અકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ/અકબરશાહ અને બીરબલ ભાગ-૧લો

અકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ
અકબરશાહ અને બીરબલ ભાગ-૧લો
નવલરામ પંડ્યા
અકબરશાહ અને બીરબલ ભાગ-૨જો →


અકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ
અકબરશાહ અને બીરબલ

અકબર બાદશાહ જેવો લડાઈમાં શૂરો અને રાજનીતિમાં નિપુણ હતો તેવો જ તે વિદ્યાવિલાસમાં રસિઓ હતો. મોટા મોટા મુલ્લાં અને શાસ્ત્રીઓને બોલાવી તેમનાં વાદવિવાદમાં આનંદ માણતો હતો. મુલ્લાં ફૈજી અને અબુલફઝલ તો અકબરના આશ્રયવડે અકબરના જેટલાજ પ્રસિદ્ધ થઈ ગયા છે. એના વખતના મિયાં તાનસેને સંગીતકળામાં જે કીર્તિ મેળાવીછે તેવી હજી કોઇએ મેળવીજ નથી. જગન્નાથ પંડિત દક્ષિણમાંથી આવી એના આશ્રય વડે રાજઋદ્ધિ પામ્યા હતા, અને તેમણે પોતાનું ફક્કડ કવિત્વ તથા કઠિણ પાંડિત્ય દર્શાવી સંસ્કૃત વિદ્યાના ગુલ થતા દીવાને ઘડીભર ખૂબ તેજસ્વી કર્યો હતો. ગંગ કવિ સાહિત્યના અનેક કવિત વખતો વખત અકબરશાની મોહોર દ્વારા દેશમાં ફેંક્યાજ કરતો હતો. બીરબલે આવી પોતાનું ચાતુર્ય તથા કવિત્વ એવું બતાવ્યું કે એના જેવી બાદશાહની કોઈ ઉપર પ્રીતિ નહોતી. બીરબલ જાતે (કોઈકના કહેવા પ્રમાણે) નાગર બ્રાહ્મણ હતો. એ એવો હાજર જવાબી તથા ખબરદાર હતો કે સર્વેનાં મન હરણ કરવાની એનામાં અપૂર્વ શક્તિ હતી. તે કવિતા પણ સારી કરતો હતો. એને અર્વાચીન કાળનો કાળિદાસ કહીએ તો ખોટું નથી. એને અકબરબાદશાહ હમેંશા કબિરાયજ કહેતો હતો. હાલ લોકમાં એના ચાતુર્યની કહાણીઓ ઘણી ફેલાઇ ગઇ છે અને તેથી એની કવિરીતની કીર્તિ કાંઇક અંધારામાં પડી છે ખરી, તોપણ ફારસી ગ્રંથોમાં એના ટુચકાઓ માલમ પડે છે. સંસ્કૃત અને વ્રજ ભાષામાં પણ એજ રીતે પ્રસંગોપાત કવિતા બોલતો તેથી અમે અત્રે બીરબલને નામે કેટલાક તરંગ દાખલ કરીએ છઇએ.

બીરબલનું મૂળ નામ શિવદાસ હતું. તે કુળવાન પણ ગરીબ ઘરનો હતો. તે સમયમાં મુત્સદ્દીને લાયક જે કેળવણી ગણાતી હતી તે બધી તેણે લીધી હતી. ભૂલશો નહિ કે તે વેળા પણ મુત્સદ્દીની કેળવણી હાલના જેવી તુચ્છ અને ધિક્કરવા જોગજ હશે. તે વેળા જેવો આપણો દેશ હતો, જેવા કારભારીઓ હતા, તેવી કેળવણી હતી. હાલ પણ જૂના કારભારીઓમાં કોઇ કોઇ ઠેકાણે આવી ઉંચી કેળવણીની છાયા દીઠામાં આવે છે. પણ ત્રણસે ચારસે વરસ ઉપર તો કોઇપણ માણસ રાજદરબારમાં પેસવાની હિંમત રાખે તે પહેલાં હિંદી, ફારસી, સંસ્કૃત ભાષાઓ સારી પેઠે ભણવાની જરૂર સમજતો હતો. થોડું ઘણું કવન પણ સઘળા કરી જાણતા. જુનાગઢના રણછોડજી દિવાનનો દાખલો તો હજી આપણા ગૂજરાતમાં તાજો છે.

