહે ઉભો ત્યાંય. ૮૧

અં.-અંગદ હસીને બોલિયો, રાવણ છે બહુ દૂર;
જાવાને અટકાવ ક્યમ, દશકંધની હજૂર. ૮૨

'પ્ર.-વડો મૂરખ તું વાંદરા, વડિ વડિ કરે શું વાત;
પોળ બીજીએ પાઠવું, દિન ઉભો રહે સાત. ૮૩
એવી પોળો સાત છે, દિન ઉભો રે પચાશ;
અરજ સુણેજો રાયજી, મનની પહોંચે આશ. ૮૪
કહાં મળવા તું આવિયો, શું લાવ્યો છે ભેટ;
શું આપે છે મૂજને, વાત પહોંચાડું ઠેઠ. ૮૫
અંગદે મન વિચારિયું, મળવા ન દે આ દિશ;
કોપ કરીને કર ગ્રહ્યો, રતિહાર ચઢી રીશ. ૮૬

છપ્પો.
પોકારી પ્રતિહાર, ધીર ઉપર તે ધાયો;
દીધી ગાળ દશ વીશ, પૂછ શત્રુનો સહાયો;


અંગદપર એક પ્રહાર, કોપ કરીને કીધો;
ક્યમ લોપે મુજ લાજ, દાવ દોષીએ દીધો;
પછિ અંગદ ખીજ્યો અંગમાં, ઘાટ પ્રથમ એનો ઘડું;
સામળ કહે સેવક રામનો, નરપતિને વળતે નડું. ૮૭

કવિત.
પ્રતિહારે દીધી ગાળ, અંગદને ઉઠી ઝાળ;
ઉઠ્યો ત્યાંથી તતકાળ, દાવે દાંત કરડીને;
બે ચારેક ભરી ફાળ, કૃતાંત સરીખો કાળ;
અધિક કરંતો આળ, ઘણી રીસ ઘરડીને;
સવાયો ઘવાયો વાળ, ભલેરું તિલક ભાળ;
બુદ્ધિનિધિતણો બાળ, બાઝ્યો વપુ વરડીને;
પકડ્યો ત્યાં પ્રતિહાર, મહોકમ દીધો માર;
કહ્યું કે શી વાર? લીધાં પાંચે શીર મરડીને. ૮૮

દુહો.
દુસરી ખિડકી સંચર્યો, બીહીક નહીં કછું મંન;
વે પાંચુકી તુલ હને, યે બાનરકો તંન. ૮૯

કવિત.
અડાવીને દીધી દોટ, ચાતુરીથી કીધી ચોટ;
કર્યા લોટપોટ સહુ, ધીરપણે ધાઇને;
મસ્તકની માણી મોટ, કુદિયો કનક કોટ;
અધિક જોરની ઓટ, ચઢ્યો ચિત્ત ચાહીને;
હલાવતો હાથ હોઠ, પૂછતો પ્રહાર પોટ;
ઘણા ગુણતણો ગોટ, ગયો ગુણ ગાઇને;
બેઠો જિહાં લંકાધીશ, હૃદેમાંહે રાખી રીશ;
પાંતરીશ શીશ ઉભો, સભામાંહે સાહીને. ૯૦

ઝૂલણા છંદ.
ચતુર નર ચાલિયો, મન સમો માલિયો, પાળિયો બોલ અધીક એશું;
નગર શુભ નરખતો, હ્રદયમાં હરખતો, વરખતો ઝેહેરનો વરખવેશું
દશકંધશું ડોલશું, બહૂ વિધ બોલશું, બોલશે લંડ તો દંડ દેશું;
શૂરવીરપણું સાધશું, વિષ્ટિયે વાધશું, રામની પાસ લાણ લેશું. ૯૧


છપ્પા
હાલક હુલક ત્રાસ, પડ્યો ડોઢી ને ડેઢી;
બૂંબારવ ચોપાસ, વિકટ વાટો જ્યાં ઢેડી;
પ્રાજે કીધા પ્રતિહાર, દ્વાર ઉઘાડી ધાયો;
પાંત્રીશ શીશ કરમાંય, અતિ અહંકારી આયો;
તે જોદ્ધા સહુ જોઇ રહ્યા, કર ઊંચો કો નવ થયો;
સામળ કહે સેવક રામનો, તે ધાહડ મલ ઘરમાં ગયો. ૯૨
ધાયો અંગદ ધીર, નીર ઉતાર્યા નરનાં;
દેવટ કીધો દરબર, વખાણ શાં કહું વાનરનાં;
પુરમાં પડ્યો પુકાર, છે કે હિમ્મત છુટાણી;
વાયે ચાલી વાત, લંક બાધી લુંટાણી;
ત્યાં ખલક બાધિ ખળભળી, નાસવા લાગી નારિયો;
કોઇ ઉંચી ચઢે અટારિયે, બંધ કરે કોઇ બારિયો. ૯૩
લપેટી વાટે લાખ, ઝપેટી કીધો જોયો;
અટપટી કરતો આળ, ટેક દેખાડ્યો તોરો;
કરતો હૂકાહૂક, ઊડતો એ આકાશે;
કુદતો કરતો પ્રહાર, વખાણ ઘણેરાં વાસે;
પ્રતિહારને મારી પરવર્યો, ઘાટ ઘણા જણનો ઘડ્યો;
પછી રાવ થઈ ત્યાં રાવલે, રાવણ પણ રોષે ચઢ્યો. ૯૪
ગઢલંકા ઘેર ઘેર, વાત વાયુવત વાધી;
ચઢ્યું રામનું સેન, લંક લૂંટાણી બાધી;
કહે માર્યો કુંભકર્ણ, કહે રાવણ રણ રોળ્યો;
કહે ઇંદ્રજિત અજિત તે ચાંચડવત ચોળ્યો;
ગુલબાન ઘણું ગલિ કુંચિએ, લાખ કરોડ લોક લહ્યો;
કહે રુઠ્યો રામ રાવણપરે, ઉલ્કાપાત એવો થયો. ૯૫
દેશ બધે ડમડોલ, થયો લંકા ગુણ ગામે;
લૂટ્યા મહીપના મહેલ, કીધી અસ્વારી રામે;
માથે લીધી મોટ, રૈયત નાઠી દશ દેશે;
બહાંયે લીધાં બાળ, કામિની છૂટે કેશે;
કહે ફટ ફટરે તું રાવણા, સતિ સીતા શાને હરી;
સામળનો સ્વામી કોપિયો, કનકલંક લોહની કરી. ૯૬


થયું રાવણને જાણ, દેશમાં દુંડી વાહી;
પ્રતાપવંત પ્રધાન, ચઢ્યો ચોખુંટે ચાહી;
દીધિ રૈયતને ધીર, વીર હંકાર્યા વાટે;
જોરાળા મહા જોદ્ધા, મૂક્યા બહુ ઘાટે ઘાટે;
તાપ લાગ્યો સહુ તરફડ્યા, ધૈર્ય કોઇનું નવ રહ્યું;
સામળ કહે સેવક રામનો, અંગદ જાતાં એટલું થયું. ૯૭
પ્રતિહાર પરાક્રમી પાંચ, પ્રાજે કીધા પળ પાંચે;
બીજા તેથી બળવંત, અંગદે લીધા આંચે;
સાત પાંચ પાંત્રીશ, શીશ કરમાં શોભતો;
રામ રામ કરતો માગ, લાજ સહુની લોપંતો;
હલકા હોલ હલહલ થયો, ડર નવ આણ્યો દશકંધનો;
વાળ વાંકો નવ થયો વાલિસૂત, બંધન છોડાવ્યો બંધનો. ૯૮
પાંત્રીશ હણી પ્રતિહાર, શીશ ગ્રહ્યાં છે હાથે;
જોરાળા વડ જોદ્ધ, બહુ વળગ્યા છે બાથે;
હનુમંત થકી હજાર, ઘણો જોરાવર જાતે;
આવ્યો સભામાં શૂર, પ્રાજે કરતો પ્રભાતે;
કલ્પાંત કોલાહલ કૂદતો, ક્રોદ્ધ એનો શું કહું કથી;
કોઈને ગણતીમાં નવ ગણે, નિમિષ માત્ર નમતો નથી. ૯૯
પુરમાં પડ્યો પુકાર, ઢોલ ઢમકાવ્યા ધીરે;
બહુ બણગાં રણતૂર, વિપરીત વજડાવ્યાં વીરે;
ભારે ફૂંકી ભેર, બૂંબારવ બુમ પડાવી;
દરવાજે દીવાન, ચોપખે નાળ ચઢાવી;
વળી હલહલ કરી હજુરિયે, હલરકો, હિત હામનો;
મહારાજ રાજ સુણ મહિપતિ, કોઈ સેવક આવ્યો રામનો. ૧૦૦

દુહા.
વાત ગઈ બહુ વેગથી, રાવણ રાય હજુર;
પ્રતિહાર પાંત્રીશ મારિને, આવ્યો વાંદર શૂર. ૧૦૧
અધિપતે મન વિચારિયું, આવ્યો એ હનુમાન;
કનકપુરી ઘડી એકમાં, બાળી કીધું નામ. ૧૦૨
મનમાંહે વિચારીને, કીધી વિપરિત વાત;
ઉછળ્યો સિંહસનથકી, ઘડવા તેનો ઘાટ. ૧૦૩


સભા મધ્ય બંધન કરી, કોટ રચ્યો તે દીશ;
નીચો થઇને આવશે, નમાવશે પછી શીશ. ૧૦૪
અંગદ જ્યાં આગળ ગયો, ખિડકી જોઇ દૃષ્ટ;
રામ અરિને શું નમું? મનમાં પામ્યો કષ્ટ. ૧૦૫
ક્રોધ કરીને કુદિયો, કરી જોર અપાર;
કોટ ઓળંગી હુલકિયો, ગયો સભાને ઠાર. ૧૦૬
આભ અવનિ એકત્ર કરી, કીધો હુલકાપાત;
અંગદ ઉતર્યો આકાશથી, ગર્જ્યો કડકડાટ. ૧૦૭
દીગ્‌મૂઢ થયા સહુ દેખતાં, દીઠો કૃતાંત કાલ.
પર્વત સરખો પ્રચંડ નર, ફરિને દીધી ફાલ. ૧૦૮

છપ્પો.
અંગદ કૂદ્યો આકાશ, કોટ કૂદી માંહે પડિયો;
બાણું ક્રોડ બળવંત, આપ તે મધ્યે અડિયો;
પ્રલય કાળની આંચ, ક્રોધિલો જમદૂત સરખો;
પડ્યો ત્રાસ ચોપાસ, નરેંદ્રાદે સહુ નરખ્યો;
સાંભળી શસ્ત્ર કો નવ શક્યા, શુધ બુધ સર્વ ભૂલી ગયા;
સામળ કહે સેવક રામનો, દીઠે જોધ ઝાંખા થયા. ૧૦૯

ઝૂલણા છંદ
ક્રોધે દંત કરડિયો, મુખ મૂછ મરડિયો, આપ અધિકાર અધિપત એઠો;
હીસે બહો હાથિયા, શોભિતા સાથિયા, ભાથિયા ભીડ રીસાળ રેઠો;
શૂર મહા પૂર એ ક્રૂર કોપે ભર્યો, નૂર નરપતિ બળવંત બેઠો;
શુભ સભા સાથમાં પાંત્રીસ હાથમાં, પોકાર બહુ કરતો બહુ પ્લવંગ પેઠો. ૧૧૦

છપ્પા.
લંકપતિ એક લક્ષ, બેઠા બળવંતા એ બહુને;
સિંહાસન છત્ર ને ચમર, શોભે સુખ સાગર સહુને;
એકે કેડે બાણું કરોડ, ધીર રણ ધનુષો ધારી;
કૃતાંત સરીખા કાળ, અતલિબળ અપરંપારી;
જઇ અંગદ તે મધ્યે અડ્યો, સભા દેખી દિલમાં હસ્યો;
મહિમા દેખાડું માહરો, વિચાર એવો મનમાં વસ્યો. ૧૧૧


મરડતો મૂછ ને પૂંછ, ઢીંગ જઇ પોત્યો ઠેઠ;
પાંત્રીશ શીશ જે પ્રાણ, ભૂપતને કરશું ભેટ;
કો સાથ કરશું વાત, કો સાથ બોલજ બોલું;
મુજ પરાક્રમ બળબુદ્ધ, તે કો આગળ જઈ ખોલું;
વાંકાં વેણ વદ્યા વિના, એ જૂઠો જાહર નહીં જડે;
અંગદ એમ વિચાર કરી, નરપતને વચને નડે. ૧૧૨

દુહો.
દશકંધને દુઃખ મનાવવા, અધિપત ઓળખવા એન;
ઇષ્ટ ભારી અંગદો તિહાં, વિદ્યો વિપરીત વેણ. ૧૧૩

કવિત.
અં- બહોતસેં બેઠે તૈસે, દેખ જવ અંગદને;
ભૂપકો હૈ રૂપ કાન, બોલ્યો ક્રોધ કરકે;
લંકાપત એક સુન્યો, બાકીલી કક્ષમાંકો;
માસ ખટ પાસ રહ્યો, ભાગ્યો પાઉં પરકે;
દુજો કાર્તવીર્ય ઘર, બાંધ લિયો પારણેમેં;
બાલકકી પીછાડીસેં, પડી ટાલ સરકેં;
નંગાશીર કરે જો તો, એધાનીસેં ઓલખુંરે;
લંપટ લરાક ચોર, લાયો રત્ન હરકે. ૧૧૪

સા- સામદ એક સભાકો, બોલ્યો બલ જોર આપ;
ત્રિલોક સકલ માને, લંકાપત સાજકો;
બોલી તું જાને નહીં. મહીપકે મુખ આગેં;
જંગલી જટીલ જેસો, કાસદ કે કાજકો;
તનુ ટુક ટુક કરેં, તારો અબ શાયત મેં;
ગુદર્તાહોં ગુન્હો તેરો, ઇષ્ટ બલી આજકો;
અકલસેં ઓળખ લે, ભૂપ રૂપ રાવનકો;
નતરુ અવસાન આયો, તેરી દેહ તાજકો. ૧૧૫

ઝૂલણા છંદ.
અં-બોલિયો બાળ રિતે બુદ્ધિ નિધાન ત્યાં, અંગદ કહે સાંભળો ધર્મધૂતી;
કોણ રંડાએ રાવણો જનમિયો, વૃશ્ચિકી સર્પણી હરણિ કૂતી;
કરકટી મર્કટી કે અજા અર્ભકી, જૂઠ જપે તે તો ખાય જૂતી;
સંદેહ ભાંગો અલ્યા સેવકો માહરો, રાવણની માત તે ક્વણ હૂતી? ૧૧૬

સા-લંબ પૂછા અલ્યા લંડ લવરી કરે, મૂરખા મન ગમી મોજ માણે;
કાસદા દાસડા લેખ લખી લાવિયો, નીચ નિર્માલ્ય ગુણ ગાન નાણે?
ક્રોડ તેત્રીશ કર જોડી ઉભા રહે, હોડ હારે જેંકા તેડ તાણે;
જશતણો રૂપ એ ભૂપ ભૂમંડળે, લંકપતને ત્રણ લોક જાણે. ૧૧૭
અં-ઓળખાવ અજાણ અલ્પ બુદ્ધ અધિપતિને, તોલ કે પાડ માનીશ તારો;
ગાળ ટુંકાર તારો નહી સાંખીએ, પાંત્રિશ ત્યમ તારો જાણ વારો;
રિદ્ધિ રાવણ તણી પુણ્ય પરવારિયું, આવી રહ્યો એહનો આયુઆરો;
દશકંધ એ અંધ એ ધંધ ધાયે ઘણો, ચિત્તમાં ચેત એ ચોર મારો. ૧૧૮
સા-ઉંઘકર્મા અલ્યા અભાગિયા વાનરા, ચેતરે ચેત ચોપક્ષ ચિત્તે;
કોણ ગજું તાહરું કિંકરા કાસદા, બોલી ન જાણે નરપતી નીતે;
પાગ તું લાગ પરણામ કર જોડીને, પામીશ લહાણ પુરપત પ્રતે;
રાજ મહારાજ રાજેંદ્રનો રાજીઓ, રાજ સભાતની બોલ રીતે. ૧૧૯

છપ્પા.
અં-'રામચંદ્રની નાર, સિતા સતિ માત મોરી;
દૈત્ય દાનવ કો દુષ્ટ, ચંટાળ કરી લાવ્યો ચોરી;
દયાનિધિ દાતાર, ધર્મ હજુ મનમાં ધારે;
પાછી આપે જો સીત, તો એને નવ મારે;
નહિતર દેશ દેહવટ કરે, એવી આજ્ઞા આપી મુને;
ચતુર હોય તો ચેતજે, ચેતાવા આવ્યો તુંને. ૧૨૦

સા-મરદ મુંછાળો વીર, રામની રામા લાવ્યો;
શૂર પૂર દૃઢ ધીર, ક્રોડ કંદર્પવત્ કહાવ્યો;
દશકંધ નામ દરિયાવ, તરવાર તાતી ત્રિલોકે;
જોર હોય તો જુઓ, સિતા મૂકી અશોકે;
પાછી લેતામાં પ્રીછશો, અદકું બોલે અનર્થ થશે;
લાડ કરંતા આવો છો લંકમાં, જરૂર જીવ સહુના જશે. ૧૨૧

દુહા.
અં-જનની કુણ રાવણતણી, બહુ ઉપજાવ્યા બાળ;
જાત શ્વાન કે શૂકરી, ભુંડણ કે શિયાળ; ૧૨૨
કે વીંછણ કે નાગણી, કે કરકટની નાર;
કે અજા એ કોણ છે, બોલો નહીં ગમાર. ૧૨૩


બોલત નહિ કછુ નીચ હો, કે મુંગા કે ઢોર;
કે અમારો દીન હો, કે જાતિ કે ચોર. ૧૨૪
પૂછત હું બડિ બેરકો, ફેર ન પાઉં બ્યાન;
કે ફૂંટીહેં આંખડી, કે સુનતે નહિ કાન? ૧૨૫

ઝૂલણા છંદ.
પોકાર કરતાં ઘડી પાંચ પૂરાણ થઇ, બોલતાં શે નથી કર્મ ફૂટ્યા;
રીસ ચઢશે મુને શીશ તમ તોડશું, કૃતાંત કોપતાં કાળ ખૂટ્યા;
ચોર માટે બીહો છો સહુ ચિત્તમાં, તોલ અહંકારના ટેક ટૂટ્યા;
અંગદ કહે ઉત્તર શે નથી આપતા, સર્વની આંખ કે કાન ફૂટ્યા? ૧૨૬

દુહા.
વાંકાં વચન શ્રવણે સૂણી, ચઢિ રાવણને રીશ;
પગની જ્વાળા પ્રગટિ તે, જઇને ભેદી શીશ;
વાઘને વળી વકારિયો, શુભ છંછેડ્યો સાપ;
સિંહ પંખાળો પાખરો, અતલીબળ એ આપ. ૧૨૮

ઝૂલણા છંદ.
દેહ દાઝ્યો દશાનન ઘણું દિલ વિષે, એક આપે થયો તેહ તાથે;
ઉછળ્યો એક કર આપ આસન થકી, મુખ મૂછ મરડિ હીત હોડ હાથે;
રા-કોણ તુજ નામ ને ગામ ઠામ કહે, કામ શું છે પશુ ભૂપ સાથે;
કો તણો મોકલ્યો હ્યાં લગી આવિયો, આભ બાધો ભરે બાંય બાથે? ૧૨૯
અં-વાળીનો પુત્ર ઘરસૂત્ર શુભ પર્વતે, નામ અંગદ મારું હરખ એવા;
શરન રહું છું રઘુનાથના ચરણની, દેવનો દેવ અધિદેવ દેવા;
ધુમ્રપાને કરી ધ્યાન જોગી ધરે, ઈંદ્ર બ્રહ્મા કરે ઇશ સેવા;
તે તણી નારને તસ્કરી લાવિયો, લંક લગિ આવિયો સૂધ લેવા; ૧૩૦

દુહો.
રાવણ-કહેરે અંગદ કોન હેં, બોલ બડેરો ઝટ;
મુખસેં બોલ સમાલકેં, જાનું ભરિયો ઘટ.