એ પ્રમાણે અભ્યાસ કરી નોકરીની આશાએ બીરબીલ દીલ્લીમાં આવ્યો. અકબરશાહ કવિઓનો ઘણો પોશિંદો છે એવું એણે ચારે તર્ફથી સાંભળ્યું હતું અને તેથી એણે એ બાબત ઊપર વિશેષ લક્ષ આપ્યું હતું. જાતનું વળણ તથા શોખ પણ તે તર્ફજ હતાં. તેથી દિલ્લીના દરવાજામાં પેઠો કે એના મનમાં તો એમ થવા લાગ્યું કે ક્યારે હું કચેરીમાં જાઊં, અને કવિરાજ કહેવાઉં. તોપણ એ પહોંચેલો હતો. શહેરોના આતુર સ્વભાવ પ્રમાણે બારોબાર ધૂળભર્યાજ દેદારે ત્યાં જવાનું મનતો થયું, પણ તેને દાબી રાખી રાતવાસો એક મુસાફાખાનામાં જઇને ઉતર્યો. સવારમાં ઉઠી દિલ્લીવાનોના ફક્કડ પોશાક જોઈ એના મનમાં લાગ્યું કે જો હું મારા આ ગામડીએ લૂગડે દરબારમાં જઇશ તો મને ધક્કા મારીને કાઢી મૂકશે. એમાં કાંઈ શંકા નહિ. તેથી પાસે ખર્ચીમાં પાંચ રૂપીઆ બાકી રહ્યા હતા તેમાંથી એક રૂપિયો ધોબીને આપી તેની સાથે એવી બોલી કરી કે તારે મને ત્રણ દહાડા સુધી તાજાં કડકડતાં લૂગડાં આપવાં, અને કચેરીમાં જઇ આવ્યા પછી હું તને પાછા આપીશ. પછી ખાઇપીને શેહેર જોવાને તથા બાતમી કાઢવાને નીકળ્યો.

ફરતાં ફરતાં એ થાકી ગયો, પણ શહેરનો પાર આવ્યો નહિ. લોકો એવા બેદરકાર અને ટિખળી માલમ પડ્યા કે કોઈ રસ્તો જ બતાવે નહિ, ને કોઈ કદાપિ બતાવે તો એવો આડો કે ક્યાંનો ક્યાં એ બિચારો પરદેશી કૂટાયાંજ કરે. કોઈ મોટું મકાન જોય કે એના મનમાં એમ લાગે કે આ પાદશાહનો મહેલ આવ્યો. પણ તપાસ કરતાં જણાય કે એતો કોઈ સાધારણ વેપારી કે મુત્સદ્દીનું ઘર છે. કોઈ ઠાઠ ભર્યો રસાલો જતો દેખે કે ધારે કે એ પાદશાહની સ્વારી હશે, પણ પૂછતાં એનું નામ કોઈ દીલ્હીમાં જાણતું નથી એવો તે અપ્રસિદ્ધ નીકળે. એમ રખડતાં રખડતાં અને ભમતાં ભમતાં સાંજ પડવા આવી, પણ પાદશાહની કચેરીનો તો કાંઈ પણ પત્તો લાગ્યો નહિ. તેથી પાછો વળ્યો અને ઉતારો જડતાં એટલી મુશીબત પડી કે થાકીને લોથ થઈ જઈ વગર ખાધે ને પીધે એક સાદડી ઉપરજ સૂઈ ગયો. ત્યાં કોઇ ભઠીઆરો ભાતભાતના મુસલમાની ખાનાં વેચવાને આવ્યો હતો. તેણે તો કાંઇ ખરીદ કરી પોતાની ભૂખ શાંત કરવાને ઘણોએ સમજાવ્યો. કહ્યું કે દિલ્હીમાં ઘણાએ હિંદુ મારી પાસે આવીને છાનામાના મઝા મારી જાય છે, અને અલ્લાના કસમખાઈને જાહેર કર્યું કે, "નાનમેં તો કુચ બિટાલ નહિ હૈ", તોપણ એ બીરબલે માન્યું નહિ, ત્યારે તે પરમાર્થી ભઠીઆરો ચીડવાઇને ચાલ્યો ગયો, અને બબડતો ગયો કે આવા ગમાર કાફરોને રસુલઅલ્લાના ફરમાન મુજબ મારીનેજ દીન બોલાવ્યા વિના કદી પણ સમજવાના નથી.