કવિત.
અં-તાતકી નિશાની એહ, દેહ પરચંડ જાકો;
મેઘ ઘન ગાજે એસો, તોર રહે તનમેં
શૂર મહા શુભટ હૈ, પૂરહેં પ્રતાપનકો;
નારાનકો નૂર આપ, પશુ જાત જનમેં;


સુગ્રીવકો સહોદર મિત્ર હનુમાન જુકો;
નામ નવ ખંડ જાને, બાલી બિકટ બનમેં;
કક્ષિપટ રાખ્યો પાસ, પૂર ખટમાસ તાકું;
શાનપને શાન આન, સમઝ મૂઢ મનમેં; ૧૩૨

દુહો.
રાવણ-અબ તેરો આદર ભયો, અંગદ આયો અંત;
સાચો બોલ બતાય તું, કોનહિં હેં હનુમંત. ૧૩૩

કવિત.
અં-બુજ્યો હનુમાનજી જો, સેવક શ્રી રામજીકો;
અંજની કુમારે હે, આધાર યહ રંકાકો;
પવનકો પુત્ર, અવતાર મહારુદ્રજીકો;
મહેરનકો તારન, મારન દુષ્ટ બંકાકો;
જનમકો જતિ આપ, સતીકો શોક હરન;
ફરન બંડ ખંડનમેં, કરન નાદ હંકાકો;
અક્ષયકું માર ડાર્યો, સંધાર્યો પ્રધાન તેરો;
અંગદ કહે રાવનસું, લૂટનહાર લંકાકો; ૧૩૪

દુહા.
શતયોજન સાયર તર્યો, શિરકર લછમન હોય;
અગન ઉડાઈ લંકમેં, વે હનુમંતો જોય. ૧૩૫
રાવણ-સુગ્રીવમેં ક્યા સાનપન, કહા સુગ્રીવમેં શૂર;
બાનર બાનરકી ઉપમા, નીચ ગમાવે નૂર. ૧૩૬

છપ્પો.
અં- શું સુગ્રીવનું શૂર, ચતુરપણે લે ચાહી;
વાળી સરખા વડહથ, ભુપ ભારે ગુણ ભાઇ;
હનુમંત સરખો બળવંત, હરોલ હઠીલો હાથી;
લૂટી લીધી લંક, તેહ સુગ્રીવના સાથી;
અનમી નરો નમાવિયા, બળિયાશું બાંધે બાકરી;
અઢાર પદ્મ બોતેર ક્રોડ નર, તે કરે સુગ્રીવની ચાકરી. ૧૩૭

દુહા.
પ્રાજે કરે પલ એકમાં, કરે જે ઉપર ક્રોધ;
શૂર સામદ સુગ્રીવનો, જાંબુબાન છે જોધ. ૧૩૮


રાવણ-અધિક બોલે ક્યમ અંગદા, જાંબુવાન તે કોણ;
નથી દીઠો નથી સાંભળ્યો, ક્યમ પેદા થયો ઓણ. ૧૩૯

છપ્પો.
અં-જોબનવંત જશવંત, અધિક પરાક્રમ આપે;
કરે સુગ્રીવ જે રાજ, તેહ એને પરતાપે;
નલ નીલ જેનાં નામ, તેહ કિંકર છે જેના;
અઢાર પદ્મનો પ્રધાન, તોલ ત્રહો પક્ષે તેના;
જિતે જાંબુવાનને, સરજ્યો નથી કોઇ સૃષ્ટમાં;
સામળ કહે અધિક પરાક્રમી, નથી વર્ષ્યા કોઇ વૃષ્ટમાં. ૧૪૦

દુહો.
રાવણ-નલ વાનર તે કોણ નર, વાનર કરે વખાણ;
નીચ ઉપમા કરે ઊંચ તું, અંગદ નામ અજાણ. ૧૪૧

છપ્પો.
'અં-નલ વાનર નર તેહ, હોડ કરી તે હાર્યા;
નલ વાનર નર તેહ, પાણ પાણી પર તાર્યા;
નલ વાનર નર તેહ, સાગર ખાબડ કીધો;
નલ વાનર નર તેહ, પયોધિ પયવત પીધો;
જળ ઉપર જેણે સ્થળ કર્યો, વિકટ વાટ જળવંકમાં;
સામળ કહે નર તે નીલ નલ, લશ્કર લાવ્યો લંકમાં. ૧૪૨

દુહો.
રાવણ-કિંકર ઉપમા સિદ કરે, નીચ જાત કોણ નીલ;
મારે મન તો પિપીલિકા, તારે મન તો ફીલ. ૧૪૩

કવિત.
અં-સહસ્ત્રાર્જુન સુર બડો, નવ ખંડકો નરેંદ્ર;
જાકે દરબાર ઠાઢો, રાવન તું રહ્યોહે;
રમાડ્યો જમાડ્યો રીત, પશુ જાન પ્રીત કીની;
દીની શીખ દોડ આયો, લછન સબ લહ્યો હે;
એક દીસ નીલ ગયો, નરેન્દ્રકે નગરમેં;
પકરી પૂરપતિકું, આકાશ બીર બહ્યો હે;
જોરકે પ્રનામ કિયો, નીલમનિ ભેટ દિયો;
લિયો જશ ઘેર આયો, નીલ નામ કહ્યો હે. ૧૪૪

દુહા.

નીલ નરકું નહિ જાનિયો, તાકો નામ અજાન;
દશકંધ જાન તું દિલ બિખે, બાનરકો બિખાન. ૧૪૫
સહસ્ત્રાર્જુનકી પેશકશ, લ્યાયો નીલ ગુનગ્રામ;
નિરખ્યો નિલમનિ નમ્રમે, નીલ ધરાયો નામ. ૧૪૬
લાયક લછમન સારખે, પ્રીતે રખે જે પાસ;
ઓલખ લો તુમ આપસેં, બસસેં તોરે બાસ. ૧૪૭
રાવણ–કહેરે લછમન કોન હે, જાકો કરે બિખાન;
જૂઠી બાત જલ્પે યહાં, તો પરઠે તુજ પ્રાન. ૧૪૮

કવિત.

અં–સુમિત્રાજીકો નંદન, જગતકો હે બંદન;
દુષ્ટકો નિકંદન ચંદનતરુ, સિદ્ધ સછાકો;
રઘુબહરકો બીર, ધર્મકો ધુરંધર ધીર;
શુદ્ધ હેં શરીર સત્ય, જતિ જોગ દછાકો;
નરપતકો નાયક, સબ ગુનમેં લાયક;
સાયક કવિ સામલકો, પૂર્ન પ્રીત પછાકો;
આપ ઘેર જાય પૂછ, બૂઝ લછમનજીકો;
કાન નાક છેદે તેરી, બેન સૂર્પનછાકો. ૧૪૯

દુહા.

ભગિનીકું જ્યોં ભેટિયો, હોડસું બાંધી હાથ;
કાન નાક દો છેદિયે, સોઈ રામકો ભ્રાતા; ૧૫૦
રાવણ–કેસો તેરો રામ હૈ, કિસ બિધ કીનો કામ;
ફેર ફેર બષે બહો, રસનામેં શ્રી રામ. ૧૫૧

કવિત.

અં–પુછે કહા રામનકું, જગતકો સર્જનાર;
ઈસ જૈસે ધ્યાન ધરે, જ્યાકો તું ચોરહે;
ગરીબનકો નિવાજ, નાથ હેં અનાથનકો;
પતિતકો પાવન પ્રતિપાલ જગ્ત કેરોહે
તાટકાકો પ્રાન લિયો, ખર દૂખર દૂર કિયો;
ત્રિશિરાકું તોર્યો અબ, આદર તો તેરો હે;

સામળ કહે સધારે, પાનીપર પહાન તારે;
અલખત અલખસેતી, આલસો રામ મેરોહે. ૧૫૨

દુહો.
ત્ર્યંબક ત્રોડ સીતા વર્યો, નીચે આણે પાન;
તોકું છોડાયો તિહાં, સોહી રઘુબર જાન. ૧૫૩

ઝૂલણાં છંદ.
રાવણ-વખાણ કરે અલ્યા વાનરા રામનું, કેટલું સાંભળ્યું જૂઠ જેવું
શીશ સાટે કરી લંક લગિ આવિયો, લોળિયું લાભનું શું જ લેવું;
દેહ માનવતણી એહમાં બળ કશું, સિદ્ધશ્રી જાણીને શીદ સેવું;
જાનતો હોય તો કહે અલ્યા વાનરા, જોર કરતૂત પ્રાક્રમ કહેવું. ૧૫૪

છપ્પા.
અં-હણ્યો જેને હિરણ્યાક્ષ સાદ પ્રહ્લાદાં દીધી;
ફરશીધર ફરશુરામ, નેક નક્ષત્રી કીધી;
બલિ ચાંપ્યો પાતાળ, સહજમાં અહલ્યા તારી;
દુષ્ટનો ફેડ્યો ઠામ, વાળિને નાંખ્યો મારી;
પાષાણ તાર્યા પયોનિધિ, સેતુપાજ બાંધ્યો હવે;
મમત મૂઢ મૂરખ કરે, એ નર ઓળખશો અબે. ૧૫૫
રાવણ-મૂરખ મૂઢ અજાણ, પહાણથી દીસે પોઢો;
શઠ કેરો સરદાર, જગતમાં નહિ કો જોડો;
બાપડિયાં કાપડિયાં, જટાળાં જોઢાં જોગી;
ભુખ દુઃખ ભિખારી ભૂર, કહે તેને એ ભોગી;
એવા અસંખ્ય અલેખધા, ચરણ ચાંપે નિત્ય માહરા;
મુજ સાથે જુદ્ધ એ શું કરે, રામ લક્ષ્મણ બે તાહરા. ૧૫૬
અં-રિદ્ધિ હીરો રઘુનાથ, પથ્થર રાવણ પરિયટનો;
તે શું જાણે તોલ, રાજસ બોલી વટનો;
રિદ્ધિ અમૃત રઘુનાથ, ઝેરથી રાવણ કડુઓ;
દાતાને દુઃખ દેનાર, બુદ્ધિહીણ બુદ્ધિ બુડીઓ;
વળિ ઉપાસક તું ઇશનો, જેવડે તું જોરો કરો;
અંગદ કહે ઇષ્ટ મારા તણું, અહર્નિશ ધ્યાન ધર્મે ધરે. ૧૫૭


રાવ-જા અલ્યા જીવતો કહે તારા રામને, ગામ કેમ આવડિયો ધામ ધાતો;
દેહ દીઠી નથી તેં દશાનન તણી, કાન સુણી નથી વેણ વાતો;
કુંભકર્ણ આળસ તજી ઉઠશે, લાખ સવા મણ ખીચ ખાતો;
ક્રોડ બોતેર ને પદ્મ અઢારમાં, ઝાંખશો નહિ કોણ એક જાતો.
અં-અલ્યા રામ આગળ કશી વાત તે તાહરી, શ્વાનની વાત શી સિંહ સાથે;
રક કીરત કહે રાજ રાજેંદ્રને, લાભ શો લીજીએ તેહ ત્યાંંથે;
દેખાડ તાહરો ડાહ્યરો દળપતિ, માહરો બળ સહે બાંય બાથે;
ક્રોડ કુંભાતણા માન મોડું અતિ, એવી હું હોંસ રાખું છું હાથે.

દુહા.
રાવણ-વઢવા આવ્યો વાંદરા, તો તે કરીએ પેર;
જા મૂકું છું જીવતો, ઘણા હેતથી ઘેર. ૧૬૦
અં-નહી લઢને મેં આયો હું, કહેને આયો બાત;
જો સૂનો તો મેં કહું, જો કહાવી રઘુનાથ. ૧૬૧
રાવણ-દેઊં દુહાઇ રામકી, જો મુખ બોલે જૂઠ;
એક બાત ઐસી કહે, પ્રતિ ઉત્તર લે ઊઠ.

કવિત.
અંગદ-સુનો યું લંકાધીશ, દસહી ધરાયો શીશ;
ઇસકે પ્રતાપ આપ, બેઠે હો જુ પાંચમે;
રામજીકું સીત દીજે, રાજ બેઠે લંક કીજે;
ખીજે નહીં કોઇ સિદ્ધ, પામોગે સાંચમેં;
ન તો ગઢ લંક લૂટ્યો, જાનો આપ કાલ ખુટ્યો;
રુઠ્યો જબ રામ નામ, કાલ લિયો ચાંચમેં;
સાલમકી યેહિ બાત, અંગદ જ્યુ કહે સાચ;
મન રાચ નાચ કરે, થયે આઇએ આંચમે. ૧૬૩

રાવણ-બાનરા બિપ્રીત બાત, કહા કહે રામજીકું;
તેરે કછુ ચાહીએ, મનમેં કા મોર હૈ;
જા તું તેરે રામ આગું, શીશહિ પછાર કેબે;
લે આઓ લંકમેં જ્યૌં, લરનેકો કોર હૈ;

જંગલી પ્રધાન જાકો, તાથે મે માલ દેખો;
લેખો હે તું દૂત જેસો, એસો તેરો જોર હૈ;
એકહી ગુલામ મેરો, મારી ચકચૂર કરે;
રામ જેસે સેવકાહ, લાખહિ કરોર હૈ. ૧૬
અં-સુન બે દશકંધ અંધ, ઓરતકો તું હૈ ચોર;
જગ્તમાતા જાનકી, કિંકર હર લાયો હૈ;
અબ તેરી સમૃદ્ધ ગઇ, ગઇ લંકા ઓર જાન;
નવગ્રહ છોર ડારે, દેવ સુખ પાયો હૈ;
વાકું તું નવ બુઝે, સુઝે નહીં તોય જાયે;
તું પ્રતીત જાકે ગુન, બેદ જેસે ગાયો હૈ;
પ્રચંડ દંડ તોકું દેગો, અબે કહ્યો મેરો માન;
તેરો ઘાટ ઘડનેકું, આપ રામ આયો હૈ.
રાવણ-મસ્તકમેં જટાધારી, કહાવતે બ્રહ્મચારી;
બનફલ અહારી સારી, આયુધ ધરી ફરતા હૈ;
કહાજાને કોન કાજ, ગામ લોક કિયે તાજ;
સંગ નહીં કોઉં સાજ, રાજ કાકે કરતા હૈ;
દેખનમેં બીર દોઇ, ઐસે નહિ ધીર કોઇ;
અપની ઓરત ખોઈ, બાનર મેં ઠરતા હૈ;
સામલ કહે સુવેખી, સેના મેં બહોત પેખી;
માંકડે અલેખે દેખી, રાવણ કા ડરતા હૈ !

દુહો.
લખ મણિયા ઘોષા ગડગડે, પોઢા જેની પીઠ;
મરોડે મણિધરતણી, ક્યાં ડરે દેડક દીઠ?

કવિત.
અંગદ- ધકેટેમેં ધરા ધ્રુજે, ખેહમેં ન દિન સુઝે;
બુઝે નહિ તોય માન, મરદુંકે મોરેગો;
નાલ ગોલ બાન છુટે, ગામ કોટ લંક લૂંટે;
રુઠેગો રણાયો દાઓ, દેકે ગ્રહ છોરેગો;
હનુમાનકું હકારે, ડરેગો તું તો ડકારે;
નગારે સબ ફૂટ ફૂટ, ફીટફાટ ફોરેગો;
સામલ કહે બેર બેર, આયો હેં અજીત શેર;
ઘેર લેગો કરી રીશ, અપ રામ તોરેગો.