બીજે દહાડે તો બીરબલે ગમે તેમ કરીને પાદશાહી મહેલનો પત્તો મેળવ્યો; જાતે તે જઇને બાહરથી જોઈ આવ્યો; ત્યાં જવાની ગલીએ ગલી ઓળખી રાખી; રાત્રે દરરોજ વિદ્વાન મંડળ ક્યારે ભેળું થાય છે તેને ખૂદ દરવાન પાસેથી જ બાતમી મેળવી; અને ખુશી થતો મધ્યાન્હ પહેલાં ધર્મશાળામાં પાછો આવ્યો. હરખમાં કંસારના મિષ્ટાન્ન ઉડાવ્યાં અને નિરાંતે બે ઘડી નિદ્રા પણ લીધી. પાછલે પહોરે ઊઠી મોં ધોયું, મૂછને વળ દીધા, શિખા ટિકા સમારી કસબી ફેટો બાંધી લીધો, કડકડતા નવરંગી કોકા પટકાવ્યા, અને આઇનો હાજર ન હોવાથી કંકુની દાબદીના ચાટલામાં હરખથી પોતાનું મોં નિરખી ધર્મશાળાની બહાર નીકળી પડ્યો. બારણે ઉભા ઉભા અર્ધીક ઘડી તો શુકન જોવામાં કાઢી. પણ પછીથી સમજ્યો કે દિલ્લી જેવું ઘીચ વસ્તીવાળું શહેર જ્યાં સો સારા અને સો માઠા શુકન એક પલકમાં આવી જાય ત્યાં શુકન જોવા ઉભા રહેવું એ કાંઇજ કામનું નથી. નગરવાસથી જે વિચારમાં સુધારો થાયછે તેના આ પ્રમાણે ગણપતિ બેઠા; અને બીરબલ વગર શુકને આગળ ચાલ્યો. આ રીતે નિભ્રાંત પગલું મૂક્યું કે તુર્તજ સામી એક સવચ્છી ગાય મળી અને પાછળથી બંદૂકના ભડાકા જેવી ત્રણ છીંકો થઈ. આથી એ જરા ખંચાયોતો ખરો પણ ફિકર નહિ એમ કહી પોતાને રસ્તે પડ્યો. વાટે અત્તરીઆની દુકાનેથી ભાતભાતના અત્તર લઈ રૂમાલમાં નાંખ્યા, અને કોથળીમાં કેટલા દામ શિલક રહ્યાં છે તેનો જરા પણ વિચાર કર્યો નહિ. એના મનમાં નિશ્ચય હતો કે પાદશાહની મુલાકાત થઈ કે તેની પ્રીતિ થતાં વાર નથી અને એમ થયું તો પછી પૈસો એ શી ચીજ છે. પણ રાજ મહેલ આગળ પહોંચતા એને એક અણધાર્યું વિધ્ન નડ્યું. દરવાને એને બાતમી આપી હતી ખરી, અને બીરબલની વાણીથી મોહિત પણ થઈ ગયો હતો ખરો, તોપણ તે પોતાની દસ્તુરીવિના નવા ઉમેદવારને દાખલ કરે એવો કાંઈ કાચો નહતો. દસ્તુરી કહો, પાનસોપારી કહો, કે ચેરીમેરી કહો, પણ અમીરોના દિવાનખાનામાં પેસવાનો ખરો પરવાનો એજ છે. બધાને મળવાને માટે મોટો કામદાર ગમે એટાલો આતુર હોય તોપણ દરવાનના હાથ પૂજ્યા વિના કોઇ પણ તેની રૂબરૂ પહોંચી શકતો નથી. બીરબલની વ્યવહારબુદ્ધિ જન્મથીજ અસાધારણ હતી તેથી તે પોતાની ગણત્રીમાં આ વાત ભૂલી ગયો નહોતો, પણ પાદશાહના દ્વારપાળ જોગું એની પસે કાંઈ આપવાનું હતું નહિ, અને તેથી એણે તેને કહ્યું કે મને આજની મુલાકાતે જે મળાશે તે બધું હું તને આપીશ. આ સાંભળી બુઢ્ઢો દરવાન ખડખડ હસી પડ્યો, અને બોલ્યો કે બીરબલ તું બડો બેવકૂફ દેખાય છે કે મને તું બેવકુફ ધારે છે. હજારો દરબારમાં ધક્કા ખાઈ પાયમાલ થઇ પાછા ચાલ્યા જાય છે અને એમની ઉમેદ જરાપણ પાર પડતી નથી. તું કહે છે એવા જો કરાર કરવા હું બેસું તો મારાં છોકરાં ભૂખે મરે. ભાઈ, અમે તો રોકડીઆ, અમને અમારી દસ્તુરી આપો અને પછી તમારા કિસ્મતમાં હોય તે તમે પામો. અમારે એ વાતની કાંઈ પણ લલુતા નથી. બીરબલે બહુએ જુક્તિ કરી, કાલાવાલા કર્યા. અને બહુએ આડાઅવળા પાસા નાખ્યા, પણ તેથી કાંઈ પેલો ડગ્યો નહિ. આખરે બીરબલે કહ્યું કે મને અંદર જવા નહિ દેતો ફિકર નહિ, પણ આ કાગળ ઉપર હું દૂહો લખી આપુંછું તે પાદશાહને પહોંચાડી આવ; આ સાંભળી દરવાન તો છેક રાતો પીળોજ થઈ ગયો, ને તે કાગળ હાથમાંથી ઝુંટી ચાર કકડા કરી પાસે હોજ હતો તેમાં ફેંકી દીધો, અને એને કે ધક્કો મારી દૂર હાંકી મૂક્યો. બીરબલે બહુએ પોકાર કર્યો પણ કોણ સાંભળે ? આ ઉપરથી એ જગા ઉજ્જડ હતી એમ સમજશો નહિ. હજારો ઘોડીની ત્યાં ઠઠ મચી રહી હતી એ પહેરેગીરો પહેરો ફરી રહ્યાં હતા. પણ કોની તાગાદ કે પાદશાહી દરવાનને કાંઇ કહી શકે? પહેરેગીરોએ સાંભળ્યું તેનું ફળ તો એ થયું કે એનો હાથ પકડી મહેલથી અગાડી દૂર તેમાંનો એક એને પહોંચાડી આવ્યો અને કહ્યું જો આવું ધાંધલ ફરીથી મચાવીશ તો તને પકડીને તુરંગમાંજ ઘાલીશું. રજા વિના હજુરમાં જવાય ?

આ બનાવથી બીરબલની સઘળી આશાઓ પડી ભાગી. જ્યાં શાહની સન્મુખ જઈ શકાતું નથી ત્યાં પછી એની બધી કવિત્વ શક્તિ શા કામમાં આવે? પાસે ખર્ચી સઘળી ખૂટી પડી હતી. વાંસળી છોડીને જોયું તો કાલનું મોદીખાનું વસાવવા જેટલા પણ પૂરા દામ રહ્યા નથી. હવે શું કરવું ? દિલ્હી જેવા મોંઘા શહેરમાં શી રીતે રહી શકાય? રહીને કરવું શું? ક્યાં સુધી રહેવું ? દિલ્હીમાં સો વરસ કાઢે તોપણ દરવાન તો એની દસ્તુરી વિના દાખલ કરવાનો નથીજ. એનું મોં કેવડું? સો સો ને હજારો મોહરો તો એના એક દાંત નીચે દબાઈ જતી અને એ પ્રસન્ન થતો નહિ. બીરબલના ઉપર ખાસ મહેરબાની કરીને સો મોહોરે કબુલ થયો હતો, પણ બીરબલ તે લાવે ક્યાંથી ? પાછો પોતાને ગામ પગ ઘસડતો અને ભીખ માગતો જાય, તોપણ ઘરમાં સો રૂપિયા નહોતા તો સો મોહોરો ક્યે ઝાડેથી તોડી લાવવી? શું રાજ દરબારમાં જવાનો લોભજ છોડી દેવો? શું બીજાઓની પેઠે પ્રથમ કોઈ હલકા મુત્સદ્દીનો આશ્રય પકડાવો અને પછી નશીબ પર હાથ મૂકી બેસવું? એમ કરેથી ધારેલી મોટી ઉમેદો શી રીતે પાર પડે? વખતે જિંદગી પૂરી થાય તોપણ બાદશાહની હજુરમાં જવું જ બની શકે નહિ. આમ કરેથી મુત્સદ્દીપણાના કાંઈ કોડ કદાપિ પૂરા પડે, પણ કવિરાજ થવાની આશા તો નિર્મૂળ જ થાય. સામાન્ય બુદ્ધિવાળાની નોકરી ઉઠાવવી એના જેવું ભૂંડું શું ? એમાં શો માલ? શું હું બીરબલ એથી જ સંતોષ પામું? આ પ્રમાણે નાના પ્રકારના ખ્યાલ એના મનમાં ઉછાળા મારે અને એને કાંઇ સૂઝ પડે નહિ. ઉદાસીમાં છેક ગરક થઇ ગયો, છાતી ભરાઇ આવી, અને આંખમાંથી દડદડ આંસુ ચાલવા લાગ્યાં. તોપણ જાતે ધીરજવાળો હતો તેથી જીવ કઠણ કરીને ઉતારે પાછો આવ્યો, અને સુતો સુતો હજારો અંદેશા કરવા લાગ્યો. એના મનમાં એવોજ આગ્રહ ભરાયો કે એ દરવાનના મોંમાં તમાચો મારી કાંઇ પણ આપ્યા વિના હું સરેતોરે કચેરીમાં જાઉં, પાદશાહને રંજન કરૂં, અને તેજ ક્ષણે હું માનીતો થાઉં તોજ મારૂં નામ ખરૂં. પણ તે થાય કેમ ? એક તજવીજનો વિચાર કરે અને પછી પડતી મૂકે. એમ હજારો યુક્તિનું ચિંતવન કર્યું, પણ રસ્તો સૂઝે નહિ. આખરે પાછલી રાત્રે એને એક એવો સરસ બુટ્ટો સુઝ્યો કે એને રૂએ રૂએ હરખ વ્યાપી ગયો અને હું ફતેહ પામીશ એવો નિશ્ચય કરી નિરાંતે ઉંઘ્યો.