ઝૂલણા છંદ,
રા-અંગદા અંગમાં શે તું સમઝે નહીં, કુખ કાયરતણી તુંજ આવ્યો !
કપુત વાળીતણા કુળ વિષે અવતર્યો, કે શકે નીચનું થાન ધાવ્યો !
શતક કટકા કર્યા તાત તારાતણા, તેતણી ભક્તિમાં ભૂર ભાવ્યો !
વાનરા સર્વનો ઘાટ ઘડાવવા, લખવસા લક્ષ્મણો આંહીં લાવ્યો !

અં-પાષાણ અજ્ઞને પ્રીછવું કેટલું, જેહમાં ગુણ નહિ જ્ઞાન જ્ઞાતા;
વીશ છે નેત્ર પણ અંધ વપુએ થયો, શોધતો શે નથી ચિત્ત ચહાતા;
જે કરે જેટલું ભોગ તે ભોગવે, તે તમો દેખશો ધંધ ધાતા;
વળિ વૈકુંઠ પદ પામિયો પ્રીતથી, રામજી મુક્તિપદ દિવ્ય દાતા.

રા-કાપડી વેષ લઈ વન વિષે જે ફરે, શીશ જટા ધરે સંગ સારો;
સીતની શુદ્ધ નવ માસ નિરખી નહીં, આજ સાગરતણો દીઠ આરો;
લાવિઓ રીંછ લંગૂર લખ કોટિધા, માનવી મૂળ મુખવાસ મારો;
લંકપતિ છત્રપતિ રાય રાવણ સાથે, રાઢમાં જીતશે રામ તારો !

અં-એક કિંકર અહીં આવશે રામનો, તે નહીં તાહરો બોલ સાંખે;
તાત મારાતણી કીર્તિના કવિ તમો, હું ખમું બોલ જે ભુંડ ભાખે;
અન્ય જણને ઓશિઆળ શી તાહરી, જો ઘડી એકમાં જોર ઝાંખે;
લંક પરલંક એ અંક એકે ભરી, નિમિષમાં નિધિતણે નીર નાંખે !

રા-કહે દશાનન સુણો વાળિકા દીકરા, પ્રીત સંભાર તું પેર પૂઠી;
રામ ઉપર તને હેત ક્યમ ઉપજે, તાતને મારિયો કાળ કૂટી;
પિંડ પાળે તારું વેર વાળે નહીં, પેટની વેઠમાં વાટ ઉઠી;
કર અહિં ચાકરી બાંધ્ય ત્યાં બાકરી, રામશું રાઢ કર આવ્ય ઉઠી.

અં-બુદ્ધિબળહીણ તું ક્ષીણ આયુષ થયો, રાવણ મૂઢ મુખ શું જ ભાખું;
રાજમહારાજ અધિરાજજી કેરડાં, દર્શનો નિત્ય હું દિવ્ય દાખું;
સહ અમૃત રત્નખાણ પૂર પ્રેમની, તે તજી ઝેર નીરવત ચાખું;
સ્વામી સામળતણા ચરણ પ્રતાપથી, તુજ સમા કિંકરા ક્રોડ રાખું !

રા-વેદ અવસાન આવ્યો હવે વાનરા, પશુય જાણી નોતા દંડ લેતા;
પંડ તારો શત ખંડ કટકા કરે, ક્રોધથી ઉઠશે જોધ જેતા;
ખાલ નખ નખ લઈ દુઃખ દઈને દમે, લંકથી છુટશો લાભ લેતા !
રામની આણ જો સત્ય તું કહે નહીં, જે તું સમા સેનમાં સુભટ કેતા ?


અં-શૂભ સુભટ ઘણા જુગ જોડે જમા, તે થકી લક્ષધા હરખ હેમે;
રુપાતણા રાચમાં ભોજ્ય ભાવે કરે, કાંસની થાળ કંઈ પત્ર પ્રેમે;
મૃત્તિકામાંહી અશન કંઈ કોટિધા, એમ મરજાદ સહુ નરત નેમે;
તેતણી જુઠ વીણી અમો જીવીએ, હું હનુમંત બે ખંત ખેમે.
છપ્પો.
રા-મૂરખ મૂઢ અજાણ, જૂઠું બોલે ક્યમ ઝાઝું;
કોણ ગણતીમાં રામ, લવરી સુણતા હું લાજું;
કોઠ બીલાં ખાનાર, લંગૂરાં કોટિક લાવ્યો;
વાઘણકેરાં દૂધ, મણિધર મણિ લેવા આવ્યો;
વળી તારુણી મારી તાટકા, તે પરાક્રમ દીઠું તમો;
વળી હોય પરાક્રમ રામનું, કહે કિંકર સુણિયે અમો.
ઝૂલણા છંદ.
અં-કરતૂક પૂછે કશ્યા એક કરતારનાં, જેહમાં જોરના જુગત ઝાઝા;
કોટિ બ્રહ્માંડ મંડાણ સૃષ્ટિતણો, મોક્ષ મહિમાતણો મૂળ માઝા;
અવતાર અંશે કરી વંશ દિલિપ કુળ, કીધ પરમારથ કોટિ કાજા;
ગરવરાગુણનિધિ તારિયાં તુંબ જ્યમ, શીશ રણ રોળશે રામ રાજા.
રા-વધતું વેણ વદે અલ્યા વનચરા, કેટલી બુદ્ધિ તરતીબ તારી;
પ્રાશન કરે પિલવાં વાલિઓ વાનરો, મોટાઈ જુઓ એણે નાંખ્યો મારી?
તાટકા તારુણી રાંકડી રંડ એ, જીતિયો નીચ નિર્માલ્ય નારી;
રામનાં કામ જાણે બધા જગતમાં, ધીર એ વીર બે ધર્મધારી.
અં-ત્ર્યંબક જ્યાં મોડિયું માન તુજ માંડિયું, છોડિયો ત્યાં તુંને ધર્મ ધાર્યો;
દશ મસ્તક દક્ષમાં રાખીયો કક્ષમાં, પલક એક પક્ષમાં હોડ હાર્યો;
કોટિ રાક્ષસ હણ્યા, ભય તેના નવ ગણ્યા, વેદ ભણિયા હવે તુજ વારો;
મારવો રંકને લૂટવી લંકને, પાપથી ઓસરે રામ મારો!
રાવણ-માનવી માનવી સંગ રહે છે સહુ, માંકડા સાથ મન એનું મોહ્યું;
નાનપણમાંહિથી નામ કાઢ્યું જુઓ, પરવર્યા પુરથકી રાજ ખોયું;
ક્ષત્રીવટ ખોઈને જોગ જટા ધરી, શરમ ને કરમ ને ધરમ ધોયું;
મંત્રી તુજ સારખા પ્રાક્રમી પારખ્યા, દશકંધ રામનું જોર જોયું.
ચોબોલો.
અંગદ-મંત્રી તે પુણ્યવંતા પૂરણ, ઘર બેઠા લખ લૂટે છે;
શ્રી દશરથના નંદન સાથે, ધારા વેદની છૂટે છે;


લાયક લીલા લક્ષ્મણ સાથે, અમૃતના ઘન ઉઠે છે;
અભાગિયો અક્કરમી અંગદ, રત્ન પથ્થરશું કૂટે છે ? ૧૮૨

છપ્પા.

રાવણ-બોલે વધતા બોલ, તોલ ખુવે છે તારું;
રવિ સામા નાંખે રેણું, માન ઘટે નહિ મારુંં;
આયુષ તારું અલ્પ, એક ઘડીમાં આવ્યું;
તાતનું લેતાં વેર, ભાગ્ય ભુંડું ભાવ્યું;
અવતાર અફળ તારો ગયો, વેર ન વાળ્યું વેઠમાં;
શત્રુને જઈ શરણે રહ્યો, પાવક ઉઠો તુજ પેટમાં ! ૧૮૩
અંગદ-અન્યાઇ બોલે આળ, ગાળ ગુણ હીણા દે છે;
અધર્મી અવતાર, ભાર શું માથે લે છે;
મુજને તુજપર હેત, ખેદ રાખી નહીં ખીજું;
આપણ બંન્ને ભ્રાત, બતાવું કારણ બીજું;
જો વાળિ તાત છે આપણો, છૈયે સહોદર સુખમાં;
તુજને રાખ્યો તો કાખમાં, મુજને રાખ્યો તો કૂખમાં ! ૧૮૪
રાવણ-વાળી સરખા ક્રોડ, ચરણ મારાં ચાંપે છે;
સુગ્રીવ સરખા લાખ, કૃત્ય દેખી કાંપે છે;
ઇંદ્ર આદિ સુર સાથ, હાથ જોડે જન ઝાઝા;
નથી સાંભળ્યો કાન, રિદ્ધિપતિ રાવણ રાજા;
ડોલાવું દશ દિક્‍પાળને, સળકાવું શેષ ધામને;
તું અલ્પ બુદ્ધિ સમઝે નહીં, રહ્યો વખાણે રામને. ૧૮૫
અંગદ-શેષતણો અવતાર, તેહ લક્ષ્મણજી લાયક;
ફરશીધર ફરશુરામ, રામ નરપતનો નાયક;
મહાલક્ષ્મી અવતાર, માત એ સીત સતી છે;
એકાદશમો રુદ્ર, જોગ હનુમાન જતી છે;
ખસબોઇ કેસરતણી, બહો ગુણ બેહેક બરાસનો;
તરણ તારણ ત્રૈલોકનું, તે સ્વામી સામળદાસનો. ૧૮૬

સવૈયો.

રાવણ-કીડીથી કુંજર ક્યમ બીહીશે, ડકર કરી દેખાડે ડકરી;
સ્વપ્નામાં સીતા નહીં આપું, પકર અમે પકરી તે પકરી;


જીવજાન તુજ જોખમ થાશે, મેલ જનાવર ઝાઝી જકરી;
શાર્દૂલ શેર સિંહસો રાવણ, બીજા બળવંતા તે બકરી ! ૧૮૭

ઝૂલણા છંદ.

અં-જોડિને કર કહું વાત તુજ કામની, નરપતિ ગર્વ તુજ એ બે જોશે;
સીત શું પ્રીત તે મોતની રીત છે, ચાંચડવત ચોળશે ચિત્ત ચહાશે;
ઇશ હતા તૂજ શીશ પર ગાજતા, તે સાથે શત્રુતા બહુજ થાશે;
સામળતણા સ્વામીની નીચ નિંદા કરે, ચોકડી ચૌદનું રાજ જાશે. ૧૮૮

સવૈયો.

રા-રાંકની જાત તે રત્ન શું ઓળખે, આખર ચૈતન ચાકરનો;
ગરીબતણે ઘેર પેટ ભરે તે, ઠાઠ શું જાણે ઠાકરનો;
મેરુતણો મહિમા નવ પ્રીછે, કરે વખાણ તે કાંકરનો;
"ખાખરની ખીલોડી" અંગદ, સ્વાદ શું જાણે સાકરનો ? ૧૮૯
 
ઝૂલણા છંદ.

અં-આરોગિયાં અમૃતફળ જેણે અતિ ઘણાં, તેહને ઝેર તે કુણ લેખે;
હાર પહેર્યા જેણે હેમ મોતીતણા, કાચ કથીર કુણ પૂઠ પેખે;
પદ્મિની પારખી જેમણે પ્રેમદા, શંખણી દાખુ તે લાભ લેખે;
રામ હ્યદે વસ્યો ત્યાંય રાવણ કસ્યો, માન સાચું નહીં મીનપેખે. ૧૯૦
રા-કપુત ઉઠ્યો અલ્યા પેટ વાળીતણે, તાતની દાઝ તો તેં ન જાણી;
તાત જેણે હણ્યો, ભય તેનો નવ ગણ્યો, પેટ ભરે તેના ગુણ વખાણી;
મુખ શું લેઈ મુજ સાથ બોલે બકે, એહ પ્રતીતથી જોર જાણી;
એ જીવ્યાપેં મળ્યું મોત ભલું, બુડ ભરિ ઢાંકણી પૂર પાણી ! ૧૯૧
અં-મંદોદરી શુભ સતી તેહનો તું પતિ, તેટલા માટે હું બોલ્યું સાખું;
દિવસ દસ બારમાં મોત હવે આવિયું, સંભાર કોઈ ઈષ્ટને સત્ય ભાખું;
કુંજરતણે આગળે કીટ શું કોપશે, એ વિધે તાહરું જોર ઝાંખું;
રામ દે આજ્ઞા હવડાં હું કરું, લંક બાંધી તુંને નીરે નાખું. ૧૯૨
રા-કરગરે ક્રોડ દહાડા થઈ કિંકરો, કામિની કાજથી દીન દાસ;
લેતો નથી પ્રાક્રમ લંકપતિ કેરલાં, દેવ દાનવ રહે ઘેર વાસ;
આપ અસ્વાર આસન થકી ઉઠશું, બાંધશું નરપતિ નાગ પાસ;
કારાગૃહ નાંખીને કોડ પહોંચાડશું, આજ અયોધ્યાતણી મેલ આશ. ૧૯૩


કવિત.

અંગદ-કહા જાને મૂરખ, તું દશરથકે નંદનકું;
સનકાદિ જોગી જેસેં, પીર ધ્યાન ધરત હે;
પતિતકો પાવન એ, ખાવન હે ખલકકો;
ભક્તનકો બચ્છલ, કામ કરુના કરત હે;
શશિ શેષ શારદ જુ, નારદ બસિષ્ઠ બર;
ભૂપર જીવા જો ન વાકુ, ભરતપુર ભરત હે;
સામળ જ્યુકે સ્વામીકી, પ્રતિત તું પર્ખ દેખ;
ગિરિવર ગંભીર ધીર, નીર પર તરત હે. ૧૯૪

ઝૂલણા છંદ.

રા-સીત લેતાં ઘણું સમજશો સો વસા, વાટ વાંકી ઘણી વિકટ વાંટા;
બિબુલ સૂકાં બળે લક્ષ લાગે બહીં, ચોહ પથ્થર પડે છે છેક છાંટા;
રેત પીલ્યા થકી તેલ તે ક્યાં થકી, અધિક અતર વિષે આડ આંટા;
રામને કામ છે સાથ રાવણતણે, ખાવો છે ગુંદ મહિં ક્રોડ કાંટા ! ૧૯૫

છપ્પો.

અંગદ-અંધ થયો દશકંધ, ધન્ધ ધારી શું બેઠો;
કુળ અંગારો આપ, પાપરૂપી થઈ પેઠો;
દશ છેદાશે શીશ, દીસ થયા તુજ વંકા;
ઇશ થવા ઉફરાંટ, લક્ષ લૂંટાશે લંકા;
પુત્ર તારા પ્રાજે થશે, વિધવા નાર તારી થશે;
સમઝ મૂઢ મન મૂરખ મને, ચૌદ ચોકડી ચોવટ જશે. ૧૯૬

ઝૂલણા છંદ.

રા-શૂર સામદ છે સુભટ કો હાજરે, વાનરો મૂરખો મોજ માલે;
પૂછે ગ્રહી ફેરવો શીશ પાછળથકે, વખાણનાં નામની લાણ આ લે;
કોડ પહોંચાડો કરતૂક એના તણાં, જીભ ઝાલી કરી ચિત ચાલે;
સેન એનું જુવે તેમ કટકા કરો, પેસવા લંકમાં ન કો હામ ઘાલે.
અં-સૃષ્ટિ બ્રહ્માતણી સરજિયો કો નથી, રામ સેવક તણે મુખ બોલે;
ત્રિલોકના નાથનાં ચરણ સેવું અમો, તેહ પ્રતાપ તું કોણ તોલે;
રાવણ રંખ જાણી તને ગુજરું, લંક ઉદ્‌વસ્ત કરું ખાંત ખોલે;
સામળતણા સ્વામીની રેણુ વંદનથકી, લેઉં વેંચાથી હું માન મોલે.


કવિત.
રાવણ-અર્ણવકો નીર આટે, કનકકો દુર્ગ કોટ;
ખોટ એકે નહીં લંક, દેખનેકી જાત્ર હૈં;
ઓલગ કરત ઈંદ્ર, અહર્નિશ દશ દીશ;
ભુજ બીશ ઇશ ધીશ, પૂજવેકો પ્રાત્રહૈ;
સામલકે સદા જોર, સાત લાખ પુત્ર કોર;
તોર ટેક દેખ મેરો, પ્રૌઢ ગુન ગાત્ર હૈ;
બાલ સૂત બાલ કેરે, ઉતારું અંકાર તેરે;
મેરે આગુ રામ લક્ષ્મન, માનવી કુન માત્ર હૈં. ૧૯૯
અંગદ- રઘુવંશી રઘુપત, નિર્મળહેં જાકી મત;
સેનાપત સુગ્રીવ જેસેં, જુક્ત જોડ જોડ હૈં;
શુભકે સુભટ સિન્ધુ, લક્ષ્મનકે બાંય બંધુ;
ઈંદુપત અજોધાકે, બંદી છોડ છોડ હૈં;
સેવકકું સાધારન, દુષ્ટનકું નિવારન;
તારક કવિ સામલકો, હિત હોડ હોડ હૈં;
પતિતકો પાવન ગુની, જય જશ ગાવત;
રાવન જેસેં રામ અંગે, રામ ક્રોડ કોડ હૈં. ૨૦૦

છપ્પા.
રાવણ-દશે શીશ ભુજ વીશ, ઈશનો આદ્ય ઉપાસી;
ધરે છત્ર શિર ચંદ્ર, ઇંદ્ર ઘેર ખાસ ખવાસી;
વરુણ ભરે નિત નીર, વીર કુંભકર્ણ અભીતો;
અગ્નિ નિપાવે અન્ન, તન જેણે શક્રકું જિત્યો;
બ્રહ્મા ભણે ઘેર વેદ, ખેદ કરે નહીં કોઇ;
વિષ્ણુ માને શરમ, કરમ જોરાવર હોઇ;
રછપતિ જમરાય, વાયુ મુજ મહેલ સમારે;
નવગ્રહ કરે સબ સેવ, દેવ જુદ્ધસેં હારે;
કહે સામળ સમૃદ્ધ ઘણી, શશિલંક ઘેર ગામડાં;
રાવન કહે અંગદ સુનો, કોન માત્ર હેં રામડા. ૨૦૧
અંગદ-મનિકે આગે મોહોર, મેર આગું જ્યૌં કંકર;
રાયકે આગું રંક, લંક આગું જ્યૌં છપર;

પંડિત આગું ભેદ, આગુ જ્યૌં જોનો;
કુંજર આગું કીટ, ગીત આઉ જ્યૌં રોનો;
લછમન આગે કુંભ, કોયલ આગે જ્યૌં કગ્ગા;
સિંહકે આગું શ્વાન, હંસ આગું જ્યૌં બગ્ગા,
અમૃત આગું બિખ જ્યૌં, ઇશ આગું જ્યૌં ખાવના;
અંગદ કહે એહીં પટંતરે, રામકે આગુ રાવના. ૨૦૨

ઝૂલણા છંદ.
રા-ક્રોડ તેત્રીસ તો દેવ સેવે સદા, સાત સાગરતણી ખાડ ખાઈ;
ઘરસૂત્ર કંચનતણા પુત્ર શત લખસવા, કુંભકો પ્રાક્રમી ભરત ભાઇ;
દશશીશ વીસ ભુજ બાહુબળ ઘણું, જગ્ત જીવે મારા ગુણ ગાઇ;
અંગદ અંગ શતખંડ તારાં કરું, રામની વાનરા શી બડાઇ.
અં-શેષની આગળે અળશિયાં જ્યમ ફરે, સિંહને આગળે શ્વાન સોનું;
કંચન કથીર જ્યમ કેળા ને કાચકીને, અમૃતરસ આગળે વિખબોણું;
વેદ જોડે જ્યમ ભેદ પાખંડના, દર્શન આગળ જોષ જાણું;
રામજી આગળે રાવણ ત્યમ તમો, ગાનગુણ આગળે રાંડરોણું.

કવિત.
રા-ચલતી હેં આગું, આગું બનચર જીભ તેરી;
ગુદર્તાહું ગુહ્‌ના તેરા, પશુ જાત જાની મેં;
બહાવરે આગું કહેં, બાત તો બનાય બડી;
મેરે આગુ સ્વલ્પ સબે, પથર જ્યું પાનીમેં;
અનમિ અહંકારી નૃપ, નવખંડ ભૂમિમેંકે,
બલમેં બતા કો દેઉં, મુજ સમો માની હેં?
તેરી તે રસનાહિ મેં, તાલુસેં નીકાલ ડાલું,
બાંદરેલ તેલ કાઢું, પીલું ઘાલ ઘાનીમેં? ૨૦૫
અં-મેરી તો બલાય બોલે, મૂરખકે ભૂપ આગું;
ચલતા ચેતાય તોકું, જો તું ચિત્ત ચહાયગો;
ખાવન હુકમ નહિ, તેરે સાથ લઢનેકો;
નાતરુ સમઝાવું તોયે, આપ દુઃખ પાયગો;
બતાઉં ઉપાય એક, રાવન તું ઉગરે તો;
સીત દેકે શીશ નામ, શેષ ગુન ગાયગો;


સામલકે સ્વામી સાથ, રાવન તું રુઠા રહે;
અંગદ કહે અંધ તુહી, બોત માર ખાયેગો. ૨૦૬

'ઝૂલણા છંદ
રા-દેવ દાનવ સહુ જિતિયા જગતપત, આણ ત્રણ લોક અહંકાર મારો;
સૂર્ય ને ચંદ્રમાં ઇંદ્ર તે જિતિયા, શેષથી આદ્ય સંસાર સારો;
પશુ પંખી માન્વએએ દેવ ને દાનવી, ચેતરે ચિત્ત ચિંતવ્યો ચારો;
રાવણ કહે અંગદા એક છે જિતવો, ભૂપતિ નરપતિ રામ તારો.
અં-રામ અજિત એ કોણે નથી જિતિયો, વેદ વચન થકી થીર થાપી;
તમે કહ્યા જેટલા તેટલા કિંકરા, અલખત ભોગવે એની આપી;
ભક્તવત્સલ એહ નાથ અનાથનો, નાંખે કોટિક કલિ કષ્ટ કાપી;
સામળતણાં સ્વામીને સાધુજન ઓળખે, પ્રીછે નહીં રાવણો દુષ્ટ પાપી.
રા-હડહડ્યો દશાનન દશ વદનથકી, તારા તનનું તોલ તોલ્યું
તાતના વેરથી તન વધાર્યું તુંએ, ગુણપણું તારું ઘેર ઘોલ્યું;
માંકડ તણો મહિપતિ કહે તું તે નરપતિ, નોગ લીધો જેણે રાજ રોળ્યું;
બાળબુદ્ધિ ડહાપણ અલ્યા તાહરું, તાત વાળીતણું નામ બોળ્યું.
અં-લંક બાધી બળી તોય સમજ્યો નહિ, અશોક વાડીતણો શોક કીધો;
આળપંપાળ કર્યા નીર અર્ણવતણાં, પ્રૌઢ પયોનિધિ પાજ પીધો;
કુંવર તુજ રત્નશ્યો રણમાં રોળિયો, સીત આણ્યાથી શો લાભ લીધો;
જો વિભિષણ મળ્યો ભ્રાત રઘુનાથને, દેશ લંકાતણો નાથ કીધો.
રા-કહે એક પુત્રથી આંહિ ઓછું કશું, જેમ પટ આગળે એક ધાગો;
સમૃદ્ધ ઘણી ભાઇની ભોમ લીધી અમો, એક એકાકીએ ભૂર ભાગ્યો.
રત્નચિંતામણી ખાણ કંઈ કોટિધા, નાગા નર જેવાને એક વાગો
સિંધુમાં બિંદુ મુંડામાંય મુઠડી, "એક ખજુરાતણો ચરણ ભાંગ્યો!"
અં-દુષ્ટ દુર્જનને સજ્જન તે કશ્યો, ભ્રષ્ટ પાપિષ્ટ આચાર કહાવ્યો;
જાર જન જુવતીને જનેતા કહે જ્યાં, જાર તે શું કરે ચિત્ત ચહાયો!
અધર્મી અકર્મી ધર્મ ધારે નહિ, પાપની બુદ્ધિનો પાય પાયો;
નફટ પૂઠે વૃક્ષ બાવળ ઉગીઓ, "તો કહે મારે ઠીક છાયો"
રા-બાપનું નામ બોલ્યું બુદ્ધિહીણ તેં, સેવક થઇ શત્રુને રહે છે શરણે;
પેટને કાજ પ્રપંચ એ શ્યો કરે, વખાણ કરે વેરીનાં વિવિધ વરણે;
લાજ રે લાજ કંઇ માલ હોય મૂળમાં, તાત હણનારનાં ચાંપે ચરણ;
અંગદ તુજ સમો અખિલ અવનિ વિષે, કપૂત નથિ સાંભળ્યો કોઇ કરણ!


અંગદ-કપૂત નામ તો તેહ, સંતાડે સીત સતીને;
કપૂત નામ તો તેહ, જપે નહીં જોગ જતીને;
કપૂત નામ તો તેહ, રામ શું રાઢે રીઝે;
કપૂત નામ તો તેહ, ખરું કહેતામાં ખીજે;
અહંકારી વિચારો એ આપમાં, મોત ભાગ મનમાં બિયો;
સામળ કહે સેવક રામનો, કપૂત રાવનથી બીજો કિયો. ૨૧૪
રાવણ-બોલે બીજો બળવંત મુછાળો હોયે મારું;
પૂછાળો મારે પાપ, હોડ તે માટે હારું;
વાનર વનચર જાત, જનાવરપર શો જોરો;
શત્રુને રહે શરણ, તેહ ઉપર શો તોરો;
કાન કાસદીઆ તણા, છેદેથી મોટમ નહિ મૂને;
લંકપતિ કહે રે લંગુરિયા, તેથી જીવતો મુકું તૂંને. ૨૧૫
અંગદ-જોનાર મુજ સામું કોય, નથી જન્મ્યો કો જાતે;
જોનાર મુજ સામું કોય, સુંડ નથી ખાધી માતે;
જોનાર મુજ સામું કોય, નથી સરજ્યો બ્રહ્મસૃષ્ટે;
જોનાર મુજ સામું કોય, નથી વર્ષ્યા કો વૃષ્ટે;
મુજ સામું નથી બોલતો, જીવ રહ્યો ત્યાં જડી;
બોલે આયુશ આવિ રહ્યું, જમલોક પહોંચાડું તે ઘડી. ૨૧૬
રાવણ-જમ ચોકી કરનાર, લંક કેડે હરનીશે;
ગ્રહે ન દે કોઇ નામ, વરદાન એ આપ્યું ઇશે;
ચાંપે પનોતી ચરણ, કરમ કર જોડી રહે છે;
અષ્ટોત્તર શત વ્યાધ, ખમા ખમાનિત્ય કહે છે;
નિકટ મોત નહીં નગરમાં, માઝા કુણ લોપે મારી;
જશવંતા રાવણ ઝીતે જશ, જુગ બાધામાં જારી. ૨૧૭
અંગદ-ઇશ હતા તુજ શીશ, તે ગુણ ઘાટ ઘોળાણું;
ચૌદ ચોકડી રાજ, રિદ્ધ સિધ સર્વ રોળાણું,
આયુશ થઈ ગયું અલ્પ, સતી સીતાને શાપે;
પરવાર્યું જપ પુણ્ય, પ્રેમદા હરિ તે પાપે;
દિવસ બે ચાર દશ બારમાં, લંકાગઢ તારું ગયું;
હજુર માત આવ્યું હવે, રાજ વિભીષણનું થયું. ૨૧૮


રાવણ-વિભીષણકેરી ભોમ, લક્ષ્મી મેં લીધી લૂટી;
પ્રેમદા સહિત પરિવાર, કહાઢ્યાં લંકાથી ફૂટી;
પોઠી પંચાણું કોટ, ઝવેરખાનું જે જાણ્યું;
એકેડેઅશ્વ ને રિદ્ધ, અલખત સર્વે ઘેર આણ્યું;
સજ્જન દીધા એના શૂળીએ, જમલોકને તે જઇ મળ્યા;
મૂરખ મન વિચાર કર, પ્રથમ રામ તેને ફળ્યા. ૨૧૯
અંગદ-લોભીને શી લાજ, નિર્લજને શી નરનારી;
પાપીને શું પુણ્ય, અધર્મિને શો ધર્મધારી;
વ્યભિચારી શો વિવેક, શી ભગિની શી માતા;
ચડાળતણું શું ચિત્ત, કાં પિતા કાં ભ્રાતા;
લોભી લંપટ નીચ નર, કુળમાં અંગારા અતિ;
સકળ સજ્જન સહારવા, મોટા અવતર્યા મહીપતિ. ૨૨૦
રાવણ-લંકાની લીલા લહર, મૂર્ખ ત્યાં તું નહિ માયર;
કનકકીરમય કોટ, શોભિત તે પેઠે સાયર;
વરુણ વાયુ કુબેર, અધિક ભેટો તે આપે;
દિવાકર દશ દિક્‌પાળ, વચન મારું થીર થાપે;
છંનુ કોટિના છત્રપતિ, કિંકર કર જોડી રહે;
રિદ્ધિ સમૃદ્ધિ રાવણતણી, લંગુર જાતે તે શુંલહે. ૨૨૧
અંગદ-સાત લાખ સીન્તેર, પુત્ર તારા છે પ્રૌઢા;
ઈંદ્રજિત કુંભકરણ, જુગ જાણીતા જોડા;
બાણું ક્રોડ બળવંત, શોભિતા સામદ સાથી;
છંનુ કોટિના છત્રપતિ, ભારે ભૂમિપતિ ભાથી;
એ સર્વેને સંઘારવા, પાપે કુંભ ભારે ભાર્યો;
હૃદે વિચાર રે રાવના, કાળ રૂપે તું અવતર્યો. ૨૨૨

ઝૂલણા છંદ.
રા-આબલાં ઓઢવા ઉબરાં વીણતાં, લાવિયો વાનરાં વેર લેવા!
માંકડા રાંકડા રીંછડાં પીંછડાં, સિદ્ધ જાણી કરે એહ સેવા!
હુકતાં કુદતાં ઢુંકતા ફુદતાં, જિતવા આવિયા જોધ જેવા!
નરપતિ છત્રપતિ ઈંદ્રપતિ પાસથી, સીતને પામશો તર્ત તેવા! ૨૨૩

<

અં-લોક કહે લંકપતિ ફોક મારે મને, અશોક શોકપવત નગર સરખું!
લંકનો વંક તે અંક રજ રંકવત, નિસ્શંકપે પૂરો પંક પરખું!
ઇંદ્રજીત કુંભકાં તુંબકા તોલવત, હુંબકા દેખીને હિત હરખું!
ચરવણું ચાવણું ભૂખનું ભાવણું, રાવણ ધાવણું બાળ સરખું ! ૨૨૪

છપ્પા.
રાવણ-જુઠું બોલ્યાનું જોર, તોર દીસે છે તારો;
રખે વખાણો રામ, મેળ નહિ આવે મારો;
એવા લક્ષ કરોડ, હોડ કરંતાં હાર્યા;
નમ્યા તે જીવ્યા, જંન, માન કર્યું તે માર્યા;
ડહાપણ ડીંગ માર્યાત્યણું, ગાહડ ગુણ તુજમાં ઘણું;
શું વિખાણ કરે વાનરા, રામતણું મોટમપણું. ૨૨૫
અંગદ-કુબેર તણાં વિમાન, સુખસાગર સુખ સેજે;
ઝવેર જડિત્ર મહેલ, તપે તરણીવત તેજે;
સાઠલાખ શ્યામા સહિત, હીંચે હીંચોળા ખાટે;
અલખત અપરંપાર, પુખરાજ પરવાળાં પાટે;
દશાનન તુજપર દયા, અંગદ કહે આવે મૂને;
લંગૂર લંકા લખ લૂટશે, તે માટે કહું છું તૂંને. ૨૨૬

કવિત.
રાવણ-આવ્યા છો અનેક જન, વાનર વિવેક વિના;
ખાસો મોકમ માર સૌ, જાસો જીવ ખોઇને;
સેવો છો શું જાણી એને, રાજ ભ્રષ્ટ થયો રામ;
ગામ ધામ કામ કુળ, રહ્યો ધર્મ ધોઇને;
સિદ્ધિપણું રિદ્ધિપણું, નિધિપણું નેક નહીં;
સેવક કે શહાનેકી, કર નહિ કોઇને;
સતી સીત હરી જ્યારે, તોલ અમો કર્યું ત્યારે;
જીવતા મેલ્યા તે દીસ, શીશ જટા જોઇને. ૨૨૭
અંગદ-'રક્ષપતિ તારા તે, મારા લેખામાં કુણ;
મરોડી લેઉં મામ, દેઉં માર માર માર;
કનકના કોટ ઓટ, દપેટી દેવટ કરું;
ફરું હરું ફોજ માંય, ભાંજુ ભાર ભાર ભાર;
ચેતાવું અચેત તુંને, ચેત ચેત ચેત ચિત્ત;

આયુશનો આરો તારો, પામ્યો પાર પાર પાર;

રામચંદ્ર રાજ રુઠ્યો, કામી તારો કાળ ખુટ્યો;
લંકાસરખી લાખ તારી, લૂટું લાખ લાખ વાર. ૨૨૮

છપ્પા.
રાવણ-રામના દંતમાં દેઈ, સિતાજી હું હરી લાવ્યો;
રોતો ફરતો રાન, દશ માસે અહિં આવ્યો;
પામરકેરી પેર, ભીખારી ભાવે ભમતો;
માંકડ કુકડમાંય, રહ્યો રાજી થઇ રમતો;
મરદ મૂછાળા પાસથી, કઠણ લેવી છે કામિની;
જાઓ જાઓ મૂકું જીવતા, જરૂર આજની જામિની. ૩૨૯
અંગદ-મરદ મૂછાળો હોય, તેહ શિદ થાય ભિખારી;
નરપતિ હોય નરેંદ્ર, ચોરે તે કાં પરનારી;
સામદ હોયે શૂર, રિદ્ધિપતિ રાવ કે રાણા;
તે શિદ પાડે બુમ, કાર્મુકે કર ચંપાણા;
ઉંચા અધર્મ નવ આચરે, ભુંડા બોલે ભાંડમાં;
તોલ ઘટે તુંને મારતાં, રામને મન તું રાંડમાં. ૨૩૦
રાવણ-સાત લાખ છે પુત્ર, એક મારે શું થાશે;
લાખ એંશી હજાર, જામાત્ર પ્રૌઢા છે પાસે;
એક વિભીષણ ભ્રાત, ભૂર ભૂંડો થઇ ભાગ્યો;
જ્યમ ચુડેલનો પાગ, પટ આખે એક ધાગો;
લંગુર મૂઢ લવરી કરે, મમત ન મૂકે મનમાં;
કાસદ કિંકર ક્યમ મારિયે, તોલ વિચારું તનમાં.

ઝૂલણા છંદ.
અંગદ-કુંવર લાખ તારાકેરી કામિનિ કરું, વાંઝણી એટલી ધીર ધારું;
શ્યામા સાઠ લક્ષ તરુણ ધર તાહરે, ગર્ભ ગાળું રડે તુજ સારુ;
ક્રોડ બળવંતનો અંત આણું અલ્યા, હોડ હઠ કોડથી નવ્ય હારું;
રામ રજઅંશ એ પુણ્ય પ્રશંસ, કરું હુંય નિર્વંશ એ નગ્ર તારું.
રાવણ-માંકડાં રાંકડાં જા ઘેર જીવતો, વાંકડા ફાંકડા બોલ કેવા ?
કાયાતણા કટકડા કોડ કરાવશે, વનચરા પાસથી લાણ લેવા;
મૂખતણા મટકડા ભાવ ભૂલી જશો, ચટકડા સેવશો સિદ્ધ સેવા;
લટકતાં શીશ રેશે ધડ જુજવાં, રામ નહીં આવશે હાથ દેવા.


અંગદ-રાંકડો જાણિ કહે તું મને માંકડો, આંકડો મેલશો તોજ જીવો;
સંકટ ઘણું સાંકડો પાપ પૂરણ ઘડો, ચોર ચિત્તે ચઢ્યો કાર્જ કીવો;
પાપ પાસે પડ્યો, ઘાટ તારો ઘડ્યો, સીત હરવા અડ્યો ઝેર પીવો;
માન મોટમ મોટ્યો આયુષ્ય અવશ્ય ઘટ્યો વંશ વર્ત્યો નહિ સાખ દીવો.
રાવણ-ક્રોધ પૂરાણ કરી રાય બોલ્યો ફરી, હઠ કરી તું હરિ ધીર ધારી;
દૃષ્ટિ જો મેં કરી, જાશે તું સહજ મરી, શું જાવું નથિ ફરી પુઠ પારી;
ખાંત રાખે ખરી તો તો રહે નહિ ઠરી, રીસ ભુંડી ભરી માન મારું;
વાત તારી સૂણી ભ્રાંત નહોતી કરી, જાન જોખમ કરું તર્ત તારું.

છપય.
અંગદ-રામચંદ્ર પરતાપ, કોણ મુજ સામું જોશે;
રામચંદ્ર પરતાપ, જીવ નિજ દુશ્મન ખોશે;
રામચંદ્ર પરતાપ, કોણ મને શસ્ત્રજ મારે;
રામચંદ્ર પરતાપ, ક્રોડ તુજ સરખા હારે;
શ્રી રામચંદ્ર પરતાપથી, જળને સ્થાનક સ્થલ કરું;
કવિ સામળ અંગદ કહે, કહે તો આભ ઉંડળ ભરું. ૨૩૬

ઝૂલણા છંદ.
રાવણ-હવણાં તો વંશ ગયું અલ્યા વાલીનું, મરત છે ઢુંકડું તરત તારું;
તાળવે જીભ કાઢું તજી તાહરી, હજુ લગી દીલમાં ધર્મ ધારું;
ચરણ ગ્રહી ફેરવું તરણવત તુજને, રામ ગુણ ગાય તો નિશ્ચે મારું;
આકાશ ઉડાડશું પવનવત પલકમાં, દેખશે દળ કપિસેન સારું.

કવિત.
અંગદ-ગયો તેરો તેજ સબે, હેજ હેતકારી કોય;
ગયો દમ નામ ઠામ, ગયી કીર્ત કેહેનેકી;
ગયો ઘરસૂત પૂત, અરથ ગરથ ગયો;
તખત અલખ ગઇ, તતીંબ જ્યોં તાનકી;
ઘોડે જોડે ગયે પોઢે, ગયે પરતાપ તેરે;
હાથી સાથી ભાથી ભૂપ, મમત ગઇ માનકી;
જાન ગઇ જોખમ ગઈ, રાજરિદ્ધિ રોખ ગઇ;
જ્યા દિનતે લ્યાલો મૂઢ, જગ્માત જાનકી. ૨૩૮

છપ્પો.
રાવણ-રામતણા ગુણ ગાય, છેક તેરે ક્યમ છાંનું;
રામતણા ગુણ ગાય, મૂઢ તે ક્યમ હું માનું;
રામતણા ગુણ ગાય, વચન માનું કિમ તારું;
રામતણા ગુણ ગાય, ડગે કિમ મનડું મારું;
અલ્યા રામતણા ગુણ ગાયા થકી, જોખમ તારે જાને થશે;
ઉડાડી દેઉં આકાશમાં, એટલે રામચરણે જશે.
અંગદ-ગયું રાજ ઘરસૂત્ર, પુત્ર સહોદર સાથી;
ઘોડા જોટા જોખ, રોખરિદ્ધ વિધ હિત હાથી;
ગયું તેજ હિત હેજ, સિંહાસન વિમાનવાસી;
દેવ કરતાતા સેવ, ગયા દિવાન ને દાસી;
પુણ્ય સર્વે પરવારિયું, મામત ગયું મૂઢ માનની;
વળી ઈશ ગયા તૂજ શીશથી, જે દિન લાવ્યો જાનકી.

ઝૂલણા છંદ.
રાવણ-પૂત કપૂત તું કૂળ લજામણો, ભૂપ સાથે ભિડે બળ ભારી;
નરપતિ દીકરો દૂર થઇ આવિયો, ટેક તરબીબ એ જોઇ તારી;
ક્રોડ બોતેર ને પદ્મ અઢારમાં, રામ ને લક્ષ્મણ કારભારી;
એ સર્વ ગર્વ તે સેલ મારે મને, ચિંતવું તે દિન ચાર મારી.
અંગદ-ઇશના ઇશને શીશ નામ્યું હશે, રીસ ખમું તારી તેહ માટે;
જગદીશ એ શીશ છેદશે તાહરાં, વેદ વહ્યા જશે સ્વર્ગ વાટે;
હરનિશ દિનેશ જે દીપ દેખાડતો, તે તળ્યું આજથી જ્ઞાન ઘાટે;
વીશ વસાએ લક્ષ્મી જાતી થઇ, સીત હરી તેહ પાપ માટે.

છપ્પો.
રાવણ-રાંક ઉપર શી રીશ, કરવી તે ન ઘટે મુજને;
દેઉં છું જીવતદાન, જીવતો મૂકું તુજને;
કાસદકેરા કાન, વાઢતામાં હું લાજું;
તરણાપર શો ટેક, દીલ મારામાં દાઝું;
તું બુદ્ધિહીણ બકતો રહે, કૂથલી શી ઝાઝી કરે;
ગમાર જાની નહિં ગુંદરું, ફરી બોલે નિશ્ચે મરે. ૨૪


ઝૂલણા છંદ
અં-વૈષ્ણવ વિપ્રના વંશમાંહે તમો, જન્મ ધારી ઘણું ચિત્ત ચહાવું;
કરતાં ઉપદેશ કદાચ તું ઉગરે, સહજના સંઘમાં ગંગ નહાવું;
મૂરખને મન તે શીખ શોભે નહીં, બેહેરા આગળે કોણ ગાવું;
શીખની રીત શી રાવણ આંગણે, "ગાંઠનું ખાઇ ઘેલા સાથ જાવું." ૨૪૪

છપ્પો.
રાવણ-' પેલી મહેલી સીત, અશોક વન વારુ વાડી;
ત્યાં છે અટપટી જાગ, ખેલ રત્નાકર ખાડી;
લક્ષ્મણ સરખા કોટ, રામ સરખા બહુ રાજા;
જાવું ન પામે કોય, જંન જોરાવર ઝાઝા;
તું કિંકર થઇને કરગરે, કર ઓઢે ભીખારી થઇ;
જો બળ હોય બુદ્ધિ હીણમાં, તો તું તેડી જા તહી. ૨૪૫

કવિત.
અંગદ-પૂર્વ જન્મ પાપ થકી, સીતાના શાપ થકી;
અક્કલ ઓછી આપથકી, સેજ પડ્યો શૂળમાં;
અક્ષરના અંકથકી, વિધાતાના વંકથકી;
રંજાડ્યા કો રંકથકી, ધન મેળ્યું ધૂળમાં;
અહંકાર અતિ આણ્યાથકી, મમત મૂઢ માણ્યાથકી;
નિરગુણ નાણ્યાથકી, તણાયો તું પૂરમાં;
છેક બુદ્ધિ છોછી થકી, અક્કલ આપ ઓછી થકી;
રાવણ તેં હાથ ઘાલ્યો, ગોખરુના મૂળમાં. ૨૪૬

ઝૂલણા છંદ.
કવિ-દૃષ્ટિ ભુંડી કરી રીસથી રાવણે, રાજમદ જોરથી રાજ રૂઠ્યો;
જવું ન પામે હવે જીવતો વાનરો, એમ કહી આપ અધિપત્ત ઉઠ્યો;
ગુરજ ગુપ્તિ ગ્રહી સામદો સંચર્યા, કોટ કોટ્યાન જ્યમ રાફ છુટ્યો;
પુત્ર વાળીતણો વીંટીઓ વિધવિધે, બાણનો શીર વરસાદ વુઠ્યો. ૨૪૭
હાલક હુલક હલકાર હળહળ થયો, માર મારો કરી ભુંડ ભક્ષા;
અધિપતિ આજ્ઞા કોણ લોપી શકે, શૂર સામદતણી દીધ શિક્ષા;

વીંટીઓ વાળીસૂત ઘેર ઘુમ્મર ઘણે, રીસ રે દનતણી ક્રોધકક્ષા;
લખવસા લાજ કોણ લઇ શકે એહની, જેહને શીર શ્રીરામરક્ષા. ૨૪
એક શ્રીરામનું નામ રસના જપે, જન્મ કોટિતણા તાપ ત્રાસે;
એક્ શ્રીરામનું નામ રસના જપે, અષ્ટ મહાસિદ્ધ નવનિધ વાસે;
એક્ શ્રીરામનું નામ રસના જપે, નિમિષમાં પાપના ઓઘ નાસે;
એક શ્રીરામનું નામ રસના જપે, બેસી વૈમાન વૈકુંઠ જાસે. ૨૪
શ્રવણે સુણે રામનું નામ જો સ્વપ્નમાં, તેહને ભવતણી ભીડ ભાજે;
ઈંદ્ર કંઈ કોટિધા તેહ નરને નમે, છત્રચિંતામણી છાંય છાજે;
અચળ ને અમર વૈભવ વૈકુંઠના, અનહદ નાદનિ વેણુ વાજે;
ઉણમકશી તેહને દેહમાં દુ:ખ કશું, સામળતણો સ્વામી જે શીશ ગાજે. ૨૫
અં-રીજ કે ખીજથી રામહૃદે રહે, જપ જાપ કે તપને મૂળ માને;
દેહ દાતાર નવ રામ કોડે કહે, સમઝ઼િયો તે ઘણું શાસ્ત્ર શાને;
ઓધારિયા આપ ઇકાતરાં તે નરે, પોખિયો દેહ અમૃત પાને;
મરણ સમયાંતરે કરણ્ કિંચિત સુણે, યમદૂત નાસે જ્યમ હરણ રાને. ૨૫
રા - શી ઝ઼ીત કિડિ પરે, કટક શું તે ચઢે, તૃણના ઉપર તે શું કૂવાડા;
રંક પર રુઠવું રાજની રીત એ, તુચ્છ પટે કશી તાન તાડા;
ગુંદરુ છું ગુહનો વાર ઘણી થઇ, બુદ્ધિહીણા બકે બોલ આડા;
લાજને કાજથી મૂકું છું જીવતો, કહેશે, કાસદતણા કાન વાઢ્યા. ૨૫

છપ્પો.
'અંગદ - જપે રામનું નામ, દૂત લખ જોજન નાસે;
જપે રામનું નામ, વાસ વૈકુંઠ વાસે;
જપે રામનું નામ, દોહલાં દેહવટ જાયે;
જપે રામનું નામ, અગર જળ શીતળ થાયે;
નામ જપતા જેહ જન, લજ્જા કોણ લોપી શકે;
શસ્ત્ર ઘાવ લાગે નહીં, રામ નામ જો હૃદે રાખે. ૨

કવિત.
રાવણ - દાવે બોલ્યો દશકંધ, ધાકડો કરે છે ધંધ;
બાંધી લ્યોને એને બંધ, મારી નાંખો મૂઢને;
ફેડી નાખો એનો ફંદ, છંછેડીને કરો છંદ;
મોટમ એની કરો મંદ, કહાડી નાખો કૂડને;

મૂછ પૂછ કૂછ કાપો, તન એનું તાપે તાપો;
અધિક એ લાણ આપો, પ્રાજે કરો પ્રૌઢને;
વાનરો આવ્યો છે વાસે, પોકાર કરે છે પાસે;
ઉડાવી નાંખો આકાશે, આકડાના તૂરને. ૨૫૪

ઝ઼ૂલણા છંદ.
અં -નામ નર કોઇનું રામ હોય રીતમાં, બોલાવતે કોટિ કલ્યાણ કાયે;
રામ કહી નહાય કો છેક જઈ છિદ્રમાં, સહેજ ફળ ગંગ તરંગ થાયે;
અજાણ કે મૂર્ખ રસનાથકિ રામ કહે, પંચ પદારથ પ્રીતે પાયે;
સામળ કહે રામ અક્ષર એક બોલતે, દુ:ખ દરિદ્ર દેહવટ જાયે.

રા - આપ અજાણ અજાણના કિંકરા, પુત્ર અજાણના કૂડકારી;
બાંધિયા નવ ગ્રહ જો અલ્યા બારણે, વેદ ભણે ઘેર બ્રહ્મ ભારી;
અહર્નિશા ઓળગે ઈંદ્ર ઉભો રહે, ધર્મ ધલહલ રહ્યો ધર્મધારી;
દિલીપકુલ દશરથ દેહનો દીકરો, ભૂપ સાથે ભિડે બ્રહ્મચારી.

અં - દેખ અલ્યા દાનવી, એ નહીં માનવી, એણે સૃષ્ટિ આ સ્થિર આપી;
એકવીશવાર નક્ષત્રી અવની કરી, કોટિધા ભક્તનાં કષ્ટ કાપી;
બળીને પૂછ બળ પ્રાક્રમ એહનું, ત્રણ ડગે લીધી ત્રિભોમ માપી;
અંગદ કહે કહું અજાણને કેટલું, પ્રીછે નહિ રાવણો મૂઢ પાપી.

છપ્પો.
કવિ - ઝળકંતી તલવાર, બાણ વરસાદ જ વરસે;
કરડંતા કરે કોપ, ધીર ધશમસતા ધરસે;
નામ ગોળા રણતૂર, માર બહુ દૈત્યે દીધો;
વીંટ્યો વાળીનો પુત્ર, ધુમ્મરમાં ઘેરી લીધો;
ત્યાં માર માર સહુકો કરે, પ્રહાર પગે પાટુતણા;
બહુ અંગદ કીધો આકળો, જોદ્ધા આવ્યા અતિ ઘણા. ૨૫૮

કવિત.
અં - અંગદ કહે એહિ સભામેં, હેં કોઉ બુદ્ધનિધ;
લૂન લખ લાજ રખે, સામદ સિફારસી;
બુઝ઼વે વે બાવરેકું, જીવ જાન રખો ચહે;
ભોગવે ઘરસૂત પૂત, કર કોઉં કારસી;

રાનીકો જાઓ ભહિ, કોઉ રાજબીજ નહિ;
સબીહિં સરિખ ખર, ખરી નીતિ ખારસી;
ગ્યાન કહા ગુમારનકું, કાકકું કપૂર કહો;
મર્કટકું માનક કહા, કા અંધેકું આરસી. ૨૫

ઝ઼ૂલણા છંદ.

રા - એકવાર સીતા હરી, જોતું હવે ફરી, જાઉં અયોધ્યા ભણી ધીર ધાયો;
ઉદવસ્ત કરું એહની આણ જ્યાં લખી ફરે, જાણજો ભ્રાતને બાંય સહાયો;
નરનાર લખ કોટિધા લંક લગી લાવશું, ચિતવું તે ઘડી ચિત્ત ચહાયો;
અંગદા સહિત બોળું સહુ અરણવે, જાણજો કૈકસી કૂખ જાયો!

- એ વિધે વાક્ય સુણ્યાં જવ અંગદે, ચિત્તથી કોપ ચોપાસ ચઢિયો;
નિકટ નરપતિતતણે વિકટ બહુ બોલિયો, અટપટી અંકથી આપ અડિયો;
ઝ઼ટપટી ઝાલિયો કર દશાનનતણો, ચટપટી જીભની જલ્પ જડિયો!

અં - બોળિયું કુળ અલ્યા બાપના બાપનું, કૈકસીપેટ તું પહાણ પડિયો!

- તુચ્છકારો કરી ત્યાંથકી ઉઠીઓ, રીસ ઝ઼ાઝી કરી રિદ્ધ રાજા;
ગુદરો ક્યમ ગુહનો એહ ગુણહિણનો, મટે મહિપતતણી એહ માઝા;
ફેરવી નજર ચોપાસ એ નરપતે, ધસમસ્યા ધીર તરતીબ તાજા;
પ્રૌઢ આયુધ પડે અંગદા ઉપરે, માર જોરાવરી જોધ ઝાઝા.
બાંધવા માંડિયો બળ કરિ બહુ જણે, ચોગમાં બાણની ચોટ નાંખી;
વકારે વિમાનેથકો રાય્ રાવણ ઘણું, શૂર સામદ ક્યમ રહે સાંખી;
હડબડાવ્યો ઘણું હીક હો હો કરી, તરવર્યા જોધ જ્યમ મધમાખી;
રામનું નામ અંગદતણે અંતરે, પડે જ્યમ શસ્ત્ર અંગફૂલ પાખી.
આપ જોરે કરી ઉછળ્યો અંગદો, કારમો કોપ આકાશે કીધો;
વળી ગયા હાથ તે તો રહ્યા હીંચતા, દોષી દેહવટ કરી દાવ દીધો;
બ્રહ્માંડ ભાંગી પડે તેમ ભૂપર થયું, મધ્ય પડ્યા જ્યાં શૂર સીધા;
નાઠા નૃપતિ સહિત દાનવો દશદિશા, પાંચ કોટિતણા પ્રાણ પીધા.
બુમ પડી બધા દેશમાં બહો વિધૈ, રૈયત ઘણું નાસવા છેક છૂટી;
પ્રાજે કરી પૂછવડે કાંઇક પરાક્રમી, હિમ્મત હઠીલાતણી ટેક ત્રૂટી;
વિદાર્યા ઘણું વાનરે નખવડે નર ઘણા, આયુધ અયુતાંતણી ખાંત ખૂટી;
વ્યાપી વાત વીપરીત સૌ વિશ્વમાં, વાનરે એકલે લંક લૂટી.

નાસતા નર દીઠા ઘણા નરપતે, વાસ બાધા માંહે ત્રાસ પેઠો;
લંગૂરનું જોર લેખે લખધા લાહ્યું, અહંકાર તજે ક્યમ એહ એઠો;
હુંકાર ને હોડ એ મોડ કોડે કરી, ફરી ભૂપ સભા ભરી ઘાટ પેઠો;
દંત કરડી મહા મૂછ મરડી પછી, આસને રાય બળવંત બેઠો.
નાગપાશ આણિયું જોર જણાવિયું, તાણિયું બાણ ટંકાર કીધો;
ગાળ દશ વીશ ત્યાં દીધી રીસે કરી, વાળીસૂત ઘુમ્મરે ઘેરી લીધો;
રા - સંભાર કોઇ ઇષ્ટને આ સમે અંગદા, પલક એકમાં તુજ પ્રાણ પીધો;
નામ ટાળ્યું તારું રામ તુજ શત્રુએ, દાદો ત્યમ દીકરો દાવ દીધો.
અં - કુડ બોલે અલ્યા કુંવર કૈકસીતણા, નાક છેદન કરું નિમિષ નાથે;
જીવતાં જોર દેખાડવા માંડિયું, જોર હોતે તો વળગ્ય બાંય બાથે;
પ્રીતથી પ્રત્યુત્તર કરે તો હું પરવરું, હુકમ નથી રાઢનો તુજ સાથે;
લેખ લખ્યા બ્રહ્મતણા લક્ષવસા, રાવણતણું મોત શ્રીરામ હાથે.

કવિત.

રાવણ - રાવ કહો રાવણની, રામ આગે રીસ કરી;
પરવરે પુરમાંથી, પેર કહું પ્રીતની;
જોર હોય જુદ્ધ કરો, રાઢ રણજંગમાંય;
લક્ષ્મી સહિત લંક લીજે, જાગીર વાહો ઝ઼ીતની;
કાયર હો તો સાયરથી, નાસો નિરમાલ્ય થઇ;
નાસતાને મારું નહીં, રંક જેવી રીતની;
લખ કોટિ વીસ વસા, ઉત્તર કહે અંગદ તું;
દેહ જીભે આપું નહીં, આશ મૂક સીતની. ૨૬૯
અંગદ - જાઉં છું જરુર હવે, પ્રીછ્યો પૂરો પાર તારો;
આવી રહી રેખા તારા, આયુષના અંકની;
બારમો છે રાહ તુંને, પનોતી હજુર હૈયે;
વાંકા એક આઠ ઇશ, વિધાતાના વકની;
એ તો વાત રહી અહીં, કહેવી નથી કોયે તહી;
રાવ કશી રામ આગે, રાવણ તું રંકની;
વરદાન ઇશે દીધું, તુજ પાસે લાંચ લીધું;
સામળ કહે કાર્ય સિધ્યું, લાલચ મેલ લંકની. ૨૭૦

રાવણ - તરુણી હણી તાટકા, રોળ્યો રાક્ષસ રંક જેવો.
જે જે કીધું કામ રામે, હર્ખ હેત હાથનો.
બાપડો બચારો પેલો, ત્રિશિરાને તર્ત હણ્યો;
દાખ્યું અને દૈવત મેં, શોભા સમરથનો;
જાંબુ જમનારો પેલો, વાંદરીનો વાળિ બેટો;
જોર તો જણાયું એનું, દિકરો દશરથનો;
દેખાડરે દેહ દુજા, દશ શીશ વીશ ભુજા;
જિતવો અજિત રાય, રાવણ દશ માથનો. ૨

અંગદ - ત્રોડવું તરણ તુચ્છ, જમવું ઘી ખીચડીનું;
કીડી સાથે કુંજરનું, હોડે જેવું હારવું;
ઉષ્ણ કાળે નીર પીવું, પાપધન લેતા બીહીવું;
સ્હેજ દિને શ્રાદ્ધ જેવું, સોદરનું સારવું;
સુમને નકારો કે'વું, દાતા પાસે ધન રેવું;
કહેવું કથન કંથ આગે, નીર તુંબ તારવું;
સામળ કહે સત્ય માન્, અંગદ કહે જ્ઞાન આણ;
રામ હદે ધરે એમ, રાવણને મારવું. ૨

છપ્પો.

રાવણ - નથી મરતાં વાર, રંજકમાં રણ રોળું;
અંગદ તારું અંગ, ચિત્તમાં ચંચડવત ચોળું;
કાઢું તાળવે જીભ, વદે જો વેર વાણીમાં;
વાંદરેલ કઢાવું તેલ, પીલાવું છું ઘાણીમાં;
જોર હોય્ તો જુદ્ધ કરે, મુજ કિંકરના સાથમાં;
એમ કહી અંગદને તિહાં, લીધો બળવંતે બાથમાં. ૨

ઝૂલણા છંદ.

દશકંધ કેમે કર્યો મરશે, ચંદ્રશેખર ચરચ્યા છે ચંદન;
દશકંધ કેમે કર્યો મરશે, વૈદનાથનાં કીધાં છે દન;
દશકંધ કેમે કર્યો મરશે,, નવ નાડનું કર્યું નિકંદન;

અંગદ - ઇશ્વર ગત ઇશ્વર સૌં જાણે, દશકંધ હણશે દશરથ નંદન.


કવિત
રાવણ-બાંધે છે સમશેર સહુ, ઝુઝવાને જાય રણ;
શોભા તેમાં શૂર કેરી, ઘાઓ મુખ ખાય છે;
શ્યામ કહે સઉ સતી, પતિ માને આપ પતિ;
રતિવંત રામ જેવો, પાવકે પળાય છે;
દાતા દાતા કહે સહુ, બોલે ન અદાતા બહુ;
બૌ લખણ લાખ જર, દેતામાં જણાય છે;
કોટિ કોટિ કરે કામ, દુઃખથી જોડાવે દામ;
ચાડિયાની જીભ માંહે, જર તો ગણાય છે. ૨૭૫

અંગદ-ચાડિ ચતુરાઇ કહે, ચિત્ત તારા માંહે ચહે;
લે તો કહું વાત અર્થ, પરમાર્થ કામનું;
કેવું પડશે ત્યાં સાચું, કામ થશે તારું કાચું;
રાચે રાય રાવણ તું, દેખી જોર દામનું;
ગંગા કદિ ઉલટી વહે, નેવે નીર મોભે ચઢે;
પડે ધ્રુવ પલકમાં, મેરુ ડગે મામનું;
પૂર્વ રવિ પ્રાચી જાય, એટલું કદાપિ થાય;
અફળ ન જાય એક, બોલ બાણ રામનું. ૨૭૬

રાવણ-ઉગ્યો તે આથમ્યો દીસ, દુઃખવાને આવ્યું રીશ;
રેશ કરું કેત્તી તુંને, ઠગવાનો ઠાઠ છે;
આવરદા દીસે તારું, મન કોમળ થયું મારું;
હારું એક વચન મૂઢ, કાસદા તું માટ છે;
જા લઇને કહે તહીં, શું બકે છે ઉભો અહીં;
જાંહે જશે જીવ તારો, લખ્યું એ લલાટ છે;
મોકલ્યો છે શીખ દેઈ, લોભે લાભ લાંચ લઇ;
એ ભલાઇ બોલે શકે, ભૂપતનો ભાટ છે. ૨૭૭

અંગદ-કીરત કરે રામની, શેષ રવી શારદા જુ;
મહા રુદ્ર ઇંદ્ર ચંદ્ર; જપ્યા જોગ જાપ છે;
વરુણ વાયુ વિશ્વેદેવ, નગ નાગ નદી નદ;
નક્ષત્ર જોતા ગ્રહ તારા, છયે ઋતુ છાપ છે;

ત્રણ દેવ ત્રણ ભોમ, ત્રણ નાદ ત્રણ વેદ;
ત્રણ કાળ ત્રણ રૂપ, અલખ એ આપ છે;
સામળ કહે અહનિશ, પુણ્યવંત રામ જપે;
રામ જેને નહિ હૃદે,તેનાં પૂર્ણ પાપ છે. ૨૭
રાવણ - રામ જપ રામ ભજ, રામ સાથે સ્નેહ કર;
રામજીને રીઝવીને, રામ રાખ્ય મનમાં;
રામ કેરું કર કામ, રામ કેરે વશ ધામ;
રામ રામ રાતે કહે, રામ કહે દનમાં;
રામ પેં મરાવ્યો તાત, રામ સાથે કરી વાત;
જાત જશે રામ કેતાં, તેહ લાભ તનમાં;
બધો ભાવ રામ કહ્યો, અંગદ શું ન્યાલ થયો;
બીલાં કોઠાં વીણી ખાઇ, વશે જઇ વનમાં ૨૭
અંગદ - કોટિ કોટિ ઇંદ્રપદ, કોટિક કૈલાસ સૂખ;
કોટિ રવિ તેજ જેહ, બુદ્ધ લેહેર ધામમાં;
કોટિ કોટિ વેદવાણ, કોટિ ચિતામણી ખાણ ;
કોટિક્ કલ્યાણ વિધ, વૈકુંઠના વામમાં;
કોટિ કોટિ કામધેન, કોટિ કલ્પવૃક્ષ ફળ;
કોટિક અમૃત અંત, કરુણા એ કામમાં;
કોટિ જપ કોટિ તપ, કોટિ તિર્થ કોટિ દાન;
સામળ કહે સર્વ સુખ, વસે રામ નામમાં.
રાવણ - જેને મન જેશું નેહ, તેને મન મોટો તેહ;
એહ તારે દિલ વસ્યું, ચિત્ત ચોટ ચાખ્યું છે;
પૂજ્ય પાદ પાગે લાગ્ય, તેહ પાસે વર માગ્ય;
જાઓ માગી ખાઓ સર્વ, ભાગ્ય એહ ભાંગ્યું છે;
કહે લાખ લાખ વાર, મારું હૃદે રહે ઠાર;
ભાગ્યું મન ભાર કહેતે, હૃદે માંહે રાખ્યું છે;
પ્રીછે મન માંહે પેર, ગુણ જાણે ઘેર ઘેર;
જન્મ જન્મ વેર રામ, રાવણને લખ્યું છે. ૨૭

છપ્પા.
રાવણે પૂજ્યા ઈશ, ત્યારે એ અજિત કહાવ્યો;
રાવણે પૂજ્યા ઈશ, ત્યારે સીતા એ લાવ્યો;

રાવણે પૂજ્યા ઈશ, દશ મસ્તક એ પામ્યો;
રાવણે પૂજ્યા ઈશ, દુ:ખ સઘળું તે વામ્યો;
ઇશ પૂજ્યા તે પરતાપથી, રામચંદ્રને જિતશું;
દીઠા મૂક્યા છે જીવતા, એહ ધર્મની રીતશું. ૨૮૨
અંગદ - કનકેશ્વર મહાદેવ, કનકપૂરીપર કોપ્યો;
સીતા રુપિયું વૃક્ષ, ઝેર તેં રાવણ રોપ્યો;
ખાંતે ફળ તે ખાઓ, ઝેર પીધે કેમ જીવો;
રૂઠ્યો રઘુપતિ રામ, દેશમાં નહિ રહે દીવો;
નિશકુંભલા નારાયણી, જનક જનેતા જાણજે;
માતા હરવા તેં મન કરયું, મોત અખુટે આણજે. ૨૮૩

ઝ઼ૂલણા છંદ.

રા- વાત વિવેકની તેતું શઠ શું લહે, જંગલી જટ કુડાં કર્મ કૂટે;
આકના તૂરની પેર ઉડી જશો, જે દિવસ માહરાં બાણ છૂટે;
જાનવર જાણીને મૂકીએ જીવતો, લાજ લંગૂરની કોણ લૂંટે;
પ્રાજે કરી નાંખશે પલકની પલકમાં, એકલો ઇંદ્રજિત આપ ઉઠે. ૨૮૪.

કવિત.

અંગદ - માન કહ્યું મૂઢ મતિ, જ્ઞાનહીણ ગૂઢ ગતિ;
શ્રાપ દીધો સીતા સતી, પડ્યો પાપ પાશમાં;
મોકલ્યો કાસદ કામે, હુકમ ન દીધો રામે;
નહિ તો વાસું ઠામ ઠામે, વાનરાં અવાસમાં;
હૃદે નથી રહેતી રીશ, ત્રોડી નાખું તારું શીશ;
ભાગું ભુજ વીશ હજુ, હેત રાખુ હાસમાં;
ભલપણ ભાખું ભાખ, શસ્ત્રતણી દેઉં સાખ;
ઇંદ્રજિત જેવા લાખ, ઊડાડું આકાશમાં. ૨૮૫

ઝ઼ૂલણા છંદ.
રા- ડેંડરાં દાદુરાં ખેલતાં ખાબડે, તેહને હોંસ થઇ સિંધુ તરવા;
કાગલાં બગલાં મેડકાં માણતાં, ચાહ્ય તે ચિત્ત મોતી જ ચરવા;
કાપાડ્યાં બાપડિયાં ડાભડાં પહેરતાં, આવિયાં ઊંંડળે આભ ભરવા;
કીડને પાંખ આવી તે તો તરફડે, મરણ આવ્યું માથે મેલ મરવા. ૨૮૬

અંગદ - લાખવરાં દૂધવડે, કાલવીએ કાજળને;
બામતા ન શમે તેની, કાલવતાં કાયરી;
બ્હેકની બરાસ માંય, લસણ લોટાઓ લાખ;
ગંધ ગુણ ઘણી ઘણી, શોભે નહીં સાયરી;
કોટિ કલ્પ કાગ વસે, માનહિ સરોવરમાં;
થાય નહિ હંસ હેત, જુગમાંહે જાહરી;
દશકંધ ધંધ ધાયે, ચતુર ન ચિત્ત અયે;
અંગદ કહે ટેવ તેવી, કર્મ ફૂટ્યા તાહરી. ૨૮
- રીશ ચઢી રાવણને,કોપિયો કૃતાંત કાળ;
હુકમ કર્યો હાથ વડે, હઠીલે હજૂરમાં;
રાવણ - મારી નાંખો મૂરખને, મત્ત કરે માન માટ;
શું જુઓ છો સભા સહુ, શોક ભારે શૂરમાં;
શીદ એનું બોલ્યું સાંખો, ઊડાડી આકાશે નાંખો;
કાપો પૂછ કિંકરનું, નાક છેદો નૂરમાં;
વડા શું વિવાદ વડે, ફરી ન કો આવી ચઢે;
પ્રાજે કરો ત્યાંય પડે, લાખીણા લંગૂરમાં ! ૨૮
- શિંગાળા ધીંગાળા ધાયા, અંગદના પાણ સહાયા;
દેખે રાય રાણા શૂર, શોભા પામે સાથમાં;
ઝ઼બકે તલવાર તીર, વીંટીઓ વાનર વીર;
અંગ શતખંડ કરો, વકારે બૌ વાતમાં;
મારો મારો કહે મૂઢ, પ્રાક્રમ દેખાડે પ્રૌઢ;
ગૂઢ ઘણા ઘાવ કરે, હથિયારાં હાથમાં;
જીવતો ન પામે જાવું, ખરે દિલે આપો ખાવું;
કીધો ક્રોડ જોધ, બળવંત લીધો બાથમાં. ૨૮

છપ્પા.
રુઠ્યો રાવણરાય, ધીર ધસમસતો ધાયો;
મારી મૂઠ મરોડ, શૂર પૂછેથી સહાયો;
પાગરણ પરિયટ પેર, ઝ઼ાપટી ઝીંકે જ્યારે;
અંગદે સમર્યા રામ, તનથી ફૂલ્યો ત્યારે;

મસ્તક પછવાડે ફેરવ્યો, સંઘારવા માંડ્યો સાથથી;
સામળ કહે સેવક રામનો, હઠ કરી છૂટ્યો હાથથી; ૨૯૦
અંગદે સમર્યા ઇષ્ટ, દાવ દોષીને દીધા;
પાંચ સહસ્ત્ર પ્રચંડ, કિંકરો કૂટો કીધા;
પટક્યા પાપી પ્રાણ, ચંચળ કંઈ ચાંપ્યા ચરણે;
પ્રાજે કીધા કંઈ પૂછ, ધીર ઢોળ્યા બહુ ધરણે;
કરડ્યા વરતડ્યા કંઇદંતથી, અધિક જન લીધા અંકમાં;
મંડોલ થયો બહુ દેશમાં, લૂટ પડી ગઇ લંકમાં.
નાસે નરપતિ નાર, રાય રાવણની રાણી;
માર માર સંભળાય, વિપરીત બોલાએ વાણી;
શેરીમાં રોયાં શ્વાન, કાગણ કળકળવા લાગી;
જાગ્યો ઘુવડ ગંભીર, ભયભિત થઇ રૈયત ભાગી;
મંદોદરિએ માણસ મોકલ્યાં, જરુરપણે જઇને જુઓ;
બૂમ પડી શી નગરમાં, ઉલ્કાપાત એ શો હુઓ. ૨૯૨
ઇંદ્રજિત થઈ જાણ, અધિક કોપેથી ચડિયો;
સજ્યાં અંગ હથિયાર, આપ પોતે જઇ અડિયો;
ભમર ચઢાવ્યાં શીશ, શૂર સામદ શુભ સાધ્યો;
પૂછ ચરણ પ્લવંગ, બહો જોરેથી બાંધ્યો;
જ્યમ મેરુ શૃંગ પર મેહે પડે, ત્યમ માર અંગદ ઉપર પડ્યો.
તવ કાયા લાગિ કંપવા, ચતુર નર કોપે ચઢ્યો. ૨૯૩
હૃદે સમર્યા શ્રીરામ, કામ કીધું તે વેળા;
ઉડ્યો ત્યાંથી આકાશ, ભૂપત સહુ કીધા ભેળા;
તૂટ્યા બંધ તરતીબ, કાયર કોટિ કંપાણા;
પડ્યો સભામાં શૂર, ચંડાળ ચરણે ચંપાણા;
અં - જો જોર હોય તો જુદ્ધ કરો, નહિતર આજ્ઞા દો મુને;
તું ચેત ચેતરે ચતુર નર, તરતિબવત જાણ્યો તુંને. ૨૯૪
રાવણ - નવ ગજ જેને નાક, દંત ગજ દશ દીસંતા;
ચાર હજાર ગજ ચર્ણ, હજાર હાથ હિસંતા;
પંચાણુ ગજની પુઠ, પ્રતાપ પંચાયણ પ્રોઢો;
તણ હજાર તન ટેક, જગતમાં નહિ કો જોટો;


છે કાય કારમી કુંભકર્ણની, કારાણ કોયે નવ કળે;
જાઓ જંગલિયો જીવતા, ઘડી એકમાં સૌને ગળે. ૨૯૫
અંગદ- વાનર ઝેરી વછનાગ, ખાનારો ક્ષણમાં ખૂટે;
રીંછ સાપનો રાફ, તેને અડતાં તન ત્રૂટે;
રામ કાળનો કાળ શત્રુવટ શોભા સાટે;
તન અતલિબળ આપ, અવતાર લીધો તમ માટે;
છે જોગણીરૂપ એ જાનકી, ખાંત થકી ખપ્પર ભરે;
રણજંગ રાવણ જ્યારે રોપશે, ભૂપ માંસ ભક્ષણ કરે. ૨૯૬
રાવણ-બાંધે બહુ સમશેર, ઝુઝવા કારણ જાયે;
શૂરાતણાં વિખાણ, ધાઓ જે શીરપર ખાયે;
સ્ત્રીઓ સહુ કહેવાય, કોઇએક સતી નિકળશે;
પોતાના સ્વામી સાથ, બહુ અગ્નિમાં બળશે;
વિખાણ કરે તું વાનરા; તેણે મન મારૂં કઢે;
મરદ મૂછાળા જાણશું, જો ઇંદ્રજિત સાંમો વઢે. ૨૯૭
અંગદ-અંગદ કહે સાબાશ, મૂળ મન માન્યું મારૂં;
રણસંગ્રામે શૂર, દૃઢ મન રાખે તારૂં;
હિરણ્યકશિપુ હિરણ્યાક્ષ, વેર ઝાઝેથી વઢિયા;
સાક્ષાત્કાર વૈકુંઠ, સ્વર્ગ સમીપે ચઢિયા;
આદ્ય અંત ને મધ્ય લગણ, સ્થિરતા મન એવું હશે;
અંગદ કહે રે મધ્ય સુણ રાવણા, કોટિ કલ્યાણ તારું થશે. ૨૯૮
રાવણ-રામ સરખા રણમાંય, રાખું છું હું હજારા;
અટાવાશે જીવ અનેક, વાનર ને રીંછ બચારા;
ઇંદ્રજિતની આણ, હાક ફરશે રણ માંહે;
દૃઢતા થઈને પાગ, કોણ ટકાવે ત્યાંહે;
કુંભકર્ણ ભૂપ ભૂખાળુવો, દેખે તે પ્રાશન કરે;
મૂરખ મન વિચાર કર, વાનર દેખી તે ક્યમ ડરે? ૨૯૯
અંગદ-વાનર તે તો વાળિ, કક્ષામાં રાખ્યો તુજને;
એકસો સીતેર દિન્ન, મૂર્ખ કહેવડાવે મુજને;
વાનર તે હનુમાન, અશોક વન બાળ્યું જેને;
વાનર તે નળ નામ, પહાણ તાર્યાં જળ જેણે;


એ વાનર અંગદ સરખા, રંક કિંકર શું કહું કથી;
સુગ્રીવ સુભટ નર સારખા, નરપત તેં દીઠા નથી. ૩૦૦
રાવણ-રાજા કહેવાય રણમાંય, રાતે જે ઘુવડ બોલે;
રાણા ગોલા કહેવાય, કરે વાહન જે ખોલે;
રાજા કહેવાયે ભાટ, હીંડે કવિ કીરત કરતા;
રાજા સર્વ કોકિલ, વસ્ત્ર લોકોનાં હરતા;
અકેક ગામના અધિપતિ, એમ રાજાઓ અનેક છે;
પણ આણ સ્વર્ગ પાતાળમાં, રાજા રાવણ એક છે. ૩૦૧
અંગદ-સકળ જનાવર માંય, પ્રૌઢ ગુણ સિંહ પરવરિયો;
નવ કુળમાંય નરેંદ્ર, શેષ અવનિ શીર ધરિયો;
આઠ અધિપત માંય, મેરુ ગઢ મોટો કહે છે;
પંખી માંહે પ્રૌઢ, ગરુડ હરિ ચરણે રહે છે;
રાક્ષસમાં મોટો રાવણો, દેશમાં લંકા ગુણગ્રામ છે;
અંગદ કહે ઉતપત કારણ, સામળનો સ્વામી રામ છે. ૩૦૨
રાવણ-રામ અયોધ્યામાંય, કાલ અવતરિયો આપે;
શ્રવણ હરણ્યો તો વિપ્ર, બાણથી એને બાપે;
ખાવા પીવા જોગ, થયા જોરાવર જોટા;
કાધી મૂક્યા વનવાસ, પ્રતાપ એ જો જો પ્રૌઢા
કનક કુરંગ નવ ઓળખ્યો, ધાયો કરમાં ધનુષાં લિયે;
અંગદ અક્કલ ગઈ તાહરી, એ બળથી રાવણ ક્યમ બિહિયે. ૩૦૩
અંગદ-દશ અવતારીક રામ, નામ તે સર્વે એનાં;
પાણી પવન આકાશ, પંચમાભૂત જન જેનાં;
રસ ગંધ સ્વર સ્વાદ; જાગ્રત સ્વપ્ન મન માને;
મનસા વાચા કર્મ, વાત જન્મની જાણે;
સરજિત પાલક સંહારમાં, ભારે કરમી ભૂપ છે;
સમજ રાય રાવણ હૃદે, સ્વામી સામળનાં રૂપ છે. ૩૦૪
રાવણ-મન માનીતો તુંય, હુંય ક્યમ માનું સાચું;
તું કરે તરણનો મેર, મારે મન સર્વે કાચું;
સ્તુતિ કર જઇતું ત્યાંય, તેગ શો ઝાઝો તાડો;
બાહુ બાંયે બળ હોય, તો ઈહાં આવી દેખાડો;

<poem>

નાચે પૂત પોતા તણો, માતપિતા લે ભામણાં; બારવટ વાજાં દલે, તુછ વચન ત્યમ તુજ તણાં. ૩૦૫ અંગદ-માનીતો સુગ્રીવ, સન્મુખ ઉભો કર જોડી; માનીતો પ્રહ્લાદ, પદ્વી પામ્યો જે પ્રૌઢી; માનીતો બળિરાય, ચતુર્ભુજ ચાંપ્યો ચરણે; માનીતો ધ્રુવ ધીર, અચળ કરી રાખ્યો શરણે; માનીતા મહારાજના, દર્શનથી તો દિલ ઠરે; અણમાનીતો અંગદો, માથાકૂટ તુજશું કરે. ૩૦૬ રાવણ-રાવણ કહે રે મૂઢ, પહાણથી દીસે પ્રૌઢો; મૂરખનો મહિપતિ, જગમાં નહીં તુજ જોડો; નફટતણો નરેંદ્ર, અધિક દીસે છે અનાડી; વખાણીને વાત, કરે કરવી હોય ચાડી; જો ડાહ્યો હોય તે દલ ધરે, સંક્ષેપે શિક્ષા લહે; અંગદ શાં વગદાં કરે, કહે કેમ ઉભો રહે. ૩૦૭ અંગદ-ઉગરે કોએક જીવ, ત્યાંય બોલીએ જૂઠું; ઉગરે કોએક જીવ, કરિએ દીઠું અદીઠું ઉગરે કોએક જીવ, અક્કલ ફેલાવું આડી; ઉગરે કોએક જીવ,કરિએ ચોરી કે ચાડી; હાંકી કાઢે છે હઠ કરી, તોય ઉભો છું બારણે; અંગદ કહે રાવણ રંક સુણ, જીવ જીવાવણ કારણે. ૩૦૮ રાવણ-ઉગારવા આવ્યો દેહે, ઉગારવાં વાનર રીંછાં; તે ઉડશે આકાશ, કાગ તણાં જ્યમ પીછાં; કોય સતી નવ થાય, પતિ કો અવર મરંતે; આપ ન ભાળે ભૂખ, પારકું ભેટ ભરંતે; પ્રાક્રમ પરમારથ તાહરું, કુડ કપટ કરવા કામનું; પિતા માર્યો તે પ્રીતથી, રુડું ચિંતશે રામનું. ૩૦૯ અંગદ-ઇંદ્રજિત સરખો તંન, તેહ, તુજ રણ રોળાશે; કુંભકર્ણ સરખો જોધ, ચાંચડવત તે ચોળાશે; સાત લાખ પ્રૌઢા પુત્ર, કાયર થઈ કૂટાશે;

રત્ન ખાણની રિદ્ધ, લંક લક્ષ્મી લૂંટાશે;

તું શિવ વરદાનથી શૂર છે, માન મગ્ન છે મનથકી;
તુજ શીશથી ઇશ અળગા થયા, સીતા હરી તે દિન થકી. ૩૧૦
રાવણ-પૂછ ઈંદ્રને વાત, હાથ દીઠા મુજ તનના;
રેશે ઠામના ઠામ, મનોરથ તારા મનના;
બાર વર્ષા જળ અંન, તજે નિંદ્રા ને નારી;
કુંભકર્ણ*[] સાથે તેહ, ભડે જે ભૂપત ભારી;
એકાએક કાળ હોયે નહીં, ભાવ અક્ષર તું શું ભણ્યો;
મુજ સાથે સંગ્રામે મળે, નથી જગમાં જનુની જણ્યો;
અંગદ-ઇશતણો એ ઇશ, એ જ બ્રહ્માનો બ્રહ્મા;
અવતારિક એ અંશ, કંઈ મનમાં તું શરમા;
લોઢે લકડ દિન રાત, હિરણ્યકશિપુ નવ મરતો;
વરદાન હતાં વિપ્રીત, અંકાર તુજ પેરે ધરતો;
તે નૃસિંહ થઈ નખે હણ્યો, તે પેરે તુજને થશે;
સામળ કહે તારા મોતની, પ્રભુએ જાગ રાખી હશે. ૩૧૨
રાવણ-રાવણ કહે રામદુવાઈ, દેઉ છું અંગદ તુજને;
પલક ટકાવે પાગ, ફરી ઉત્તર દે મુજને;
શરમ નવ રાખીશ, જરૂર કહેજે ત્યાં જઇને;
વધારજે મુજ વેર, પ્રીતથી તેનો થઈને;
જો મૂછ ધરાવે મુખ પર, નીર વધારો નામનું;
રાવણ કહે આવો અહીં, મારે કામ છે રામનું. ૩૧૩
અંગદ-અંગદ કહે સાબાશ, હોડ હઠ હિમ્મત તારી;
તુજમાં પ્રાક્રમ પ્રૌઢ, ખરી નીશા થઇ મારી;
ભલું રામશું વેર, ભલું ગંગામાં મરવું;
ભલું ગયાવ્રત માંય, દંડ જે ભારે ભરવું;
ભલું પુત્ર શિષ્ય ને વિપ્રથી, હોડે કોડે હારવું;
ભલું મોત રાવણતણું, જો રામને હાથે મારવું. ૩૧૪
રાવણ-મૂરખનો સરદાર, વિના બોલાવ્યો બોલે;
મૂરખનો સરદાર, આપથી અધિક અમોલે;


મૂરખનો સરદાર, કરે લવરી જે ઝાઝી;
મૂરખનો સરદાર, પ્રૌઢ સાથે હઠ પાજી;
આણ્ય ન માને રામની, જાવા મન નહિ જાણિયે;
આણ્ય રાવણ તું મૂર્ખપતિ, પૂરણ મેં પરમાણિયો. ૩૧૫
અંગદ-રામદુવાઈ ખાઉં. જો મુખ બોલું જૂઠું;
રામદુવાઈ ખાઉં, રીશે જો તુજપર રૂઠું;
રામદુવાઈ ખાઉં, વાત કહું પૂરણ પ્રીતે;
રામદુવાઈ ખાઉં, રાવણપર રીઝું રીતે;
છે રામદુવાઈ શ્રીરામની, ચિંતવી જે દિન રણ ચઢે;
મુજને નિશ્ચે છે એટલું, દશ મસ્તક પૃથ્વી પડે. ૩૧૬
કવિત.
રાવણ-નવ મળે ખોટો દામ, કામ વિવાહનું માંડે;
ઉછીનું ઉધાર કરી, ધંધે ઘણું ધાય છે;
ચોર કો ચોકીમાં પડ્યો, અડ્યો સંકટમાં આવી;
છળ કરે છૂટવાનો, ચિત્ત ઘણું ચહાય છે;
કુંવારો કુંવર ઘેર, પેર નહીં પલ્લા તણી;
કન્યાતણે કાજ, વેવિશાળિયો વહાય છે;
અકરમી નર નેટ, પૂરું ન ભરાય પેટ;
અંગદની પેરે પાપી, ખોટા સમ ખાય છે.
સવૈયો.
અં-ચક્રવર્તી રામ ચૌદ લોકનમેં, ચિંતવું દશકંધકુ ચાકરિયા;
સિંહકો સિંહ સુરપતકો સુર, દશકંધ બાંધો તુમ બાકરિયા;
મહારાજ ધિરાજ શ્રીરામ મેરુપત, કિંકર રાવન કાકરિયાં;
કલ્પવૃક્ષ કોટિ રામ કરુણાનિધિ, લંકાપતિ લખ લાકરિયાં.
છપ્પા.
રાવણ-અભાગી અંગદ અજાણ, રામની આણજ લોપે;
વિદાય થતો કરે વાત, કિંકર થઇ તું ક્યમ કોપે;
મારી કાઢતાં મૂઢ, વણ તેડ્યો ક્યમ આવે;
શીદ ખુવે છે જીવ, કિંકરનો કિંકર કહાવે;
લવરી કરે છે લક્ષગણી, બહુસ્તુતિ કરે છે બારણે;
બાળ્ય અવતાર બુદ્ધિહીણ તુજ, કૂડા પેટને કારણે.

 

અંગદ- જઉં છું હવે જરૂર, વચન કહું છું એક છેલ્લું;
ખમું છું તારી ગાળ, મમત તુજ સાથે મેલું;
પૂછ ઘેર તારી નાર; મંદોદરી શુભ સતીશું;
કહો તો માંડની રાઢ, લક્ષ્મણ જોગ જતીશું;
પૂછી આવો તમો પુરપતિ, ત્યારસૂધી ઉભો રહું;
એમ કરતાં તમો ઉગરો, ઉપદેશ સત્ય સાચો કહું. ૩૨૦

રાવણ-અંગદ અક્કલના હીણ, વચન તું જો વિચારી;
નવ ખંડતણો નરેંદ્ર, શીખ શી દેશે નારી;
રામા વશ તે રામ, ક્રોડ વસાએ કહાવે;
પરવશ પડી તે પાશ, ઇહાં અથડાતો આવે;
નારના કહ્યાં તે નર કરે, નપુંસક નારે જિતિયા.
રામાને રાવણ પૂછે નહી, એ રામતણે ઘેર રીતિયાં. ૩૨૧

અંગદ-રામતણી એ રીત, અધમતણો ઉદ્ધારણ;
રામતણી એ રીત, દુષ્ટ દાનવ સાધારણ;
રામતણી એ રીત, સોગટી નામે ન મારે;
રામતણી એ રીત, હેતુ જનથી એ હારે;
રામતણી એ રીત છે, ભોગવે જે જેવું કરે;
એટલું કેતા નવ ઓળખે, પાપે રાવણ તું મરે. ૩૨૨

રાવણ- રામતણી તુંને આણ, વદે અંગદ તું વાણી;
રામતણી તુંને આણ, પલક પીવા રહે પાણી;
રામતણી તુંને આણ; હવે જો જીભ હલાવે;
રામતણી તુંને આણ; જો તું ચરણ ન ચલાવે;
રામ આણથી કહે જઈ તહિં, જહિં સેન સકળ છે તમતણું;
રાવણે કહાવ્યું રામથી, મહિમા દેખાડ મોટમપણું. ૩૨૩

કવિ-ઉડ્યો સુણી આકાશ, અંગદ અતલીબળ આપે;
મહિમા વધારી માન, રામ રાજ ચરણ પ્રતાપે;
આવ્યો જિહાં અશોક, અલૌકિક જ્યાં છે વાડી;
દુ:ખ નવ વ્યાપે દેહ, ખરી રત્નાકર ખાડી;
બેઠી સીત સ્વરૂપ તિહાં, રૂપ રઢિયાળી શુભ સતી;
પ્રદક્ષિણા દેઈ પાગે નમ્યો, મોકલ્યો છે લક્ષ્મણ જતિ. ૩૨૪


અંગદ-સાંભળજો મુજ માત, વાતમાં એહ વધાઇ;
લક્ષ્મણ સહિત શ્રીરામ, પધાર્યા ભૂપત ભાઇ;
વાનર પદ્મ અઢાર, બોતેર કોટીક સાંધી;
મળ્યો વિભીષણ ભ્રાત, પાજ સમુદ્રે બાંધી;
મેં વિવિધ પ્રકાર વિષ્ટિ કરી, ટેવ એહની ટેડિયો;
સીતા પ્રત્યે અંગદ કહે, ગઢ લંક વાનરે વીંટિયો.

સીતા-સીતા કહે સુણ વીર, ધીર થઇ ધીરજ ધરજો;
જોરાવર જન એહ, કામ ઘણું પાકું કરજો;
લલોપતો નહીં લાગ, શોભે નહીં શૂરા સાથે;
મંદ્ર ચળ શો મેર, ઉપાડે છે એક હાથે;
કુંભકર્ણ કહેવાય છે કારમો, દેખે તેટલું ખાય છે;
એવું જાણી ઈંહાં આવજો, રામ તો મોટા રાય છે.

અંગદ-કહો તો મેરુ સહિત, ઉદયાચળ હું ઉપાડું;
કહો તો લંક પર લંક, અધિક અવનિમાં ગાડું;
કહો તો બાણું ક્રોડ, જોધને બાંધી જાઉં;
કહો તો ઈંદ્રજિત કુંભકર્ણ, દૈત્ય સર્વેને સાઉં;
મા કહો તો લંકને લૂટિયે, વસુધા વિપરીત નાંખિયે;
પણ હુકમ નથી હજુરનો, માટે સર્વે સાંખિયે.

સીતા-છાંનો રે ભડ ભ્રાત, વાત શી કરવી ઝાઝી;
કરો કહ્યું તે કામ, રામ જે વાતે રાજી;
કરતા હો જે કાલ, આજ સવેળા સાધો;
દેખશે કો એક દુષ્ટ, વાયુ વેગે વાધો;
જ્યાં આગન્યા માગી અંગદે, જોધ જાવા લાગ્યો જવે;
રાક્ષસીએ બુમ પાડી ઘણી, જોધ તરવરી રહ્યા તવે.

કવિ-માર માર કરતા મૂઢ, ધીર ધસમસતા ધાયા;
અંગદકેરાં ચરણ, પૂછ શત્રુએ સહાયા;
સહસ્ર લાખ કરોડ, હઠીલે હોડે હકાર્યા;
તીડાન તીડનો રાફ, વાનરપર વેદ વકાર્યા;
ત્રાસ પડ્યો ત્રહો વિધતણો, દાવાદળ બહૂ દેશમાં;
દાખું લોકે દશકંધને, લંગૂર આવ્યો એક દેશમાં.


મોકલ્યો એક મહીપત, એંસી લખ જોધા આદે;
બહુ વિધ મેલતો બાણ, વખાણ કરું શા વાદે;
પરાક્રમ કીધું પ્રૌઢ, અંગદને મારવા મંડ્યો;
રૂઠ્યો તેને રામ, દુષ્ટને દૈવે દંડ્યો;
જીવતો મૂક્યો એક જન, કથન રાવણ કહ્યો;
લંકા લૂંટી તારી લંગુરે, બળવંત શું બેશી રહ્યો. ૩૩૦

કરડતો દંત દશકંધ, અસ્વારી આપે કીધી;
એક પલકે અશોક, વાડી તો વીંટી લીધી;
પકડ્યો પૂછ પ્લવંગ, ઝાપટી ઝાંક્યો જ્યારે;
સમર્યા મન શ્રીરામ, તરત છુટ્યો કર ત્યારે;
ત્યાં જુદ્ધ જોર ઝાઝું થયું, હઠીલો હોડે હારિયો;
એ વાત લંકામાં વિસ્તરી, મહીપત મોટો એ મારિયો. ૩૩૧

ધરતી ડોલાં ખાય, કોય વદે નહીં વાણી.
ખબર પોતી જઈ ત્યાંય, રાય રાવણની રાણી;
ઉઠી કૂટતી શીશ, પૂતને તેડ્યો પાસે;
મંદોદરી-ક્યમ બેઠો બળવંત, વિપરીત થયું છે વાંસે;
લશ્કર પેઠું સર્વ લંકમાં, ભય તારો તે નવ ગણ્યો;
ઉઠ્ય ઉઠ્ય આળસ તજી, કહે છે તાત તારો હણ્યો.

કવિ-મેઘરાવણ મહારાજ, ધજ ફરકાવી તેણે;
ઇંદ્રજિત જશ રૂપ, ઇંદ્ર જિત્યો તો જેણે;
ઢમકાવતો ઢોલ નિશાન, કૃતાંત સરીખો કહાવ્યો;
પિતા પાસ તે પુત્ર, એક પલકમાં આવ્યો;
એક પહોર રણજંગ મચ્યો, કહી ન શકે કોયે કવી;
સંહાર થાય સૃષ્ટિ તણો, શોભા લંક એવી હવી. ૩૩૩

પડી લંકમાં બૂમ, મમત મૂક્યો સૌ માને;
રામચંદ્રે તે તનો, કોલાહલ સુણિયો કાને;
રામે તેડ્યો હનુમંત, અંગદ લંકામાં આડ્યો;
રામ-કોપ્યો દીસે દશકંધ, પ્રૌઢ સંકટમાં હશે પડિયો;
બાળક જાણી બીવરાવશે, હાલક હુકલ હલહલ હુવો;
ક્લેવર કળ પડતી નથી, જરૂર ખબર તેની જુવો. ૩૩૪


બહુ વિધ પડે છે બુમ, બહુ વિધ બણગાં વાજે;
બહુ છૂટે છે બાણ, ઘણાં નિશાન જ ગાજે;
ચોવિધ પડે છે ચીસ, રીશથી રણવટ ખોલે;
ધ્રુજે સર્વે ધરણ, દિક્પાળ દિશા દશ ડોલે;
રખે અંગદ માર્યો જતો, રામજી રોશ ધરી રટે;
હનુમંત તમો બેશી રહ્યા, એ તો ગુણગણ નવ ઘટે. ૩૩૫

હનુમંત-રઘુનાથ પ્રત્યે હાથ, જોડી બલવંતો બોલ્યો;
અંગદ પ્રાક્રમી અનંત, ખરો પટંતર ખોલ્યો;
અંગદ સામું જે જુએ, અધિક દૃષ્ટિએ આડી;
શેર નથી ખાધી સુંઠ, નથી જન્મ્યો કો માડી;
શ્રીરામચંદ્ર પ્રતાપથી, એ શૂર પડાવે સાખને;
દાનવ સઘળા દેહવટ કરે, દશકંધ સરખા દશ લાખને. ૩૩૬

દશરથ તણા કુળ દીપ, સુણો તો કહું એક સાચું;
સુઝે મુજને સત્ય, કિંચિત્ માત્ર નહિ કાચું;
અંગદ ને દશકંધ, વિવાદ કરંતે વઢિયા;
જોરાળા મહા જોદ્ધ, પરાક્રમી પરાજે પડિયા;
હશે બૂમ પડાવી બહાદૂરે, ખાતર નીશે તેની ખરી;
જિત નગારાં દેઇને, અંગદ આવે ફોજે ફરી. ૩૩૭

કવિ-મહોકમ દીધો માર, અંગદને રાયે આપે;
ન ગણે લેખા માંય, હાથ શ્રીરામ પ્રતાપે;
લખ બોતેર હજાર, તણા તો હંસ જ હરિયા;
વાડીમાં કૂપ વિશાળ, ભૂપ સહુ તેમાં ભરિયા;
બાકી બૂમ પાડી ગયા, ગધ લંકા ગુણ ગામને;
ઉત્પાત કરીને આવિયો, શરાણાંગત શ્રીરામને. ૩૩૮

દંડવત્ કીધા દશ વીશ, શીશ નમાવ્યું નેહે;
સુખનું સાગર સર્વ, દૈવત પામ્યા સહુ દેહે;
શીશપર મૂક્યો હાથ, વાતો પૂછી રઘુનાથે;
રામ-વિષ્ટિની કહો વાત, રીઝ થઇ રાવણ સાથે;
સીતાને સહજે આપશે, કે કરવી રાઢ પડશે ઘણી;
અંગદને એમ પૂછિયું, કોટિ બ્રહ્માંડ કેરા ધણી.


અંગદ-વાલીસૂત કહે વાત, એની મેં કેમ કહેવાયે;
નથી સમજ્યો નરેન્દ્ર, અહંકારી એવો રાયે;
સામ દામ ને ભેદ, કર્યા તે જુગતે ઝાઝા;
જેમ પથ્થર પર નીર, માને નહિ રાવણ રાજા;
કરગરી કહ્યું મેં કોટિધા, આંચ દેખાડી અતિ ઘણી;
પેર પેર મેં પ્રીછવ્યો, ડગ્યો નહીં લંકાધણી. ૩૪૦
એક કહીએ તો આઠ, ઠાઠમાં બોલ જ બોલે;
કહે વાનરને વનચર, આપ બળ કરે અતોલે;
ભચ્યા ભોજન માંય, ચાર કણ જોયા ચાંપી;
અનેક કહ્યા ઉપદેશ, મન મેં જોયું માપી;
લોધા ઉપર લીહ જ્યમ, પટકૂળ ગાંઠ જેવી પડે;
રાઢ વિના રાવણ રીઝે નહિ, માંગી સીતા તો નહિ જડે. ૩૪૧

કવિત.
છત્રપતિ છત્રપતિ, નરેન્દ્રકો નરપતિ;
રૂડી કર્મરેખા રતિ, ભુપતિ મન ભાવનહેં;
નમે નિત્ય નાગપતિ, સેવે સિન્ધુ સાધુ સતી;
ખગપતિ સબેં, ગુનીજન જશ ગાવનહો;
જગ્નજાગ કરે અતિ, આશીશ નિત્ય દે અતિ;
રાતપતિ જેસો રંગ, લંકપતિ(કી) લાવનહે;
જિતે નહિ કોય વાકું, દશરથકે નંદન પાખી;
પંચાશ કોટકેરો પતિ, રાજેંદ્ર એ રાવન હે. ૩૪૨

છપ્પા.
મુખે ન બોલ્યા રામ, નિઃશ્વાસ મૂક્યો મન સાથે;
રાવણ સરખું રત્ન, હણવું પડશે મુજ હાથે;
આવ્યો વિભીષણ ભૂપ, આવ્યો જશ જાંબુવંતો;
આવ્યા નલ નીલ સુગ્રીવ, આવ્યો હઠકર હનુમંતો;
મહારાજ વિચાર મનમાં કર્‌યો, જે ચિત્ત લહે નહીં ચાતુરી;
સૌ સેવક કહે સ્વામી સુણો, "દેવ તેવી કરો પાતરી." ૩૪૩
દીધા દદામેં ઘાવ, દેવ દાનવપર કોપ્યો;
લંકા ગઢ દરબાર, રામે રણસ્તંભ જ રોપ્યો.

થઇ પુષ્પની વૃષ્ટ, દેવ અમૃત ધન વૂઠ્યા;
રાવણ રોળાશે રણ, નવ ગ્રહ બંધથી છૂટ્યા;
લંકા ગઢ વાનરે વીટીઓ, પોકાર પુર બાધે પડ્યો;
રાવણ તે હૈડે હરખિયો, રણજંગ રચી જુદ્ધે ચઢ્યો. ૩૪૪

હાલક હુલક હલકાર, લંકાગઢ જોરે ઝાઝા;
અનમી અહંકારી અજિત, ચઢ્યા મહીપતની માઝા;
સુભગ સુધર્મ સુબુદ્ધ, વીર બે જુગતે જોડા;
રામ લક્ષ્મણ લઘુવેશ, પૂર્ણ પ્રતાપિક પ્રૌઢા;
શેષ નાગ લાગ્યો સળકવા, દિક્પાળ દશ ડોલી પડયા;
બ્રહ્માંડ ગગડ્યું ધ્રુજી ધારા, રામ રાવણ જુધ્ધે ચઢ્યા. ૩૪૫

થયો જવ ઉલ્કાપાત, વાત મંદોદરી એ જાણી;
સતી શિરોમણિ નાર, રાય રાવણની રાણી;
આવી ત્યાં કર જોડ; કઠણ કંથ આગળ કહેવા;
મન્દોદરી- રુઠ્યો જયારે રઘુનાથ, ઠામ કીયો પછી રહેવા;
ભૂલો છો કેમ ભૂપત થઇ, રાય વિચારો રીતને,
રાણી કહે રીઝવો રામને, સોંપો માત સતી સીતને. ૩૪૬

રાવણ- રાણીને કહે રાય, દીસે ગતિ તારી ઘેલી;
અંગદ વિષ્ટિ કાજ, પ્રીત કરવાને પેલી;
શીશ માટે એ સીત, લાવ્યો છુ લક્ષવસા એ;
વગર રાઢ ગઢવાડ, આપું ક્યમ એહ દશાએ;
બોલ બોલ્યાં જે છે રાવણે, અફળ જાતે અનરથ થશે;
નિશ્ચે નાર નમવું નથી, હોનાર હશે તેવું થશે. ૩૪૭

મંદોદરી - ઘેલા કંથ કુબુદ્ધ, થકી તેં એ શું કીધું;
સૂતો જગાડ્યો સિંહ, મોત પણ માગ્યું લીધું;
અજિત રામ ન જિતાય, અજિત લક્ષ્મણ કહેવાયે;
દશ શીશ ભૂજ વીશ, રાળાશો રાવણ રાયે;
લંકે વિભીષણ સ્થાપશે, એટલું એને કામ છે;
રાજ રાવણ તારું ગયું, સ્વામી સામળ રામ છે. ૩૪૭

રાવણ-ફટ ફટ રાવણનાર, વાત કહું છેલ્લી છાની;
આપને બે એકાંત, મારે મન મનની માની;

પૂર્વ જન્મની વાત, સારી પેરે મુજ સૂઝે;
કોય ન જાણે અન્ય, બુદ્ધિવંતા નર બૂઝે;
દાનવ ફીટી દેવતા થશું, ઘાવ દદામે દેઈશું;
જિતશું તો જશ થશે, નહિતર વૈકુંઠ લેઈશું. ૩૪૯

મંદો - સાબાશ રાવણરાય, સાબાશ એ બુદ્ધિ તારી;
સાબાસ હઠ હિંમત હોડ, હવે નિશા થઇ મારી;
આદ્ય અંત એવું મન, રામ હ્રદેમાં રહેજો;
અહંકાર એથી લક્ષ ક્રોડ, નરેંદ્ર નકારો કહેજો;
માનુની કહે બેસું માળિયે, જુદ્ધ જોઉં છું તાહરું
કાયર થશો માં કંથડા, વચન માનો એ માહરું. ૩૫૦

કવિ-વચન ચઢાવ્યું શીશ, ઇશ સમર્યા એક ચિત્તે;
રાવણે પેરિ માળ, રાજ રાજેશ્વર રીતે;
દાવે મોકલ્યો દૂત, પૂત દશરથના સાથે;
કાયર બેઠોછ ક્યમ, લડો હેતે મુજ હાથે;
લાવ્યા લંગૂર રીંછ વાનરાં, ક્રોડવાર શુ કહું કથી;
જિત્યાં છે આપે અળશિયાં, શેષનાગ દીઠા નથી. ૩૫૧

સામસામાં રણતૂર, શૂર સંગ્રામે ચઢિયા;
નેવું દિવસ નિ:શંક, વીર વિવાદે વઢિયા
વરણવે શત યુગ શેષ, તોય પૂરું નવ થાયે;
એક પાસે શ્રીરામ, બીજે શ્રીરાવણ રાયે;
રામે જાણ્યો રણજિત એ, જનુની એક રાવણ જણ્યો;
એકાણું દિવસે એક બાણથી, રામ હાથે રાવણ હણ્યો. ૩૫૨

અનમિયે મૂક્યો અહંકાર, રામ રાવણને જોઈ;
નથી જન્મ્યો કો સૃષ્ટ, નિશા સર્વની હોઈ;
રાવણનો રણજંગ, દીઠો તે અચરત અડિયો;
એ માટે અવતાર, પ્રભુને લેવો પડિયો;
ભગત શૂર ભૂમિ પતિ, બળિયો બહાદુર ઘણો;
સામળ કહે શ્રીરામજી, હઠીલો હિમ્મતે હણ્યો. ૩૫૩

રાવણ પામ્યા રાજ, અવિચલ પદવી આપે;
વિભીષણ પામ્યો લંક, પૂર્ણ તે પુણ્ય પ્રતાપે;

મળ્યા રામને સીત, વિજોગ ભાગ્યા તે તનના;
દુંદુભિ વાગ્યા દેવ, મનોરથ પહોંચ્યા મનના;
સીતા લેઈ સિધારીઆ, દર્શન અયોધ્યા ગામનું;
જય જયકાર જગમાં થયો, રાજ થયું શ્રીરામનું. ૩૫૪

મળ્યા માત ને ભ્રાત, મળ્યા ભરત ભાવિક ભાઈ;
વિતક વર્ષા બે બાર, તણા તે કહ્યાં માઈ;
હનુમાન તણી હિમ્મત, સુણીને મોટમ મેલી;
વૂઠ્યા અમૃત મેહ, રાગ રૂડાની રેલી;
છત્ર ધરાવ્યું રામજી, લક્ષ્મણ ચમર કરે જિહાં;
સામળ કહે શોભા ઘણી, મેહ માગ્યા વરસે તિહાં. ૩૫૫

રામચરિત્ર પવિત્ર, ગાય જે નર ને નારી;
ઈકોતેર પચ્યા સહીત, અધિક પામે ઉદ્ધારી;
દૂધ પુત્ર ઘરસૂત્ર, પુરંદર પદવી પામે;
જન્મ મરણ જંજાળ, વેદના સઘળી વામે;
શ્રીરામચંદ્ર કૃપા કરે, ઈશ્વર પદવી આપે અતી;
સામળ કહે સેવો સહુ, રામ લક્ષ્મણ સીતા સતી. ૩૫૬

દોહરો.

શ્રોતા વક્તા સાંભળો, કહે કવિ કર જોડ;
સામળ કહે બોલો સજ્જન, જે જે શ્રીરણછોડ. ૩૫૭





અંગદવિષ્ટિ સંપૂર્ણ.





  1. અત્રે ઇંદ્રજિત એવું નામ જોઇએ.